ઈશ્વર અમર લોકના કલ્પવૃક્ષ જેવો છે. જે માગીએ તે એ આપે છે. એટલે ધર્મ સાધના કરી મન વિશુદ્ધ થાય ત્યારે બધી સાંસારિક તૃષ્ણાઓનો ત્યાગ કરતાં વિચાર કરવો ઘટે. એક વાર્તા સાંભળો. એક યાત્રાળુ પોતાની યાત્રા દરમિયાન એક મોટા મેદાનમાં આવ્યો. લાંબો સમય તડકામાં ચાલવાથી એ ખૂબ થાકી ગયો હતો અને પરસેવે રેબઝેબ થઈ ગયો હતો; એટલે એક ઝાડને છાંયે એ આરામ કરવા બેઠો. તરત એને વિચાર આવ્યો કે સુંવાળી સેજ મળે તો કેવું સારું? એને ખ્યાલ ન હતો કે એ કલ્પવૃક્ષ નીચે બેઠો છે. જેવો એના મનમાં ઉપરનો વિચાર આવ્યો કે તરત જ એની બાજુમાં સુંદર શય્યા આવી ગઈ. એને ખૂબ અચંબો થયો પણ તે છતાં એણે એ શય્યા પર લંબાવ્યું. પછી એને વિચાર આવ્યો કે એક સુંદરી પોતાના પગ દબાવતી હોય તો કેવું સારું? જેવો એના મનમાં વિચાર જાગ્યો તેવી જ એક યુવાન રૂપસુંદરી એના પગ પાસે બેઠેલ ને એના પગ દબાવતી એણે જોઈ. પ્રવાસી ખુબ સુખી થઈ ગયો. હવે અને ભૂખ લાગી અને એણે વિચાર્યું, ‘મને જેની ઇચ્છા થઈ તે મળ્યું છે; તો શું મને થોડું ખાવાનું નહીં મળે?’ એની સમક્ષ જાતજાતની વાનગીઓ આવી ગઈ. એણે પેટ ભરીને ખાધું અને પછી પથારીમાં લંબાવ્યું. પછી દિવસમાં બનેલી ઘટનાઓ એ પોતાના મનમાં વાગોળવા મંડ્યો. આમ વાગોળતાં એને વિચાર આવ્યો કે, ‘વાઘ મારી ઉપર હુમલો તો નહીં કરે ને?’ ત્યાં તો,એક ક્ષણમાં એક વિકરાળ વાઘ એની ઉપર તૂટી પડ્યો અને એની ગરદન ફાડી એનું લોહી પીવા લાગ્યો. આમ એ યાત્રીએ પોતાની જિંદગી ગુમાવી. સામાન્ય રીતે લોકોનું ભાગ્ય આવું છે. તમારા ધ્યાન વેળા તમે લોકો, પૈસા કે સાંસારિક સન્માન માટે પ્રાર્થના કરો તો તમારી ઇચ્છા થોડે અંશે સંતોષાય ખરી; પણ ધ્યાન રાખજો, તમને એ ભેટો મળે એની પાછળ વાઘનો ભય છે. રોગ, સ્વજનવિયોગ, માન અને પૈસાનું ચાલ્યા જવું — આ બધા વાઘ, જીવતા વાઘ કરતાં વધારે ભયંકર છે.

દૂરના બજારમાં પોતાનો માલ વેચી કેટલીક માછીમાર સ્ત્રીઓ પોતાને ગામ પાછી જતી હતી ત્યારે, સાંજ પડતાં અચાનક એક જોરદાર વરસાદનું ઝાપટું આવતાં તેમને નજીકના એક માળીના ઝૂંપડામાં રાતવાસો કરવો પડ્યો. એમના યજમાને એમને એક ઓરડીમાં આશરો આપ્યો; બીજે દિવસે ઘરાકોને પહોંચાડવાનાં સુગંધી ફૂલોની ટોપલીઓ એ ઓરડીમાં હતી. ઓરડીનું વાતાવરણ એ ફૂલોની સુગંધથી સભર હતું. પેલી માછીમાર સ્ત્રીઓ માટે એ અસહ્ય હતું અને તેથી, એ સ્ત્રીઓ એક મટકું ન મારી શકી. આખરે એમાંની એક બાઈ બોલી: ‘આપણી ખાલી માછલીની ટોપલીઓ પર આપણે થોડું પાણી છાંટીએ અને એમને આપણી નજીક રાખીએ. એથી ફૂલોની આ ત્રાસદાયક ગંધ દૂર થશે. આપણી નિંદર એણે હરામ કરી છે.’ બધી સ્ત્રીઓએ આ સૂચન વધાવી લીધું અને એ પ્રમાણે કર્યું; અને તરત બધી ઘોરવા લાગી. ટેવની અસર ને શક્તિ આવાં છે! પાર્થિવ વિચારો અને વાતાવરણે ટેવાયેલા સંસારી જીવો વૈરાગ્યના વિશુદ્ધ વાતાવરણમાં લાંબો સમય રહે તો અસુખ અનુભવ્યા સિવાય રહી શકે નહીં.

(‘શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી’માંથી)

Total Views: 44
By Published On: August 1, 2004Categories: Ramakrishna Dev0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram