ભારતની દરેક વસ્તુ મને આકર્ષે છે. ઊંચામાં ઊંચી મહાત્ત્વાકાંક્ષા રાખનાર માણસને જોઈએ તે બધું ભારત પાસે છે. ભારત સ્વભાવે કર્મભૂમિ છે, ભોગભૂમિ નથી. મને લાગે છે કે હિંદનું મિશન બીજા દેશો કરતાં જુદું છે. હિંદ ધર્મની બાબતમાં જગતમાં સર્વોત્તમ થવા લાયક છે. આ દેશ સ્વેચ્છાએ શુદ્ધીકરણની જે પ્રક્રિયાઓમાંથી પસાર થયો છે તેનો જોટો જગતમાં જડતો નથી. હિંદને પોલાદનાં શસ્ત્રોની ઓછી જરૂર છે; તે દૈવી શસ્ત્રોથી લડતું આવ્યું છે અને હજી લડી શકે છે. બીજાં રાષ્ટ્રો પશુબળનાં પૂજારી છે. યુરોપમાં ચાલી રહેલું ભયંકર યુદ્ધ આ સત્યનું ઉદાહરણ પૂરું પાડે છે. હિંદ આત્મબળથી સૌને જીતી શકે છે. આત્મબળ આગળ પશુબળ કશી વિસાતમાં નથી એવું પુરવાર કરતા અનેક દાખલા ઈતિહાસમાં મળી આવે છે. કવિઓએ તેને વિષે કવિતાઓ ગાઈ છે અને સંતોએ પોતાના અનુભવો વર્ણવ્યા છે.

હિંદુસ્તાન તલવારની નીતિ સ્વીકારે તો તે કદાચ ક્ષણિક વિજય મેળવે, પણ ત્યારે તેનું મારા હૃદયમાં જે ગૌરવભર્યું સ્થાન છે તે નહીં રહે. હું હિંદુસ્તાનનો ભક્ત છું કારણ કે મારું જે કંઈ છે તે તેને આભારી છે. હું ચોક્કસ માનું છું કે હિંદ પાસે દુનિયાને આપવા માટે એક મિશન છે — સંદેશો છે. તેણે યુરોપની આંધળી નકલ કરવાની ન હોય. હિંદુસ્તાન તલવારની નીતિ સ્વીકારશે તે વેળા મારી કસોટીની હશે. મને આશા છે કે હું એ કસોટીમાં ઓછો નહીં ઊતરું. મારા ધર્મને ભૌગોલિક મર્યાદા નથી. મારી મારા ધર્મમાં જીવંત શ્રદ્ધા હશે તો તે ખુદ હિંદુસ્તાન માટેના મારા પ્રેમને વટાવી જશે. મારું જીવન અહિંસા મારફત હિંદુસ્તાનની સેવા માટે અર્પણ થયેલું છે. જો ભારત હિંસાને પોતાનો ધર્મ બનાવી દે, અને હું જીવતો હોઉં તો હું ભારતમાં રહેવાની પરવા ન કરું. પછી તે મારામાં કોઈ પણ જાતની અભિમાનની ભાવના પ્રગટાવી નહીં શકે. મારું સ્વદેશાભિમાન મારા ધર્મને આધીન છે. જેમ બાળક માતાની છાતીએ વળગે તેમ હું ભારતને વળગી રહ્યો છું કારણ કે મને લાગે છે કે મારે જોઈતું આધ્યાત્મિક પોષણ ભારત મને આપે છે. તેનું વાતાવરણ મારી ઊંચામાં ઊંચી આકાંક્ષાઓને અનુકૂળ છે. એ શ્રદ્ધા જશે ત્યારે મારી દશા, જેણે પોતાનો વાલી મેળવવાની આશા સદાને માટે ગુમાવી દીધી છે એવા અનાથ બાળક જેવી થશે.

પશ્ચિમમાં એવું ઘણું છે જે લેવાથી આપણને લાભ થાય, એટલું કબૂલ કરવા જેટલી નમ્રતા મારામાં છે. બુદ્ધિમત્તા એ કોઈ ખંડનો કે પ્રજાનો ઇજારો નથી. પશ્ચિમની સંસ્કૃતિ સામેનો મારો વિરોધ ખરેખર તો તેના આંધળા અનુકરણ સામે છે; જે અનુકરણ એશિયાના લોકો પશ્ચિમમાંથી આવતી દરેક વસ્તુની માત્ર નકલ કરવા જેટલી લાયકાત ધરાવે છે એવી માન્યતાને આધારે કરવામાં આવે છે. હું ચોક્કસ માનું છું કે હિંદુસ્તાન પાસે કષ્ટસહનની અગ્નિપરીક્ષામાંથી પસાર થવા જેટલી અને પોતાની સંસ્કૃતિ જે બેશક અપૂર્ણ છે, છતાં આજ સુધી થતા આવેલા કાળના હુમલા સામે ટકી રહી છે તેના પર થતા હુમલા સામે થવા જેટલી ધીરજ હોય તો તે જગતને શાંતિ મેળવવામાં ને સંગીન પ્રગતિ કરવામાં કાયમી ફાળો આપી શકે. હિંદુસ્તાનનું ભાવિ પશ્ચિમના રક્તમલિન પંથે નથી — પશ્ચિમ જ એથી કંટાળ્યું છે – પણ સાદા ને પવિત્ર જીવનથી જે શાંતિ મળે છે તે શાંતિવાળા રક્તરહિત પંથે છે. હિંદુસ્તાન આજે પોતાનો આત્મા ખોવાના જોખમમાં છે. એ આત્મા ખોઈને એ જીવી ન શકે. એટલે ‘પશ્ચિમના હુમલાની સામે અમારાથી ન ટકી શકાય’ એમ પ્રમાદથી અને લાચારીથી કહેવાને બદલે આપણે પોતાની અને જગતની ખાતર તેની સામે અટકાવ કરવાને કમર કસવી જોઈએ.

મારો પ્રયત્ન એવા ભારતવર્ષને માટે હશે જે ભારતવર્ષમાં પ્રજાના વર્ગોમાં ઊંચાનીચાનો ભેદ નહીં હોય; જે ભારતવર્ષમાં તમામ કોમો પૂરેપૂરી હળીમળીને રહેતી હશે. એવા ભારતવર્ષમાં અસ્પૃશ્યતાના પાપને અથવા કેફી પીણાં અને પદાર્થોને સ્થાન હોઈ જ નહીં શકે. સ્ત્રીઓ પુરુષોના જેટલા જ હક ભોગવશે. આપણે બાકીની આખી દુનિયા સાથે શાંતિથી રહેતા હઈશું અને કોઈને લૂંટતા કે કોઈથી લૂંટાતા નહીં હોઈએ એટલે આપણે નાનામાં નાનું લશ્કર રાખવું પડશે. મૂગાં કરોડોના હિતના વિરોધી નહીં હોય એવા તમામ દેશી કે વિદેશી હિતસંબંધો ચીવટપૂર્વક જાળવવામાં આવશે. મને પોતાને તો દેશી અને વિદેશી વચ્ચેનો ભેદ અકારો છે. આ મારા સ્વપ્નનું ભારતવર્ષ છે… હું આથી જરાયે ઓછાથી સંતોષ નહીં પામું.

(નવજીવન દ્વારા પ્રકાશિત,‘મારા સ્વપ્નનું ભારત’માંથી સાભાર)

Total Views: 84

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.