સમગ્ર વિશ્વમાં આજના શિક્ષણનું પુનરાવલોકન અને તેની પુન: સંરચના માટે ઘણા પ્રયાસો થઈ રહ્યા છે. તાજેતરમાં જ ‘નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ’ (NCERT) દ્વારા ઘડાયેલા નવા શાળાકીય અભ્યાસક્રમમાં સંશોધનાત્મક પ્રોજેક્ટ આધારિત શિક્ષણ આપવાનું ધ્યેય રાખવામાં આવ્યું છે. આને લીધે શાળાઓના અભ્યાસ વધુ રસપ્રદ બનશે, સંશોધનાત્મક દૃષ્ટિવાળી કાર્યભરી અભ્યાસનિષ્ઠા વધશે. આ ઉપરાંત તંદુરસ્ત અને સર્જનાત્મક જીવન જીવવાની કળાને વિકસાવતા વિષયોનું શિક્ષણ પણ ઉમેરવામાં આવ્યું છે જે પ્રશંસનીય વાત છે. યુનેસ્કોએ ‘૨૧મી સદીના શિક્ષણ’ – ‘Education for the 21st century’ વિશે વિગતવાર અહેવાલ આપવા માટે જેક્વેસ ડેલોર્સના અધ્યક્ષપદે એક સ્વતંત્ર કમિશન પણ રચ્યું હતું. આ કમિશનના અહેવાલમાંની – ‘ભીતરની સુષુપ્ત શક્તિના ખજાનાનું શિક્ષણ’ ‘Learning : the Treasure within’ એ શીર્ષક હેઠળની વાત સૌથી રસપ્રદ વાત છે. એણે શિક્ષણ વિશેના આવતીકાલના દૃશ્યનું એક વૈશ્વિક ચિત્ર આપવાનો પ્રયત્ન પણ કર્યો છે. આ અહેવાલને સમગ્ર વિશ્વભરમાંથી ખૂબ જ પ્રસંશા સાંપડી છે અને એ બાબતો પર ચર્ચા-વિચારણા ચાલે છે. આ અહેવાલની પ્રસ્તાવના ઉપર્યુક્ત વિષયના શીર્ષક પાછળના તર્ક, મૂલાધાર અને સમજ વિશે પૂરતાં માહિતીજ્ઞાન આપે છે. આ અહેવાલને વિશ્વભરમાં એક આનંદ-ઉત્સાહની અને સંતોષની લાગણીથી આવકારવામાં આવ્યો છે. એમાં શિક્ષણના હેતુઓને પુન: વ્યાખ્યાયિત અને પુન: ગઠિત કરવામાં આવ્યા છે. અને તેને લીધે વિશ્વ-સમાજનું એવું નવપરિવર્તન થશે કે જેથી આ વિશ્વ રહેવા-જીવવા બહેતર સ્થાન બની રહેશે. અલબત્ત આ વિશે એક શંકા છે કે રાષ્ટ્રિય કે આંતરરાષ્ટ્રિય શિક્ષણ કમિશનના સભ્યો ભારતના સુસમૃદ્ધ, સાંસ્કૃતિક-આધ્યાત્મિક વારસો અને એમનાં પ્રાચીન શાસ્ત્રોથી પૂરતા માહિતગાર હશે કે કેમ? જેક્વેસ ડેલોર્સ કમિશને પોતાના અહેવાલના શીર્ષકમાં જણાવ્યું છે તે પ્રમાણે ‘Learning : the Treasure within’ સમગ્ર શિક્ષણ પાઠાર્થીની ભીતર જ સુષુપ્તરીતે રહેલું છે, ભારતીય શિક્ષણના પાયામાં આ વિચાર હંમેશાં એક મૂલાધાર રૂપે રહ્યો છે. વેદાંતના મતપ્રમાણે બધાં જ્ઞાન વ્યક્તિની ભીતર સુષુપ્તરીતે રહેલાં છે. માત્ર એમના આવરણને દૂર કરીને, એમને જાગ્રત કરીને તેમનું પ્રગટીકરણ કરવાનું છે. આપણા શાસ્ત્રોનો આ મહત્વનો અને કેન્દ્રવર્તી સારભૂતતત્ત્વ જેવો વિચાર આધુનિક જગત સમક્ષ સ્વામી વિવેકાનંદે સૌ પ્રથમ વખત ખૂબ ભારપૂર્વક રજૂ કર્યો હતો. તેઓ શિક્ષણની વ્યાખ્યા આ રીતે આપે છે. ‘મનુષ્યમાં પ્રથમથી જ રહેલી પૂર્ણતાનું પ્રગટીકરણ એટલે કેળવણી.’ સ્વામીજીની દૃષ્ટિએ લૌકિક કે આધ્યાત્મિક સઘળું જ્ઞાન મનુષ્યના મનમાં-એની ભીતર જ રહેલું છે. બહારથી આવતું સૂચન એ જ્ઞાનને બહાર લાવવામાં મદદરૂપ બને છે. અને શિક્ષકે માત્ર આ જ કાર્ય કરવાનું છે. શિક્ષકને ભાગે તો વિદ્યાર્થીને પ્રેરવાનું, નિદર્શન કરતા કરવાનું અને નિશ્ચિત મંતવ્ય પર, સમજ પર લાવવાનું કાર્ય કરવાનું આવે છે. આના દ્વારા વિદ્યાર્થીઓની પોતાની શક્તિઓ બુદ્ધિપ્રતિભાને જાણવાનું એક શક્તિશાળી સૂચનશસ્ત્ર બની રહેશે અને એના દ્વારા શરીરથી તંદુરસ્ત અને બળવાન બનીને મન અને આત્માને તાકાતવાન બનાવીને પોતાના વ્યક્તિત્વમાં આશ્ચર્યજનકરીતે સુધારો લાવી શકશે. સ્વામીજી કહે છે: ‘બાળક પોતે જ પોતાને કેળવે છે. પોતે તેને શીખવી રહ્યો છે એવું માનીને શિક્ષક બધો ખેલ બગાડી મારે છે. સઘળું જ્ઞાન મનુષ્યની અંદર જ રહેલું છે અને જરૂર માત્ર તેને જાગ્રત કરવાની છે. શિક્ષકનું કાર્ય માત્ર આટલું જ છે. પોતાનાં હાથ-પગ તથા આંખ-કાનનો યોગ્ય ઉપયોગ કરવામાં બાળકો પોતાની જ બુદ્ધિ વાપરતાં શીખે એટલું જ માત્ર આપણે તેમના માટે કરવાનું છે.’ (‘કેળવણી’ પૃ.૪)

એટલે જ સ્વામીજીની દૃષ્ટિએ કેળવણી એટલે માત્ર પુસ્તિકિયું જ્ઞાન કે સર્વક્ષેત્રિય જ્ઞાનની પ્રાપ્તિ નથી પરંતુ એ તો છે આત્મસંયમ માટેની પૂર્વ તૈયારી અને પોતાની શક્તિઓનો વિકાસ, ઇચ્છાશક્તિનું પ્રગટીકરણ અને તેના પ્રવાહના વિવેકભર્યા ઉપયોગ માટે સંયમ-નિયમ કેળવવા એટલે શિક્ષણ.

વ્યક્તિત્વના પૂર્ણવિકાસ માટેનું શિક્ષણ

સમગ્ર વિશ્વમાં આજનો વિદ્યાર્થી એક તરફ શિક્ષણપ્રણાલિમાં અને તેના પાઠ્યક્રમમાં આવતા પરિવર્તનોની દુનિયામાં ખોવાઈ ગયો છે, તો બીજી તરફ મૂલ્યનિષ્ઠા, નૈતિકમૂલ્યો, પ્રમાણિત જીવનધોરણોથી અધ:પતિત થતા રહેતા સમાજથી ભ્રમિત થઈ ગયા છે. તે આ બધાંની વચ્ચે પોતાનાં મા-બાપ અને શિક્ષકો તરફ અસહાય રીતે માર્ગદર્શનની અપેક્ષાએ જુએ છે. જ્ઞાનને નિપજાવતાં, જાગ્રત કરતાં અને વહાવતાં શિક્ષણકેન્દ્રો-શાળા-મહાશાળાઓ અત્યારે અજ્ઞાનની ચક્કી ચલાવતાં યંત્રો જેવા બની ગયાં છે અને તેમણે વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક બનવાનું અને પોતાની ભીતરની શક્તિઓના પ્રગટીકરણ માટે તેમને સહાયભૂત થવાનું તેમનું મૂળકાર્ય જાણે કે છોડી દીધું છે. પાશ્ચાત્ય કેળવણી પદ્ધતિની અસર નીચે ભારતે પોતાના પ્રાચીન ઋષિઓ, આર્ષદૃષ્ટાઓ અને આચાર્યો, વિદ્વાનો, રાજર્ષિઓનાં અનુભવો વિચારણાઓ અને એમની કૌશલ્યભરેલી સમજણને ભયંકર રીતે અવગણવાની મહાભૂલ કરી છે અને આ જ મનીષિઓએ માનવના સાર્વત્રિક વિકાસ કરતી પૂર્ણ કેળવણી પદ્ધતિ સદીઓ સુધી પ્રયોગશીલ રહીને ઉત્ક્રાંત કરી છે. સ્વામી વિવેકાનંદના આહ્‌વાન પ્રમાણેની પૂર્વનાં શ્રેષ્ઠ શાણપણભર્યાં તત્ત્વો અને પશ્ચિમના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકતાની ઉત્કૃષ્ટતાના તત્ત્વોના સંમિશ્રણવાળી શિક્ષણપ્રણાલીને અપનાવવાની સુવર્ણ તકને ભારતે આઝાદી પછીના ગાળામાં ગુમાવી એ ખરેખર મોટા દુ:ખની વાત છે. કમભાગ્યે આપણે તો આપણા પર શાસન કરતા અને પોતાનો લાભ હેતુ જાળવવા ઇચ્છતા વિદેશી શાસકોએ લાદેલી શિક્ષણપ્રણાલી ચાલુ રાખી. આજે પણ શિક્ષણના ભારતીયકરણનો કોઈપણ પ્રયાસ એક ઘૃણાશંકાની દૃષ્ટિએ જોવામાં આવે છે અને એની સામે એક મોટા ખચકાટની લાગણી દર્શાવાય છે. આવા લોકો કદાચ સ્વામીજીના આ શબ્દોને ભૂલી જતા હોય તેવું લાગે છે: ‘વિદેશી ભાષામાં બીજાના વિચારોને ગોખી મારીને; તમારા મગજમાં એ બધું ભરીને તેમજ વિશ્વ વિદ્યાલયની ઉપાધિઓ મેળવીને તમે તમારી જાતને શિક્ષિત ગણાવો છો? શું આને આપણે કેળવણી કહીશું? છેવટે તમારી કેળવણીનો ઉપયોગ શો છે? ઉદૃેશ્ય શો છે? … સાધારણ જનસમુદાયને જીવનસંગ્રામમાં લડવા માટે જે કેળવણી મદદરૂપ ન થાય, જે કેળવણી ચારિત્ર્યબળ ઊભું ન કરી શકે, જે કેળવણી તમારામાં પરોપકારની ભાવનાનું સિંચન ન કરી શકે, જે કેળવણી તમને ‘નૃસિંહ’ ન બનાવે એને શું આપણે કેળવણી કહીશું?’ (‘કેળવણી’ પૃ.૬)

ફરીથી તેઓ કેળવણીના આ જ વિચાર પર ભાર મૂકતાં કહે છે: ‘આપણે તો એવી કેળવણીની જરૂર છે જેના વડે આપણા ચારિત્ર્યનું ઘડતર થાય, મનની શક્તિમાં વૃદ્ધિ થાય,આપણી બુદ્ધિનો વિકાસ થાય, આપણે સ્વાવલંબી બનીએ. વિદેશી અંકુશ વિના સ્વતંત્ર રીતે આપણા જ્ઞાનરાશિની જુદી જુદી શાખાના અને તે સાથે પશ્ચિમી વિજ્ઞાન અને અંગ્રેજી ભાષાના શિક્ષણની આપણને જરૂર છે. યાંત્રિક શિક્ષણ તેમજ જે કંઈ આપણા ઉદ્યોગોને ખીલવે તે જાતના અભ્યાસક્રમની આપણને જરૂર છે.’ (કેળવણી પૃ.૬,૭) 

સામાન્ય જનસમૂહ માટે શિક્ષણ

આપણા સૌથી વધુ પ્રતિભાવાન વિદ્યાર્થીઓ આપણી સૌથી વધુ સુપ્રતિષ્ઠિત વ્યાવસાયિક શિક્ષણ આપતી સંસ્થામાંથી ડિગ્રી મેળવતાંની સાથે જ શક્ય તેટલા વહેલા, જ્યાં સરળ, સુસમૃદ્ધ, એશઆરામવાળું જીવન મળી રહે અને ભૌતિક વિકાસની તકો પ્રાપ્ત કરી શકાય તેવા વિદેશની ભૂમિમાં વિમાન દ્વારા ઊડી જાય છે. સ્વામીજીની આ મર્મભેદક વાણી આવા સ્વાર્થસાધુ વિદ્યાર્થીઓનું ઘણું ક્ષેમકલ્યાણ સાધી શકશે :

‘ભારતવર્ષમાં ગરીબ અને પછાત વર્ગના લોકોની સ્થિતિનો વિચાર કરતાં મારા દિલમાં દર્દ થાય છે. દિન-પ્રતિદિન તેઓ વધારે ને વધારે ખરાબ દશામાં ડૂબતા જાય છે. ક્રૂર સમાજ તરફથી તેમના પર ઘા પડતા જાય છે, એમ તેઓને લાગે છે, પણ એ ઘા ક્યાંથી આવે છે એ તેઓ સમજી શકતા નથી. પોતે પણ મનુષ્ય છે, – એવું ભાન સુધ્ધાં તેમને રહ્યું નથી. મારું હૈયું એટલું બધું ભરાઈ આવ્યું છે કે મારી લાગણીને હું શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી. જ્યાં સુધી આપણા કરોડો દેશબાંધવો અજ્ઞાન અને ભૂખ્યાં રહે, ત્યાં સુધી તેમને ભોગે કેળવાયેલા, છતાં પણ તેમના પ્રત્યે તદૃન દુર્લક્ષ કરનાર દરેક માણસને હું દેશદ્રોહી સમજું છું. આપણે આપણા સામાન્ય જનસમાજ પ્રત્યે ખૂબ બેદરકાર રહ્યા છીએ, એ આપણું રાષ્ટ્રિય મહાપાપ છે: અને એ આપણ અધોગતિનું કારણ છે.’ (‘કેળવણી’ પૃ.૫૦)

યુરોપ અને અમેરિકાના પોતાના પ્રવાસ દરમિયાન એમનું મન હંમેશાં ભારતના ગરીબ લોકો માટે શિક્ષણ આપવાના વિચારોમાં મગ્ન રહેતું. તેમને લાગ્યું કે સામાન્ય જનસમુહમાં શિક્ષણનો વ્યાપક પ્રચાર-પ્રસાર કરવો એ શિક્ષિત લોકોની પ્રથમ ફરજ છે. આ શિક્ષણ વિધેયાત્મક હોવું જોઈએ અને આપણા દેશના મહાપુરુષો અને આપણા દેશના આધ્યાત્મિક-સાંસ્કૃતિક વારસાથી વિદ્યાર્થીઓને માહિતગાર કરવા જોઈએ. તેઓ સાક્ષરતા સાથે અદ્યતન વૈજ્ઞાનિક અને પ્રૌદ્યોગિક વિજ્ઞાનોનો વિકાસ અને લોકોમાં વૈજ્ઞાનિક સમજ કેળવવાનું ઇચ્છતા હતા. જો કે તેઓ મક્કમપણે માનતા હતા કે આપણી સૌ પ્રથમ અને અગત્યની ફરજ એ છે કે સામાન્ય જનસમૂહે ગુમાવેલા પોતાના વ્યક્તિત્વનો વિકાસ કરવા માટે તેમને શિક્ષણ આપવું જોઈએ. 

સ્વામીજી શાળાઓમાં કયા પ્રકારનું શિક્ષણ આપવું જોઈએ તેની ચિંતા તો કરતા હતા પણ સાથે ને સાથે શિક્ષણની જે સુવિધઓ-તકો પ્રાપ્ય છે એને મેળવવા ગરીબ સમાજના બાળકો પણ શક્તિમાન બને તે માટે કેટલીક શરતો પણ મૂકતા હતા. આજે પણ ખેતરોમાં, બાગબગીચામાં, કારખાનાઓમાં અને બીજા રોજગારોમાં જોતરાયેલા નાનાં બાળકોને – પોતાનાં માબાપની અત્યંત નબળી આર્થિક પરિસ્થિતિને કારણે અને શાળામાં જવા માટે આર્થિક ઉપાર્જન કરી શકે અને પોતાના પરિવારને પણ સહાયરૂપ થઈ શકે તેવી થોડા સમયની નોકરી ન મળતી હોવાને કારણે – શિક્ષણની પ્રાપ્ય તકોથી વંચિત રહેવું પડે છે. આ સમસ્યા માટે પણ સ્વામીજીએ ઉકેલ શોધી આપ્યો છે જેના પર આપણા શિક્ષણકારોએ ગંભીરતાથી નિર્ણય લેવો યોગ્ય છે. તેઓ કહે છે :

‘જો ગરીબ બાળક કેળવણીને સ્થળે ન આવી શકે, તો કેળવણીએ તેની પાસે પહોંચવું પડશે. આપણા દેશમાં શુદ્ધ અંત:કરણવાળા આત્મત્યાગી હજારો સંન્યાસીઓ છે, જેઓ ધર્મનો ઉપદેશ આપતા એક ગામડેથી બીજે ગામડે ફરે છે. જો તેઓમાંથી થોડાને લૌકિક બાબતોનું શિક્ષણ પણ આપવાને સંગઠિત કરી શકાય તો તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ, એક ઘેરથી બીજે ઘેર, માત્ર ધાર્મિક ઉપદેશ નહિ આપતા બીજું શિક્ષણ પણ આપતા જાય. ધારો કે આવા બે સંન્યાસીઓ કેમેરા, પૃથ્વીનો ગોળો અને કેટલાક નક્શા વગેરે લઈને સાંજે એક ગામડે જાય તો તેઓ ત્યાં અભણને ખગોળ અને ભૂગોળનું સારી રીતે જ્ઞાન આપી શકે. ચોપડીઓ દ્વારા આ લોકો આખી જિંદગીમાં જેટલું જ્ઞાન મેળવી શકે તેના કરતાં સો ગણું વધારે જ્ઞાન તેમને જુદી જુદી પ્રજાઓ સંબંધી વાતો કહી સંભળાવીને કાન દ્વારા આપી શકાય. વર્તમાન વિજ્ઞાનની સહાયથી તેમના જ્ઞાનને પ્રદીપ્ત કરો. તેઓને ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન અને સાહિત્યનું શિક્ષણ આપો, અને આની સાથે તે બધા દ્વારા ધર્મના ગંભીર સત્યો પણ તેમને સમજાવો.’ (‘કેળવણી’ પૃ.૫૪-૫૫)

ભારતના ભણેલાગણેલા ભદ્રસમાજને ઉદૃેશીને તેમણે કહ્યું હતું કે આપણા રાષ્ટ્રને આઘાત પહોંચાડે તેવા કોઈ પ્રતિરોધ ઊભા કરનારા કોઈ પણ પ્રકારની સામાજિક અસમતુલાને અટકાવવાની તત્કાલ આવશ્યકતા છે. તેમણે કહ્યું : ‘જીવનસંઘર્ષમાં રોકાઈ રહેવાથી જ્ઞાનની પ્રાપ્તિ માટે તેમને તક મળી નહિ. અત્યાર સુધી તેઓએ યંત્રની માફક કામ કર્યું છે, અને કેળવાયેલા ચાલાક વર્ગે તેમની મહેનતના ફળનો મોટો ભાગ ઓહિયાં કર્યો છે. પણ હવે સમય પલટાઈ ગયો છે. પછાત ગણાતી કોમોના લોકો પણ ધીમે ધીમે આ વસ્તુસ્થિતિ તરફ જાગ્રત થતા જાય છે અને તેની વિરુદ્ધ સંયુક્ત મોરચો ખડો કરવા લાગ્યા છે. ગમે તેટલો પ્રયત્ન કરશે તો પણ હવે ઉચ્ચ ગણાતો વર્ગ પછાત વર્ગને વધારે વખત દાબી શકશે નહિ. નીચલા વર્ગના લોકોને તેમના વ્યાજબી હકો મેળવવામાં મદદ કરવામાં જ હવે ઉપલા વર્ગના લોકોનું કલ્યાણ સમાયેલું છે. તેથી જ તો કહું છું કે હવે આમજનતામાં કેળવણીનો પ્રચાર કરવાના કાર્યમાં લાગી જાઓ. તેઓને સમજાવીને કહો કે, ‘તમે અમારા ભાઈઓ છો, અમારા શરીરના ભાગરૂપ છો’. જો તમારા તરફથી તેમને આવી સહાનુભૂતિ મળશે, તો કાર્ય કરવાનો તેમનો ઉત્સાહ અનેકગણો વધી જશે.’ (‘કેળવણી’ પૃ.૫૫)

મૂલ્ય આધારિત શિક્ષણની આવશ્યકતા

આજે આપણા કેળવણીકારોમાં મૂલ્યનિષ્ઠ શિક્ષણને આપણા પાઠ્યક્રમમાં મૂકવાની માગ-લાગણી વધતી જાય છે. આપણા દેશના બીનસાંપ્રદાયિકતાવાળા બંધારણને કારણે ભારતના બધા ધર્મોની ફિલસૂફી અને નિર્વિવાદ આધારભૂત તત્ત્વોનું વિવેકસભર અને પર્યાપ્ત જ્ઞાન દ્વારા આ મૂલ્ય આધારિત શિક્ષણને સારી સહાય મળી રહેશે. ભૂતકાળની શિક્ષણ-સમિતિઓ અને શિક્ષણ-કમિશનો જેવાં કે રાધાકૃષ્ણન્‌ કમિશન (૧૯૪૮-૪૯), કોઠારી કમિશન (૧૯૬૪-૬૬), નેશનલ પોલિસી ઓન એજ્યુકેશન (૧૯૮૬), રામમૂર્તિ કમિટિ (૧૯૯૦), સેન્ટ્રલ એડવાઈઝરી બોર્ડ ઓફ એજ્યુકેશન (૧૯૯૨), પ્લાનિંગ કમિશનના કોર ગ્રુપ ઓન વેલ્યુ ઓરિએન્ટેશન ઈન એજ્યુકેશન (૧૯૯૨) અને અંતે શ્રી એસ.બી. ચૌહાણના અધ્યક્ષપણાવાળી વેલ્યુ બેય્‌ઝ્‌ડ એજ્યુકેશન કમિટિના ૮૧મો અહેવાલ (જે ૨૬, ફેબ્રુઆરી ૧૯૯૯ના રોજ રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યો હતો) આ અહેવાલમાં સત્ય, સદાચાર, શાંતિ, પ્રેમ અને અહિંસા જેવા પાંચ મૂલ્યો-ગુણોની કેળવણીની આવશ્યકતા પર ભાર મૂકે છે. સમિતિ આ પાંચ ગુણોને મૂલ્ય આધારિત શિક્ષણના કાર્યક્રમના હાર્દ અને મર્મ ગણે છે. મૂલ્ય આધારિત શિક્ષણની ઉપર્યુક્ત વાતને વધારે મહત્ત્વનું સ્થાન અપાયું છે. આપણે યાદ રાખવું જોઈએ કે વર્ષો પહેલાં સ્વામીજીએ આ જ વાત આ શબ્દોમાં કરી હતી :

‘ધર્મ એ કેળવણીનું અંતરસ્તત્ત્વ છે. અહીં ધર્મ વિશેની મારી માન્યતા કે અન્યના અભિપ્રાયની હું વાત નથી કરતો. લોકોની સમક્ષ તો સાચા સનાતન સિદ્ધાંતો રજૂ કરવાના છે. સૌ પ્રથમ તો મહાન સંતોની ‘પૂજા’ આપણે દાખલ કરવાની છે. શ્રીરામચંદ્ર, શ્રીકૃષ્ણ, પવનસુત – મહાવીર શ્રીહનુમાનજી અને શ્રીરામકૃષ્ણ પરમહંસદેવ વગેરે જેવા સનાતન સત્યના સાક્ષાત્કાર કરનારા મહાત્માઓને અનુકરણીય આદર્શ તરીકે પ્રજાની સમક્ષ રજૂ કરવા જોઈએ.’ (‘કેળવણી’ પૃ.૩૦)

સ્વામીજીએ જે મૂલ્યો પર સૌથી વિશેષ ભાર મૂક્યો છે તે ભારતીય મૂલ્યો એટલે સત્ય, પ્રેમ અને નિ:સ્વાર્થતાની આધારશીલા પર સ્થાપિત આત્મશ્રદ્ધા, શક્તિ અને નિર્ભયતા. આ વાતને સ્પષ્ટ કરતાં સ્વામીજી કહે છે :

‘પ્રાચીન ધર્મો એમ કહેતા હતા કે જે ઈશ્વરમાં નથી માનતો એ નાસ્તિક છે. નૂતન ધર્મ એમ કહે છે કે જેને પોતાની જાતમાં શ્રદ્ધા નથી એ નાસ્તિક છે. પણ એ શ્રદ્ધા સ્વાર્થપ્રેરિત નથી. એનો અર્થ તો એ થાય છે કે બધામાં શ્રદ્ધા, કારણ કે તમે જ બધું છો. આત્મપ્રેમ એટલે સર્વપ્રેમ, પ્રાણીમાત્ર પ્રતિ, વસ્તુમાત્ર પ્રતિ પ્રેમ, કારણ કે તમે સૌ એક જ છો. આ મહાન શ્રદ્ધા જ જગતને વધુ સારું બનાવી શકે. આપણા માટે આત્મશ્રદ્ધાના આદર્શની વધુ મહાન સહાય રૂપ અન્ય કશું નથી. જો આ આત્મશ્રદ્ધાનું વધુ વ્યાપકપણે જ્ઞાન આપવાનું તેમ જ આચરણ કરવાનું બની શક્યું હોત તો મને શ્રદ્ધા છે કે આપણા મોટા ભાગના અનિષ્ટોનો અને દુ:ખોનો અંત આવી જાત… અનંત સામર્થ્ય એનું નામ જ ધર્મ. સામર્થ્ય એ પુણ્ય અને નિર્બળતા એ પાપ. બધાં પાપ અને બધાં અનિષ્ટો માટે જો એક જ શબ્દ આપવાનો હોય તો આપણે ‘નિર્બળતા’ કહી શકીએ. અનષ્ટિનું પ્રેરક બળ જ નિર્બળતા છે. સ્વાર્થના મૂળમાં પણ આ નિર્બળતા જ રહેલી છે. નિર્બળતા જ અન્યને હાનિ કરવા પ્રેરે છે…. સત્યમાત્ર શાશ્વત જ હોય છે. સત્ય એ સર્વ આત્માઓની પ્રકૃતિ છે અને સત્યની કસોટી પણ આ રહી : જે વસ્તુ તમને શારીરિક, બૌદ્ધિક કે આધ્યાત્મિક રીતે નિર્બળ બનાવે એને ઝેર માની ફેંકી દો. એમાં જીવન સંભવી જ ન શકે, તે સત્ય હોઈ શકે નહિ. સત્ય એ શક્તિ છે, સત્ય એ પવિત્રતા છે, સત્ય એ પરમજ્ઞાન છે. સત્ય શક્તિપ્રદ હોય, જીવનને પ્રકાશિત કરનારું હોય, જીવનમાં પ્રાણ પૂરનારું હોય!’ (‘કેળવણી’ પૃ.૩૨-૩૩)

સ્ત્રીઓ માટેની કેળવણી

સ્વામીજીએ ભૂતકાળની તેમજ તત્કાલીન યુગની ભારતીય નારીનો અને એ જમાનાની પશ્ચિમની નારીઓની પરિસ્થિતિનો અભ્યાસ કર્યો હતો. એમની દૃષ્ટિએ ભણેલી-ગણેલી સુસંસ્કૃત નારી બાળકોમાં અને સમાજમાં એવાં સદ્‌ગુણો કેળવી શકે કે જેના દ્વારા રાષ્ટ્રમાં એક નવી પેઢી જન્મે કે જે પોતાના મહાન સચ્ચારિત્ર્ય દ્વારા પોતાની જાતની અલગ ભાત પાડી શકે. તેમણે ગૃહવ્યવસ્થા, ધર્મપાલન, કળા, વિજ્ઞાન અને આરોગ્યવિજ્ઞાનમાં સ્ત્રીઓના પ્રદાનને ઘણું મહત્ત્વ આપ્યું છે. અને તેઓ ઇચ્છતા હતા કે આવાં ક્ષેત્રોમાં બધી બાલિકાઓએ યોગ્ય કૌશલ્ય પ્રાપ્ત કરવાં જોઈએ. તે સાથે સ્ત્રીઓ ઉચ્ચશિક્ષણ પણ પ્રાપ્ત કરે તેમ તેઓ ઇચ્છતા હતા. આ ભગીરથકાર્ય એમનાં આયરિશ શિષ્યા ભગિની નિવેદિતાએ બરાબર સુવ્યવસ્થિત રીતે ઉપાડી લીધું. એમણે પોતાનું જીવન સ્ત્રીઓમાં શિક્ષણ પ્રચાર-પ્રસારના મહાકાર્ય માટે અર્પિત કરી દીધું. સ્વામીજી માનતા હતા કે સ્ત્રીઓને એવી સ્થિતિમાં મૂકવી જોઈએ કે જેથી તેઓ પોતાની સમસ્યાઓનો પોતાની મેળે ઉકેલ શોધી શકે. બીજા કોઈ એમાં કંઈ પણ કરી ન શકે અને કરવું પણ ન જોઈએ કારણ કે વિશ્વના કોઈ પણ સ્ત્રીસમાજ કરતા ભારતીય નારી આ બધું વધારે ક્ષમતાથી કરવા શક્તિ ધરાવે છે. ભારતના બીજા કોઈ પણ ક્ષેમકલ્યાણ કરતા સામાન્ય જન સમૂહ અને ભારતીય નારીઓની જાગૃતિ અને ઉન્નતિ સૌથી વધુ મહત્ત્વનાં અને પ્રથમ અગત્યનાં કાર્યો છે. એમના નવોચિલો પાડતા આ પ્રયાસોએ ઘણાં મોટાં ફળપરિણામો આપ્યા છે. આજે આપણે શક્તિશાળી અને મહાન ભારતના સર્જન માટે સ્ત્રીઓને ઉચ્ચતર અને વધુ ઉચ્ચતર જવાબદારીઓ લેતી જોઈએ છીએ, તેમજ સામાન્ય જનસમૂહ પણ વધારે ને વધારે પ્રમાણમાં આ ક્ષેત્રે પોતાનું પ્રદાન આપતો થયો છે.

Total Views: 145

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.