ભારત સરકાર દ્વારા આ ૧૯૯૯ના વર્ષને ‘સંસ્કૃત વર્ષ’ તરીકે મનાવવાનું નક્કી કરાયું છે. ભારતના ભૂતકાળ અને ભવિષ્યકાળને એક સૂત્રે બાંધવા માટે ભારતની બધી પ્રાદેશિક ભાષાઓની ગંગોત્રી સમાન આ ગીર્વાણગિરાના પ્રવાહનું સાતત્ય જાળવવાના એક પ્રેરકબળ તરીકે – એક ઉપાય તરીકે સરકારનું આ પગલું સમયોચિત અને સમુચિત જ છે. કારણ કે આપણી શાશ્વત સજીવ સંસ્કૃતિનો મર્મ પામવામાં – એના હાર્દ તરફ દોરી જવામાં – એ અગત્યનું સહાયકારક પરિબળ છે.

સરકારનો આ પ્રસ્તાવ અત્યારે વધુ પ્રસ્તુત તો એટલા માટે છે કે શ્રી અરવિંદ કહે છે તેમ અંગ્રેજી ભાષાના જરૂર કરતાં ઘણા જ વધારે પડતા ઉપયોગ દ્વારા ભારતીય ભાષાઓની ઉપેક્ષા કરીને એને સાવ નિસ્તેજ બનાવી દેવાની લાંબા સમયથી ચાલી આવતી કુપ્રણાલીએ ભારતની અભીપ્સિત ત્વરિત પ્રગતિમાં જે રુકાવટ ઊભી કરી છે, એટલી રુકાવટ કદાચ બીજી કોઈ બાબતે કરી નથી. આવશ્યકતા કરતાં વધારે અંગ્રેજીના ઉપયોગ દ્વારા ભારતીય ભાષાઓને નિસ્તેજ કરી મૂકવાની આ પ્રવૃત્તિ ન થઈ હોત તો ભારતીય ભાષાઓ એની મૂળ ગંગોત્રી સંસ્કૃત ભાષાના સામર્થ્યથી ઉત્તરોત્તર વધુ ને વધુ વિકસિત બની શકી હોત અને સંસ્કૃત પણ ઉત્તરોત્તર વધુ સમૃદ્ધ બની ગઈ હોત. પણ અંગ્રેજીના મોહથી એ ન બની શક્યું, એટલું જ નહિ, પણ એનાથી સંસ્કૃતની પણ ઘોર ઉપેક્ષા થઈ. અને જાણે કે એ ગંગોત્રી પણ સુકાવા લાગી, એની સર્જનશક્તિ અટકી ગઈ, એની શબ્દનિર્માણની ક્ષમતાને મોકો ન મળ્યો અને એવું બધું ઘણું ઘણું નુકસાન થયું. અને ભારતના સાંસ્કૃતિક ગૌરવને મોટી હાનિ પહોંચી.

મેક્સમૂલર સાચું જ કહે છે: ‘જે લોકો પોતાની સંસ્કૃતિ, પોતાનો ઈતિહાસ અને પોતાના સાહિત્ય માટે ગર્વ નથી ધરાવતા, તે લોકો પોતાના રાષ્ટ્રીય ચારિત્ર્યનો મુખ્ય આધાર ગુમાવી બેસે છે. જ્યારે જર્મની પોતાની રાજકીય અવનતિની ઊંડી ગર્તામાં ધકેલાઈ ગયું હતું ત્યારે એણે પોતાના પ્રાચીન સાહિત્યનો આશરો લઈ ભૂતકાળના અભ્યાસ દ્વારા ભવિષ્ય માટેની પ્રેરણા પ્રાપ્ત કરી હતી.’

લોર્ડ મેકોલેએ આ દેશમાં દાખલ કરેલી શિક્ષણનીતિને પરિણામે આજે ભારત આવી જ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. અને એથી એણે પણ જર્મનીએ અપનાવેલો ઉપાય જ અપનાવવાનો સમય પાકી ગયો છે. આઝાદી મળ્યે અડધી સદી વીતી ગયા છતાં ય આ મોહ દુર્ભાગ્યે વધુ ને વધુ વકરતો અને પ્રસરતો નજરે પડે છે. અને ‘ધર્મનિરપેક્ષતા’નાં ઓઠાં હેઠળ સંસ્કૃતને દેશવટો આપવાની તજવીજ થઈ રહી છે! અને આ રીતે ભારતના સાંસ્કૃતિક-સામાજિક-આધ્યાત્મિક વારસાના હાર્દ સમા આ સંચિતનિધિરૂપ સંસ્કૃતભાષાને તરછોડી દેવા કેટલાક કહેવાતા કેળવણીકારો અને સત્તાધારીઓ અનધિકારચેષ્ટા કરી રહ્યા છે અને સંસ્કૃત સાથે ધર્મનિરપેક્ષતાને ભીડવી રહ્યા છે!

‘જીવનને ધારણ કરનાર બળ એ જ ધર્મ છે, એટલે ‘ધર્મનિરપેક્ષતા’નો અર્થ ‘ધર્મવિહીનતા’ એવો તો થઈ જ ન શકે’- એવું ડૉ. રાધાકૃષ્ણન્ વગેરે મહાન ચિંતકો અને તત્ત્વજ્ઞાનીઓએ તેમજ કેટલાય સમજુ પીઢ રાજપુરુષોએ વારંવાર પોતાનાં લખાણો કે ભાષણો દ્વારા સમજાવ્યા છતાં પણ રાજકીય લાભ ખાટવા માટે રાજકારણીઓએે ઊભું કરેલું આ એક મોટું કાવતરું હજુ ચાલુ જ રહ્યું છે. એ વિચિત્ર સ્વાર્થ છે. એવાઓએ ‘ધર્મનિરપેક્ષતા’ના તોડેલા-મરોડેલા વિકૃત કરેલા અર્થને પરિણામે આખી કેળવણી જ મૂલ્ય નિરપેક્ષ-નીતિનિરપેક્ષ-અધ્યાત્મનિરપેક્ષ અને સંસ્કૃતિનિરપેક્ષ બની ગઈ કારણ કે એ કેળવણીથી વિદ્યાર્થીને જે કંઈ મળે છે તેનો શો, કેમ અને શા માટે ઉપયોગ કરવો, એની ભૂમિકા જ ન રહી!

વિદ્યાર્થી સ્વસંસ્કૃતિની ગરિમા જ વીસરી ગયો છે. સુપ્રિમ કોર્ટના માજી ન્યાયમૂર્તિ શ્રી વેંકટરામૈયા એનું કારણ બતાવતાં કહે છે કે ‘સંસ્કૃત ભાષા વિના ભારતીયતાની કલ્પના પણ થઈ શકે નહિ.’

સંસ્કૃત સામે પૂર્વોક્ત રીતે ઊભા કરાયેલાં કાવતરાંના એક ભાગ રૂપે થોડાક વખત પહેલાં કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) માધ્યમિક કક્ષાએ સંસ્કૃતને ફરજિયાત વિષય બનાવવાને બદલે એક વૈકલ્પિક વિષય તરીકે પણ પાઠ્યક્રમમાંથી સંસ્કૃતને કાઢી નાખ્યું! એ રીતે આખા દેશમાંથી સંસ્કૃતને અને એના દ્વારા સંસ્કૃતિને નેસ્તનાબૂદ કરવાનું દુ:સાહસ ભર્યું પગલું ભર્યું!

આ મામલો કોર્ટમાં ગયો. કેન્દ્રના સરકારી ધારાશાસ્ત્રી એડિશનલ સોલિસિટર જનરલ શ્રી કે.ટી. એસ. તુલસીએ તત્કાલીન સરકાર તરફી એવી રજૂઆત કરી કે આજે માધ્યમિક શાળાના અભ્યાસક્રમમાં સંસ્કૃતને મૂકવામાં આવશે, તો કાલ ઊઠીને ફ્રેન્ચ અને જર્મન પણ એ જ રીતે ભણાવવી પડશે. અને જો આવું ચાલ્યું તો તો બોર્ડ લોંગા જેવી તદ્દન અપરિચિત અને ભાગ્યે જ કોઈએ નામ સાંભળ્યું હોય, તેવી ભાષાના અધ્યાપનની-અધ્યયનની પણ સગવડ ઊભી કરવી પડશે.

એક સામાન્ય વિચાર કરનાર માણસ પણ ઉપરની દલીલની પોકળતા સમજી શકે તેમ છે કે ભારતમાં સંસ્કૃત ભાષાના વિશિષ્ટ અને અનિવાર્ય સ્થાનની તુલનામાં દલીલમાં દર્શાવેલી એક પણ ભાષા કદીય એ સ્થાન લઈ શકે તેમ નથી.

વરિષ્ઠ ન્યાયમૂર્તિ શ્રી કુલદીપ સિંહ અને ન્યાયમૂર્તિ શ્રી બી.એલ. હંસારિયાએ ઉપરની દલીલોને નકારતાં કહ્યું: ‘સંસ્કૃતના ભણતર વિના, ભારતીય સંસ્કૃતિ અને ભારતીય વારસા પર જેની માંડણી થઈ છે, તે – ભારતીય ફિલસૂફી – ભારતીય તત્ત્વદર્શન -ને સમજવાનું અશક્ય જ છે.’ સંસ્કૃત પંચના અહેવાલનો ઉલ્લેખ કરીને ન્યાયમૂર્તિઓએ કહ્યું: ‘રાષ્ટ્રિય એકતાની દૃષ્ટિએ સંસ્કૃત ભાષા આ મહાદેશની વિવિધતામાં એકતા અનુભવતી પ્રજાને માટે, એકતાંતણે બાંધનાર સેતુ સમાન છે.’

તત્કાલીન સરકારી ધારાશાસ્ત્રીની એક બીજી દલીલ એ હતી કે ‘સંસ્કૃતને અભ્યાસક્રમમાં પુન:સ્થાપિત કરવાનો નિર્ણય લેવાથી અરબી અને ફારસીને પણ એ જ સ્તરે મૂકવી પડશે, અને જો એમ કરવામાં નહિ આવે, તો દેશની ‘ધર્મનિરપેક્ષતા’ને આંચ આવી શકે.’

ન્યાયમૂર્તિઓએ ઉપરના તર્કને તદ્દન વજૂદ વગરનો ગણાવ્યો અને કહ્યું: ‘સેક્યુલરવાદ ઈશ્વર વિરોધી નથી. તેમ ઈશ્વરવાદી પણ નથી. એ તો આસ્તિકો-નાસ્તિકો-સૌને સમાન ગણે છે.’ સર્વોચ્ચ અદાલતના ભૂતપૂર્વ ન્યાયમૂર્તિ શ્રી.એચ.આર.ખન્નાને ટાંકતાં ન્યાયમૂર્તિ શ્રી હંસારિયાએ જણાવ્યું: ‘કોઈ વ્યક્તિ નિષ્ઠાવાન હિન્દુ હોય કે નિષ્ઠાવાન મુસ્લિમ હોય એટલા માટે એ ધર્મનિરપેક્ષ મટી જવાની માન્યતા ભૂલભરેલી છે.’

આ ન્યાયમૂર્તિઓએ પણ આપણા ચિંતકો, તત્ત્વજ્ઞો, પીઢ રાજપુરુષોની પેઠે જ ‘સેક્યુલારીઝમ’નો ખરો અર્થ સમજાવતાં કહ્યું: ‘ધર્મનિરપેક્ષ’ શબ્દનો અર્થ ‘ધર્મ વિરોધી’ એવો થતો નથી. પણ ‘સર્વધર્મ વિષયમાં તટસ્થ ભૂમિકા અપનાવનાર’-એવો થાય છે.’

સુપ્રિમ કોર્ટે બોર્ડને ચુકાદા પછીના ત્રણ માસમાં જ સંસ્કૃતને પાઠ્યક્રમમાં પુન: સ્થાપિત કરવા, એને પૂર્વવત્ સ્થાન આપવાનો એક શકવર્તી ચુકાદો આપ્યો છે.

ચુકાદો વધુમાં ભારપૂર્વક જણાવે છે કે આપણી સંસ્કૃતિનાં ઝરણાંને સુકાતાં અટકાવવા માટે સંસ્કૃતનો અભ્યાસ અનિવાર્ય છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ જેવી જવાબદાર સંસ્થાની સંસ્કૃત-વિરોધી નીતિનો સુપ્રીમ કોર્ટે જે ઊધડો લીધો, તે સૌ વિચારવંતોએ ધડો લેવા જેવી વાત છે.

કોઈ પણ રાષ્ટ્ર પોતાના આગવા અને સર્વગ્રાહી સાંસ્કૃતિક ઈતિહાસ વિના હસ્તી ધરાવી શકે નહિ. રાષ્ટ્રાત્માની વિકાસયાત્રાની સંપૂર્ણ હકીકત એ જ એનો ઈતિહાસ છે. ભારતીય રાષ્ટ્રના પુનરુત્થાન માટે એના વિશિષ્ટ ઈતિહાસની સમજ અને એમાંથી પ્રાપ્ત થતા એના મૂલગત આદર્શો, સિદ્ધાન્તો, અભીપ્સાઓ – બધું જ સંસ્કૃત દ્વારા જ પૂર્ણત: અભિવ્યક્ત થયું છે. એટલે આવી પરિસ્થિતિમાં સંસ્કૃતની અવગણના કરવી, એ તો એક આત્મઘાતી પગલું જ ગણાય.

સ્વામી વિવેકાનંદ કહે છે: ‘સંસ્કૃતભાષાનું ઉચ્ચારણ માત્ર જ માનવજાતિને પ્રતિષ્ઠા, પ્રભાવ તેમજ બલ પ્રદાન કરે છે… ભલે તમે જનસમૂહને એની માતૃભાષા દ્વારા શિક્ષણ આપો; ભલે માતૃભાષા દ્વારા વિચારોનું આદાનપ્રદાન એને કરવા દો; એનાથી એમને માહિતી – જાણકારી તો જરૂર મળશે; પણ એના કરતાં એને કશાક વધારેની આવશ્યકતા છે. એમને જીવનની સંસ્કૃતિ-જીવનનું ખેડાણ-જીવનની કેળવણી આપો, ઉદાત્ત જીવનનું શિક્ષણ આપો. તમે જ્યાં સુધી માનવસમૂહને એવી કેળવણી નહિ આપો, ત્યાં સુધી લોકોની ઉન્નતિની સ્થાયી સ્થિતિ આવી શકશે નહિ. જો એને (જીવનસંસ્કૃતિદાયક) સંસ્કૃત ભાષાનું શિક્ષણ આપવામાં નહિ આવે, તો સંસ્કૃત ભાષાનો જાણકાર એવો એક અલગ વર્ગ જ સમાજમાં ઊભો થઈ જશે અને તે વર્ગ પોતાની વિશિષ્ટતાથી બાકીના જનસમૂહ ઉપર ઝડપથી વર્ચસ્વ જમાવતો બની જશે. આવું ન થઈ બેસે, એટલા માટે હું સમાજના નિમ્નકોટિના ગણાતા વર્ગને કહું છું કે તેમને માટે પોતાની સ્થિતિને ઉન્નત બનાવવાનો એકમાત્ર ઉપાય, સંસ્કૃતનું અધ્યયન કરવું, એ જ છે.’

પ્રથમ લોકભાષામાં ઉપદેશ આપતા બૌદ્ધ અને જૈનોએ પણ પાછળથી સંસ્કૃતગ્રંથ રચના શરૂ કરવી પડી. એનું રહસ્ય પણ સ્વામી વિવેકાનંદના ઉપર્યુક્ત વિધાનમાં છતું થાય છે, કેટલાક મૂળ પાલી કે અર્ધમાગધી ગ્રન્થોનાં પાછળથી સંસ્કૃતમાં રૂપાન્તર પણ થયાં છે.

આ રીતે ભારતીય સંસ્કૃતિની ભૂત-ભાવિને જોડતી કડી રૂપ, આત્મશક્તિ અને વિકાસના અનિવાર્ય પરિબળ સ્વરૂપ, ભારતીય સંસ્કૃતિના મર્મને ઉદ્‌ઘાટિત કરનાર, સાચા ભારતીયત્વની પ્રેરક, પ્રતિષ્ઠા-પ્રભાવ-બળ આપનાર, આપણા સર્વગ્રાહી સાંસ્કૃતિક વારસાના સંચિત નિધિ સમાન,ભારતની બધી જ પ્રાદેશિક ભાષાઓના પ્રભાવ અને જોમને પોષનાર તેમજ વધારનાર, દીર્ઘકાલીન અને સર્જનાત્મકતાના અખૂટ સ્રોતની ક્ષમતાવાળી, સમગ્ર ભારતને એક સૂત્રે બાંધનારી એવી આ સંસ્કૃત ભાષા આપણી સંસ્કૃતિનું અનિવાર્ય વાહક માધ્યમ છે, એમ ભારતના અને બહારના બધા જ ભારતવિદ્યાવિદો અને ચિંતકો માને છે.

આધુનિક સમયમાં સંસ્કૃતની વ્યાવહારિક પ્રસ્તુતતા પણ ઓછી નથી. ઉપરની બધી વાતો ઉપરથી એનો પણ સ્પષ્ટ ખ્યાલ આવ્યા વગર રહેશે નહિ. અને એટલા જ માટે આપણા સંવિધાને પણ વિવિધ વિદ્યાક્ષેત્રોમાં તેમજ રાજશાસ્ત્રમાં નવા નવા ઉદ્‌ભવતા રહેતા પારિભાષિક શબ્દોને આપણી ભાષામાં ઘડવા માટે પ્રધાનતયા સંસ્કૃતભાષાનો આશરો લેવાનું ઠરાવ્યું છે. એ વાત સંસ્કૃતની શબ્દઘડતરની અનન્ય ક્ષમતા દર્શાવે છે.

વળી, ભારતીય ભાષાવિજ્ઞાન સમ્બન્ધી અધ્યયન અને સંશોધન માટે તો સંસ્કૃત વગર ચાલે તેમ જ નથી. ભારતની બધી જ પ્રાદેશિક ભાષાઓના શબ્દોનું મૂળ, ધ્વનિપરિવર્તન, અર્થપરિવર્તન, વિકાસના નિયમો અને એ બધાં ઉપરથી ઊભો થતો સાંસ્કૃતિક વિકાસ કે ગતિનો ક્રમબદ્ધ આલેખ વગેરે જાણવા માટે સંસ્કૃત ભાષાનું જ્ઞાન પાયાની વસ્તુ છે. શ્રી કે.કા.શાસ્ત્રી જેવા ઘણા ભાષાવિજ્ઞાનીઓ તો એવું માને છે કે વૈદિક સંસ્કૃતના પાયા વગર ભાષાવિજ્ઞાન શીખી જ ન શકાય.

હવે તો નિષ્ણાતો પાસેથી એવું પણ જાણવા મળ્યું છે કે આ નવા યુગમાં કમ્પ્યુટરમાં વધારેમાં વધારે જો કોઈ ભાષા બંધબેસતી થતી હોય તો તે સંસ્કૃત છે. સંસ્કૃત ભાષા અને વર્ણમાલાની આ વૈજ્ઞાનિકતા આપણને સાનંદાશ્ચર્ય ઉપજાવે છે. અને ભારતની પ્રાદેશિક ભાષાઓની પુષ્ટિ, પરિષ્કાર અને સંવર્ધન માટે સંસ્કૃત માતાના દૂધ જેવું જ એક રસાયન છે, એ તો સુવિદિત છે જ.

બધી રીતે વિચાર કરતાં વિજ્ઞાન અને સંસ્કૃત-એ બે વિષયોનું સુચારુ અધ્યયન-અધ્યાપન આપણા માધ્યમિક શિક્ષણ સુધી તો આજે એક અનિવાર્ય આવશ્યકતા લાગે છે. અને એક વિના બીજું જાણે કે અપૂર્ણ લાગે છે. આવે વખતે સંસ્કૃતના વિકાસ માટે કેટલાક ઉપાયો વિચારવા રહ્યા. એ ઉપાયો આવા હોઈ શકે:

(૧) ડૉ. રાજેન્દ્રપ્રસાદ જ્યારે ભારતના રાષ્ટ્રપતિ હતા તે સમયગાળામાં ડૉ. સુનીતિકુમાર ચેટર્જીના અધ્યક્ષપણા હેઠળ પહેલા સંસ્કૃત કમિશનની નિયુક્તિ થઈ હતી. એ વખતે એવું ઠરાવાયું હતું કે દર પાંચ વરસે ભારતમાં થયેલા સંસ્કૃતના વિકાસની સમીક્ષા કરીને આગળ ઉપરની યોગ્ય ભલામણ કરવા માટે બીજું સંસ્કૃત કમિશન નિમવું. પરન્તુ પહેલા સંસ્કૃત કમિશનનો અહેવાલ બહાર પડ્યા પછી ઠેઠ આજ સુધી એવું કોઈ કમિશન નિમાયાના કશા સમાચાર નથી; તેમજ પહેલા સંસ્કૃત પંચે સંસ્કૃતવિકાસ માટે કરેલી ભલામણોના અમલની પણ કોઈ નિશાની નજરે પડતી નથી. એટલે સૌ પહેલાં તો એ દર પાંચ વરસે અપેક્ષિત એવા સંસ્કૃત પંચની નિમણૂકની બંધ પડેલી પ્રથા સત્વરે પુન: સ્થાપિત કરવી જોઈએ.

(૨) આવાં સંસ્કૃત કમિશનોએ સંસ્કૃતવિકાસ માટેની કરેલી ભલામણોને અમલી બનાવવા યોગ્ય શિક્ષકો તૈયાર કરવા માટે પૂરતી કાર્યશાળાઓ અને સેમિનારોનું આયોજન કરવું જોઈએ.

(૩) સંસ્કૃત-શિક્ષણમાં ચાલી આવતી પરંપરાગત અને નવી શિક્ષણ પ્રણાલીઓનો સમન્વય સાધીને બન્ને પદ્ધતિઓના સ્નાતકોને સમાન કક્ષામાં મૂકવા જોઈએ.

(૪) સામાન્ય વિશ્વવિદ્યાલયોએ સંસ્કૃતના સ્નાતકો માટેના પાઠ્યક્રમમાં ભાષાકીય તત્ત્વો અને આલોચનાત્મક તત્ત્વોનો સંતુલિત અને પદ્ધતિસરનો વિનિયોગ કરવો જોઈએ. આજે જોવા મળતા સંસ્કૃતના નિમ્નતર ધોરણ માટે આ વધતું જતું અસંતુલન જ જવાબદાર છે.

(૫) સમન્વિત કરેલી ઉપર્યુક્ત બન્ને પદ્ધતિઓમાં તૈયાર થયેલા સંસ્કૃતજ્ઞોને ‘સામાન્ય’ કે ‘વિશિષ્ટ’ વિશ્વવિદ્યાલયમાં સાર્વહેતુક સમકક્ષતા મળવી જોઈએ. એટલું જ નહિ ગમે તે વિષયના સ્નાતકની સરકારી નોકરી મેળવવાની પાત્રતા પરંપરિત પદ્ધતિના સંસ્કૃત સ્નાતકને પણ મળવી જોઈએ.

(૬) કેન્દ્રિય વિદ્યાલયોના પહેલાંના પાઠ્યક્રમ પ્રમાણે પાંચમા ધોરણથી જ સંસ્કૃત ભાષાનો સામાન્ય પરિચય આપતા રહેવું કે જેથી છાત્રોને પોતાની માતૃભાષામાં પણ ઉચ્ચારણશુદ્ધિની કેળવણી મળતી રહે. (અત્યારે પાંચમા ધોરણથી વિદ્યાર્થીઓને જે રીતે અંગ્રેજીનો પરિચય મોટાભાગે કરાવાય છે તેમ.)

(૭) ભારતના દરેક રાજ્યમાં ઓછામાં ઓછી

એક સંસ્કૃત યુનિવર્સિટી હોવી જોઈએ, જ્યાં અધ્યયન-અધ્યાપન અને અન્ય બધા વ્યવહારો સંસ્કૃત ભાષામાં જ ચાલતા હોય. આવી યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓ મેળવવા માટે કેટલીક પ્રોત્સાહક સુવિધાઓ આપવી ઘટે તો આપવી જોઈએ. એ માટે સખી ગૃહસ્થો પાસેથી પણ સહાય લઈ શકાય.

(૮) જ્યારે મુંબઈ યુનિવર્સિટી એન્ટ્રેન્સ પરીક્ષા લેતી, (૧૯૪૭ અને એ પહેલાં) તે વખતે એ પરીક્ષા માટે નિયત કરેલો સંસ્કૃત અભ્યાસક્રમ અને પ્રશ્નપત્રનું પરિરૂપ બન્ને આજના દસમા-બારમા ધોરણમાં દાખલ કરવાં જોઈએ અને એના જ અનુપાતમાં આઠમા ધોરણથી સંસ્કૃતનો અભ્યાસક્રમ ગોઠવવો જોઈએ.

(૯) સંસ્કૃતનો સ્નાતક વ્યાકરણજ્ઞાનમાં ઓછામાં ઓછો ભાંડારકરનાં બે પુસ્તકો કે કાલેના સંસ્કૃત વ્યાકરણની અનિવાર્ય મૂડીથી પૂરેપૂરો સજ્જ હોવો જ જોઈએ.

(૧૦) સર્વગ્રાહી વિજ્ઞાન, સંસ્કૃતભાષા અને આપણો સાંસ્કૃતિક ઈતિહાસ-આ ત્રણ વિષયો માધ્યમિક શિક્ષણક્ષેત્રે ફરજિયાત બનાવવાની જરૂર લાગે છે.

(૧૧) જરૂર કરતાં અંગ્રેજીનો ઘણો વધારે ઉપયોગ કરવાની ફેશન કે મોહને છોડીને પ્રાદેશિક ભાષાનો ઉપયોગ કરવો અંગ્રેજી બોલવાનું હોય, ત્યારે વ્યાકરણ શુદ્ધ અને સ્પષ્ટ અંગ્રેજી બોલવું પણ પ્રાદેશિક ભાષા સાથે એની ખીચડી કરીને બોલવું નહિ.

(૧૨) શિક્ષણક્ષેત્ર ઉપરાંત સંસ્કૃત પત્રપત્રિકાઓ, સંસ્કૃત ભાષામાં યોજાતા અન્ય પ્રતિયોગિતાઓ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમોને સરકારી અને સામાજિક સહાય મળવી જોઈએ. આવા અનેક ઉપાયો સંસ્કૃત વિકાસ માટે વિચારી શકાય. આપણે આશા રાખીએ કે ભાવિભારતમાં સંસ્કૃતભાષા ઉન્નત શિખરે બેસે, પ્રબળ વિચારવાહક રૂપે વિકસે, એની સર્જકતા ફૂલેફાલે, બધી પ્રાદેશિક ભાષાઓને એ પાળે-પાષે અને સંચિતનિધિની જાળવણી કરે, એને વધારીને વ્યાપક બનાવે, ભારતમાતાને એકહૃદયી બનાવે-આપણે પ્રાર્થીએ કે ‘એક હૃદય હો ભારતજનની.’

Total Views: 147

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.