શ્રીકૃષ્ણના સંદેશમાં આપણને બે વિચારો મુખ્યત્વે જણાય છે. એક છે ભિન્ન ભિન્ન વિચારોનો સમન્વય અને બીજો છે અનાસક્તિ. સિંહાસનારૂઢ રહીને તે સૈન્યનું સંચાલન કરતાં કરતાં અને પ્રજાઓ માટે મોટી યોજનાઓ ઘડતાં ઘડતાં પણ મનુષ્ય પૂર્ણતા પ્રાપ્ત કરી શકે છે, ઉચ્ચતમ ધ્યેયે પહોંચી શકે છે. હકીકતે શ્રીકૃષ્ણનો મહાન ઉપદેશ યુદ્ધના મેદાનમાં જ આપવામાં આવ્યો હતો… ઊઘડતું દૃશ્ય યુદ્ધભૂમિનું છે; બંને પક્ષ પોતાના સગાઓ અને મિત્રોને જુએ છે: એક ભાઈ એક પક્ષે છે, બીજો ભાઈ બીજા પક્ષે. પિતામહ એક પક્ષે છે, પૌત્ર બીજા પક્ષે… જ્યારે અર્જુન પોતાના મિત્રો અને સગાઓને સામા પક્ષે ઊભેલા જુએ છે અને પોતાને એમને મારવા પડશે એમ જાણે છે ત્યારે એનું હૃદય ભાંગી પડે છે અને એ કહે છે : ‘હું યુદ્ધ નહિ કરું.’ આ રીતે ગીતાની શરૂઆત થાય છે.

આ જગતમાં આપણા સૌને માટે જીવન એ સતત યુદ્ધ છે… ઘણી વખત એવો પ્રસંગ ઊભો થાય છે, જ્યારે આપણી દુર્બળતા અને નાર્મદાઈને આપણે ક્ષમા અને ત્યાગ તરીકે ઘટાવીએ છીએ. ભિખારીના ત્યાગની કોઈ કિંમત નથી. સામો પ્રહાર કરી શકે તેવી વ્યક્તિ સહન કરી લે તો જ તેની કિંમત છે. સંપત્તિવાન વ્યક્તિ જો ત્યાગ કરે તો તેનું મૂલ્ય છે. આપણે જાણીએ છીએ કે આળસ અને નામર્દાઈને લીધે ઘણીવાર આપણે જીવનસંગ્રામનો ત્યાગ કરીએ છીએ અને આપણે બહાદૂર છીએ એવી માન્યતાથી આપણા મનને મનાવી લેવા પ્રયાસ કરીએ છીએ. આવા અર્થપૂર્ણ શ્લોકથી ગીતાની શરૂઆત થાય છે. ‘ક્ષુદ્રં હૃદયદૌર્બલ્યં ત્યક્ત્વોત્તિષ્ઠ પરંતપ’ – ‘હે અર્જુન! ઊભો થા! આ હૃદયની દીનતા, આ નિર્બળતા છોડી દે! ઊભો થા અને યુદ્ધ કર. એક પગલું પણ પીછેહટ ન કરીશ. એ જ મુદ્દો છે… છેલ્લે સુધી લડત ચાલુ રાખ; પરિણામ ગમે તે આવે. તારાઓ ભલે આકાશમાંથી ખરી પડે! સમગ્ર જગત ભલે આપણી સામે ઊભું થાય! મૃત્યુ એ માત્ર વેશબદલો છે. એમાં શું? માટે યુદ્ધ કર! નામર્દ થવાથી તને કંઈ મળશે નહિ… પીછેહઠ કરવાથી કોઈ કમનસીબી તું ટાળી નહિ શકે. જગતના સર્વદેવો સમક્ષ તમે રડ્યા છો. તેથી દુ:ખ દૂર થયું છે ખરું? છ કરોડ દેવો સમક્ષ ભારતના માનવો રોદણાં રડે છે અને છતાં કૂતરાંને મોતે મરે છે. એ દેવો ક્યાં છે.. તમે સફળ થાઓ ત્યારે જ દેવો તમારી મદદમાં આવે છે. તો એથી લાભ શો? સામી છાતીએ લડીને મરો… મારા વ્હાલા અર્જુન! આ વહેમો પાસે નમતું જોખવાની કે તારા મનથી વેંચાઈ જવાની રીત તને છાજતી નથી. તું સનાતન છો, અમર છો, જન્મરહિત છો, સનાતન આત્મા તું છો માટે ગુલામ થવું તને છાજતું નથી.. ઊઠ! જાગ! ઊભો થા અને યુદ્ધ કર! મરવું પડે તો મર, તને મદદ કરનાર બીજો કોઈ નથી. તું જ સર્વ જગત છે. તને કોણ સહાય કરી શકે! 

સુખ અને દુ:ખ, જય અને પરાજયને સમાન ગણીને તું ઊભો થા અને યુદ્ધ કર.

(‘સ્વા.વિવે. ગ્રંથમાળા’, ભાગ.૭, પૃ.૧૦, ૧૯, ૨૧)

Total Views: 67

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.