સ્વામી બ્રહ્માનંદજીના જીવનની જે ઘટનાઓ મારા સ્મૃતિપટ પર છે માત્ર તેટલું જ અહીં કહીશ. ઘટનાઓ સાંઠ કે તેથી વધુ વર્ષ પહેલાની છે. શ્રીરામકૃષ્ણને જો ગ્રંથાકાર સંસ્કરણ કહેવાય, તો રાજા મહારાજ જાણે તેમના પ્રકટ સંસ્કરણ હતા. તેઓ ઘણી રીતે જાણે શ્રીરામકૃષ્ણની લઘુ પ્રતિકૃતિ જેવા હતા, એટલે સુધી કે શારીરિક દૃષ્ટિએ પણ, પાછળથી જોઈને ઘણા લોકો તેમને શ્રીરામકૃષ્ણ માનીને ક્યારેક ભૂલ કરતા. આટલું બધું સરખાપણું હતું!

રાજા મહારાજનાં ચારિત્ર્યની મુખ્ય વિશેષતા એ હતી કે, તેમનું મન મોટેભાગે કોઈ એક જાગતિક જગતથી પર એવા ભાવ રાજ્યમાં વિચરણ કરતું. બાહ્ય જગત સંપર્કે તેઓ ખૂબ ઓછા સચેત રહેતા. મોટા ભાગના સમયે તેઓ ચૈતન્યના સર્વોચ્ચ સ્તરે વિચરણ કરતા. ક્યારેક ક્યારેક તેઓ પોતાના સેવકને હુકામાં તમાકુ ભરી લાવવા કહેતા અને સેવક જ્યારે હુકો ભરી દઈને જતો રહેતો ત્યારે મહારાજને તેનો લેશ માત્ર ય ખ્યાલ રહેતો નહિ. તેથી થોડા વખત પછી તેઓ સેવકને બોલાવી પૂછતા, ‘મને હુકો કેમ ન આપ્યો?’ બાહ્ય જગતમાં તેમની ચેતનાને સ્થાન મળતું! હુકો દેવામાં આવતો પરંતુ દીર્ઘકાળ સુધી તેઓ પોતાના ભાવમાં એટલા ડૂબી રહેતા કે તમાકુ બળીને ખાક થઈ જતું પરંતુ તે અંગે તેમને સુધ રહેતી નહોતી. આ રીતે જોવા મળતું કે બાહ્ય જગતમાં તેમનું મન બહુ ઓછું ચોંટતું.

તેમણે વિશ્વ વિદ્યાલય કે કોલેજમાં અભ્યાસ કર્યો ન હતો પરંતુ ઘણા વિષયમાં તેમને જ્ઞાન ઊંડું હતું. વિવિધ વિષયોનું તેમનું જ્ઞાન અને વિચિત્ર ત્યાગ બધાને નવાઈ પમાડતા. મને યાદ છે તેમના મદ્રાસના વસવાટ દરમિયાન ‘બાની વિલાસ’ મકાનમાં આશ્રમ હતો. સંધ્યા આરતી પછી મહારાજ મકાનના ખુલ્લા વરંડામાં બેસીને ભક્તો સાથે વાતચીત કરતા. ઘણા ભક્તો આવતા અને તેમની પાસે બેસતા. તેઓ ભિન્ન ભિન્ન વિષય પર વાતો કરતા પણ આધ્યાત્મિક વિષય પર ભાગ્યે જ ચર્ચા કરતા. તેમ છતાંય તેમનાં સાંનિધ્યમાં બેસી રહેવું ય બધાને માટે આકર્ષણ બની રહેતું. કોઈ તે ખેંચાણ છોડીને જવા ઇચ્છતું નહિ. ત્યારે પહેલું વિશ્વયુદ્ધ ચાલતું હતું, દરરોજ સાંજે સાત આઠ વાગ્યે શિવરામ આચાર (પાછળથી તેઓ સ્વામી અવિનાશાનંદ) રાજા મહારાજ પાસે આવતા. દક્ષિણ ભારતનાં શ્રેષ્ઠ સમાચારપત્રોમાંનું ‘હિંદુ’ છાપું હતું, તેના તેઓ સહતંત્રી હતા. તેઓ આવે કે તરત મહારાજ પૂછતા, ‘યુદ્ધના શું ખબર છે? જર્મન સૈન્ય આજ ક્યાં છે? ગઈકાલે તો તેઓ બ્રિટિશ સૈન્યની આટલા માઈલ દૂર હતું, આજે તેઓ કેટલે પહોંચ્યા?’ આ પ્રકારના પ્રશ્નો તેઓ પૂછતા. તેઓ જર્મની અને બ્રિટિશ સૈન્યની હલચલના બધા જ ખબર યાદ કરીને શિવરામ આચારને પૂછતા અને સમાચાર મેળવતા.

ત્યારે એક સજ્જન આવતા. તેઓ કોઈ સહકારી બેંકના મેનેજર હતા. રાજા મહારાજ તેમની સાથે અવારનવાર વાતો કરતા. તેઓ તેમને એવા પ્રશ્નો પૂછતા જેનાથી બેંક અને સહકારી વ્યવસ્થા વિશે પ્રચુર જ્ઞાન પ્રાપ્ત થતું. હજુ એક મહોદય રોજ આવતા. તેઓ સહકારી કૃષિ કચેરીમાં કામ કરતા. તેઓ જુદાં જુદાં ફૂલ-ફળ અને તે અંગેની જરૂરી માહિતી આપતા. તેના જવાબમાં મહારાજ પણ તે સજ્જનને વૃક્ષ ઉછેર અંગે થોડું થોડું કહેતા. તેઓ પોતે કદી ભજન ગાતા નહિ, પરંતુ ગીત સંગીતમાં તેઓ એક ઉચ્ચશ્રેણીના ઉસ્તાદ હતા. ગીતના સૂર, તાલ વગેરે તેઓ સમજતા અને તેનો રસાસ્વાદ માણતા. આ રીતે તેમણે ઘણા વિષયોમાં પુષ્કળ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું, એ પણ પુસ્તક વાંચ્યા વિના માત્ર લોકો સાથેની વાતચીત દ્વારા.

શ્રીરામકૃષ્ણની સેવાપૂજા બાબતમાં મહારાજની દૃષ્ટિ વેધક હતી. એક દિવસ તેમણે ચીવટપૂર્વક જોયું કે એક બ્રહ્મચારી પૂજા માટે બગીચામાંથી બધાં સુંદર સુંદર ફૂલ ચૂંટે છે. તેને બોલાવીને પૂછ્યું, ‘તમે શું કરો છો? તમે શું ઝાડપાનને ફૂલ વગરનાં કરી દેવા ઇચ્છો છો? તમારી માન્યતા એવી લાગે છે કે જાણે શ્રીરામકૃષ્ણ માત્ર ઠાકુર ઘરમાં જ બિરાજમાન છે. અને બગીચામાં ફરવા આવે નહિ. આ રીતે કદી કરશો નહિ. પૂજા માટે થોડાં ફૂલ ચૂંટી બાકીના બધાં ફૂલ બગીચામાં રાખી મૂકજો.’

મઠના વિભિન્ન વિભાગનું કામકાજ, ખાસ કરીને ફૂલ-બગીચો, ફળનાં ઝાડ, શાકભાજીનો બગીચો, ગૌશાળા, વગેરે બાબતમાં મહારાજને ખૂબ જ ઊંડી સમજ હતી. ગૌશાળામાં ગાયો અને વાછરડાં માટે શું ખાવાનું આપવું ન આપવું એ બધું પણ મહારાજ ગોઠવી આપતા. તેઓ પોતે ઉત્સાહી હતા તેટલું જ નહિ તેઓ ઇચ્છતા કે બીજા બધા પણ તેમની માફક ઉત્સાહી બને. કોઈ મદ્રાસ મઠથી બેલૂર મઠ આવે તો રાજા મહારાજ તેની પાસેથી મદ્રાસ મઠના ફળ-ફૂલનાં ઝાડ, ગાયો વગેરે બાબતની ઝીણી ઝીણી માહિતી પણ લેતા. તેઓ પૂછતા, ‘ગુરુ મહારાજ માટે જે ગાય લીધી હતી તેને કોઈ વાછડું આવ્યું છે? કેટલું દૂધ આપે છે. જે ફૂલ-છોડ રોપ્યા હતા તેમાં સુંદર ફૂલ આવે છે? તેમણે વારાણસીથી બિલ્વવૃક્ષનો રોપો મંગાવી મદ્રાસ મઠમાં રોપ્યો હતો. બિલ્વવૃક્ષ કેટલું મોટું થયું, એમ તેઓ જાણવા ઇચ્છતા. તેમણે ત્રણ આંબા પણ વાવ્યા હતા અને તેમણે પૂછ્યું કે તે ઝાડ કેટલા વધ્યા અને તેમાં સારાં ફળ આવે છે કે નહિ? તેમણે જ્યારે વૃક્ષ રોપ્યાં હતાં ત્યારે બગીચાની દિવાલની બાજુએ ઊભા રહીને તેમણે કહ્યું હતું, ‘આ વૃક્ષોનાં માત્ર ફળ વેંચીનેય તમને લોકોને સો રૂપિયા મળશે.’ સાંભળી બધા આનંદથી હસવા માંડ્યા હતા. ઝાડપાન વિશે જેઓ બરાબર માહિતી આપી શકતા નહિ તેને મહારાજ નિષ્ક્રિય માનતા.

દેશની એક જગ્યાએથી બીજી જગ્યાની ચીજવસ્તુનું આદાન-પ્રદાન મહારાજ પસંદ કરતા. તેઓએ ગુરુ મહારાજની સેવા માટે બેંગલોર અને અન્યોન્ય જગ્યાએથી કેટલી જાતના છોડ લાવીને બેલૂર મઠની જમીનમાં રોપ્યા હતા. આ રીતે દક્ષિણ ભારતમાંથી લાવેલ નાગલિંગમનો છોડ રોપેલો તે અત્યારે કેવું મોટું વૃક્ષ થઈ ગયું છે! એના પુષ્કળ પ્રમાણમાં સુગંધી પુષ્પો આવે છે. આ રીતે તેઓ દેશના જુદા જુદા પ્રદેશમાંથી સારી સારી વસ્તુ બંગાળમાં લાવતા, વળી  બંગાળની સારી વસ્તુ બીજે લઈ જતા, ત્યાં સુધી કે દક્ષિણ ભારતની જે રસોઈ તેઓ પસંદ કરતા તે બધી બેલૂર મઠમાં રસોઈ કરાવીને ગુરુ મહારાજને નૈવેદ્યમાં ધરાવવાની વ્યવસ્થા કરાવતા. લીંબડાના ફૂલમાંથી બનાવેલ રસમ તેમને વિશેષ પ્રિય હતું.

દક્ષિણ ભારતમાં અતિ લોકપ્રિય શ્રીરામનામસંકીર્તન તેમણે બેલૂર મઠમાં શરૂ કરાવ્યું હતું. તેની સાથોસાથ તુલસીદાસના કેટલાક દોહા પણ તેમણે જોડી દીધા હતા. તેઓ સાધુઓને પ્રત્યેક એકાદશી અને રામનવમીને દિવસે આ સંકીર્તન કરવા કહેતા આજ સુધી આ સંકીર્તન માત્ર બેલૂર મઠમાં જ નહિ પરંતુ રામકૃષ્ણ સંઘના બધાં કેન્દ્રોમાં એકાદશીએ થાય છે. આ રીતે જ્યારે તેઓ દક્ષિણ અથવા ઉત્તર ભારતના પ્રવાસે જતા ત્યારે ઉત્તર કે દક્ષિણ ભારતીયો વચ્ચે પરસ્પર સમજ વિચાર માટે વિચારોનું આદાન-પ્રદાન માટે પ્રયત્ન કરતા. તેમણે એક વખત હરિદ્વાર અને એક વખત મદ્રાસમાં દુર્ગાપૂજા કરી હતી. આ રીતે તેમણે દેશના જુદા જુદા પ્રાંતની ઉત્તમ ચીજવસ્તુ મેળવી-ભેળવી સારાય દેશમાં વહેંચણી કરવાની વ્યવસ્થા કરી.

વહેલી સવારે ચાર વાગે મંગલઆરતી પછી રાજા મહારાજ ધ્યાન કરવા બેસતા. બેલૂર મઠમાં ગંગા કિનારેના ઉપલા માળના વરંડામાં તેઓ બેસતા. તેમની સામે બેસીને બધા ધ્યાન કરતા. ધ્યાન બાદ તેઓ સવારે સાત સુધી સત્સંગ કરતા, ક્યારેક ક્યારેક બાબુરામ મહારાજ જોતા કે શાકભાજી સમારવા કોઈ વ્યક્તિ નથી, બધા જ મહારાજ પાસે ઉપર બેઠા છે. બાબુરામ મહારાજ નીચેથી જ મોટેથી કહેતા, ‘વારુ રાજા, આજે ઠાકુરનું નૈવેદ્ય થશે કે નહિ?’ મહારાજ સાંભળીને કહેતા, ‘બાબુરામદા ગુસ્સે થાય છે તમે જાઓ, જાઓ.’

તેમને કેટલાક લોકો પસંદ ન હતા. તેઓ પ્રત્યે તેમને જાણે એલર્જી હતી. એકવખત જ્યારે તેઓ મદ્રાસમાં હતા ત્યારે એક પ્રકારની એક વ્યક્તિ તેમની મુલાકાત કરવા વ્યગ્ર હતી પરંતુ રાજામહારાજ હંમેશાં તેનાથી દૂર ભાગતા. એક રીતે આ સજ્જનના એક મિત્ર અમારા મિશનના હિતેચ્છુ હતા અને સ્ટુડન્ટ્‌સ હોમના સેક્રેટરી રામસ્વામી આયંગરના પણ ઘનિષ્ઠ સંપર્કમાં હતા. તે મિત્ર જ્યારે જ્યારે રામસ્વામી આયંગરની સાથે મઠમાં આવતા ત્યારે મહારાજ આદરપૂર્વક તેમનું સ્વાગત કરતા. પરંતુ એક દિવસ રામસ્વામી આયંગરે મહારાજને કહ્યું કે તેનો મિત્ર પણ આવ્યો છે. ત્યારે મહારાજે કહ્યું, ‘આજ મારું શરીર બરાબર નથી. તેને બીજા કોઈ દિવસે આવવા કહો,’ તે પ્રમાણે રામસ્વામી આયંગરે તેના મિત્રને મહારાજે કહેલી વાત સંભળાવી અને તેને બીજા કોઈ દિવસે આવવા કહ્યું. આશ્ચર્યની વાત તો એ છે કે એ સજ્જન જેવા ચાલ્યા ગયા કે તરત એક ગાડી આવી; ગાડીમાં એ જ વ્યક્તિ બેઠાં હતાં; જેનાથી રાજા મહારાજ દૂર ભાગતા. તે માણસ ગાડીમાંથી ઊતરીને પૂછવા લાગ્યો, ‘અમુક અહીં છે, કે કેમ?’ રામસ્વામી આયંગરે કહ્યું, ‘હા, તે અહીં હતા ખરા પરંતુ હમણાં જ ચાલ્યા ગયા. તે માણસ નિરાશ થઈને પાછા ફર્યા. એમ લાગે છે કે બંનેએ નક્કી કર્યું હશે કે બંને મઠમાં એક જ સમયે આવશે. મિત્રભક્ત તો રામ મહારાજ પાસે આવ-જા કરે છે. તેથી તેઓ એ સજ્જનને મહારાજ પાસે લઈ જશે તો પછી મહારાજ તેનાથી દૂર ભાગી શકશે નહિ અને મળશે જ. કદાચ મહારાજ આવી વ્યવસ્થા અંગે સમજી ગયા હતા; તે કારણે જ આવી વ્યવસ્થાને મૂળમાંથી ઉખેડી નાખી. પહેલાં કદી મળ્યા ન હતા, તેમ તે દિવસે પણ કર્યું, અર્થાત્‌ તે ભક્તને મળવા પણ રાજી ન થયા. પરંતુ એ દિવસ સિવાય દરરોજ મહારાજ તે ભક્તને આદરપૂર્વક આવકારતા.

એક બીજા સજ્જન હતા. મદ્રાસના નહિ, અલહાબાદના. તેમનાથી પણ મહારાજ દૂર રહેતા. મહારાજે એક દિવસ દૂરથી જોયું કે તે માણસ આશ્રમ તરફ આવી રહ્યા છે. જલદી જલદી મહારાજ આશ્રમની અંદર ચાલ્યા ગયા. પથારીમાં સૂઈ ગયા ને સેવકને કહ્યું, ‘તાવથી હું ધ્રૂજું છું, મને ધાબળો ઓઢાડ.’ સેવકે મહારાજના શરીર પર ધાબળો ઓઢાડી દીધો તો પણ મહારાજની ધ્રૂજારી ચાલુ રહી. મેલેરિયાના તાવની માફક તેમનું આખુંય શરીર ત્યારે ધ્રૂજતું હતું. આ બાજુ તે માણસ મહારાજને મળવા માટે હાજર થયા ત્યારે સેવકે તેમને સમજાવીને કહ્યું, ‘આજે દર્શન થશે નહિ. મહારાજ બીમાર છે.’ તે સજ્જનને નિરૂપાય બની ચાલ્યા જવું પડ્યું. તેમના ચાલ્યા ગયા બાદ મહારાજે પૂછ્યું, ‘એ ભક્ત ચાલ્યા ગયા કે?’ જ્યારે સાંભળ્યું કે તે ભક્ત ચાલ્યા ગયા છે, મહારાજનો તાવ પણ ઊડી ગયો. અને તેમણે હુકો પીવા માગ્યો. ખરેખર તેમને તાવ આવી ગયો હતો. બે ધાબળાં ઓઢાડ્યા હતા તો પણ શરીર ધ્રૂજતું હતું. તેઓ કેવી રીતે એકાએક તાવમાં સપડાઈ ગયા અને વળી કઈ રીતે ફરીથી તાવથી મુક્ત થઈ ગયા! એ એક રહસ્યમય ઘટના ઘટી. પરંતુ એ એક હકીકત હતી કે તે માણસની ઉપસ્થિતિ માત્રથી મહારાજને તાવ આવી ગયો. અને તેના ચાલ્યા જવાથી સાજાસારા પણ થઈ ગયા.

જ્યારે તેઓ કાશીમાં રહેતા હતા તે વખતે બીજા કોઈ આશ્રમમાં ભંડારો હતો. તે આશ્રમના એક સંન્યાસી જુદા જુદા આશ્રમે જઈને આયોજેલ સમષ્ટિ ભંડારનું આમંત્રણ આપવા ગયા હતા. તે ભંડારામાં દરેક આશ્રમના બધા જ સાધુઓને આમંત્રણ આપવામાં આવેલ. અમારા રામકૃષ્ણ અદ્વૈત આશ્રમમાં સંન્યાસીએ આવીને મહંતને દસ-નિમંત્રણ કાર્ડ આપ્યાં – કારણ કે એ આશ્રમમાં લગભગ દસ જણા જ રહેતા હતા. મહંત મહારાજે કહ્યું, ‘ના, ના, મને પચાસ કાર્ડ આપો.’ મહંત મહારાજે જ્યારે પચાસ કાર્ડ માગ્યા ત્યારે નિમંત્રક સંન્યાસી નવાઈ પામ્યા અને પૂછ્યું, ‘અહીં શું આટલા સાધુઓ રહે છે?’ અમારા મહંત મહારાજે કહ્યું, ‘હા, ચોક્કસ છે.’ તે સંન્યાસી પચાસ કાર્ડ આપીને ચાલ્યા ગયા. ભંડારાના દિવસે એ મહંત મહારાજે બધા સાધુઓને ભંડારામાં જવા કહ્યું. પરંતુ મોટા ભાગના સાધુઓએ જવાની અનિચ્છા વ્યક્ત કરી. રાજા મહારાજ આશ્રમમાં છે તેથી બધા તેમની આસપાસ રહેવા માગતા હતા, તેથી ભંડારામાં જવા ઇચ્છતા ન હતા. ત્યાંના મહંત તો મૂંઝાઈ ગયા, ત્યારે તેઓ રાજા મહારાજ પાસે નિવેદન કરવા લાગ્યા, ‘મેં ભંડારાના પચાસ કાર્ડ લીધા હતા, કારણ અહીં તેટલી સંખ્યામાં સાધુઓ છે, પરંતુ પ્રત્યેકને તે માટે મુશ્કેલી છે. હું એકપણ સાધુને મોકલી શકું તેમ નથી, જુઓને, મારી સ્થિતિ કેવી કફોડી થઈ છે.’ મહારાજે કહ્યું, ‘ભલે, તમે ઘંટ વગાડો.’ જ્યારે મહારાજ ઇચ્છતા કે બધા સાધુઓ તેમની સામે હાજર થાય તે વખતે ઘંટ વગાડવામાં આવતો. તેથી ઘંટ વગાડતાંની સાથે જ બધા સાધુઓ મહારાજના ઓરડાના નીચેના ચોગાનમાં એકઠા થયા. મહારાજ ઉપર ઊભા હતા, તેમણે આદેશ આપ્યો, ‘બધા લાઈનમાં ઊભા રહો.’ બધા કતારમાં ગોઠવાઈ ગયા ત્યારે મહારાજે આદેશ કર્યો, ‘હવે એક, બે, ત્રણ કહીને ગણતરી કરો.’ એક, બે, ત્રણ ઉચ્ચારણ કરીને ગણતરી થવા લાગી. પચાસ ઉચ્ચારણ થતાં જ તેઓ બોલ્યા, ‘બસ હવે અટકો. જમણી બાજુ ફરો અને ઉતાવળે પગલે ચાલો. ભંડારામાં ચાલ્યા જાવ.’ તેથી નિમંત્રિત પચાસ સાધુઓ ભંડારામાં જોડાયા. આવી બધી બાબતમાં મહારાજ ખૂબ જ રમૂજી હતા.

મહારાજના જન્મદિવસે તેમને ફૂલની માળા, ફૂલનો મુકુટ, વગેરે પહેરાવીને ખૂબ સુંદર રીતે શણગારવામાં આવ્યા હતા. બીજા દિવસે તેમણે અમને બધાને આદેશ આપ્યો કે એ માળા મુકુટ વગેરે બધું સ્વામી શુદ્ઘાનંદને પહેરાવી શણગારો અને તેની ચારે બાજુએ કીર્તન કરો. સ્વામી શુદ્ઘાનંદ આંગણામાં બેઠા હતા. અમે મુકુટ માળા વગેરે પહેરાવીને તેમને શણગાર્યા. ત્યારબાદ ખોલ-કરતાલ લઈને તેમની ચારે બાજુ કીર્તન ગાવા લાગ્યા અને નાચવા માંડ્યા. તે વખતે મહારાજ ધીરે ધીરે નીચે ઊતર્યા, ત્યાં જે થઈ રહ્યું હતું તે જોઈને હસતાં હસતાં ચાલ્યા ગયા. તેઓ આ પ્રકારનું કૌતુક કરતા.

મદ્રાસ મઠમાં એક દિવસ કોઈ એક ભક્ત એક મોટો થાળ ભરીને મીઠાઈ લઈને શશી મહારાજ પાસે ગયા. શશી મહારાજ તે થાળ રાજા મહારાજ પાસે લઈ જઈને બોલ્યા, ‘રાજા ખાઓ.’ રાજા મહારાજે કહ્યું, ‘મારી તબિયત સારી નથી. પેટમાં ગરબડ છે. ગઈકાલથી હું સાબુદાણાની કાંજી પીઉં છું. તને આ બધી ખબર છે તોય મને બધું ખાવા કહે છે.’ ત્યારે શશી મહારાજે કહ્યું, ‘રાજા, તમે તો ખાતા નથી. તમારા માધ્યમ દ્વારા ઠાકુર ખાય છે. તેથી તમે આ મિઠાઈ ખાઓ.’ ત્યારબાદ રાજા મહારાજ ચૂપચાપ મિઠાઈ ખાવા લાગ્યા. લગભગ ત્રણ-ચતુર્થાંશ ખાઈ ગયા, પરંતુ એનાથી તેમના શરીરમાં કોઈ તકલીફ ન થઈ.

રાજા મહારાજ જ્યારે દક્ષિણમાં ગયા હતા ત્યારે શશી મહારાજ તેમને જુદાં જુદાં મંદિરોમાં લઈ ગયા હતા. મદુરાઈના મંદિરમાં પણ લઈ ગયા હતા. દક્ષિણભારતમાં કોઈ પણ મંદિરના ગર્ભમંદિરમાં જ્યાં મૂર્તિ પ્રતિષ્ઠિત હોય ત્યાં કોઈ દર્શનાર્થીને જવા દેવામાં આવે નહિ. પૂજારી સિવાય કોઈ ગર્ભમંદિરમાં પ્રવેશે નહિ. હવે શશી મહારાજના મનમાં ઇચ્છા હતી કે તેઓ રાજા મહારાજને લઈને ગર્ભમંદિરમાં પ્રવેશે. પરંતુ તેમને ખબર હતી કે સંન્યાસી પર્યંત ત્યાં જાય તો તેની જાતિ પૂછવામાં આવતી. રાજા મહારાજે કાયસ્થવંશમાં જન્મગ્રહણ કર્યો હતો. અને એ જ મોટી સમસ્યા હતી. તેથી શશી મહારાજ રાજા મહારાજને લઈને અંદર પ્રવેશ્યા અને મોટેથી બૂમ પાડીને કહેવા લાગ્યા, ‘આલઉચાર, આલઉચાર’. વૈષ્ણવ અને શૈવસંપ્રદાયના વિખ્યાત સાધુસંતોને આલઉચાર અને નયનાર કહેવામાં આવે છે. આલઉચાર વૈષ્ણવ સંપ્રદાયના અને નયનાર શૈવ સંપ્રદાયના ભક્તો છે. શશી મહારાજ અને રાજા મહારાજ બંને વિશાળકાય હતા. શશી મહારાજ રાજા મહારાજને મંદિરની અંદર ‘આલઉચાર’, ‘આલઉચાર’ કરીને લઈ ગયા. અને કોઈએ તેમને રોક્યા નહિ. શશી મહારાજે રાજા મહારાજને જગન્માતાની મૂર્તિ સામે ઊભા રાખી દીધા. ક્ષણવારમાં મહારાજ માની સામે ભાવસ્થ થઈ ગયા. આ બધું જોઈને ગર્ભગૃહમાં રહેલા પૂજારી સ્તબ્ધ બનીને પથ્થરમૂર્તિની માફક ઊભા રહ્યા. આવી કુશળતાથી શશી મહારાજ, મહારાજને અંદર લઈ ગયા હતા.

મને જેટલું યાદ છે તે પ્રમાણે વારાણસીમાં રાજા મહારાજે એકવાર રામનામ શરૂ થતાં પહેલાં બીજા બધાના આગમન કરતાં ખૂબ અગાઉ એક વૃધ્ધને આવતા જોયા હતા. વળી રામનામ પૂરા થતાંની સાથે બીજા બધાના બહાર નીકળતાં પહેલાં એ વૃદ્ઘને જતા જોયા. મહારાજ સમજી શક્યા હતા કે તે વૃદ્ઘ જ મહાવીર હનુમાન. તે દિવસથી તેમણે રામનામના સમયે અતિથિ મહાવીર માટે એક આસન પાથરવાની પ્રથા ચાલુ કરાવી.

રાજા મહારાજે તીરૂપતિ મંદિરની અંદર જઈને દર્શન વગેરે કર્યાં હતાં. તેમની સાથે રામૂ હતો. તેમણે રામુને પૂછ્યું, ‘આ કોનું મંદિર છે?’ રામુએ કહ્યું, ‘આ રામાનુજાચાર્ય સ્થાપિત વિષ્ણુમંદિર છે.’ રાજા મહારાજે કહ્યું, ‘પરંતુ હું તેમ જોઈ શકતો નથી. હું ભાવચક્ષુથી જગન્માતાને જોઉં છું – વિષ્ણુને નહિ. શું વાત છે? આમ કેમ બન્યું?’ ત્યારે રામુએ તપાસ કરી તો જાણવા મળ્યું કે તીરૂપતિમાં સૌ પહેલાં માતૃમંદિર હતું. ત્યાંની પ્રચલિત પૂજા પદ્ઘતિમાં ય જોવા મળે છે કે મૂળ વિગ્રહ માતૃમૂર્તિનું હતું, ત્યાં સુધી કે પૂજારીએ પણ આ સત્યને સ્વીકાર્યું અને રામુને કહેવા માંડ્યા, ‘બરાબર છે, આ માતૃમંદિર હતું. રામાનુજે આ મંદિરને વિષ્ણુમંદિરમાં રૂપાંતરિત કર્યું હતું.’ આ રીતનો ઇતિહાસ જોવા મળે છે. ભારતવર્ષમાં મંદિરો જાણે કિલ્લા જેવાં, ત્યાં પ્રતિમાપરિવર્તન થાય, મંદિર એક સંપ્રદાયના હાથમાંથી બીજા સંપ્રદાયના હાથમાં ચાલ્યું જાય. આપણા સાંસ્કૃતિક પરિવર્તનમાં આવું જ બન્યું છે. કેવળ રાજા મહારાજ તેમના ભાવચક્ષુથી જોઈ શક્યા કે તીરૂપતિ મંદિર આદિકાળમાં એક માતૃમંદિર હતું.

સ્વામી વિવેકાનંદની મહાસમાધિ પછી શ્રી શ્રીમા ઘણાં વર્ષો સુધી મઠમાં આવ્યાં ન હતાં. એક દિવસ રાજા મહારાજે તેમને પ્રાર્થના કરી કે મઠમાં પધારો.

હું બહુ ચોક્કસ જાણતો નથી, પરંતુ કોઈએ કહ્યું હતું કે દુર્ગાપૂજાના સમયે દક્ષિણના પ્રવેશદ્વારથી મંદિર સુધી શ્રી શ્રીમાતા ઠાકુરાણીનું સ્વાગત કરવા માટે વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી હતી. તે વખતે મઠમાં પ્રવેશવા માટે તે એક માત્ર મુખ્ય પ્રવેશ પથ હતો. તે રસ્તેથી આવીને મા ઉપલા માળે ઠાકુરમંદિરમાં ગયાં હતાં અને ત્યાંથી મહાપુરુષ મહારાજના ઓરડામાં ગયાં હતાં. તમારામાંથી ઘણા લોકો બેલૂર ગયા હશો. તમે ચોક્કસ જાણતા હશો કે શિવાનંદજી કયા ઓરડામાં રહેતા હતા. તે ઓરડાની મોટી બારીની બાજુમાં એક નાનકડો રવેશ છે. તે અગાઉ હતો નહિ. પછીથી મહાપુરુષ મહારાજની સગવડ માટે રવેશ તૈયાર કરવામાં આવ્યો હતો. દરવાજા જેવી મોટી બારી પાસે શ્રી શ્રીમા બેઠાં હતાં અને ત્યાંથી જ મઠના આંગણમાં ગોઠવાયેલ ભજન, કીર્તન સાંભળતાં હતાં. થોડીવાર પછી નાચવાનું પણ શરૂ થઈ ગયું. મહારાજ પણ નાચવા લાગ્યા. ભાવાવેશમાં તેઓ બેકાબૂ બની જતા. તેઓ ભાવાવસ્થામાં પડી જાય તેવી સ્થિતિમાં મુકાઈ ગયા. બાબુરામ મહારાજ સમજી ગયા અને તેમને પકડીને ઓરડામાં લાવ્યા. સ્વામીજીના ઓરડાની પશ્ચિમ દિશામાં, અત્યારે સૂર્ય મહારાજ જે ઓરડામાં રહે છે, તે ઓરડાની બરાબર નીચેના ઓરડામાં રાજામહારાજને લાવીને સુવડાવી દેવામાં આવ્યા. લાંબા સમય સુધી તેમને બાહ્યજ્ઞાન આવ્યું નહિ. એક જણે જલદીથી જઈને શ્રી શ્રીમાને સમાચાર આપ્યા અને મા જલદી નીચે આવ્યાં અને મહારાજને છાતીએ સ્પર્શ કર્યો. શ્રી શ્રીમાએ સ્પર્શ કર્યો કે તરત મહારાજને બાહ્યજ્ઞાન થયું. કોઈ કોઈ કહે છે કે શ્રી શ્રીમાએ પોતાના હાથથી મહારાજને થોડો પ્રસાદ પણ આપ્યો. પ્રસાદ મેળવીને ધીમે ધીમે બાહ્યચેતના પાછી ફરી. જે હોય તે. શ્રી શ્રીમા કહેતાં, ‘રાખાલ નાચતાં નાચતાં ભાવાવસ્થામાં આવી ગયો હતો, તેમાં નવાઈ પામવાનું કોઈ કારણ નથી, કારણ કે મેં તેની પાછળ સ્વયં ઠાકુરને નાચતા જોયા હતા!

અમારા એક સાધુ (સ્વામી વિજયાનંદ) દીર્ઘકાળ સુધી હતા. જ્યારે મહારાજ વારાણસીમાં હતા ત્યારે તેઓ પણ ત્યાં હતા. તેમના પૂર્વાશ્રમનું નામ પશુપતિ હતું. એક દિવસ મહારાજે તેમને કહ્યું, ‘પશુપતિ, તેં તિલભાંડેશ્વરનાં દર્શન કર્યાં છે?’ પશુપતિ મહારાજ પહેલાં તો તેનો અર્થ સમજ્યા નહિ. તિલભાંડેશ્વર એટલે બૃહત આકારનું શિવલિંગ અને પશુપતિ મહારાજ પણ સારા એવા પ્રમાણમાં સ્થૂળકાય હતા. તેથી રાજા મહારાજે તેમને કહ્યું, ‘તે શું તિલભાંડેશ્વરને જોયા છે?’ બધા આ વાત સાંભળીને હસવા લાગ્યા. પછી પશુપતિ મહારાજ પણ એનો અર્થ સમજીને હસી પડ્યા. મહારાજે મંતવ્ય આપતાં કહ્યું, ‘સમજ્યો, પણ મોડો મોડો.’

Total Views: 479

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.