સવારના સાડાનવ થયા છે. પ્રાણકૃષ્ણે પ્રણામ કરીને રજા લીધી, કલકત્તાવાળે ઘેર પાછા જવા માટે. એક વૈરાગી ગોપીયન્ત્ર (એક જાતનું તંતુવાદ્ય)ની સાથે ઠાકુરના ઓરડામાં ગીત ગાય છે :
‘નિત્યાનંદનું વહાણ આવ્યું છે,
પાર જવું હોય, પકડ આવીને’…
ઠાકુર ગીત સાંભળી રહ્યા છે, એટલામાં શ્રીયુત કેદાર ચેટર્જીએ આવીને પ્રણામ કર્યા. એ ઓફિસનો પોશાક પહેરીને આવ્યા છે, અચકન, ઘડિયાળ, ઘડિયાળની સાંકળી વગેરે. પરંતુ ઈશ્વર વિષે વાતચીતનો પ્રસંગ નીકળતાં જ તેનાં બન્ને નેત્રોમાંથી જળના ધોધ વહે. અતિશય પ્રેમી મનુષ્ય, અંતરમાં ગોપીનો ભાવ.
કેદારને જોઈને ઠાકુરને એકદમ વૃંદાવન-લીલાનું ઉદ્દીપન થઈ ગયું. પ્રેમથી મતવાલા થઈને ઊભા થઈ ગયા અને કેદારને ઉદ્દેશીને ગીત ગાવા લાગ્યા :
‘સખી એ વન કેટલું દૂર, જ્યાંહાં મારો શ્યામસુંદર’ … વગેરે
શ્રીરાધાના ભાવમાં ગીત ગાતાં ગાતાં ઠાકુર સમાધિ-મગ્ન થઈને ચિત્રની જેમ ઊભા થઈ રહ્યા. માત્ર આંખોને બે ખૂણેથી આનંદનાં અશ્રુ ઝરી રહ્યાં છે. કેદાર ઘૂંટણિયે પડીને ઠાકુરને ચરણે સ્પર્શ કરીને સ્તુતિ કરી રહ્યા છે :
હૃદયકમલમધ્યે નિર્વિશેષં નિરીહં ।
હરિહરવિધિવેદ્યં યોગિભિર્ધ્યાનગમ્યમ્ ।।
જનનમરણભીતિભ્રંશિ સચ્ચિત્સ્વરૂપમ્ ।
સકલભુવનબીજં બ્રહ્મચૈતન્યમીડે ।।
થોડીવાર પછી ઠાકુર શ્રીરામકૃષ્ણ સ્વસ્થ થતા આવે છે. કેદાર હાલિશહરમાં પોતાને ઘેરથી કલકત્તામાં નોકરી કરે છે ત્યાં જવા નીકળ્યા છે. વચમાં દક્ષિણેશ્વર કાલી-મંદિરે ઠાકુર શ્રીરામકૃષ્ણનાં દર્શન કરતા જાય છે. જરાક આરામ લઈને કેદારે રજા લીધી.
એ પ્રમાણે ભક્તોની સાથે વાતો કરતાં કરતાં બાર વાગવા આવ્યા. શ્રીયુત રામલાલે ઠાકુરને માટે એક થાળીમાં મા કાલીનો પ્રસાદ લાવી દીધો. ઓરડાની અંદર ઠાકુર દક્ષિણાભિમુખ થઈને આસન પર બેઠા અને જમ્યા. ભોજન નાના છોકરાની જેમ, જરાક જરાક બધુંય ચાખ્યું…
મારવાડી ભક્ત – મહારાજ, બે માર્ગ કહ્યા; તે બીજો માર્ગ કયો?
શ્રીરામકૃષ્ણ – અનુરાગનો યાને ભક્તિનો માર્ગ. ખૂબ આતુર થઈને એક વાર રડો. એકાન્તમાં, છાનામાના, ‘પ્રભુ દર્શન આપો,’એમ કહીને.
‘બોલાવને મન, મન દઈને, શ્યામા કેમ ન આવે, જોઉં!’
મારવાડી ભક્ત – મહારાજ, સાકાર પૂજાનો અર્થ શો? અને નિરાકાર નિર્ગુણ, એનોય અર્થ શો?
શ્રીરામકૃષ્ણ- જેવી રીતે બાપનો ફોટોગ્રાફ જોતાં બાપ યાદ આવે, તેવી રીતે પ્રતિમામાં પૂજા કરતાં કરતાં સત્ય સ્વરૂપનું ઉદ્દીપન થાય. સાકાર રૂપે શેના જેવું ખબર છે? જેમ કે જળનો મહાન વિસ્તાર હોય, તેમાં વચમાંથી બડબડિયાં ઊઠે તેમ. મહાકાશ, ચિદાકાશમાં જાતજાતનાં રૂપો નીકળી રહ્યાં છે એમ દેખાય. અવતાર પણ એવું એક રૂપ. અવતાર-લીલા એ આદ્યાશક્તિનો જ ખેલ.
Your Content Goes Here