સ્વામી વિવેકાનંદે કહ્યું છે : ‘જ્યારે તમારી પાસે એવા લોકો હશે કે જે પોતાના દેશ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દેવા તૈયાર હોય, મેરુદંડ સુધી સાચા હોય, જ્યારે આવા લોકો જાગશે ત્યારે ભારત દરેક દૃષ્ટિએ મહાન બની જશે. ભારત ત્યારે ઉન્નત થશે જ્યારે સેંકડો ઉદાર હૃદયવાળાં નરનારીઓ પોતાનાં વિલાસિતાપૂર્ણ જીવનની બધી આકાંક્ષાઓ છોડીને, દિનપ્રતિદિન દુર્દશા અને અજ્ઞાનના દલદલમાં ઉત્તરોત્તર ફસાતાં જતાં પોતાનાં કરોડો દેશવાસીઓના કલ્યાણ માટે વ્યાકુળ બનીને તનમનથી પરિશ્રમ કરશે.’

જ્યાં સુધી આ દેશમાં સાચી કેળવણીના પ્રસારનો પ્રશ્ન છે ત્યાં સુધી આપણું કાર્ય ઘણું વ્યાપક છે. પહેલાં તો (આ ક્ષેત્રની) સ્પષ્ટ ભૂલો કે ખામીઓને સુધારવી પડશે, ખોટી પ્રણાલીઓને બરાબર દુરસ્ત કરવી પડશે તથા એ બધાથી પણ વધારે મહત્ત્વનું એ છે કે આવી સંશોધિત કેળવણીને દેશના ખૂણે ખૂણે પહોંચાડવી પડશે.

નિ:સંદેહ આ એવું કાર્ય છે કે જેને કેવળ આ દેશની સરકાર જ સંભાળી શકે. બ્રિટિશ શાસનકાળ દરમિયાન જાન્યુઆરી ૧૯૪૪માં પ્રકાશિત થયેલ ‘સાર્જન્ટ રિર્પોટ’ના નામે સુપરિચિત કેળવણી વિષયક કેન્દ્રિય સલાહકાર સમિતિના પ્રતિવેદનમાં બધાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ આપવાનો આરંભ કરીને, શિક્ષણના દરેક પ્રકાર તથા સ્તર વિશે એક સર્વાંગીણ રૂપરેખા આપવામાં આવી છે. ઉપર્યુક્ત સલાહકાર સમિતિના મતાનુસાર આ કાર્યક્રમને પૂરેપૂરો પ્રભાવી બનાવવા માટે ચાલીશ થી પચાસ વર્ષ દરમિયાન ૩૧૨ કરોડ રૂપિયાનું ખર્ચ થવાનું હતું. આવું કર્યા પછી આશા એવી હતી કે આ દેશની કેળવણી પશ્ચિમના ઉન્નત દેશોની કેળવણીની સમકક્ષ બની જાય.

છતાં પણ આ બધું તો એક પરિકલ્પના જ છે. વર્તમાન રાષ્ટ્રિય સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવા છતાં પૂર્ણ રીતે કાર્યરૂપમાં પરિણત કરવા માટે ઓછામાં ઓછી બે પેઢીનો સમય લાગશે. આવી પરિસ્થિતિમાં દેશમાં પ્રચલિત શિક્ષણની વર્તમાન દુર્દશાને જોતાં સેવાભાવી સ્વાધીન સંસ્થાઓ અને દુરંદેશી તેમજ કર્મઠ વ્યક્તિઓએ હાથ પર હાથ ધરીને બેસી રહેવું ન જોઈએ.

છતાંય એમ કહી શકાય કે આ ક્ષેત્રમાં પણ સેંકડો સંસ્થાઓએ આગળ આવીને કાર્યમાં લાગી જવાની આવશ્યકતા છે. આ કાર્ય ઘણું જ વિરાટ છે એટલે વિભિન્ન સંસ્થાઓની વચ્ચે કાર્યપદ્ધતિ અને આદર્શોના વિષયમાં એક સ્વસ્થ વિચારવિનિમય દ્વારા એમના પ્રયાસોને સમાયોજિત કરવાની પણ એટલી જ જરૂર છે. એ બધાની સમક્ષ એક જ ઉદ્દેશ છે – વર્તમાન કેળવણી પદ્ધતિની તત્કાલ સુધારણા અને સામાન્ય જનસમૂહની વચ્ચે ઉચિત કેળવણીનો પ્રચાર પ્રસાર કરીને તેમની ઉન્નતિ સાધવી; આ બંને પરસ્પર સંબંધિત છે. જ્યાં સુધી વર્તમાન કેળવણીની પ્રણાલીમાં કોઈ સુધાર નહિ થાય ત્યાં સુધી જનસમૂહની કેળવણી એક અપૂર્ણ સ્વપ્નમાત્ર બની રહેશે. રાષ્ટ્રિય પુનર્નિર્માણની કોઈ પણ ઠોસ યોજનામાં સામાન્ય જનસમૂહની ઉન્નતિ જ એક પ્રધાન આવશ્યકતા હોવાને લીધે એ જ આપણી સન્મુખ રહેલ મુખ્ય અને તાત્કાલિક લક્ષ્ય છે. અને એનું રૂપાયન ત્યારે જ સંભવ બનશે કે જ્યારે ભદ્રસમાજને સામાન્ય જનસમૂહ પ્રત્યેના તેના પોતાનાં કર્તવ્યો અને જવાબદારીઓ વિશે સચેત કરીને સામાન્ય જનસમૂહની સેવામાં લાગી જવા પ્રેરીએ.

આ કાર્ય માટે હજારો કાર્યકરોની જરૂર પડશે; એટલે એ કાર્યકરોનું નિર્માણ તથા એમને આ કાર્ય માટે ઉચિત રૂપે કટિબદ્ધ કરવા એ આપણું સર્વપ્રથમ કાર્ય રહેશે. એટલા માટે સ્વામી વિવેકાનંદે મદ્રાસમાં આપેલા પોતાના એક વ્યાખ્યાનમાં એવી પ્રશિક્ષણસંસ્થાઓની સ્થાપના કરવા પર ભાર દીધો હતો કે જે સામાન્ય જનસમૂહ સુધી સાચી કેળવણી પહોંચાડનારા શિક્ષકોનું નિર્માણ કરી શકે.

આ કાર્યના વિશાળ ફલકને જોઈને ભગિની નિવેદિતાએ એક ઉકેલ આપ્યો હતો કે આપણે એક શિક્ષણ-સૈન્ય રચીએ. જેવી રીતે પશ્ચિમનાં કેટલાંક રાષ્ટ્રોમાં યુવાનોએ પોતાનું શિક્ષણ પૂરું કરીને ઓછાંમાં ઓછાં ત્રણ વર્ષ સૈન્ય સેવામાં આપવા પડે છે, એવી રીતે આ દેશમાં કેળવણી પ્રાપ્ત કરીને યુવાનોને ઓછાંમાં ઓછાં ત્રણ વર્ષ સુધી સામાન્ય જનસમૂહના શિક્ષણના કાર્યમાં લગાડી દેવાં જોઈએ. આ ઉકેલ સ્પષ્ટ રૂપે આ કાર્યના વિશાળ ફલક તરફ ઇશારો કરે છે અને એ પણ બતાવે છે કે સામાન્ય જનસમૂહના શિક્ષણ માટે અહીંતહીં થતા વેરવિખેર પ્રયાસોમાં પોતાની શક્તિનો નિરર્થક વ્યય કરવાને બદલે આપણે આ દેશના જાગરૂક યુવાનોને જનસેવા માટે કેવી રીતે પ્રેરિત તથા સજ્જ કરવા જોઈએ. આ રીતે જનતાની ઉન્નતિ માટે સંગઠિત તથા સુદ્રઢ પ્રયાસ કરવા માટે અગ્રેસર બનવું જોઈએ.

નિશ્ચિત રૂપે આ કાર્ય કરવું પડશે અને એના પર જ આપણે આપણું ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. ભગિની નિવેદિતા દ્વારા પરિકલ્પિત શિક્ષણસૈન્ય જ્યાં સુધી અસ્તિત્વમાં નથી આવતું, અથવા જ્યાં સુધી શિક્ષણની કેન્દ્રિય સલાહકાર સમિતિ દ્વારા પોતાના અહેવાલમાં પ્રસ્તાવિત અનિવાર્ય પાયાના શિક્ષણની યોજના રૂપાયિત નથી થતી ત્યાં સુધી આપણે આપણા યુવાનોની કલ્પનાશક્તિને ઉત્તેજિત કરીને, એ યુવાનોને નિર્ધન અને અજ્ઞાની ગ્રામવાસીઓ પ્રત્યે એમના પોતાનાં કર્તવ્યો વિશે જાગ્રત કરીને અને સામાન્ય જનશિક્ષણના આ પવિત્ર કાર્યમાં પ્રોત્સાહિત કરતાં રહેવું પડશે.

આ કાર્ય પણ કોઈ સહજ સરળ કાર્ય નથી. આપણા જાગરૂક યુવકોને પણ સરળતાથી સામાન્ય જનસમૂહ માટે સહાનુભૂતિ કેળવવા તેમજ કાર્ય કરવા માટે પ્રેરી શકતા નથી. એમના જીવનમાં સારા એવા દીર્ઘ સમય સુધી શાળા અને કોલેજો રૂપી શિક્ષણના તાપઘરોમાં એમને જે શિક્ષણ મળ્યું છે, તે શિક્ષણ એમને સમાજથી પૂર્ણત: વિછિન્ન કરી દે છે. સર વ્રજેન્દ્રનાથ શીલે મુંબઈ વિશ્વવિદ્યાલયમાં આપેલા પોતાના એક વ્યાખ્યાનમાં વર્તમાન કેળવણી પ્રણાલીના આ દોષ પ્રત્યે ધ્યાન ખેંચીને એવો ઉકેલ આપ્યો હતો કે આપણા દેશનાં વિશ્વવિદ્યાલયોના પાઠ્યક્રમમાં પડોશમાં આવેલ ઝૂંપડપટ્ટીની દુર્દશામાં સુધારણા કરવાનો કોઈ વ્યાવહારિક કાર્યક્રમ પણ જોડવો જોઈએ.

સાર્જન્ટ રિર્પોટ પણ સામાજિક સેવાને યુવાનોની કેળવણીમાં એક વિષય રૂપે ભલામણ કરે છે. નિ:સંદેહ આ એક વિવેકપૂર્ણ ઉકેલ છે, પરંતુ દેશની ઉન્નતિ માટે વ્યક્તિનું નિર્માણ કરવાના હેતુ માટે આ નિષ્ઠુર પ્રણાલીમાં સુધારણા લાવવી આવશ્યક છે. અને એટલું જ એને માટે યથેષ્ટ નથી. મેં પહેલાં બતાવ્યું છે એ પ્રમાણે વર્તમાન શિક્ષણ પ્રણાલીની સ્પષ્ટ ભૂલો આપણને એ સારી રીતે બતાવે છે કે કઈ રીતે આપણા યુવાનો પોતાના પરિવેશને સુધારવામાં જ નહિ પરંતુ ઉત્પાદકતાની દૃષ્ટિએ પણ કોઈ પણ પ્રકારના જીવનકાર્ય માટે અયોગ્ય બનતા જાય છે. એમનું જીવનસ્તર ઊંચું લઈ જવામાં આવે છે, એમની મહત્ત્વકાંક્ષાઓમાં વૃદ્ધિ કરવામાં આવે છે; પરંતુ એમાંથી મોટા ભાગના માટે કમાણી કે આજીવિકાની તક સીમિત બની રહે છે. એ વાત સ્વાભાવિક છે કે એમના પોતાના જીવનમાં સંઘર્ષ એટલો બધો કઠોર બની જાય છે કે તેઓ સંભવત: બીજા લોકો પ્રત્યે ધ્યાન પણ દઈ શકતા નથી. એ ઉપરાંત વ્યવસ્થિત રૂપે હૃદયનો વિકાસ ન થવાથી અધિકાંશ લોકો માટે જનસેવાની ભાવનાની કલ્પના કરવી સુધ્ધાં અસંભવ બની જાય છે. સૌથી વધુ ખતરનાક વાત તો એ છે કે તેઓ બધા મિથ્યાદંભના પ્રભાવમાં આવી જાય છે. એને કારણે ગ્રામ્ય જીવન તથા ગરીબો સાથે સંપર્ક સંબંધ રાખવો એમને માટે ઘૃણાસ્પદ બની જાય છે.

આપણી રાષ્ટ્રિય સરકાર પણ અનુભવે છે કે વર્તમાન શિક્ષણપ્રણાલીમાં આમુલ સુધારણાની જરૂરત છે; સામાન્ય જનશિક્ષણ માટે ભગિની નિવેદિતાએ બતાવેલ એક શિક્ષણ-સૈન્ય ઊભું કરવાનું સ્વપ્ન સેવતાં પહેલાં ઓછામાં ઓછું આ પહેલાં વર્ણવેલી મહત્ત્વપૂર્ણ ખામીઓને સુધારીને એની પરિપૂર્તિ કરવી પડશે. શારીરિક વિકાસ, વ્યાવહારિક પ્રવૃત્તિ, આર્થિક કુશળતા, સાંસ્કૃતિક સમરસતા તથા ઉચિત રીતે ઇચ્છાઓ અને ભાવનાઓના પ્રશિક્ષણ તરફ વિશેષ ધ્યાન દેવું પડશે.

એટલે જ આપણે આપણી બધી સંસ્થાઓ દ્વારા અપાતી કેવળ પુસ્તકીય કેળવણીની સાથે ચારિત્ર્ય-નિર્માણ તથા વ્યાવસાયિક પ્રશિક્ષણનો સંયોગ સાધવામાં જરાય વિલંબ ન કરવો જોઈએ. આ પાસાં તરફ આપણે તત્કાલ ધ્યાન દેવું આવશ્યક છે. એ સિવાય એવી આશા ન રાખી શકાય કે ભદ્ર સમાજના યુવકો સામાન્ય જનતા માટે સંસંવેદના કે સહાનુભૂતિ કેળવવાની મનસ્થિતિમાં હોય કે એવા લોકો માટે સમય અને શક્તિને બચાવતા બને.

Total Views: 105

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.