* ઈશ્વર વિવિધ રૂપે દેખાય છે — કોઈક વાર મનુષ્યરૂપે તો કોઈ વાર ચિન્મયરૂપે. પણ દિવ્ય રૂપોમાં શ્રદ્ધા જોઈએ.

* સચ્ચિદાનંદરૂપ કેવું છે એ કોઈ કહી શકે નહીં એટલે એણે પ્રથમ અર્ધનારીશ્વરનું રૂપ લીધું. શા માટે તે જાણો છો? પ્રકૃતિ અને પુરુષ બંને પોતે જ છે એમ દર્શાવવા માટે. તેનાથી પણ નીચેની કક્ષાએ આવી, સચ્ચિદાનંદે અનેક પુરુષો અને પ્રકૃતિઓનાં રૂપ ધારણ કર્યાં.

* સમુદ્રનું પાણી દૂરથી ઘેરા નીલ રંગનું દેખાય છે પણ જ્યારે તમે થોડુંક હાથમાં લો એટલે ચોક્ખું-રંગ વગરનું જણાશે. એ રીતે દૂરથી શ્રીકૃષ્ણ ઘનશ્યામ દેખાય છે પણ એ એવા નથી. એ ઉપાધિ રહિત, વર્ણરહિત, નિરંજન છે.

* શ્રીકૃષ્ણને ત્રિભંગ એટલે, ત્રણ ઠેકાણેથી વળેલા, કહેવાય છે. કુમળી વસ્તુને જ વાળી શકાય. એટલે શ્રીકૃષ્ણનું આ રૂપ નિર્દેશે છે કે એક કે બીજી રીતે એ કુમળા થયા છે. પ્રેમ, અનુરાગને કારણે એ શક્ય બન્યું છે.

* ભક્ત: કાલીમાતાને યોગમાયા કેમ કહે છે?

ઠાકુર : યોગમાયા એટલે પુરુષ અને પ્રકૃતિનો યોગ. તમે જે કંઈ પણ જુઓ છો એ બધું પુરુષપ્રકૃતિનો યોગ છે. શિવકાલીની મૂર્તિમાં શિવના ઉપર કાલી ઊભી છે  તમે એ શું જોયું નથી? શિવ શબની જેમ પડ્યા છે અને કાલી શિવની તરફ તાકી રહી છે. આ બધું પુરુષપ્રકૃતિનો યોગ છે. પુરુષ નિષ્ક્રિય છે એટલે શિવ શબની જેમ પડ્યા છે. પુરુષની સાથે જોડાઈને પ્રકૃતિ સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય જેવાં બધાં કાર્યો કરી રહી છે. રાધાકૃષ્ણની યુગલમૂર્તિનો પણ આ જ અર્થ છે.

* તમે જેમ ઈશ્વર તરફ આગળ વધો તેમ, એનું ઐશ્વર્ય તમે ખરતું અનુભવશો. સાધકને પ્રથમ દર્શન દશ હાથવાળી દુર્ગાનું, વિશ્વની પરમાશક્તિનું થાય. એ સ્વરૂપ શક્તિ-મહિમાની મોટી અભિવ્યક્તિ છે. પછી એ દ્વિભુજા દેખાય છે; વિવિધ અસ્ત્રશસ્ત્ર સાથેની એ દશ ભૂજાઓ હવે નથી દેખાતી. પછી ગોપાલ રૂપ દેખાય છે, એ રૂપમાં શક્તિ કે મહિમા કંઈ નથી – એ તો એક તદ્દન કોમળ શિશુ છે. એનાથીયે ચડિયાતું દર્શન છે – જ્વલંત જ્યોતનું દર્શન.

* ઈશ્વર બધા મનુષ્યોમાં છે પણ, બધાં મનુષ્યો ઈશ્વરમાં નથી; એટલે તો તેઓ દુ:ખ ભોગવે છે.

* પ્રત્યેક પદાર્થ નારાયણ છે. મનુષ્ય નારાયણ છે, પશુ નારાયણ છે, અન્ન નારાયણ છે, મૂર્ખ પણ નારાયણ છે. જે કંઈ અસ્તિત્વ ધરાવે છે તે નારાયણ છે. નારાયણ વિવિધ રૂપે લીલા કરે છે. સઘળી ચીજો એનાં વિવિધ રૂપો છે અને, એના મહિમાની અભિવ્યક્તિઓ છે.

* ઈશ્વર કહે છે: ‘ડંખ દેનાર સર્પ હું છું અને, ઝેર ઉતારનાર મદારીયે હું છું, શિક્ષા ફરમાવનાર ન્યાયધીશ હું છું અને, શિક્ષાનો અમલ કરનાર ચાકર પણ હું છું.’

* વિભિન્ન પ્રવૃત્તિક્ષેત્રોમાં ઈશ્વરીય શક્તિનું પ્રાક્ટ્ય ભિન્ન ભિન્ન હોય છે; કારણ, એકવિધતા નહીં પણ વિવિધતા જ કાનૂન છે. ઈશ્વર સર્વ પ્રાણીઓમાં વ્યાપ્ત છે; એ કીડીમાં પણ છે. માત્ર અભિવ્યક્તિમાં તફાવત છે.

* અનેક લોકોના આદરને અને માનને પાત્ર હોય અને અનેક લોકો જેની આજ્ઞા ઉઠાવતા હોય તેનામાં ઈશ્વરી શક્તિ સવિશેષ છે, આવી અસર વિનાના માણસમાં એ ઓછી છે.

* પ્ર. પાર્થિવદેહમાં ઈશ્વર કેવી રીતે વસે?

ઉ. પિચકારીમાં હાથો હોય એ રીતે એ શરીરમાં રહે છે. એ શરીરમાં છે અને છતાં એનાથી અલગ છે.

(‘શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી’માંથી)

Total Views: 45
By Published On: December 1, 2004Categories: Ramakrishna Dev0 CommentsTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.

Facebook
WhatsApp
Twitter
Telegram