ભગિની નિવેદિતાએ લખેલા ‘Notes of some wanderings with the Swami Vivekananda’ માંથી સ્વામી વિવેકાનંદ સાથેની અમરનાથ દર્શનયાત્રાનાં સંસ્મરણોનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ પવિત્ર અમરનાથ યાત્રાના પાવનકારી પ્રસંગે અહીં પ્રસ્તુત કરીએ છીએ. – સં.

સ્થળ : કાશ્મીર
સમય : ૨૯ જુલાઈથી ૮ ઓગસ્ટ, ૧૮૯૮

૨૯ જુલાઈ પછી અમે સ્વામીજીને બહુ ઓછા જોઈ શક્યા. તેઓ તીર્થયાત્રામાં ખૂબ ઉત્સાહ-રસ ધરાવતા. તીર્થયાત્રામાં તેઓ મોટેભાગે એક વખત ભોજન લેતા અને સાધુઓ સિવાય બીજા કોઈનો સંગ પસંદ ન કરતા. ક્યારેક ક્યારેક તેઓ હાથમાં માળા લઈ શિબિર-ક્ષેત્રમાં આવતા. આજ રાતે અમારા જૂથના બે સભ્યો બવન નામના સ્થાનને ચારે બાજુએ ફરીથી જોવા ગયા. આ સ્થાન એક ગ્રામીણ મેળા સમું હતું. એમાં પવિત્ર સ્રોતોને કેન્દ્ર બનાવીને બધી ધાર્મિક પ્રવૃત્તિઓથી મંડિત કરવામાં આવ્યું હતું. પછી અમે ધીરામાતા સાથે તંબુના દરવાજા સુધી ગયા અને ત્યાં જે હિંદી ભાષી સાધુઓની ભીડ સ્વામીજીને એક પછી એક પ્રશ્ન પૂછતી હતી એમની વચ્ચે રહીને અમે એ વાર્તાલાપ સાંભળ્યો.

ગુરુવારે અમે લોકો પહેલગામ પહોંચ્યા અને ઘાટીની નીચલી બાજુએ અમારો તંબુ લગાડ્યો. અમને જાણવા મળ્યું કે અમારા અહીંના પ્રવેશની બાબતે સ્વામીજીને ઘણા વિરોધનો સામનો કરવો પડ્યો હતો. એમને નાગાસાધુઓનું સમર્થન મળ્યું હતું, એમાંથી એકે કહ્યું: ‘સ્વામીજી, એ વાત સાચી છે કે આપણામાં શક્તિ છે પરંતુ, એને વ્યક્ત કરવી ઉચિત નથી.’ આ સાંભળીને તેઓ ચૂપ રહ્યા. છતાં પણ અપરાન્ન સમયે તેઓ પોતાની કન્યાને આશીર્વાદ દેવાના બહાને તેને સાથે લઈને ભીક્ષાનું વિતરણ કરાવીને શિબિરમાં ફર્યા. હવે ગમે તે કારણ હોય પણ તેઓ અમને ધનવાન સમજી ગયા હોય કે પછી સ્વામીજીની શક્તિને ઓળખી ગયા હોય તેમ એ પછીના દિવસે અમારા તંબુઓને શિબિરના શીર્ષસ્થાન પર રહેલ એક સુંદર પહાડી પર લગાવી દીધા. સામે જ ક્ષિપ્રવાહિની લિદ્દર નદી વહી રહી હતી, પેલી પાર દેવદાર વૃક્ષોથી આચ્છાદિત પર્વત અને ઊંચાઈ પર સ્થિત એક બાકોરામાંથી એક હિમનદી સ્પષ્ટ રૂપે દેખાતી હતી. એકાદશીનું વ્રતપાલન કરવા માટે અમે લોકોએ એક આખો દિવસ ઘેંટા પાળીને રહેતા લોકોના એક ગામમાં વીતાવ્યો. પછીના દિવસે વહેલી સવારે તીર્થયાત્રીઓ અહીંથી આગળ જવા નીકળ્યા. ૩૦મી જુલાઈ, પ્રાત:કાળ છ વાગ્યે અમે લોકો જલપાન કરીને ચાલી નીકળ્યા. આ શિબિરનું સ્થાનાંતરિત થવાનું ક્યારે આરંભ થયું એ અમે લોકો અનુમાન ન કરી શક્યા. કારણ કે વહેલી સવારે અમે જલપાન વગેરે કરતા હતા ત્યારે પણ બહુ ઓછા પ્રમાણમાં યાત્રીઓ એ તંબુમાં હતા. ગઈકાલે જે સ્થાને ૧૦૦૦ લોકો પોતાના કેનવાસના ઘરમાં રોકાયા હતા ત્યાં તેની નિશાની રૂપે માત્ર હોલવાયેલા ભઠ્ઠાની રાખ સિવાય બીજું કંઈ ન હતું.

અમારા એ પછીના આગલા પડાવ ચંદનવાડીનો રસ્તો પણ કેવો સુંદર મજાનો રસ્તો! અહીં અમે અમારી છાવણી નાખી. અપરાહ્‌નનો આખો સમય વરસાદ વરસતો રહ્યો અને સ્વામીજી કેવળ પાંચ મિનિટ માટે વાતો કરવા મારી પાસે આવ્યા. પરંતુ સેવકો અને અન્ય તીર્થયાત્રીઓના હૃદયની ઉદારતાના મને અસંખ્ય ઉદાહરણ જોવાં મળ્યાં. વરસાદના બે મોટા ઝાપટાંની વચ્ચેના સમય દરમિયાન હું વનસ્પતિઓની શોધમાં નીકળી. મને ત્યાં મેસોટિસ (Myesotis)ની સાતઆઠ જાતો જોવા મળી. જેમાંથી બે ત્રણ મારા માટે નવી હતી. એના પછી હું મારા ફર વૃક્ષની છાયામાં ગઈ. અહીં પાણીનાં બિંદુઓ એક પછી એક ટપકી રહ્યાં હતાં.

યાત્રાનું બીજું ચરણ બાકીના બીજાં ચરણો કરતાં ઘણું કઠિન હતું. એવું લાગતું હતું કે આ કેમેય કરીને પૂરું નહિ થાય. ચંદનવાડીની નિકટ સ્વામીજીએ પહેલી હિમનદીને પગે ચાલીને જ પસાર કરવાનું કહ્યું અને રુચિ પ્રમાણે બધી વાતોનું વિવરણ કરતા રહ્યા. અમારો આગલો અનુભવ હતો હજારો ફૂટના ભયંકર ચઢાણનો. એના પછી એક સાંકડી કેડી પર પહાડોની આજુબાજુ ફરતાં ફરતાં ચાલતા રહેવાનું હતું અને છેલ્લે આવતું હતું એક સીધું અને આકરું ચઢાણ. પહેલી પહાડીના ઉપરના ભાગની જમીન પર એડેલવીસ(Edelwiess) નામના નાના ઘાસનો જાણે કે ગાલીચો બીછાવી દીધો હતો. ત્યાર પછીનો રસ્તો શેષનાગના ગતિહીન જળમાંથી ૫૦૦ ફૂટની ઊંચાઈ પર થઈને ચાલ્યો જાય છે. અંતે અમે લોકો હિમશિખરોની વચ્ચે ૧૮૦૦૦ (ખરેખર ૧૨૫૦૦) ફૂટની ઊંચાઈ પર રહેલા એક ઠંડા સ્થાને અમારી છાવણી નાખી. અહીં ફરનાં વૃક્ષો ઘણાં નીચાં હતાં અને બપોર પછી તથા સાંજ સુધી મજૂરોએ જૂનીપર વૃક્ષના લાકડાં ભેગાં કરવાં પડ્યાં. તહેસીલદાર, સ્વામીજી તથા મારી છાવણી એકબીજાની પાસે લગાવી હતી અને સંધ્યાસમયે એક મોટો ભઠ્ઠો સળગાવ્યો હતો. પરંતુ એ બરાબર સળગતો ન હતો અને હિમનદી તો હજી નીચે રહી ગઈ હતી. છાવણી લગાવ્યા પછી મેં સ્વામીજીને જોયા નહિ. પાંચ સ્રોતનું મિલનસ્થાન – પંચતરણીનો માર્ગ એટલો બધો લાંબો ન હતો. છતાં પણ શેષનાગથી નીચો હતો અને અહીંની ઠંડી સૂકી છતાં આનંદદાયી હતી. અમારી શિબિરની સામે જ કાંકરાઓથી ભરેલી એક સૂકી નદીનો પટ હતો. એમાંથી પસાર થઈને વહેતા પાંચ ઝરણામાં ભીના વસ્ત્રોમાં જ એક એક કરીને પાંચેયમાં જઈને સ્નાન કરવું પ્રત્યેક યાત્રીનું કર્તવ્ય હતું. સ્વામીજીએ બીજા બધાની નજર ચૂકવીને પ્રત્યેક ઝરણામાં યથાવિધિ સ્નાન કર્યું.

અહીં ખીલેલાં પુષ્યો કેવાં સુંદર હતાં! પાછલી રાત્રે કે કદાચ આજની જ રાત્રે મારા તંબુની પથારીની નીચે આસમાની અને સફેદ રંગનાં મોટાં મોટાં એનેમોન (Anemone) ફૂલ ઊગી ગયાં હતાં. અને અહીં બપોરપછીના સમયે હિમનદીને નજીકથી જોવા માટે ફરવા નીકળ્યા ત્યારે મેં જેન્ટિયન, સેડમ, સૈક્સિફ્રેઝ તથા નાનાં નાનાં લોમયુક્ત મખમલ જેવા શ્વેતપત્રોવાળાં એક નવા પ્રકારનાં ‘ફરગેટ મિ નોટ’ નાં ફૂલ જોયા. અહીં જૂનીપર વૃક્ષ ભાગ્યે જ દેખાતું. આ બધાં બુલંદ સ્થાનોમાં અમે અમારી જાતને ચારે બાજુએથી હિમશીખરોથી ઘેરાયેલા જોતા. આ હિમશીખરોએ હિંદુમાનસને ભસ્માચ્છન શિવભાવ અર્પણ કર્યો છે.

૨ ઓગસ્ટ. આજે બુધવારે અમરનાથના મહોત્સવનો પવિત્ર દિવસ હતો. યાત્રીઓનું પ્રથમ જૂથ રાત્રિના બે વાગ્યે જ પોતાની છાવણીમાંથી નીકળી પડ્યું હશે! અમે લોકો પણ પૂર્ણિમાની ચાંદનીમાં નીકળી પડ્યા. સાંકડી ઘાટીમાંથી ચાલતાં ચાલતાં સૂર્યોદય થઈ ગયો. યાત્રાનો આ ભાગ સુરક્ષિત ન હતો. જ્યારે અમે અમારી લાકડીઓ છોડીને ચડવા લાગ્યા ત્યારે વાસ્તવિક ભયનો આરંભ થયો. એક પગદંડી લગભગ સીધા ઊભા રહેલા પહાડ પર ચડતી અને બીજી બાજુએ તૃણાચ્છાદિત ભૂમિ પર એક સીડીના રૂપમાં નીચે ઊતરતી હતી. અહીં તહીં સર્વત્ર કમનીય કોલંબાઈન, માઈકેલમાસ ડેઝી તથા જંગલી ગુલાબનાં ફૂલો એમને મેળવવા માટેના પ્રયાસમાં પોતાનાં અંગોને લંબાવીને તેને દાવ પર લગાડવાનું જાણે કે નિમંત્રણ આપતાં હતાં. ત્યારબાદ જેમ તેમ કરીને દૂર સ્થિત ઉતરાણની નીચે સુધી પહોંચીને અમારે ગુફા સુધી હિમનદીને કિનારે કિનારે માઈલો સુધી ચાલતાં રહેવું પડ્યું હતું. લક્ષ્યસ્થાને પહોંચવામાં હજી એક માઈલનું અંતર કાપવાનું બાકી હતું. હવે પછી ક્યાંય બરફ નહોતો અને અહીં વહેતા જળમાં યાત્રીઓએ સ્નાન કરવાનું હતું. લક્ષ્યની નજીક સુધી પહોંચી ગયા પછી પણ ટેકરીઓ પર એક સીધું ચઢાણ ચડવાનું બાકી હતું.

સ્વામીજી વચ્ચે થોડા થાકી જવાથી પાછળ રહી ગયા હતા. પરંતુ, હું એમની અસ્વસ્થતાને ભૂલીને કાકરાંના ઢૂવા નીચે બેસીને એમની રાહ જોવા લાગી. અંતે તેઓ આવી પહોંચ્યા. મને આગળ વધવાનું કહીને તેઓ સ્નાન કરવા જઈ રહ્યા હતા. અર્ધાકલાક પછી તેમણે ગુફામાં પ્રવેશ કર્યો. મુખ પર એક હાસ્ય સાથે પહેલાં તો એમણે અર્ધવર્તુળાકાર હરોળના એક છેડે અને ત્યારબાદ બીજે છેડેથી ઘૂંટણિયે પડીને પ્રણામ કર્યા. આ સ્થળ એટલું મોટું હતું કે એમાં એક આખે આખું ગિરિજાઘર – ચર્ચ સમાય જાય અને છાયાની વચ્ચે રહેલ વિશાળ હિમલિંગ જાણે કે પોતાના સિંહાસન પર ઊભું હતું. આ રીતે કેટલીયે પળો વીતી ગઈ અને ત્યારે તેઓ ગુફામાંથી બહાર નીકળવા માટે પાછા ફર્યા.

એમને માટે તો જાણે કે સ્વર્ગનું દ્વાર જ ખૂલી ગયું ન હોય! એમણે શિવજીના ચરણોનો સ્પર્શ કર્યો. એમણે પછીથી બતાવ્યું કે એ સમયે એમને પોતાની જાતને અત્યંત દૃઢતાથી સંભાળવી પડી હતી કારણે કે ક્યાંક તેઓ ત્યાં મૂર્છિત ન થઈ જાય. પોતાનો શારીરિક થાક એટલો બધો વધી ગયો હતો કે પાછળથી એક ડોક્ટરે કહ્યું હતું કે એ સમયે એમનું હૃદય બંધ થઈ જાય એવી સંભાવના હતી; પરંતુ એની જગ્યાએ એનો આકાર સદાને માટે વધી ગયો હતો. ઘણી વિચિત્ર રીતે શ્રીરામકૃષ્ણની આ વાણી પૂર્ણ થતાં થતાં રહી ગઈ : ‘જ્યારે નરેન (સ્વામી વિવેકાનંદ) પોતે કોણ છે અને શું છે એ જાણી લેશે કે તરત તે પોતાનો દેહત્યાગ કરી દેશે.’

અર્ધાકલાક પછી સ્રોતની પાસે એક શિલા પર બેસીને પેલા સહૃદયી નાગા સંન્યાસી તથા મારી સાથે બેસીને જલપાન કરતાં કરતાં તેમણે કહ્યું: ‘મને અત્યંત આનંદ પ્રાપ્ત થયો! એવું લાગ્યું કે આ હિમલિંગ સાક્ષાત્‌ શિવ જ છે અને કોઈ લોભી પુરોહિત, કોઈ પણ જાતનો વ્યવસાય કે કંઈ પણ ખોટું ન હતું. અહીં કેવળ એક નિરવિચ્છિન્ન પૂજાનો જ ભાવ હતો. બીજા કોઈ પણ તીર્થસ્થાનમાં મને આટલો આનંદ નથી મળ્યો!’ પછી તેઓ પ્રાય: પોતાની એ ચિત્તને વિહ્‌વળ કરી દેનારી અનુભૂતિ વિશે બતાવતાં કહેતાં : ‘મને એવું લાગ્યું જાણે કે એ મને પોતાના ઘૂર્ણાવર્તમાં ખેંચી લેશે.’ તેઓ એ તુષારલિંગની સાથે જોડાયેલા કવિત્વ પર ચર્ચા પણ કરતા. અહીંના ઘેટાં-બકરાં પાળતા ભરવાડોના એક દળે આ સ્થળનો પહેલીવાર આવિષ્કાર કેમ કર્યો એ વાત એમણે અમને કહી : ગ્રીષ્મઋતુના એક દિવસે આ ભરવાડો પોતાનાં ખોવાયેલાં ઘેટાંની શોધમાં ઠીક ઠીક દૂર ભટકતાં ભટકતાં આ ગુફામાં આવી ચડ્યા. અહીં આવીને જોયું તો તે બધા ચિરતુષારરૂપી સાક્ષાત્‌ મહાદેવની સન્મુખ ઊભા હતા! તેઓ હંમેશાં કહ્યા કરતા કે શ્રીઅમરનાથે ત્યાં એમને ઇચ્છામૃત્યુ એટલે પોતાની સ્વીકૃતિ વિના ન મરવાનું વરદાન દીધું હતું. અને એમણે મને ઉદ્દેશીને કહ્યું: ‘તું આ વાત અત્યારે નહિ સમજે. પરંતુ, તેં તીર્થયાત્રા કરી છે અને આ ક્રમશ: ફલિત થશે. કારણ હોવાથી કાર્ય અવશ્યંભાવિ છે પછી તું વધારે સારી રીતે સમજી જઈશ. એનો પ્રભાવ અવશ્ય પડશે.’

જે રસ્તે થઈને અમે પછીના દિવસે પહેલગામ પાછા ફર્યા એ માર્ગ કેટલો સુંદર હતો! એ રાત્રે છાવણીમાં આવતાં જ અમે અમારા તંબુને ઉપાડીને સારા પ્રમાણમાં દૂર ચાલીને એક બરફની ગુફામાં રાતવાસો કરવા છાવણી લગાવી. અહીં અમે થોડાક પૈસા આપીને એક કૂલી દ્વારા પત્ર મોકલ્યો. પરંતુ, પછીના દિવસે બપોર સુધીમાં જ્યારે અમે પોતે ત્યાં પહોંચી ગયા તો અમને લાગ્યું કે આ પત્ર મોકલવાનું કામ અનાવશ્યક હતું. કારણ કે આખા પ્રાત:કાળ સુધી યાત્રીગણ તંબુઓમાં જઈ જઈને અન્ય લોકોને ઘણા સૌહાર્દ સાથે અમારા તથા અમારી સાથે રહેલા યાત્રીઓના પાછા ફરવાના સમાચાર તેઓ આપી રહ્યા હતા. પછીના દિવસે સવારમાં સૂર્ય ઊગતાં પહેલાં જ અમે ઉઠીને ચાલવા લાગ્યા. અમારી સામે સૂર્યોદય અને ચંદ્રનો અસ્ત થઈ રહ્યો હતો એવા આ સમયે અમે મૃત્યુસરોવરની ઉપર થઈને પસાર થયા. એક વર્ષે લગભગ ચાલીસ તીર્થયાત્રીઓ આ માર્ગેથી ચાલતા હતા ત્યારે એમના સ્તોત્રપાઠના અવાજથી સ્ખલિત થઈને એક હિમશીલા ખસકી અને તેઓ બધા ત્યાં જ દફન થઈ ગયા. એના પછી અમે સીધા ચઢાણવાળા પહાડ પરથી ઊતરીને એક સાંકડી પગદંડી પર ચાલ્યા. આને લીધે અમારા પાછા ફરવાનો રસ્તો ઘણો ઓછો થઈ ગયો. અમારે બધાએ પગે ચાલવું પડ્યું હતું. આ બધું જાણે પેટભરાણીએ ચાલવા જેવું હતું. તળેટીમાં ઊતરતાં જ અમે જોયું કે ગામવાસીઓએ જળપાન માટે કંઈક તૈયાર કરી રાખ્યું હતું. અગ્નિના ભઠ્ઠા સળગતા હતા. રોટલીઓ શેકાતી હતી અને ચા તૈયાર હતી. આ સ્થાન પછી જ્યાં જ્યાં રસ્તા અલગ પડ્યા હતા ત્યાં ત્યાં યાત્રીઓના જૂથ મુખ્ય જૂથથી અલગ અલગ થતાં જતાં હતાં. અને અમારી સાથે જે ભાઈચારાનો સંબંધ રચાઈ ગયો તે ધીમે ધીમે ઓછો ને ઓછો થતો જતો હતો.

એ દિવસે સાંજે પહેલગામની પેલી નાની ટેકરી પર પાઈનના જાડાં લાકડાથી એક મોટો ધુણો સળગાવીને તેની ચારે બાજુએ બેસવા માટે આસન પાથરી દીધાં હતાં. એમના પર બેસીને અમે સૌ વાતો કરવા લાગ્યા. અમારા મિત્ર નાગા સંન્યાસી પણ એમાં સામેલ થયા અને સારી એવી હસીમજાકની વાતો ચાલતી હતી. બાકીના બીજા બધા લોકો ચાલ્યા ગયા પછી પણ અમારી નાની એવી ટોળી ત્યાં બેઠી જ રહી. ઉપર વિશાળ ચંદ્રદેવ, ચારે બાજુએ હિમમંડિત શિખર હતાં; ક્ષિપ્રગામી નદી હતી, પર્વતીય પાઈનવૃક્ષો પણ હતાં; અને સ્વામીજી મહાદેવગુફા તથા એ દર્શનની વિરાટતા વિશે વાતો કરતા રહ્યા. 

૮ ઓગસ્ટ. પછીના દિવસે અમે ઈસ્લામાબાદ – અનંતનાગ જવા ઉપડ્યા અને સોમવારની સવારે હોડીમાં બેસીને જલપાન કરતાં કરતાં અમે સુરક્ષિત રૂપે શ્રીનગર પાછા ફર્યા.

Total Views: 95

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.