ગીતા અધ્યયનની ભૂમિકા
ગીતા : એક સાર્વભૌમિક ધર્મશાસ્ત્ર
મૌલિક ગ્રંથનો આપણે જે અર્થ કરીએ છીએ તે અર્થમાં ગીતા એક મૌલિક ગ્રંથ નથી; છતાં પણ જેને ઓલ્ડ્સ હક્સલીએ ‘શાશ્વત દર્શન’ કહ્યું છે એ તત્ત્વનું પરમ મૌલિક વક્તવ્ય ગીતા છે. ઉપનિષદોમાં જોવા મળતા પ્રાચીન દર્શનની પરંપરામાં ગીતાનો પણ સમાવેશ થાય છે. વેદાંતના મૂળભૂત ઉપદેશો – બોધનું સંક્ષેપણ કરીને ગીતા તેમને એક લોકપ્રિય પદ્ધતિએ પ્રસ્તુત કરે છે. આ જ કારણે ગીતા આ દેશના બહુસંખ્યક લોકોનો ધર્મગ્રંથ બની ગઈ છે. ગીતાનું અધ્યયન કરવાથી માત્ર ઉપનિષદોનું જ નહિ પરંતુ એ બધાંમાં જોવા મળતા દર્શનના નૈતિક તાત્પર્યનું અધ્યયન પણ થઈ જાય છે. દૈનંદિન જીવન સાથે કોઈ સંબંધ ન ધરાવતા સર્વોચ્ચ તત્ત્વની વાતો કરવાનારું તત્ત્વજ્ઞાન આપણા માટે વિશેષ ઉપયોગી બનશે નહિ; એટલા માટે વેદાંતના ઉદાત્ત નૈતિક તાત્પર્યોનું ગીતામાં વિસ્તારણ કરવામાં આવ્યું છે.
સદાચાર ઉપરાંત ગીતામાં એક બીજું તત્ત્વ પણ છે અને એ છે ભક્તિ – ઈશ્વર પ્રત્યે પ્રેમ. ગીતા પ્રમાણે ભક્તિ સર્વોચ્ચ તથા સર્વોત્કૃષ્ટ આધ્યાત્મિક ભાવોની અભિવ્યક્તિ છે. આ ઈશ્વરપ્રેમ પ્રારંભિક અવસ્થાઓમાં થનારા હૃદયના ખાલીપણાથી જન્મતો નથી પરંતુ તેની પરિપૂર્ણતાથી ઉત્પન્ન થનારો પ્રેમ છે. આ એવું તત્ત્વ છે કે જે ગીતામાં નિરૂપિત ભક્તને એકીસાથે જ નિર્ભયતા અને સૌમ્યતાની પ્રતિમૂર્તિ બનાવી દે છે. ગીતાનો બારમો અધ્યાય સાધનાના આ માર્ગ દ્વારા ચરિત્રની પરિપૂર્ણતાની પ્રશંસા માટે લખાયેલું એક પ્રબળ આખ્યાન છે.
આ બધા કારણોને લીધે આપણા જીવનમાં ગીતાને મહત્ત્વ મળ્યું છે અને એ મહત્ત્વ દિન-પ્રતિદિન વધતું જ જાય છે. ચાર્લ્સ વિલ્કિન્સ દ્વારા અનૂદિત ગીતાના અંગ્રેજી અનુવાદની ભૂમિકામાં ભારતના પ્રથમ ગવર્નર જનરલ વોરન હેસ્ટિંગ્ઝે આવી ઘોષણા કરી હતી : ‘જ્યારે ભારતમાં અંગ્રેજોનું પ્રભુત્વ સમાપ્ત થઈ ગયા પછી સારો એવો સમયગાળો વીતી ચૂક્યો હશે અને એની સંપત્તિ તથા સત્તાનો ઉદ્ગમ માત્ર સ્મૃતિનો વિષય બની ગયો હશે ત્યારે પણ ભારતીય દર્શનોના લેખક જીવિત રહેશે.’ જ્યારથી આ વાક્યો લખાયાં ત્યારથી ગીતા પૂર્વ તથા પશ્ચિમ – એ બંને જગતનાં સ્ત્રીપુરુષોનાં હૃદયમાં પોતાનું ચિરવર્ધમાન સામ્રાજ્ય સ્થાપિત કરતી રહી છે.
આધુનિક લોકોના મનમાં વિશ્વના ધર્મગ્રંથો તથા ધર્મોપદેશકો વિશે જે ઉદાસીનતાનો ભાવ જોવા મળે છે તેમજ પ્રાય: એમના પ્રત્યે જે દ્વેષભાવ પ્રગટી ઊઠે છે, એના પ્રમાણમાં વર્તમાન વિશ્વ તથા પ્રાચીન ભારતના વિચારશીલ લોકોના મન પર ગીતાનો પ્રભાવ તદ્ન વિપરીત છે. ગીતાના સંદેશની બે મહત્ત્વપૂર્ણ વિશેષતાઓ છે : તેની યૌક્તિકતા અને તેની સાર્વભૌમિકતા-વૈશ્વિકતા. આ બંનેમાં એની શક્તિનો સ્રોત નિહિત છે.
ગીતામાં પ્રવેશ કરતાં પહેલાં તેની ભૂમિકાના રૂપે કંઈક કહેવું જરૂરી છે. આપ સૌમાંથી મોટા ભાગના લોકો ગીતા અને હિંદુશાસ્ત્રોમાં તેના સ્થાન વિશે થોડું-ઘણું જાણતા હશો. હિંદુ શબ્દથી વધારે સારા શબ્દના અભાવને લીધે વેદાંતનું અધ્યયન કરતી વખતે હું હિંદુ શબ્દનો પ્રયોગ કરું છું. એનું કારણ એ છે કે હિંદુ, બૌદ્ધ, ખ્રિસ્તી કે મુસ્લિમ વગેરે કોઈપણ ધર્મના ઉદ્ભવ થતાં પહેલાં સારા એવા સમય પૂર્વે આ શાસ્ત્રો તથા દર્શનોનો વિકાસ થઈ ચૂક્યો હતો, ત્યારે ભેદોનું અસ્તિત્વ જ ન હતું. મહાન ઋષિઓએ કોઈપણ પ્રકારના ભેદભાવ વિના પોતાની ધર્મવિષયક ધારણાઓનો વિસ્તાર કર્યો હતો. આ દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખવો આવશ્યક છે. આજે હિંદુ શબ્દનો પ્રયોગ એક વિશિષ્ટ વર્ગના લોકોનું અન્ય વર્ગોથી અલગપણું બતાવવા માટે થાય છે. પરંતુ ગીતાના સંર્દભમાં જ્યારે હું આ શબ્દનો પ્રયોગ કરું છું તો એ અલગપણાનું અસ્તિત્વ એટલા માટે નથી કે ઋષિઓએ આ ઉદાત્ત વિચાર કોઈ વર્ગવિશેષને, બીજા લોકોને છોડીને, કેવળ હિંદુઓને જ નથી આપ્યા પરંતુ કોઈ પણ સમુદાય કે જાતિનો ભેદ કર્યા વિના માર્ગદર્શન ઇચ્છતા બધા લોકોને એ વિચારો આપ્યા હતા. આ દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખીને જ આપણે એ પ્રાચીન ગ્રંથો તથા એમાં રહેલા ઉપદેશોને ગ્રહણ કરવા પડશે. એમાં અમુક તમુક સમુદાયનો નહિ પરંતુ માનવમાત્રનો ધર્મ બતાવવામાં આવ્યો છે. માત્ર સમાજના કેટલાક વર્ગોને માટે જ નહિ પરંતુ સંપૂર્ણ માનવતાના કલ્યાણહેતુ માટે નીતિ, સદાચાર તથા દર્શન શિખવવામાં આવ્યાં છે. આપણા બધા પ્રાચીન ગ્રંથોમાં દૃષ્ટિકોણની આ સાર્વભૌમિકતા – વૈશ્વિકતાને ઘણી સારી રીતે રેખાંકિત કરવામાં આવી છે; આ ત્યાં સુધી બન્યું કે સ્મૃતિકાર મનુએ માત્ર હિંદુઓને નહિ પરંતુ પૂરેપૂરી માનવજાતિને ધ્યાનમાં રાખીને પોતાના નિયમોની સંરચના કરી હતી. એ માનવધર્મશાસ્ત્ર છે, એ માનવરૂપી પોતાનાં સંતાનો માટે મનુએ આપેલું સંવિધાન છે. એ પ્રત્યેક મનુષ્ય માટે છે, પછી ભલે વિશ્વના કોઈપણ ભાગમાં એ રહેતો હોય કે કોઈ પણ દેશ કે જાતિનો હોય. જો મનુષ્ય સુખ તથા પોતાનું હિત ઇચ્છતો હોય તો તેણે કેટલાક આદર્શો અને વિધિવિધાનોનું પાલન કરવું પડે છે. આ આદર્શ તથા વિધિવિધાનો સાર્વભૌમિક છે અને તે બધાંનો આ ગ્રંથ દ્વારા પ્રચાર કરવામાં આવ્યો છે. આ રીતે વેદોમાં અને ઉપનિષદોમાં અને પછીના કાળમાં ગીતામાં પણ પ્રબોધેલા તેમના ઉપદેશોનાં તાત્પર્ય તથા પ્રભાવ કોઈ જાતિ કે વર્ગના ભેદથી સીમિત નથી. વિભિન્ન મત અને સંપ્રદાયો તેમનો લાભકારી રીતે ઉપયોગ કરી શકે છે, પણ એને સમાપ્ત કરી શકતા નથી. કારણ કે એ માનવસ્વભાવ સાથે સંબંધિત છે અને આત્માનુભૂતિ માટે માનવની આકાંક્ષાઓ તથા સંઘર્ષ એનું વિષયવસ્તુ છે. ધર્મ અને સંપ્રદાયોના રૂપે માનવજાતિનું વિભાજન એ તો આ પછીના ઘણા સમય બાદની ઘટના છે.
એટલે, ગીતાનું વાચન કરતી વખતે આપણને સ્પષ્ટ રૂપે દેખાય છે કે તેના ઉપદેશો સમગ્ર માનવજાતિ માટે છે, એવાં બધાં સ્ત્રીપુરુષો માટે છે કે જે પોતાના અંતરાત્માની ઉચ્ચતર અભિવ્યક્તિઓની અનુભૂતિ કરવાના હેતુથી સંઘર્ષ કરી રહ્યાં છે. આ દર્શને તથા ધર્મે આપણને એ જ આપ્યું છે. ગીતાની પોતાની વિશિષ્ટ સંવાદીય પદ્ધતિએ પણ આ જ આદર્શને રેખાંકિત કર્યો છે. આ સંવાદ શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચે થાય છે. આપણા પ્રાચીનગ્રંથોમાં અર્જુનને નર અથવા મનુષ્ય અને શ્રીકૃષ્ણને નારાયણ અર્થાત્ પરમાત્માના અવતાર ગણવામાં આવ્યા છે. ગીતામાં શ્રીકૃષ્ણ કોઈ સંપ્રદાય વિશેષને નહિ પરંતુ અર્જુનના માધ્યમ દ્વારા મનુષ્યમાત્રને જ પોતાનો ઉપદેશ આપે છે. આ રીતે ગીતામાં ઈશ્વર તથા મનુષ્ય – નારાયણ તથા નર – સામ સામે ઊભા છે અને એ જ તેની ભવ્ય અને ઉદાત્ત પૃષ્ઠભૂમિ છે.
આપણા દેશમાં અનેક સદીઓથી હિંદુ માનસ સંકીર્ણથી સંકીર્ણતર વિચારધારાઓ તરફ ઉન્મુખ થતું ગયું છે; આ બધું એટલે સુધી બન્યું કે ગીતાના વૈશ્વિક ઉપદેશોને પણ આ સંકીર્ણ ખાંચાઓમાં સીમાબદ્ધ કરવાના પ્રયાસો થયા છે. વૈષ્ણવ પરંપરામાં અને અન્ય પ્રકારે પણ ભગવાન શ્રીકૃષ્ણને એક સંપ્રદાયમાં બાંધી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. શ્રીકૃષ્ણ એક સાર્વભૌમિક – વૈશ્વિક આચાર્ય હતા. એમણે વૈષ્ણવ, શૈવ કે બીજા કોઈ સંપ્રદાયોનો ભેદભાવ કર્યો નથી. આજે આપણને વૈશ્વિકતાના આ સ્પંદનની આવશ્યકતા છે કે જે બધા સંપ્રદાયો તથા વર્ગોથી પર થઈને સૌ કોઈને પોતાનામાં સમાવી દઈને પ્રત્યેકને એક જ પ્રકારની પ્રેરણા આપે. એટલા માટે ગીતાને તેની પોતાની પૃષ્ઠભૂમિમાં જ એટલે કે સાક્ષાત્ શ્રીકૃષ્ણરૂપી એક વૈશ્વિક વ્યક્તિ દ્વારા કરેલી વેદાંતની વ્યાખ્યાના રૂપમાં જોવી જોઈએ. વૈશ્વિક વ્યક્તિ સિવાય બીજો કોઈ સાર્વભૌમિક ઉપદેશ આપી ન શકે અને એ ઉપદેશ પણ એક વૈશ્વિક શિષ્ય દ્વારા જ સમજી પણ શકાય છે. જો સંપ્રદાયો દ્વારા સંકીર્ણ બનેલ કોઈ વ્યક્તિ ગીતાનું અધ્યયન કરે તો તેમાં પણ તેને પોતાના પ્રતિધ્વનિના રૂપે સંકીર્ણ ઉપદેશ જ જોવા મળશે. અને તેના સીમિત મન દ્વારા જ શ્રીકૃષ્ણ વિશે તેની ધારણા પણ નિર્ધારિત થશે. પહેલાં આવું જ બન્યું છે; પરંતુ હવે આપણને એક ઉદાર મનના, જીવન પ્રત્યેના એક સાર્વભૌમિક દૃષ્ટિકોણની આવશ્યકતા છે. માત્ર ત્યારે જ ગીતા આપણી સમક્ષ પોતાના સર્વોત્કૃષ્ટ રૂપે – પોતાની સાર્વભૌમિકતા તથા વ્યાવહારિકતાના ભાવ વ્યક્ત કરી શકશે. એના દ્વારા આ દેશના તથા અન્ય દેશોના પણ અસંખ્ય લોકો પર થતા ગીતાના પ્રબળ પ્રભાવની વાત પણ થઈ જાય છે. સમગ્ર વિશ્વના લોકોને ગીતામાં કંઈક એવું મળી જાય છે કે જે તેમના પોતાના જ પથમાં પોતાની શ્રદ્ધા તથા સાધનાને સબળ બનાવી દે છે. પછી ભલે કોઈ માણસ ખ્રિસ્તી હોય કે મુસ્લિમ હોય કે હિંદુધર્મ કે કોઈ પણ સંપ્રદાય સાથે તે સંબંધ ધરાવતો હોય છતાં પણ ગીતા તેને પોતાના જ મતપથમાંની શ્રદ્ધાને સુદૃઢ બનાવે છે. તેની સાર્વભૌમિકતા એક વિશિષ્ટ પ્રકારની છે. તે કોઈના પર લાદતી નથી પરંતુ સૌને આમંત્રિત કરે છે. ગીતાને હર કોઈ માણસ પોતાની નીજી રીતે અપનાવી શકે છે. આજના યુગમાં પ્રચલિત વિભિન્ન સંપ્રદાયો વચ્ચે સુસંવાદિતા રચવા માટે, મેળમિલાપ કરાવવા માટે આપણને સૌને એક એવા જ સાર્વભૌમિક સંદેશની આવશ્યકતા છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતાના પોતાના ભાષ્યની ભૂમિકામાં શ્રીશંકરાચાર્ય ગીતાસંવાદના સ્વરૂપ વિશે પોતાનો મત પ્રગટ કરે છે. ગીતાના પ્રાદુર્ભાવ વિશે કેટલાય દૃષ્ટિકોણ પ્રાપ્ય છે. પુરાતનપંથી વર્ગનો વિશ્વાસ છે કે શ્રીકૃષ્ણ તથા અર્જુનની વચ્ચે જે સંવાદ થયો હતો એ બધા શ્લોક ત્યારના જ છે. તેઓ શબ્દોને જ પકડે છે, પરંતુ બાઈબલ કહે છે : ‘શબ્દ વિનાશકારી છે પણ ભાવ જીવનદાયી છે.’ એ આશા કે અપેક્ષા કરવી અત્યંત અયૌક્તિક છે કે યુદ્ધ ક્ષેત્રમાં આટલા લાંબા સમય સુધી અને તે પણ શ્લોકોમાં સંવાદ ચાલતો રહ્યો હશે. અત: બુદ્ધિવાદી લોકો પુરાતનપંથીના આ દૃષ્ટિકોણને માનતા નથી. વર્તમાન રૂઢિવાદના જનક એવા મહાન શંકરાચાર્યે પણ આ મતનો સ્વીકાર કર્યો નથી. પોતાના ભાષ્યમાં તેઓ કહે છે કે કઠિનતાઓ અને સમસ્યાઓથી અર્જુન કિંકર્તવ્યવિમૂઢ બની ગયો પછી શ્રીકૃષ્ણે તેમને કેટલાંક પ્રભાવક સલાહ-શિખામણ-ઉપદેશ આપ્યાં. એમનાં આ સલાહ-શિખામણને વ્યાસદેવે ૭૦૦ શ્લોકોમાં નિબદ્ધ કરી દીધી. શંકરાચાર્યનો આ મત છે અને એ મત સારા પ્રમાણમાં યુક્તિસંગત લાગે છે.
આપણને જોવા મળે છે કે સર્વદા પરિસ્થિતિઓ તથા પરિવેશના દબાણના રહેવાથી જ એક મહાન શિક્ષણસંદેશ કે મહાન આદર્શનો પ્રાદુર્ભાવ થાય છે. આ વાત દુનિયાના કોઈ પણ ભાગમાં ઉદ્ભવતી કોઈ પણ મહત્ત્વપૂર્ણ વિચારધારા માટે સત્ય છે. ૧૯મી સદીમાં થયેલ મહાન માર્ક્સવાદી વિચારધારાનો જન્મ પણ આવું જ એક દૃષ્ટાંત છે. આ વિચારધારા આજે દુનિયાના બધા દેશોના લોકોને પ્રભાવિત કરી રહી છે. આ વિચારધારા એ સમયે ઉદ્ભવી કે જ્યારે સમાજ તેની રાહ જોતો હતો. આ પહેલેથી જ એકત્ર થયેલી પરિસ્થિતિઓની એક અભિવ્યક્તિ છે. એ વિચારધારાએ ૧૯મી શતાબ્દિના મધ્યના દસકાઓમાં રૂપ ધારણ કર્યું. ફ્રાંસની રાજક્રાંતિના યુદ્ધઘોષના રૂપે અપનાવાયેલા ‘સ્વતંત્રતા, સમાનતા તથા બંધુત્વ’ના વિચારનો જન્મ ફ્રાંસમાં ૧૮મી શતાબ્દિના દબાણ ભર્યા સમયગાળા દરમિયાન થયો હતો. એવી જ રીતે જ્યારે આપણે ગીતા તથા મહાભારતના કાળમાં પ્રચલિત વ્યવસ્થા અને એ બધી પરિસ્થિતિઓનું – જેને કારણે ગીતાના ઉપદેશનું પ્રાગટ્ય થયું – અધ્યયન કરીએ છીએ, તો આપણને જોવા મળે છે કે એ કાળમાં ગીતામાં નિહિત વિચારોના પ્રચાર માટેના મહત્ત્વપૂર્ણ કારણો વિદ્યમાન હતાં. પ્રાચીનકાળમાં આપણે ત્યાં વૈદિક સાહિત્ય તથા તેની સાથે જોડાયેલ કર્મકાંડીયધર્મ પ્રચલિત હતો. પછી આપણી સમક્ષ ઉપનિષદ તથા તેમાં વર્ણવેલ જ્ઞાનકાંડીયધર્મ પણ છે. આ બંને ધર્મ આપણી સમક્ષ પ્રતિદ્વંદ્વીના રૂપે આવ્યા. વેદો આપણને આ જગતનાં સુખો અને મરણોપરાંત સ્વર્ગનું વચન આપે છે. આ વાત ત્યાં સુધી છે કે જે માણસ આ લોકની સારી સારી ચીજો મર્યા પછી સત્-લોકમાં લઈ જવા ઇચ્છતો હોય તે તત્કાલીન જ્ઞાત વિભિન્ન દેવતાઓ માટે યજ્ઞયાગ કરીને એમને મેળવવાનો પ્રયાસ પણ કરતો. પછીથી ઉપનિષદો દ્વારા આ સ્વર્ગ દર્શનનો વિરોધી સ્વર પ્રગટ થયો. કઠોપનિષદનું અધ્યયન કરવાથી આપણને જાણવા મળે છે કે નચિકેતા પોતાના પ્રથમ વરદાનથી આ જગતનું-ઐહિક એવું કંઈક માગે છે. બીજા વરદાન દ્વારા સ્વર્ગની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે તે જાણવા માગે છે. પરંતુ તેને આનાથી સંતોષ થતો નથી. ઉપનિષદોનો આ વિરોધ આપણને ઉચ્ચતર ઉદ્દેશ્યો અને પ્રવૃત્તિઓ તરફ લઈ જાય છે. અને એટલા માટે જ નચિકેતાએ માગેલું ત્રીજું વરદાન ઉચ્ચ દર્શન તથા નીતિશાસ્ત્ર દ્વારા જોઈ શકાતી જીવનની સમસ્યાઓ સાથે સંબંધિત છે. જીવનની પાછળ રહેલા સત્યની શોધના દ્વારા જ આ સમસ્યાનું સમાધાન સંભવ છે. આ જ ઉપનિષદોનું વિશિષ્ટ કાર્ય છે. આ રીતે પ્રથમવાર જ ઉપનિષદોમાં આ પ્રશ્ન સામે મૂકવામાં આવ્યો છે. એની સાથે ને સાથે ઈહ લૌકિક જીવન તથા પારલૌકિક જીવન વચ્ચેનો ભેદ વધતો ગયો અને એ બંને વચ્ચે સામંજસ્ય સ્થાપવાની એક મોટી આવશ્યકતા હતી. ભગવદ્ ગીતા પોતાના ઉપદેશોના માધ્યમ દ્વારા આવું સામંજસ્ય સ્થાપવાનો પ્રયાસ કરે છે. મૃત્યુ પછી સ્વર્ગમાં એક ઇચ્છિત-સારું સ્થાન મેળવવા માટે વેદ આપણને કર્મ, યજ્ઞ, વગેરે કરવાનો ઉપદેશ આપે છે. પરંતુ ઉપનિષદો સુધી આવીએ ત્યારે આપણે એમના પ્રત્યેની એક પ્રતિક્રિયા જોવા મળે છે અને એને કર્મ, યજ્ઞ, આદિ સાથે જરા પણ લેવાદેવા નથી. ઉપનિષદોનો આદર્શ છે : ધ્યાન દ્વારા પરમતત્ત્વનો સાક્ષાત્કાર. એમાં કર્મને માટે કોઈ સ્થાન નથી. પરંતુ ગીતામાં આપણને કર્મની તથા ચિંતનની આવશ્યકતા વચ્ચે શ્રીકૃષ્ણનું પોતાનું સામંજસ્ય જોવા મળે છે. આ બે વિપરીત શક્તિઓનું સામંજસ્ય કર્યા વિના કોઈ પણ જીવન પરિપૂર્ણ બની ન શકે. જે વ્યક્તિ કહે છે, ‘હું ચિંતન વિના જ કર્મ કરીશ’, તે સફળ નહિ થાય; અને જે વ્યક્તિ કર્મથી વિચ્છિન્ન બનીને કેવળ ચિંતનમાં જ મગ્ન રહે છે તે પણ પરિપૂર્ણ બની શકતો નથી. અત: એક સામંજસ્યપૂર્ણ દર્શનયુગની આવશ્યકતા હતી અને ભગવાન શ્રીકૃષ્ણે ભગવદ્ગીતામાં એનું જ પ્રદાન કર્યું. ગીતાના દરેક અધ્યાયમાં આપણને એવા શબ્દો તથા ધારણાઓ સંમુખી બને છે, કે જે ગીતાના પૂર્વકાળમાં પ્રચલિત હતાં. શ્રીકૃષ્ણ એમનો પ્રયોગ કરે છે પરંતુ, એ બધાંને પોતાનું આગવું તાત્પર્ય તથા વ્યાખ્યા અર્પે છે; અને એ બધાને એક એવા રચનાત્મક દર્શનના રૂપે પ્રસ્તુત કરે છે કે જે કર્મ તથા ચિંતનના વાદ-પ્રતિવાદ વચ્ચે સામંજ્યસ્ય સ્થાપે છે. આ વાત આપણને ૧૮મા અધ્યાયમાં કર્મ તથા અકર્મની તેમની પોતાની વ્યાખ્યામાં વિશેષ રૂપે જોવા મળે છે.
Your Content Goes Here