વિશ્વપ્રસિદ્ધ વિદુષી શ્રી વિમલાતાઈ આ સંક્ષિપ્ત લેખમાં એકવીસમી સદી એ આધ્યાત્મિક ચેતનાની સદી હશે તે વાત ભારપૂર્વક રજૂ કરે છે. – સં.

વીસમી સદી જીવન-વિજ્ઞાનના અન્વેષણની સદી રહી. પદાર્થવિજ્ઞાન, જીવવિજ્ઞાન, યંત્રવિજ્ઞાન ઈત્યાદિના સાથે સાથે આત્મવિજ્ઞાન પણ પ્રાંજલ શોધખોળનો વિષય રહ્યો. દરેક ક્ષેત્રે મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિઓ સાંપડી.

ભૌતિક સમૃદ્ધિ અને લોકતંત્રની આ સદીમાં વિશ્વયુદ્ધો થયાં. પારાવારની માનવ-હિંસા કરવામાં આવી. નૈતિક મૂલ્યોનું ધોવાણ પણ વીસમી સદીના ઉત્તરાર્ધમાં થયું. ધાર્મિકતામાં અતિવાદ તેમ જ આતંકવાદ ભળ્યા. રાજકીય અને આર્થિક સામ્રાજ્યવાદની જેમ સંપ્રદાય આધારિત સામ્રાજ્યવાદનો ઉન્માદ એક ઉગ્ર સાંસ્કૃતિક સમસ્યા બન્યો.

૨૧મી સદીમાં પદાર્થવિજ્ઞાન તથા આત્મવિજ્ઞાનનો સમન્વય સાધવાનો પડકાર અગ્રિમતા ધરાવશે. સંસારના બધા જ આત્માનુભવીઓએ સ્વપ્રતીતિથી ઘોષિત કરેલું છે કે જીવનનું પરમ સત્ય છે એક સર્વાકારી ચૈતન્ય. સ્વસંવેદ્યતા, સહજદૃષ્ટતા ધરાવનારી તે ચૈતન્ય-ઊર્જાને આત્મસત્તા કહેવાયું છે, પરબ્રહ્મ કહેવાયું છે! તે અવ્યક્ત ચિત્તિશક્તિ જગત રૂપે વ્યક્ત થઈ છે. પદાર્થ વિજ્ઞાને હવે સ્વીકાર કર્યો છે કે પ્રકૃતિના વિસ્તાર પાછળ એક સર્વવ્યાપીની, સર્વમાં ઓતપ્રોત, પ્રજ્ઞામયી સત્તા છે.

૨૧મી સદીમાં માનવ-સમાજ એવી જીવન સાધના આદરશે કે જેથી રોજિંદા વ્યવહારમાં અવ્યક્ત સત્તાનું અનુસન્ધાન રાખીને વ્યક્ત જગત સાથે સંવાદ સાધી શકાશે! અધ્યાત્મ માટે માનવીય સંબંધો ત્યજવાની અવૈજ્ઞાનિક પરંપરા સમાપ્ત થશે. સમાજવિમુખ પરંપરાઓનો અંત આવશે. ત્યાગ અને ભોગની ભાષા વિસર્જિત થઈ ‘જીવનં રસ સેવનમ્’ની ભાષા પ્રચલિત થશે.

Total Views: 93

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.