(ગતાંકથી આગળ)

સુનિયંત્રિત જીવન – ચારિત્ર્યનું રહસ્ય

બેશક, આપણે માનવીય વિચારધારામાંથી પ્રાપ્ત થયેલા મહાનતમ ભાવો કે જે ખુલ્લા અને અસીમ છે, તેના પર ચર્ચા કરી. પણ જ્યાં સુધી આ વિચારોના ગઠનનો પ્રશ્ન છે ત્યાં સુધી તેનું સઘળું રહસ્ય સુનિયંત્રિત જીવનમાં રહેલું છે. પ્રતિદિન આવું જીવન વીતાવીને જ આ મહાન વિચારધારાને ટેવના રૂપમાં પરિણત કરી શકાય છે અને પછી તે વાસ્તવમાં ચારિત્ર્ય બની શકે છે.

ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ શીખવે છે :

नात्यश्नतस्तु योगोऽस्ति न चैकान्तमनश्नत: ।
न चातिस्वप्नशीलस्य जाग्रतो नैव चार्जुन ।।

હે અર્જુન, જે અત્યધિક કે અત્યલ્પ આહાર ગ્રહણ કરે છે, તેમ જ જે અત્યધિક સૂએ છે કે જાગે છે, તેનાથી યોગાભ્યાસ થતો નથી. (ગીતા, ૬ : ૧૬)

युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु ।
युक्तस्वप्नावबोधस्य योगो भवति दु:खहा ।।

યોગ્ય આહાર વિહાર કરનારાનાં, કર્મોમાં સંતુલિત પ્રયાસ કરનારાનાં તથા યોગ્ય પ્રમાણમાં ઊંઘનારા ને જાગનારાનાં બધાં દુ:ખોનો અંત યોગ કરી દે છે. (ગીતા, ૬ : ૧૭)

यदा विनियतं चित्तमात्मन्येवावतिष्ठते ।
नि:स्पृह: सर्वकामेभ्यो युक्त इत्युच्यते तदा ।।

જ્યારે કોઈનું સંયમિત ચિત્ત બધી કામનાઓથી મુક્ત થઈને ફક્ત આત્મામાં સ્થિર થઈ જાય છે ત્યારે તેને યોગનિષ્ઠ કહેવાય છે. (ગીતા, ૬ : ૧૮)

ઉપરના શ્લોકોમાં યોગમાં સફળતા પ્રાપ્ત કરવા માટે અભીપ્સુ સાધકો માટે સ્પષ્ટપણે સુનિયંત્રિત જીવન ગાળવા માટે વિશેષ ભાર મૂકવામાં આવે છે. સાધકને આશ્વાસન આપતાં એમાં જણાવવામાં આવ્યું છે, કે જેઓ એક યોગીનું સુનિયંત્રિત, સંયમિત અને સંતુલિત જીવન ગાળશે, તેનાં બધાં દુ:ખો દૂર થઈ જશે.

અસ્તવ્યસ્ત તથા અનિયમિત જીવન ગાળનાર કોઈ પણ મનુષ્ય પોતાના ચારિત્ર્યનું ઘડતર કરી શકતો નથી. એનું સ્વાભાવિક કારણ એ છે કે ફક્ત પ્રમાણભૂત સાધનોના વારંવાર અભ્યાસથી જ મનુષ્ય પોતાના અણઘડ જીવનને એક ઉદાત્ત ચારિત્ર્યના ઢાળામાં ઢાળી શકે છે.

ચારિત્ર્ય ઘડતર અને યોગનાં સાધનો મૂળભૂત રીતે જુદાં નથી. ચારિત્ર્યહીન મનુષ્ય ક્યારેય પણ યોગી બની શકતો નથી. ચારિત્ર્યવાન બનવું કે યોગી બનવું, આપણી આકાંક્ષા ભલે કોઈ પણ કેમ ન હોય, પણ બંનેનો પાયો તો એક જ છે, તે છે, સુનિયંત્રિત જીવન.

તિરુવલ્લુવર કહે છે :

‘જીવનનું નિયંત્રણ જીવનથી પણ મૂલ્યવાન છે કેમકે નિયંત્રણ દ્વારા જ તેને મૂલ્ય પ્રાપ્ત થાય છે.’

‘કોઈ દર્શન શાસ્ત્રોનો અભ્યાસ કરીને કદાચ પોતાની શંકાઓનું નિવારણ કરી શકે, પણ અંતે તો સુનિયંત્રિત જીવન જ ઉપયોગી બને છે, બીજું કંઈ પણ નહીં. આથી ભલે કોઈપણ મુશ્કેલી કેમ ન આવે, તો પણ એ જીવનને જાળવવું જોઈએ.’

‘સુનિયંત્રિત જીવન આપણા જીવનના પ્રત્યેક સ્તરને ઉત્કૃષ્ટ બનાવે છે. જો એ નિષ્ફળ હોય તો એકલો ઉત્તમ કે કુલીન વંશ મનુષ્યને બચાવી શકતો નથી.’

‘શાસ્ત્રોનું જે કંઈ ભૂલાઈ ગયું છે, તે બ્રાહ્મણ પાછું વાંચીને યાદ કરાવી શકે છે. પણ જો તે જીવનના નિયંત્રણની ઉપેક્ષા કરે તો તે પોતાને મળેલા જન્મનો લાભ હંમેશ માટે ગુમાવી દે છે.’

‘સુનિયંત્રિત જીવન સન્માન અપાવે છે અને તેની ઉપેક્ષા પતન તરફ દોરી જાય છે.’

‘વિદ્વદ્જનો પોતાની વિદ્વત્તા છતાં સામાજિક સહકારના સિદ્ધાંત અનુસાર જ્યારે પોતાના જીવનને નિયંત્રિત કરવામાં નિષ્ફળ જાય છે, ત્યારે તેઓ ખરેખર આ રીતે પોતાના અજ્ઞાનને પ્રગટ કરે છે.’

આ રીતે તિરુવલ્લુવરે ભારપૂર્વક કહ્યું છે કે જીવનનું નિયંત્રણ જીવન કરતાં પણ વધારે મૂલ્યવાન છે. કેમકે, આ નિયંત્રણ દ્વારા જ તેને મૂલ્ય પ્રાપ્ત થાય છે. અને આ પ્રાપ્ત મૂલ્યો જ આપણાં ચારિત્ર્યની શક્તિ બની જાય છે. જ્યારે આપણે ઉચ્ચ સિદ્ધાંતો પ્રમાણે આપણા જીવનને નિયંત્રિત કરવામાં નિષ્ફળ જઈએ છીએ, ત્યારે આપણે ફક્ત સામાજિક સહયોગથી જ નિષ્ફળ નથી જતા પણ વ્યક્તિગત રૂપે પણ અંદરથી વેરવિખેર થઈ જઈએ છીએ. આથી બધા મહાન ગુરુઓએ ફક્ત સૈદ્ધાંતિક જ્ઞાન કરતાં તેના આચરણ પર વધારે ભાર મૂક્યો છે :

શ્રીરામકૃષ્ણ કહે છે :

‘શાસ્ત્રો ફક્ત ઈશ્વર સુધી પહોંચવાનો માર્ગ બતાવે છે. એક વાર માર્ગ—ઉપાય જાણી લીધા પછી પુસ્તકોની શી જરૂર? એ પછી તો ઈશ્વર પ્રાપ્તિ માટે પોતે જ સાધના કરવી પડશે. એક માણસને પોતાના ગામથી પત્ર મળ્યો. તેમાં તેના સંબંધીએ તેને કેટલીક વસ્તુઓ મોકલવા વિશે લખ્યું હતું. જ્યારે વસ્તુઓ ખરીદવાનો સમય આવ્યો ત્યારે પત્ર નહોતો મળતો. તે ખૂબ વ્યગ્રતાથી તેને શોધવા લાગ્યો. કેટલાય લોકો તેને શોધવામાં મદદ કરી રહ્યા. આખરે તે મળ્યો. ત્યારે તેને ખૂબ આનંદ થયો. તેણે ખૂબ આતુરતાપૂર્વક તેને હાથમાં લીધો ને પછી વાંચવા લાગ્યો. તેમાં લખ્યું હતું; ‘પાંચ શેર મિઠાઈ, સો સંતરાં ને આઠ ધોતિયાં મોકલો’ પત્રમાં લખેલ વસ્તુ જાણી લીધા પછી તેણે એ પત્ર ફેંકી દીધો. અને ચીજવસ્તુઓ ખરીદવાની વ્યવસ્થામાં લાગી ગયો.

પત્રની જરૂર ક્યાં સુધી છે ? જ્યાં સુધી તેમાં લખેલી વસ્તુઓ વિશે જાણકારી ન મળે ત્યાં સુધી. એક વાર તેને જાણી લીધા બાદ, તેમાં લખેલી વસ્તુઓ મેળવવાના પ્રયત્નમાં લાગી જવું પડશે. આ રીતે શાસ્ત્રો આપણને ફક્ત ઈશ્વર સુધી પહોંચાડવાના માર્ગનું—તેની પ્રાપ્તિના ઉપાયનું જ્ઞાન જ કરાવે છે, એ બધું જાણી લીધા બાદ લક્ષ્ય પ્રાપ્તિ માટે તે પ્રમાણે કામ શરૂ કરી દેવું જોઈએ.’

પોતાના ચારિત્ર્ય-નિમાર્ણરૂપ લક્ષ્યની પ્રાપ્તિના કાર્યમાં હંમેશ માટે મંડ્યા રહેવું એ જ આપણા માટે સૌથી મહત્ત્વની બાબત છે.

ચારિત્ર્યનું રહસ્ય

ચારિત્ર્ય ખરા અર્થમાં આચરણનું જ બીજું નામ છે. તમે જેવા છો, તેવું આચરણ કરો છો. જો તમે સારા નથી તો તમે ક્યારેય સારું આચરણ કરી શકતા નથી. તમે તમારા પોતાનાથી સારા કેવી રીતે બની શકો ? સભાનતાપૂર્વકના પ્રયત્નોથી અને માન્ય તેમજ નૈતિક આચારસંહિતાના અભ્યાસથી એ બની શકે છે.

માન્ય આચારસંહિતા શું છે તે આપણા મનના આવેગો દ્વારા નક્કી થઈ શકતું નથી. પણ તે શાસ્ત્રો દ્વારા જાણી લેવું જોઈએ. નૈતિક કે માન્ય આચરણ વિશે આપસ્તમ્બ ધર્મસૂત્ર (૨૨/૧૪)માં જણાવ્યું છે;

‘ક્રોધ, હર્ષ, લોભ, ભ્રમ, અહંકાર તથા શત્રુતાનો અભાવ, સત્ય બોલવું, આહારનો સંયમ, બીજાઓના દોષો પ્રગટ ન કરવા, ઈર્ષાથી મુક્તિ, સારી વસ્તુઓમાં બીજાઓની સાથે સહભાગિતા, યજ્ઞ, સરળતા, સૌમ્યતા, શાંતિ, આત્મસંયમ, બધા જીવો પ્રત્યે મૈત્રી, ક્રૂરતાનો અભાવ, સંતોષ — આ માનવજીવનની બધી અવસ્થાઓ માટે માન્ય આચારસંહિતા છે. આનું સારી રીતે પાલન કરવાથી મનુષ્ય વૈશ્વિકરૂપે કલ્યાણ કરનાર બની રહે છે.’

અહીં મહત્ત્વની બાબત એ છે કે આ માન્ય કે નૈતિક આચાર સંહિતાનાં અનેક તત્ત્વો ગીતાનાં સોળમા અધ્યાયના પહેલા ત્રણ શ્લોકોમાં દર્શાવેલી દૈવી સંપત્તિની સાથે એકરૂપ છે.

અહીં વિશેષ રૂપે એ જાણવા મળે છે કે કઈ રીતે આત્મસંયમ અને બીજાના પ્રત્યે સન્માનનો ભાવ આ માન્ય આચારો કે નૈતિક આચારોમાં સમાયેલો છે.

પણ જો આપણે મનુષ્યના વ્યક્તિત્વની સર્વાંગીણતા અને તેની પરિપૂર્ણતાની જાળવણી કરનારી મૂલ્યોની નક્કર વ્યવસ્થા પ્રત્યે સુદૃઢ વચનબદ્ધતાનું પાલન નહીં કર્યું હોય તો નૈતિક આચાર જીવનની વિવિધ પરિસ્થિતિઓનું દબાણ નહીં સહી શકે. ભારતીય મૂલ્યોની વ્યવસ્થામાં ચાર પુરુષાર્થોનો નિર્દેશ કરવામાં આવે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. મનુષ્યના મનોભાવને એ રીતે કેળવવાનો છે કે તે ધર્મ દ્વારા કામ અને ધનની પ્રાપ્તિ કરીને તે પછી મોક્ષને જ ધર્મનું ધ્યેય માને.

આ રીતનો માનસિક વિકાસ એ વાત પર આધારિત હશે કે આપણે માન્ય આચારસંહિતાના સંદર્ભમાં આપણું જીવન કેવી રીતે વીતાવ્યું છે.

પુરુષાર્થોની નક્કર સમજ ધરાવનાર મનુષ્ય જ ચારિત્ર્ય-નિર્માણના ઉદ્દેશ્ય અને અર્થને જાણી શકે, બાકીના કોઈ એનો અર્થ સમજી શકે નહીં. પરંતુ આત્મસંતોષની પ્રાપ્તિ એ અંતરમાંથી ઊઠતો એક હંમેશનો પડકાર છે, જેને કોઈપણ વિચારશીલ મનુષ્ય ક્યારેય પણ ટાળી શકતો નથી.

ચારિત્ર્ય, આત્મસંયમની અનુભવથી મેળવેલી એક એવી ગતિ છે કે જે સ્વપ્રયત્નથી જ પોતાની અંદર શરૂ થાય છે. સત્ય-અસત્યનો સહજ વિચાર, અસત્યનો ત્યાગ અને સત્ય પ્રત્યે દૃઢ લગાવના રૂપે એક અથાક પણ સુવ્યવસ્થિત સંઘર્ષ દ્વારા આ પ્રક્રિયા અંદર ચાલતી જ રહે છે. એકાગ્રતા અને અનાસક્તિ—આ બંને શક્તિઓનો એક સાથે વિકાસ કરવો પડશે. ઇચ્છાશક્તિનો વિકાસ પણ બધા મહત્ત્વના ઉદ્યમોમાં સફળતાનું રહસ્ય છે. પોતાના કર્તવ્ય પ્રત્યે પ્રેમ દ્વારા આપણે ઇચ્છાશક્તિનો વિકાસ કરી શકીએ છીએ.

જીવનની વિવિધ પરિસ્થિતિમાં આપણે કેવું વર્તન કરવું જોઈએ એ વિશે પણ આપણે જો કે ઘણું બધું શીખવાનું છે. તો પણ આપણે જે પરિસ્થિતિનો સામનો કરવો પડે છે, તે વિશે પહેલેથી જ જાણી લેવું શક્ય નથી. આ બાબતમાં કોઈએ ચિંતા પણ કરવાની જરૂર નથી. પ્રત્યેક અવસર કે સમય માટે યોગ્ય વર્તનને અગાઉથી નક્કી કરી શકાતું નથી. આપણો સદ્‌ભાવ હોવા છતાં આપણે અગાઉથી નક્કી કરેલા સદાચારો કૃત્રિમ પણ બની શકે છે.

વાસ્તવમાં સદાચારમાં તાજાં ખીલેલાં પુષ્પો જેવી મૃદુ સુગંધ હોય છે અને તે એ વ્યક્તિના હૃદયમાં સહજપણે પ્રગટે છે કે જેણે કોઈ પણ બાહ્ય દબાણ વગર પોતે જાતે જ પોતાનાં પસંદ કરેલાં જીવન મૂલ્યોથી પ્રેરાઈને સ્વપ્રયત્નથી પોતાનો વિકાસ કર્યો છે.

જે લોકોએ આ પુસ્તિકાના છઠ્ઠા પ્રકરણમાં વર્ણવેલા સાધનોનો અભ્યાસ કર્યો હશે, એમને વહેલા મોડી એ જાણ થશે કે સહુથી વધુ વિશ્વાસુ પથ-પ્રદર્શક તેના અંતરમાં જ રહેલો છે. તે પછી પણ તેણે જીવનભર નમ્ર શિક્ષણાર્થી બનીને કોઈ પણ જગ્યાએથી મળનાર સર્વ આધારભૂત ઉપદેશો પ્રત્યે પોતાના મનને ખુલ્લું રાખવું જોઈએ.

૧૦. ચારિત્ર્યની પૂર્ણતા

ચારિત્ર્યની આદર્શ વ્યવસ્થા શી છે ?

કન્ફયુશિયસ કહે છે, ‘વિશ્વ વ્યવસ્થા સાથે જોડનારાં પોતાનાં નૈતિક સ્વત્વના કેન્દ્રીય સૂત્રને (કેન્દ્રીય સંવાદિતાને) પ્રાપ્ત કરવું એ જ વાસ્તવમાં મોટામાં મોટી ઉપલબ્ધિ છે.’ સાચું કહીએ તો એ જ ચારિત્ર્યનિર્માણની આદર્શ વ્યવસ્થાની પ્રાપ્તિ છે.

જુદી જુદી વ્યક્તિઓ, સમાજો, રાષ્ટ્રોની જુદી જુદી આવશ્યકતાઓ હોય છે. અને એની પૂર્તિ જુદી જુદી રીતે કરવામાં આવે છે. પરંતુ બધા જ પ્રદેશોમાં રહેતી સંપૂર્ણ માનવજાતિની એક વૈશ્વિક જરૂરિયાત છે અને તે છે, ચારિત્ર્યની.

માનવ જાતિ આજે એક એવા સ્થાન પર આવી પહોંચી છે કે જ્યાં વિશ્વના કોઈ પણ ભાગમાં રહેવાવાળા પ્રત્યેક વિચારવાન મનુષ્યે આ જરૂરિયાત પર નવી રીતે ધ્યાન આપવું પડશે. અને તે જરૂરિયાત છે, — વધુમાં વધુ ચારિત્ર્યનું ઘડતર કરવાની, વધુમાં વધુ પ્રમાણમાં ચારિત્ર્યનો વિકાસ કરવાની અને પોતાના પરિવાર તેમ જ સમાજનો પણ શક્ય તેટલો તેવો જ વિકાસ કરવામાં સહાય કરતાં કરતાં પોતે એક સાચો અને સુયોગ્ય મનુષ્ય બને. એટલા માટે સ્વામી વિવેકાનંદ કહે છે, ‘ઈશ્વર બનો અને બનાવો. એ આપણો મૂળમંત્ર બનો.’

Total Views: 216

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.