પ્રશ્ન : વેદાંતનો સાક્ષાત્કાર કેવી રીતે થાય?

ઉત્તર : ‘શ્રવણ, મનન અને નિદિધ્યાસન દ્વારા.’ શ્રવણ સદ્‌ગુરુ પાસેથી કરવું જોઈએ. માણસ પોતે ભલે નિયમસરનો શિષ્ય ન હોય તોપણ જો સાચો જિજ્ઞાસુ હોય અને સદ્‌ગુરુના શબ્દો સાંભળે તો તે મુક્ત થાય.

પ્રશ્ન : સદ્‌ગુરુ કોણ?

ઉત્તર : જેનામાં ગુરુ પરંપરાથી આધ્યાત્મિક શક્તિ ઊતરી આવી હોય તે સદ્‌ગુરુ. આધ્યાત્મિક ગુરુ થવું એ અતિ કઠિન બાબત છે. ગુરુ થાય તેણે શિષ્યનાં પાપ પોતાના ઉપર લેવાં પડે. આધ્યાત્મિક માર્ગમાં આગળ વધ્યા ન હોય તેવાઓને માટે આમાં પતનનો પૂરેપૂરો સંભવ છે. જો માત્ર શારીરિક રોગાદિથી જ પતી જાય તો તેણે પોતાની જાતને નસીબદાર સમજવી.

પ્રશ્ન : ગુરુ શિષ્યને યોગ્ય બનાવી ન શકે?

ઉત્તર : અવતારી પુરુષ કરી શકે; સામાન્ય ગુરુ નહિ.

પ્રશ્ન : મુક્તિ મેળવવાનો કોઈ સહેલો રસ્તો નથી?

ઉત્તર : ‘ભૂમિતિ શીખવવાનો કોઈ બાદશાહી રસ્તો નથી’ – સિવાય કે જેઓ અવતારી પુરુષના સંસર્ગમાં આવવાને ભાગ્યશાળી થયા હોય. શ્રીરામકૃષ્ણ કહેતા: ‘જેમનો છેલ્લો જન્મ હશે તેઓ ગમે તે રીતે અહીં (મારી પાસે) આવશે.’

પ્રશ્ન : યોગમાર્ગ સહેલો માર્ગ નથી?

ઉત્તર : (મજાકમાં) તમે તો બહું સારું કહી નાખ્યું! – યોગમાર્ગ સહેલો માર્ગ! જો તમારું મન અશુદ્ધ હોય અને તમે યોગ કરવા જાઓ તો કદાચ તમે થોડીક સિદ્ધિઓ મેળવો, પરંતુ એ તમને મહાવિઘ્નરૂપ થઈ પડશે. માટે મનની પવિત્રતા એ સૌથી પહેલી આવશ્યકતા છે.

પ્રશ્ન : એ કેમ કરીને પ્રાપ્ત થાય?

ઉત્તર : સત્કર્મોથી. સત્કર્મ બે પ્રકારનાં છે : વિધિરૂપ અને નિષેધરૂપ. ‘ચોરી કરવી નહિ’ એ આદેશ નિષેધરૂપ છે, અને ‘બીજાનું ભલું કરો’ એ આદેશ વિધિરૂપ છે.

પ્રશ્ન : આત્મસાક્ષાત્કારનો ઉપાય શો?

ઉત્તર : ગુરુ એ આત્મસાક્ષાત્કારનો ઉપાય છે. ‘ગુરુ વિના જ્ઞાન ન થાય.’

પ્રશ્ન : क्षणमिह सज्जनसंगतिरेका । भवति भवार्णवतरणे नौका । એટલે ‘સજ્જનો સાથેની ઘડીભરની સોબત પણ આ ભવસાગરને તરવાની નૌકારૂપ બને છે’, તેનો અર્થ શું?

ઉત્તર : યોગ્ય મુમુક્ષુ સાચા સાધુના સંગમાં આવે તો તે મુક્તિને મેળવે. સાચા સાધુઓ બહુ દુર્લભ છે, પણ તેમનો પ્રભાવ એવો છે કે કોઈક મહાન લેખકે કહ્યું છે તેમ ‘દુર્ગુણ દંભના રૂપમાં સદ્‌ગુણની પ્રશંસા કરે છે.’ પરંતુ અવતારો કપાલમોચન હોય છે, એટલે કે તેઓ માણસનું ભાગ્ય ફેરવી શકે; તેઓ સમસ્ત જગતને હલાવી શકે. ઓછામાં ઓછી જોખમકારક અને ઉત્તમ પ્રકારની પૂજા છે માનવપૂજા. જેને મનુષ્યમાં બ્રહ્મદર્શન થાય તેને સમગ્ર વિશ્વમાં એ થયું સમજવું.

(સ્વા. વિવે. ગ્રં.મા., ભાગ – ૯, પૃ.૧૯૬-૯૭)

Total Views: 110

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.