શ્રીરામકૃષ્ણદેવની અને એમનાં સહધર્મચારિણી શ્રીમા શારદાદેવીની બધી બાબતો વિચિત્ર હતી. બંને લગ્ન કરીને પતિપત્ની બન્યાં હતાં પણ બંને સાંસારિક ભોગવાસનાથી આજીવન પર રહેલાં હતાં. ઠાકુરે તોતાપુરી પાસે સંન્યાસદીક્ષા લીધી હતી પણ, ન તો તેમણે ભગવાં ધારણ કર્યાં હતાં કે ન વનવાસ કર્યો હતો. શ્રીમાએ વિધિવત સંન્યાસ લીધો ન હતો તે સાચું પરંતુ, એમનું સમગ્ર જીવન સંન્યાસિની જેવું ત્યાગમય અને તપોમય જ હતું.

શ્રીમા શારદાનું લગ્ન થયું ત્યારે એ અણસમજણાં, પાંચ વર્ષની બાલવયનાં જ હતાં. લગ્ન કરીને, કાકાને ખંધોલે બેસીને સાસરે ગયાં ને પોંખાયાં પછી, રાત પડતાં જ એમને ભાગ્યે ‘ત્યાગ’ કરવાનું આવ્યું હતું. એમને ચડાવેલાં ઘરેણાં માગી આણેલાં હતાં તે બધાં એ બાલિકા નિદ્રાધીન થઈ કે તરત જ એના પતિએ અને એની સાસુએ સરકાવી લીધાં હતાં. આમ એમના પરિણીત જીવનનો પ્રારંભ આ ‘અલંકાર ત્યાગ’થી થયો હતો. ત્યારથી એમનું સમગ્ર જીવન ત્યાગની અસિધારા પર સંતુલિત રીતે ચાલતું બની ગયું.

પાંચ વરસની વયે સંસાર તે શું માંડવાનો હોય? પણ ચૌદ વરસનાં શારદાદેવી થયાં અને પતિ માંદા પડીને આવતાં એમની શુશ્રૂષા માટે એમને કામારપુકુર સાસરે બોલાવવામાં આવ્યાં હતાં. એમનાં સાસુજી ત્યારે ત્યાં ન હતાં પણ, સવાઈસાસુ જેવાં ભૈરવી હતાં. પોતે જેમને પુત્રવત માનતી તે શ્રીરામકૃષ્ણનાં શારદાદેવી પત્ની હોવાથી, ભૈરવીને ડર હતો કે પૌગણ્ડાવસ્થામાં પ્રવેશેલી આ પત્ની પોતે જેનું રખોપું કર્યું હતું તે શ્રીરામકૃષ્ણનું પતન કરાવશે. માણસને ઓળખવાની એની શક્તિ એટલી ઊણી. શ્રીમા શારદાનું દૈવત એ પિછાણી ન શક્યાં.

પરંતુ, શ્રીમા શારદાનું પતિ સાથેનું સહજીવન તત્કાલ પૂરતું ત્યાં જ પૂરું થઈ ગયું. દક્ષિણેશ્વર ગયા પછી એમના પતિને જાણે કે સ્મૃતિલોપ થઈ ગયો અને પોતે પરણ્યા છે તે વાત જ જાણે કે એ ભૂલી ગયા. પાંચ વરસ વીતી ગયાં પણ ન કોઈ દહાડો પતિએ શારદાદેવીને બોલાવ્યાં, ન કદી કાગળ લખ્યો, ન કદી મૌખિક સંદેશ પણ કહેવરાવ્યો, આખરે, સને ૧૮૭૨માં, ઓગણીસ વરસની વયે, શ્રીમા શારદા સામે ચાલીને ગયાં, જાણે કે માથે પડતાં. પણ ત્યાં એમનું સ્વાગત પ્રેમપૂર્ણ થયું અને એમણે ‘સંસાર’ માંડ્યો.

પણ એ સંસાર તપસ્વિનીનો સંસાર હતો, ઐહિક બાબતોથી પૂરેપૂરો પર. એ સંસારમાં વાસનાતૃપ્તિને સ્થાન ન હતું, કોઈ એષણાને સ્થાન ન હતું, અર્થસંગ્રહને પણ સ્થાન ન હતું. ત્યાગની ભૂમિકા પર મંડાયેલા એ સંસારની લાક્ષણિકતા એ હતી કે, જયરામવાટીથી કે કામારપુકુરથી દક્ષિણેશ્વર આવતાં શ્રીમા શારદા અર્ધી વાટ પગે ચાલીને કાપતાં, બલરામનાં બીમાર પત્નીને જોવા જવું હોય તો તે માટે પણ એ કલકત્તા ચાલીને જતાં. લજ્જાપટથી એવાં તો આવૃત્ત રહેતાં કે દક્ષિણેશ્વરના કાલી મંદિરના કોઈ કર્મચારીએ એમને કદી જોયાં જ ન હતાં. સવારે એટલાં વહેલાં ઊઠીને ગંગાસ્નાન માટે જતાં કે એક વાર એમનો પગ મગર પર પડતાં રહી ગયો હતો. નોબતખાનામાં ચીજવસ્તુઓ રાખવા માટે કંઈ ડબરાડૂબરી ન હતાં, ઘોડા કબાટ ન હતા. બધું અધ્ધર છીંકે રાખવામાં આવતું અને એ નાનકડા ઓરડામાં છીંકાં એટલાં બધાં હતાં કે ઊંચું મસ્તક રાખીને ટટ્ટાર ચાલી શકાતું નથી. નોબતખાનાની એ નાનકડી ઓરડી જ એમનું દીવાનખાનું, કોઠાર, અને રસોડું હતી. વળી, પહેલાં એમનાં સાસુ ત્યાં રહેતાં અને પછીથી, ગોલાપમા, ગૌરીમા કે લક્ષ્મી કોઈક ને કોઈક ત્યાં રહેતું. આમ છતાં, પોતાને ત્યાં સાંકડ પડે છે તેવી ફરિયાદનો સૂર તેમણે કદી પણ કાઢ્યો ન હતો.

ઢીંગલાઢીંગલીથી ઘરઘર રચતી નાનકડી બાલિકામાં પણ માતૃત્વની ભાવના ગોપિત પ્રેરણારૂપે હોય છે. એમ સૌ કહેતાં હોઈએ છીએ. શ્રીમા શારદાદેવીના માતૃત્વની ભાગીરથી જીવનભર વહેતી જ રહી. ઠાકુરનું અને શ્રીમા શારદાદેવીનું કામવિવર્જિત જીવન જોઈને શ્રીમા શારદાદેવીનાં મા શ્યામાસુંદરીએ એક વેળા દુ:ખ વ્યક્ત કર્યું હતું, ‘અરે રે! મારી દીકરીને કોઈ ‘મા’ નહીં કહે.’ ત્યારે ઠાકુરે જવાબ આપ્યો હતો: ‘એમને એટલાં બધાં માણસો ‘મા’ કહી પોકારશે કે એમના કાન પાકી જશે.’ અને તેમ જ બન્યું. મંદિરના પરિસરનાં કર્મચારીઓ, દાસદાસીઓ સૌ તેમને ‘મા’ કહી સંબોધતાં. અને જે એમને ‘મા’ કહી બોલાવતું તે સૌ કોઈ તરફ શારદામા સન્તાનભાવે જ જોતાં. પોતાનો ભાઈભાગ લઈ ઘર છોડી ચાલી ગયેલો વંઠેલ, ઉડાઉ દીકરો ભૂંડે હાલ, પાછો આવ્યો ત્યારે એના બાપે એને પ્રેમથી સત્કાર્યાની કથા ‘બાઈબલ’માં છે તે પ્રમાણે, શ્રીમા શારદાને મન વંઠેલાંના વાંક વસતા ન હતા. કાલી મંદિરના પરિસરની એક દાસી ચારિત્ર્યમાં શિથિલ હતી. એક બપોરે શ્રીઠાકુરના ભોજનની થાળી હાથમાં અધ્ધર લઈ નોબતખાનેથી નીકળી શ્રીમા શ્રીઠાકુરને ઓરડે જતાં હતાં ત્યાં પેલી દાસી અચાનક ત્યાંથી નીકળી. ‘મા, લાવો શ્રીઠાકુરની થાળી હું લઈ જઉં છું’ કહી તેણે શ્રીમા શારદાના હાથમાં અધ્ધર રહેલી થાળી લઈ લીધી અને ઝડપથી ચાલી. શ્રીઠાકુરના ઓરડામાં એ પાછળની બાજુએથી દાખલ થઈ અને ‘શ્રીઠાકુર, આ તમારું ભાણું,’ કહી રોજ શ્રીઠાકુર જે ઠેકાણે બેસી જમતા હશે ત્યાં તે થાળી મૂકી, આગલે બારણેથી સડસડાટ મંદિરના ચોગાનમાં ઊતરી ગઈ. જેના તેના હાથની અડેલી વસ્તુને શ્રીઠાકુર અડી શકતા ન હતા કે એવી વ્યક્તિના સ્પર્શવાળી ખાવાની વસ્તુને ઠાકુર ખાઈ પણ ન શકતા. શ્રીઠાકુર જમ્યા વગર બેઠા છે તે એ ઓરડે પ્રવેશતાં જ શ્રીમા શારદાએ જોયું. એ તરત સમજી ગયાં. ગમે તેને પોતાનું ખાવાનું નહીં આપવાનું શ્રીઠાકુર કહેતા, શ્રીમા બોલ્યાં, ‘હું કોઈને જ આપતી નથી પણ આણે મને ‘મા’ કહી મારા હાથમાં અધ્ધર રહેલી થાળી સરકાવી લીધી. એનું ચારિત્ર્ય મલીન છે તે મેં સાંભળ્યું છે. પણ માને તો મેલાંઘેલાં અને ડાહ્યાંડમરાં બધાં બાળકો સરખાં.’ માની આ દલીલ અકાટ્ય હતી. પેલાં ઘેલાં સન્તાનો પ્રત્યે મા વધારે પ્રેમ દાખવો શ્રીમા પૂરાં સંસારડાહ્યાં હતાં.

એમના આ ‘ડહાપણ’નો એક બીજો, વિચિત્ર જ લાગે તેવો કિસ્સો પણ નોંધાયો છે. કોઈ શ્રીઠાકુરને ગોપીભાવે પ્રેમ કરતી આવી અને શ્રીઠાકુરના ઓરડાની બારી પાસે ઊભી રહી એ પ્રેમપ્રલાપ કરવા લાગી. શ્રીઠાકુર એથી નારાજ થયા અને પેલી સ્ત્રીને ક્રોધભર્યે સ્વરે ત્યાંથી જવાનું કહેવા લાગ્યા. ઘોંઘાટ સાંભળી શ્રીમા શારદા ત્યાં આવ્યાં. પેલી ‘ગોપી’ને એ નોબતખાને લઈ ગયાં અને એને શાંત કરી વિદાય આપી.

પરંતુ શ્રીમા સંસારમાં ‘ફસાયાં’ ઠાકુરની મહાસમાધિને થોડાં વર્ષો વીત્યા પછી. ઠાકુરના નિર્વાણ પછી એક વર્ષ જેટલો સમય વૃંદાવન વગેરે સ્થળોમાં વીતાવ્યા પછી, ૧૮૮૭માં એ કામારપુકુર રહેવાને ગયાં. એમનો એ કામારપુકુરનો કાળ આકરી કસોટીનો હતો, જીવવા પર પૂર્ણ વૈરાગ્ય આવી જાય તેવો. શ્રીમાની દશા અસહ્ય, નિરાધાર જેવી બની ગઈ હતી. એ કપરા દિવસોમાં શ્રીઠાકુરે એમને લાલ કિનારની ઓઢણી ઓઢેલી એક નાની બાળકી દેખાડીને કહ્યું હતું: ‘તમે એને આધારે જીવન વ્યતીત કરજો.’

એ બાળકી કોણ હતી તે શ્રીઠાકુરે કહ્યું ન હતું. પણ, એ બાલિકા જન્મે તેની પહેલાંથી તેની તહેનાતમાં શ્રીમાને રહેવું પડ્યું હતું. પોતાના ચાર ભાઈઓમાંથી સૌથી નાનો અભય ભણવે હોશિયાર હતો. શાળાનો અભ્યાસ સારી રીતે પૂરો કરી, એ ડોક્ટરી વિદ્યાનો અભ્યાસ કરવા લાગ્યો હતો. પોતાની છેલ્લી પરીક્ષાનું પરિણામ આવે તે પહેલાં તે ગંભીર બીમાર પડ્યો અને, પોતે બચવાનો નથી તેમ લાગતાં એણે પોતાની સોળસત્તર વર્ષની સગર્ભા પત્ની સુરબાળાની – તથા આવનાર બાળકની – ખાસ ભલામણ પોતાનાં મોટાં બહેનને કરી પ્રાણ છોડ્યા. સુરબાળાને પિયેરનું સુખ ન હતું તેમાં, પોતાની આ અવસ્થામાં પોતાનો પતિ પણ જતો રહ્યો તેની અસર એના મન ઉપર થઈ અને એ અવારનવાર ઘેલછાનો ભોગ બનવા લાગી. શ્રીઠાકુરના સૌ શિષ્યો શારદાદેવીને ‘મા’ કહીને બોલાવતા એટલે શ્રીમાની ભાભી સુરબાળાને ‘મામી’-‘પગલી મામી’ કહીને બોલાવવા લાગ્યા. યથાસમય સુરબાળાએ પુત્રીને જન્મ આપ્યો. એનું નામ ‘રાધા’ પાડવામાં આવ્યું પણ એ ‘રાધુ’ – ‘રાધી’ તરીકે જ ઓળખાતી. આ ‘રાધુ’ તે જ શ્રીરામકૃષ્ણે શ્રીમાને દર્શનમાં દેખાડેલી બાલિકા. આ નવજાત બાલિકાના ઊછેરથી અને એની પાગલ માતાની દેખભાળથી શારદામાનો ‘સંસાર’ આરંભાયો.

આ રાધુના ઊછેરની, એનાં કપડાંની, સમય જતાં એના લગ્નની ને પછી એની પ્રસુતિની, એમ બધી જવાબદારીઓ શ્રી શારદામાને જ ઉઠાવવી પડી હતી. માની આંગળીએ એ કોલકાતા આવે ને જયરામવાટી જાય, માની સાથે એ જાત્રાએ પણ જાય. એનું સગપણ કરવાની ઉપાધિથી શ્રીમા શારદા દૂર રહ્યા પણ એના લગ્નની તમામ વ્યવસ્થા શ્રીમાએ જ કરવી પડી હતી. અને એમણે એવી કરી હતી કે સદા અસંતુષ્ઠ રહેવાનો જ તેનો સ્વભાવ એવો વેવાઈપક્ષ મોંમાં આંગળાં ઘાલી ગયો હતો. શ્રીમા હતાં સંન્યાસિની પણ સંસારની જવાબદારી નિભાવવાનું એ પૂરું જાણતાં હોઈ, રાધુને સાસરિયાં મેણું ન મારે તેની પૂરી કાળજી તેમણે લીધી હતી.

શ્રીમાના બીજા એક ભાઈ ઘરભંગ થતાં અને એમણે બીજું લગ્ન કરતાં, એ ભાઈની બે પુત્રીઓ, માકુ અને નલિનીને પણ માએ સંભાળવી પડી હતી. એક ભત્રીજો, ભૂદેવ પણ મા સાથે જ રહેતો થઈ ગયો હતો અને એક અપરિણીત વૃદ્ધ કાકાને એમની વૃદ્ધાવસ્થામાં સંભાળવાની જવાબદારી પણ શ્રીમા શારદાએ ઉઠાવવી પડી હતી. પૂરા સ્વાર્થરત એવા એમના ભાઈઓ સૌ પોતપોતાનું સાચવીને બેઠા રહેતા હતા. એમને વાતવાતમાં વાકું પાડતાં આવડતું. એકવાર કોઈ શુભ પ્રસંગે એમનો એક ભાઈ રીસાઈને ચાલી ગયો અને, બોલાવ્યા છતાં જમવાને ન આવ્યો. સાંજે એને ખબર પડી કે પોતે જમ્યો નથી એટલે મોટી બહેન – શ્રીમા શારદા – પણ જમ્યાં નથી ત્યારે તે ચુપચાપ જમવા આવ્યો. એ આવ્યો ત્યારે, એને જમાડ્યો અને શારદામા પણ જમવા બેઠાં પણ, ભાઈના રીસશેષનું કારણ એમણે પૂછ્યું નહીં, ‘જમવા કેમ મોડો આવ્યો’ એમ પણ પૂછ્યું નહીં. આવી એમની સંસારથી અલિપ્તતા હતી ને છતાંય, નાનો ભાઈ ભૂખ્યો છે ત્યાં સુધી પોતાના મોઢામાં કોળિયો નહીં મૂકવાની, સંવેદનશીલતા પણ હતી. માત્ર સંસારી બુદ્ધિ જ હોત તો, ‘ભલે રહ્યો એ ભૂખ્યો, કારણ વગર રીસાવાની એને ટેવ છે’, કહી એમણે જમી લીધું હોત.

શ્રીમાની સાથે રહેતા અને યથાશક્તિમતિ સાધના કરતાં ગૌરીમા શ્રીમા શારદાના જીવનની આ વિલક્ષણતા સમજી શક્યાં ન હતાં. એમને લાગતું હતું કે સાધનાનો પથ છોડી, શ્રીમા શારદા પૂરાં જંજાળી બની ગયાં છે. ત્યારે, ‘સંસાર સરસો રહે, મન મારી પાસ’, એ અખાપંક્તિ ચરિતાર્થ કરતું શ્રીમા શારદાનું જીવન હતું. વણકર કબીરે ‘ચદરિયાં’ વણતાં વણતાં જ અધ્યાત્મની ચાદર એવી વણી હતી કે એની ઉપર કશો ડાઘ લાગ્યો ન હતો અને એ ‘જ્યું કિ ત્યું’ પ્રભુને ધરી દીધી હતી. નરસિંહ મહેતાએ પુત્ર શામળદાસનો વિવાહ ધામધૂમથી કર્યો હતો, કોઈને કાવડિયું પણ ધીર્યા વિના ‘હૂંડી’ લખી હતી અને દીકરી કુંવરબાઈના સીમંતપ્રસંગે અદ્‌ભુત મામેરું કર્યું હતું. ‘ભારે મોટા બે પાણા લખો ને, જે મહેતાથી અપાય’, બોલનાર કુંવરબાઈની નણંદ મોસાળની છાબમાં બે પાણા જોઈ આભી થઈ ગઈ હતી કારણ, એ પાણા સોનાના હતા. આમ ભક્તિને અને સંસારને વિરોધ નથી એમ દર્શાવતા બીજા દૃષ્ટાંતો પણ છે જ.

આમ શ્રીમા શારદા સંસારમાં હતાં, સંસાર એમનામાં ન હતો. ના, એ હતો પરંતુ, તદ્દન વિચિત્ર રીતે, ૧૮૮૬થી શ્રીમાનું ધ્યાન રાખવા માટે યુવાન સ્વામી યોગાનંદ શ્રીમા સાથે રહેતા. તેમનું અકાળે અવસાન થતાં, શ્રીમાની જવાબદારી થોડા સમય માટે સ્વામી ત્રિગુણાતીતાનંદે લીધી. ત્યારે, એકવાર મા જયરામવાટી જતાં હતાં. અમુક સ્થળેથી ગાડું બાંધ્યું હતું. શ્રીમા ગાડામાં હતાં, ત્રિગુણાતીતાનંદ ગાડાની બાજુમાં ચાલતા જતા હતા. દામોદર નદી ઓળંગ્યા પછી શ્રીમા ઝોકે ચડી ગયાં અને એક સ્થાને ગાડામારગ ધોવાઈ ગયો હતો ને એવો કે એક તરફ ચીલો બરાબર હતો અને એક જગ્યાએ બીજા ચીલાની બાજુએ ગાબડું પડી ગયું હતું. ત્રિગુણાતીતાનંદે માર્ગ કાઢયો. એમણે ગાડાખેડુને કહ્યું: ‘આ ખાડો છે તેમાં હું વાંકો વળીને બેસું છું. મારા વાંસા પરથી તું આસ્તેથી ગાડું લઈ લેજે.’ ગાડું ચાલતું અટકી જવાથી તથા ગાડાવાળાની અને યુવાન સંન્યાસી વચ્ચેની વાતચીતથી શ્રીમા શારદા જાગી ગયાં. શા માટે ગાડું અટકી ગયું તે પૂછતાં, ત્રિગુણાતીતાનંદની સૂચના મુજબ ગાડું ચલાવવા તૈયાર થયેલા ગાડાના હાંકનાર પાસેથી હકીકત જાણી મા તરત જ ગાડામાંથી કૂદી પડ્યાં અને ત્રિગુણાતીતાનંદને વઢતાં બોલ્યાં: ‘બેટા, આમ કરીને તું મને કેવા પાપમાં નાખત. ન કરે નારાયણ અને તની કશી ઈજા થઈ તો હું દુનિયાને મોઢું શું બતાવત.’ પછી પોતે ચાલીને ગયાં અને ગાડું એ ખાડાની બાજુએથી તારવીને ગાડાવાળો લઈ ગયો પછી મા ફરી ગાડે બેઠાં, જે લોહીથી પોતાનાં ન હતાં તે પોતાનાં કરતાં પણ વિશેષ હતાં. શ્રીમાના સંસારની જાળ સ્વાર્થને તાણેવાણે વણાયેલી ન હતી.

નલિનીને વળગેલા છૂતાછૂતના ભૂતે, સુરબાળાની ઘેલછાથી નીપજેલી અણસમજે અને, અફીણની લતે ચડી શ્રીમાને સારી કહેવરાવે તેવી બની ગયેલી રાધુએ શ્રીમાને કવરાવવામાં કશું બાકી રાખ્યું ન હતું. જયરામવાટીમાં એકવાર રસોડાના ચૂલામાંથી સળગતું લાકડું લઈને સુરબાળા શ્રીમાને તેનો પ્રહાર કરવા ગઈ હતી. અફીણની કટેવની ટીકા કરવા માટે રાધુએ મોટું રીંગણું શ્રીમાની પીઠમાં ખૂબ ખુન્નસથી માર્યું હતું. ‘ઠાકુર, એ અણસમજુ છે. એને ક્ષમા કરજો’ એ હતાં શ્રીમા શારદાનો પ્રતિભાવ.

રાધુ તો જન્મથી જ શ્રીમા શારદાદેવી પાસે જ ઉછરી હતી. એના દીકરાને પણ જન્મથી જ શ્રીમાનો ખોળો મળ્યો હતો. છતાં, પોતાની અંતિમ માંદગી સમયે, સંસાર સાથેનો બધો સંબંધ શ્રીમાએ કાપી નાખ્યો હતો અને આ સૌનાં મોઢાં જોવાથી પણ દૂર રહ્યાં હતાં. ગૌરીમાને પણ શ્રીમાએ આઘાં કાઢ્યાં હતાં. એમનો ભારવાહક, એમનો માનસપુત્ર  શરત- સ્વામી શારદાનંદ – ની જ અંતિમ સેવાચાકરી એમણે સ્વીકારી હતી. બાહ્યાચારે ભલે પોતે સંન્યાસિની ન હતાં પણ સંન્યાસ એમના જીવનના પ્રત્યેક તાણાવાણામાં હતો. એમના ચિતાગ્નિને શાંત કરવા ગંગાજળનો ઘડો સૌ પહેલાં ત્યાગી, સંન્યાસી શારદાપુત્ર સ્વામી શારદાનંદે રેડયો હતો. પછી જોરદાર થયેલી વૃષ્ટિએ ચિતાને ટાઢી કરી દીધી હતી.

સંન્યાસિનીનો સંસાર સાથેનો નાતો એ વૃષ્ટિએ નિર્દેશી આપ્યો હતો.

Total Views: 78

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.