વિરોધાભાસ

હું કેદારનાથના શિખરની નીચેથી એ કટિમેખલા જોઈ શકતો હતો. જ્યારે મેં નીચે નાનાં નિમ્નસ્તરનાં શિખરો તરફ નજર કરી તો જોયું કે એ બધાં ભારે વરસાદથી પૂર્ણતયા પલળી ગયા હતા. આ બે વિપરિત ઘટનાઓ મારી આજુબાજુ જોઈને મને ઘણું આશ્ચર્ય થયું. એક તરફની શૃંખલાઓ પર અત્યંત વર્ષા વરસી રહી હતી અને બીજી તરફ સૂર્યના તીવ્ર કિરણોનું પ્રતિબિંબ પડતું હતું. પર્વતીય શૃંખલાઓનો એક ભાગ શીતલ જલના ઝરણાથી ધોવાતો હતો. કેટલાંક બીજાં સ્થળે હીમના ભારેખમ પળને ચીરીને ચટ્ટાન બહાર નીકળતી હતી. નીચેથી વહેતી હવા પોતાની સાથે અનેક પુષ્પોની સુગંધ અને પક્ષીઓના મધુર સંગીતમય કલરવ લઈને આવતી હતી. પ્રકાશમય દિનના સમયે પણ કેટલીક ઘાટીઓ અંધકારથી આચ્છાદિત થઈ ગઈ હતી. જ્યારે કેટલીક ઘાટીઓ રાત્રીના સમયે પણ ચંદ્રના કોમળ કિરણોથી ઢંકાઈ જવાને લીધે અત્યંત ચળકતી રહે છે. આ બધી શક્તિવાન પર્વતશૃંખલાઓ મારી ભીતર વિવિધ પ્રકારના ભાવોનું સંમિશ્રણ જગાડતી હતી. મેં નિરીક્ષણ કર્યું કે કેટલાંક શિખરો પર છ યે છ ઋતુ એકીસાથે ઉપસ્થિત હતી. જાણે કે કોઈ ગહન ધ્યાનચિંતનમાં મગ્ન હોય તેમ એ બધાં શિખરો ક્યારેક પ્રશાંત ભાસતાં હતાં એ તરફ પણ મારી નજર પડી. જાણે કે શુદ્ધ બ્રહ્મે જ વિશાળ હીમસમા ધવલ પર્વતનો આકાર ધારણ કરી લીધો હોય અને જિજ્ઞાસુઓ માટે દિવ્યજ્ઞાનનાં દ્વાર ખોલી દીધાં હોય એવું મેં અનુભવ્યું. બીજી કઈ રીતે એક માનવ પોતાની સીમિત બુદ્ધિથી અનંત બ્રહ્મને સમજી શકે? એ બધું જે હોય તે. જેમ જેમ હું ઉપર ચઢ્યો તેમ વાદળોમાં ખોવાઈ ગયો. હું મનોમન પૂછવા લાગ્યો: ‘કેટલી ઊંચાઈએ પહોંચી ગયો છું.’ મારી આજુબાજુ ઉદ્દેશ્યવિહોણા સ્થિર થયેલ વાદળોના ઢગલાને પણ મેં પાછળ છોડી દીધાં છે. હવે હવા પણ સારા પ્રમાણમાં હલકી થઈ ગઈ હતી અને મને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હતી. મેં વળી પાછું જોયું કે જે ઘન વાદળ સ્થિર હતાં તે હવે વિખરાવા લાગ્યા અને વિશાળ પર્વત બાજુએથી એમાંથી પાણી ઝરવા માંડ્યું. ક્યારેક ક્યારેક વીજળી ચમકતી હતી અને પ્રકાશકણો જાણે કે એ ભેજ અને વિનોદી વાદળાંના ટુકડેટુકડા કરી નાખતા હોય એવા લાગતા હતા. હવે વિશાળ પર્વતની ચોતરફ આ વિનોદી વાદળના ટુકડા ફાવે તે રીતે લટકતા હતા. જાણે કે બીજા કેટલાંક વાદળ શ્રદ્ધાપૂર્વક ભાવભંગિમા સાથે પ્રદક્ષિણા ફરી રહ્યાં હોય એમ શિખરોની ચોતરફ ઘૂમતાં હતાં! જાણે વાદળ શૃંખલાઓ પર્વતરાજની સેવામાં હાજર હોય તેવું મને લાગ્યું. વાદળો ઉડતાં ઉડતાં પર્વતનું પ્રક્ષાલન કરી રહ્યાં હતાં કે બીજાં કેટલાંક સ્થળે પોતાના સ્વામીના નૈસર્ગિક ઉપવનોને સીંચી રહ્યાં હતાં. આમ આ વાદળો પોતાના નામ ‘જલદ’ (જળ આપનાર)ને સાર્થક કરતાં હતાં. કેટલાક વાદળ હિમાલયની મહાનતાને માપી શકતાં ન હતાં. એટલે જાણે કે એમને કંઈક શરમ લાગતી હોય તેમ હવે તે ગુફાઓમાં જઈને છુપાઈ ગયાં હતાં. જાણે કે તેઓ તપશ્ચર્યા કરતાં હોય અને હવે કોઈ ગહન સમાધિમાં લીન બની ગયાં હોય એવું લાગતું હતું. કદાચ એમ પણ હોઈ શકે કે આ વાદળાંને એ ખબર હતી કે પ્રાચીન સાધુઓ ગુફાઓમાં તપશ્ચર્યા કરી રહ્યા હતા એટલે તેઓ એ ગુફાઓના પ્રવેશદ્વાર પર એક ચોકીદાર રૂપે ખડાં હતાં. વિશાળ પર્વતમાળાએ ગાઢ જંગલોને પોતાના અધોવસ્ત્ર રૂપે ધારણ કર્યાં છે અને ઉપરીવસ્ત્રના રૂપે પારદર્શી વાદળાં જેવાં અત્યંત પાતળાં કોમળ મલમલ વાપર્યાં છે, એવી મેં કલ્પના કરી. વચ્ચે વચ્ચે તેજ જબકાર કરી જતી સુવર્ણમય રંગથી પ્રકાશિત વિદ્યુતછટા આ વસ્ત્રની ઉત્તમતાને બતાવતી હતી.

માંગલિક આષાઢ

હું રુદ્રપ્રયાગથી કેદારનાથના માર્ગે ચાલ્યો જતો હતો. મંદાકિની ક્યારેક મારી ડાબી બાજુએ વહી રહી હતી તો ક્યારેક જમણી બાજુએ. પરંતુ મારા રામવાડા ચટ્ટી છોડ્યા પછી મંદાકિની નિરંતર મારી જમણી બાજુએ વહી રહી હતી. હું હલકા મુલાયમ હિમથી છવાયેલા સાંકડા રસ્તા પર ચઢતો હતો. જો કે મારા પગમાં જોડા ન હતા છતાં પણ મને કોઈ પણ પ્રકારના દુ:ખકષ્ટનો અનુભવ ન થયો. જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી હું કેદારનાથ આષાઢ (જુલાઈ) માસના મધ્યે પહોંચ્યો હતો. એટલે મારે ગાઢ રીતે છવાયેલા હિમમાંથી ધીમે ધીમે રસ્તો બનાવવો પડતો. જે લોકો જેઠ મહિનાના પ્રારંભમાં આવે છે એટલે કે તીર્થયાત્રાની મોસમની શરૂઆતમાં આવે છે, તેઓ મંદાકિનીને લગભગ થીજી ગયેલી અવસ્થામાં જોઈ શકે છે. એ વખતે હિમ ઘણો ઊંડે સુધી હોય છે. આષાઢમાં આવું નથી હોતું. આષાઢના મધ્યમાં રસ્તા લગભગ સાફ થઈ ગયા હોય છે. દર વર્ષે ઠંડીની ઋતુમાં સામાન્ય રીતે અહીં ઘણો મોટો હિમ પાત થાય છે. પર્વતની મોટી મોટી શૃંખલાઓ પર હિમ જામી જાય છે. કેટલેક સ્થળે મંદિરનો રસ્તો લભભગ બંધ થઈ જાય છે. ઉનાળામાં આ બરફની શીલાઓ પીગળવા માંડે છે અને વર્ષા ઋતુ આવતાં સુધી બધી જગ્યાએ પાણી અને પાણી જ જોવા મળે છે. એ વખતે મંદાકિનીમાં પૂર આવે છે એટલે કે આષાઢ મહિનાના અંતથી માંડીને શ્રાવણ મહિનાના અંત સુધીનો સમય કેદારનાથ જવા માટે ખરો સમય ગણાય. એ સમય દરમિયાન મંદિરના રસ્તા સાફ હોય છે. આસપાસ ચોતરફના ક્ષેત્રની નૈસર્ગિક અને પ્રાકૃતિક સુંદરતા પણ પોતાની ચરમસીમાએ હોય છે. જે લોકો વરસાદના ડરથી પોતાની બદ્રી-કેદારની યાત્રા કરવામાં ઝડપ રાખે છે તેઓ આ દિવસોમાં જોવા મળતાં પ્રાકૃતિક સૌંદર્ય અને તેની ભવ્યતાથી વંચિત રહે છે. વર્ષા ઋતુના મધ્યમાં ઠંડી વધારે નથી હોતી અને બધાં વૃક્ષછોડ પુષ્પોથી ભર્યાંપૂર્યાં હોય છે. સમગ્ર શ્રાવણ માસમાં કેદારનાથની આસપાસ રહેવાની પરંપરા છે. આવું એટલા માટે છે કે આ સમય દરમિયાન કેદારનાથ ક્ષેત્ર પોતાના સૌંદર્યના ચરમબિંદુઓએ હોય છે. 

એને એમને એમ રહેવા દો. હું કેદારનાથના પાવન અને સુંદર ક્ષેત્રમાં પ્રવેશી ચૂક્યો છું. આ સ્થળનું વર્ણન કરવું એ મારા સામર્થ્યની વાત નથી. મેં કેદારનાથને મારી પોતાની આંખે જોયા છે અને હું એનાં દર્શન કરીને અત્યંત હર્ષોન્મિત થઈ ગયો હતો. જે લોકો આવા જ આનંદનો અનુભવ કરવા ઇચ્છે છે એમને મારી વિનંતી છે કે પોતાના જીવનકાળમાં એકવાર તેઓ આ સ્થાનનું દર્શન અવશ્ય કરે. 

શબ્દચિત્ર રચવું કઠિનકાર્ય

મને એવો આભાસ છે કે અત્યાર સુધી મેં જે કંઈ પણ લખ્યું છે તે કેવળ એ દિવ્ય સ્થાનના એક અપૂર્ણ વર્ણન જેવું જ છે. મારી સ્મૃતિ અત્યારે ધૂંધળી થઈ ગઈ છે અને હું એ સ્થાનને પૂર્ણપણે યથેચ્છાએ વિસ્તારથી યાદ પણ નથી કરી શકતો. એનું સમીક્ષાત્મક વર્ણન પણ હું કરી શકતો નથી. મારું ભાષાજ્ઞાન પણ પર્યાપ્ત નથી અને એ સ્થળોનું વર્ણન સુયોગ્ય રૂપે હું કરી પણ શકતો નથી. હું ગમે તેટલો પ્રયત્ન કરું પણ મને એનાથી સંતોષ વળતો નથી. આ સ્થળના સર્વોચ્ચ અને પારલૌકિક સૌંદર્યનો અંદાજ વાચક પણ નહિ લગાવી શકે. આ સ્થાનનું વર્ણન કરવા માટે મારે એકવાર ફરીથી એ સ્થળનું પરિભ્રમણ કરવું જોઈતું હતું. એનાથી હું એનું વર્ણન વધારે સાચું અને સારી રીતે કરી શકત. એનાથી વાચકોને લાભ થાત. જો કોઈ વસ્તુઓનું મહત્ત્વ ન લાગતું હોય કે મહત્ત્વ ન હોય એને કોઈ તાજેતાજું જુએ તો તે વધુ લાંબા સમય સુધી યાદ રહેતું નથી. વ્યક્તિની સ્મૃતિ પર એનો કોઈ પ્રભાવ પડતો નથી. ધીમે ધીમે તે એને ભૂલી જાય છે. જે સ્થળોને મેં પ્રત્યક્ષ પરિભ્રમણ કરીને જોયાં હતાં એ પાવનસ્થળોને મારાં ચક્ષુ સમક્ષ લાવવાનો હું પ્રયાસ કરું છું. મારી પાસે એની ધૂંધળી સ્મૃતિ સિવાય બીજું કંઈ નથી. એ વાત સાચી છે કે કોઈ સમયે આ દિવ્ય સ્થાને મારા પર પૂર્ણપણે આધિપત્ય પણ જમાવી દીધું હોય. હું એ મધુર ક્ષણોને ફરી પાછી લાવવા ઇચ્છું છું અને એ ક્ષણોનો આનંદ માણવા માગું છું. દુનિયાની પ્રત્યેક વસ્તુ ભલે વિસ્મૃતિમાં ખોવાઈ જાય પરંતુ એ ગૌરવપૂર્ણ હિમાલયની ચળકતી સપાટીઓ મારી સમક્ષ સદૈવ બની રહેશે. હું આ દૃશ્યની કેવળ એક ઝલક માત્ર જ પોતાના વાચકોને બતાવવા માગું છું. એટલે હું પ્રયત્નપૂર્વક મારી પોતાની યાત્રાના પ્રત્યેક અંશને વિસ્તારથી યાદ કરું છું. આ પરિશ્રમના પ્રારંભમાં મેં મારી પોતાની મુશ્કેલીઓનું વર્ણન કર્યું હતું. મને ઘણી ગ્લાનિ થઈ રહી છે કારણ કે મને એવું લાગે છે કે હું આ અત્યંત પાવન અને સુંદર સ્થળો સાથે ન્યાય કરવામાં અસમર્થ છું.

કેદારનાથનાં ચરણોમાં

હવે અપ્રાસંગિક વર્ણન ઘણું થઈ ગયું. જેના પર કેદારનાથનું મંદિર આવેલું છે એવા સંપૂર્ણપણે હિમથી આચ્છાદિત વિશાળ હિમાલયનું શિખર મેં પહેલીવાર જોયું ત્યારે હું સ્તબ્ધ થઈ ગયો. અત્યાર સુધી હું ઝડપથી ચાલતો હતો પરંતુ હવે મારી ચાલ ધીમી થઈ ગઈ. હું મંત્રમુગ્ધ થઈ ગયો હતો અને મારાં પગલાં અત્યંત મુશ્કેલીથી પડતાં હતાં. કેદારનાથનું મંદિર એક વિશાળ પર્વત શિખરની ગોદમાં આવેલું છે. અને અહીંનાં બધાં શિખરો અત્યારે મારી સમક્ષ પ્રગટ થયાં છે. એ બધાં શિખરો પ્રાત:કાળે ચમકતા સૂર્યસમાં દેદીપ્યમાન હતા. શિખરોમાંથી હજારો કિરણો નીકળી રહ્યાં હતાં અને એ બધાં મને ઘેરી લેતાં હતાં તેમજ તીવ્ર પ્રકાશપૂંજથી ઓતપ્રોત કરતાં હતાં. હું શાશ્વત અંધકારને સદાને માટે પાછળ છોડીને આ શાશ્વત પ્રકાશથી પરિપૂર્ણ સ્થળે આવી ગયો છું એવું મેં મનોમન વિચાર્યું. હું હિમાચ્છાદિત ધવલવર્ણા શિખર તરફ વધુ વખત જોઈ ન શક્યો. મારી દૃષ્ટિ અંતર્મુખ બની ગઈ અને મારી સન્મુખ પર્વતના એ વિશાળ શિખરમાં શાશ્વત અજન્મા શિવના સ્વરૂપનાં દર્શન કરવા લાગી. 

આ કોઈ માત્ર કોરી કલ્પના ન હતી. આ દિવ્ય અનુભવ હતો. સમગ્ર હિમાલયમાં બીજા કોઈ સ્થળે તમે શિવનું આટલું મોટું દેદીપ્યમાન રૂપ જોઈ નહિ શકો. હું ઉત્તરાખંડને ઘૂમી વળ્યો છું અને અત્યંત દુર્ગમ સ્થાનોનું પરિભ્રમણ કર્યું છે. પણ એમાનું કોઈ પણ સ્થળ પાવન કેદારનાથને પાછળ ધકેલી શકે એમ નથી. કેદારનાથ ઠીકઠીક પ્રમાણમાં કૈલાશ સાથે મળતું આવે છે. એની તુલના અન્ય બીજા કોઈ પણ સ્થળ સાથે કરી ન શકાય.

મેં પહેલાં જ કહી દીધું છે કે કેદારનાથ પહોંચતા પહેલાં મેં હિમાલયની ઉપસ્થિતિનો અનુભવ કર્યો ન હતો. જ્યાં શંકર અને ગૌરીનું મિલન થાય છે એવા આ સ્થાનને જોઈને મારી ભીતર ઊઠતી ઉત્કૃષ્ટ ભાવનાઓનું વર્ણન હું કરી શકતો નથી. મેં જાણે કે હિમાલયનું આલિંગન કરી લીધું હોય અને એને એક તરફથી ધકેલી રહ્યો હોઉં એવું મને લાગે છે. અહા! કેવું આનંદમય દૃશ્ય! હું જમનોત્રી ગયો છું અને ગંગોત્રી પણ. પરંતુ ક્યાંય પણ મેં આવું ભવ્ય દૃશ્ય જોયું નથી. આવું દૃશ્ય જોવું એ મનુષ્યના જીવનની એક મહાન ઘટના છે. આ ક્ષેત્રનાં કેટલાંક તીર્થસ્થાનોનાં દર્શન કરવાથી પણ વ્યક્તિને આવું દૃશ્ય જોવા ન મળે. જ્યારે આપણે કેદારનાથનાં દર્શન કરીએ છીએ ત્યારે આ વાતનો આભાસ થાય છે. જ્યાં સુધી મનુષ્યો થોડા દિવસો અહીં ન વિતાવે અને બધાં દુર્ગમ તેમજ સૌંદર્ય ખચિત સ્થાનોનું પરિભ્રમણ ન કરે ત્યાં સુધી હિમાલય પોતાને પ્રગટ કરતો નથી. જ્યારે હું કેદારનાથ પહોંચ્યો ત્યારે હિમાલય વિશેના મારા બધા વિચારો બદલી ગયા. હિમાલય મનુષ્યની સંકલ્પનાથી પર છે. હિમાલય મારી કલ્પના કરતાં કેટલોય વધુ વિશાળ અને મહાન છે. જ્યારે હું કેદારનાથનાં ચરણોમાં પહોંચ્યો ત્યારે મને આનો અનુભવ થયો. આ વિશાળ પર્વત એ બધી અસંખ્ય વિશેષતાઓથી સંપન્ન છે. જેનાથી માનવ અનભિજ્ઞ-અજાણ છે. એનો ખ્યાલ મને અહીં આવ્યા પછી આવ્યો. હિમાલયના ગર્ભમાં છુપાયેલાં અસંખ્ય સ્થળોની કોણ ગણના કરી શકે છે? જે સ્થાને ગૌરી હર-શિવની સાથે મળે છે કે પ્રકૃતિ પુરુષ સાથે મળે છે એની વિશાળતા અને મહાનતાના ઊંડાણને માપવામાં માનવ અસમર્થ હોય છે એ પણ ઉચિત લાગે છે. જ્યારે હું આ સ્થાનની મહાનતા વિશે ચિંતન કરતો હતો ત્યારે હું પૂર્ણતયા હર્ષોલ્લાસથી ભરાઈ ગયો હતો. અસ્તિત્વ-જ્ઞાન, પરમાનંદ, પરમ તત્ત્વ, બ્રહ્મના આવિર્ભાવોનો કોઈ અંત જ નથી. આ રીતે પર્વતાધિરાજના ગૌરવનો પણ અંત નથી એમ મેં વિચાર્યું. દરેક વખતે જ્યારે જ્યારે હું એમના તરફ નજર નાખતો હતો તે ભિન્ન ગૌરવમય રૂપે પ્રસ્તુત થતો. હવે હું એના આંતરિક સાર ભાગમાં પ્રવેશ કરવા અને અત્યંત સુંદર દૃશ્યોનો આનંદ ગ્રહણ કરવા વધુ ને વધુ ઉતાવળો થતો જતો હતો. મારા મનમાં વિચાર આવ્યો કે મારે ફરીથી એ ભયાનક, ગાઢ વસતીવાળા, અશાંત સંસારમાં ફરી પાછા ફરવાથી કોઈ લાચારી ન હોવી જોઈએ. મેં સદાને માટે ભવ્ય અને દિવ્ય પર્વતરાજ હિમાલયમાં વિલીન થઈ જવાનો વિચાર કર્યો. કોઈ પણ આનંદ કે પ્રસન્નતા આનાથી અધિક ઉચ્ચ ન હોઈ શકે.

ભવ્યતમ સૌંદર્ય અને પરમ ગૌરવ

હું કેદારનાથના વિશાળ શિખરોને નિહાળી રહ્યો હતો. આ ઉન્નત શિખર એક શક્તિશાળી ચક્રની તીક્ષ્ણ દંતપંક્તિ હતી અને આ યંત્રથી તે સમુદ્રોથી ઘેરાયેલી આ પૃથ્વીને બને તેટલું કાપી રહી હોય એવું મને લાગ્યું. હવે જ્યારે એમણે પોતાનું કામ પૂરું કરી લીધું હતું ત્યારે આ શિખર આ ઘટનાની ઘોષણા સ્વર્ગમાં કરી રહ્યાં હતાં. (સ્વર્ગને એ ઘટનાથી માહિતગાર કરી રહ્યાં હતાં.) અથવા આ ધવલવર્ણા ઉદાત્ત શિખરોએ સ્વર્ગ અને પૃથ્વીની મધ્યમાં સ્વયં પોતાને માટે એક દિવ્ય ક્ષેત્રનું નિર્માણ કરી લીધું હોય એવું પણ લાગતું હતું. આટલું અદ્‌ભુત દૃશ્ય આ ધરતી પર કે સ્વર્ગમાં ક્યાંય પણ જોવા મળી શકે એવું હું કહી શકતો નથી. કેદારનાથનું મંદિર હિમથી પૂર્ણતયા ઢંકાયેલ એક ઉન્નત શિખરની ગોદમાં આવેલ છે. સૂર્યના ગરમ કિરણોથી કેટલાંક સ્થાનોએ હિમ પીગળી ગયો છે અને જે શિખરો અનાવૃત્ત પડ્યાં છે તે પીગળેલા સુવર્ણનો રંગ ધારણ કરે છે. સમગ્ર પર્વત હીરા, પોખરાજ, પન્ના અને ન જાણે કેટકેટલાં રત્નોથી જડિત છે.

કેદારનાથની આ હિમાચ્છાદિત ઉન્નત પર્વતમાળાઓને જોઈને હું મારી જાતને ખોઈ બેઠો. એટલે મેં આજુબાજુના વાતાવરણ પ્રત્યે ધ્યાન ન દીધું. હું આ દરમિયાન ક્યાં બેઠો હતો એનીયે મને ખબર ન રહી. જાણે કે મેં મારું પોતાપણું ગુમાવી દીધું. વાસ્તવમાં મને કેવો અનુભવ થઈ રહ્યો હતો તેનું શબ્દોમાં વર્ણન કરવું મારા માટે લગભગ અસંભવ છે. મેં જ્યાં ક્યાંય જે કંઈ જોવાનું હતું તે બધું જોઈ લીધું એવું હું વિચારવા માંડ્યો. થોડીવાર પછી જ્યારે હું ભાનમાં આવ્યો ત્યારે મેં મારી જાતને તાજાં જ ખીલેલાં સુગંધિત પુષ્પોના ગાલિચા પર બેઠેલો જોયો. આસપાસનું સમગ્ર ક્ષેત્ર ફૂલક્યારીઓથી ઢંકાયેલું હતું. હું ધ્યાનપૂર્વક આ નૈસર્ગિક સૌંદર્યથી પરિપૂર્ણ વાતાવરણને નિરખી રહ્યો હતો. હું પોતાના રત્નજડિત સિંહાસન પર બિરાજેલા એક મહારાજા જેવો લાગતો હતો. વાસ્તવમાં આ એક અવર્ણનીય પ્રસંગ હતો.

આકર્ષક શિવ અને એનું વિશ્વરૂપ

આ સુંદર પુષ્પોનું સિંહાસન સર્વશક્તિમાન મહામાયાએ પોતાના પ્રિયતમ શિવના ઉપયોગ માટે રચ્યું હતું. શિવ પોતાના સ્મશાનના નિવાસસ્થાન અને શબાસનની મુદ્રા છોડીને અહીં આવીને આ સિંહાસનને શોભાયમાન કરવા તૈયાર થઈ ગયા. શિવે અહીં સર્વોત્તમ પ્રભુગૌરવ સાથે પોતાનું સર્વસ્વ ત્યજી દીધું. હિમાલય અને મેનકાની સૌથી વધુ પ્રિય પુત્રીએ આ સ્થાનને એટલું બધું ગરિમામય અને ભવ્ય બનાવી દીધું છે. એને લીધે શિવની સંપત્તિહીનતાને કારણે તેમની કોઈ નિંદા ન કરી શકે. 

અહીં મળતી બધી વસ્તુઓમાં વિશ્વબ્રહ્માંડ જનનીનું હસ્તકૌશલ જોવા મળે છે. એમની સંકલ્પ શક્તિને કારણે જ શિવ ગરિમાની આ ઊંચાઈ સુધી પહોંચી શક્યા. શિવની સમસ્ત મહાનતા અને ભવ્યતા જગન્માતાની આ રચનામાં જ અદ્‌ભુત રીતે રચાઈ છે. કઠિન તપશ્ચર્યા કરનાર ગૌરીએ શિવજીને પોતાના અસાધારણ આભૂષણ છોડીને આટલાં સુંદર નૈસર્ગિક સાજ-શણગાર ધારણ કરવા માટે વિવશ કર્યા હતા. પાર્વતી મહિમાનો જય હજો! એની એક ઝલકે જ શિવજીને તેમની તરફ એટલા બધા આકર્ષી લીધા કે તેઓ પોતાનાં બધાં જપ-સંયમ ભૂલીને આ દિવ્યભૂમિ પર નિવાસ કરવા લાગ્યા. તેઓ આ જ સ્થળેથી સમગ્ર બ્રહ્માંડ પર રાજ્ય કરી રહ્યા છે.

Total Views: 55

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.