શ્રી શ્રીમાના મંત્રદીક્ષિત શિષ્ય, એમના સાંનિઘ્યમાં રહેવાનું સદ્‌ભાગ્ય પ્રાપ્ત કરનાર અને રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાઘ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી નિર્વાણાનંદજીનો લેખ બંગાળી માસિક ‘ઉદ્‌બોધન’ના ડિસેમ્બર ૧૯૯૫ના અંકમાં પ્રકાશિત થયો હતો. હિન્દીમાં સ્વામી ચિરંતનાનંદ દ્વારા અનૂદિત એ લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

ઈ.સ. ૧૯૧૮માં કાશી સેવાશ્રમમાં મેં બ્રહ્મચારી રૂપે મારું યોગદાન આપ્યું હતું. એ સમયે મહારાજ (સ્વામી બ્રહ્માનંદ), મહાપુરુષ મહારાજ (સ્વામી શિવાનંદજી), હરિ મહારાજ (સ્વામી તુરીયાનંદજી), માસ્ટર મહાશય ત્યાં હતા. શ્રી શ્રીમા પણ એ વખતે ત્યાં ‘લક્ષ્મીનિવાસ’માં રહેતાં. એ સમયે શ્રીમાને એક દિવસ પાલખીમાં બેસાડીને સેવાશ્રમમાં લાવવામાં આવ્યાં. સાથે સ્વામી શાંતાનંદ મહારાજ તેમજ ચારુબાબુ (સ્વામી શુભાનંદ) હતા. શ્રીમા  ખુરશી પર બેઠાં. એક ભક્તે પૂછ્યું: ‘મા, સેવાશ્રમને તમે કઈ રીતે જોયું?’ શ્રીમાએ કહ્યું: ‘મેં જોયું કે શ્રીઠાકુર જ વિરાજી રહ્યા છે. રોગીઓની સાક્ષાત્‌ નારાયણભાવે સેવા કરીને આ છોકરાઓ એમની જ સેવા કરી રહ્યા છે.’ શ્રીમાએ આ વાત કહ્યા પછી અમારી ભીતર વધારે પ્રેરણા જાગી. એ વખતે સેવાશ્રમમાં સાધુ-બ્રહ્મચારીઓની સંખ્યા ઓછી હતી. ઇન્ડોરના રોગીઓની સેવાની જવાબદારી મને સોંપવામાં આવી હતી. નારાયણભાવે સેવા કરવી એ વાસ્તવમાં ઘણી કઠિન છે. બે વર્ષ સેવાશ્રમમાં હતો ત્યારે નારાયણભાવે સેવા કરવા માટે મેં ઘણા પ્રયત્નો કર્યા હતા. શ્રીમાની વાતોમાંથી બળ પ્રાપ્ત કરીને મહારાજના ઉત્સાહ તેમજ હરિ મહારાજની પ્રેરણા આ બધાંને લીધે જ એ બધું સેવાકાર્ય કરી શક્યો હતો.

ઈ.સ. ૧૯૧૫નો માર્ચ-એપ્રિલ મહિનો હશે. હું એ વખતે મહારાજની સેવામાં બેલૂરમઠમાં હતો.  હું જોતો કે મારી ઉંમરના અનેક સાધુબ્રહ્મચારીઓ મહારાજની અનુમતિ લઈને તપસ્યા કરવા જતા. હિમાલય કે કોઈ બીજા સ્થળે એકાદ વર્ષ માટે તપસ્યા કરીને પાછા આવતા. મેં પણ એક દિવસ મહારાજની નજીક જઈને તપસ્યા કરવા માટે અનુમતિ માગી. એમણે તરત જ મને કહ્યું: ‘તો પછી તું અહીં શું કરી રહ્યો છે? તું અહીં જે સેવા કરે છે તે તપસ્યાથી પણ વધારે પુણ્યકાર્ય થઈ રહ્યું છે. તારે બીજે ક્યાંય જવાની જરૂર નથી.’ છતાંય જ્યારે હું વારંવાર એમને અનુનયવિનય કરવા લાગ્યો ત્યારે એમણે મને મહાપુરુષ મહારાજ પાસેથી અનુમતિ લેવા માટે કહ્યું. મહાપુરુષ મહારાજે મારી વાત સાંભળીને જ કહ્યું: ‘તું શું પાગલ થઈ ગયો છે? તપસ્યા કરવા માટે બીજે ક્યાં જઈશ? આ જે મહારાજની સેવા કરો છો એનાથી જ બધું થઈ જશે એ વાત ચોક્કસ છે.’ વળી મેં જરા ભારપૂર્વક વિનંતી કરી ત્યારે એમણે કહ્યું: ‘સારુ, બાબુરામ મહારાજ પાસે જા. તે અનુમતિ આપે ત્યારે જવાનું.’ હું બાબુરામ મહારાજ (સ્વામી પ્રેમાનંદજી) પાસે ગયો. મારી વિનંતી સાંભળીને એમણે પણ એક જ જવાબ આપ્યો. પરંતુ એમણે વધારે ભારપૂર્વક કહ્યું: ‘શું તું ખરેખર પાગલ થઈ ગયો છે, સુજ્જિ? મહારાજની ભીતર શ્રીઠાકુર વિદ્યમાન છે એ તું જોતો નથી? અને બીજે ક્યાંય જવાથી શું તને ભગવાનના માનસપુત્રનું સાક્ષાત્‌ સાંનિધ્ય મળશે ખરું?’ છતાંય મારી જીદ ચાલુ રહી એટલે એમણે કહ્યું: ‘સારુ, ઉદ્‌બોધનમાં શ્રી શ્રીમા છે. જો શ્રીમા તમને અનુમતિ આપે તો જજે. પહેલાં કાલીઘાટ જઈને શ્રી મહાકાલીની પૂજા કરજે, પછી શ્રીમા પાસે એમના આશીર્વાદ લેવા જજે. યાદ રાખજે કે જે શ્રીમા કાલી કાલીઘાટમાં છે અને જે બાગબાજાર-ઉદ્‌બોધનમાં છે તે બંને એક છે.’

કાલીઘાટ મંદિરે પ્રણામ કરીને હું ઉદ્‌બોધન પહોંચ્યો. શ્રીમાનાં દર્શનાર્થીઓની લાઈનમાં હું છેલ્લો દર્શનાર્થી હતો. હું દૂરથી જોતો હતો, શ્રીમા ઘૂંઘટો રાખીને બેઠા છે અને જે કોઈપણ પ્રણામ કરે છે એમને આશીર્વાદ આપી રહ્યાં છે. છેવટે મારો વારો આવ્યો. બીજા બધા ભક્તો ચાલ્યા ગયા છે. એમનાં શ્રીચરણકમળ પર માથું રાખીને સાષ્ટાંગ પ્રણામ કરીને જ્યારે હું ઊભો થયો તો મેં જોયું કે શ્રીમાએ પોતાનો ઘૂંઘટ સંપૂર્ણપણે હટાવી લીધો છે. એમણે હસીને મને કહ્યું: ‘લે બેટા, આ મીઠાઈ ખા.’ પોતાને જ હાથે એમણે મને મીઠાઈ, પ્રસાદ અને એક ગ્લાસ પાણી આપ્યાં. શ્રીમાને મેં મઠના સમાચાર આપ્યા. અંતે મેં મારી પ્રાર્થના-ઇચ્છાની વાત કરી. એમણે કહ્યું: ‘મઠને છોડીને, રાખાલને (સ્વામી બ્રહ્માનંદને) છોડીને તું ક્યાં તપસ્યા કરવા જઈશ? રાખાલની સેવા કરે છે, એનાથી જ બધું શું થઈ રહ્યું નથી?’ પરંતુ એક નાના બાળકની જેમ શ્રી શ્રીમાનાં અનુમતિ અને આશીર્વાદ લેવા માટે હું હઠ કરવા લાગ્યો. મારી વિનંતી ન છોડતો જોઈને એમણે મને કહ્યું: ‘વારુ, તું તપસ્યા કરવા જઈ શકે છે, કાશીમાં જઈ શકે છે. પરંતુ મારી એક વાત માનવી પડશે. ઇચ્છાપૂર્વક કઠોરતા ન કરતો, સેવાશ્રમમાં રહેજે અને બહુ ઇચ્છા થાય તો બહાર માધુકરી દ્વારા મળેલું ભિક્ષાન્ન ખાજે. આનાથી કાશીવાસ પણ થશે અને તપસ્યા પણ થશે.’ મેં શ્રી શ્રીમા પાસે પ્રતિજ્ઞા કરી, અને પછી કાશી સુધી પદયાત્રા કરીને જવાની અનુમતિ પણ માગી. એમણે અનુમતિ આપી પરંતુ પદયાત્રા કરીને જવાની વાત એમને ગમી નહિ, એ પણ હું સમજી ગયો. ત્યાર પછી શ્રીમાને પ્રણામ કરીને એમના અજસ્ર આશીર્વાદ મેળવીને ખુશખુશાલ થતો હું મઠમાં પાછો આવ્યો.’ સ્વામી બ્રહ્માનંદજી મહારાજ, મહાપુરુષ મહારાજ, બાબુરામ મહારાજ, બધાને આ વાત કરી. થોડાક દિવસો પછી એક નાનો થેલો લઈને વહેલી સવારે કાશી જવા માટે મઠમાંથી નીકળ્યો. એકલા જ ગ્રાંડટ્રંક રોડ પર ચાલવાનું શરૂ કર્યું. ભાદ્રપદ માસ ચાલતો હતો. ચાલતાં ચાલતાં મને સમજાયું કે પદયાત્રા કરીને જવાનું મા ઇચ્છતાં ન હતાં. ત્રીજે દિવસે સંધ્યાસમયે બંગાળ અને બિહારની સીમા પરના એક ગામડામાં પહોંચ્યો. ઘણી પૂછપરછ-શોધ પછી એક શિવ મંદિર મળ્યું. ત્યાં રાતના સમયે આશ્રય લીધો. થોડા સમય પછી એક વિધવા મહિલા મંદિરમાં શિવદર્શન કરવા આવી. જોવાથી સંભ્રાંત પરિવારની મહિલા લાગી. મને જોઈને તે સમજી ગઈ કે હું અસ્વસ્થ અને ખૂબ થાકેલો છું. મારી પૂછપરછ કર્યા પછી જ્યારે એને ખ્યાલ આવ્યો કે હું બેલૂર મઠથી આવ્યો છું કે તરત જ એમણે મને એમના ઘરે રાતવાસો કરવા વિનંતી કરી, કારણ કે આ મંદિરમાં સૂવા માટે કે રાતવાસા માટે કોઈ જગ્યા નથી. હું ના કહેવાનો હતો કે તરત જ મને શ્રીમાની વાત યાદ આવી: ‘બળપૂર્વક કઠોરતા કરવી નહિ.’ એટલે હું એક પણ શબ્દ બોલ્યા વિના એમની સાથે ચાલી નીકળ્યો. એમને ઘરે જઈને જોયું તો આખા પરિવારના લોકો શ્રીરામકૃષ્ણના ભક્તો હતા. ત્યાં એમણે બને તેટલી સારી રીતે મને આદરપૂર્વક રાખ્યો. ત્રણ દિવસ પછી મને લાગ્યું કે હવે હું સ્વસ્થ થઈ ગયો છું અને ફરીથી આગળ ચાલવાનું શરૂ કરી શકું છું; પરંતુ તે વૃદ્ધસ્ત્રીએ કહ્યું: ‘ના, બાબાજી. તમે હજુયે અશક્ત છો. એકલા એકલા આટલે દૂર સુધી ચાલીને કાશી પહોંચીને તમે વધુ તપસ્યા નહિ કરી શકો. આ લો, તમારી ટ્રેનની ટિકિટ, તમે ટ્રેનમાં જ જશો.’ મને શ્રીમાની વાત યાદ આવી એટલે આ વખતે પણ હું ના ન કહી શક્યો. એ લોકોએ પાસેના એક સ્ટેશને જઈને મને ગાડીમાં બેસાડી દીધો અને હું કાશી પહોંચ્યો.

શ્રીમાએ કહ્યું હતું: ‘સેવાશ્રમમાં જ રહેજે અને બહુ ઇચ્છા થાય તો માધુકરી કરીને ભિક્ષાન્ન ખાજે.’ પરંતુ તપસ્યાની પ્રબળ પ્રેરણાથી મેં નિર્ણય કર્યો કે જેટલા દિવસ તપસ્યા કરીશ તેટલા દિવસ હું બહાર જ રહીશ. સેવાશ્રમમાં રહેવાથી રહેવાના સ્થાન વિશે નિશ્ચિંત બની જવાને કારણે તપસ્યામાં ક્ષતિ થાય, એટલે હું બહાર જ રહીશ અને ભિક્ષા માગીને ખાઈશ. ગંગાકિનારે એક જૂના વાટિકાગૃહમાં આ માટે જગ્યા પણ મળી ગઈ. અને ખરેખર કેવળ ભિક્ષાન્ન ઉપર આધરિત રહીને ધ્યાનજપ તપસ્યામાં દિવસો પસાર થવા લાગ્યા. જ્યાં હું રહેતો હતો એ સ્થાન પૂર્ણરૂપે સ્વાસ્થ્યપ્રદ ન હતું. ભિન્ન ભિન્ન પ્રકારનાં જંતુઓ, કીડીમકોડા, તેમજ મચ્છરના ઉપદ્રવની પીડા હતી. હવે મને ખ્યાલ આવ્યો કે શ્રી શ્રીમાએ મને સેવાશ્રમમાં રહેવાની અને ‘બહુ ઇચ્છા થાય તો’ માધુકરી કરીને નિર્વાહ કરવાની વાત કરી હતી. ઉત્તર ભારતમાં માધુકરીની દાળરોટી મારાથી સહ્ય ન બની. મને અત્યંત અશક્તિ લાગવા માંડી, એવું લાગવા માંડ્યું કે જાણે મનનો ઉત્સાહ ઘટી રહ્યો છે. મનમાં ઉદ્દીપના લાવવા માટે હું પૂજ્યપાદ લાટુ મહારાજ પાસે ગયો. તેઓ એ સમયે ત્યાં ગંગા કિનારે એક ઘાટ પર રહેતા હતા. મને જોઈને તેમણે અત્યંત સ્નેહપૂર્વક કહ્યું: ‘સુજ્જિ, તને શું થયું છે? કેમ એટલો બધો નબળો પડતો જાય છે? મને લાગે છે કે આ ભિક્ષાન્ન તારાથી સહેવાતું નથી. ઠીક છે, આ બે રૂપિયા તું રાખ, માસ્ટર મહાશય મને દર મહિને દૂધ પીવા માટે આ રકમ મોકલે છે. આ બે રૂપિયા તું લઈ લે. એમાંથી આજથી જ દરરોજ થોડું થોડું દૂધ પીજે.’ પરંતુ તેઓ પોતે પણ અત્યંત કઠોર તપશ્ચર્યા કરે છે. એમની પાસેથી રૂપિયા લેવામાં મને જરા દુ:ખ થતું હતું; છતાંય મને વળી પાછી માની પેલી વાત યાદ આવી ગઈ: ‘બળપૂર્વક કઠોરતા કરવી નહિ.’ એટલે એ બે રૂપિયા લેવા માટે હું બાધ્ય બન્યો. એમનો પ્રેમ જોઈને મારી આંખમાંથી આંસું વહેવાં લાગ્યાં.

મારી તબિયત સારી ન થઈ, ઊલટાની વધારે બગડી. પેટમાં આમવાત થયો. ભીક્ષા માગીને ખાવાથી આમવાત વધી ગયો. એક દિવસ મારી તબિયત ખૂબ બગડી. એ બગીચાના ઘરમાં હું એકલો પડ્યો છું, પેટમાં કંઈ નથી અને સતત ઝાડા ચાલુ છે, અચાનક જાણે કોઈ આવ્યું હોય એવો અવાજ આવ્યો. મારા ઓરડામાં એ ઘરના માલિકે પ્રવેશ કર્યો. તેઓ એક મહિલા હતાં. વર્ષો પછી એ દિવસે જ બગીચાના પોતાના ઘરને જોવા માટે તેઓ આવ્યાં હતાં. મારી આ દશા જોઈને તેઓ તરત બધું સમજી ગયા. કદાચ એવું ય હોય કે જે આ ઘરની દેખભાળ રાખતો હતો એ વ્યક્તિ દ્વારા પણ એમણે મારા વિશે સાંભળ્યું હોય. તરત જ એમણે મારા માટે એક સારા ઓરડાની વ્યવસ્થા કરવા માટે કહ્યું અને ભાત-શાકભાજી, દૂધ જેવી ખાવાની આવશ્યકતા હોય તેવી ચીજવસ્તુની વ્યવસ્થા કરવા માટે પણ કહ્યું. આ વખતે પણ હું ના તો કહેવા જતો હતો પરંતુ શ્રી શ્રીમાની પેલી વાત યાદ કરીને મારે બધું માની લેવું પડ્યું. મનમાં થયું કે શ્રીમા જ જાણે કે એ બહેનના માધ્યમ દ્વારા અહીં આવીને મારા આહાર અને રહેઠાણની વ્યવસ્થા કરીને ચાલ્યાં ન ગયાં હોય!

થોડા દિવસોમાં હું સાજો થઈ ગયો. આટલા દિવસો પછી મને સમજાયું કે તપશ્ચર્યા કરવાને બદલે અત્યારે તો હું બીજાની સેવા લઈ રહ્યો છું. આમ, સાત-આઠ મહિના પસાર થઈ ગયા. પોતાની થોડીઘણી ચીજવસ્તુઓ હતી એને બાંધીને થોડા દિવસોમાં જ હું મઠમાં પાછો આવ્યો. પિતાની જેમ ઉત્કંઠા સાથે સ્વામી બ્રહ્માનંદજી મહારાજ મારી રાહ જોઈ રહ્યા હતા. હું જઈને એમના ચરણોમાં પડી ગયો. મઠને છોડીને તપશ્ચર્યા કરવાની કામનાની આ જ ઇતિશ્રી છે.

મઠમાં પાછો આવીને ફરીથી મહારાજની સેવામાં હું જોડાઈ ગયો. મહાપુરુષ મહારાજ, બાબુરામ મહારાજ પણ મારી અપેક્ષા રાખતા હતા. એ લોકોનો આ કેવો તો પ્રેમ હતો એ કહીને સમજાવી શકાય તેમ નથી. એ વખતે મા દેશમાં (જયરામવાટીમાં) હતાં. મારા સમાચાર આપવાની સાથે મેં મઠમાંથી શ્રી શ્રીમાને એક પત્ર લખ્યો. તપશ્ચર્યાની આકાંક્ષા-કામના માટી સમાન છે અને મઠમાં સ્વસ્થ શરીરે પાછો ફર્યો છું એ જાણીને ખુશ થઈને શ્રીમાએ આશીર્વાદ આપતો પત્ર લખ્યો. એ પત્રમાં એમણે લખ્યું હતું: ‘તપસ્યા તો ઘણી કરીને પાછો આવી ગયો છો, બેટા. હવે મનપ્રાણથી રાખાલની સેવામાં લાગી જા. રાખાલની સેવા કરવાથી જ તારું (સાધન-ભજન) બધું થઈ જશે. એ જાણી લેજે કે આનાથી ઉચ્ચતર બીજી કોઈ તપશ્ચર્યા નથી.’ એ સમયે જયરામવાટીમાંથી શ્રીમા પાછાં આવ્યાં ત્યારે ઉદ્‌બોધન જઈને હું શ્રીમાના ચરણોનું દર્શન કરી આવ્યો. શ્રીમાએ ખૂબ આશીર્વાદ આપ્યા. એ વખતે દુર્ગાપૂજાના અવસરે શ્રી શ્રીમા મઠમાં આવ્યાં હતાં અને પૂજાના થોડા દિવસો સુધી તેઓ મઠમાં જ રહેવાનાં હતાં. પૂજાના સમયે ખૂબ જ વાજડી અને વરસાદ આવ્યાં, પરંતુ જીવંત દુર્ગાની ઉપસ્થિતિને લીધે પૂજા નિર્વિઘ્ને સંપન્ન થઈ.

એક વાર કાલીઘાટ જઈને શ્રીમા કાલીનાં દર્શન કરવાની મને ઇચ્છા થઈ. બાબુરામ મહારાજને આ વાત કરી એટલે એમણે કહ્યું: ‘ઉદ્‌બોધનમાં શ્રીમાને મળીને જા.’ ઉદ્‌બોધન જઈને મેં શ્રી શ્રીમાને કહ્યું: ‘મા, કાલીઘાટ જવાની મને ઇચ્છા થઈ છે.’ બાબુરામ મહારાજે કહ્યું : ‘પહેલાં માને મળીને જા.’ આ સાંભળીને શ્રી શ્રીમા થોડાં હસે છે. શ્રીમાના હાસ્યની વચ્ચે મેં જે કંઈ પણ જોયું એ આજેય મારી આંખોની સામે તરી આવે છે. તે કેવું અદ્‌ભુત દિવ્ય રૂપ હતું! એને હું સમજાવી શકું તેમ નથી!

Total Views: 95

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.