શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના ૧૨મા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજીને ભક્તોએ પૂછેલા પ્રશ્નોના તેમણે આપેલા ઉત્તર અહીં વાચકો લાભાર્થે પ્રસ્તુત કરીએ છીએ. — સં.

પ્ર. મહારાજ, આપણે ઈશ્વર તરફ આગળ વધી રહ્યા છીએ, એ કેમ ખબર પડે?

ઉ. ઈશ્વર વિશેની તમારા મનની શંકાઓ અને નિરાશાઓ ત્યારે દૂર થઈ જશે; તમે સત્યમાં દૃઢ રહેશો; બીજાઓ પ્રત્યે સહાનુભૂતિ રાખશો; ઈશ્વર તરફનું તમારું આકર્ષણ ત્યારે વધતું રહેશે, ઘરગથ્થુ બાબતો તરફનું આકર્ષણ ઘટતું જશે; ઈશ્વર તરફનાં તમારા આગળ વધવાનાં આ કેટલાંક ચિહ્‌નો છે.

પ્ર. ઈશ્વરને જોયા વગર તમે એને કેવી રીતે માની શકો?

ઉ. તમે તમારા પ્રપિતામહને જોયા છે? તમારા પિતામહને પણ પિતા હતા, એમ તમે માનો છો? ઘણા લોકોએ પોતાના પિતામહને તો જોયા હશે પણ પિતામહના પિતાથી તો આપણામાંના ઘણા અજાણ હશે. બાઈબલમાં કહ્યું છે: ‘જેણે મને જોયો છે, તેણે પરમપિતાને જોયા છે.’ (સૅન્ટ જૉન,૧૪:૯). સાચા ભક્તમાં કેટલેક અંશે ઈશ્વરનું સ્વરૂપ પ્રકટેલું હોય છે. એટલે ઈશ્વરને જાણવા માટે મનુષ્યે એના ભક્તો સાથે નિયમિત સંબંધ જાળવી રાખવો જોઈએ.

પ્ર. ઈશ્વરસાક્ષાત્કારનો ખરો અર્થ શો છે?

ઉ. ઈશ્વરસાક્ષાત્કાર એટલે ઈશ્વરના સાચા સ્વરૂપને જાણવું; એની સાથે ઘનિષ્ઠ સંબંધનો અનુભવ કરવો; અને લાંબે ગાળે એમાં એકરૂપ થઈ જવું. તન્મય થવું તે.

પ્ર. ઈશ્વરને જાણવો એટલે?

ઉ. એને જાણવો એટલે એના સાચા સ્વરૂપની અને એના અસ્તિત્વની દૃઢ પ્રતીતિ કેળવવી; એના ઉપર સતત વારંવાર ચિંતનમનન કરવું અને એવો સખત પરિશ્રમ કરવો કે જેથી એના ગુણો આપણામાં પ્રકટ થવા લાગે. ‘એને જાણવો’ એટલે એની સાથે એકતા કે આત્મીયતાનો અનુભવ કરવો – એને પોતાના વત્સલ પિતા અને વહાલી માતા વગેરે જેવો માનવો.

પ્ર. દુનિયામાં રહીને ગૃહસ્થજીવન જીવતાં જીવતાં કેવી રીતે કોઈ ઈશ્વર ભજી શકે?

ઉ. રામકૃષ્ણ કથામૃત વાંચો તો તમને આનો ઉત્તર મળી રહેશે એક હાથે ઈશ્વરને પકડી રાખો અને બીજા હાથે તમારાં ગૃહસ્થ તરીકેનાં કાર્યો કરો.

પ્ર. આપણે એને બોલાવીએ તો ખરા પણ મહારાજ, એ આપણી પ્રાર્થનાઓ સાંભળે છે ખરો કે?

ઉ. નિ:શંક એ સાંભળે જ છે; પણ એ તમને જવાબ આપતો નથી. અસંતોષની લાગણી સારી છે. નહિતર તમે શું એનો વિચાર કર્યો હોત ખરો કે? તે તમને દાદ દેતો નથી, એનો અર્થ એ છે કે તમે એની પ્રતિક્રિયાને પારખવામાં કે સમજી શકવામાં શક્તિમાન નથી. વળી, તમે જેને તમારા માટે સારું સમજી બેઠા છો, તે તમારે માટે સારું ન પણ હોય! એ જ કેવળ સૌથી સારી રીતે જાણે છે અને એને જ નક્કી કરવા દો કે તમારે માટે સારું શું છે – આ પ્રકારનું વલણ ખાસ અપનાવવું જોઈએ.

પ્ર. શું ખરેખર એ આપણો સાદ સાંભળે છે? એ સાંભળે છે કે નહિ તે આપણે કેમ સમજી શકતા નથી?

ઉ. એ સાંભળે છે કે નહિ, તે તમારાથી પકડી શકાય નહિ. તેને સાદ પાડવામાં તમારી સાચી કે ખોટી રીત વિશે ચિંતા કરશો નહિ. કારણ કે આપણી ઘણી ભૂલો હોવા છતાં આપણને એ બરાબર સમજે છે. ઘણા માને છે કે ઈશ્વર આપણી પ્રાર્થનાઓ સાંભળતો નથી. કારણ કે તેઓ મંત્રોને અશુદ્ધ રીતે બોલે છે. શું ઈશ્વર તે કોઈ ભૂતપ્રેત છે કે મંત્રો એને બાંધી શકે? તમે ફક્ત એની પ્રાર્થના જ કરો છો, તે શું એ નહિ સમજતો હોય? કોઈ બાળક ‘બાપા’ શબ્દ શુદ્ધ ન બોલે એટલે શું એના પિતા એનો સાદ નથી પામી શકતા? મક્કમ પ્રગતિ કરવા માટે શરૂઆતમાં આરોપિત સંબંધ જરૂરી છે, સત્ પુરુષો વિશે ચિંતન અને સારાં જીવનચરિત્રોનું વાંચન – આ સત્સંગ છે, એ તમને શુદ્ધ કરે છે, અને તમારું મન પવિત્ર આદર્શો તરફ ઢળે છે. શ્રીરામકૃષ્ણ તો એક પ્રજ્વળતા અગ્નિ સમાન જ છે; આ અગ્નિ તો લીલા લાકડાના ભેજવાળા ટુકડાને પણ સળગાવી શકે છે. એમનો અનુગ્રહ તમારા પર વરસે, તો તમારું એક નાનું અમથું આધ્યાત્મિક વલણ પણ બહુમુખી વિકાસ પામી શકશે.

પ્ર. ઈશ્વર તરફ આગળ કેવી રીતે વધવું?

ઉ. જે રીતે ઈશ્વર તમને વધારે ને વધારે પોતાનો લાગે અને જે રીતે તમારા મનની નિર્મળતા વધતી રહે, તેટલા પ્રમાણમાં તમે પ્રગતિ કરી શકો. ભગવાન તો પવિત્રતા અને નિર્મળતાની મૂર્તિ છે. જો તમે પોતાને એના જેટલા જ પવિત્ર અને નિર્મળ બનાવી શકો, તો તમે અવશ્ય પ્રગતિ કરી શકો.

પ્ર. આપણે ઈશ્વરને જોઈ કઈ રીતે શકીએ?

ઉ. આપણે કહીએ તો છીએ કે ઈશ્વરને જોવા જેવો છે, પણ આપણે એને જોવા માટે ક્યારે જઈએ છીએ? આપણે એમ કહ્યા કરીએ છીએ કે ઈશ્વર સર્વત્ર વ્યાપેલો છે અને છતાં પણ પૂછીએ છીએ કે એને જોવા ક્યાં જવું? એને જોવા માટેનું તમારું કરણ જ જો એકદમ મલરહિત થઈ જાય તો તમે એને જોઈ શકો. શ્રીરામકૃષ્ણે એક વાર પૂછ્યું: ‘શું આપણે આંખો બંધ કરીએ ત્યારે જ ઈશ્વર હસ્તી ધરાવે છે અને આંખો ઉઘાડીએ એટલે એની હસ્તી નાશ પામે છે?’ (ગૉસ્પૅલ પૃ.૭૭૮) હવે એ શું આપણે એના ઉપર ધ્યાન ધરીએ છીએ ત્યાં જ છે, અને જ્યારે જ્યાં આપણે ધ્યાન ધરતા ન હોઈએ, ત્યાં શું તે નથી? એટલે આનો પૂરો વિચાર તો આ છે કે સૌ પહેલાં મન વિશુદ્ધ કરવું જોઈએ.

પ્ર. ઈશ્વરદર્શનની તોલે આવે એવું બીજું દર્શન છે ખરું?

ઉ. માનવજાત ઈશ્વરને એના સંપૂર્ણ સ્વરૂપમાં તો જોઈ શકે નહિ; પણ એના અવતારો દ્વારા ઈશ્વરનાં ઘણાં પાસાં જોઈ પામી શકાય. (ગૉસ્પૅલ,૭૨૫, ૭૨૬ વગેરે) એટલે અવતાર તો ભગવાનને જોવાની જાણે કે બારી છે. જ્યારે તમે એક વાર ઈશ્વર સાથે એકાકાર થઈ જાઓ ત્યારે પછી બધી માનવીય સીમાઓ ભુંસાઈ જશે. શ્રીરામકૃષ્ણ ધાતુ ઢાળવાના બીબાંનો દાખલો આપ્યા કરતા. એ બીબું તો એકસરખું જ રહે છે. માણસોની વ્યક્તિમત્તા એકસરખી નથી પણ અવતારની વિશિષ્ટતા એકસરખી રહે છે.

પ્ર. ઈશ્વરમનન માટે માણસે કઈ પદ્ધતિ અપનાવવી જોઈએ?

ઉ. મેં તમને અગાઉ જપ, ધ્યાન વગેરે વિશે કહ્યું જ છે. તે વિશુદ્ધ, પવિત્ર અને સૌ પ્રત્યે દયાળુ છે. એવા તેના ગુણોનું મનન કરવું-અત્યંત મહત્ત્વની વાત તો તેના તરફની ભાવભક્તિની છે. તદુપરાંત શ્રીરામકૃષ્ણ સલાહ આપતા તે પ્રમાણે એના નામનું રટણ કરો; એનાં ગુણસંકીર્તન કરો; એના ભક્તો સાથે રહો કે સત્સંગ કરો. આ બધાં સાધનો દ્વારા તમે ભગવાન સુધી પહોંચી શકો. ઈશ્વર તરફ વળવાના માર્ગ તો માણસે માણસે અલગ અલગ હોય છે. કેટલાક ભાવાવેશને પસંદ કરે છે, તો વળી કેટલાક શાન્ત, વાત્સલ્ય કે મધુરભાવને પણ પસંદ કરે છે. બીજા કેટલાક વિશ્લેષણાત્મક દૃષ્ટિકોણ ધરાવે છે – કોઈ આ વિશ્વના તાણાવાણાવાળા સ્વરૂપને સમજવા માટે પૃથક્કરણ પદ્ધતિનો આશરો પણ લઈ શકે, અને તે દ્વારા પોતાના આત્માને સમજવા પ્રયત્ન કરી શકે. અને છેવટે એનું પર્યવસાન ઈશ્વરમાં લાવી શકે. તો વળી કોઈક ઘણાં ઘણાં ઉદાત્ત કર્મો કરવાના માર્ગે ચાલીને નિષ્કામ કર્મો દ્વારા – કર્મયોગાચરણ દ્વારા પોતાને દિવ્યવિચારમાં તલ્લીન બનાવી શકે.

પ્ર. એવો માણસ આપ્તકામ થઈ ગયો કહેવાય ને?

ઉ. એણે બધું જ પ્રાપ્ત કરી લીધું છે, બધું જ પ્રાપ્ત કરી રહ્યો છે. તમે આ જાણી લો, પછી તમારે કશું કરવાપણું રહેતું નથી; પછી તમારે શેનીય ચિંતા રહેતી નથી; પણ ‘હું કર્તા છું’ અને ‘તે મેળવનાર છે’ – એવા વિચાર કામ આવે નહિ.

પ્ર. બધું ઈશ્વરેચ્છાથી જ ચાલે છે, એનો કેવી રીતે અનુભવ થાય?

ઉ. જ્યારે આપણે આપણી પોતાની ઇચ્છાને એની ઇચ્છામાં સંપૂર્ણપણે વિલીન કરી દેવા સમર્થ થઈશું ત્યારે જ ફક્ત આપણામાં એવા અનુભવનું અજવાળું પથરાશે કે આ બધું એની ઇચ્છાથી થઈ રહ્યું છે, એની ઇચ્છા પહેલાં નહિ.

પ્ર. મહારાજ, એ અંતિમ સોપાન ન કહેવાય?

ઉ. અંતિમ સોપાન! અંતિમ સોપાન તો તારવીને વર્ણવાયું છે. એ પૈકી એક તો શ્રીરામકૃષ્ણ વારંવાર કહેતા: ‘હું નહિ, હું નહિ, તું જ બસ તું જ.’ એ માટે તમારે રામકૃષ્ણ કથામૃતનું તલસ્પર્શી અધ્યયન કરવું જ જોઈએ. (ગૉસ્પૅલ ઑફ રામકૃષ્ણ). તદુપરાંત ગૉસ્પૅલ ઑફ ધ હોલી મધર (મૂળ બંગાળી ‘માયેર કથા’નો અંગ્રેજી અનુવાદ) પણ વાંચવો જોઈએ. શ્રીરામકૃષ્ણના અંતરંગ શિષ્યોનાં જીવનચરિત્રો અને તેમણે લખેલાં કે તેમના વિશે લખાયેલાં પુસ્તકો પણ વાંચવાં જોઈએ. સાધુસંતોના જીવનચરિત્રોમાં ખાંડ અને રેતીની ભેળસેળ થઈ જવાની સમસ્યા છે. અને એની ચમત્કારોવાળી વાતોમાંથી લોકોને ભારે મુંઝવણ પેદા થાય છે. અને તેથી આવાં જીવનચરિત્રોમાંના આવા લખાયેલા વિચારોને છોડી દેવા પડે છે. એટલા માટે તમારે તો અવારનવાર શ્રીરામકૃષ્ણનાં ગૉસ્પૅલ્સ્ (કથામૃત) જ વાંચવાં જોઈએ અને ત્યાર પછી જ તમારું મન સારાસાર વિવેક કરવા માટે અને સુયોગ્ય વિચારો ગ્રહણ કરવા તૈયાર થશે.

પ્રબુદ્ધ ભારત, જુલાઈ ૧૯૯૯માંથી સાભાર
સંકલન : શ્રીમતી મંજુ નંદી મઝમુદાર
અનુવાદ : કેશવલાલ વિ. શાસ્ત્રી

Total Views: 61

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.