રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના હિન્દી પુસ્તક ‘મમતામયી માઁ શારદા’માં પ્રસિદ્ધ થયેલ આ લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદનો બાકીનો અંશ અહીં પ્રસ્તુત છે. – સં.

કોલકાતામાં પ્લેગના નિવારણનું કાર્ય કરવાનું છે, રાજા મહારાજ ‘પૈસા નથી’,  ‘પૈસા નથી’ કરી રહ્યા છે. વિશાળ હૃદય, વેદાંત ભાસ્કર, વીર વિવેકાનંદે નિર્દેશ આપ્યો છે : ‘બરાબર છે. જરૂર પડશે તો બેલુરમઠ વહેંચી નાખીશ. પૈસાની શા માટે ચિંતા કરો?’ જે બેલુરમઠના નિર્માણ માટે એટલા વ્યગ્ર હતા અત્યંત પરિશ્રમ કરીને જેમણે જેને માટે ધન એકઠું કર્યું હતું. એમણે પોતે જ કોઈ કારણવશાત્‌ એને વેંચી નાખવાની વાત કરી. બાબુરામ મહારાજ, રાજા મહારાજ ભયથી સંત્રસ્ત છે. બાપ રે! આ નરેન શું કહે છે? ક્યાં જઈએ, હવે શું થશે, બેલુરમઠને વેંચી નાખશે બધો ખેલ પૂરો થશે. આમ વિચારતા દોડતા દોડતા એ બધા પહોંચ્યા શ્રીમા પાસે! શ્રીમા આદેશ આપે છે. તેઓ કોણ છે? શ્રીરામકૃષ્ણનાં પત્ની અને આ બાજુએ રામકૃષ્ણ મઠ અને મિશનના પ્રતિષ્ઠાતા સ્વામી વિવેકાનંદ. સ્વામી પ્રેમાનંદ બધા છે, બધા દોડીને ગયા સુપ્રિમ કોર્ટમાં. શ્રીમા કહે છે : ‘નરેનને કહો, મઠ વેંચવાનો નથી. એક જ રાહત કાર્ય નથી. આ મઠ અને મિશન અનેક રાહતકાર્ય કરશે. એટલે આ મઠ વેંચાશે નહીં.’ બધા ચૂપ છે.

મઠનો એક ઓરિસ્સાવાસી નોકર ક્યારેક ક્યારેક ચોરી કરતો હતો એટલે સ્વામીજીએ તેને કાઢી મૂક્યો હતો. નોકરે સીધું માને જઈને કહ્યું: ‘જુઓ મા! મને બે-ચાર રૂપિયા મળતા હતા – જુઓ હવે મારી દશા! એ જ પૈસાથી કુટુંબીજનોનું ભરણપોષણ થતું હતું. હવે તો સ્વામીજીએ મને કાઢી જ મૂક્યો છે.’ માએ એને આલિંગન આપીને, શરીરે ચોપડવા તેલ આપ્યું. સ્નાન પછી સુંદર વસ્ત્ર આપ્યાં અને ભોજન પણ આપ્યું. બાબુરામ મહારાજ એ વખતે બેલૂર મઠ જતા હતા, શ્રીમાએ કહ્યું: ‘બાબુરામ, આ ગરીબ માણસ શું કરશે? એને મઠમાં પાછા લઈ જાઓ.’ બાબુરામ મહારાજ ઓરિસ્સાવાસી સાથે મઠ પહોંચ્યા. જોતાં જ સ્વામીજી બોલી ઊઠ્યા: ‘જુઓ, બાબુરામનું ગાંડપણ! આ ચોરને પાછો લઈ આવ્યો!’ બાબુરામ મહારાજે કહ્યું: ‘હું નથી લાવ્યો, શ્રીમાએ મોકલ્યો છે.’ સ્વામીજી ચૂપ અને બીજા બધા પણ ચૂપ.

શ્રીમાની અનુકંપા તેમજ માતૃત્વની વ્યાપકતા વિશે જેટલું આપણે વધારે વિચારીએ તેટલા આપણે મંત્રમુગ્ધ બની જઈએ. જ્ઞાન મહારાજ શ્રીમાના શિષ્ય છે. તેઓ ઘણા સમય સુધી જયરામવાટીમાં હતા અને એમણે શ્રીમાની અવિરત સેવા કરી હતી. બિલાડીઓના ઉપદ્રવથી થાકી-હારીને જ્ઞાન મહારાજ એ બિલાડીઓ પર ક્રોધિત થાય એ શ્રીમાને ન ગમતું. શ્રીમાએ કહ્યું: ‘જ્ઞાન, તું આ રીતે બિલાડીઓને મારતો નહિ.’ શ્રીમાની સામે જ્ઞાન મહારાજ પણ ચૂપ, બિલાડીઓને મારતા નથી પરંતુ એમને સ્વાદ ચખાડવાનું ચૂકતા નહિ. જ્ઞાન મહારાજ ગુસ્સે થઈને કહેતા: ‘આના ત્રાસથી તો દૂધેય રહેતું નથી અને માછલીયે રહેતી નથી.’ સાંભળીને શ્રીમાએ કહ્યું: ‘એ હું જ છું. એની ભીતર મારો જ વાસ છે.’ આ કેવી વિલક્ષણ વાત છે! હવે જ્ઞાન મહારાજને એ રહસ્ય સમજાયું. શ્રીઠાકુરને ભોગ ધરી રહ્યા છે, મીઠાઈમાં કીડી ચડી ગઈ છે. શ્રીમા જુએ છે કે શ્રીઠાકુર કીડીવનભોગ ગ્રહણ કરી રહ્યા છે. એ કીડીઓને દૂર કરવા માટે પણ તેઓ સર્વથા અસમર્થ છે.

શ્રીમાના વિશે ઘણું વાંચ્યું છે. જેમ જેમ એમના જીવનનાં ઊંડાણમાં પ્રવેશતા જઈએ છીએ તેમ તેમ એમના વધુને વધુ નવા નવા આયામોથી આપણું મન અવાક્‌ બની જાય છે. એક વાછડાના પેટમાં કોણ જાણે શું થઈ ગયું? પીડાથી તે ભાંભરે છે. આપણે લોકો આવી સ્થિતિમાં શું કરીએ? ભરવાડને બોલાવીને બતાવી દઈએ. આપણાં આ માએ શું કર્યું? વાછડાની દુ:ખપીડા જોઈને થોડા સમય પછી તેના પેટ પર અત્યંત સ્નેહ અને માર્દવતાથી હાથ ફેરવવા લાગ્યાં. સાથે ને સાથે જેમ મા બાળકને પોતાના ખોળામાં લઈ લે એવી રીતે એ વાછડાના પેટને પોતાના ખોળામાં સમેટીને બેઠાં છે. થોડા સમય પછી વાછડાની પીડા ઓછી થઈ. આ શું છે? શું નવીનતાની તુલના થઈ શકે ખરી? શું આટલા વિશાળ માતૃત્વની કલ્પના પણ કરી શકાય ખરી? માએ પોતે જ કહ્યું છે: ‘ચેતન-અચેતન, જીવ-જંતુ, પશુ-પંખી, જે કંઈ પણ છે તે બધાંની મા હું, હું સાચી મા છું, કોઈ મનની માનેલી કે નકલી મા નહિ.’ આ જગતમાં વિશ્વનું સર્વશ્રેષ્ઠ પ્રદાન છે, મા. એ વાતમાં કોઈ સંદેહ નથી. પતિપત્ની, પુત્રકન્યા, આત્મીયસ્વજન, ફોઈમાસી, મામાભાણેજ, જે કોઈ વિવિધ સંબંધો છે એ બધા સંબંધોમાં એક પ્રકારની નિરર્થકતા જોવા મળે છે, એમનું બંધન સમ્યક્‌ કે એટલું ગંભીર નથી. સંબંધની ગંભીરતા છે કેવળ માતૃત્વમાં. આ માતૃત્વનું નિદર્શન આપણને બધા પ્રત્યે અનુકંપા રાખવામાં અને બધાંને પોતાના સ્વકીય બનાવવાની ક્ષમતામાં જોવા મળે છે. શ્રીમાને એમના એક આત્મીય વ્યક્તિએ કહ્યું: ‘શું કરો છો તમે, છત્રીસ જાતિવાળાને સ્પર્શો છો?’ શ્રીમાએ કહ્યું: ‘એ છત્રીસ કોના છે – હું તો બધાંની મા છું.’ આપણા જેવા આધુનિક દૃષ્ટિવાળાની જેમ આ વાત કેવળ વક્તવ્ય દેવા માટે કહેતાં નથી, પુસ્તક શાસ્ત્ર વાંચીને પણ કહ્યું નથી, સમજી વિચારીને યુક્તિપૂર્વક પણ આવી વાત કરી નથી. એમણે તો સહજભાવે પ્રસંગવશ ઉત્તર આપ્યો છે. શ્રીમાની વાત સદૈવ સ્વત: સ્ફૂર્ત હતી. શ્રીમાએ શું સાધન-ભજન કર્યાં હતાં? શું એમણે તપશ્ચર્યા કરી હતી? શું એમને સમાધિલાભ થયો હતો? સ્વામી ગંભીરાનંદજી લિખિત શ્રીમાનું જીવનચરિત્ર વાચી જુઓ. શ્રીમા સદૈવ સહજસમાધિભાવમાં રહેતાં. એમણે શું નથી કર્યું? શ્રીમા આત્મસ્થ જ રહેતાં, બહાર તો કેવળ એક અભિનય ચાલતો રહેતો. તેઓ પોતે જ હતાં – માયાશક્તિ, આદ્યાશક્તિ, ત્રિગુણાત્મિકા શક્તિ. તેઓ હતાં ‘લજ્જાપટ્ટાવૃત્તે નિત્યં સારદે જ્ઞાનદાયિકે’. આ લજ્જાપટ્ટમાં જ એમણે પોતાનું સમસ્ત ઐશ્વર્ય છુપાવી રાખ્યું હતું. આ માની કોઈ તુલના ન થઈ શકે. અત્યાર સુધી આવું કોઈ દૃષ્ટાંત જ મળતું નથી.

શ્રીમા હતાં સંઘજનની. પ્રયોજન પ્રમાણે કઠોર શાસન પણ એમણે કર્યું હતું. તેઓ ક્ષમાશીલ હતાં, દયાશીલ હતાં. એમની ક્ષમા, કરુણા, બધું અનંત છે. આ જ શ્રીમા જ્યારે કોઈ સંન્યાસીને મઠ-મિશનના નિયમોનું ઉલ્લંઘન કરતાં જોતાં તો અત્યંત તીવ્ર અને દૃઢ શબ્દોમાં તેઓ કહેતાં: ‘શું શું કરવું પડશે એ બધું શ્રીઠાકુર નરેન્દ્રને સમજાવી ગયા છે. નરેન જે કરે છે તે શ્રીઠાકુર પોતે જ કરી રહ્યા છે. જેઓ એનો સ્વીકાર કરી શકે તેઓ રહે; અને જે એનું પાલન નહિ કરે એ ચાલ્યા જશે.’ કેવા નિર્મમ છે શ્રીમા. અહીં મમતા લેશ પણ નથી. સ્નેહમયી મા ખરાં પણ પ્રયોજનવશ કઠોર અને નિર્મમ પણ ખરાં. દૃઢતાની તો તેઓ પરાકાષ્ઠા છે. છોકરીઓને પણ જ્યારે સર્તક સચેત કરવાની આવશ્યકતા હોય ત્યારે તેઓ એવું જ કરે છે. એવી જ રીતે પુરુષોને પણ સર્તક સચેત કરવાની જરૂર હોય ત્યારે તેવું કરવામાં તેઓ ચૂકતાં નહિ.

શ્રીમા પ્રથમકક્ષાના શાસનકર્તા છે. એનો પરિચય અનેક ઘટનાઓમાંથી મળે છે. શ્રીમા ભારતીય પ્રબંધન સંસ્થા Indian Institute of Management કે તેની કાર્યશિબિરમાં ક્યારેય ગયાં ન હતાં પરંતુ જો ક્યારેય કોઈ આશ્રમના અધ્યક્ષ નવા બ્રહ્મચારી પ્રત્યે શિષ્ટ વ્યવહાર ન દાખવતા તો શ્રીમા નિ:સંકોચપણે પ્રશાસિત કરતાં. શું આ નવીનતા નથી? મઠના સંન્યાસી સંતાનોમાં કોઈ સ્નાતક છે તો કોઈ સ્નાતકોત્તર. બધા વિદ્વાન, ભણેલાગણેલા છે અને આ બાજુ શ્રીમા શારદા છે અભણ. આમ હોવા છતાં પણ કેટલી સૂક્ષ્મ વિચારશક્તિ અને કેવી બુદ્ધિમત્તા! સંઘજનની શ્રીમા ગયાં છે કાશી સેવાશ્રમ. સેવાશ્રમની પ્રારંભિક અવસ્થા છે. શ્રીમાએ જોયું કે શ્રીઠાકુર ત્યાં સેવા ગ્રહણ કરી રહ્યા છે, દસ રૂપિયાની અનુગ્રહ રાશિ Divine Royalty એમણે Her Royalty દાનમાં આપી. કાશી ગયા પછી ત્યાંના અધ્યક્ષ પાસેથી એ જાણી શકીએ છીએ કે શ્રીમાએ આપેલ એ અનુગ્રહદાન આજે પણ ત્યાં સુરક્ષિત રહ્યું છે. એ અતિમહાન મૂલ્યવાન ‘કરન્સી નોટ’ છે. શ્રીમા શ્રીઠાકુરને હાથ જોડી પ્રાર્થના કરી ગયા છે: ‘હે ઠાકુર! તમારા નામે મારાં બાળકોએ સર્વસ્વનો ત્યાગ કર્યો છે, તેઓ બે ટાણાના ભોજન માટે અહીંતહીં ભટકતા રહે એ હું જોઈ નહિ શકું. તમારા નામે જેઓ ત્યાગ કરીને બહાર આવ્યા એમને સામાન્ય ભોજન અને વસ્ત્રનો અભાવ ક્યારેય ન થાય એવી મારી પ્રાર્થના છે.’

જુઓ, કેટલો સુંદર છે આપણો આ મઠ. શ્રીમાની દયાથી જ બધાને પર્યાપ્ત ભોજનવસ્ત્ર મળે છે, આ જ કારણે શ્રીમા વ્હાલાં લાગે છે અને શ્રીઠાકુર પ્રત્યે શ્રદ્ધાભક્તિ જાગે છે. નરેનનું પણ એમણે કેટકેટલું નિરીક્ષણ પરીક્ષણ કર્યું? બાબુરામને શ્રીમાએ બે રોટલી વધારે ખવડાવી દીધી, બસ એ જ સમયે શ્રીઠાકુરનું શાસનફરમાન આવી ગયું. આમ છતાં પણ શ્રીમાએ કહ્યું: ‘ખા, બેટા ખા! બે રસગુલ્લા વધુ ખા, પેટભરીને ખા અને સાંભળ રાતે બરાબર ઊંઘજે.’ 

શ્રીમાની સાથે સાધુનો વ્યવહાર કેવો છે, આ વિશે એક ઘટના હું તમને સંભળાવું છું. એક વ્યક્તિને અનેક વર્ષો સુધી અનવરત સાધનભજન, ત્યાગતપ કરવા છતાં પણ એને એવું લાગ્યું કે કંઈ મળતું નથી, વૈરાગ્ય ઉપજતો નથી, ઇન્દ્રિયસંયમ થતો નથી, હવે શું થશે? તે તો હતાશ થઈ ગયો. માનું સંતાન, સર્વથા દિઙમૂઢ બનીને ગયો શ્રીમાની પાસે. એણે કહ્યું: ‘હે મા, આ લો તમારી જપમાળ. કંઈ થયું નહિ.’ શ્રીમાએ કહ્યું: ‘તમે સૂઓ તો છો ને?’ પેલા સંન્યાસીએ કહ્યું: ‘હા, મા સૂઉ તો છું, અત્યાર સુધી માત્ર સૂતો જ રહ્યો.’ આ સાંભળીને અત્યંત સ્નેહપૂર્વક કહ્યું: ‘સાધુ થવાને કારણે જ શું સૂઓ છો. ગૃહસ્થ હોત તો શું આમ ન સૂતા રહેત?’  સંન્યાસીએ વિચાર કર્યો કે આ તો શ્રીમા સાચુ જ કહી રહ્યા છે. તેઓ જપમાળા પાછી લઈ ગયા. શ્રીમા ગૃહસ્થ અને સંન્યાસી બધાનું રક્ષણ બરાબર કરી રહ્યાં છે. શ્રીમા અભયા છે. આ વાત તો શ્રીમાએ પોતે જ કહી છે. જે લોકો શ્રીમાને પોતાના પ્રેમાગ્રહથી વિવશ કરી દેતા એમને શ્રીમા કહેતાં: ‘હા રે! હું સાચી મા છું, નકલી નહિ.’ અભયા અભયદાન દઈ ગયાં છે. નાગમહાશયનો પ્રસંગ યાદ આવે છે. એક બાજુએ સંઘજનનીના રૂપે પ્રયોજનીય શાસન પણ કરી ગયાં છે શ્રીમા. અને બીજી બાજુ જ્યારે પોતાનું અભિમાન ગુમાવીને નાગમહાશય માથું ઝીંકી ઝીંકીને રક્તાક્ત થઈ રહ્યા છે ત્યારે એ મતવાલા શિશુને શ્રીમા સ્વયં પોતાના હાથે જમાડે છે, કેવું અદ્‌ભુત અને અપૂર્વ દૃશ્ય છે આ!

આ જ શ્રીમા છે, આપણાં મા છે, શ્રીઠાકુરનાં લીલાસંગિની મા. આધ્યાત્મિક સાધના, ત્યાગ, તપસ્યા, તિતિક્ષા, દયા જેની વાત કરીએ તે બધાની પરાકાષ્ઠા છે શ્રીમા. સર્વગુણોમાં ગુણમયી છે તેઓ. જે કોઈ સદ્‌ગુણની આપણે અભિપ્સા કરીએ એ બધું છે શ્રીમામાં. ‘લજ્જાપટ્ટાવૃત્તા’, જેમના કેવળ ચરણોની આંગળીઓ જ દેખાતી હતી, તેઓ જ લજ્જાપટ્ટને એકબાજુએ કરીને નાગ મહાશયની પીઠ પર હાથ પણ ફેરવે છે. અત્યારે તેઓ જગજ્જનની છે, સ્વયં ખાય છે અને એમને (નાગ મહાશયને) પણ ખવડાવે છે.

એક પતિતા રમણી આવે છે. શ્રીઠાકુરના ભોજનની થાળી શ્રીમાની પાસેથી લઈ જવા માટે. ‘મા, મને દેશો, આજે હું એ લઈ જઉં?’ તત્ક્ષણ શ્રીમાએ થાળી એને આપી દીધી. ક્રોધભર્યા સ્વરે શ્રીઠાકુરે શ્રીમાને કહ્યું: ‘કહો કે હવે પછી આવી સ્ત્રીના હાથે ભોજનની થાળી નહિ મોકલું.’ શ્રીમાએ જવાબ આપતાં કહ્યું: ‘મા, કહીને કોઈ માગે ત્યારે હું વિવશ બની જઉં છું. તમે માત્ર મારા જ ઠાકુર નથી, બધાના છો. એટલા સ્નેહમયી, એટલા ક્ષમાશીલ કે એમની સમીપ સૌ કોઈ નિર્ભય બનીને નિશ્ચિંતભાવે આશ્રય પામતાં. આ જ તો છે આપણાં શ્રીમા. એટલે જ એમણે કહ્યું છે: ‘ડર શાનો બેટા! હંમેશાં યાદ રાખજે છે કે તારી એક મા છે.’ કવિનું આ ગાન કેટલું સત્ય છે: ‘કોટિ ભાનુ, કોટિ ચંદ્ર છે જે મા, એ જ તો છે અમારી મહિમામંડિત માધુર્યગર્ભા મા.’

Total Views: 81

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.