ફેબ્રુઆરી ૨૦૦૧ના સંપાદકીય લેખમાં આપણે વૈદિક સંસ્કૃતિના મૂળમાં ‘આર્ય’ નામથી ઓળખાતી પ્રજા અને તેના ઈતિહાસ ઉપર એક અછડતો દૃષ્ટિપાત કર્યો હતો. આર્યના મૂળસ્થાનની પરિકલ્પના ગમે તે હોય પણ તેઓ ભારતમાં વસ્યા અને સ્થાયી થયા અને આર્ય-સંસ્કૃતિના પ્રણેતા બન્યા.

સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ આર્ય-સંસ્કૃતિની ત્રણ મુખ્ય વિચારધારાઓ રહી છે :

(૧) તેઓ આનંદસ્વરૂપ ધર્મમાં માનતા હતા. 

(૨) આર્યોમાં ગ્રામસમાજની વિચારધારા સૌથી વધુ વિકાસ પામી હતી. આજે આખા વિશ્વમાં જોવા મળતી રાજશાસનની વિવિધ પ્રણાલિઓ પણ આ ગ્રામ્ય સમાજની વિચારધારાના આધારે વિકસી છે. 

(૩) સ્ત્રીઓના વિશેષ અધિકાર માટે પણ આ સંસ્કૃતિ સુવિકસિત રહી હતી.

ઝઘડાથી દૂર રહેનારી આર્ય પ્રજા શાંતિમય જીવન ગાળતી અને ભૂમિ ખેડનારી પ્રજા હતી. એટલે એમને પોતાનાં કામકાજ-પ્રવૃત્તિ ઉપરાંતનો ઘણો ફુરસદનો સમય મળી રહેતો અને એ સમયનો સદુપયોગ કરીને તેમણે સભ્યતા-સંસ્કૃતિ અને તત્ત્વચર્ચાનો વિકાસ કરવાનું યોગ્ય માન્યું. પરિણામે આ પ્રજા વધુ અંતર્મુખી અને ધર્મવિભાવનાવાળી પ્રજા તરીકે ઉન્નત બની.

વેદો અને ઉપનિષદો આ તત્ત્વચર્ચા અને અંતર્મુખ આધ્યાત્મિક સાધનાઓની વિશિષ્ટ અનુભૂતિઓનો દીર્ઘકાલીન સંગ્રહ છે. પ્રાચીન ભારતમાં, વૈદિક ભારતમાં રાષ્ટ્ર જીવનનાં કેન્દ્રસ્થાને બૌદ્ધિકતા અને આધ્યાત્મિકતા રહ્યાં હતાં નહિ કે રાજકારણ. રાજશક્તિ ગમે તેટલી પ્રબળ હોય અને સમાજશક્તિ ગમે તેટલી બળવત્તર હોય પણ તે હંમેશાં પ્રાચીન વૈદિક બૌદ્ધિકતા અને આધ્યાત્મિકતાને વશ રહીને ચાલ્યાં છે. પાંચાલ, કશ્ય અને મૈથિલીની જે સમિતિઓ અસ્તિત્વમાં આવી તે પણ શરૂઆતમાં ઉપનિષદ કાળ સુધી બૌદ્ધિકતા અને આધ્યાત્મિકતાનાં કેન્દ્રો બની રહી. પાછળથી ભલે એ બધી સમિતિઓ રાજકીય સત્તાનું કેન્દ્ર બની.

આર્યોની એક ખાસિયત એ હતી કે પ્રજા પ્રકૃતિથી જ વિશ્લેષણ શક્તિના અભિગમવાળી હતી અને એટલે જ ગણિતશાસ્ત્ર અને સંસ્કૃતના વૈજ્ઞાનિક દૃષ્ટિકોણવાળું વ્યાકરણ અહીં વિકસ્યું છે અને આ ઉપરાંત ભૂમિતિ, ખગોળવિદ્યા કે ધાતુવિદ્યા-રસાયણ વિદ્યા વગેરેનો સારો એવો વિકાસ થયો હતો. આ વિશ્લેષણાત્મક દૃષ્ટિમાં પણ એક અનેરી કવિત્વભરી અંતર્દૃષ્ટિ રહી છે. ‘ભારતનો ઐતિહાસિક ક્રમવિકાસ’ નામના લેખમાં સ્વામી વિવેકાનંદ કહે છે : 

‘પ્રજામાં પ્રારંભમાં તો એક કુતૂહલવૃત્તિ જ હતી. તે અતિ અલ્પ સમયમાં જ વિકાસ પામીને હિંમતભરી વિશ્લેષણશક્તિ બની ગઈ. અને પ્રથમ પ્રયત્નમાં જે કાર્ય નિષ્પન્ન થયું તે ભલે કોઈ ભાવિ મહાશિલ્પીના કંપતા હાથે થયેલા પ્રયત્ન જેવું લાગતું હોય, પણ અતિ અલ્પ સમયમાં જ તેને સ્થાને ચોકસાઈપૂર્વકનું વિજ્ઞાન, હિંમતભર્યા પ્રયત્નો અને ચમત્કારભર્યાં પરિણામો આવ્યાં.

એ વિશ્લેષણશક્તિની હિંમતે આ મનુષ્યોને તેમની યજ્ઞવેદીઓની એકેએક ઈંટમાં સંશોધન ચલાવતાં શીખવ્યું; તેમનાં ધર્મશાસ્ત્રોના શબ્દેશબ્દનું બારીક નિરીક્ષણ કરતાં, તેને જોડતાં અને તોડી ફોડીને ચૂર્ણવિચૂર્ણ કરતાં શીખવ્યું; કર્મ-વિધિઓને ગોઠવતાં, પુનર્વ્યવસ્થિત કરતાં, તેમના વિષે શંકા ઊભી કરતાં, તેમનો અસ્વીકાર કરતાં અથવા તેમનો ખુલાસો આપતાં શીખવ્યું. તેણે તેમના દેવતાઓને ગર્ભગૃહમાંથી બહાર આણ્યા, તથા તેમના સર્વશક્તિમાન, સર્વજ્ઞ, સર્વવ્યાપી વિશ્વસ્રષ્ટાને – વંશપરંપરાથી ચાલ્યા આવતા દ્યૌ:પિતાને કેવળ ગૌણ સ્થાને મૂકી દીધો.

આ વિશ્લેષણશક્તિ અને તેને આગળ અને આગળ પ્રેરનારી કાવ્યમય દર્શનનોની હિંમત એ બે, હિંદુ પ્રજાના ઘડતરમાં મહાન અને મૂળભૂત કારણો છે. એ બન્ને મળીને જાણે કે રાષ્ટ્રિય ચારિત્ર્યનો મુખ્ય સૂર બન્યો હતો. આવું સંયોજન જ હંમેશાં પ્રજાને ઇંદ્રિયોની પેલે પાર, અનુમાનોનાં રહસ્યને વીંધીને આગળ અને આગળ જવાનું દબાણ કર્યા કરે છે. આ શક્તિને લોખંડના સળિયાને કાપીને સોંસરાં નીકળી જાય છતાં ગમે તેમ વાળી શકાય એવાં નરમ પોલાદનાં જે પાનાં કારીગરો બનાવતાં તેની સાથે સરખાવી શકાય.

આ પ્રજાએ સોનારૂપના ઘડતરમાં કવિત્વ ઉતાર્યું; ઝવેરાતના જડાવકામમાં સ્વરસંવાદિતા યોજી; સંગેમરમરમાં આશ્ચર્યકારક જાળ ગૂંથણીઓ અને ભુલભુલામણીઓ કોતરી; રંગકામમાં સંગીત ચીતર્યું; વાસ્તવિક દુનિયાનું હોવા છતાં પરીઓની દુનિયાનું વધારે લાગે તેવું મુલાયમ કાપડ બનાવ્યું; આ બધી કારીગરી અને કળાની પાછળ આ રાષ્ટ્રિય લક્ષણનું હજારો વર્ષોનું કાર્ય રહેલું છે.

કળાઓ અને વિજ્ઞાનો, અરે, ગૃહજીવનની સાધારણ વાસ્તવિકતાઓ સુધ્ધાં ઢગલાબંધ કાવ્યમય ભાવનાઓથી ઢંકાયેલી છે; તે એટલી હદ સુધી કે ઇંદ્રિયભોગોની સ્થૂલતા ઉચ્ચ બનીને ઠેઠ ઇંદ્રિયાતીતને અડવા મથે છે અને વાસ્તવને અવાસ્તવની ગુલાબી સુરખી લગાડી જાય છે.’ (સ્વા.વિ. ગ્રંથ. ભાગ-૯, પૃ.૨૭૧-૭૨)

ભારતીય જાતિ ધર્મ એટલે કે જ્ઞાતિપ્રથા સામાજિક એકતાને સાધનાર અને સમાજના માનવ માનવ વચ્ચેની નાદુરસ્ત હરિફાઈને દૂર કરનારી છે. સ્વામીજી માનતા હતા કે વૈદિક ધર્મ અને સમાજના મૂળમાં જ આ જાતિધર્મ રહેલો છે. જાતિધર્મ એટલે સ્વધર્મનું પાલન. માનવનાં પોતાનાં શક્તિ અને સામર્થ્ય પ્રમાણે કરેલાં કર્તવ્યો કે બજાવેલ ફરજધર્મ એ સ્વધર્મ. જે ઈશ્વરને જાણવા માટે આતુર રહે છે અને તેની શોધનામાં સદૈવ રમમાણ રહે છે તે સાચો બ્રાહ્મણ કહેવાય. જે પોતાના દેશ બાંધવોનું બાહ્ય ભય-આક્રમણથી રક્ષણ કરવા તત્પર રહે અને રક્ષણ કરે તે સાચો ક્ષત્રિય ગણાય. ભિન્ન ભિન્ન વ્યવસાય દ્વારા સમાજનું આર્થિક ઉત્થાન કરે અને પોતાનાં કુટુંબને નિભાવે તે સાચો વૈશ્ય કહેવાય. જાતિધર્મમાં અમુક વર્ગના સ્વાર્થ લાલસાને લીધે અધિકારવાદ પ્રવેશ્યો અને તેને લીધે એ બદનામ પણ થયો, પરંતુ જાતિધર્મનો મૂળ હેતુ હતો સમાજના લોકોની વચ્ચે થતી નાદુરસ્ત સ્પર્ધાને દૂર કરવી; એ વાત આપણે ભૂલવી ન જોઈએ. સ્વામી વિવેકાનંદે ‘બુદ્ધકાલીન ભારત’ નામના લેખમાં કહ્યું છે :

‘હિંદુઓ પ્રાચીન સમયમાં માનતા હોય કે જીવનને વધુ સરળ બનાવવું જોઈએ. દરેક વસ્તુને જીવંત કોણ રાખે છે? સ્પર્ધા. વારસાગત વ્યવસાય જીવન જ હરી લે છે. તમે સુથાર છો? સરસ. તમારો પુત્ર પણ સુથાર જ બની શકે. તમે લુહાર છો? તમારો પુત્ર લુહાર જ બની શકે. અને લુહારની એક જ્ઞાતિ બની ગઈ. અમે બીજા કોઈને એ ધંધામાં પ્રવેશવા જ ના દઈએ – જેથી અમે શાંત રીતે તેમાં રહી શકીએ. તમે લડવૈયા છો? બસ, જ્ઞાતિ બનાવી દો. તમે પૂજારી? તેની પણ જ્ઞાતિ. પૂજારીપણું – વારસાગત. અને આમ જ બધું એકદમ જડબેસલાક જ ઉચ્ચ સત્તા દ્વારા નિયંત્રિત! તેની એક મહાન બાજુ છે અને તે છે સ્પર્ધાનો ઇન્કાર. અને એ કારણે તો આ રાષ્ટ્ર જીવ્યું. જ્યારે બીજાં રાષ્ટ્રો મરણ પામ્યાં. તેમાં અનિષ્ટ પણ છે, તેમાં વૈયક્તિતા પર અંકુશ આવે છે.’(સ્વા.વિ. ગ્રંથ. ભાગ-૧૨, પૃ.૩૨૭)

જાતિધર્મ પણ એક સારી વ્યવસ્થિત સામાજિક વ્યવસ્થા છે એવો સ્વામીજીનો મત છે, તેઓ કહે છે :

‘જ્ઞાતિ એક સારી વસ્તુ છે. આપણે જેને અનુસરવું છે તે યોજના જ જ્ઞાતિવ્યવસ્થાની છે. જ્ઞાતિ ખરેખર શું છે, એ લાખોમાંથી એક પણ સમજતો નથી. દુનિયામાં એકેય દેશ એવો નથી કે જ્યાં જ્ઞાતિ ન હોય. ભારતમાં જ્ઞાતિપ્રથામાંથી આગળ પ્રગતિ કરીને જ્યાં જ્ઞાતિ જ નથી તેવી જ્ઞાતિથી પર અવસ્થાએ આપણે પહોંચીએ છીએ. જ્ઞાતિપ્રથા પહેલેથી છેલ્લે સુધી એ એક જ સિદ્ધાંત ઉપર આાધારિત છે. બ્રાહ્મણ એ માનવજાતનો આદર્શ હોવાથી ભારતની યોજના દરેક વ્યક્તિને બ્રાહ્મણ બનાવવો એવી છે. જો તમે ભારતનો ઇતિહાસ વાંચશો તો તમને જોવા મળશે કે નીચલા વર્ગોને ઉપર ચડાવવાના પ્રયત્નો હરહંમેશાં કરવામાં આવ્યા છે. ઘણાય વર્ગોને ઉપર ચડાવવામાં આવ્યા છે, બીજા ઘણાયને ચડાવવામાં આવશે અને અંતે આખી પ્રજા બ્રાહ્મણત્વે પહોંચશે. યોજના એ છે. આપણે કોઈને નીચે પાડ્યા વિના માત્ર તેમને ઉપર ચડાવવાના છે, અને આ કામ મોટે ભાગે બ્રાહ્મણોએ પોતે જ કરવાનું છે.’ (સ્વા.વિ. ગ્રંથ. ભાગ-૮, પૃ.૨૮)

હવે પછીના લેખમાં જાતિધર્મ વિશે સ્વામીજીના દીર્ઘદૃષ્ટિવાળા કેટલાક વિચારોની ચર્ચા કરીશું. 

(ક્રમશ:)

Total Views: 175

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.