આ દેશને ૨૧મી સદીમાં વાસ્તવિક રીતે દોરી જવા ભારતના સુપ્રસિદ્ધ વિદ્વાન શ્રી સી. સુબ્રમણ્યમ્‌ની પ્રેરણાથી બઁગલોરમાં ૭,૮ ઑગસ્ટ, ૧૯૯૯ના રોજ મળેલ સાયન્સ સમિટનો સંક્ષિપ્ત અહેવાલ અહીં વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે. – સં.

ભારત ૨૧મી સદીમાં વિકસિત રાષ્ટ્ર બની રહે એ માટે ભારતના પ્રબુદ્ધજનો ચિંતા સેવ્યા કરે છે, ચિંતન-મનન કર્યા કરે છે અને દેશોદ્ઘારના સાચા કાર્ય માટે અંગુલિનિર્દેશ કરતા રહે છે એ આપણું સદ્‌ભાગ્ય છે. આ બધું જોઈ, સાંભળી, વિચારીને સામાન્યજનોએ પણ હવે જાગ્રત બનવું પડશે નહીં તો, આ ભ્રષ્ટાચાર, આ ગરીબી, આ નિરક્ષરતા, આ અજ્ઞાનતાની ગર્તામાં કાયમને માટે દટાઈ રહેવું પડશે. આપણે સિદ્ધિઓ પણ હાંસલ કરી છે પણ આ વસતી વધારાનો વિસ્ફોટ એ બધું ભરખી જાય છે. હજુયે ૨૦ લાખ જેટલાં બાળકો બાળમરણ પામે છે. આપણાં ૬ લાખ ગામડાંમાંથી ૨ લાખ ગામડાંમાં પ્રાથમિક આરોગ્યકેન્દ્ર કે પેટાકેન્દ્ર પણ નથી, પાંચ વર્ષની ઉંમર સુધીના અડધી સંખ્યાનાં બાળકોને પૂરતો પોષક આહારે ય મળતો નથી, ૪૦ કરોડ લોકોને શુદ્ધ પીવાનું પાણી પણ મળતું નથી, નિરક્ષરતાની ઘણી ઊંચી ટકાવારી અને મલેરિયા, પોલિયો, રક્તપિત્ત, ટી.બી.ની સંપૂર્ણ નાબૂદીનું મહાન કાર્ય – આ બધી સમસ્યાઓએ આપણને ચારે બાજુએથી ઘેરી લીધા છે. આપણે ‘જ્યાં જાય ઊકો ત્યાં દરિયો સૂકો’ જેવી દીનહીનદશામાં છીએ અને નેતાઓ તો માત્ર સૂત્રોચ્ચાર – ‘મેરા ભારત મહાન – ગરીબી હટાઓ, શિક્ષણ લાવો, ક્રાંતિ લાવો’ જેવા સૂત્રો આપવા સિવાય કંઈ કરતા નથી. એ વખતે સૌ કોઈની નજર સામે દુ:ખદર્દનાં કાળાં-ડિબાંગ વાદળાં અને અંધકાર અને ત્રિવિધ તાપ સિવાય કંઈ નજરે ન ચડતું હોય ત્યારે ભારતનું બુદ્ધિધન આપણી સામે જ્ઞાનની-આશાની-એક અદ્‌ભુત ચિનગારી ધરે છે. આ આશાનું અમર કિરણ આપણા સૌના જીવનમાં સંજીવની પેદા કરે છે. આ બધા મહામના માનવીઓની વાતો-ચિંતા-ચિંતન-માત્ર વાતોનાં વડાં ન બની રહે એટલે આપણે સૌએ એક સામાન્યજન તરીકે એમાં સાદ પુરાવીને, તન, મન, ધનનો સાથ-સહકાર આપીને આ દેશને ઊભો કરવા પ્રયત્નશીલ બનવું પડશે. એ હેતુથી અને આ દેશને ૨૧મી સદીમાં વાસ્તવિક રીતે દોરી જવા બઁગલોરમાં ૭,૮ ઑગસ્ટ, ૧૯૯૯ના રોજ મળેલ સાયન્સ સમિટનો સંક્ષિપ્ત અહેવાલ અહીં આપીએ છીએ. સૌ કોઈની જાગૃતિ હશે તો ભારતનો સાર્વત્રિક સર્વોદય થશે.

ભારતીય વિદ્યાભવન, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઑફ સાયન્સ, જવાહરલાલ નેહરુ સૅન્ટર ફૉર ઍડવાન્સ્ડ એન્ડ સાયન્ટિફિક રિસર્ચ તેમજ ટાટા ગૉલ્ડન જ્યૂબિલી અને કૂર્ગ ફાઉન્ડેશન, મસર્સ અરુણ ઇન્વેસ્ટમેન્ટ લિ., હિન્દુસ્તાન ઍરૉનૉટિક લિ., કમીન્સ ઈંડિયા લિ. અને સ્ટેટ બૅન્ક ઑફ ઈંડિયાના સંયુક્ત ઉપક્રમે, તા. ૭,૮ ઑગસ્ટ, ૯૯ના રોજ મળેલ સાયન્સ સમિટમાં ભારત રત્ન શ્રી સી. સુબ્રમણ્યમ્ ચરમેન હતા અને જાણીતા વૈજ્ઞાનિક પ્રૉ. સી.એન.આર. રાવ અને ડૉ. એમ. એસ. સ્વામિનાથન સહાધ્યક્ષ હતા. આ ઉપરાંત, ડૉ.આર.એ. માશેલકર, ડૉ.કસ્તુરીરંગન, ડૉ.રાજા રામન્ના, ડૉ.એ. રામચંદ્રન, પ્રૉ. આર. નરસિમ્હા, ડૉ. વરદરાજન, ડૉ. વી.સી. કુલંદયસ્વામી, પ્રૉ. એન.એસ. સેતુરાવ, પ્રૉ. જી. મહેતા, ડૉ. અશોક ખોસલા, પ્રૉ. માધવ ગાડગીલ, ડૉ. શ્રીમતી મંજુ શર્મા, પ્રૉ. જી. પદ્મનાભન, પ્રૉ. પી. રામારાવ, પ્રૉ. બલરામ, પ્રૉ. વી.એસ. રામમૂર્તિ, પ્રૉ. બી.એમ. હેગડે તથા સ્વામી જિતાત્માનંદજીએ વિવિધ ચર્ચાસત્રમાં ભાગ લીધો હતો.

પ્રથમ સત્રના ઉદ્‌ઘાટન સમારંભમાં પ્રાસંગિક વક્તવ્ય આપતાં-પદ્મવિભૂષણ અને જાપાનની નૅશનલ ઍકડમી ઑફ સાયન્સના સભ્ય, વિશ્વ વિજ્ઞાન સમિતિ-૩ના પ્રમુખ-પ્રૉ. સી.એન. રાવે કહ્યું હતું: ‘રોટી-કપડાં-મકાનથી પર જઈને હવે ઉચ્ચકક્ષાનાં ક્ષેત્રો વિશે વિચારણા કરવા મળેલી આ શિબિર વૈજ્ઞાનિકોને પ્રેરણારૂપ બની રહેશે. સુખીસમૃદ્ધ લોકોના રોગો વિજ્ઞાન તરફ કુતૂહલભરી આશાની મીટ માંડી રહ્યા છે. એટલે આજે અને આવતી કાલે વધારે ને વધારે વિજ્ઞાન-ટૅકનૉલૉજીના શિક્ષણની આવશ્યકતા છે. જી.એન. પી.ના (કુલ રાષ્ટ્રીય ઉત્પાદન) ૩% ને બદલે હવે ૬% જેટલા શિક્ષણમાં રોકાણની જરૂર છે. વૈજ્ઞાનિકોને વહેલામાં વહેલી તકે આશ્રય, સંરક્ષણ, સુવિધાઓ મળવાં જોઈએ. ત્રીજી વર્લ્ડ સાયન્સ કમિટિના પ્રમુખ તરીકે એમણે ત્રણ બાબતોને અગ્રિમ સ્થાન આપવાનું કહ્યું હતું: (૧) ધનલાલસાની સમસ્યાનો ઉકેલ શોધવો (૨) જ્ઞાન, નૈતિકતા અને આધ્યાત્મિકતા માટે પ્રેમઝંખના ઊભી કરવાના માર્ગો શોધવા (૩) વિજ્ઞાન આપણને આધ્યાત્મિકતા તરફ દોરી જાય છે? વિજ્ઞાન આપણને આનંદ આપે છે? મોટા ભાગના આપણા વૈજ્ઞાનિકોને દેશની કંઈ પડી નથી. સૌ કોઈ સ્વાર્થ, સ્વરુચિ, પોતાનાં ધ્યેય-ઉદ્દેશ્યની પ્રાપ્તિની પાછળ મંડ્યા છે. આજના વૈજ્ઞાનિકોએ ભૌતિક સમૃદ્ધિને બદલે જ્ઞાનજન્ય આનંદ તરફ નજર રાખવી પડશે. શ્રી રામન જેવી મહાન વૈજ્ઞાનિક વિભૂતિએ ફરીથી જન્મીને આ દેશમાં આવીને નવી પ્રણાલીઓ પાડવી જોઈએ.’

પોતાના ઉદ્‌ઘાટન પ્રવચનમાં ભારતરત્ન સી. સુબ્રમણ્યમે કહ્યું હતું: ‘આ યુગ જ્ઞાનના વિસ્ફોટનો યુગ છે. જ્ઞાન, ઊર્જા અને પદાર્થ સામગ્રી આ ત્રણેયની આવશ્યકતા છે. પર્યાવરણની જાળવણીની ભાવનાનું સાર્વત્રિક પતન, ગરીબ અને અમીરની વચ્ચે વધતું અંતર જે જ્ઞાનની વૃદ્ધિ સાથે વધતું જાય છે-આવાં કેટલાંક નિષેધાત્મક દિશાવર્તનો પણ છે.’ પંડિત નહેરુ કહેતા તે પ્રમાણે આપણા સમાજની તત્કાલ આવશ્યકતા આપણા સમાજમાં વૈજ્ઞાનિક મન ઊભું કરવાની છે. આજના મૅનૅજમૅન્ટના અભિગમને સુધારવાની, સુસંસ્કૃત કરવાની તાતી જરૂર છે. જો આ થશે તો સરકારની શાસન પ્રવૃત્તિઓ અને વિજ્ઞાનની સિદ્ધિઓનું ઊર્ધ્વીકરણ કરી શકાશે. આ બંને રાષ્ટ્રના ઝડપી વિકાસોન્નતિ માટે સંવાદિતાથી કાર્ય કરે એ પણ જરૂરી છે. ખાસ કરીને આજના વૈશ્વિક સ્પર્ધાના યુગને ધ્યાનમાં રાખીને સરકારના સમગ્ર વ્યવસ્થાતંત્રની કાયાપલટ કરવા નિશ્ચિત અને મક્કમ પગલાં લેવાવાં જોઈએ. આપણા દેશમાં ત્રણ હજાર જેટલી સાયન્ટિફિક લબૉરેટરીઝ છે, એમાંની ૭૫% સરકારે સ્થાપેલી અને સરકારની સહાયથી ચાલતી લેબ્સ છે. ૬૬ જેટલી સી.એસ.આઈ.આર. (સૅન્ટર ફૉર સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ) છે. પણ આ બધી સંસ્થાઓ પોતપોતાની રીતે અલગ અને અલિપ્ત રહીને કામ કરે છે. આ બધી સંસ્થાઓનો સમન્વય કરવો એ આજની તાતી જરૂર છે. એટલે જ આ બધાને સાંકળી લેતું ‘સૅન્ટ્રલ રિસર્ચ કૉર્પોરેશન’ની જરૂર છે. આ બધી સંસ્થાઓનાં સંશોધનો જનસમૂહ સુધી પહોંચવા જોઈએ કારણકે, સામાન્યજન તો આ સંશોધન સંસ્થામાં જવાનો નથી. ભૌતિક વિકાસ એ જ માનવજાતનો સાચો વિકાસ નથી. આપણા દેશમાં આપણી પાસે હજારો વર્ષ જૂનાં મહાન નૈતિક મૂલ્યો છે, આધ્યાત્મિક, સાંસ્કૃતિક વારસો છે. એ બધાંને કેળવવાં પડશે, જીવનમાં જોગવવાં પડશે. આપણે તો આધ્યાત્મિક્તા સાથેનું વિજ્ઞાન જોઈએ છે. આપણો રાષ્ટ્રીય આદર્શ માત્ર ધનસંપત્તિની સમૃદ્ધિ જ નથી પણ, એમાં સત્યમ્, શિવમ્, સુંદરમ્‌નો પણ સમાવેશ છે.

દ્વિતીય સત્રના ‘ટૅકનૉલૉજી ઇનોવેશન ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ કૉમ્પિટિટિવનસ’ વિશે સી.એસ.આઈ. આર.ના ડિરેક્ટર જનરલ (જેમના સી.એસ.આઈ. આર.ના સો જેટલા પેટન્ટ્સથી ચમત્કારિક નફો આપણે મેળવી શક્યા છીએ.) ડૉ. આર.એ. માશેલકરે પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું: આવતી એકવીસમી સદી એ જ્ઞાનમાહિતીની શતાબ્દી છે. નવા જ્ઞાનના વિસ્ફોટ દ્વારા નવી અંકુશરેખાઓથી નવાં કારગીલો ઊભાં થઈ રહ્યાં છે. રૉકફલર અને સુલતાન બ્રુનેઈ પછી બિલ ગેટ્સ, સૌથી વધુ ધનવાન માનવ બન્યા છે. જમીન, શ્રમ અને મૂડી હવે જ્ઞાન માહિતી માટે માર્ગ ખુલ્લો કરે છે. દરેક વ્યક્તિએ હવે જ્ઞાનકેન્દ્રી અને માહિતીમૂલક ઉદ્યોગ બનવું પડશે. ભારતની ખનિજસંપત્તિ અને પરિશ્રમના ૮૦% જેટલા ભાગની સાધનસંપત્તિના સંચાલન વ્યવહાર માટે ૪% જ્ઞાનની આવશ્યકતા આજથી પાંચ વર્ષ પહેલાં હતી. આજે આ દૃશ્ય નાટ્યાત્મક રીતે બદલાઈ ગયું છે. પૂરતા ટૅકનૉલૉજીકલ વિકાસ અને વિદેશી સહાયકો વિના આપણે પીછેહઠ કરવી પડે તેમ છે. ‘આપણે યંત્રાંગોને જોડનાર અને યંત્ર બનાવનાર કુશળ કારીગર છીએ.’ પણ આપણે ‘કુશાગ્રબુદ્ધિથી નવું સર્જન કરનારા’ કે ‘મેધાવીપણાની સાથે નવીનતા લાવનાર’ નથી. સર્જનાત્મકતાવાળા, નાવીન્યસભર બુદ્ધિવાળા અને જ્ઞાનમાહિતીથી ગતિશીલ ક્રિયાન્વિતતાવાળા વ્યાવસાયિક નિષ્ણાતો આવતીકાલના ઉદ્યોગોની સૌથી મોટી આવશ્યકતા બની રહેશે. આ માટે જરૂર છે સંશોધન સંસ્થાઓનાં સંશોધનો અને ઉદ્યોગો વચ્ચેના સમન્વયની ૧૯૮૩માં આપણા દેશની છેલ્લી ટેકનોલોજીની નીતિ જોઈ. ૧૯૯૯માં આમાં આમૂલ પરિવર્તનની જરૂર છે. અને આજની ગળાકાપ હરીફાઈના યુગમાં આપણા દેશને બીજા દેશોના સાથ સહકાર વિના ચાલવાનું નથી. આવતાં દશ વર્ષ પછી ભારત સંશોધન પ્રવૃત્તિઓનું ‘કેન્દ્ર’ બની રહેવું જોઈએ. ભારતમાં જ્ઞાનની કુશાગ્ર બુદ્ધિવાળી મૂડી એ એક સૌથી શ્રેષ્ઠ અને સૌથી સસ્તી સંપત્તિ છે. લોકો હવે જૂનવાણી જ્ઞાનમનવાળા સમાજમાંથી નાવીન્યપૂર્ણ જ્ઞાનમાહિતીમૂલક સમાજમાં બદલાતા જાય છે. કેડીલા અને રેન્બાકસી જેવી કંપનીઓએ દેશની બહાર આર એન્ડ ડી (રિસર્ચ ઍન્ડ ડૅવલપમૅન્ટ)ની સ્થાપના કરી છે. અહીં મહદંશે આ સમગ્રકાર્ય બાહ્ય દખલવિઘ્નવિહોણું અને સરકારી તંત્રની શિથિલતા વિનાનું છે. જેના માટે ભારતીયો બહારના દેશોમાં ફરે છે અને જાય છે. આ દ્વારા માત્ર ભૌતિક સંપત્તિની આવક થતી નથી પણ એક મનોવૈજ્ઞાનિક સંપત્તિ પણ લાવે છે.

આપણે મૂડી રોકાણના ક્ષેત્રમાં જોખમ ખેડવા ઇચ્છતા નથી પણ એ આવશ્યક છે. નવમાં નિષ્ફળતા મળે અને એકમાં સફળતા મળે તે પણ ૧૦૦ સંશોધકોને વળતરરૂપ બની રહેશે. ભવિષ્યની પૂર્ણ અનિયમિતતા સાથેના ‘વૅન્ચર કૅપિટલ ફાઈનાસીંગ’- મૂડી રોકાણના સાહસનો હવે સ્વીકાર કર્યા વિના ચાલશે નહીં. યુ.એસ.એ.માં આવાં ક્ષેત્રમાં ૪૦ મિલિયન ડૉલરનું રોકાણ કરવામાં આવ્યું છે. ટૅકનૉલૉજી પાછળનું મૂડી રોકાણ એ ભારતનું નબળું પાસું છે. આવા રોકાણને વધુ ને વધુ સમૃદ્ધ બનાવવાનું રહે છે. સી.એસ.આઈ. આર.નાં ભારતમાં ૬૬ કેન્દ્રો છે. વાસ્તવિક રીતે આવાં ૬૬૦ કેન્દ્રો હોવાં જોઈએ. ભારતના વૈજ્ઞાનિક સામર્થ્ય એટલે જંગી કદના સિલિકોન વેલી વગેરે તો પાણીમાં ડૂબેલી હિમશિલાની ટોચ માત્ર ગણાય. ૧/૯ ભાગ દેખાય છે બાકીનો ૮/૯ ભાગ તો હજુ પાણીમાં ડૂબેલો – અદૃશ્ય છે. કારેલાં અને જાંબુથી ઔદ્યોગિક સ્પર્ધાત્મકતા સફળ નહીં થાય. આપણે વિદેશી જ્ઞાનની ય જરૂર પડશે. આ એક પ્રકારનું યુદ્ધ જ છે. આપણે બીજાઓ સાથે હાથ મિલાવવાની જરૂર છે, બીજાના પેટન્ટને લેવા પડશે અને પછી કંઈ નવું જ પેદા કરવાની આવશ્યકતા છે. અને ત્યારે જ આપણે સ્પર્ધામાં ઊભા રહી શકીશું, ટકી શકીશું.

ડૉ. માશેલકરે અંતે પાંચ એજેન્ડાનું સૂચન કર્યું હતું :

૧) બાળકેન્દ્રી શિક્ષણ નહીં કે વ્યવસાયકેન્દ્રી શિક્ષણ

૨) સ્ત્રી કેન્દ્રી કુટુંબ

૩) આર્થિક ઉત્કૃષ્ટતાના સંદર્ભમાં માનવ કેન્દ્રીવિકાસ

૪) જ્ઞાનમૂલક સમાજ

૫) અનુકરણ મૂલક ભારત નહીં પણ નાવીન્યપૂર્ણસર્જક ભારત

ભારતના ૨૦ જેટલા ઉદ્યોગગૃહોના સુખ્યાત ધુરંધર દરબારી શેઠે માશેલકરને પ્રશ્ન સાથે કહ્યું હતું: ડૉ. માશેલકરના બધા વિચારો-આદર્શો સ્વીકાર્ય છે. પણ જ્યાં સુધી લાંચ-રુશ્વત-ભ્રષ્ટાચારને નાબૂદ ન કરીએ ત્યાં સુધી આમાંથી કોઈની સંભાવના નથી. માશેલકરે એનો વિનમ્રતાથી સ્વીકાર કરતાં કહ્યું હતું કે આ સમસ્યાઓ તો છે જ.

સી.એન.રાવે માશેલકરના વક્તવ્ય પર ચર્ચા કરતાં કહ્યું: અહીં મૉલેક્યુલર બેઈઝ કૉમ્પ્યુટર ટૅકનોલોજી જેવી કેટલીક મહત્ત્વની અને મોટી શોધોને લેનાર સ્વીકારનાર કોઈ નીકળતો નથી. માશેલકરે પ્રત્યુત્તરમાં જણાવ્યું હતું: આપણને આપણા દેશનું ગૌરવ-દેશાભિમાન હોવું જરૂરી છે. આપણે ઇન્ડિકા ખરીદીશું કે દેવુ? આ બધાનો આધાર આપણા પર છે. આપણને માતૃભૂમિ ભારતમાં જ રસ હોવો જોઈએ. આ સત્રના ચરમેન ડૉ. નટરાજને (ડાયરેક્ટર, આઈ.આઈ. ટી.) પોતાના પ્રવચનમાં કહ્યું હતું: સામાન્ય સમજબૂઝ કે જ્ઞાનેન્દ્રિયોની સૂઝબૂઝથી પેલે પાર રહેલી ત્રીજાનેત્રની અંત:પ્રેરણાવાળી કલ્પના શક્તિ વિના નવીનીકરણની શક્યતા નથી. આર્થર કૉઍસ્લરના કહેવા પ્રમાણે ‘બધી મહાન શોધો એટલે જૂની વિચારસરણીમાંથી મુક્તિ!’ અમર્ત્ય સેન, ડૉ. ખુરાના અને શ્રીચંદ્રશેખરને નૉબેલ પારિતોષિકો ભારતમાં ન રહેવા છતાં કેમ મળ્યાં? સંતાપ-સતામણી મુક્ત નિર્વિઘ્ન વાતાવરણ કે જ્યાં તેઓ પોતાના નવીનતા સભર સર્જનને-નવાં નવાં સંશોધનોને મુક્ત રીતે બહાર લાવી શકે છે.

‘Success stories’ ‘સફળ ઉદાહરણો’ના વિષય સાથે ત્રીજા સત્રના ચૅરમૅન ડૉ.રાજા રમન્નાએ (પદ્મવિભૂષણ, ચૅરમૅન, ઇન્ડિયા એટમિક ઍનર્જી કમિશન) કહ્યું: Pure scienceના વિદ્વાનો મળતા નથી. અણુબાઁબે યુદ્ધવીરોને નૈતિક જુસ્સો આપ્યો છે. સામાન્ય જન સુધી સંશોધનો પહોંચી ન શકે ત્યાં એ બધાં નિરર્થક છે. હમણાંના સમયગાળામાં ભારત પોતાની કપરી કસોટીના ઐતિહાસિક ટાણે જાગ્યું હતું અને એ આવી કટોકટીની પળે જાગ્રત બની શકે છે. જ્યારે યુ.એસ.એ. અને બીજાં વિકસિત રાષ્ટ્રોએ ભારતના અણુસંશોધનમાં સહાયક-ઉપયોગી ચીજવસ્તુઓ આપવા પર પ્રતિબિંધ લાદ્યો ત્યારે, ભારતના ઔદ્યોગિક સાહસોએ સારો પ્રતિભાવ આપ્યો અને ભારતના અણુબાઁબ ધડાકા સુધી દોરી જતા કામમાં ઉપયોગી થતી કેટલીક આવશ્યક વસ્તુઓનું ઉત્પાદન કરી લીધું. એ આપણી સ્વશક્તિ અને સ્વનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ છે.

ઇસરોના ચૅરમૅન ડૉ. કસ્તુરીરંગને પોતાના પ્રવચનમાં કહ્યું: ‘પૈસા પણ ફાળવાઈ જાય છે પણ કામમાં થતો વિલંબ આપણા સંશોધનોને અવરોધે છે અને મંદ પાડી દે છે અને ક્યારેક એનું અમલીકરણ નિષ્ફળતાને વરે છે. રિમોટ સન્સીંગ સૅટૅલાઈટ ક્ષેત્રમાં ભારત આજે મોખરાનું રાષ્ટ્ર બન્યું છે. ભારતનાં અવકાશયાનો કેવું બહુલક્ષી કાર્ય કરે છે તે વાત સ્લાઈડ દ્વારા રજૂ કરી હતી.

પદ્મવિભૂષણ ડૉ. એમ.એસ. સ્વામિનાથને (જેમને ‘Food For World’ ઍવૉર્ડ અપાયો હતો) ૧૯૯૯માં બુડાપેસ્ટમાં યોજાયેલ ‘ઇન્ટરનેશનલ સાયન્સ કૉન્ગ્રેસ’માં મુખ્ય પ્રવચન આપવા આમંત્રિત એવા આ નિષ્ણાતે કહ્યું હતું: આજે ‘નવો સામાજિક’ કરાર થયો છે. આ કરાર વિજ્ઞાન અને સમાજ વચ્ચેનો છે. સમાજની પ્રગતિના ત્રણ આધારસ્તંભ છે: પર્યાવરણીય પાસું, આર્થિક પાસું અને સામાજિક પાસું. નર્મદા બંધ પ્રોજેક્ટસમાં વિસ્થાપિત ગ્રામ્યાજનોને પુન:સ્થાપિત કરવાની આવશ્યકતા છે. વિજ્ઞાનના ક્ષેત્રે ભારતનો વિકાસ પ્રશંસનીય અને ઉલ્લેખનીય રહ્યો છે. આજે આપણે દૂધ ઉત્પાદન ક્ષેત્રમાં બીજા ક્રમે છીએ. (આઝાદી પહેલાં ૨૦મો ક્રમ હતો.) અને ઘઉંના ઉત્પાદનમાં પણ બીજો ક્રમ છે. (૧૯૪૭ પહેલાં ઘઉંના ઉત્પાદનમાં ૧૫મા ક્રમે હતા.) ભારતીયો ખરેખર હોવા જોઈએ તેના કરતાં ઓછા કર્તવ્યનિષ્ઠ-કાર્યનિષ્ઠ અને વ્યવહારુ તેમજ કાર્યદક્ષ છે.

આપણે Data-rich country – માહિતી સભર પ્રજા છીએ પણ કાર્યનિષ્ઠામાં અતિનિર્બળ- ‘Action poor’ છીએ. આપણે સૌને માત્ર know how ‘કેવી રીતે જાણવું’ નહીં પણ Do how ‘કેવી રીતે કરવું’ એની જરૂર છે. હવે આપણે મુખ્ય અનાજ ‘ઘઉં’ જેવા અનાજો પરથી ‘પોષક ખાદ્ય અનાજ’ મકાઈ વગેરે પર જવું પડશે.

ન્યુદિલ્હીના ગરીબો માટેના વિજ્ઞાન શાખાના નિયામક ડૉ. ખોસલાએ કહ્યું હતું: ‘આપણા દેશના ૪૦ કરોડ લોકોને પીવાનું શુદ્ધ પાણી પણ મળતું નથી. આપણા દેશના ગરીબઘરો અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્વરોજગારી માટે બાયૉટૅકનૉલૉજીનો કેવો ઉપયોગ થાય છે તેની વાત પણ તેમણે કરી હતી.

બાયૉટૅકનૉલૉજી વિભાગના નિયામક ડૉ. શ્રીમતી મંજુ શર્મા કે જેમને બાયૉટૅકનૉલૉજીના ઝાર-શહેનશાહ ગણવામાં આવે છે તેમણે કહ્યું હતું: આપણા સંશોધનકારોએ ૬-૭ જેટલાં પેટન્ટ મેળવ્યાં છે અને વિદેશોમાં વેચ્યાં છે. આજે જૂના રોપાંઓને બદલે ૪૦% જેટલા ટિસ્યુ કલ્ચર-રોપાઓ નીપજે છે. રોપા-છોડમાં જિનેટિક ઍન્જિનિયરિંગનો ઘણો વિકાસ થયો છે. અનાજનું ઉત્પાદન પણ સારું છે. છતાંય ૨.૭ મિલિયન બાળકો કુલ સંખ્યાના અડધી સંખ્યાના બાળકો દર વર્ષે અપૂરતા કે દૂષિત આહારથી મરી જાય છે. Plant Research કેન્દ્ર સમગ્ર ભારતને પોતાનું પ્રદાન કરી રહ્યું છે. રક્તપિત્તની સારવારનો સમયગાળો સારા પ્રમાણમાં ઘટાડી શકાય તે માટેની આપણી બનાવટની બાયૉ-મડિસિન આજે ચીન, બાંગ્લાદેશ અને શ્રીલંકા ખરીદી રહ્યું છે. આવા જ પ્રયાસો ટી.બી. અને એઈડ્સ માટે પણ થઈ રહ્યા છે. કૉલેરાની બીજી વૅક્સિન-રસી પણ તરતના સમયમાં આવી રહી છે વિશ્વમાં રૂ. ૫૫ બિલિયન જેટલી રકમ બાયૉટૅકનૉલૉજીના સંશોધન પાછળ ખર્ચાય છે. વિશ્વમાં આ ટૅકનૉલૉજી પાછળ થતા ખર્ચની સરખામણીમાં આ ક્ષેત્રનું ભારતમાં ખર્ચ હજુ ઘણું નીચે છે.

સ્વામી જિતાત્માનંદજીએ પોતાના વક્તવ્યમાં કહ્યું હતું: જીવનના દિવ્યભાવના પવિત્ર દૃષ્ટિકોણમાંથી નીતિશાસ્ત્ર જન્મે છે. આપણે ‘તું તારા પડોશીને તારી જેમ ચાહ’ આ ખ્રિસ્તીધર્મનો નૈતિક સંદેશ શીખ્યા. ભગવદ્‌ગીતા આપણને પવિત્ર નૈતિક સંદેશ આપે છે : ‘જે મને સર્વપ્રાણીઓમાં સર્વત્ર જુએ છે એ જ સાચો દૃષ્ટા છે.’ આજના બુદ્ધિ-તર્કપૂર્ણ વૈજ્ઞાનિક સંશોધનો અને વિજ્ઞાનમાંથી આ બે બાબતો સ્પષ્ટ તરી આવે છે: (૧) એ પૂર્ણ અણુ સમગ્ર બ્રહ્માંડની શક્તિ ધરાવે છે. આત્મન્ = બ્રહ્મન્ (૨) આપણે સૌ મૂળભૂત રીતે એક બીજા સાથે સંલગ્ન છીએ – વસુધૈવ કુટુંબકમ્ – અને એક દિવ્ય-પવિત્ર બ્રહ્માંડના જ અંશ છીએ. જ્ઞાનનો નિર્મળ-પવિત્ર-આનંદ બધા સ્વાર્થથી પર છે અને એ જમણા મગજમાંથી જ જન્મે છે અને ડાબા મગજમાંથી જન્મે છે સ્વાર્થભરી લાલસાની બુદ્ધિવાળું વ્યક્તિત્વ. આજના ગળાકાપ સંઘર્ષનો સામનો કરી શકે તેવાં આપણી આર્ષદૃષ્ટિ પરિકલ્પના-અંત:પ્રેરણા, સંપ-સહકારની ભાવના જેવા સદ્‌ગુણો જમણા મગજમાંથી આવે છે. એવી જ રીતે વ્યક્તિ સુખ-સમૃદ્ધિ મેળવવાની સ્વાર્થી લાલસા સામે સમર્પણભાવ-ત્યાગભાવના સાથેનું સર્વકલ્યાણકારી અને પવિત્ર જીવન પણ જમણા મગજમાંથી મળી રહે છે. આદર્શોને-વિચારોને કાર્યાન્વિત કરવા માટેની ઉત્કટ કાર્યભાવના વિનાની પરિકલ્પનાઓ જીવનમાં ફળદાયી નીવડતી નથી અને બીજી બાજુએ આ પવિત્ર અને સમર્પણભાવ વિનાનું વિજ્ઞાનનું મેધાવીપણું પણ ભયંકર રીતે સ્વાર્થભાવના પેદા કરનારું બની જશે. આપણે તો સૌને માટે ડાબા મગજના મેધાવીપણા અને કાર્યાન્વિત ઉત્કટતાની સાથે જમણા મગજના અંત:પ્રેરણા અને પવિત્ર-ઉદાર-ત્યાગ-સમર્પણભાવના પણ સમન્વયની આવશ્યકતા છે. એટલે આજે આપણે મુન્ડક ઉપનિષદે પ્રબોધેલી ‘પરાવિદ્યા’ આત્માનુભૂતિની આંતરિક સર્વોચ્ચ સિદ્ધિવાળી વિદ્યા અને ‘અપરાવિદ્યા’ બાહ્ય-ભૌતિક સુખ-સમૃદ્ધિ આપતી વિદ્યા – આ બંને વિદ્યાના શિક્ષણનો સ્વીકાર અને અમલ વહેલો મોડો કરવો જ પડશે.

આજથી બરાબર સો વર્ષ પહેલાં ૧૮૯૯ના માર્ચમાં, સ્વામી વિવેકાનંદે ‘વર્તમાન ભારત’ના લેખમાં આપણા દેશના લોકોની જે મનોવૃત્તિનું ચિત્ર રજૂ કર્યું હતું, તે વર્તમાનકાળમાં પણ એટલું જ લાગુ પડે છે. તેમણે કહ્યું હતું, ‘એક અભેદ્ય અંધકારનું વાદળ અત્યારે આપણને સહુને ઘેરી વળ્યું છે. હવે નથી રહી લક્ષ્ય સાધ્ય કરવાની દૃઢતા, નથી મનની મક્કમતા; નથી રહ્યો બીજાઓ તરફથી કરવામાં આવતી સતામણી સામેનો વિરોધ, કે નથી રહ્યો ગુલામી પ્રત્યેનો અણગમો. નથી હૃદયમાં પ્રેમ, નથી આશા કે નથી મર્દાનગી. પણ ભારતમાં આજે જે દૂષણો રહ્યાં છે તે, આ ઘર ઘાલીને બેઠેલી ઇર્ષ્યા, એક બીજા તરફનો સખત અણગમો, ગમે તેમ કરીને નિર્બળનો નાશ કરવાની અધમ ઇચ્છા, કૂતરાની માફક બળવાનના પગ ચાટવાની શ્વાનવૃત્તિ! હવે ઊંચામાં ઊંચો સંતોષ રહ્યો છે, લક્ષ્મી અને સત્તાના પ્રદર્શનમાં, ઊંચામાં ઊંચી ભક્તિ રહી છે, સ્વાર્થ સિદ્ધિમાં. ઊંચામાં ઊંચું જ્ઞાન રહ્યું છે; ક્ષણભંગુર વસ્તુઓનો સંગ્રહ કરવામાં. હવે યોગ રહ્યો છે, તેની ઘૃણાજનક પિશાચી ક્રિયાઓમાં, કર્મ રહ્યું છે, બીજાંઓની ગુલામી કરવામાં, સંસ્કૃતિ રહી છે, પરદેશી પ્રજાના હીન અનુકરણમાં. વક્તૃત્વ શક્તિ ખીલી છે અશ્લીલ ભાષાના ઉપયોગમાં. સાહિત્યની શ્રેષ્ઠતા ગણાય છે ધનવાનોના અતિશયોક્તિ ભર્યા વખાણોમાં કે જુગુપ્સા ઉત્પન્ન કરે તેવી બીભત્સ વાતો ફેલાવવામાં.’ આ પરિસ્થિતિમાંથી મુક્ત થવા અને એકવીસમી સદીમાં ડગ માંડવા આપણે સ્વામીજીનો આ ઉપદેશ યાદ રાખવો રહ્યો. સ્વામીજીની યુરોપિયન શિષ્યા કુમારી મકલાઉડે એક વખત એમને પૂછ્યું હતું કે, ‘સ્વામીજી હું આપને શી રીતે મદદ કરી શકું?’ ત્યારે તેમણે કહ્યું: ‘ભારત વર્ષને પ્રેમ કરો.’ આજે જો સ્વામીજી સદેહે હોત તો તેઓ આપણને પણ એમ જ કહેત કે ‘ભારતને પ્રેમ કરો.’ સ્વામીજીએ કહ્યું હતું: ‘રાષ્ટ્ર માટે પોતાનું સર્વસ્વ હોમી દેવા તત્પર બનેલા અને નિષ્ઠાથી ઊભરાતા લોકોનો જ્યારે તમને સાથ મળે-એવા લોકો જ્યારે તમારી વચ્ચે ઊભા થાય, ત્યારે ભારત એકે એક ક્ષેત્રમાં મહાન બનશે.’

આ મનીષીઓની આર્ષવાણીને આપણે સૌએ અનુસરવું પડશે. જો આપણે એકવીસમી સદીમાં પદારોહણ કરવા માગતા હોઈએ તો સૌએ સાથે ચાલવું પડશે, સાથે પુરુષાર્થ કરવો પડશે, સાથે વિદ્યાધ્યયન કરવું પડશે અને એનાં ફળનો ઉપભોગ પણ સૌએ સાથે કરવો પડશે.

Total Views: 74

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.