સ્વામી બુધાનંદ કૃત આ લેખ રામકૃષ્ણ સંઘના અંગ્રેજી માસિક ‘પ્રબુદ્ધ ભારત’ના ડિસેમ્બર ૧૯૬૯ના અંકમાં સંપાદકીય લેખરૂપે પ્રગટ થયો હતો. ત્યારબાદ સુધારા વધારા કરીને ૧૯૮૩ના મે મહિનામાં ‘How to build character’ નામના એક અંગ્રેજી પુસ્તક રૂપે એનું પ્રકાશન કરવામાં આવ્યું, જે ખૂબ જ લોકપ્રિય બન્યું. આજના સમાજમાં અને ખાસ કરીને યુવાનોમાં તેના વ્યાપક પ્રસારની આવશ્યકતા અને મહત્ત્વને ધ્યાનમાં રાખીને અમે આ અંગ્રેજી પુસ્તિકાનો ગુજરાતી અનુવાદ ધારાવાહિક રૂપે પ્રકાશિત કરીએ છીએ. આ પુસ્તિકા ગુજરાતીમાં ‘ચારિત્ર્ય નિર્માણ કેવી રીતે કરવું?’ના નામે પ્રસિદ્ઘ થશે. -સં.

૧. મજબૂત બંધ અને નિર્બળ મનુષ્ય : એક વિડંબના.

જો આપણે બંધોને મજબૂત બનાવીએ અને મનુષ્યોને નિર્બળ બનાવીએ તો શું એ ધનનો યોગ્ય ઉપયોગ કહેવાશે? જો આપણે કોઈ સિદ્ધાંતને બચાવવા માટે રાષ્ટ્રને ડૂબાડી દઈએ તો વિચારો કે રાજનીતિએ મનુષ્યને કેવો બનાવી દીધો છે? જો મનુષ્ય ‘રૉબૉટ’ બની જાય અને ‘રૉબૉટ’ પણ બુદ્ધિશાળી અને ચતુર બની જાય, તો શું એ સભ્યતાની અધોગતિ નથી? સમૃદ્ધિને સમાજના સઘળા વર્ગોમાં ન લાવતાં, ફક્ત એક જ વર્ગ દ્વારા વિશિષ્ટ ઉપાયોથી ફક્ત એમની જ વચ્ચે લાવી દેવામાં આવે તો આપણે પ્રગતિના રૂપે પાગલપણા સિવાય બીજું શું મેળવ્યું? આપણે સર્વત્ર આપણા વિષ-વમન માટે જો સંપૂર્ણ વિશ્વને સંચાર માધ્યમોથી જોડી દીધું છે, તો તેમાં અંતર ઓછું ક્યાં કર્યું? જો આપણી બધી જ શક્તિઓ, કુશળતા, નિષ્ઠા, એકાગ્રતા, આપણા જ બંધુઓને એમના સ્થાનેથી નીચે પછાડવાના કામમાં પ્રયોજાતી હોય તો શું એ આશ્ચર્યજનક સર્જકતા નથી? જો આપણે ટેકનિકલ દૃષ્ટિએ અંતરિક્ષયાનમાં બેસીને ચંદ્રમાં સુધી પહોંચવા સક્ષમ બની ગયાં છીએ અને પૃથ્વી ઉપર એ પ્રકારનું જીવન જીવીએ છીએ તો શું આપણે વિજ્ઞાન કરતાં ચંદ્ર(મન)ના પ્રભાવથી તો એવું નથી કરી રહ્યાં ને?

જો પ્રગતિની સાથે સાથે આપણે સ્વયં પતિત બનતા હોઈએ તો પછી આપણે કેટલા આગળ વધ્યા છીએ?

૨.આત્મઘાતી ચતુર મનુષ્ય

માનો કે ન માનો, પ્રકૃતિ મનુષ્યને ભોજન આપવામાં કંજૂસાઈ કરતી નથી. પણ મનુષ્ય એને અંધારા ખૂણામાં છૂપાવીને અન્ય મનુષ્યોને એનાથી વંચિત કરે છે. અને તે એવું શા માટે કરે છે? એટલા માટે કે તે ધન કમાવા ઇચ્છે છે. અને એક દિવસ તે પોતાની સઘળી સંપત્તિ બેંકમાં છોડીને એક કીડાની જેમ મરી જાય છે; પણ તે માનવીય આચરણ કરતો નથી.

માનો કે ન માનો, પ્રકૃતિ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતી નથી. પરંતુ મનુષ્ય પોતે પોતાનાં સંતાનો તથા અન્ય લોકોને ખવડાવતાં પહેલાં ભેળસેળ કરે છે અને તે આવું શા માટે કરે છે? કારણ કે તે માને છે કે આ જ વ્યાપાર છે.

માનો કે ન માનો, ગાય એટલી ઉદાર અને નૈતિક છે કે તે આપણને શુદ્ધ દૂધ આપે છે. પરંતુ મનુષ્ય કોઈને શુદ્ધ દૂધ પીવા દેતો નથી.

માનો કે ન માનો, ખનિજ પદાર્થો અને રસાયણો એકબીજા સાથે સાંઠગાંઠ કરીને ભયાનક વિધ્વંસકારક શસ્ત્રોનું સર્જન કરતાં નથી, પણ મનુષ્ય કરે છે.

માનો કે ન માનો, આકાશની પાસે પોતાનો શસ્ત્રભંડાર નથી અને તેણે મનુષ્યના મસ્તક પર કદી બોંબ ફેંક્યો નથી. પણ ખૂબ બુદ્ધિમત્તા વાપરીને મનુષ્ય ત્યાં જાય છે અને પોતાના જાતભાઇઓ પર બોંબ ફેંકે છે. પછી પોતાનાં કૃત્યો પર ફૂલાતાં તે વિચારે છે કે તે વિજય પ્રાપ્ત કરી રહ્યો છે.

માનો કે ન માનો, પૃથ્વીએ બધા મનુષ્યો માટે પર્યાપ્ત ભૂમિ અને સંસાધન આપ્યાં છે. પરંતુ મનુષ્યે મનુષ્યને તેનાથી વંચિત કરીને તેને દરિદ્ર બનાવી દીધો છે.

માનો કે ન માનો મનુષ્ય અને પરમાત્મા અભિન્ન છે. પરંતુ માણસે પોતાને કેટલો બધો સિમિત કરી મૂક્યો છે?

૩. ચારિત્ર્ય — મનુષ્યની પરમ આવશ્યક્તા

તો પછી આજના મનુષ્યની પરમ આવશ્યક્તા શું છે? પ્રત્યેક કાર્યમાં, પહેલાં, પછી અને મધ્યમાં મનુષ્યે એક જ સૂત્રને જાણવાની જરૂર છે, અને તે છે સાચું મનુષ્યત્વ પ્રાપ્ત કરવાનું સૂત્ર.

તે સૂત્ર શું છે?

કન્ફ્યુશિયસના મત પ્રમાણે તે ઉદ્ધારક સૂત્ર છે — ‘પોતાના ચારિત્ર્યનું નિર્માણ અને સાથે સાથે બીજાઓને પણ તે જ કરવા માટે સહાય કરવી, પોતાને માટે સફળતા મેળવવાનો પ્રયત્ન કરવો અને બીજાંઓની સફળતામાં સહાયક બનવું.’૧

વાસ્તવમાં આ સર્વોદયનો—બધાંની એક સાથે ઉન્નતિનો સિદ્ધાંત છે.

ભિન્ન ભિન્ન વ્યક્તિઓ, સમાજો અને રાષ્ટ્રોની જરૂરિયાતો અલગ અલગ હોય છે. એની પૂર્તિ માટે જુદા જુદા પ્રકારના ઉપાયો હાથ ધરવામાં આવે છે, જે મોટે ભાગે કોઈને કોઈ રૂપે બીજાંની ઉન્નતિમાં અવરોધરૂપ બને છે. પરંતુ સમગ્ર વ્યક્તિઓ, સમાજો તથા રાષ્ટ્રોની એક સમાન જરૂરિયાત છે અને તે છે, પર્યાપ્ત ચારિત્ર્યની.

જો પર્યાપ્ત ચારિત્ર્ય હોય તો મનુષ્ય સાચો મનુષ્ય બની શકે છે. અને એક સાચો મનુષ્ય જ પોતાની સમસ્યાઓ હલ કરી શકે છે અને બીજાંઓની સમસ્યાઓના નિવારણમાં સહાય પણ કરી શકે છે.

કન્ફ્યુશિયસ કહે છે : ‘જેનામાં સાચું મનુષ્યત્ત્વ નથી તે ન તો લાંબો સમય દરિદ્રતા સહન કરી શકે કે ન તો શ્રીમંતાઈ પચાવી શકે.’ ૨ આ વાત કેટલી સાચી છે! જો મનુષ્યમાં પર્યાપ્ત ચારિત્ર્ય ન હોય તો દરિદ્રતા તેને પશુમાં પલટાવી દે છે અને શ્રીમંતાઈ તેને જંગલી બનાવી દે છે.

૪. જીવનયાપન માટે પર્યાપ્ત ચારિત્ર્ય અનિવાર્ય

આપણી જીવનયાત્રા ચલાવવા માટે પર્યાપ્ત ચારિત્ર્યની આવશ્યક્તા છે. નહીંતર આપણે ભલેને ગમે તે કેમ ન કરીએ, આપણા જીવનના વ્યક્તિગત, સામાજિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બધાં ક્ષેત્રે સમસ્યાઓ વધતી જ રહેશે. આથી સમસ્યાઓના સમાધાન માટે ઘણું બધું કરવું અને ચારિત્ર્ય નિર્માણ માટે કંઈ ન કરવું એ ડહાપણ ભરેલું અને બુદ્ધિયુક્ત ન કહેવાય.

જો આપણી પાસે પર્યાપ્ત ચારિત્ર્ય નહીં હોય તો આપણી શક્તિઓ કરતાં દુર્બળતા વધારે પ્રભાવક બનશે. આપણાં સદ્‌ભાગ્યની તુલનામાં દુર્ભાગ્ય વધારે પ્રબળ બનશે. આપણાં જીવનમાં સુખશાંતિની જગ્યાએ શોકસંતાપનો જ વધારો થશે અને આપણા ભવિષ્યની સરખામણીમાં ભૂતકાળ જ વધારે ગૌરવશાળી હશે.

જો આપણી પાસે પર્યાપ્ત ચારિત્ર્ય નહીં હોય તો આપણા મિત્રો કરતાં શત્રુઓ જ વધારે શક્તિશાળી હશે. શાંતિની તુલનામાં યુદ્ધોનું પ્રમાણ વધારે હશે. સંવાદિતાને બદલે હિંસા વધારે હશે. પર્યાપ્ત ચારિત્ર્યના અભાવમાં આપણી રેલગાડીઓ સમયસર નહીં ચાલે, કારખાનાંઓ પોતાની શક્તિ પ્રમાણે માલ ઉત્પન્ન નહીં કરે, ઉદ્યોગો ઠપ્પ થઈ જશે અને ખેતરોમાં ધાર્યા પ્રમાણે પાક નહીં થાય.

જો પર્યાપ્ત ચારિત્ર્ય નહીં હોય તો આપણાં મંદિરો વ્યાપારી કેન્દ્રો બની જશે અને શિક્ષણ સંસ્થાઓ માત્ર કારખાનાં બનીને રહી જશે. જો આપણી પાસે પર્યાપ્ત ચારિત્ર્ય નહીં હોય તો આપણે આપણને પૂર્ણ બનાવનારા કાર્યોને ટાળી દઈશું અને એવાં કાર્યો ઉત્સાહપૂર્વક કરશું, જે આપણી બરબાદી કરતાં હોય. જો પર્યાપ્ત ચારિત્ર્ય નહીં હોય તો આપણાં બંધો પૂરોને રોકી નહીં શકે અને આપણા પૂલો તણાઈ જશે. આપણા રાજમાર્ગો સ્થળે સ્થળે તૂટી જતાં અનેક વ્યક્તિઓનો નાશ કરશે.

જો આપણી પાસે પર્યાપ્ત ચારિત્ર્ય નહીં હોય તો આપણી નગરપાલિકાઓ જૂથબંધીના અડ્ડા બની જશે, સડકો પર કચરાના ઢગલા જામી જશે અને આપણાં કાર્યાલયોમાં કામચોરીનું સામ્રાજ્ય સ્થપાઈ જશે. જો પર્યાપ્ત ચારિત્ર્ય નહીં હોય તો આપણા નેતાઓ પોતાના નેતૃત્વને પૈસાથી ખરીદશે અને આપણા રાજકીય પક્ષોમાં ફાટફૂટ પડશે. આપણા પુરોહિત દુકાનદારો જેવા હશે અને ધંધાદારીઓ અન્યનાં ગળા કાપવામાં આનંદ લેતા હશે.

જો આપણી પાસે પર્યાપ્ત ચારિત્ર્ય નહીં હોય તો સેવા-કાર્યોને બદલે ગુનાઓનું પ્રમાણ જ વધારે હશે. સલામત સ્થળોના પ્રમાણમાં અસલામત સ્થળોનું પ્રમાણ વધારે હશે. વિશ્વાસપાત્ર મનુષ્યોની સંખ્યા કરતા ચોરી કરનાર મનુષ્યોની સંખ્યા વધારે હશે. જો આપણી પાસે પર્યાપ્ત ચારિત્ર્ય નહીં હોય તો આપણાં યુવાનો અને યુવતીઓ અસંયમી હશે. વૃદ્ધો ને વૃદ્ધાઓ જાણે યુવાન અને શક્તિશાળી હોય તેમ વર્તતાં હશે. જેના પરિણામે સરકારને વધારે ને વધારે પાગલખાનાં ખોલવાની જરૂર પડશે. જો આપણી પાસે પર્યાપ્ત ચારિત્ર્ય નહીં હોય તો આપણી સંસ્કૃતિ કામુક્તાનો પર્યાય બની જશે અને આપણું સાહિત્ય ઇંદ્રિય વિલાસમાં પરિણમશે.

જો આપણી પાસે પર્યાપ્ત ચારિત્ર્ય નહીં હોય તો આપણા સમાજમાં શાંતિ, સુમેળ, સુખ, સંયમ, સચ્ચાઈ તેમજ પ્રમાણિક્તાને બદલે લડાઈ, ઝઘડા, આવેશભર્યા ઉપદ્રવો, ભ્રષ્ટાચાર અને સગાંવાદની બોલબાલા હશે. જો આપણી પાસે પર્યાપ્ત ચારિત્ર્ય નહીં હોય તો ધન મેળવવા માટે આપણે હીન અને કુત્સિત ભાવોને વધારનારી વસ્તુઓને વેંચીને, લોકોની અને આટલી હદ સુધી કે બાળકોની પણ સુરુચિનો નાશ કરી દેશું. જો આપણી પાસે સાચું ચારિત્ર્ય નહીં હોય તો ધર્મ નિર્જીવ ક્રિયાકાંડો સુધી જ સીમિત બની જશે. નૈતિક મૂલ્યો વિકૃત થઈને વિતંડાવાદમાં પરિણમશે. આત્મપ્રશંસા મેળવવા માટે સામાજિક કાર્યો લોકકલ્યાણના ઓઠા હેઠળ થવા લાગશે. આધ્યાત્મિક્તા દુનિયાદારીમાં પરિણમશે. દુનિયાદારી ભોગવાદમાં અને ભોગવાદ મૃત્યુ તરફ લઈ જનારા વિનાશમાં પરિણમશે.

જો આપણી પાસે પર્યાપ્ત ચારિત્ર્ય નહીં હોય તો વિદ્યાર્થીઓ રૂપે આપણે ગંભીર અધ્યયનમાં સમય વીતાવવાને બદલે આપણા અભ્યાસક્રમથી જુદી જ પ્રવૃત્તિઓમાં વધારે રસ લેશું. અને આપણે એવા વિચારો અને કાર્યોમાં વ્યસ્ત રહેશું કે જે આપણી જીવન કળીને ખોટો આકાર આપશે, જેના પરિણામે આપણે ખીલતાં પહેલાં જ મૂરઝાઈ જશું. પાછળથી જ્યારે આપણે આપણા અસ્તિત્વ માટે સંઘર્ષ કરવો પડશે ત્યારે ખબર પડશે કે આપણે ક્યાંયના નથી રહ્યા, ત્યારે આપણે બેશરમ બનીને બીજાંઓએ કમાયેલા રોટીના ટૂકડા ઉપર નભતાં, આવનારી ક્રાન્તિઓનાં સ્વપ્ન જોઈશું!

જો આપણી પાસે પર્યાપ્ત ચારિત્ર્ય નહીં હોય તો આપણું જ્ઞાન કૃત્રિમ રીતે મનુષ્યની બરબાદીના કાર્યમાં પ્રયોજાશે. નાની નાની વસ્તુઓ માટે આપણે ખૂબ બુદ્ધિમત્તાનો ઉપયોગ કરશું અને આપણો અથાગ પ્રયત્ન બહુ જ ઓછું પરિણામ લાવશે.

જો આપણી પાસે પર્યાપ્ત ચારિત્ર્ય નહીં હોય તો આપણા માટે યોગ્ય રીતે વિચારવું અશક્ય બની જશે અને ખોટા વિચારોથી તો ભલા ઇચ્છિત ફળ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે? જો આપણી પાસે પર્યાપ્ત ચારિત્ર્ય નહીં હોય તો આપણે ભૂતકાળમાં રહેશું કે ભાવિમાં; નહીં કે જીવંત વર્તમાનમાં. આપણી શક્તિઓ આત્મસુધારણા કે સામાજિક કલ્યાણના સાહસ ભરેલાં કાર્યોમાં વપરાવાને બદલે હંમેશા જગતના દોષોની ફરિયાદ કરવામાં ખૂબ નકારાત્મક રીતે ખર્ચાઈ જશે.

જો આપણી પાસે પર્યાપ્ત ચારિત્ર્યનો અભાવ હશે તો આપણા લગ્નસંબંધો રેતીની ઢીંગલી જેવા, ઘરો સાપોનાં દર જેવાં, બાળકો શિયાળ જેવાં અને માનવીય સંબંધો સ્વાર્થના દાવપેચ જેવા હશે. એના પરિણામે ઘરવિહોણા અનાથો, ગુનેગારો, ધૂતારાઓ, ઠગો, ગાંડાઓ અને અસામાજિક તત્ત્વોની સંખ્યામાં વધારો થશે.

જો આપણી પાસે પર્યાપ્ત ચારિત્ર્યનો અભાવ હશે તો આપણી દેખીતી પ્રગતિ વાસ્તવમાં અધોગતિ હશે. આપણી સમૃદ્ધિ આપણા વિનાશનું કારણ બનશે અને આપણી અત્યંત જટિલ પીડાઓ દૂર થવાનું નામ જ નહીં લે. જો આપણી પાસે સાચું ચારિત્ર્ય નહીં હોય તો સર્વત્ર અધમતાનું સામ્રાજ્ય હશે. આપણા ચહેરાઓ ચમક ગુમાવી દેશે. નેત્રોમાં તેજ નહીં રહે. હૃદયની આશા, મનના વિશ્વાસની શક્તિ, આત્માનો આનંદ બધું જ ચાલ્યું જશે.

૫. ચારિત્ર્યથી બધું જ મળે

પર્યાપ્ત ચારિત્ર્યના અભાવમાં જો ઉપરની વાતો સાચી છે તો પછી પર્યાપ્ત ચારિત્ર્ય હોય તો એનાથી ઊલટું પણ એટલું જ સાચું છે. જો પર્યાપ્ત ચારિત્ર્ય હશે તો આપણી શક્તિઓ આપણી નબળાઈ કરતાં વધારે હશે. આપણું સદ્‌ભાગ્ય આપણાં દુર્ભાગ્ય કરતાં અને આપણું સુખ આપણાં દુ:ખો કરતાં વધારે હશે. આપણાં વર્તમાન તથા ભવિષ્ય આપણા ભૂતકાળ કરતાં ઘણાં વધારે ગૌરવશાળી હશે.

પર્યાપ્ત ચારિત્ર્ય હશે તો આપણા મિત્રો આપણા શત્રુઓ કરતાં વધારે શક્તિશાળી હશે. યુદ્ધોને સ્થાને શાંતિ હશે. હિંસાની જગ્યાએ ભાઈચારાનું પ્રભુત્વ હશે. પર્યાપ્ત ચારિત્ર્ય હશે તો આપણી રેલગાડીઓ સમયસર ચાલશે. કારખાનાંમાં અપેક્ષાથી વધારે ઉત્પાદન થતું હશે. ઉદ્યોગ ધંધાઓ શાંતિથી ફાલશે, ફૂલશે અને ખેતરોમાં કલ્પના કરતાં પણ વધારે પાક ઊતરશે.

પર્યાપ્ત ચારિત્ર્ય હશે તો આપણાં મંદિરો આપણા આત્મામાં તાજગી ભરી દેનારાં પુણ્યસ્થાનો બનશે. આપણાં વિદ્યાલયો મનુષ્ય-નિર્માણ કરનારાં તીર્થક્ષેત્રો બની જશે. પર્યાપ્ત ચારિત્ર્ય હશે તો આપણા બંધો પૂરનિયંત્રણ કરવામાં સક્ષમ બનશે. આપણા પુલો કાયમી મૈત્રીના સંબંધો સ્થાપશે અને રાજમાર્ગો લક્ષ્ય તરફ લઈ જનારાં સ્થાયી સાધનો બનશે.

પર્યાપ્ત ચારિત્ર્ય હશે તો આપણી નગરપાલિકાઓ એક અખંડ શરીરના રૂપે કાર્ય કરશે, આપણી સડકો સ્વચ્છ આંગણાં જેવી હશે. આપણાં કાર્યાલયો યજ્ઞશાળા જેવાં હશે. પર્યાપ્ત ચારિત્ર્ય હશે તો આપણા નેતા લક્ષ્મણને માટે રામ જેવા આપણા જ્યેષ્ઠભ્રાતા હશે. આપણા ધર્મગુરુઓ ઋષિઓ જેવા તથા વ્યાપારીઓ સમાજના ટ્રસ્ટીઓના રૂપમાં આદરપાત્ર હશે.

પર્યાપ્ત ચારિત્ર્ય હશે તો વિદ્યાર્થીઓ રૂપે આપણે જાણી શકશું કે પોતાની શક્તિઓનું રક્ષણ કરવું, સારી રીતે અભ્યાસ કરવો અને પોતાની શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શક્તિઓનો વિકાસ કરીને અસ્તિત્ત્વના સંઘર્ષ માટે પોતાની જાતને પૂરેપૂરી સજ્જ કરી લેવી એ જ વિદ્યાર્થીનું કર્તવ્ય છે. ત્યારે આપણે સહેલાઈથી જાણી શકીશું કે કઈ રીતે કેટલાક લોકો આપણાં હિતોની બલિ ચઢાવીને પોતાના અંગત સ્વાર્થ માટે આપણો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

પર્યાપ્ત ચારિત્ર્ય હશે તો યુવાન-યુવતીઓ શિષ્ટાચાર, મર્યાદા અને સંયમથી યુક્ત થઈને મોટાં થતાં સુધી યુવાન બની રહેશે અને વૃદ્ધોનો વ્યવહાર આદરપાત્ર હશે. પર્યાપ્ત ચારિત્ર્ય હશે તો આપણી સંસ્કૃતિ મધુર તથા પ્રકાશમાન હશે. કલા સૌંદર્યમય ઈશ્વરની અભિવ્યક્તિ હશે અને સાહિત્ય આત્મા તથા ઇંદ્રિયાતીત તત્ત્વની અભિવ્યક્તિનો ઉત્કૃષ્ટ પ્રયાસ હશે.

પર્યાપ્ત ચારિત્ર્ય હશે તો સાંસારિક જીવન આપણી આધ્યાત્મિક્તાથી અલગ નહીં જણાય. અને આધ્યાત્મિક્તા આપણા શ્વાસ—ઉચ્છ્વાસની જેમ જ સહજ બની જશે. પર્યાપ્ત ચારિત્ર્ય હશે તો જગતને આપણે તે જેવું છે તેવા વાસ્તવિક રૂપે જોઈશું અને ત્યારે આપણે નકારાત્મક પ્રવૃત્તિઓમાં સમય બરબાદ ન કરતાં આત્મોન્નતિ તથા અન્ય માનવબંધુઓના ઉત્થાનના સાહસિક પ્રયત્નોમાં લાગી જઈશું.

પર્યાપ્ત ચારિત્ર્ય હશે તો આપણા સમાજમાં ઝઘડા-વાદવિવાદ, આંદોલન, હિંસાની જગ્યાએ સંવાદ, શાંતિ, સદ્‌ભાવ અને સામંજ્યસ્યનું પ્રમાણ વધારે હશે. પર્યાપ્ત ચારિત્ર્ય હશે તો આપણાં ઘરો આશ્રમ જેવાં, પરિવાર સંગીતની સૂરાવલિ જેવો અને આપણાં બાળકો વેદીનાં પુષ્પો જેવાં હશે.

પર્યાપ્ત ચારિત્ર્ય હશે તો આપણી આપત્તિઓ સમૃદ્ધિનાં બીજ-ક્ષેત્રો જેવી હશે, આપણી બાહ્ય સમૃદ્ધિ આંતરિક સમૃદ્ધિની પ્રાપ્તિના અવસર રૂપ હશે અને આપણાં દુ:ખ-કષ્ટો સાચું શિક્ષણ આપનારાં વરદાન રૂપ બની જશે. પર્યાપ્ત ચારિત્ર્ય હશે તો આપણા ચહેરા પર ચમક હશે. નેત્રોમાં જ્યોતિ હશે. હૃદયમાં આશા હશે અને મન દૃઢ સંકલ્પોથી પરિપૂર્ણ હશે અને આપણો આત્મા પરમ આનંદમાં ઓતપ્રોત હશે.

(ક્રમશ:)

Total Views: 280

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.