(૧૦)

ઠાકુર શ્રીરામકૃષ્ણ અસ્વસ્થ છે. તેમની સેવા માટે ભક્તજનો બધો વખત તેમની પાસે જ રહે છે. તરુણભક્તોમાંથી હજુ સુધી કોઈએ ઘરનો ત્યાગ કર્યો નથી. તેઓ પોતપોતાના ઘેર આવજા કરે છે. ૧

કદાચ આ દિવસોમાં ઠાકુર શ્રીરામકૃષ્ણને એક અલૌકિક દિવ્ય દર્શન થયું હતું. તે ખૂબ જ વિલક્ષણ દર્શન હતું. સ્વામી શારદાનંદે લખ્યું છે, ‘એમણે જોયું, એમનું સૂક્ષ્મ શરીર સ્થૂલ શરીરમાંથી બહાર નીકળીને ઓરડામાં આમ તેમ ફરી રહ્યું છે અને તેના ગળાના જોડાણ ભાગે ઘણા બધા ઘા થયેલા છે. તેઓ આશ્ચર્યચકિત થઈને આ પ્રકારના ઘાના કારણો વિચારવા લાગ્યા. એટલામાં જગદંબાએ એમને સમજાવ્યું કે અનેક પ્રકારના કુકર્મો કરીને આવેલા લોકો એમનો સ્પર્શ કરીને પવિત્ર બન્યા છે. એમના પાપો તેમના શરીરમાં પ્રવેશી જવાથી શરીરમાં ઘાવ થયા છે.’ જીવોના કલ્યાણ માટે તેઓ લાખો વાર જન્મ લઈને દુ:ખ ભોગવવાથી ડરતા નથી. આ વાત અમે દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણના મુખે અનેકવાર સાંભળી હતી. એથી અમને આશ્ચર્ય ન થયું, પરંતુ એમની તેમાં અસીમ કરુણા જોઈને અમે લોકો વધારે મુગ્ધ બન્યા. પણ એટલું જરૂર થયું કે એમના ભક્તો, ખાસ કરીને યુવાન ભક્તો એ વાતનું ધ્યાન રાખવા લાગ્યા કે જ્યાં સુધી શ્રીરામકૃષ્ણનું શરીર પહેલાં જેવું સ્વસ્થ ન થાય ત્યાં સુધી કોઈ નવો માણસ તેમનો ચરણ-સ્પર્શ કરીને પ્રણામ ન કરે. ભક્તોમાં પણ કોઈ કોઈએ પોતાના પૂર્વજીવનના દૃષ્કૃત્યોને યાદ કરીને એવો સંકલ્પ કર્યો કે હવેથી તેઓ શ્રીરામકૃષ્ણના પવિત્ર શરીરનો ક્યારેય સ્પર્શ નહિ કરે. ૨

શ્રીરામકૃષ્ણની પાસે નવા માણસોને આવતાં અટકાવી દેવામાં આવતા હતા. આ જોઈને ગિરીશચંદ્રે કહ્યું, ‘પ્રયત્ન કરવો છે, તો કરો પણ આ શક્ય નથી.’ ખરેખર થયું પણ તેમ જ. તદ્દન અજાણ્યા લોકોને તો રોકી દેવામાં આવ્યા, પણ ભક્તોના પરિચિત નવા માણસો આવવા લાગ્યા. એમને રોકવાનું શક્ય નહોતું. તેમ છતાં પણ કોઈ અજાણી વ્યક્તિની વ્યાકુળતા જોઈને આ નિયમનો ક્યારેક ક્યારેક ભંગ પણ થતો. આ નિયમ બનાવ્યા પછી એક રસપ્રદ ઘટના બની. શ્રીરામકૃષ્ણની કૃપાપાત્ર અભિનેત્રી વિનોદિની એમના ગંભીર રોગની વાત સાંભળીને એમને ફરી એક વાર જોવા માટે વ્યાકુળ બની ગઈ. શ્રીકાલીપદ ઘોષ સાથે તેનો પરિચય હતો. તેથી તેણે તેમને વિનંતી કરી અને સહાય કરવા પ્રાર્થના કરી. પરંતુ નિયમનો ભંગ કરીને અંદર કેવી રીતે જવાય ? આથી છૂપી રીતે યોજના કરીને એક દિવસ સંધ્યા પહેલાં તેને પુરુષવેશ પહેરાવીને (સાહેબ લોકોની હેટ-કોટ) તેને શ્યામપુકુર લઈ આવ્યા. કાલીપદ ઘોષે પોતાના મિત્ર તરીકે બધાની સાથે ઓળખાણ કરાવી. નિરંજન દૂર ગયા પછી તેને શ્રીરામકૃષ્ણદેવ પાસે લઈ આવ્યા, ત્યાં તેનો સાચો પરિચય કરાવ્યો. અમારા બધાંની આંખોમાં ધૂળ નાખવા માટે જ અભિનેત્રી આવા વેષમાં આવી છે એ જાણીને વિનોદપ્રિય શ્રીરામકૃષ્ણદેવ હસવા લાગ્યા. અને તેના સાહસ અને નિપૂણતાની પ્રશંસા કરી. તેમ જ તેની શ્રદ્ધાભક્તિ જોઈને ખૂબ પ્રસન્ન થયા. એ પછી ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખીને એના શરણમાં રહેવા માટે બે ચાર વાતો ધર્મની કરી અને પછી થોડી વારમાં તેને વિદાય આપી. તે પણ આંસુ વહાવતી, એમના ચરણોમાં મસ્તક ટેકવીને કાલીપદની સાથે ચાલી ગઈ. ૩

આજે રવિવાર છે. ૧૧ ઓક્ટોબર ૧૮૮૫. સવારનો સમય છે. ભક્ત દેવેન્દ્રનાથ મજુમદાર ઠાકુરની પાસે છે. ઠાકુરે સ્નાન કરી લીધું છે. સ્નાન પછી મંદ મંદ સ્મિત કરી રહ્યા છે. સ્મિત ચાલુ રહ્યું. ભાવાવેશની અભિવ્યક્તિથી બધા વિસ્મિત બની ગયા. શ્રીરામકૃષ્ણે ત્રીજા પહોરે આ ઘટનાનો ઉલ્લેખ કરી ભક્તોને જણાવ્યું: ‘આટલું ક્યારેય હસ્યો નથી… જાણે અંદરથી (હાસ્યનો ફુવારો) જ આવી રહ્યો હતો.’

સંધ્યા થઈ ગઈ. હવે એક વિચિત્ર વસ્તુ બની. શ્રીરામકૃષ્ણમાં ભાવનો પ્રબળ આવેશ દેખાયો. તેઓ ઊભા થઈ ગયા. એક આનંદમય વાતાવરણની સૃષ્ટિ સર્જાઈ ગઈ. થોડી વાર પછી ભાવ શમી ગયો.

હવે તેમણે ત્યાં હાજર રહેલા માસ્ટર મહાશય વગેરે મુખ્ય ભક્તોને કહ્યું, ‘બધા ‘હરિબોલ’ કહો. બની શકે કે એનાથી રોગ ઓછો થઈ જાય.’ માસ્ટર મહાશયે અનુભવ કર્યો કે શ્યામપુકુર આવ્યા પછી પહેલીવાર ઠાકુરમાં ભાવનું આ ઘનીભૂત પ્રાક્ટય થયું હતું.

* * *

‘કેન્સર’ની ભયાનક યાતનાથી પીડિત ઠાકુરની સારવાર અને સેવા વગેરે માટે ભક્તોએ શક્ય તેટલી વ્યવસ્થા કરી હતી. પરંતુ બધા જ પ્રયત્નોને નિષ્ફળ બનાવીને ઠાકુરનો રોગ અસાધ્ય બનતો ગયો. ભક્તજનો ખૂબ ચિંતિત હતા. પરંતુ ઠાકુર પાંચ વર્ષના બાળક જેવા હતા. તેઓ મા સિવાય બીજું કંઈ જ જાણતા નહોતા.

કોઈ બીજો ઉપાય ન દેખાતાં ભક્તોએ સારવારમાં ફેરફાર કરવાનો નિશ્ચય કર્યો. આ વિશે પાછળથી સેવક લાટુએ કહ્યું હતું: ‘શ્યામપુકુરમાં ઘણાં ડોક્ટરો આવ્યા હતા. તેમાં એક દાઢીવાળો હતો. એની દવાથી ઠાકુરનું શરીર ગરમ થઈ ગયું હતું. ગળામાંથી લોહી અને પરુ નીકળવા માંડ્યું ત્યારે ગિરીશબાબુએ ડોક્ટર સરકાર માટે કહ્યું.૪ આ વિશે અક્ષયકુમારે લખ્યું છે: ‘એક દિવસ ભક્તો ભેગા થયા, બધાએ વિચાર કરીને નિર્ણય કર્યો કે શહેરમાં જે સર્વશ્રેષ્ઠ ડોક્ટર છે, ભલે ગમે તેટલો ખર્ચ થાય પણ તેમને બોલાવવા. પ્રસિદ્ધ ડો.મહેન્દ્રનાથ સરકાર હોમિયોપથિક સારવાર કરતા હતા. તેમને બોલાવવાની જોગવાઈ કરી. દરેક વખતે તે સોળ રૂપિયા વિઝીટ ફી લેતા હતા. અંગ્રેજીના વિદ્વાન હતા. જેટલી પરીક્ષા હતી તે બધી તેમણે પાસ કરી હતી. ૫

ભક્ત રામચંદ્ર દત્તે લખ્યું છે: ‘અહીં (શ્યામપુકુર) આવીને રોગ વધી ગયો. પ્રતાપબાબુના આગ્રહથી મહેન્દ્રનાથ ગુપ્તને મોકલીને મહેન્દ્રનાથ સરકારને બોલાવવામાં આવ્યા. પ્રતાપબાબુએ ડોક્ટર સરકારને અભિપ્રાય માટે બોલાવ્યા હતા. એ માટે તેઓ આવ્યા. એમની સોળ રૂપિયાની ફીની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી. ૬

આ બાબતમાં એ યાદ આવે છે કે રોગના પ્રારંભમાં ડોક્ટર રાખાલદાસ ઘોષે ઠાકુરની સારવાર કરી હતી. તેઓ કોલેજ સ્ટ્રીટમાં રહેતા હતા. ડોક્ટર રાખાલ ઘોષ પછી સારવારની જવાબદારી ડોક્ટર પ્રતાપચંદ્ર મજુમદારને સોંપવામાં આવી. એ દરમિયાન વચ્ચે ઠાકુરને કલકત્તામાં ડોક્ટર સરકારની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તપાસ કરાવી હતી. એ ઉપરાંત બલરામ ભવનમાં કેટલાય પ્રસિદ્ધ વૈદ્યોએ ઠાકુરને તપાસ્યા હતા. હવે ફરીથી ડોક્ટર સરકારને બતાવવાનું જરૂરી જણાયું.

(૧૧)

 આજે સોમવાર છે. ૧૨ ઓક્ટોબર ૧૮૮૫. આસો સુદ ચોથ. દિવસના બાર વાગ્યા છે. ડોક્ટર મહેન્દ્રનાથ સરકાર નિષ્ણાત ડોક્ટર છે. એમણે એલોપથિ છોડીને હવે હોમિયોપથિ પદ્ધતિથી સારવાર કરવાની શરૂ કરી છે. ડોક્ટર સરકાર શાંખારી ટોલામાં રહે છે. માસ્ટર મહાશય ડોક્ટરને લઈને શ્યામપુકુર આવ્યા છે. બીજામાળે ઓસરીવાળા પહેલા ઓરડામાં દાખલ થતાં જ ડોક્ટરે જોયું કે શ્રીરામકૃષ્ણ બેઠેલા છે. ઠાકુર શ્રીરામકૃષ્ણે નમસ્કાર કરીને એમનું સ્વાગત કર્યું. ડોક્ટર સરકાર ઠાકુરને જોતાં જ બોલ્યા, ‘તમે અહીં આવી ગયા છો ?’

શ્રીરામકૃષ્ણ- ‘સારવાર માટે આ બધા મને અહીં લઈ આવ્યા છે.’ શ્રીરામકૃષ્ણના કહેવાથી ડોક્ટર સરકાર એમની પથારી પર બેસી ગયા. એ સમયે હાજર રહેલા અક્ષયકુમાર સેને લખ્યું છે —

નૂતન દેખિનુ આમિ એત દનિ પરે,
પ્રભુ ભિન્ન અન્ય તોર શય્યાર ઉપરે.

(આટલા દિવસોમાં આ નવી વસ્તુ જોઈ કે પ્રભુના પલંગ ઉપર કોઈ વ્યક્તિ જઈ બેઠી.)

ડોક્ટર સરકારે દરદીને તપાસવાનું શરૂ કર્યું. હાથ જોયો-જીભ જોવાની ઇચ્છા કરી. ઠાકુરે એ માટે હિચકિચાટ અનુભવ્યો. કેમ કે અગાઉ ડોક્ટર સરકારે એમની જીભને જોરથી દબાવી હતી. ઠાકુર આ વિશે કહ્યા કરતા કે મહેન્દ્ર સરકારે તપાસ્યો હતો. પણ બહુ જોરથી જીભ દબાવી હતી. જાણે કે ગાયની જીભને દબાવી રહ્યા હોય ! ખૂબ પીડા થઈ હતી. ૧

ડોક્ટર સરકારે નારાજ થઈને ઠાકુરને કહ્યું, ‘(જીભ) દેખાડોને, તમે ઘણા અહંકારી છો. નહિ બતાવો તો પછી હું શું જોઈશ ? ડોક્ટર સાહેબ રોગની ચકાસણી કરતા કરતા પોતાની જાતને કહેવા લાગ્યા, ‘અમે લોકો જાણે મારી નાખવા માટે જ છીએ !’ થોડી વાર પછી ડોક્ટર સરકારે ડોક્ટર બિહારીલાલ ભાદુડી વિશે ઠાકુરને કહ્યું, ‘આપને તો મેં જણાવ્યું હતું….. તે આપનો શિષ્ય છે.’

શ્રીરામકૃષ્ણ- ‘ના, એમ કહો કે એને મારા ઉપર ખૂબ શ્રદ્ધા છે.’

જીવનવૃતાંત પ્રમાણે, ‘આ વખતે પણ (ડોક્ટર સરકારે) ખૂબ ધ્યાનપૂર્વક રોગના લક્ષણો જાણીને દરદનું નિદાન કરી દવાઓની જોગવાઈ કરી. પછી તેઓ ઉપરના માળેથી નીચે આવ્યા. ૨ ત્યાં તેમને ફીની રકમ આપવામાં આવી. પરંતુ એમણે આ રકમ સ્વકારી નહિ અને પૂછ્યું, ‘આ કોનું ઘર છે ?’ મહેન્દ્રબાબુ – ‘(આ ઘર) પરમહંસદેવના ભક્તોએ ભાડે લીધું છે.’ ભક્તોની વાત સાંભળીને ડોક્ટર સરકારને આશ્ચર્ય થયું અને બોલ્યા, ‘એમના ભક્ત…. આ શું વાત છે ?’ અત્યાર સુધી ડોક્ટર સરકારને ફક્ત એટલી જ ખબર હતી કે શ્રીરામકૃષ્ણ મથુરબાબુના પરમહંસ છે. અર્થાત્ જે રીતે ખૂબ પૈસાદાર માણસોના અજીબ પ્રકારના શોખ હોય છે, ‘મથુરબાબુના પરમહંસ પણ એવા જ કોઈ હશે. પરંતુ આજ એમને એક નવી વાત જાણવા મળી. મથુરબાબુના પરમહંસ હવે કોઈ એક વ્યક્તિના પરિઘની સીમામાં રહેલા નથી. આથી ડોક્ટર સાહેબે કુતૂહલતાથી ભક્તોના નામ પૂછ્યાં. માસ્ટર મહાશયે ભક્તોના નામ જણાવ્યાં. ભક્તોનાં નામ સાંભળીને ડોક્ટર સરકારની પૂર્વમાન્યતા બદલાઈ ગઈ. પરમહંસદેવના સંપર્કમાં આવીને ગિરીશ વગેરેમાં જે પરિવર્તન આવ્યું તે સાંભળીને તેઓ મુગ્ધ બની ગયા અને બોલ્યા, ‘આનાથી વધારે ઉપકાર બીજો કયો હોઈ શકે ? કોઈને ખોટે રસ્તેથી પાછો વાળીને સદાચાર પ્રત્યે લઈ જવાથી વધારે સારી બીજી કંઈ વાત હોઈ શકે ? પરમહંસદેવ બધાંના હિતાકાંક્ષી છે. આથી આવા મનુષ્યના રોગને તપાસવાની ફી હું નહિ લઉં.’ આ બાબત પર મહેન્દ્રબાબુએ ડોક્ટર સાહેબને વિશેષ આગ્રહ કર્યો, ‘પરમહંસ દેવના ભક્તજનો ધનવાન જરૂર નથી પણ તેઓ અયોગ્ય પણ નથી. તેઓ ખર્ચ કરવા માટે તૈયાર છે. અને એટલા માટે જ પરમહંસદેવને સારવાર માટે કલકત્તા લઈ આવ્યા છે. આપ કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર આ ફી જરૂર સ્વીકારી લો.’

ડોક્ટર સાહેબ (સહાસ્ય)- ‘મને પણ આ પાંચ વ્યક્તિઓમાંનો એક ગણી લો. હું વિશેષ ધ્યાન રાખીને એમની સારવાર કરીશ. જેટલી વાર જરૂર પડશે, તેટલી વાર હું મારી મેળાએ જ આવીશ. એમ નહિ વિચારતા કે હું આપ બધાંના સંતોષ માટે આવીશ. પરંતુ મને પણ એની જરૂર છે. એમ જાણજો.’૩

સ્વામી શારદાનંદનું લખાણ આનાથી થોડું જુદું છે. તેઓ લખે છે, ‘તેમણે ખૂબ મહેનતથી ચકાસીને રોગનું નિદાન કર્યું. પછી દવાઓ, પથ્ય વગેરેની સૂચનાઓ આપીને તેમણે દક્ષિણેશ્વરના કાલીમંદિર વિશે ધર્માલાપ કર્યો ને પછી કલકત્તા પાછા ફર્યા. જ્યાં સુધી અમને યાદ છે ત્યાં સુધી, ડોક્ટરે ભક્તોને દરરોજ સવારે શ્રીરામકૃષ્ણની શારીરિક સ્થિતિના સમાચાર જણાવવાનું કહ્યું હતું. અને જતી વખતે ભક્તોએ આપેલી ફી સ્વીકારી લીધી હતી. પણ પછી જ્યારે બીજે દિવસે તેઓ શ્રીરામકૃષ્ણને જોવા માટે આવ્યા ત્યારે તેમને ખબર પડી કે ભક્તજનો શ્રીરામકૃષ્ણને સારવાર માટે કલકત્તા લાવ્યા છે અને બધો જ ખર્ચ તેઓ ઊઠાવી રહ્યા છે. આથી ગુરુભક્તિ જોઈને, પ્રસન્ન થઈને તેમણે ફી ન લીધી અને કહ્યું, ‘હું કંઈ પણ ફી લીધા વગર મારાથી શક્ય તેટલી સારવાર કરીને તમારા શુભકાર્યમાં સહાયતા કરીશ.’ ૪

જે હોય તે. ડોક્ટર સાહેબને વિદાય કરીને માસ્ટર મહાશય ઠાકુર શ્રીરામકૃષ્ણ પાસે આવ્યા. ત્યાં હાજર રહેલા બધા લોકો ડોક્ટર સરકાર વિશે વાતચીત કરી રહ્યા હતા. માસ્ટર મહાશય – કેસમાં ડોક્ટર સરકારે (Mathur Babu’s Paramhansa) મથુરબાબુના પરમહંસ આ રીતે લખ્યું છે. માસ્ટર મહાશય જ્યારે ડોક્ટરના ઘરે ગયેલા ત્યારે તેમને જે અનુભવ થયો હતો તે જણાવ્યો, ‘જેવો હું ઓરડામાં દાખલ થયો કે ડોક્ટરે કહ્યું, ‘બહાર જાઓ, બહાર જાઓ.’

આ સાંભળીને ઠાકુરને થોડું દુ:ખ થયું. ઠાકુરે ડોક્ટરના પુત્ર અમૃત અંગેનો પોતાનો અનુભવ જણાવ્યો, ‘તેનો દીકરો (પોતાના બાપથી) બીતો બીતો ફરે છે. માસ્ટર મહાશય, ‘લાટુ છતરી લઈને વાત સાંભળવા ગયો હતો.’

રાખાલ- એમ તો ડોક્ટર દયાળુ છે.

માસ્ટર મહાશય- એક માણસ તડકામાં ઊભો હતો. ડોક્ટરે એને છાંયડામાં ઊભવા માટે કહ્યું હતું.

ડોક્ટર સરકારે હરિમોહન રોયની પત્નીની સારવાર નિ:શુલ્ક કરી હતી, એ વાતની પણ ચર્ચા થઈ.

માસ્ટર મહાશય- ‘ડોક્ટર કહેતા હતા કે શું તમે એ ન જોયું કે પરમહંસે મને નમસ્કાર કર્યા હતા ? શું તેઓ બીજાઓને નમસ્કાર કરે છે ?’ આ સાંભળીને શ્રીરામકૃષ્ણ હસી પડ્યા.

ડોક્ટર સરકારના વર્તનથી શ્રીરામકૃષ્ણ નિરાશ થયા હતા. થોડી વાર પછી તેમણે કહ્યું, ‘તેને બોલાવવાથી શું થશે ? પછી માસ્ટરને બે આંગળી બતાવીને ઈશારાથી કહ્યું, ‘તમે તો (ડોક્ટર) દોકૌડીને બોલાવી લાવજો.’

(૧૨)

બીજા દિવસની વાત છે. ૧૩મી ઓક્ટોબર ૧૮૮૫. જીવનવૃતાંત નામના પુસ્તક દ્વારા જાણી શકાય છે કે ડોક્ટર સરકાર સાંજના સમયે આવ્યા હતા. તે સમયે ત્યાં ઘણા બધા લોકો હતા. ગિરીશચંદ્ર વગેરે ભક્તો પણ હતા. તે દિવસે ગિરીશની સાથે ડોક્ટર સરકારનો પરિચય પણ થયો અને બંનેએ જુદા જુદા વિષયો પર વાતચીત પણ કરી. ગિરીશ અને બીજા ભક્તોની સાથે વાતચીત કરીને ડોક્ટર સાહેબને પ્રસન્નતા થઈ. બે ત્રણ કલાક ત્યાં રોકાઈને પછી તેઓ પાછા ફર્યા હતા.

* * *

‘લીલા પ્રસંગ’થી એ જાણી શકાય છે કે થોડા સમયમાં જ ડોક્ટર સરકાર ઠાકુર પ્રત્યે વધુ ને વધુ શ્રદ્ધાભક્તિ ધરાવવા લાગ્યા હતા. ઠાકુર શ્રીરામકૃષ્ણ ડોક્ટર સાહેબ સાથે વાર્તાલાપ કરવા માટે વચમાં વચમાં માસ્ટર મહાશય, ગિરીશચંદ્ર, નરેન્દ્રનાથ વગેરે મુખ્ય શિષ્યોને મોકલતા રહેતા. નરેન્દ્રની સાથે વાતચીત કરીને ડોક્ટર એટલા મુગ્ધ થઈ ગયા હતા કે એમણે એક દિવસ નરેન્દ્રને પોતાને ત્યાં ભોજનનું નિમંત્રણ આપી તેમની સરભરા કરી હતી. વળી, નરેન્દ્ર સંગીતમાં પણ નિપુણ છે એ જાણીને એમને એક દિવસ ભજન સંભળાવવા માટે પણ આગ્રહ કર્યો હતો. એક સાંજે, જ્યારે ડોક્ટર સરકાર શ્રીરામકૃષ્ણને જોવા માટે આવ્યા હતા, ત્યારે નરેન્દ્રે પોતાના વચન પ્રમાણે બે-ત્રણ કલાક સુધી એમને ભજન સંભળાવ્યા હતા. તે દિવસે ભજન સાંભળીને ડોક્ટર સાહેબ ખૂબ ખુશ થયા. વિદાય વખતે તેમણે નરેન્દ્રને પોતાના પુત્રની જેમ સ્નેહપૂર્વક આશીર્વાદ આપી આલિંગન, ચુંબન કરીને શ્રીરામકૃષ્ણદેવને કહ્યું, ‘આના જેવો છોકરો ધર્મલાભ માટે આવ્યો છે, એ જોઈને હું ખૂબ પ્રસન્ન છું. આ એક રત્ન છે, જે વિષયમાં મન લગાડશે, તેમાં પ્રગતિ કરશે.’ આ સાંભળીને શ્રીરામકૃષ્ણદેવે નરેન્દ્ર પ્રત્યે પ્રસન્ન દૃષ્ટિથી જોયું અને કહ્યું, ‘કહેવાય છે કે અદ્વૈતાચાર્યના વ્યાકુળ પોકારથી જ ગૌરાંગદેવે નદિયામાં અવતાર લીધો. એ રીતે આને (નરેન્દ્રને) માટે જ તો બધું છે.’ આ પ્રસંગ પછી શ્રીરામકૃષ્ણને જોવા માટે જ્યારે ડોક્ટર આવતા અને નરેન્દ્રને ત્યાં જોતા, તો એમને પાસેથી બે-ચાર ભજન સાંભળ્યા વગર એમને છોડતા નહિ.૧

(ક્રમશ:)

૧. શ્રીરામકૃષ્ણ કથામૃત, ભાગ-૩, પૃ.૧૮૩, પરંતુ આ વિષય અંગે ઘણાં મતભેદ છે.

૨. શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ, ભાગ-૫, પૃ. ૨૪૧-૨૪૨.

૩. શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ, ભાગ-૫, પૃ. ૨૪૨-૨૪૩.

૪. શ્રી શ્રીલાટુર મહારાજેર સ્મૃતિકાથા, પૃ.૨૩૫

૫. શ્રી શ્રીરામકૃષ્ણ પુંથિ, પૃ. ૫૭૮

૬. શ્રી શ્રીરામકૃષ્ણ પરમહંસ દેવેર જીવનવૃતાંત, પૃ. ૧૬૬.

૧. શ્રીરામકૃષ્ણ કથામૃત, ભાગ-૩, પૃ. ૧૮૦-૮૧.

૨. જુઓ પુંથિ, અક્ષયકુમાર સેન.

૩. શ્રી શ્રીરામકૃષ્ણ પરમહંસદેવેર જીવનવૃતાંત, ૭મી આવૃત્તિ, પૃ. ૧૬૦-૧૬૭.

૪. શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ, ભાગ-૫, પૃ.૨૦૬.

૧. શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ, ભાગ-૫, પૃ.૨૨૨-૨૩.

Total Views: 186

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.