આપણી આ પવિત્ર માતૃભૂમિ ધર્મ અને તત્ત્વજ્ઞાનની ભૂમિ છે, ત્યાગની ભૂમિ છે, ધર્મવીરોની જનની છે. આ સ્થળે, કેવળ આ જ સ્થળે જીવનના સર્વોચ્ચ આદર્શનો માર્ગ અત્યંત પ્રાચીન સમયથી માંડીને આજ સુધી માનવી સમક્ષ હમેશાં ખુલ્લો રહ્યો છે. પશ્ચિમના દેશોમાં હું વસ્યો છું. ભિન્ન ભિન્ન પ્રજાના અનેક દેશોનો પ્રવાસ મેં ખેડ્યો છે. પ્રત્યેક જાતિ અને પ્રત્યેક પ્રજા પાસે એક વિશિષ્ટ આદર્શ હોવાનું મને જણાયું છે; તેમના સમગ્ર જીવનમાં એક મુખ્ય આદર્શ ઓતપ્રોત થયેલો દેખાય છે, કે જે, તે પ્રજાના જીવનની કરોડરજ્જુ સમાન હોય છે. ભારતની કરોડરજ્જુ રાજનીતિ, લશ્કરી સત્તા, વાણિજ્યમાં પ્રાધાન્ય કે યંત્રવિદ્યાની પ્રતિભા નથી, પરંતુ ધર્મ છે; અને આપણું જે કાંઈ છે, અગર જે કાંઈ આપણે ઇચ્છીએ છીએ તે કેવળ ધર્મ જ છે. ભારતમાં સદૈવ આધ્યાત્મિકતા વિદ્યમાન રહી છે. શારીરિક શક્તિનાં પ્રદર્શનો ખરેખર મહાન છે; અને વિજ્ઞાનનાં સાધનો વડે ચાલતાં યંત્રો દ્વારા દેખાતો બૌદ્ધિક વિકાસ પણ અદ્‌ભુત છે. છતાં જગત ઉપર આત્મા જે પ્રભાવ પાડે છે તે કરતાં વધુ શક્તિશાળી આમાંનું એક પણ નથી. આપણી પ્રજાનો ઇતિહાસ બતાવે છે કે ભારત હમેશાં ખૂબ જ સક્રિય રહ્યું છે; આજે કેટલાક માણસો આપણને એમ કહે છે કે હિંદુઓ નરમ અને નિષ્ક્રિય છે,અને બીજા દેશોમાં તો આ એક પ્રકારની કહેવત બની ગઈ છે. પણ તેમનું જ્ઞાન મર્યાદિત છે. ભારત ક્યારેય પણ નિષ્ક્રિય હતું તે માન્યતાનો હું અસ્વીકાર કરું છું. આપણી આ ધન્ય માતૃભૂમિ કરતાં બીજા કોઈ પણ સ્થળે આથી વધારે પ્રવૃત્તિ હતી નહીં. આપણી પ્રવૃત્તિનો મહાન પુરાવો એ છે કે આપણી પ્રાચીનતમ અને મહાન જાતિ હજુય જીવંત છે, તથા પોતાની જ્વલંત કારકિર્દીના પ્રત્યેક દાયકામાં તે તાજગીભર્યું, અમર અને અવિનાશી યૌવન ધારણ કરતી જણાય છે. આ પ્રવૃત્તિ અહીં ધર્મમાં પ્રગટ થાય છે.

– સ્વામી વિવેકાનંદ[‘ભારતમાં આપેલાં ભાષણો’માંથી]

Total Views: 73

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.