આંતરરાષ્ટ્રીય મહિલા દિન માર્ચની ૮મી તારીખે સમગ્ર વિશ્વમાં ઉજવાયું. એના ઉપલક્ષ્યમાં નારીના મહિમાને વર્ણવતું આ કાવ્ય અને એનો રસાસ્વાદ ભાવિકના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. – સં

બાળ ભોળો એની માતને પૂછે, ‘અમથું રુવે તું કેમ?’
માત કહે છે : ‘નારી છું બેટા! એટલે રડું એમ.’, ‌
બાળ કૈ સમજે નહીં,
મુંઝાયે મનની મહીં.
માત ભરી એને બાથને બોલી, ‘આગમ છે આ વાત
કોઈ દિ તારી સમજ એમાં; પહોંચે ન ખરેખાત
તોય બાળ હામ ન હાર્યો
પિતાને પૂછવા લાગ્યો,
બાપ કહે : ‘બસ અમથું એવું નારીને પડ્યું વેન’
ઉડાઉ ઉત્તર સાંભળી એવો બાળ બન્યો બેચેન;
કાળ એમ વીતવા લાગ્યો
શિશુ પુરુષત્વ પામ્યો.
કોયડો માનો આંસુ તણો તો ય ઉક્‌લ્યો નવ લગાર
હારીને છેવટે હરિને જોડ્યો ફોન એણે તત્કાલ
“રુએ છે નારીઓ એનું
કયું છે કારણ છાનું?”
હરિ કહે : “મેં નારી સરજી, અજબ એ છે વાત;
નરથી જુદી જાત અનોખી જુદી જ ધાત ને ભાત
સબળ એ વજ્જર જેવી
કોમળ એ પુષ્પ જેવી.
જગનો ભાર વેંઢા૨વા એના ખભા કર્યા મજબૂત
પરનાં દુ:ખો હળવાં કરવા, દીધું સૌમ્ય સ્વરૂપ
ભીતરની ભવ્ય શક્તિ,
બની એ કરુણામૂર્તિ
પ્રસવપીડાની ઘોર તિતિક્ષાને વત્સલતા ને પ્રેમ
છોરું કછોરુ થાય તો યે એ જી૨વવાની નેમ,
એવાં સંવેદનોભર્યુ
નારીને આપિયું હૈયું.
માંદગી થાકની ઝીક ઝીલન્તો દેહ દીધો ઉપહાર,
કોઈ કદિ ફરિયાદ નહિ પરિવારનો વેઠે ભાર;
મનોમન સમજુ શાણી
લાગણીની મૂંગી વાણી
નરના દોષોને ખમી ખાવાનું અંતર બળ મેં આપ્યું;
વખત આવતાં નરની પડખે ઊભવા ડા’પણ સ્થાપ્યું
આંસુ દીધાં રડવા માટે,
એનો અધિકાર છે માટે
એની નબળાઈ છે માટે
આખી માનવતા માટે…

-કેશવલાલ વિ. શાસ્ત્રી 

(કોઈ અજ્ઞાત કવિના સામે આપેલા અંગ્રેજી કાવ્ય ઉપરથી અનુકાવ્ય)

આજથી લગભગ પાંચેક વર્ષ પહેલાં ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’માં, બે અંગ્રેજી કાવ્યોને ગુજરાતી ભાષામાં ઢાળીને રસાસ્વાદ તરીકે મૂકવામાં આવેલાં. વાચકોનો પ્રતિભાવ ખૂબ જ ઉત્સાહજનક રહ્યો. એ બે કાવ્યો હતાં :

– Foot steps : હરિપદનો સંગાથ

– Accept my full heart’s thanks : એવે અણીને ટાણે મેં શબદું સાંભળ્યા! 

ગુજરાતી ભાષામાં, કાવ્યદેહ આપનાર હતા શ્રી કેશવલાલ શાસ્ત્રી, પંડિત અને ચિંતક. એમણે ફરી એક સુંદર અંગ્રેજી કાવ્યનું સમાંતર ગુજરાતી કાવ્યાનુસર્જન આપણી સમક્ષ મૂક્યું છે. અંગ્રેજી કાવ્ય છેઃ ‘Mom, Why are you crying?’ શ્રી શાસ્ત્રીજીએ, ગુજરાતીમાં શીર્ષક આપ્યું છે : ‘નારી : નારાયણી’

એક જમાનામાં કવિશ્રી ઈન્દુભાઇ ગાંધીનું કાવ્ય ‘આંધળી માનો કાગળ’ – ગુજરાતભરમાં ચોરે અને ચૌટે ગવાતું. બસ, એજ ઢાળમાં નારી—નારાયણી’ કાવ્ય બેસાડવામાં આવ્યું છે. તો ચાલો, આપણે સૌ સાથે મળીને આ કાવ્ય માણીએ અને સ્ત્રીશક્તિને પિછાણીએ.

કાવ્યના કેન્દ્રમાં છે માનાં આંસુ. પછી કાવ્યના વ્યાપ વધવાની સાથે, દીકરી, બેન, પત્ની અને સ્ત્રી માત્રનાં આંસુની તાકાતનો કાવ્યમાં નિર્દેશ થયેલો જોવામાં આવે છે.

એક નિર્દોષ ભોળું બાળક પોતાની માને પ્રશ્ન પૂછે છે. ‘મા, તું રડે છે કેમ?’ મા સીધો જ જવાબ આપે છે. ‘બેટા, સ્ત્રી છું ને એટલે રડું છું.’ નાનું, ભોળું બાળક કશું જ સમજી શક્યું નહિ. માએ એને વહાલથી બાથમાં લઈ પ્રેમ કરતાં કહ્યું, ‘દીકરા! અગમ છે એ વાત, એમાં ખરેખર તારી સમજ, પહોંચી શકશે નહિ.

માત ભરી એને બાથને બોલી, ‘અગમ છે આ વાત,
કોઈ દિ તારી સમજ એમાં પહોંચે ન ખરેખાત.’

માના જવાબથી બાળકને સંતોષ ન થયો એટલે એણે એ જ પ્રશ્ન પોતાના બાપને પૂછ્યો. ‘પિતાજી! મારી મા રડે છે કેમ? એની આંખમાં આંસુ કેમ?’ બાળકના પિતાના જવાબમાં, પુરુષ માત્રનો અધકચરો, અણઘડ અને બેજવાબદા૨ જવાબ જોવા મળે છે. પિતાએ કહ્યું, ‘બેટા, બસ તારી માને તો કોઈપણ કારણ વિના રડવાની ટેવ પડી ગઈ છે, તું આવી નકામી વાત રહેવા દે. તારું કામ કર.’ બાપ કહે, ‘બસ અમથું એવું નારીને પડ્યું વેન’, બાપનો આવો ઉડાઉ ઉત્તર સાંભળી બાળક બેચેન બની ગયો. સમય વીતવા લાગ્યો. પેલો નાનો છોકરો પોતે મોટો થયો. પોતે પુરુષ બન્યો. પણ માના આંસુનો કોયડો તો એવોને એવો જ રહ્યો. એને એનો કોઈ ઉકેલ ન મળ્યો. એની મૂંઝવણનો પાર ન રહ્યો.

અહીં સુધી આ કાવ્યમાં કશું જ જાણવા જેવું, માણવા જેવું કે વિશેષ સમજવા જેવું જોવા મળતું નથી. બાળકનો પ્રશ્ન, માનો જવાબ. બાળકનો પ્રશ્ન, બાપનો જવાબ અને બાપના પ્રશ્નમાં પુરુષ માત્રનો જવાબ .

– સ્ત્રીને રડવું સહજ છે.

– સ્ત્રીને આંસુ પાડવાની તો ટેવ હોય છે.

– આંસુ એ તો સ્ત્રીનું પ્રબળ હથિયાર છે.

– સ્ત્રીના કપાળમાં તો આંસુના કૂવા હોય છે.

તો પુરુષના ઉત્તરમાં કોઈ ચમત્કૃતિ નથી, પણ પુરુષોત્તમના હરિના ઉત્તરમાં ડગલેને પગલે નવીનતા અને ચમકારા જોવા મળે છે. માનો આંસુનો કોયડો ઉકેલાયો નહિ એટલે જે છોકરો પોતે હવે પુરુષ બન્યો છે એણે તો હિરને જ સીધો ફોન જોડ્યો.

હારીને છેવટે હ૨િને – જોડ્યો ફોન એણે તત્કાલ,
‘રુએ છે નારીઓ એનું,
કયું છે કા૨ણ છાનું!’

કાવ્યનો ખરો ઉપાડ જ અહીંથી થાય છે. ફોન ઉપર પેલા પુરુષને નારીના સર્જનનાં કારણો એક પછી એક હરિ સમજાવે છે.

‘નારીનું મેં સર્જન કર્યું એ જ એક અજબગજબ વાત છે. નરથી જુદી જ કંઈ એની ધાત (Metal) અને ભાત છે. એ વજ્રથી પણ કઠોર છે અને પુષ્પથી પણ કોમળ છે:

રામાયણમાં સૌથી વગોવાયેલું પાત્ર કૈકેયીનું છે. પણ એની તાકાત અને હિંમત પણ દાદ માગી લે – એવાં છે. એમ કહેવાય છે કે, યુદ્ધના મેદાનમાં દશરથ રાજાના રથનું પૈડું તૂટવાની અણી ઉપર હતું ત્યારે કૈકેયીએ ધરીને જગ્યાએ પોતાની આંગળી ભરાવી રાખેલી. અતિશયોક્તિ ભરેલી આ દંતકથા પાછળ પણ કૈકેયીની શક્તિનો અને હિંમતનો ખ્યાલ તો ચોક્કસ રહેલો છે.

અગ્નિપુત્રી દ્રૌપદી તો એની વાક્‌શક્તિ, શારીરિક શક્તિ અને માનસિક શક્તિથી મહાભારતમાં સતત છવાયેલી રહે છે.

ધરતીની પુત્રી સીતામૈયા તો સહનશક્તિનો મૂર્તિમંત નમૂનો. એમના ત્યાગ અને બલિદાન તો અણમોલ જ રહ્યાં છે, અજોડ રહ્યાં છે.

સપ્તશતી ચંડીપાઠમાં, અધ્યાય ૪ માં, ૨૨ મા શ્લોકમાં માની સ્તુતિ કરતા દેવગણોએ ગાયું,

‘ચિત્તે કૃપા સમર નિષ્ઠુરતા ચ દૃષ્ટા,
ત્વય્યેવ દેવિ વરદે ભુવનત્રયેપિ ॥

ચિત્તમાં કૃપા અને યુદ્ધભૂમિ પર નિષ્ઠુરતા તો હે મા! એક તારામાં જ જોવા મળી. આ રીતે સ્ત્રીની જાત ધાત અને ભાત અતુલનીય જ હોય છે.

હરિ, સ્ત્રીના ગુણો બતાવતા આગળ વધે છે.

જગનો ભાર વેંઢારવા એના ખભા કર્યા મજબૂત,
પરનાં દુઃખો હળવાં કરવા દીધું સૌમ્ય સ્વરૂપ’
ભીતરની ભવ્ય શક્તિ,
બની એ કરુણામૂર્તિ.

કવિએ અહીં ‘વેંઢારવા’ શબ્દ પ્રયોગ કર્યો છે. ‘વેંઢારવું’ એટલે તૂટી જાય ત્યાં સુધી ખેંચવું, શારીરિક મર્યાદાથી વધુ ખેંચવું, શેષનાગ જેમ પોતાની ફેણ ઉપ૨ પૃથ્વીનો ભાર ખમે છે. બસ, એવી જ રીતે સ્ત્રી પોતાના ખભા ઉપર જગનો ભાર વેંઢારે છે. એના ખભા એટલા તો મજબૂત હોય છે. શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠી, એ લખેલ ‘સરસ્વતીચંદ્ર’માં, ‘ગુણસુંદરીનો ઘરસંસાર’ નામનું પ્રકરણ આવે છે. એમાં, ગુણસુંદરી આખા કુટુંબનો બોજો શી રીતે વેંઢારે છે એનો આબેહૂબ ખ્યાલ આપ્યો છે. સવારથી સાંજ સુધી ગુણસુંદરી નવરી જ નથી થતી અને એમના વિના ઘરના કોઈ સભ્યને ચાલતું પણ નથી. ગુણસુંદરીનું સ્વાસ્થ્ય આરામ માગે છે, ત્યારે ઘરમાં અરાજકતા ફેલાઈ જાય છે. જેવું ઘરનું, કુટુંબનું, સમાજનું એવું જ જગતનું. એ જ સ્ત્રી પારકાને દુઃખે, દુઃખી પણ એટલી જ થાય છે. એને કોઈ પારકું છે જ નહિ. બધાં જ એનાં છે. એટલે તો સ્ત્રીને કરુણામૂર્તિ કહેવામાં આવે છે.

આજે તો સ્ત્રીના રુદનના પ્રશ્ને હરિના હૈયામાં સ્ત્રી પ્રત્યે હેત ઉભરાઈ આવ્યું છે. સ્ત્રી અને પ્રસૂતિની પીડા, સ્ત્રી અને વાત્સલ્ય, સ્ત્રી અને જીરવવાની શક્તિ, સ્ત્રી અને ક્ષમાશીલતા, સ્ત્રી અને સંવેદનશીલતા, કેટકેટલા ગુણો ગણાવું એનો તો કોઈ પાર નથી!…

બાળકના જન્મ પહેલાં અને જન્મ પછી સ્ત્રી એક માની ફરજ કેટલી અદ્‌ભુત રીતે નિભાવે છે? અને એ જ બાળક મોટો થાય, રખડુ બની જાય, હાથથી છૂટી જાય. ચોરી–લૂંટ, દારૂ-જુગારમાં અટવાઈ જાય ત્યારે માનું હૈયું ભીતરથી રડતું હોય છે. એ આર્તહૃદયે ભગવાનને પ્રાર્થના પણ કરતી હોય છે.

સેંટ ઓગસ્ટાઈન સંત બન્યા એ પહેલાં પાપી અને રખડુ જીવન જીવતા હતા. એમની મા દુ:ખી-દુઃખી હતી. એક વખત તે સેંટ એમ્બ્રોસ પાસે ગઈ અને પોતાના પુત્રના પાપી જીવન વિશે ફરિયાદ કરતાં રડી પડી. એમની આંખમાંથી વહેતાં આંસુ જોઈને એમ્બ્રોસ બોલી ઊઠ્યા :

‘Do not shed tears My Mother!

Children of these tears shall never perish’ અને ખરેખર ઓગસ્ટાઈનનું જીવન–પરિવર્તન થઈ ગયું, માના પવિત્ર આંસુએ પુત્રનાં પાપ ધોઈ નાખ્યાં. એટલે જ શ્રી શંકરાચાર્ય મહારાજે ગાયું છે.

‘કુપુત્રો જાયેત કવચિદપિ કુમાતા ન ભવિત’
‘માંદગી, થાકની ઝીક ઝીલન્તો દેહ દીધો ઉપહાર
કોઈ કદિ ફરિયાદ નહિ પરિવારનો વેઠે ભાર
મનોમન સમજુ શાણી
લાગણીની મૂંગી વાણી

કુટુંબમાં માંદગી આવે, શોકના પ્રસંગો આવે પણ સ્ત્રી તો સામી છાતીએ એ બધાનો સામનો કરવાની. ક્યાંય વિહ્‌વળતા નહિ, ઉદ્વિગ્નતા નહિ, અસ્થિરતા નહિ. શાંત, સૌમ્ય, સમજુ અને શાણી સ્ત્રીની વાણી જ મૂકે છે. ‘લાગણીની મૂંગી વાણી.’

હવે, હિર આંસુ શા માટે આપ્યાં એ બતાવે છે.

– આંસુ દીધાં રડવા માટે

– એનો જ સંપૂર્ણ અધિકાર છે માટે

– આંસુ એ એની નબળાઈ છે માટે પરંતુ

– આખી માનવતા માટે.

નરના દોષો ખમી ખાવા માટે મેં સ્ત્રીમાં અંતર બળ મૂક્યું છે. વખત આવતાં નરની પડખે ઊભવા ડહાપણ પણ આપ્યું છે.

માનવતાને જીવતી રાખવા માટે, સંસ્કારિતાની જ્યોત જલતી રાખવા માટે, પ્રેમના ઝરણાને વહેતું રાખવા માટે, વાત્સલ્યની વાડીને લીલી કુંજાર રાખવા માટે, સ્ત્રીને મેં આંસુની ભેટ આપી છે.

હરિના આ પ્રતીતિકર જવાબથી પેલા પુરુષને સંતોષ અને સમાધાન બન્ને થયાં અને સ્ત્રીને મનોમન વંદવા લાગ્યો.

આપણા ગુજરાતી ગઝલકારે ગાયું છે.

‘અણમોલ છે એ કરુણા એ ભેદ લો પિછાણી
હૈયું રડે તો મોતી, આંખો રડે તો પાણી.’

– ક્રાંતિકુમાર જોશી

Total Views: 626

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.