૬૦ વર્ષના લગ્નજીવન પછી ૮૫ વર્ષની ઉંમરે એક યુગલનું અકસ્માતમાં અવસાન થયું. અને બંને સ્વર્ગના દ્વારે પહોંચી ગયાં. પૌષ્ટિક આહાર અને નિયમિત વ્યાયામને લીધે એમની તંદુરસ્તી પણ સારી રહેતી, સ્વર્ગના બારણે પહોંચ્યાં એટલે યમદૂત વૃદ્ધ દંપતીને એના નિર્દિષ્ટ નિવાસસ્થાને લઈ ગયા. મકાન તો મજાનું બંગલા જેવું. વળી સરસ મજાનું રાચરચીલું. દંપતી તો વાહ વાહ બોલી ઊઠ્યાં. પછી ધીરેથી યમદૂતને આ મકાનની કિંમત વિશે પૂછ્યું, ‘બંગલા જેવું મકાન! પણ આપને પૂછવું છે કે આ અમને કેટલામાં પડશે?’ યમદૂતે કહ્યું, ‘આ, આ સ્વર્ગ છે અને બધું મફતમાં મળશે ભાઈ!’

થોડા દિવસ પછી તે ગૉલ્ફની સ્પર્ધા જોવા ગયાં. પૃથ્વી પર તો ગૉલ્ફ જોવાની રમવાની સારી તક મળતી. દર અઠવાડિયે નવા નવા ખેલ તે નવા નવા રમતવીરો! અહીં પણ આ સુવિધા જોઈને વૃદ્ધે પૂછ્યું, ‘ભાઈ, અહીં ગૉલ્ફ-કલબની ફી કેટલી ભરવી પડે?’ યમદૂતે કહ્યું, ‘આ સ્વર્ગ છે અને મફતમાં જ રમવાનું!’ વળી એક દિવસ કલબમાં ગયા. અહીં તો જમવામાં વિશ્વભરની ભાતભાતની વાનગીઓ વાળું સ્વરુચિ ભોજન! વળી વૃદ્ધે પૂછી નાખ્યું, ‘ભાઈ, આ ભોજનનો ખર્ચ કેટલો થશે?’ યમદૂતે કહ્યું, ‘અરે, ભાઈ, તમે સમજ્યા જ નથી શું? આ સ્વર્ગ છે અને અહીં આ ભોજન પણ વિનામૂલ્યે મળશે.’ વૃદ્ધે બીતાં બીતાં દબાતા અવાજે વળી પૂછ્યું, ‘સારું, ભાઈ સાહેબ, ઓછી ચરબીવાળી ખાણીપીણીના ટેબલ્સ ક્યાં હશે?’ યમદૂતે સમજાવીને કહ્યું, ‘એ વાત સાચી, પણ અહીં તો તમને ફાવે તે અને ફાવે તેટલું ખાઓ. અહીં ચરબી-બરબી વધશે નહીં અને માંદા ય નહીં પડો. આ સ્વર્ગ છે ભાઈ!’ વૃદ્ધ તો ગુસ્સાથી લાલપીળા થઈ ગયા. પોતાની ટોપી નીચે ફેંકીને તેના પર ચાલ્યો અને ગુસ્સામાં જોરથી કંપતો હતો. તેની પત્નીએ વૃદ્ધને સમજાવીને શાંત પાડવાનો પ્રયાસ કર્યો અને પૂછ્યું, ‘આ શું થઈ ગયું? કાંઈ ખોટું તો નથી થયું ને?’ વૃદ્ધે તેની પત્ની તરફ લાલચોળ આંખો સાથે જોતાં કહ્યું, ‘આ બધો તારો જ વાંક છે, તારી જ ભૂલ છે. તેં અત્યાર સુધી એવા પૌષ્ટિક આહાર ન જમાડ્યા હોત અને વ્યાયામ વગેરે ન કરાવ્યાં હોત તો વીશ વીશ વર્ષ પહેલાં હું અહીં પહોંચી ગયો હોત, સમજી ગાંડી!’

ઊંચી પર્વતમાળા પરની એક ભવ્ય હૉટલ વિશે હિંમતલાલને જાણ મળી. ઘણી ઉત્કંઠા અને અપેક્ષા સાથે એ હૉટલના મૅનૅજરને હૉટલના એક રાત્રિ રોકાણના ચાર્જ વિશે પૂછ્યું. હૉટલના મૅનૅજરશ્રીએ ઉત્સાહ અને સ્મિત સાથે જણાવ્યું, ‘તમારે અહીંના રોકાણ માટે હમણાં કંઈ આપવાનું નથી! તમારા પુત્રનાં સંતાનો પૌત્ર-પૌત્રીઓ પાસેથી એ રકમ વસૂલી લઈશું!!’ હિંમતભાઈએ તો આ ભવ્ય હૉટલમાં રહેવા માટે એક અઠવાડિયાનું બૂકીંગ કરાવી દીધું! તેઓ તો મૂછમાં હસતાં હસતાં મનોમન વિચારવા લાગ્યા, ‘અહીં ક્યારે મારે સંતાને ય છે કે પૌત્ર-પૌત્રીઓ જન્મે-નાસ્તિ મૂલં કુત: શાખા – જેવું છે. એટલે માણી લે જીવડા અઠવાડિયું મફતમાં આ મજાની મોજમજા!’ ઓરડો તો ભવ્ય અને સુંદર સુખ-સુવિધાવાળો અને બારી બહાર નજર નાખો તો પહાડો પર છવાયેલાં ઊંચાં ઊંચાં લીલાંછમ વૃક્ષોની મનોહર હારમાળા નીચે ઘાસિયાં મેદાનો, આકાશને સ્પર્શતી મજાની પર્વતોની હારમાળા. ધીમે ધીમે અઠવાડિયું પૂરું અને રોકાણ પણ પૂરું થયું, આટલું લાંબુ રોકાણ મફતમાં મળતું’તું એટલે લઈ લીધું! હવે નીકળવાની ઘડી આવી પહોંચી. તેઓ જેવા બહાર નીકળવા જતા હતા ત્યાં જ મૅનૅજરે એમને બોલાવીને વિનમ્રતાથી કહ્યું, ‘સાહેબ, આમ ક્યાં ચાલ્યા? આપનું બીલ ચૂકવવાનું બાકી છે!’ હિંમતલાલે પાછા ફરીને આશ્ચર્ય સાથે કહ્યું, ‘આ બીલ વળી કેવું? તમે જ કહ્યું હતું કે મારે કંઈ આપવાનું જ નથી અને મારાં પૌત્ર-પૌત્રીઓ આપી દેશે. પછી આ બીલ ક્યાંથી આવ્યું?’

મૅનૅજરે હળવેથી વિનમ્રતા સાથે કહ્યું, ‘અરે, અરે, સાહેબ એવું નથી, આ બીલ આપનું નથી આ બીલ તો છે આપના દાદાજીનું!!’

‘GLOBAL VEDANTA’, Spring 1999, Vol.3, No.4 માંથી સાભાર

Total Views: 48

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.