શ્રીમા શારદાદેવી શાણપણ અને શક્તિનો એક અસીમ ખજાનો હતાં. એમાંથી સ્વામી વિવેકાનંદ પોતાના ગુરુદેવના જીવનકાર્યની પૂર્તિ માટે અવારનવાર પ્રેરણા મેળવતા. પોતાની મહાસમાધિ પહેલાં શ્રીરામકૃષ્ણદેવે પોતાની બધી શક્તિઓ સ્વામી વિવેકાનંદમાં રેડી દીધી અને તેમની ભાવધારાના પ્રચાર-પ્રસારના જીવનકાર્યની ધુરા પણ એમના ખભે નાખી દીધી. સાથે ને સાથે શ્રીમા શારદાદેવીને એ બધાનું નિરીક્ષણ કરવાની જવાબદારી સોંપી. પશ્ચિમમાંથી પાછા ફરીને સ્વામી વિવેકાનંદે પોતાના ગુરુદેવના જીવનસંદેશના પ્રચાર-પ્રસારના કાર્ય માટેનું કાર્યયંત્ર ગોઠવી દેવાનો નિર્ણય કર્યો. શ્રીમા ૧૮૯૭ના એપ્રિલમાં કોલકાતા આવ્યાં અને ગંગાકિનારે બાગબાજારમાં ભાડાના મકાનમાં રહ્યાં. સંજોગવશાત્‌ એવું બન્યું કે પોતાના શિષ્ય ખેતડીના મહારાજ અજીતસિંહને મળવા ઊડતી મુલાકાતે સ્વામીજી પણ કોલકાતા આવ્યા. અહીંના પોતાના રોકાણ દરમિયાન સ્વામીજી ત્રીજે દિવસે બપોર પછી શ્રીમાને મળવા આવ્યા. તેમણે સાષ્ટાંગ દંડવત્‌ પ્રણામ કર્યા. તેઓ પોતાના ઓરડાની નજીક ઊભાં હતાં. પગથી માથા સુધીનો ભાગ વસ્ત્રથી ઢંકાયેલો હતો. બંનેની વચ્ચે એક માધ્યમ રૂપે કામ કરતાં ગોલાપમા સાથે આ પ્રમાણે વાતચીત થઈ: 

ગોલાપમા: ‘શ્રીમા કહે છે કે શ્રીઠાકુર હંમેશાં તમારી સાથે જ છે. હજુ તમારે વિશ્વના કલ્યાણ માટે ઘણું ઘણું કરવાનું છે.’

સ્વામીજી : ‘હું આ બધું પ્રત્યક્ષ નિહાળું છું, અનુભવું છું, અને હું બરાબર સમજું છું કે હું તો ઠાકુરનું એક યંત્રમાત્ર છું. ત્યાં (પશ્ચિમના દેશોમાં) જે સફળતા મળી અને એ લોકોએ મારા પ્રત્યે માનાદર દાખવ્યાં, તેનાથી મને પૂરેપૂરી ખાતરી થઈ છે કે આવી અશક્ય બાબતો એમના (શ્રીમાના) શુભહૃદયના આશીર્વાદની શક્તિથી જ શક્ય બને. હું જ્યારે શાંતિમાં બેઠો હોઉં ત્યારે હું સ્પષ્ટપણે એ જાણી શક્યો કે જેને શ્રીઠાકુર ‘મા’ કહેતા એ જ દિવ્ય શક્તિ મને માર્ગદર્શન આપતી હતી.’

ગોલાપમા: ‘શ્રીમા કહે છે કે શ્રીઠાકુર જગદંબાથી પર ન હતા. શ્રીઠાકુરે જ તમારા દ્વારા એમનાં બધાં કાર્યો પૂરાં કર્યાં છે. તમે એમની પસંદગીના શ્રેષ્ઠપુત્ર અને શિષ્ય છો. તેઓ તમને કેટલું ચાહતા! તેમણે ભવિષ્યવાણી ભાખી હતી કે એક દિવસ તમે ચોક્કસપણે વિશ્વના વિલક્ષણ માર્ગદર્શક કે શિક્ષક બનશો.’

સ્વામીજી: ‘હે મા! હું એમના જીવનસંદેશનો પ્રચાર-પ્રસાર કરવા ઇચ્છું છું અને આ જ હેતુને ધ્યાનમાં રાખીને એક સુયોગ્ય અને સુદીર્ઘકાળ સુધી ટકી રહે તેવી એક સંસ્થાની સ્થાપના બને તેટલી વહેલી તકે કરવા માગું છું. પરંતુ હું એ કાર્ય મારી ઇચ્છામુજબની ત્વરાથી કરી શકતો નથી. એટલે નિરાશા અનુભવું છું.’

(હવે શ્રીમાએ પોતે જ અત્યંત મંદ અવાજે કહ્યું:) ‘ચિંતા ન કર. તેં જે કંઈ કર્યું છે અને હજુ પણ ભવિષ્યમાં કરીશ તે શાશ્વત ટકી રહેવાનું. તું આ કાર્ય માટે, તેમના મિશન માટે જ જન્મ્યો છે. વિશ્વના એક પ્રબુદ્ધ માર્ગદર્શક શિક્ષક રૂપે હજારો હજારો લોકો તારો જયજયકાર કરશે. હું તને ખાતરી આપું છું કે શ્રીઠાકુર તારી ઇચ્છા અલ્પ સમયમાં જ પૂરી કરશે. તારા આદર્શો વ્યવહારુ સ્વરૂપ લઈ રહ્યા છે એ થોડા સમયમાં જ તું જોઈશ.’

સ્વામીજી: ‘મા, મને એવા આશીર્વાદ આપો કે શક્ય બને તેટલી ઝડપથી મારી યોજનાઓ સાકાર બને.’

સ્વામી વિવેકાનંદે શ્રીમાને સાષ્ટાંગ દંડવત્‌ પ્રણામ કર્યા અને ત્યાંથી નીકળ્યા. થોડા દિવસો પછી ૧લી મે, ૧૮૯૭ના રોજ સ્વામીજીએ રામકૃષ્ણ મિશન સંઘનું મંગલ ઉદ્‌ઘાટન શ્રીમા શારદાદેવીના આશીર્વાદ સાથે કર્યું. પોતાની સંગિનીઓ સાથે શ્રીમા શારદાદેવી અને નારી ભક્તોએ આ સંઘની કેટલીક સાપ્તાહિક સભાઓમાં હાજરી પણ આપી હતી અને વિવિધ પ્રસંગે સ્વામીજીએ શ્રીમાને ભક્તિગીત સંભળાવીને તેમના મનને આનંદ પહોંચાડ્યો હતો. રામકૃષ્ણ મિશન દેશના વિવિધ ભાગોમાં હરણફાળ ભરતું આગેકૂચ કરી રહ્યું છે એ જોઈને શ્રીમાને ઘણો આનંદ થયો.

શ્રીરામકૃષ્ણદેવે પોતે જ રામકૃષ્ણ ભાવધારાનાં બીજ રોપ્યાં હતાં અને સ્વામી વિવેકાનંદે તેની માવજત લઈને કેળવ્યાં; પરંતુ શ્રીમાએ ૩૩ વર્ષ સુધી પોતાના વૈશ્વિક પ્રેમનાં વારિથી એ અંકુરોનું સિંચન કર્યું. તેમનો માતૃભાવભર્યો પ્રેમ, સ્વાર્પણભાવવાળી એમની સેવા, અદ્‌ભુત પવિત્રતા અને નિર્મળતા, અસીમ કરુણા, શ્રીઠાકુરની અસ્ખલિત શ્રદ્ધા, શ્રીરામકૃષ્ણ ભાવધારાના જીવંત અંગ બની ગયાં છે. શ્રીરામકૃષ્ણદેવના શક્તિસ્વરૂપ કાર્યરૂપિણી રૂપે શ્રીમા શારદાદેવી રામકૃષ્ણ સંઘને ઘાટ આપનાર માતા હતાં. શ્રીરામકૃષ્ણની મહાસમાધિ પછી પણ શ્રીઠાકુરના જ બીજા સ્વરૂપ જેવાં શ્રીમા શારદાદેવીએ એમનાં શાશ્વત અને ચૈતન્ય સ્વરૂપ એવા આ સંઘને અનુપ્રાણિત કર્યો. શ્રીમાને એટલી સ્પષ્ટ ખાતરી થઈ હતી કે શ્રીઠાકુરના જીવનસંદેશનો પ્રચાર-પ્રસાર કરવાના હેતુ માટે એમના સાક્ષાત્‌ સંન્યાસી પાર્ષદો આવો એક સંઘ રચે એ અત્યંત આવશ્યક હતું. એમની હૃદયની પ્રાર્થનાઓ અને સતત વહાવેલાં આંસુંએ રામકૃષ્ણ સંઘની શાશ્વત સ્થાપના માટે દિવ્યકૃપાને આહ્‌વાન કર્યું. ૧૮૯૦ના માર્ચમાં જ્યારે તેઓ બોધીગયાની યાત્રાએ ગયાં ત્યારે ત્યાંનો સુસમૃદ્ધ બૌદ્ધમઠ જોઈને તેમને શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્‌ સંન્યાસી શિષ્યોની નિરાધાર અવસ્થાનો ખ્યાલ આવ્યો. એમના હૃદયમાંથી આર્ષવાણી સમી પ્રાર્થના વહેવા લાગી. એમના વિશે એમણે પછીથી આમ કહ્યું હતું: ‘અરે! મારાં સંતાનો માટે હું શ્રીઠાકુર પાસે કેટલું બધું રડી હતી અને તેમને પ્રાર્થના પણ કરી હતી. એટલે જ આજે તમને સર્વસ્થળે મઠ અને કાર્ય કરતાં શાખાકેન્દ્રો એમની કૃપાથી જ જોવા મળે છે.’

પોતાનાં સંતાનોને એક કોળિયા અન્ન માટે આમ ભટકતા રહેવું પડે તે એમનાથી જોવાતું ન હતું. એમનાં સંતાનો શ્રીઠાકુર અને એમના જીવન-સંદેશને વળગી રહીને એકસાથે રહે એવું તેઓ હૃદયપૂર્વક ઇચ્છતાં હતાં. ૧૮૯૮ના મધ્યમાં હમણાં જ બેલૂરમાં નવા ખરીદાયેલા પ્લોટ જેના પર બેલૂર મઠના મકાનોનું બાંધકામ ચાલુ હતું એ જોવા માટે એક દિવસે શ્રીમા શારદાદેવી ગયાં. પોતાના સ્વપ્નને સાકાર થતું જોઈને અત્યંત પ્રસન્ન થઈને તેમણે કહ્યું: ‘અંતે લાંબા ગાળે આ છોકરાઓને પોતાનું માથું ટેકવા માટે આશ્રયસ્થાન મળ્યું છે. સુદીર્ઘકાળ પછી શ્રીઠાકુરે તેમના પર પોતાની અમીકૃપાભરી મંગલદૃષ્ટિ કરી છે!’ શ્રીઠાકુરના હૃદયના અનંત પ્રેમની અને હૃદયપૂર્વકની પ્રાર્થનાઓએ શ્રીમાની ઇચ્છાને પૂર્ણ કરવા માટે સ્વામી વિવેકાનંદને ઘણી સહાય કરી હતી. એટલે જ શ્રીમાને શક્તિ રૂપે તેમજ રામકૃષ્ણ સંઘના રક્ષક દેવદૂત માનવામાં આવે છે. એમના આ રૂપની સર્વસ્વીકૃતિ રૂપે ઓક્ટોબર, ૧૯૦૧ની બેલૂર મઠમાં યોજાયેલી દુર્ગાપૂજા શ્રીમાના નામે થઈ હતી. સ્વામીજીનું આ કાર્ય બેલૂર મઠની એક પ્રણાલી બની ગયું છે. શ્રીમા શારદાદેવી રામકૃષ્ણ સંઘના સર્વસભ્યોનાં હૃદયમાં મંગલઘટ રૂપે બિરાજ્યાં; એમણે સૌ કોઈ પર અમીકૃપા અને આશિષ વરસાવ્યાં તેમજ સહાય, શાંતિ અને પ્રેરણા પણ અર્પ્યાં.

નાના મોટા નિર્ણયો માટે સ્વામીજી શ્રીમાની સલાહ અને અનુમતિ ઝંખતા. સ્વામીજીના શ્રીમા પરનાં અવલંબન અને શ્રદ્ધાનો સ્પષ્ટ અને અટલ અણસાર એમની નિકટમાં રહેનારાની નજરે અચૂક પડી જતો. સ્વામીજી દૃઢપણે માનતા હતા કે શ્રીમા દ્વારા શ્રીઠાકુર પોતાને જ પ્રગટ કરી રહ્યા છે. શ્રીમાની ઇચ્છાશક્તિ કેવી પ્રભાવક રહેતી તેનો ખ્યાલ આપણને આ ઘટના પરથી આવશે: ઘણી ગંભીર ભૂલ કરનાર એક નોકરને સ્વામીજીએ કાઢી મૂક્યો. પેલો શ્રીમાને શરણે ગયો. તે દિવસે બપોર પછી શ્રીમાના ઘરે સ્વામી પ્રેમાનંદ આવી ચડ્યા. શ્રીમાએ તેમને કહ્યું: ‘જો બાબુરામ, આ માણસ ઘણો ગરીબ છે. તેણે જે કંઈ કર્યું છે એ એની ગરીબીને કારણે એને કરવું પડ્યું છે. એ ભૂલ કે ઊણપને લીધે શું નરેને આવો ઠપકો આપીને એને આમ કાઢી મૂકવો જોઈએ? આ દુનિયા તો દુ:ખદર્દથી ભરેલી છે. તમે સંન્યાસી છો અને એ બધાં વિશે બહુ ઓછું જાણો છો. એને પાછો કામે લઈ લેજો.’ સ્વામીજીની નાખુશીની ધારણા કરીને સ્વામી પ્રેમાનંદ થોડા ખચકાયા. પરંતુ શ્રીમાએ ભારપૂર્વક કહ્યું: ‘હું તમને કહું છું, એને પાછો લઈ લો.’ અને એમણે આજ્ઞાનું પાલન કરવું પડ્યું. પેલા ભાઈ સાથે તેઓ મઠમાં આવ્યા. પેલા માણસને જોઈને સ્વામીજીને ઘણો સંતાપ અને નારાજગી થયાં, પણ સ્વામી પ્રેમાનંદ પાસેથી બધુ સાંભળી લીધા પછી તેઓ શાંત રહ્યા. 

બીજાં બે દૃષ્ટાંતો સ્વામીજીની શ્રીમાની (આજ્ઞાની) સંપૂર્ણ આજ્ઞાકારિતાની યાદ અપાવે છે : ૧૮૯૮ના મે માસમાં કોલકાતાના લોકોએ પ્લેગનો ભયંકર ભય નજરે નિહાળ્યો અને પ્લેગના કાયદાકાનૂનથી તેઓ વિસ્મયવિમૂઢ બની ગયાં. આ મહામારીની પરિસ્થિતિનો સામનો કરવા માટે સ્વામીજીએ મોટા પાયે રાહત અને ચિકિત્સાસેવાનું આયોજન કરવા માટેનો મક્કમ નિર્ણય અને જાહેરાત કરી. જ્યારે એમના એક સંન્યાસી ગુરુબંધુએ સ્વામીજીને આ માટેના ફંડ વિશે પૂછ્યું ત્યારે તેમણે તરત જ જવાબ આપ્યો: ‘કેમ ભાઈ, જો જરૂર જણાશે તો આપણે આ નવા ખરીદેલ મઠની જમીન પણ વેંચી નાખશું!’ સ્વામી શારદાનંદજીનાં સંસ્મરણોમાંથી જાણવા મળે છે કે શ્રીમાએ આમાં હસ્તક્ષેપ કર્યો અને સ્વામીજીને આવું અંતિમ પગલું ભરતાં અટકાવ્યા. જો કે દાનનો પ્રવાહ વહેવા લાગ્યો અને સ્વામીજીના આત્માને સંતોષ આપતી મોટા પાયે રાહત-ચિકિત્સા સેવા ચાલતી રહી.

૧૯૦૧ના વર્ષમાં દુર્ગાપૂજા, લક્ષ્મીપૂજા ને કાલીપૂજા નિમિત્તે સ્વામીજી શ્રીજગદંબાનું જુની પ્રણાલીનું ચુસ્તપણે પાલન કરીને બેલૂર મઠમાં પૂજન કરવા માગતા હતા. સ્વામીજી અને સ્વામી પ્રેમાનંદ કોલકાતામાં શ્રીમાને મળ્યા અને એમની અનુજ્ઞા માગી. શ્રીમાએ આવી પૂજા માટે અનુજ્ઞા આપી અને આ ઉત્સવોમાં થોડાં સ્ત્રીભક્તો ઉપસ્થિત પણ રહ્યાં. આ પ્રસંગે ભાડે રાખેલા નીલાંબર મુખર્જીના નજીકના ઉદ્યાનગૃહમાં એમની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જો કે દુર્ગાપૂજાના દિવસે સ્વામીજીની પશુબલિ માટે તીવ્ર ઇચ્છા હતી પણ શ્રીમાના આગ્રહ અને સૂચનને કારણે એ વિચારને પડતો મૂકવામાં આવ્યો. ત્યારથી માંડીને રામકૃષ્ણ સંઘમાં પશુબલિ કાયમને માટે બંધ થયો. આ રીતે શ્રીમાની ઇચ્છા અને નિર્ણયો સ્વામીજી તેમજ સંઘના બીજા સભ્યો માટે બંધનકર્તા બની જતાં.

શ્રીમા શારદાદેવી રામકૃષ્ણ સંઘના સંચાલનમાં ભાગ્યે જ સીધો હસ્તક્ષેપ કરતાં; એટલું જ નહિ, પરંતુ સંન્યાસીઓ તેમની સલાહને અનુસરે એવો ક્યારેય આગ્રહ પણ ન રાખતાં. એમની વ્યક્ત થયેલી ઇચ્છાઓ જાણે કે દિવ્ય આજ્ઞા હોય તેવી રીતે તેમનો આદર પણ કરાતો. સ્વામીજીની જેમ રામકૃષ્ણ સંઘના બીજા સભ્યો પણ શ્રીમાની સલાહ અને તેમના મંગલકારી આશીર્વાદની માગણી કરતા. નવી નવી ફૂટેલી પાંખોવાળાં પોતાનાં બચ્ચાંની જેમ માદા પક્ષી પાંખો ફેલાવીને રક્ષણ કરે તેમ તેઓ પણ પોતાના વૈશ્વિક પ્રેમ અને સંઘના પ્રત્યેક વ્યક્તિ માટેની હૃદયની કોમળ લાગણીભરી કાળજીથી સંઘને રક્ષતાં. એમની દૃષ્ટિએ પ્રેમ એ આ સંઘનું જીવનબળ-ચાલકબળ હતું. સ્વામીજીએ શ્રીરામકૃષ્ણદેવના જીવન-સંદેશના વૈશ્વિક તત્ત્વજ્ઞાનના પાસા પર વધારે ભાર મૂક્યો હતો. શ્રીમાએ પોતાના જીવનમાં શ્રીરામકૃષ્ણમાં મૂર્તિમંત રહેલા વૈશ્વિકપ્રેમને જીવી બતાવ્યો. સામાન્યમાં સામાન્ય માણસની આવશ્યકતાની પૂર્તિ માટેના શ્રીઠાકુરના વિશિષ્ટ વ્યક્તિત્વ પર તેઓ ભાર દેતાં. શ્રીઠાકુરને ભક્તિનિષ્ઠાથી વરેલા ઈહ જગતના અને પર જગતની મુક્તિ ઝંખતા બધા ભક્તોને તેમણે ખાતરી આપી હતી. શ્રીરામકૃષ્ણ સંઘના બધા સભ્યો માટે સદૈવ સાફલ્યભરી પ્રેરણાના સ્રોત એવાં શ્રીમા સંઘને શ્રીરામકૃષ્ણદેવના દૃશ્યદેહ રૂપે જોતાં અને તેના દરેક ઉપાંગને પોતાના દેહના અંગસમા ગણતાં. અને આ રીતે તેઓ શ્રીરામકૃષ્ણ સંઘની પશ્ચાદ્‌ભૂમાં રહેલ મહાશક્તિ બન્યાં. અહીં આપેલ આ ઘટના દ્વારા સંઘના વિકાસ માટેના એ બંને આત્માઓના શુભ-ક્ષેમકારી દૃષ્ટિબિંદુઓનો આપણને ખ્યાલ આવશે:

સ્વામી વિવેકાનંદના આદેશ મુજબ હિમાલયમાં આવેલ અદ્વૈત આશ્રમ, માયાવતીને અદ્વૈતની આરાધના માટે જ પ્રતિષ્ઠિત કરવામાં આવ્યો હતો. પરંતુ જાન્યુઆરી ૧૯૦૧ની આ આશ્રમની પોતાની મુલાકાત વખતે સ્વામીજીએ જોયું કે શ્રીરામકૃષ્ણદેવની છબિ સાથે એક પૂજાઘર પણ રચાયું છે અને એમની પુષ્પ-ચંદન, સુગંધીદ્રવ્યો અને નૈવેદ્યથી નિયમિત રીતે પૂજા પણ થાય છે. સ્વામીજીએ અહીં આ પૂજા દાખલ કરવાનો આક્રોશ સાથે જબરો વિરોધ કર્યો. પરંતુ તેમણે ત્યાંના આશ્રમજનોને તે પૂજાઘર બંધ કરવાનો આદેશ ન આપ્યો; કારણ કે આશ્રમના અંતેવાસીઓ પોતે પોતાની ભૂલને સમજે-જાણે અને એને પોતાની મેળે સુધારે એમ તેઓ ઇચ્છતા હતા. સ્વામીજીની આ ઉગ્ર ટીકાને લીધે આ અદ્વૈત આશ્રમમાં એ મૂર્તિપૂજા બંધ થઈ. સ્વામીજીની દેહસમાધિ પછી આ આશ્રમના અંતેવાસી સ્વામી વિમલાનંદે શ્રીમાનો અભિપ્રાય જાણવા આ વિશેની જાણ કરી. તેમણે ૨૦ સપ્ટેમ્બર ૧૯૦૨ના રોજ જયરામવાટીથી લખેલા પ્રત્યુત્તરમાં આમ લખ્યું હતું: ‘શ્રીરામકૃષ્ણ અદ્વૈતમાં જ માનતા હતા. તમારે શા માટે અદ્વૈતનું અનુસરણ ન કરવું જોઈએ? એમના બધા શિષ્યો અદ્વૈતવાદી છે.’ સ્વામીજીના પક્ષમાં કરેલી શ્રીમા શારદાદેવીની આ ઉદ્‌ઘોષણાએ અદ્વૈત આશ્રમના અંતેવાસીઓની સમસ્યાનું કાયમને માટે સમાધાન કરી દીધું.

સ્વામીજી શ્રીમા પ્રત્યે જે ઉચ્ચ પૂજ્યભાવ ધરાવતા હતા તેની પુષ્ટિ સ્વામી વિજ્ઞાનાનંદજીએ વર્ણવેલા આ પ્રસંગમાંથી મળી રહે છે: એ વખતે શ્રીમા બલરામ બોઝના મકાનમાં રહેતાં હતાં. સ્વામીજી અને સ્વામી વિજ્ઞાનાનંદજી પણ ત્યાં રહેતા. એક દિવસ સ્વામીજીને ખ્યાલ આવ્યો કે સ્વામી વિજ્ઞાનાનંદજી શ્રીમાને (સાષ્ટાંગ દંડવત્‌) પ્રણામ કરતા નથી. સ્વામીજીએ તેમને તરત જ શ્રીમા પાસે જવા કહ્યું. જ્યારે સ્વામી વિજ્ઞાનાનંદજી શ્રીમાના ઘર પાસે ગયા ત્યારે સ્વામીજી પણ એમની પાછળ ગયા. સ્વામી વિજ્ઞાનાનંદજીએ શ્રીમાને ઘૂંટણિયે પડીને પોતાનું માથું ધરતીને અડાડીને ઝડપથી ઊભા થઈ ગયા. એમને આ રીતે પ્રણામ કરતા જોઈને પાછળ ઊભેલા સ્વામીજીએ કહ્યું: ‘પેશન, શું માને પ્રણામ કરવાની આ રીત છે? શ્રીમાને સાષ્ટાંગ દંડવત્‌ પ્રણામ કરો. તેઓ સાક્ષાત્‌ જગદંબા જ છે.’ આમ કહીને સ્વામીજીએ શ્રીમા સમક્ષ સાષ્ટાંગ દંડવત્‌ પ્રણામ કર્યા.

સ્વામીજી શ્રીમાને જગન્માતાના મૂર્તિમંત રૂપ માનતા. એક વખત તેમણે બેલૂર મઠમાં આ શબ્દો કહ્યા હતા: ‘શ્રીમા સરસ્વતીના રૂપે રહેલા બગલાદેવી છે. બહારથી તેઓ શાંત દેખાય છે પરંતુ ભીતરથી તેઓ બધી દુષ્ટશક્તિઓનો વિનાશ કરનારાં દેવી છે.’ શ્રીમાનો મહિમા દર્શાવવા મઠની સ્થાપના થયા પછી તરત જ સ્વામીજીએ શ્રીમાનાં પવિત્ર ચરણકમળની પાવનકારી રજને લઈને બેલૂર મઠના મુખ્ય મંદિરમાં એક દાબડામાં રાખી. તેની અત્યારે નિયમિત રૂપે પૂજા થાય છે. એ ઘટનાનું વર્ણન કરતાં સ્વામી અદ્‌ભુતાનંદજી મહારાજે આ પ્રમાણે નોંધ કરી હતી: ‘શ્રીમાની સાચી મહત્તાને સમજી શકે એવા એક માત્ર સ્વામીજી જ હતા.’ 

પોતાના જીવનના અંતિમ દિવસોમાં એક દિવસ સ્વામીજીએ શ્રીમાને કહ્યું: ‘હે મા! હું આટલું સમજી શક્યો છું કે આપના આશીર્વાદથી મારા જેવા સેંકડો નરેન જન્મશે. અને હું એ પણ જાણું છું કે આ વિશ્વના આપ એક અનન્ય માતા છો, આપના સમું બીજું કોઈ નથી.’

સ્વામીજીની શ્રીમા પ્રત્યેની ભક્તિભાવના ક્યારેક હૃદયસ્પર્શી શબ્દોમાં અને ગહન રીતે વ્યક્ત થાય છે. એક દિવસ સ્વામીજી અને હરિ મહારાજ – સ્વામી તુરીયાનંદજી હોડીમાં બેસીને શ્રીમાને ઘરે જવા ગંગા પાર કરી રહ્યા હતા. સ્વામીજી આ ગંગાનદીના પાણીને પોતે નિર્મળ અને પવિત્ર બનાવવા માટે એ ગંગાનદીના કાદવિયા પાણીના ધીમા ઘૂંટડા ભરવા લાગ્યા. આમ કરતાં જોઈને હરિ મહારાજે એમને એમ ન કરવા કહ્યું. સ્વામીજીએ પ્રત્યુત્તર આપતાં કહ્યું: ‘ના ભાઈ, મને ભય લાગે છે; આપણે શ્રીમા પાસે જઈએ છીએ, હું પૂરો નિર્મળ પવિત્ર છું એની મને ખાતરી નથી.’

સ્વામીજીના જીવનમાં જાણે કે જ્ઞાન અને ભક્તિ એક બીજા પર પોતાનો પ્રભાવ જમાવવા મથતાં હોય એવું લાગ્યું છે. અદ્વૈત જ્ઞાનથી આકર્ષાઈને સ્વામીજીએ એક દિવસ કહ્યું: ‘મા, દરેક વસ્તુ હવામાં અધ્ધર ઊડે છે, હું દરેક વસ્તુને ઊડી જતી જોઉં છું.’ પરંતુ શ્રીમાએ હસતાં હસતાં કહ્યું: ‘સારું ભાઈ, તું મને ય એ ઉડ્ડયનમાં મૂકી ન દેતો.’ સ્વામીજીએ એના પ્રત્યુત્તરમાં કહ્યું: ‘પણ મા, જો હું તમને એમ ઊડતા કરી દઉં તો હું ક્યાં ઊભો રહીશ? જ્ઞાન કે જે ગુરુનાં શ્રીચરણકમળને અવગણે છે તે અજ્ઞાન છે. જો જ્ઞાન ગુરુનાં પવિત્ર ચરણકમળનો ઇન્કાર કરે તો એ પોતે ક્યાં ઊભું રહી શકે?’

એની સાથે આપણે આ નાનો પ્રસંગ લઈએ જે શ્રીમા શારદાદેવી અને એના મહાન પુત્રની વચ્ચે રહેલા સહજ-સંબંધભાવના અસ્તિત્વને પ્રગટ કરે છે: ‘૧૮૮૯ના ફેબ્રુઆરીમાં લક્ષ્મીદીદી, સ્વામી યોગાનંદજી, સ્વામી શારદાનંદજી, સ્વામી અદ્‌ભુતાનંદજી અને સ્વામી અભેદાનંદજીની સંગાથે શ્રીમા હુગલી જિલ્લાના આંટપુરના સ્વામી પ્રેમાનંદજીના ઘરે ગયાં. સ્વામીજી, સ્વામી પ્રેમાનંદજી અને વૈકુંઠનાથ સાન્યાલ તો ત્યાં જ હતા. લક્ષ્મીદીદીએ આ સ્મરણને યાદ કરતાં કહ્યું છે: ‘શ્રીમાને જોઈને સ્વામીજી અત્યંત ખુશ થયા. જેવો અમારો સામાન નીચે ઊતાર્યો કે તરત સ્વામીજી એક નાના બાળકની જેમ વાળેલા બિસ્તરા પર જાણે કે તે એક ઘોડો હોય અને પોતે એને આગળ હંકારતા હોય એવી રીતે પોતાના હાથપગ અને શરીરના હાવભાવ કરવા લાગ્યા. પોતાના વહાલા નરેનના આ આનંદને જોઈને શ્રીમા પણ ખડખડાટ હસી પડ્યાં.’’

એક એવી ઘટના પણ આવે છે કે જ્યારે શ્રીમાએ એક કડવાશભરી ઘટના વિશે યથાર્થદર્શન કરાવતો ફેંસલો આપ્યો અને એ ફેંસલાએ સ્વામીજીને મૂંઝવી દીધા અને વિહ્‌વળ-વ્યાકુળ બનાવી દીધા.

૧૮૯૮ના ઓક્ટોબરમાં સ્વામીજી કાશ્મીરમાં હતા ત્યારે એક મુસ્લિમ ફકીરનો શિષ્ય તેમનો ભક્ત બની ગયો. એ ફકીરને સ્વામીજીની ઇર્ષ્યા થઈ અને એના પર કાળો જાદુ અપનાવવાનો નિર્ણય કર્યો. આને પરિણામે સ્વામીજી માંદા પડ્યા અને એમને કાશ્મીર છોડવું પડ્યું. કોલકાતા પાછા ફરતી વખતે સ્વામીજી શ્રીમાને મળવા ગયા અને શ્રીમાને રોષ સાથે કહ્યું: ‘મા, તમારા ઠાકુરની શક્તિ કેવી દુર્બળ! કાશ્મીરનો એ ફકીર મારા પર ગુસ્સે થયો કારણ કે તેના એક શિષ્યને મારા પ્રત્યે ભક્તિભાવ ઊપજ્યો. તેણે મને આમ કહીને અભિશાપ આપ્યો કે પેટની બીમારીને કારણે મારે એ સ્થળ ત્રણ દિવસમાં છોડવું પડશે, અને બન્યું પણ એવું જ! તમારા શ્રીઠાકુર મને મદદ ન કરી શક્યા!’ શ્રીમાએ એક તટસ્થ અને મધ્યસ્થી બનીને તેનો પ્રત્યુત્તર આપ્યો: ‘તે ફકીરે મેળવેલી ચૈતસિક શક્તિનું આ પરિણામ છે. તારે આવી શક્તિઓના પ્રગટીકરણને પણ સ્વીકારવું જોઈએ. શ્રીઠાકુર પણ એમાં માનતા. તેઓ વિનાશ કરવા નહોતા અવતર્યા. તેમણે બધી પ્રણાલીઓને સ્વીકારી હતી. સ્વામીજીએ હજી પણ રોષપૂર્ણ ભાવે કહ્યું કે તેઓ હવે રામકૃષ્ણને સ્વીકારશે નહિ. શ્રીમાએ તેનો ઉપહાસ કરતાં કહ્યું: ‘દીકરા, તું એમ કેમ કરી શકીશ? અરે! તારા વાળનું એકેએક ઝૂલફું પણ તેમના હાથમાં બરાબર પકડાઈ ગયું છે.’ આ ઘટનાનો ઉલ્લેખ કરીને શ્રીમાએ પછીથી સ્વામી અરૂપાનંદજીને ૨૫મી સપ્ટેમ્બર, ૧૯૦૧માં આમ કહ્યું હતું: ‘નરેનની પોતાની પાસે કઈ શક્તિ હતી?  એણે (સ્વામીજીએ) જે કંઈ મેળવ્યું અને કર્યું એ તો શ્રીઠાકુરે જ કર્યું છે કે એમના દ્વારા થયું છે.’

પોતાના જીવનના અંતિમકાળે સ્વામીજીની તબિયત ઘણી ખરાબ રહેતી. તેઓ જ્યારે બેલૂર મઠમાં રહેતા હતા ત્યારે યોગીનમા અને બલરામબોઝના કુટુંબીજનો સાથે શ્રીમા તેમને જોવા આવ્યાં. મઠના પ્રથમમાળે સ્વામીજીએ શ્રીમા સાથે વાત કરી અને પછી તેમને વિદાય આપવા તેઓ નીચે આવ્યા. એ સમય દરમિયાન ભરતીમાંથી ઓટ આવવાથી ભાડે કરેલી હોડી કાદવમાં ખૂચી ગઈ. શ્રીમા અને અન્ય સંગાથીઓ હોડીમાં બેસી ગયાં. અહીં સ્વામીજી માત્ર બંડી પહેરી હતી અને તેમણે પોતાની ધોતી હોડી સાથે ચુસ્ત રીતે બાંધી દીધી; બીજા થોડા સ્વામીજીઓ અને બ્રહ્મચારીઓએ ખેંચીને હોડીને પાણીમાં વહેતી કરી દીધી. સ્વામીજીએ આ રીતે શ્રીમા શારદાદેવીને છેલ્લી વખત જોયા હતા.

૪ જુલાઈ, ૧૯૦૨ના રોજ ૩૯ વર્ષ ૫ માસ અને ૨૪ દિવસની ઉંમરે સ્વામીજીએ મહાસમાધિ લીધી. સમગ્ર મઠમાં શોક અને વિષાદનું વાતાવરણ છવાઈ ગયું. સંઘના બધા સભ્યો એમના જવાથી પડેલી કદી ન પૂરી શકાય તેવી ઊણપનો વિચાર કરીને સ્તબ્ધ બની ગયા. આ સમયે જયરામવાટીમાં રહેતાં શ્રીમાનો પ્રતિભાવ કેવો હતો, એના વિશે ચોક્કસ ખ્યાલ નથી. પરંતુ સ્વામી યોગાનંદજી અને સ્વામી પ્રેમાનંદજીના અવસાન પછી તેઓ જેવી રીતે ખૂબ આક્રંદપૂર્વક રડ્યાં હતાં તેવો જ કલ્પાંત તેમણે કર્યો હશે એનો અંદાજ આપણે કરી શકીએ ખરા. આ આઘાતમાંથી બહાર આવતા શ્રીમાને સારા એવા દિવસો લાગ્યા. ૧૯૦૨ની ૩૧મી ઓગસ્ટના રોજ સ્વામી વિવેકાનંદના શિષ્ય સ્વામી વિમલાનંદને લખેલા પત્રમાં શ્રીમાએ આમ લખ્યું હતું: ‘સ્વામીજી મહારાજની આ વસમી વિદાયની પળે જે અત્યંત વિષાદ અને શોક હું અનુભવું છું એને શબ્દોમાં કેવી રીતે વર્ણવી શકાય!’ ૧૭ સપ્ટેમ્બર, ૧૯૦૨ના રોજ સ્વામી રામકૃષ્ણાનંદજીને લખેલા એક બીજા પત્રમાં પણ એ વિશે નોંધ છે. એ પત્રમાં શ્રીમાએ એમને આશ્વાસન આપતાં આમ કહ્યું હતું: ‘હવે સ્વામીજીનો શોક ન કરતા.’ સૂર્યનાં કિરણો ખેડૂતની ઝૂંપડીઓ અને રાજકુમારના મહેલમાં એક સમાન રીતે પડે છે. પરંતુ કાળી સપાટી બીજી કોઈ સપાટી કરતાં ગરમીને વધુ શોષે છે અને આરસાની સુવાળી સપાટી બીજી કોઈ સપાટી કરતાં સૌથી વધું ઉજ્જ્વળ રીતે પ્રકાશને પાછો ફેંકે છે. એવી જ રીતે શ્રીમાનાં પ્રેમ અને શક્તિ સૌ કોઈ પર, પાપી કે ત્યાગી સંન્યાસી, બધાં પર એક સરખાં જ વર્ષ્યાં છે. આમ હોવા છતાં પણ શ્રીમાનાં પ્રેમ અને શક્તિને સ્વામી વિવેકાનંદે સૌથી વધારે ઝીલ્યાં છે અને એને ઉજ્જ્વળ રીતે પ્રતિબિંબિત પણ કર્યાં છે. ખરેખર શ્રીમા એમના આ ધરતી પરના અને શાશ્વત વિશ્વનાં અનન્ય માતા હતાં.

Total Views: 105

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.