શું અમેરિકાનું પતન થઈ રહ્યું છે અને એને કેવી રીતે રોકવું

૧૯૭૧-૭૨ના અમેરિકાના મારા વિસ્તૃત પ્રવાસ દરમિયાન, ૧૯૭૧ના જુલાઈની ૧૯મીના સામયિક ‘ટાઈમ’નો અંક મારે હાથ આવ્યો. એ અંકમાં ‘અમેરિકન નોટ્‌સ’ વિભાગમાં ‘ઓફ ધ યુ.એસ. એન્ડ રોમ’ શીર્ષક હેઠળનું નીચે મુજબનું લખાણ હતું : ‘‘હસ્તક્ષેપકો અને ઠંડા યુદ્ધના લડવૈયાઓની કલ્પનામાં રોમનું ભૂત ભરાઈને, પ્રાચીન રોમન સામ્રાજ્યનું આવાહન કરીને, જગત ઉપર યુ.એસ.ની વ્યવસ્થા સ્થાપવા વિચારી રહ્યા છે એ કેવું વિચિત્ર છે! બીજી બાજુએ, લાંબાવાળવાળા દરેક માથામાં અને ગાંજાના દરેક દમમાં પણ રોમનું આવાહન કરનારાઓ છે. કેન્સાસ સિટીમાં વાયવ્યના પત્રકારો સાથે વાત કરતાં રાષ્ટ્રપતિ નિક્સને વોશિંગ્ટનમાંના સમવાયતંત્રનાં મકાનોનો ઉલ્લેખ કરી કહ્યું :

‘એ સ્તંભો જોઉં છું ત્યારે, કોઈવાર, મને ગ્રીસમાં એક્રોપોલિસ પરના સ્તંભોની યાદ આવે છે. મને રોમના ફોરમમાંના એવા સ્તંભો પણ દેખાય છે – ઊંચા, ઉજ્જડ સ્તંભો છે એ – અને એ બંને સ્થળે હું રાતે ચાલ્યો છું. ગ્રીસ અને રોમનું શું થયું એ વિચાર મને આવે છે અને, શા અવશેષો રહ્યા છે એ તમે જાણો છો – માત્ર આ સ્તંભો… અલબત્ત, જે બન્યું તે આ છે કે, ભૂતકાળની એ સભ્યતાઓ સમૃદ્ધ થઈ, જીવંત રહેવાનો પોતાનો સંકલ્પ ગુમાવી બેઠી, સુધરવાની વૃત્તિ ખોઈ બેઠી. તેવી જ, સભ્યતાનો નાશ કરતા સડાનો તે ભોગ બની. યુનાઈટેડ સ્ટેટ્‌સ એ તબક્કે હવે પહોંચી રહ્યું છે.’

‘નિશ્ચિંત થવા માટે, નિકસને તરત જ શ્રદ્ધા વ્યક્ત કરી કે, નૈતિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય જાળવવા માટે, રાષ્ટ્ર પાસે હજી ‘જીવનશક્તિ, હિમ્મત અને સામર્થ્ય’ છે. આ આશાસ્પદ સૂર છતાંય ત્વરિત સ્પેંગલરવાદની અસર છવાઈ ગઈ હતી.’

૧૯૬૮-૬૯ના મારા યુ.એસ.એ.ના પ્રવાસ દરમિયાન જાણીતા કાર્ટુનીસ્ટ રોજર પ્રાઈસનું, ‘ડિક્લાઈન એન્ડ ફોલ બાઈ ગિબન એન્ડ રોજર પ્રાઈસ’ નામનું આકર્ષક શીર્ષકવાળું પુસ્તક મારે હાથ આવી ચડ્યું. ધ ડિક્લાઈન એન્ડ ફોલ ઓફ ધ રોમન એમ્પાયરના પ્રસિદ્ધ પુસ્તકનું નામ, માત્ર રોમ અને અમેરિકા વચ્ચેના પતનના સામ્યને, કારણે જ પ્રાઈસે ઉમેર્યું ન હતું પણ, પોતાના પુસ્તકને ડાબે પૃષ્ઠે, રોમન પતનને લગતી ગિબનની ઉચિત કંડિકાનું એણે અવતરણ આપ્યું હતું અને સામે પાને, પોતે પસંદ કરેલું અમેરિકન જીવનનું ચિત્ર હતું.

યુરોપની સામાન્ય રીતે અમેરિકાની વિશેષે એવી આજની પાશ્ચાત્ય સભ્યતામાં એક જન્મજાત મહત્તા છે. આ સભ્યતાનો કોઈપણ સડો મનુષ્યજાતને મોટા નુકશાનરૂપ થશે. ભારતમાં આજે બની રહ્યું છે તેમ, સંસ્કૃતિઓના સંકરત્વથી એ પતનને અટકાવવામાં આવશે એ મને ખાતરી છે; અર્વાચીન ભારતમાં તેવું જ બને એમ સ્વામી વિવેકાનંદ પણ ઇચ્છતા હતા. ખુદ અમેરિકામાં જ, ૧૯મી સદીમાં અનુભવાતીતનું એક આંદોલન હતું. એનો હેતુ અમેરિકન સંસ્કૃતિને આધ્યાત્મિક પાશ આપવાનો હતો. રાલ્ફ વાલ્ડો ઇમર્સન, હેન્રી ડેવિડ થોરો અને વોલ્ટ વ્હિટમનમાં એ આંદોલને વધારે પ્રગટ સ્વરૂપ ધારણ કર્યું હતું. આપણે જેનો સ્વાધ્યાય કરવાના છીએ તે ગીતાની એક નકલ, બ્રિટિશ બૌદ્ધિક કર્લાઈલ પાસેથી, લંડન છોડી ઘેર જતી વેળા ઈમર્સનને મળી. એ મળ્યા પછી, ગીતાના વિચારોને વ્યક્ત કરતી નવી જ શૈલીમાં ઈમર્સને પોતાના નિબંધો લખવા માંડ્યા. રોમાં રોલાંએ લખેલા લાઈફ ઓફ વિવેકાનંદ પુસ્તકમાં રોલાં (પૃ. ૫૨-૫૩ ઉપર) નીચેની નોંધ આપે છે :

‘૧૮૪૬માં ઈમર્સન નોંધે છે કે ‘અ વીક ઓન ધ કોન્કોર્ડ એન્ડ મેરિમેક રિવર્સ નામના પોતાના પુસ્તકમાંથી થોરો મારી પાસે કંઈ વાંચી રહ્યા હતા. હવે આ ગ્રંથ (સેક્શન, મંડે) ગીતાની ઉત્સાહપૂર્ણ પ્રશંસા છે તેમજ, ભારતનાં બીજાં કાવ્યોની તથા ફિલસૂફીઓની પણ પ્રશંસા છે.’

‘ભારતીય ચિંતને ઈમર્સનમાં એવી તો પ્રબળ ભાવના જાગ્રત કરી હશે કે, એણે ૧૮૫૬માં ગહન વેદાંત વિચારોવાળું બ્રહ્મ (એજન, પૃ. ૫૪ પર) કાવ્ય રચ્યું હતું :

રાતાચોળ હત્યારો માને કે ‘હું હણું છું’,
કે હણાયેલો માને કે ‘હું હણાયેલો છું’,
તો બંનેને મારા રહસ્યમય કાર્યોની
ખબર નથી; હું કાર્યો ફરી ફરી કરું છું.

દૂર છે વાત્યક્ત છે તે મારી નિકટ છે,
છાયો અને તડકો એક જ છે;
અદૃશ્ય થઈ ગયેલા દેવો મને દેખાય છે
અને કીર્તિઅપકીર્તિ મને સમાન છે.

મને તજીને ચાલનારા પસ્તાય છે,
મને ઉડાડે છે ત્યારે હું જ પાંખ છું;
સંશયત્મા અને સંશય હું જ છું.
ને બ્રાહ્મણનું સ્તોત્ર પણ હું જ છું.

શક્તિશાળી દેવો મારા ધામને ઝંખે છે,
ને સપ્તર્ષિઓ પણ વૃથા ઝંખે છે;
પણ તું, વિદેશીના નમ્ર પ્રેમી,
મને પ્રાપ્ત કરે છે ને સ્વર્ગને પીઠ દાખવે છે.

અમેરિકાના પરાવાદી થોરો પોતાના પુસ્તક ‘વાલ્ડેન’માં (વાલ્ડેન, એસ. ચાંદ એન્ડ કં., ન્યુ દિલ્હી, પૃ. ૨૬૬ પર) ગીતાનો ઉલ્લેખ આ શબ્દોમાં કરે છે :

‘‘પ્રભાતે, ભગવદ્‌ગીતાના ભવ્ય અને વૈશ્વિક દર્શનમાં મારી મેધાને હું સ્નાન કરાવું છું; એને લખાયાને દેવોનાં અનેક સંવત્સરો વીત્યા છે ને એની તુલનાએ આપણું અર્વાચીન જગત અને સાહિત્ય વામણાં અને ક્ષુલ્લક લાગે છે.’’

પરંતુ ભૌતિક વિજ્ઞાન પર આધારિત કેવળ ભૌતિકતા તરફ જ અમેરિકા વિકાસ સાધવા લાગ્યું. પછી, શિકાગોની ધર્મપરિષદમાં, પ્રત્યેક માનવીની દિવ્યતા અને અમરતાનો પોકાર કરતું, વેદાંતનું, સાયન્સ ઓફ હ્યુમન પોસિબિલિટીઝ (માનવીય શક્યતાઓનું વિજ્ઞાન)નું વિવેકાનંદનું નિરૂપણ ૧૯મી સદીને અંતે આવ્યું; ને પછીનાં ચાર વર્ષો એમણે અમેરિકામાં અને ઈંગ્લેન્ડમાં એ જ કાર્ય ચાલું રાખ્યું હતું.

વેદાંતનું સંક્ષિપ્ત નિરૂપણ સ્વામી વિવેકાનંદે આ શબ્દોમાં (સ્વા.વિવે.ગ્રં.મા. ભા,- ૩, પૃ. ૨૧૧ પર) આપ્યું છે :

‘‘પ્રત્યેક આત્મા અપ્રગટરૂપે પરમાત્મા છે. ધ્યેય છે બાહ્ય તેમ જ આંતરપ્રકૃતિ પર કાબૂ મેળવીને અંદર રહેલા આ પરમાત્મભાવને પ્રગટ કરવો. એ તમે કર્મ દ્વારા, કે ઉપાસના દારા કે યોગ દ્વારા, કે તત્ત્વજ્ઞાન દ્વારા કરો, – એક દ્વારા કે એકથી વધારે દ્વારા, કે આ બધાં દ્વારા કરો અને મુક્ત થાઓ. ધર્મનું સમગ્ર તત્ત્વ આ છે. સિદ્ધાંતો કે સાંપ્રદાયિક માન્યતાઓ, કે કર્મકાંડ, કે શાસ્ત્રગ્રંથો, કે મંદિરો, કે મૂર્તિઓ, એ બધાં ગૌણ વિગતો માત્ર છે.’’

પશ્ચિમમાં આ સંદેશ વિવિધ રૂપે ધીમે ધીમે પ્રસરી રહ્યો છે. અને ત્રીજી સહસ્રાબ્દિની પહેલી સદીથી આરંભાઈ યુરોપીય અને અમેરિકી સભ્યતાઓનો આધ્યાત્મિક અભિગમ વધતો જવાનો એની મને ખાતરી છે.

સભ્યતાના સડાની પ્રક્રિયાને પોતાના મનોવૈજ્ઞાનિક અભ્યાસમાં શંકરાચાર્યે યથાયોગ્ય વર્ણવ્યો છે : अनुष्ठातृणां कामोद्‌भवात्‌ हीयमान विवेकविज्ञान हेतुकेन-એમ બહુ સરળ સંસ્કૃતમાં એમણે કહ્યું છે.अनुष्ठातृणाम्‌ – હોય ત્યારે, નાગરિકોમાં કામ ખૂબ વિકસે; કામ અમુક કક્ષા ઓળંગે ત્યારે, સમાજમાં અનેક અનિષ્ટો પ્રગટ થાય અને, વિવેક તથા વિજ્ઞાનનું પતન થાય.’ ‘ધર્મ દબાઈ જાય’ अभिभूयमाने धर्मे અને, ‘ત્યારે અધર્મની વૃદ્ધિ થાય’ – प्रवर्धमाने च अधर्मे. બધા સમાજો આરંભ ભલે સારી રીતે કરે પણ, પાછળથી આવી પરિસ્થિતિમાં એ લગભગ આવી પડે છે. પશ્ચિમના અનેક ચિંતકોએ લખેલાં પુસ્તકોમાં એક વિચાર રેલાતો જોવા મળે છે; મેં અગાઉ જેનો ઉલ્લેખ કર્યો હતો તે સ્પેંગ્લર અને, આર્નલ્ડ ટોય્‌ન્બી પણ; એ વિચાર એ છે કે, કોઈપણ સમાજનું ગતિમાન લક્ષણ સંસ્કૃતિ છે અને, એ નિર્બળ બને છે ત્યારે, સભ્યતાનું પતન આરંભાય છે. સ્પેંગ્લરને મતે, સભ્યતા પોતે પતનની સંજ્ઞા છે ત્યારે સંસ્કૃતિ વિકાસ નિર્દેશે છે. લોકો જ્યારે વધારે સુખ સગવડ શોધે છે, વધારે મોજમજા અને વધારે યાંત્રિક સાધનોની પાછળ પડે છે ત્યારે ઇન્દ્રિયતંત્ર ઉત્તેજિત થાય છે, એ વધારે પરિતોષ માગે છે અને સભ્યતાનું પતન થાય છે. આપણે સખત શ્રમ કરીએ છીએ અને, રાષ્ટ્રને ઘડવા સંઘર્ષ કરીએ છીએ ત્યારે, તત્ત્વજ્ઞાનની પરિભાષામાં જણાવ્યા પ્રમાણે, આપણે ‘થવા’ ને, સતને તબક્કે છીએ; એ સંસ્કૃતિ છે. ‘થઈ ગયેલા હોવું’, ‘સ્વરૂપ’ હોવું એ સભ્યતા છે, એ પતનનો પ્રારંભ છે. કોઈ ગરીબ માણસ ખૂબ મહેનત કરીને આર્થિક સામ્રાજ્ય ખડું કરે છે. એનો દીકરો પરસેવો પાડતો નથી અને, બાપને પૈસે તાગડધિન્ના કરે છે અને એકબે પેઢીમાં પતન આવે છે. બધી સુખસાહેબીની છોળ હોઈને, પરિશ્રમની જરૂર હોતી નથી ને માનવીમાં રહેલી વીરતા ગુંગળાય છે. એક જ કુટુંબમાં લક્ષ્મી ત્રણચાર પેઢીથી વધારે સમય રહેતી નથી. આમ સંસ્કૃતિ અને સભ્યતા ‘થવા’ના અને ‘થઈ ગયા’ના તબક્કાઓમાંથી પસાર થાય છે; સ્પેંગ્લર અને બીજાઓનું પૃથક્કરણ આવું છે.

ઘણીવાર સડો અનુભવ્યા છતાં ભારતે મૃત્યુને કેવી રીતે ટાળ્યું છે

આપણી ભારતીય સંસ્કૃતિ આ બધા તબક્કાઓમાંથી પસાર થઈ છે. વેદકાળ લો, મહાન સંસ્કૃતિનો કાળ. એ સંસ્કૃતિ ઊભી કરવા માટે લોકોએ કેટલા સંઘર્ષો કર્યા ને કેટલી તો મુસીબતો વેઠી હતી. મન ક્રિયાશીલ અને સ્ફૂર્ત હતું એન ખૂબ સમર્થ હતું. મહાકાવ્યોના યુગ સુધી આમ ચાલ્યું. પછી એને મોટો ધક્કો લાગ્યો; ત્રણ હજાર વર્ષો પહેલાંનું કુરુક્ષેત્રનું યુદ્ધ મોટો ધક્કો હતું! પ્રજાનાં ઉત્તમ નરરત્નો એ યુદ્ધમાં ખપી ગયાં. આપણા ઇતિહાસની એ ભેદરેખા ગણાય છે. થોડા સમય પછી નવી શક્તિ આવી પરંતુ, એમાં પણ પછીથી ઓટ આવી. ઊંચા-નીચા થતા સમુદ્ર તરંગોની માફક, એમ ચાલ્યા કર્યું પણ, મેં અગાઉ કહ્યા પ્રમાણે, વિશિષ્ટતા એ છે કે, આપણામાં સડો પેદા થાય છે પણ, આપણે કદી મૃત્યુ પામતા નથી. ગઈ – ઓગણીસમી – સદીમાં આપણે કેટલા ઊંડા કળણમાં સરી ગયાં હતાં! એ સમયનું સાહિત્ય વાંચીએ છીએ ત્યારે, ભારતમાં માનવચિત્ત કેટલું અધોગતિ પામ્યું હતું તે આપણે જોઈ શકીએ છીએ. આપણી બધી મૂળ તાકાત, શક્તિ અને સર્જકતા અદ્દશ્ય થઈ ગયાં હતાં અને, આપણે અધમૂઈ પ્રજા બની ગયાં હતાં. એ સંજોગોમાંથી પ્રચંડ જાગ્રતિ આવી અને, નવો વિકાસ સાંપડ્યો. કેવી રીતે એ બન્યું? એક મહાન વિચાર ઉદય પામે છે. તખ્તા ઉપર માત્ર મહાન આધ્યાત્મિક ગુરુ જ આવી પ્રજાને જગાડે છે એટલું જ નહીં પણ, કેટલીક વાર સાંસ્કૃતિક સંકરતા પણ થાય છે. મૂર્ખતાભર્યા આપણા અનેક ખ્યાલોનો નાશ કરવામાં પાશ્ચાત્ય સંસ્કૃતિએ સહાય કરી. એણે આપણને નવી કેડીઓ દાખવી અને આપણામાં વધારે બળ પૂર્યું. પાશ્ચાત્યોનો ઈરાદો એ ન હતો પણ, પરિણામ એ આવ્યું; પાશ્ચાત્ય વિચારોના ભારતમાં ભળવાથી નવી જાગ્રતિ, નવી શક્તિ અને નવી યુવાની પ્રગટી.

સંસ્કૃતિઓના સંકરત્વથી સાંસ્કૃતિક વિનાશની અટકાયત

સાંસ્કૃતિક સંકરતા ઊભી થઈ શકે પરંતુ, એના પૂરા ઉપયોગ માટે, એને સર્જક આંદોલન બનાવવા માટે, મહાન ચિંતકોની અને દૂરંદેશી નેતાઓની જરૂર પડે છે. રાજા રામમોહનરાયથી આરંભી, સ્વામી વિવેકાનંદની સમર્થ, સર્જક અને એકત્વના આંદોલનમાં અંતે પરિણમતા આપણને જોવા મળે છે. ઓગણીસમી સદીના ઇતિહાસના અભ્યાસનો આરંભ સ્વામી વિવેકાનંદથી કરીએ છીએ ત્યારે, માત્ર રાષ્ટ્રિય નહીં પણ આંતરરાષ્ટ્રિય ક્ષેત્રે પણ એ આંદોલને કેટલી પરિપકવતા અને વિશાળતા દાખવી હતી તે આપણે જોઈ શકીએ છીએ. એટલે, માત્ર સંકરતા પૂરતી નથી, એ શક્તિનો ઉપયોગ કરવાની શક્તિ અને એને યોગ્ય દિશામાં વાળવાની શક્તિ પણ આવશ્યક છે. આપણા વારસામાં જે કંઈ નિર્બળતાજનક અને વહેમપોષક હતું તેને કાઢી નાખી, તેનાં ઉત્તમ તત્ત્વોને લઈ, પશ્ચિમમાંથી જે કંઈ સારું ગ્રહણ કરવા જેવું હતું તેની સાથે એકરસ કરવાનું કાર્ય તે સ્વામી વિવેકાનંદની મોટામાં મોટી સિદ્ધિ હતી. એમણે કહ્યું હતું કે, પાશ્ચાત્ય સંસ્કૃતિની બધી ઊર્જાઓની સાથે આપણી ઊર્જાઓના સુભગ સંમિશ્રણથી, ભૂતકાળમાં હતું તેના કરતાં ક્યાંય મહત્તર ભારતનું સર્જન કરી શકાશે. ધીમે ધીમે અને શાંતિપૂર્વક રીતે આજના યુગમાં એ ચાલી રહ્યું છે અને, સમય જતાં જગતને તે આશ્ચર્યચકિત કરશે. ઓગણીસમી સદીમાં જે પ્રચંડ જાગ્રતિ થઈ તેને, પશ્ચિમની ગતિશીલ સંસ્કૃતિ સાથેના આપણા સંપર્ક દ્વારા સ્વામીજીએ આમ વાળી છે. ભલે એ કાળે ભારત પરદેશી આધિપત્ય હેઠળ હતું પણ, આપણને નવા ચિંતન પ્રવાહ તરફ વાળનાર પાશ્ચાત્ય પ્રચંડ ચિંતન વ્યાપારો પણ હતા. ત્યાં સુધી, જાણે કે, આપણે સાંકડી અને સંપ્રદાયવાદી ખાઈમાં પડ્યા હતા. એ સમયની પરિસ્થિતિને પોતાનાં લેક્ચર્સ ફ્રોમ કોલંબો ટુ અલ્મોડા – ‘કોલંબોથી અલ્મોડા સુધીનાં પ્રવચનો’ – માં સ્વામીજીએ અભિવ્યક્ત કરી છે; પોતાના દેશને ઓળખવા, એની નાડ પારખવા અને, ભારતીય તથા પાશ્ચાત્ય સંસ્કૃતિઓનો સમન્વય ઇચ્છતા ભારતના દરેક નાગરિકે એ પુસ્તક વાંચવું જ જોઈએ.

‘‘જે બાબતો અર્થહીન છે, તત્ત્વત: જ જે મુર્ખામીભરી છે તેમને વિશે ઝઘડવાનું, ચર્ચા કરવાનું છોડી દો. છેલ્લા છસ્સો સાતસો વર્ષોના પતનનો જ વિચાર કરો; એ ગાળા દરમિયાન પુખ્ત વયના આપણા સેંકડો જનો વર્ષો સુધી વાદ કરી રહ્યા છે : પાણીનો પ્યાલો આપણે જમણે હાથે પકડવો કે ડાબે, હાથ ત્રણ વાર ધોવો કે ચાર વાર, કોગળા પાંચ વાર કરવા કે છ વાર. આવા ગંભીર પ્રશ્નોની ચર્ચામાં અને, એ પ્રશ્નો બાબત પાંડિત્યપૂર્ણ તત્ત્વગ્રંથો લખવામાં સમય ગાળનારાઓ પાસેથી આપણે શી આશા રાખીએ!’’

ભારત બ્રિટિશના સંપર્કમાં આવતાં આ બધાંને ઘા પડ્યો. એણે લોકોને ફરી વિચારતા કર્યા. પેલા વૃદ્ધ પંડિતનો પુત્ર સી.વી. રામન અર્વાચીન ભૌતિકશાસ્ત્ર નવી કેડી પાડી, પોતાનું યોગદાન આપી, પછીથી નોબલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર બન્યો. એ પુનર્જાગ્રતિ છે, લોકો નવું જીવન પ્રાપ્ત કરે છે. એ આગલી (ઓગણીસમી) સદીમાં હતું અને, એ પ્રચંડ વિકાસનાં ફળ આપણે આજે લણી રહ્યાં છીએ. નવી જુવાની, નવી શક્તિ પ્રગટેલ છે પરંતુ, હજી આપણે જંગલમાં અટવાયા કરીએ છીએ. આજે ચોમેર ઉત્પાત છે, ચોમેર ભ્રષ્ટાચાર છે અને હિંસા છે; પણ એ લોકોમાં રહેલી શક્તિ નિર્દેશે છે અને એ, એક પ્રકારની મૂડી છે. પરિસ્થિતિમાં પરિવર્તન લાવી શકાય છે અને, એ શક્તિના ઊર્ધ્વીકરણ માટે આ બધા મહાન આચાર્યો આવ્યા છે. તમસથી રજસની સાચી પ્રગતિ છે અને, તમે રજસમાં હો છો ત્યારે, તમારી જાતને માટે અને સમાજને માટે તમે કોયડારૂપ હો છો; આમ છતાં, અચેતન તમસાવસ્થામાંથી રજસ સુધીની એ પ્રગતિ છે. પછી બીજું પગલું ભરવાનું છે, સત્ત્વનું; એ દશા આકરા નિયમનની અને, માનવીય રૂપ ધારણા કરેલી, રચનાત્મક શક્તિના રૂપની છે. કેવી તો અદ્‌ભુત દશા એ થશે! પોતાના આધ્યાત્મિક ગુરુઓ પાસેથી ભારતને આ બોધ સાંપડ્યો એટલું જ નહીં પણ, પોતાના રાજકીય નેતાઓ પાસેથી પણ સાંપડ્યો. લોકમાન્ય બાળ ગંગાધર ટિળક, સુભાષચન્દ્ર બોઝ અને બીજા નેતાઓ ઉદાત્ત જીવન જીવતા અને, રાષ્ટ્રને માટે પૈસાનો અને સુખસગવડનો ત્યાગ કરતા. ઓગણીસમી સદીમાં અને વીસમીના પૂર્વાર્ધમાં આવા મહાન પુરુષો આપણી વચ્ચે હતા; એ ઉપરાંત, રામકૃષ્ણ, વિવેકાનંદ, ગાંધી જેવી મહાન આધ્યાત્મિક વિભૂતિઓ હતી. રાષ્ટ્રિય કોંગ્રેસના નેતા ચિત્તરંજન દાસ હતા તે ૧૯૨૫માં અવસાન પામ્યા હતા ત્યારે, ખુદ ગાંધીજીએ એમને કાંધ દીધી હોવાનું કહેવાય છે. દાસ ખૂબ ગરીબ આદમી હતા. એ કાયદો ભણ્યા અને વકીલાતમાંથી સારું કમાયા. એમના પિતાએ નાદારી નોંધાવી હતી અને રંક અવસ્થામાં એ મૃત્યુ પામ્યા હતા. પોતાના પિતાનું કરજ ચુકવવાનું પહેલું કામ દાસે પોતાની કમાણીમાંથી કર્યું અને, નાદારોની યાદીમાંથી પિતાનું નામ કઢાવી નાખ્યું.

આ માનવચિત્તની ઉદાત્તતાનું દર્શન છે. પિતા ગુજરી ગયા હોઈ, એમના કરજ પ્રત્યે દાસ દુર્લક્ષ સેવી શક્યા હોત પરંતુ, એમને મન, પૈસા કરતાં સ્વમાન વધારે વહાલું હતું. આવું ચારિત્ર્ય આજે આપણે ગુમાવી બેઠા છીએ. આજે પૈસો સર્વસ્વ બની ગયો છે અને સ્વમાનની કશી અગત્ય નથી ને આ તફાવત માત્ર એંશી વર્ષોના ગાળામાં થયો છે! ભારતને ચેતનવંતુ કરવા આવા મહાન પુરુષોએ આપણી રાષ્ટ્રિય ઊર્જાઓને વાળી હતી; અને એ સૌમાં સ્વામી વિવેકાનંદ શિરમોર હતા. એમનો પ્રભાવ આ બધા રાજકારણીઓ પર પડ્યો હતો. રોમાં રોલાંએ લખેલું વિવેકાનંદનું જીવનચરિત્ર વાંચીએ ત્યારે, આ પ્રભાવનું સ્વરૂપ આપણે સમજી શકીશું. કોંગ્રેસના અધિવેશન માટે ગાંધીજી ૧૯૨૧માં કલકત્તે ગયા ત્યારે, બેલુરમાંના રામકૃષ્ણ મઠની મુલાકાત એમણે લીધી હતી. ત્યાં, લોન પર એકત્રિત સમુદાય સાથે અવિધિસર વાત કરતાં ગાંધીજીએ કહ્યું હતું કે, ‘બેલુર મઠમાં હું સત્યાગ્રહનો બોધ દેવા નહીં પણ, વિવેકાનંદ જ્યાં વસતા હતા તે સ્થાનેથી પ્રેરણા લેવા આવ્યો છું ને તે, એ હેતુથી કે, હું દેશની સેવા વધારે સારી રીતે કરી શકું. વિવેકાનંદનું સાહિત્ય વાંચીને મારી ભારત પ્રીતિ હજારગણી વધી છે.’ સ્વામીજીને આ ગાંધીજીની અંજલિ હતી અને, ઘેર પાછાં જતાં લોકોને પોતાની સાથે થોડીક પણ એ પ્રેરણા લઈ જવા અનુરોધ કર્યો હતો.

Total Views: 94

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.