સંભવ છે કે હરરોજ એવી સેંકડો ઘટનાઓ ઘટે છે કે જે આપણને હતોત્સાહિત કરે છે અને સાથે ને સાથે નિર્બળ પણ બનાવે છે. યુવકો એનાથી ઘણા વિક્ષુબ્ધ બની જાય છે, પરંતુ આપણે સમજી લેવું જોઈએ કે જીવન આપણને ભલે ગમે તેટલું અબૂઝ અને નિરાશાજનક લાગે છતાં પણ એ બધી ઘટનાઓ પર વિજય મેળવવાની શક્તિ આપણી પાસે, આપણી ભીતર જ છે. હરેક વ્યક્તિમાં તે અજરઅમર દિવ્યશક્તિ રહેલી છે; એમાં જાતિ, વર્ણ કે પંથની કોઈ વિશેષ અપેક્ષા નથી. મનોવૈજ્ઞાનિકો એને પ્રમાણિત પણ કરી શકે છે. જીવનયાપન માટે આવશ્યક શક્તિઓ – માર્ગદર્શન, બળ કે શક્તિ, જીવનપાથેય, પ્રેરણા, શાંતિ વગેરે આપણી ભીતર છે. પોતાની અંદર આવી અસીમ શક્તિઓ હોવા છતાં પણ આપણે દાસ કે ગુલામ જેવું વર્તન શા માટે કરીએ છીએ? એનું પહેલું કારણ છે અજ્ઞાન, અને બીજું કારણ છે આપણો અભાવાત્મક દૃષ્ટિકોણ. આ બંને આપણામાં બાળપણથી જ વિકસિત થતા હોય છે. પ્રત્યેક અભાવાત્મક ભાવ કે વિચાર આપણી અંદરની પ્રચંડ શક્તિને ક્ષીણ બનાવે છે અને આપણને નિર્બળ કરી નાખે છે. પ્રત્યેક ભાવાત્મક તથા રચનાત્મક ભાવ આપણને પ્રગતિ અને વિકાસ તરફ આગળ વધારે છે.

સ્વામી વિવેકાનંદના આ શબ્દો પર વારંવાર મનન કરો અને સ્વયં એનો પ્રભાવ જોઈ લો : ‘બધી જવાબદારી તમારા શિરે લઈ લો, યાદ રાખો કે તમે પોતે જ તમારા ભાગ્યના ઘડવૈયા છો. તમે જે કંઈ બળ, શક્તિ કે સહાયતા ઇચ્છો છો, એ બધું તમારી ભીતર જ રહેલું છે. એટલે આ જ્ઞાન રૂપી શક્તિના સહારે તમે બળ પ્રાપ્ત કરો અને પોતાના હાથે પોતાનું ભવિષ્ય રચો. ‘ગતસ્ય શોચના નાસ્તિ’ – ભૂતકાળની ઘટના માટે ખેદ ન કરો, હજુ તો સમગ્ર ભાવિ તમારી સામે પડ્યું છે. તમે સદૈવ એ વાતને યાદ રાખો કે તમારો પ્રત્યેક વિચાર પ્રત્યેક કાર્ય સંચિત રહેશે; અને એ પણ યાદ રાખો કે જે રીતે તમારા અસત્‌ વિચાર અને અસત્‌ કાર્ય વાઘની જેમ તમારા પર કૂદી પડવાની રાહ જોતા હોય છે તે જ રીતે તમારાં સદ્‌વિચાર અને સત્કાર્ય પણ હજારો દેવતાઓની શક્તિ પ્રાપ્ત કરીને સર્વદા તમારી રક્ષા કરવા માટે તૈયાર રહે છે.’ આ શબ્દો સંજીવની કે અગ્નિમંત્ર સમા છે. તે સુકર્મની પ્રેરણાશક્તિ છે. જો આપણે જ્ઞાનગર્ભિત એવા આ શબ્દોને વિસારે પાડીએ તો ભલા પ્રગતિ કેવી રીતે કરીશું?

શું તમે જાણો છો? પ્રત્યેક ભૌતિક બાહ્યા ઉત્તેજનાની પ્રતિક્રિયા તમારા મગજની સો કરોડ કોષિકાઓ પર પડે છે. આ પ્રભાવ સ્થાયી હોય છે અને પ્રત્યેક નવી પ્રતિક્રિયા દ્વારા એનો વિસ્તાર થાય છે. આ સંસ્કારોની સમષ્ટિથી જ તમારું વ્યક્તિત્વ બને છે. પ્રસિદ્ધ મનોવૈજ્ઞાનિક વિલિયમ જેમ્સ કહે છે : ‘ઈશ્વર ભલે આપણા પાપને માફ કરી દે પરંતુ આપણું સ્નાયવિક તંત્ર એવું ક્યારેય કરી શકતું નથી.’

સારું હોય કે માઠું પરંતુ તમારા ભવિષ્યના નિર્માતા તમે જ છો. એટલે સેમ્યુઅલ સ્માઈલ્સે કહ્યું છે તેમ : ‘એક સુવિચારને પકડો અને એ તમને એક સત્કર્મમાં પ્રેરિત કરશે. આ સત્કર્મ તમારામાં એક સારી ટેવ ઊભી કરશે. આ સારી ટેવ તમારા સમગ્ર આચરણને નવું રૂપ આપશે અને સદાચરણથી તમારા ભાગ્યનાં દ્વાર ખૂલી જશે.’ શું હજી પણ તમે આ મહત્ત્વની વાત પર ધ્યાન નહિ આપો? શું તમે તમારા પોતાના દેહમન રૂપી અદ્‌ભુત યંત્રમાં છુપાયેલી મહાન શક્તિનો લાભ નહિ ઊઠાવો? આનાથી તમારા જીવનમાં એક મૂળભૂત પરિવર્તન આવશે. તમે પૂછશો કે કેવી રીતે? એ બધું કેમ બને છે એ હું તમને બતાવું છું :

સમયપાલન એ જ સહજ ઉપાય છે. તમારે જીવનના દરેક ક્ષેત્રમાં સમયપાલન પર ધ્યાન આપવું પડશે. આ જ દરેક કાર્યને નિયત સમયે પૂર્ણ કરવાની કળા છે. કેટલાક લોકોમાં આવું બધું બાળપણથી જ સ્વાભાવિકપણે થતું રહે છે. પરંતુ બાકીના લોકોએ એને નિયમિત અભ્યાસ દ્વારા પ્રાપ્ત કરવું પડે છે.

દૃઢ સંકલ્પ દ્વારા જ સમયનું પાલન કે નિયમિતતાનો સિદ્ધાંત અનુસરી શકાય છે. દૃઢ સંકલ્પ વિના કોઈ પ્રગતિ થઈ શકતી નથી.આપણા જ્ઞાનને સાચી શક્તિમાં રૂપાંતરિત કરવા માટે આપણને દૃઢ સંકલ્પ તથા સમયપાલનની નિતાંત આવશ્યકતા છે. અવ્યવસ્થિત તથા અસંયમિત જીવનથી કોઈ પણ કાર્યમાં કોઈ સુફળ મળતું નથી. પોતાની શક્તિમાં વૃદ્ધિ માટે તમારે પોતે અનુશાસનના સિદ્ધાંતનું પાલન કરવું જોઈએ. હા, એ વાત સાચી કે તમે પોતે જ પોતાને સહારે છો, પોતે જ પોતાના મિત્ર છો અને શત્રુ પણ ખરા; કેવી રીતે? ચાલો આપણે આગળ જોઈએ.

સંશોધક મન

રશિયાના વુલ્ફ મેસિંગ પોતાના અતીન્દ્રિય જ્ઞાન માટે સુપ્રસિદ્ધ હતા. એમનામાં બીજાના મનને જાણી લેવાની અદ્‌ભુત ક્ષમતા હતી. સરમુખત્યારશાહીએ પણ એની કસોટી કરીને એમને પ્રમાણપત્ર આપ્યું હતું. આઈન્સ્ટાઈન, ફ્રોઈડ તથા ગાંધીજી જેવા વિખ્યાત લોકોને પણ તેઓ મળ્યા હતા અને તેમની પ્રશંસા પામ્યા હતા. ભારત આવીને તેઓ સાબરમતી આશ્રમમાં ગાંધીજીને મળ્યા અને એમને કહ્યા વિના જ એમની બધી આજ્ઞાઓનું પાલન કર્યું. બીજા વિશ્વયુદ્ધના આરંભમાં તેઓ કોઈ રીતે હિટલરની મૃત્યુજાળથી બચીને પોલેન્ડ થઈને રશિયા આવ્યા અને પોતાની આ કળાનું સાર્વજનિક પ્રદર્શન કરવા લાગ્યા. પરંતુ તેમણે વ્યક્તિગત કે રાજનૈતિક પરિસ્થિતિઓની ભવિષ્યવાણી ન કરી. દર્શકોની ભીડમાંથી જો કોઈ વ્યક્તિ બોલ્યા વિના માત્ર મનથી જ તેને કંઈ કરવાનું કહેતા તો તે સમજી વાંચીને એને એવું જ કરી બતાવતા. જે લોકો તેની પરીક્ષા કરવા આવતા એમને કહેતા : ‘જે કંઈ પણ તમે મને કહેવા કે મારી પાસે કરાવવા માગો છો તેનો એકાગ્રચિત્તે વિચાર કરો.’ થોડા સમય પહેલા ચિકિત્સા વિજ્ઞાનના વિશેષજ્ઞો અને વૈજ્ઞાનિકો સમક્ષ એમણે આવું એક પ્રદર્શન કર્યું. ભીડમાં ઉપસ્થિત કોઈના હાવભાવના સંકેતને પણ વાંચવા સમજવામાંથી એમને રોકવા માટે એમની આંખો પર પાટો બાંધી દેવામાં આવ્યો હતો. પહેલેથી જ નિર્ધારિત એક ડોક્ટર મેસિંગને મનમાંથી ને મનમાંથી નિર્દેશ આપતા હતા. મૌન એકાગ્રતાની સાથે મેસિંગ એમના મનને વાંચી સમજી રહ્યા હતા. ત્યારબાદ પોતાની આંખેથી પાટો ઊતારીને તેઓ ચોથા નંબરની ખુરશી સામે ગયા અને એના ઉપર બેઠેલા વ્યક્તિના કોટની જમણી બાજુના ખિસ્સામાંથી એક સ્પંજ તથા કાતર કાઢીને આખા લોકસમૂહને બતાવતાં કહ્યું : ‘હું આ સ્પંજને કાપવા ઇચ્છતો નથી.’ અને એમણે ચોકથી એના પર એક કૂતરાનું ચિત્ર દોર્યું.

નિરીક્ષકના રૂપે નિર્ધારિત સજ્જને ડોક્ટરને પૂછ્યું: ‘શું મેસિંગે આપના નિર્દેશોનું બરાબર પાલન કર્યું છે?’ ડોક્ટરે કહ્યું કે એમણે મેસિંગને ચાર નંબરની ખુરશી પર બેઠેલા મિત્રના ખિસ્સામાંથી સ્પંજ કાઢીને તેને કૂતરાના આકારમાં કાપવાનો નિર્દેશ આપ્યો હતો. મેસિંગે ડોક્ટર પાસેથી મનમાં ને મનમાં અનુમતિ લઈને યોજનાના અંતિમ નિર્દેશમાં પરિવર્તન કરીને એનું બરાબર પાલન કર્યું છે. મેસિંગની આ અદ્‌ભુત શક્તિ પર બધાને આશ્ચર્ય થયું. ત્યારબાદ પણ બીજાં અનેક પ્રદર્શનો થયાં હતાં.

કેટલાક લોકોએ પૂછ્યું કે એ લોકોના મનને તેઓ કેવી રીતે સમજી વાચી લે છે? એમનો ઉત્તર હતો: ‘લોકોના વિચારો મારી સામે ચિત્ર રૂપે આવે છે. કોઈ ક્રિયાનું હું ચિત્ર જોઈ લઉં છું. બહેરા અને મૂગા લોકોના વિચારો સરળતાથી સમજાઈ જાય છે, કારણ કે એ બધા લોકો બીજા લોકોની અપેક્ષાએ ચિત્રરૂપે વધુ જુએ છે.’

આપણા વિચારો ચિત્રના રૂપમાં! કેટલી નવાઈની વાત! અને શું એમાં ગતિશીલતા પણ છે? આપણા ઋષિઓએ કહ્યું હતું : ‘હા, છે.’ અને આ ક્ષેત્રમાં શોધ કરનારા આધુનિક વૈજ્ઞાનિકો પણ એનું અનુમોદન કરે છે.

સાવધાન મન ચિત્ર ખેંચે છે

આપણે ચિત્રોના રૂપે જ વિચારીએ છીએ આપણી વાણી આ ચિત્રોની જ સાંકેતિક અભિવ્યક્તિ છે. ‘વૃક્ષ’ શબ્દનું ઉચ્ચારણ કરતાં જ વૃક્ષનું ચિત્ર આપણા મન પર આવી જાય છે. જ્યારે આપણે ‘આંબો’ કે ‘વટવૃક્ષ’ કહીએ છીએ તો આપણને આ ચિત્રો બદલાતાં જણાય છે. ‘હું ડોક્ટર બનવા ઇચ્છું છું’, ‘હું દિલ્હી જઉં છું’, ‘હું એક ઘર બનાવવા માગું છું’, ‘હું વિજ્ઞાનનો અભ્યાસ કરવા ઇચ્છું છું’, હું એક અધિકારી બનવા ઇચ્છું છું’, ‘હું લગ્ન કરવા માગું છું’, ‘હું એક અભિનેતા બનવા ઇચ્છું છું’, ‘હું દેશના અનેક ભાગોની યાત્રા કરવા માગું છું’, ‘હું મારા શત્રુઓને પરાજિત કરવા માગું છું’ – આ બધાં માનસિક ચિત્ર છે. આગળ જતાં મન પ્રત્યેક ચિત્રની સૂક્ષ્મતાઓ પર પણ વિચાર કરે છે. બાળપણથી જ આપણા મનમાં વિચારોના અસંખ્ય ચિત્ર ભર્યાં પડ્યાં છે. આ ચિત્રો મનમાં છુપાયેલા રહીને સમયે સમયે પ્રગટ થાય છે.

જ્યારે તમે ‘કેરી’ શબ્દ સાંભળો છો ત્યારે કેરીનું રંગીન ચિત્ર તમારા મનમાં ઉદ્‌ભવે છે અને એની સાથે તેની સુગંધ, તેનો સ્વાદ વગેરેની સ્મૃતિથી મોંમાં પાણી આવી જાય છે. અર્થાત્‌ માનસિક ચિત્રમાં તમારો અનુભવ તથા એના પરની તમારી પ્રતિક્રિયા પણ જોવા મળે છે. આપણા પ્રાચીન ઋષિઓ એને ‘સંસ્કાર’ કહે છે. આપણું મન જાણે કે એક વિલક્ષણ ટેપરેકોર્ડર છે જે પ્રત્યેક અનુભવને બારીકાઈથી અંકિત કરીને સંગ્રહી રાખે છે. એ નાનામાં નાની વસ્તુનું ચિત્ર લઈ શકનાર એક સંવેદનશીલ કેમેરા જેવું છે. આ માત્ર ધ્વનિ કે ચિત્ર નથી, પરંતુ સ્વાદ, સ્પર્શ તથા ગંધના બધા અનુભવપૂર્ણ ક્રમથી તેને સુરક્ષિત રાખી શકે છે.

એ વિભિન્ન અવસરો પર સુખદુ:ખના અનુભવ, એના પર આપણી પ્રતિક્રિયાઓ અને આપણી ભાવનાઓનાં ઉત્થાન-પતન વગેરે અંકિત કરી રાખે છે. પ્રત્યેક વ્યક્તિની ચેતનામાં રહેલ આ કેમેરાથી કંઈ પણ છૂપું રહી શકતું નથી. એ અતીતના સંચિત અનુભવોને પછી થનારા અનુભવો સાથે જોડીને એ બધાને સમુચિત ક્રમમાં રાખે છે. આપણા ભવિષ્યના વિચાર તથા અનુભવ આપણા ભૂતકાલીન સંચિત વિચારો તથા અનુભવો પર નિર્ભર રહે છે.

એક વિદ્યાર્થીએ લગાતાર સાત-આઠ દિવસ સુધી એક જ ફિલ્મ જોઈ. એણે ખૂબ ધ્યાનથી જોયું કે એ ફિલ્મમાં કેવી રીતે એક ડાકુ નિર્દોષ લોકોની મારકૂટ કરે છે અને એમને લૂંટી લે છે. જેના આધારે આ ફિલ્મ બની હતી તેણે એ જ વાર્તાને વારંવાર વાંચી. તેના મનમાં વિચાર ચાલ્યો કે મોકો મળે તો એ પણ એવું કેમ ન કરી શકે! એક દિવસ એણે એવું જ કર્યું. એમાં તફાવત એટલો જ હતો કે તે ફિલ્મના ડાકુની જેમ પોલિસથી બચી શક્યો નહિ. એને પકડીને કાનૂનને હવાલે કરી દીધો.

તમે તમારા મનમાં જે ચિત્ર બનાવો છો એ જ ચિત્ર તમારા ભાવિ જીવનને એક નિશ્ચિત આકાર આપે છે. ખરાબ અને અભદ્ર ચિત્રો દ્વારા તમે તમારા જીવનને ઉત્તમ અને સુંદર કેવી રીતે બનાવી શકો? શું તમે ક્યારેય તમારા મનમાં વહેતા ચિત્રોની ગુણવત્તા વિશે વિચાર્યું છે ખરું? આપણા ઋષિઓએ કહ્યું છે : ‘ૐ ભદ્રં કર્ણેભિ: શ્રુણુયામ દેવા: । ભદ્રં પશ્યેમાક્ષભિ: યજત્રા: – હે ઈશ્વર અમે કાનથી સારું સાંભળીએ અને આંખથી સારું જોઈએ.’ આ સ્તુતિ કેટલી મહત્ત્વપૂર્ણ છે! આપણા પુરાણોમાં મૃત્યુદેવતા યમનું વર્ણન આવે છે. એને જ કાળ કહીએ છીએ. કાળ દેવતા સૂર્યના પુત્ર છે. સૂર્યોદય તથા સૂર્યાસ્તથી જ આપણને કાળનું જ્ઞાન થાય છે. આપણે બધા કાળને અધીન છીએ. બધી ઘટનાઓ અને અનુભવોના લેખાકાર ચિત્રગુપ્ત છે, જે આપણા બધાં સારાંનરસાં કર્મો તથા અનુભવોના ચિત્રોને સુગુપ્ત રીતે રાખે છે. એમને આપણે જોઈ શકતા નથી. જરા વિચાર કરો, આપણું મન જ ચિત્રગુપ્ત છે. આજના મનોવૈજ્ઞાનિકો એને સિદ્ધ કરે છે. પ્રયોગો દ્વારા મનોવૈજ્ઞાનિકોએ પ્રમાણિત કરી દીધું છે કે સંમોહન દ્વારા આપણે કોઈ પણ વ્યક્તિના પ્રત્યેક અનુભવોની સ્મૃતિને જગાડીને એને જીવિત રાખી શકીએ છીએ. જાગ્રત અવસ્થામાં ઘણા પ્રયાસ કરીને પણ આપણે અતીતની ગહનતામાં પહોંચી શકતા નથી અને ભૂલેલી વાતો યાદ કરી શકતા નથી. પરંતુ કૃત્રિમ નિદ્રાવસ્થામાં બાલ્યકાળના અનુભવ સામે આવે છે અને એ વ્યક્તિ એનું એવું વિસ્તૃત વર્ણન આપે છે કે જાણે હમણાં જ એ બધા બનાવો બની રહ્યા હોય.

લેસ્લે લેક્રેનનું પુસ્તક ‘એક્સપેરિમેન્ટલ હિપ્નોસિઝ’ (પ્રાયોગિક સંમોહન)માંથી એક ઉદાહરણ લઈએ. એક ૪૫ વર્ષના વ્યક્તિને તેઓ કૃત્રિમ નિદ્રાથી તેની ચેતનાના વિભિન્ન સ્તરોમાં લઈ ગયા. અંતે જ્યારે એની ચેતના ત્રણ વર્ષની ઉંમરના સ્તરે પહોંચી ત્યારે એની શ્વસનક્રિયા સાવ બદલાઈ ગઈ. એમાં દમનાં લક્ષણ આવ્યાં, ફેફસાં રુંધાઈ ગયાં, ઊધરસ આવવા લાગી, નાડી તીવ્રતાથી ચાલવા લાગી. જાગ્રત અવસ્થામાં દમની કોઈ સ્મૃતિ ન હતી. એમની માતાએ કહ્યું કે ત્રણ વર્ષની ઉંમરે એને દમ થયો હતો. કેટલી આશ્ચર્યની વાત છે આ! આનાથી સાબિત થાય છે કે સુખદ હોય કે દુ:ખદ પણ ભૂતકાળના બધા અનુભવો આપણા અંતર્મનમાં છુપાયેલા રહે છે. 

વૈજ્ઞાનિકોને એવો જ પડકાર ફેંકનાર એક બીજી ઘટના ‘સુપર સાઈકી’ (ઉચ્ચ મન) નામના પુસ્તકમાં મળે છે : એક અમેરિકન ચિકિત્સકને સંમોહન અવસ્થામાં એમના જન્મનો વૃતાંત પૂછવામાં આવ્યો. એમણે પ્રસૂતિઘરમાં સૂતેલ પોતાની માનું પૂરું વર્ણન આપતાં બતાવ્યું કે ડોક્ટરો જમણી બાજુ ઊભા છે; નવજાત બાળક વિશે એક ડોક્ટરે શંકા વ્યક્ત કરી ‘હવે વધારે રાહ જોવી નકામી છે, બાળકના બચવાની કોઈ સંભાવના નથી’. વસ્તુત: એમનો જન્મ નિયત સમયના છ સપ્તાહ પહેલાં થઈ ગયો અને એમનું વજન માત્ર ૧.૬ કિલો હતું.

Total Views: 79

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.