શ્રીરામકૃષ્ણ વેદાન્ત કેન્દ્ર દ્વારા ઈંગ્લેન્ડમાં વેદાન્ત પ્રચાર-પ્રસારનું કાર્ય : સ્વામી વિવેકાનંદની મહેચ્છા અને તેની પરિપૂર્તિ

૧૮૯૪ થી ૧૮૬૫નાં વ્યાખ્યાનો – આધ્યાત્મિક માર્ગદર્શન વર્ગોના ફળસ્વરૂપે અમેરિકામાં કાયમી વેદાન્ત કેન્દ્ર માટે સ્વામીજી અનુયાયીઓનું એક વૃંદ તૈયાર કરી રહ્યા હતા. ન્યુયોર્કમાં પોતાના આ કાર્યને સુદૃઢ બનાવ્યું. ત્યારબાદ સ્વામીજીને કુમારી હેન્રીએટા મુલ્લરે લંડનમાં પોતાના મહેમાન બનવાને હિન્દુધર્મ વિશે વ્યાખ્યાન આપવા નિમંત્રણ આપ્યું. આનો ખ્યાલ – શ્રી ઈ.ટી. સ્ટર્ડીને આવ્યો. તેઓ થિઓસોફીમાં માનતા પણ હિન્દુ ધર્મ પ્રત્યે એમને આદર-ભાવ હતો. હિમાલયની નજીક અલમોડામાં આધ્યાત્મિક ઉન્નતિની ખોજ કરતાં એમનો સંપર્ક સ્વામી શિવાનંદજી – શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ શિષ્ય – સાથે થયો. તેમણે શ્રીમાન્ સ્ટર્ડીને શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ વિશે ઘણી વાત કરી એટલે લંડનમાં શ્રી સ્ટર્ડી સ્વામીજીને મળવા આતુર હતા. તેથી તેમણે સ્વામીજીને એમની સાથે રહેવા વિનંતી કરી. સ્વામીજીને હિન્દુ ધર્મના ઉદાત્ત વિચારોનો પ્રસાર કરવા ઉત્સુક સ્ટર્ડી દ્વારા યુરોપમાં પોતાનું કાર્ય કરવા એક ઉમદા વ્યક્તિ સાંપડી.

સ્વામીજીના ગુરુબંધુઓ અને અનુયાયીઓના પ્રયાસો

ન્યુયોર્કથી પાછા ફરતા પેરિસ થઈ સ્વામીજી ૧૮૯૫ના સપ્ટેમ્બરમાં લંડન પહોંચ્યા. સ્ટર્ડીના ઘરે ઉતરીને પોતાનું કાર્ય આરંભ્યું. સ્વામીજીની અપેક્ષા કરતાં વધુ સફળતા અહીં મળી. સ્વામીજીનાં વ્યાખ્યાનોની ગાઢ અસરથી પોતાનું કાર્ય ચાલુ રાખે એવાં માર્ગારેટ નોબલ (સિસ્ટર નિવેદિતા), હિમાલયમાં માયાવતી કેન્દ્રની સ્થાપનામાં સહાયરૂપ થનાર શ્રીમતી સેવિયર અને તેમનાં પતિ જેવાં અનુયાયીઓ સાંપડચા છતાં સ્વામીજીને લાગ્યું કે અમેરિકા કરતાં અહીં સતત જાગૃતિપૂર્ણ પ્રયાસોની આવશ્યકતા છે. એટલે આલમ બજારમાં રહેતા પોતાના ગુરુબંધુઓમાંથી એકને શ્રી સ્ટર્ડી સાથે આ કાર્ય ઉપાડી લેવા જણાવ્યું. સ્વામી રામકૃષ્ણાનંદજી પોતાની નાદુરસ્ત તબિયતના કારણે ન આવી શક્યા – અને સ્વામી શારદાનંદજી ૧૮૯૬ના એપ્રિલમાં મોડેથી આવ્યા. ન્યુયોર્કમાં ‘વેદાંત સોસાયટી’ની સ્થાપના કરીને સ્વામી વિવેકાનંદ એપ્રિલમાં લંડન આવ્યા.

સ્ટર્ડી સાથે એમની વ્યાખ્યાનમાળા ચાલતી રહી. ‘શ્રીરામકૃષ્ણ-૧૯મી સદીમાં’ એ લેખના લેખક અને પછીથી સાચા મહાત્મા’, ‘શ્રીરામકૃષ્ણ : જીવનસંદેશ’ એ પુસ્તકોનાં લેખક પ્રો. મેકસમૂલર સાથે સંપર્ક થયો. એમને સ્વામીજીએ સ્વામી શારદાનંદજી મહારાજ દ્વારા ઘણું સાહિત્ય પહોંચાડ્યું. હવે શ્રીમાન સ્ટર્ડી અને શ્રીમતી સેવિયર એમના શિષ્યો બન્યાં. સ્વામીજી આરામ માટે સ્વિટ્ઝરલેન્ડ ગયા, સ્વામી શારદાનંદજીને અમેરિકા જવું પડ્યું એટલે એમના સ્થાને સ્વામી અભેદાનંદજીને મોકલવામાં આવ્યા. એમણે લંડનમાં આપેલું પ્રથમ વ્યાખ્યાન સૌ કોઈનું આકર્ષણ બન્યું. સ્વામીજી સેવિયર દંપતી અને શ્રી ગુડવીન સાથે ૧૫મી જાન્યુઆરી – ૧૮૯૭ના રોજ ભારત આવવા કોલંબો પહોંચ્યા.

શ્રીરામકૃષ્ણ વેદાન્ત કેન્દ્રની સ્થાપના અને તેનો વિકાસઃ

સ્વામી શારદાનંદજીને અમેરિકાથી ભારત બોલાવ્યા અને બધો કાર્યભાર શ્રી સ્ટર્ડીને સોંપીને ૯ ઓગ., ૧૮૯૭ના રોજ સ્વામી અભેદાનંદજી અમેરિકા જવા ઉપડ્યા. ૧૯૦૨ પછી તેઓ અવારનવાર લંડન આવી જતા – સ્વામી પરમાનંદજીની એકાદ મુલાકાત લઈ ઈંગ્લેન્ડ આવ્યા. આટલા લાંબા સમયગાળા પછી પણ સ્વામી વિવેકાનંદ અને એમના બે શિષ્યોને લોકો ભૂલી ગયા ન હતા. વેદાંતની ભાવ-ધારાનું કાર્ય ચાલતું જ રહ્યું. ૧૯૩૪માં સ્વામી અવ્યક્તાનંદજીએ આ કાર્ય સંભાળ્યું. તેમણે ‘વેદાંત કેન્દ્ર’ની સ્થાપના પણ કરી. પણ એમના પર રશિયન સામ્યવાદની ઘેરી અસર થતાં તેઓ શ્રીરામકૃષ્ણ સંઘથી અલગ થયા. એ દરમિયાન સ્વામી ઘનાનંદજી મહારાજ મોરિશિયસ્ થઈને લંડન આવ્યા. ઓકટોબ૨-૧૯૪૮માં અહીં થોડા જ દિવસ માટે આવેલા – સ્વામી ઘનાનંદજીએ લોકોના આગ્રહ-રસ-રુચિ-ને લીધે બીજા જ માસથી ૮, બેલસાઈઝ એવન્યુ, નોર્થ લંડનમાં ઉપદેશ કાર્ય કરવું પડ્યું. અને શ્રીરામકૃષ્ણ સંઘના આદેશ મુજબ શ્રીરામકૃષ્ણ વેદાંત કેન્દ્રનું સંચાલન સંભાળ્યું. એમણે આ કેન્દ્રનો આરંભ ઓકટો. ૧૯૪૮માં કર્યો. બેલસાઈઝ પાર્કમાં એક સંકડાશવાળા ફલેટમાં તેઓ કાર્ય કરતા. આર્થિક વિટંબણા પણ હતી. અંતે એક અનામી દાતાની આર્થિક સહાયથી માર્ચ – ૧૯૫૧માં શ્રીરામકૃષ્ણદેવની જન્મ જયંતીના પાવન દિને ક્રોમવેલ રોડ, સાઉથ કેન્સીંગ્ટન, પશ્ચિમ લંડનમાં આ કેન્દ્રને ખસેડવામાં આવ્યું. આ જ સ્થળે સ્વામી ઘનાનંદજીએ પૂર્વ અને પશ્ચિમ માટે વેદાંત’ ‘Vedana for East and West’ નામનું ત્રૈમાસિક પત્ર શરૂ કર્યું. શરૂઆતનાં થોડાં વર્ષ પોતે લેખો લખતા અને પ્રકાશન સામગ્રી ચયન પણ પોતે જ કરતા.

૧૯૫૩માં ઉપર્યુક્ત દાતાએ જ ૬૮, ડ્યુક એવન્યુ, મુસવેલ હિલમાં વેદાંત કેન્દ્ર માટે સ્થાવર મિલક્ત અર્પણ કરી અને પાછળથી એક સ્ત્રી-ભક્ત દ્વારા મળેલ દાનમાંથી ૬૬, ડ્યુક એવન્યુ ખરીદી લીધું. આ મકાનનો ઉપયોગ કેન્દ્રનાં બહેનો કરતાં. સ્વામી ઘનાનંદજીએ સંસારી- ભક્તસમૂહને ધીમે ધીમે એવી રીતે કેળવવા માંડ્યા જેથી તેઓ આ મઠ-કેન્દ્રના વિકાસ માટે – આર્થિક સહાય અર્થે, કેન્દ્રનાં વિવિધ કાર્યો માટે અનિવાર્ય રીતે ઉપકારક નીવડે. ધીમે ધીમે ભાવિકોની સંખ્યા વધવા લાગી- ભાવિકોની વધારે સુવિધાની જરૂર ઊભી થતાં 54. Holland Park. London, પશ્ચિમ લંડનની શેરીમાં સુવિધા કરી – જે લંડન કેન્દ્રનું એક મુખ્ય મથક બની ગયું. એક તદ્‌ન અજાણ્યા સગૃહસ્થે આપેલ દાનમાંથી આ જગ્યા ખરીદી શકાય – એટલું જ નહિ એમાંથી કાયમી મરામતનું ફંડ પણ બચ્યું . ૧૯૦૫ના શ્રીરામકૃષ્ણદેવના જન્મદિવસે હોલેન્ડ પાર્ક આશ્રમનો સમર્પણ-વિધિ સંપન્ન થયો. ૧૯૬૯ના ઓગસ્ટમાં બીમાર સ્વામી ઘનાનંદજીના સ્થાને સ્વામી ભવ્યાનંદજી આવ્યા. ત્યારબાદ સ્વામી ઘનાનંદજી બ્રહ્મલીન થતાં એમણે એ કેન્દ્રનું સંચાલન સંભાળ્યું. લંડનથી દૂર શાંત સ્થળે જ્યાં અધ્યાત્મ-ધ્યાન-શિબિરોનું આયોજન સુપેરે થઈ શકે તેવા End. Buckinghomc Shire માં ૧૯૭૭માં- કેન્દ્રને ફેરવવામાં આવ્યું. દશ એકર જમીનમાંનું મુખ્ય ભવન -મુખ્ય રસ્તાથી દૂર છે. અહીં દર વર્ષે બે અધ્યાત્મ-ધ્યાન શિબિરનું આયોજન થાય છે. કેટલીક વધુ ભૌતિક સુવિધાઓ પણ ઊભી થઈ. વેદાંતના ભાવિકો માટે આ કેન્દ્ર એક આકર્ષણ બન્યું.

કેથોલિક ચર્ચ સાથે Interfaith પ્રવૃત્તિ શરૂ થઈ. સ્વામી ભવ્યાનંદજી world Congress of Faith ના ઉપાધ્યક્ષ પણ બન્યા. તેઓ અવારનવાર સર્વધર્મ સમભાવની પરિષદોમાં જતા અને Commonwealth Day ના ઉત્સવમાં વેસ્ટ મિન્સ્ટર એ બેમાં દર વર્ષે જતા.

સ્વામી ભવ્યાનંદજી બ્રહ્મલીન થતાં ૧૯૯૩માં સ્વામી દયાત્માનંદજીએ સંચાલન સંભાળ્યું. વધારે લોકો પ્રાર્થના પૂજામાં ભાગ લઈ શકે તે માટે મંદિરનો વિસ્તાર થયો. આ ઉપરાંત બીજી ભૌતિક સુવિધામાં પણ વધારો કરવામાં આવ્યો. આ કેન્દ્રમાં મૂળ ભારતીયો યુરોપના બીજા દેશો કરતાં સૌથી વધુ આવે છે. પશ્ચિમના લોકો માટે અધ્યાત્મ માર્ગદર્શનનું એક અનોખું કેન્દ્ર છે. હિન્દુઓ માટે આધ્યાત્મિક ઉન્નતિનું સ્થાન છે. ભિન્ન ભિન્ન સંસ્કૃતિ ધર્મ-સભ્યતાવાળા લોકોનું આ પવિત્ર-મિલન-સ્થાન પણ છે. અહીંના સંન્યાસીઓએ મઠની જેમ આ કેન્દ્રનો વિકાસ કર્યો છે અને વેદાંત અધ્યાત્મ ભાવધારામાં માનતા યુવાનોને તાલીમ પણ અપાય છે.

અહીં શ્રી શ્રીઠાકુર, શ્રીશ્રીના અને સ્વામીજીની જન્મજયંતી ઉપરાંત વિવિધ ધર્મોના મહાપુરુષો – પયગમ્બરોની પણ જન્મજયંતીઓ ઉજવવામાં આવે છે. અહીંથી યુરોપનાં જુદાં જુદાં રાષ્ટ્રોમાં વ્યાખ્યાનો માટે સંન્યાસીઓ જાય છે. અધ્યાત્મ-માર્ગદર્શન, રૂબરૂ મુલાકાત, અભ્યાસવર્ગો – વગેરેનું આયોજન થાય છે. Vedant for East and West નામનુંત્રૈમાસિક સામયિક પણ અહીંથી પ્રસિદ્ધ થાય છે. સંઘના વરિષ્ઠ સંન્યાસીઓની સૂચના પ્રમાણે ‘Meditation’ નામનું પુસ્તક ૧૯૭૩માં આ કેન્દ્ર બહાર પાડ્યું હતું. ૧૯૮૪માં આ ગ્રંથના પુનઃ સંસ્કરણ સાથેની ત્રીજી આવૃત્તિ બહાર પાડી છે. આપણા ભારત વર્ષ માટે – સૌ ભારતીયો માટે – આ કેન્દ્ર એક ગૌરવ સમાન છે.

હિન્દુ ધર્મ, વેદાન્ત, ભારતની આધ્યાત્મિક સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર કરતાં આવાં કેન્દ્રો ૨૧મી સદીના લોકો માટે આશ્વાસનરૂપ અને ચિર-શાંતિ આપનારાં બની રહેશે એ વાત નિઃશંક છે.

ફીજી ટાપુમાં શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનું અમીઝરણું ફીજીમાં શ્રીરામકૃષ્ણ-સંઘના વરિષ્ઠ સંન્યાસીઓનાં સેવાકાર્યો અને મિશન કેન્દ્રની સ્થાપના

૧૯૩૭માં અહીંની સંગમ સંસ્થાની પ્રવૃત્તિઓના માર્ગદર્શકરૂપે ફીજીમાં સર્વક્ષમ સ્વામી અવિનાશાનંદજી આવ્યા હતા. એમણે એક વર્ષ સુધી શાંતમૂક અને ઘણું અસરકારક કાર્ય કર્યું. તેમણે આ સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓ માટે પદ્ધતિસરનું આયોજન કરી આપીને આ ઊગતી સંસ્થાને પૂર્ણ સહાય કરી. તેઓ ભારત પાછા ફર્યા અને ૧૯૩૯માં એમને સ્થાને કુશાગ્ર બુદ્ધિવાળા, વ્યવહારુ અને રચનાત્મક અભિગમવાળા યુવાન સંન્યાસી સ્વામી રુદ્રાનંદજી આવ્યા. શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાને વરેલા આ સંન્યાસીએ પૂર્ણ નિષ્ઠા અને ખંતથી અહીંના શેરડીની ખેતીમાં કામ કરતા અસહાય, ગરીબ ખેડૂતોની વહારે થઈને અવિરત પ્રયાસોથી તેમને મુક્તિનો શ્વાસ અપાવી શક્યા અને તેમની આર્થિક પરિસ્થિતિમાં પણ સુધારો કર્યો. જ્ઞાનનો પ્રસાર કરવા એમણે નવી શાળાઓ શરૂ કરી અને બીજાં સુખી ગૃહસ્થો દ્વારા આવી શાળાઓ શરૂ કરાવી. પરિણામે, આ ગરીબ ખેડૂતોનાં બાળકોને શિક્ષણ મળવા લાગ્યું. એટલું જ નહીં મૂળ દેશવાસીઓ પણ આ શિક્ષણ મેળવવા લાગ્યા. સ્વામી રુદ્રાનંદજીના પાંચ પાંચ દાયકાના નિઃસ્વાર્થ પ્રયાસોથી ખેડૂતો સ્વાવલંબી બન્યા અને એમનું હણાયેલું આત્મગૌરવ એમને પાછું મળ્યું. ૧૯૫૨માં એમણે નાદીમા શ્રીરામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. ૧૯૮૫માં તેઓ બ્રહ્મલીન થયા.

શૈક્ષણિક સેવા : ૧૯૪૯માં શ્રી વિવેકાનંદ હાઈસ્કૂલની સ્થાપના થઈ. પ્રારંભમાં ૩૪ વિદ્યાર્થીઓ અને બે શિક્ષકો હતા. ફીજીની સરકારના વિરોધનો સામનો પણ કરવો પડતો. આજે આ શાળા રાષ્ટ્રની પ્રથમ હરોળની શાળા છે અને તેમાં ૧૨૦૦ વિદ્યાર્થી ભાઈ-બહેનો અભ્યાસ કરે છે. આગળ ભણતાં અટકી ગયેલા વિદ્યાર્થીઓ માટેતેમજ અન્ય માટે ખેતીવાડી અને મોટર મિકેનિક જેવા અભ્યાસક્રમોવાળી વોકેશનલ શાળા – પણ આ સંસ્થા ચલાવે છે.

શેરડીના ખેતમજૂરો અને ગરીબ ખેડૂતોનાં બાળકો માટે સુવા પાસેના તેલેવામાં એક પ્રાથમિક શાળાનું સંચાલન પણ થાય છે – આ શાળામાં દિવસે દિવસે સંખ્યા વધતી જાય છે.

માનવ સેવા૨ાહતકાર્યો : આજુબાજુના વિસ્તારના ગરીબ-માંદા લોકોની માવજત લેવાય છે. તેમને ચીજવસ્તુના રૂપે કે રોકડ રકમની સહાય આપવામાં આવે છે. જરૂરતમંદ લોકો માટે ઘણાં મકાનો બાંધી આપ્યાં છે. કેટલાંય કુટુંબોને મકાન બાંધકામની સામગ્રી પૂરી પાડી છે. અસહાય લોકોમાં કપડાં, કરિયાણું અને ગરમ ધાબળાનું વિતરણ કાર્ય થાય છે. વિદ્યાર્થીઓને પુસ્તકો, શાળાનો ગણવેશ અને અન્ય લેખન સામગ્રી પણ આપવામાં આવે છે.

આધ્યાત્મિક પ્રવૃત્તિઓ : શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાના પ્રચાર-પ્રસાર દ્વારા સર્વધર્મસમભાવની ભાવના જગાડવા આ સંસ્થા પ્રયત્નશીલ છે. શ્રી શ્રી ઠાકુર, શ્રી શ્રીમા અને સ્વામીજીની જન્મજયંતીઓ ઉપરાંત જગતના અન્ય ધર્મોના પયગમ્બરોની જન્મ જયંતીઓ પણ ઉજવાય છે. આને પરિણામે નિઃસ્વાર્થ સેવાભાવનાવાળા ગૃહસ્થો આવાં ઉદાત્ત કાર્યો માટે આગળ આવી રહ્યા છે.

શ્રીરામકૃષ્ણ મિશન, કોલંબોમાં સતત વહેતું સેવાઝરણું :

૧૯૨૪માં થોડી શાળાઓના સંચાલન સાથે મિશનની પ્રવૃત્તિઓનો પ્રારંભ થયો. ૧૯૩૦માં કોલંબો કેન્દ્રની સ્થાપના થઈ. દૈનિક પૂજા-પ્રાર્થના અને સાપ્તાહિક વર્ગોના સંચાલનની સાથે દર પૂર્ણિમાએ આધ્યાત્મિક શિક્ષણ મળી રહે તે માટે રવિવારીય શાળા પણ ચાલે છે. ૪૧૭ વિદ્યાર્થીઓ, ૩૯૮ વિદ્યાર્થિનીઓને ૪૨ સ્વયંસેવકો – શિક્ષકો સેવાઓ આપે છે. છ હજા૨ પુસ્તકો અને ૧૬ સામયિકો સાથેનું પુસ્તકાલય-વાચનાલય પણ છે – પુસ્તક વેચાણ કેન્દ્ર પણ છે. ધાર્મિક – સાંસ્કૃતિક કાર્યક્રમ માટે – ઓડિટોરિયમની સુવિધા પણ અહીં છે. અહીંના સંન્યાસીઓ વિવિધ વિસ્તારોમાં આધ્યાત્મિક વ્યાખ્યાન પ્રવાસે પણ જાય છે. જરૂરતમંદ લોકોને દાકતરી, શૈક્ષણિક અને આર્થિક સહાય પણ અપાય છે. શાળાનાં બાળકો – અનાથ – માંદાની માવજત માટે મહિને એકવાર રોગ-નિદાન-ચિકિત્સા કેમ્પ યોજાય છે. વિદ્યાર્થીઓ – યુવાનો – તરુણોના સાર્વત્રિક વિકાસ માટે ‘વ્યક્તિત્વ વિકાસ’ – ના કાર્યક્રમો પણ યોજાય છે. રામકૃષ્ણ વિવેકાનંદ સાહિત્યનાં પુસ્તકો શાળાઓમાં અને શહેરનાં પુસ્તકાલયોમાં વિનામૂલ્યે આપવામાં આવે છે.

ભગવાન શ્રીરામકૃષ્ણદેવ, શ્રી શ્રીમા અને સ્વામી વિવેકાનંદના જયંતી મહોત્સવ યોજાય છે. શ્રીલંકામાં સ્વામી વિવેકાનંદના કોલંબો – આગમનના શતાબ્દિ મહોત્સવના ઉપલક્ષ્યમાં શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજના વરદહસ્તે તા. ૧૫-૧-૯૭ના રોજ વિવેકાનંદ સોસાયટી – કોલંબોમાં સ્વામી વિવેકાનંદની ૯ ૧/૨ ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનો અનાવરણવિધિ સંપન્ન થયો હતો. એ જ દિવસે શ્રીલંકાના પોસ્ટ-સંદેશ વ્યવહાર ખાતાના પ્રધાન શ્રી મંગલ સમરવીરાએ ટપાલ ખાતાની ખાસ ટિકિટ બહાર પાડી હતી. આખા દેશમાં આ મહોત્સવ ઉજવાયો હતો.

શ્રીરામકૃષ્ણ મિશન – બાટી કોલોઆનું અમૃતઝરણું :

શ્રીલંકાના આ પેટા કેન્દ્રમાં ધાર્મિક-આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું સંચાલન થાય છે. અહીં અનાથ બાળકો માટે એક અને બાલિકાઓ માટે બે અનાથાશ્રયો ચાલે છે. ૧૪૩ વિદ્યાર્થીઓ અને ૨૪૪ વિદ્યાર્થિનીઓ સાથેની રવિવારીય શાળા ચાલે છે. ૨૪ જેટલા શિક્ષકો સ્વયંસેવકો આ સેવાયજ્ઞમાં કાર્યરત રહે છે. ૬૬ બાળકોવાળી એક નર્સરી શાળા પણ ચાલે છે. માનતીવુમાં રક્તપિત્તિયાંની સેવા માટે પણ એક સંસ્થા ચાલે છે. ૨૬ એકર જમીનમાં વિસ્તરેલ રુગમ ફાર્મમાં કૃષિ વિષયક પ્રવૃત્તિઓનું સંચાલન પણ થાય છે. વિસ્થાપિતોમાં બાંધકામ સામગ્રીનું વિતરણ, જરૂરતમંદો માટે કપડાં વિતરણ તેમજ અનાથ અને નિરાશ્રિત વિદ્યાર્થીઓને પુસ્તકો – વગેરેનું વિતરણ કાર્ય પણ થતું રહે છે. અહીંના અનાથાલય તથા રક્તપિત્તિયાંના દવાખાનામાં શ્રી શ્રીઠાકુર, શ્રી શ્રીમા અને સ્વામીજીની જન્મ જયંતીઓ ઉજવાય છે અને સ્થાનિક મહાજનો – ભાવિકો પણ એમાં સામેલ રહે છે.

Total Views: 108
By Published On: December 1, 2000Categories: Mansukhbhai Maheta0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram