શાળા-કોલેજ

તરુણ અવસ્થામાં પહોંચતાં પહેલાં આપણા બાળકો માટે એક છાત્રાલયને સ્થાને સુયોગ્ય રીતે ચલાવાતું વિદ્યાલય સારી એવી સેવા આપી શકે છે. આ વિશે આપણે હંમેશાં યાદ રાખવું જોઈએ કે આપણાં બાળકો જાણે કે આગમાં ભડકે બળતા મકાનમાં છે, તેઓ તત્કાળ મદદ અને રાહતની માગ કરે છે. જ્યાં સુધી શાળાકીય શિક્ષણની પ્રચલિત અસ્વાભાવિક પ્રણાલીના મરણાંતક દબાવથી મુક્ત ન કરી શકાય ત્યાં સુધી તેમનામાંથી મોટા ભાગના માટે સ્વસ્થ વિકાસની ક્યાંય કોઈ તક રહેતી નથી. એટલે અમે દૃઢપણે માનીએ છીએ કે શાળાકીય શિક્ષણમાં સુધારણા માટે વિના વિલંબે સક્રિય પ્રયાસ થવા જોઈએ. જ્યાં સુધી આ બધું તત્સંબંધી અધિકારીઓ દ્વારા ન થાય ત્યાં સુધી પ્રત્યેક સમાજસેવી સંગઠનનું આ કર્તવ્ય બની રહે છે કે જે તે સંગઠન દરેક દૃષ્ટિએ પૂરેપૂરી આધુનિક દૃષ્ટિવાળાં કેટલાંક આદર્શ વિદ્યાલયોની સ્થાપના કરે અને એની સાથે આપણી પ્રાચીન ભારતીય પ્રણાલીમાં પણ જે કંઈ નિશ્ચિત રીતે ઉત્તમ અને સ્વસ્થ છે તેના પ્રત્યે નિષ્ઠા બતાવે.

પૂર્વ પ્રાથમિક બાળશાળા

શિક્ષણની સમસ્યા પ્રત્યે એક મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણે એ વાત આવશ્યક બનાવી દીધી છે કે ભિન્ન ભિન્ન ઉંમરના બાળકોની સાથે તદ્દન અલગ અલગ રીતે વ્યવહાર વર્તન કરવાં જોઈએ. પશ્ચિમના શૈક્ષણિક કાર્યક્રમમાં ૩ થી ૬ વર્ષની ઉંમરનાં બાળકોને એક વિશેષ સ્થાન અપાયું છે. આ સમય દરમિયાન તેઓ ઔપચારિક શિક્ષણથી કંઈક અંશે વધારે સામાજિક અનુભવ માટે પૂર્વ પ્રાથમિક બાળશાળામાં આવે છે. આ ઉંમરમાં એમના બાળમનની ક્ષમતાઓ પ્રમાણે એમને દરેક પ્રકારનાં આકર્ષક ઉપકરણો, રમતગમત તેમજ મનોરંજનના સાધનો દ્વારા એમની નિરીક્ષણ શક્તિઓનો વિકાસ કરવામાં આવે છે. એમની મનોયોગની ક્ષમતાને પણ તાલીમ આપવામાં આવે છે. તેમની સ્વાભાવિક લજ્જાશીલતા તથા ટીખળ તોફાન કરવાની પ્રવૃત્તિ પર સંયમ મેળવવો અને સાથે ને સાથે એમને પોતાના સહપાઠીઓ સાથે સન્માનપૂર્વક તથા સુયોગ્ય રીતે રહેવાનું શીખવાડવામાં આવે છે. 

આપણા દેશમાં શાળાકીય શિક્ષણના પ્રશ્નમાં બાળકના આ પ્રથમ પાંચ વર્ષના તબક્કાના જીવનને વેરાન જેવું બનાવી દીધું છે. (જો કે અત્યારે આ પરિસ્થિતિમાં ઘણું પરિવર્તન આવી ગયું છે અને મનોવૈજ્ઞાનિક રીતે બાળકોને અવૈધિક શિક્ષણ અપાય છે.) આપણા લોકો માટે એ સારું રહેશે કે પાશ્ચાત્ય અનુભવમાંથી લાભ ઉઠાવીને ભારતનાં બાળકોમાંથી કયા પ્રકારની પૂર્વ પ્રાથમિક શાળા ઉપયોગી નીવડશે એ પ્રયોગો દ્વારા જાણવાનો પ્રયાસ કરીએ. બાલક-બાલિકાઓની મિશ્ર પૂર્વ પ્રાથમિક બાળશાળા યોગ્ય મહિલા શિક્ષકો દ્વારા સારી રીતે ચલાવવી જોઈએ. વિશેષ કરીને બાળકોેને એક માતૃસુલભ સ્નેહ અને સંભાળના વાતાવરણમાં વિકસાવવા જોઈએ. એમના કોમળ મન સાથે કોઈ પણ પરિસ્થિતિમાં કંઈ પણ કરવા માટે જોર કે દબાણ ન થવાં જોઈએ. સમય વિતાવવા રોચક અને સક્રિય સાધનોની મદદથી સુયોગ્ય રીતે કોમળતા અને પ્રેમ દાખવીને એમને ઉચિત કાર્ય માટે આકર્ષવાં જોઈએ અને પ્રેરવાં પણ જોઈએ, બાળકોના પોતાના સ્વાભાવિક વિકાસ માટે કેવળ એટલી જ આવશ્યકતા છે. 

આવી શિક્ષિકા બહેનોને પૂર્વ પ્રાથમિક શાળામાં શિક્ષણ આપતાં પહેલાં એની તાલીમ આપવી જોઈએ. આ ઉપરાંત ભારતીય બાળકોના સામાન્ય વિકાસને સુનિશ્ચિત કરવા પૂર્વ પ્રાથમિક શાળાસંચાલન પાશ્ચાત્ય સંરચનામાં કેવી રીતે કરવું એ વિશે સંશોધન કરવા આવી શાળાના સંચાલકો પાસે દૃષ્ટિ અને ઉત્સાહ બંને હોવાં જોઈએ. એમણે આ સમસ્યાને પ્રાયોગિકભાવે જ અપનાવવી પડે. કારણ કે તો જ તેઓ આ દેશના બાળશિક્ષણના ક્ષેત્રમાં થોડું મહત્ત્વપૂર્ણ પ્રદાન કરવા માટે સક્ષમ બનશે.

પ્રાથમિક શાળા

૬ થી ૧૧ વર્ષનાં બાલક-બાલિકાઓને સહશિક્ષણ આપનાર એક પ્રાથમિક શાળાને અનેક ઉપકરણ તથા વિશેષજ્ઞના જ્ઞાનની નિતાંત આવશ્યકતા રહે છે. શાળાના પરિસર તથા શિક્ષકો જેટલાં આવશ્યક છે તેટલી જ આ વાત આવશ્યક છે. આદર્શ પ્રાથમિક શાળાઓની સ્થાપના કરવી, ધૈર્ય સાથે તથા સુવ્યવસ્થિત રીતે પ્રયોગો દ્વારા જન અને ધનનો યથાસંભવ મીતવ્યય કરવા ઉપાય શોધી કાઢવા, ભારતીય પરિસ્થિતિઓ તથા આવશ્યકતાને અનુરૂપ શિક્ષણ વિજ્ઞાનના સંપૂર્ણપણે યુક્તિપૂર્વકના સાર્વભૌમિક સિદ્ધાંતોને અપનાવવા, આવું કરીને દરેક સમાજસેવી સંગઠન દેશની મૂલ્યવાન સેવા કરી શકે. પ્રત્યેક સંગઠન ઓછામાં ઓછી આવી એક શાળા ચલાવવા પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરીને ભારતના શિશુશિક્ષણના ક્ષેત્રમાં થોડુંઘણું મહત્ત્વપૂર્ણ યોગદાન આપીને ગંભીર પ્રયાસ કરે એ જરૂરી છે.

‘કાર્ય અને ક્રિયા દ્વારા શીખવું’ એ આ પ્રાથમિક શાળાની વિશિષ્ટતા બનવી જોઈએ, એ વાત ફરીથી કહેવાની જરૂર નથી. બાળકોની અભિરૂચી તથા ક્ષમતા પ્રમાણે કાંતણ કે કોઈ હસ્તશિલ્પ કે અન્ય અનેક ચીજો બનાવવાની ક્રિયા સાથે ભિન્ન ભિન્ન વિષયોના પાઠ સારી રીતે ગોઠવીને ભણાવવા જોઈએ. વર્ધા કેળવણી યોજનામાં છે તેમ ‘શિક્ષણમાં સહકારી ક્રિયાના સિદ્ધાંતો, સુનિયોજન, યથાર્થતા, ઉદ્યમ તથા વ્યક્તિગત જવાબદારી પર ભાર દેવો જોઈએ’. આ સમય દરમિયાન એમણે એમને પોતાની માતૃભાષા જ શીખવાની આવશ્યકતા છે અને આ કાર્ય પણ ધીમે ધીમે મનોવૈજ્ઞાનિક પદ્ધતિએ કરવું જોઈએ. શક્ય બને તેટલું વધારે પ્રમાણમાં સારી આદતોનું, સ્વચ્છતા-સુઘડતાનું, સુવ્યવસ્થિતતા અને સ્વાવલંબીપણાનું તેમજ સાહસિકતા, પ્રામાણિકતા અને કાર્યશીલ રહેવાનું પ્રશિક્ષણ એમને આપવું જોઈએ. સંક્ષેપમાં શારીરિક તથા વ્યાવહારિક યોગ્યતાની તાલીમ સાથે સંબંધિત અને બીજા અધ્યાયમાં વર્ણવેલ ‘સ્પષ્ટ ખામીઓ’ સંબંધે શિક્ષકોએ સચેત અને વિવેકપૂર્ણ પ્રયાસોથી પૂરવી જોઈએ. આવી શાળાઓ બને ત્યાં સુધી શિક્ષિકા બહેનોને અધિન કાર્ય કરે એ આવશ્યક છે. ગ્રામીણ પુનર્નિર્માણના આવશ્યક અંગ રૂપે કેવળ સામાન્ય પ્રકારની પ્રાથમિક શાળાઓની સ્થાપના કરવા પાછળ આપણે દોટ મૂકીએ અને એ સંગઠન દેશની મહત્ત્વપૂર્ણ સેવા કરે છે એવું વિચારીને પોતાની જાતને સાંત્વના કે ધન્યવાદ આપે એ કોઈ પણ સમાજસેવી સંગઠન માટે અમારી દૃષ્ટિએ ઉચિત નહિ ગણાય. 

ઉચ્ચતર પ્રાથમિક શાળા – મિડલ સ્કૂલ

૧૧ વર્ષથી વધુ ઉંમરનાં કિશોર-કિશોરીઓ માટે અલગ અલગ આદર્શ શાળા હોવી હિતાવહ છે. આપણે એ યાદ રાખવું પડશે કે જેમ કિશોર-કિશોરીઓની મનોવૈજ્ઞાનિક વિશેષતાઓમાં ભિન્નતા હોય છે તેવી જ રીતે નાના મોટા બાળકોમાં પણ ભિન્નતા હોય છે. ૧૨ વર્ષની ઉંમરે તરુણાવસ્થા આવે છે. એ વખતે છોકરા-છોકરીઓના માનસિક ઘડતરમાં એક મોટું પરિવર્તન આવે છે. એને લીધે એમના શિક્ષણની પદ્ધતિ તથા એમના અધ્યયનના વિષયોમાં એક નવું સમાયોજન કરવાની આવશ્યકતા ઊભી થાય છે. એટલે મોટે ભાગે ૧૨થી ૧૪ વર્ષની ઉંમરનાં છોકરા-છોકરીઓ માટે ભણવાની અલગ વ્યવસ્થા કરવી જોઈએ. એને આપણે સુવિધા રહે એટલે મિડલ કે ઉચ્ચતર પ્રાથમિક શાળા કહીશું. આપણી આવી આદર્શ મિડલ સ્કૂલોને કોઈ પણ વિદેશી ભાષા સાથે સંબંધ ન હોવો જોઈએ. વ્યાવસાયિક પ્રશિક્ષણની વ્યવસ્થા એ આ શાળાની મુખ્ય વિશિષ્ટતા રહેશે. બાકીના બધા વિષયોના અભ્યાસક્રમ એની સાથે સુસંબદ્ધ રહેશે. પ્રાથમિક શાળાની જેમ જ ઉચ્ચતર પ્રાથમિક શાળાનું શિક્ષણ પણ એક કે વધારે મૂળભૂત હસ્તકલા કારીગીરી પર કેન્દ્રિત હોવું જોઈએ. આવી સંસ્થાઓને રાષ્ટ્રિય મીડલ સ્કૂલ કે ઉચ્ચતર પ્રાથમિક શાળા કહેવી વધારે યોગ્ય ગણાશે. પ્રાથમિક અને પૂર્વ પ્રાથમિક શાળાઓ પણ ચાલુ રહેશે. એ શાળાઓમાં વિશિષ્ટ રમતગમત, મનોરંજનની પદ્ધતિએ પોતાની વિશેષ દિનચર્યા, પાઠ્યક્રમ, શિક્ષણપ્રણાલી અને અનુશાસન સાથે આવી સંસ્થાઓ અલગ અલગ ચલાવવી જોઈએ.

એ પણ જોવું જોઈએ કે ઉચ્ચતર પ્રાથમિક શાળાની સમાપ્તિ સુધી વિદ્યાર્થીને એક સર્વાંગીણ શિક્ષણ મળવું જોઈએ. આ શિક્ષણ એને સમાજના એક સ્વસ્થ અને ઉપયોગી સભ્યના રૂપે તેના ભાવિ જીવન પર એક સ્થાયી પ્રભાવ પાડતું રહે એવું હોવું જોઈએ. ‘કાર્ય દ્વારા શિખવવું’ એ શાળાઓની વિશેષતા હોવી જોઈએ. એ પણ જોવું જોઈએ કે અભ્યાસક્રમના અંતે પ્રત્યેક વિદ્યાર્થી પાસે ઓછામાં ઓછા એક મૂળભૂત હસ્તકૌશલ્ય કે કારીગીરીનું વ્યાવહારિક જ્ઞાન હોવું જોઈએ. ગ્રામ્ય વિસ્તારમાં મિડલ સ્કૂલના બાળકોને વિશેષ કરીને સ્થાનિક પરિસ્થિતિને ઉપયોગી થાય તેમ એક મૂળભૂત હસ્તકૌશલ્ય કે કારીગીરીનું વ્યાવહારિક શિક્ષણની સાથે કૃષિ શિક્ષણ આપવું ઉપયોગી અને ઉત્તમ નીવડશે. સામાન્ય રીતે બધી બહેનોની વિશિષ્ટ અભિરુચિ અને સ્વભાવને અનુરૂપ તેમજ જે તે સ્થાન સાથે વિશેષ રૂપે સંબંધિત પસંદ કરેલી હસ્તકારીગીરીની તાલીમ મિડલ સ્કૂલોમાં મળવી જોઈએ. જૂની પ્રણાલીમાં સુધારણા લાવવા આપણી સરકાર આ દિશામાં આગળ વધી રહી છે.

માધ્યમિક શાળા

માધ્યમિક શાળા મુખ્યત્વે ગ્રામીણ ક્ષેત્રો માટે છે. એમાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને મોટી સંખ્યામાં સાચી અને સારી કેળવણી આપી શકાય છે. નાનાં-મોટાં શહેરો અને સમૃદ્ધ અને ઉન્નત ગામડાંમાં આવી શાળાની વ્યવસ્થા હોઈ શકે છે. પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક ને સમકક્ષ હોય એવા નિમ્નતર પાઠ્યક્રમને માધ્યમિક શાળાથી અલગ કરી દેવા જોઈએ. એને લીધે ૧૨ થી ૧૬ વર્ષની ઉંમરના વિદ્યાર્થીઓને તેઓ સંભાળી શકે. આ ઉંમરના છોકરા-છોકરીઓ માટે અલગ અલગ શાળા હોવી જોઈએ. માધ્યમ નિશ્ચિત રૂપે માતૃભાષા હોવી જોઈએ. આ શાળાઓમાં બૌદ્ધિક શિક્ષણ સાથે પૂરક રૂપે પાઠ્યક્રમ ઉપરાંત એક પ્રકારનું વ્યાવસાયિક શિક્ષણ આપવું યોગ્ય ગણાશે. આ શાળાઓના શિક્ષણ મૂલ્યને વધારવા પરિસ્થિતિ પ્રમાણે સમાજ સેવા પર વિશેષ ભાર દેવો જોઈએ અને તેની સાથે રમતગમત, પ્રવાસ, પર્યટન, સ્કાઉટ ગાઈડ જેવી પ્રવૃત્તિઓ રહેવી જોઈએ. આટલું કહેવું પડશે કે કોઈ પણ એક વિદેશી ભાષા શીખવવાની પહેલી તક જવા દેવી ન જોઈએ. આ ઉપરાંત જેના દ્વારા વિદ્યાર્થીઓનાં દેહમન સબળ બને છે એવાં તત્ત્વો – સ્કૂલનું વાતાવરણ, શિક્ષકોનાં ચારિત્ર્ય તથા આચરણ અને તેની સાથે શિક્ષણ અને શિસ્તની વધુ સારી રીતો – પર વિશેષ ધ્યાન દેવું જોઈએ. 

યાદ રાખવું જોઈએ કે ઉચ્ચતર પ્રાથમિક અને માધ્યમિક શાળાઓને પણ પ્રાથમિક શાળા જેટલી જ વિશેષજ્ઞો અને ઉપકરણોની આવશ્યકતા રહે છે. એટલે જ પ્રત્યેક શૈક્ષણિક સંગઠને કોઈ પણ શાળાનો પ્રારંભ કરતા પહેલાં પોતાની શક્તિઓનું આકલન કરી લેવું જોઈએ. આ દેશમાં કેટલીક પ્રચલિત પ્રકારની સંસ્થાઓ સ્થાપિત કરીને શિક્ષણનો ઉદ્દેશ્ય પૂર્ણ કરી શકાય છે એવા ભ્રમમાં એમણે રહેવું ન જોઈએ.

છાત્રાલય સાથે સંલગ્ન ઉચ્ચતર પ્રાથમિક અને માધ્યમિક શાળા

વિશેષ કરીને ગ્રામીણ વિસ્તારમાં આર્થિક કે અન્ય કારણે ઉચ્ચતર પ્રાથમિક કે માધ્યમિક શાળા અને છાત્રાલયની સ્થાપના કરવી આવશ્યક થઈ પડે છે. આવાં છાત્રાલય આ અગાઉના પ્રકરણમાં કરેલી ચર્ચા પ્રમાણે હોવા જોઈએ. છાત્રાલય કેવળ વિદ્યાર્થીઓનું નિવાસસ્થાન નહિ રહે પરંતુ એ એક એવા શિક્ષણસંસ્થાનનું કામ કરશે કે જ્યાં મન, હાથ અને હૃદયનો સમન્વિત વિકાસ થાય. અને એ માટે ઉપયોગી સુવ્યવસ્થિત ગૃહપ્રશિક્ષણ પણ વિદ્યાર્થીઓને મળી રહેશે.

નિવાસી શાળા

પ્રાચીન ગુરુકુળ પ્રણાલીને અનુરૂપ એક પૂર્ણત: નિવાસી શાળા ચોક્કસપણે સૌથી વધારે શૈક્ષણિક મહત્ત્વનું સ્થાન બની રહેશે. ૧૨ વર્ષથી નાની ઉંમરના બાળકો માટે પોતાનાં માતપિતા સાથે રહેવું ઉત્તમ ગણાય. આવી કોમળ ઉંમરનાં બાળકો શિક્ષકો પાસેથી જે કંઈ મેળવી શકે તે માટે એમને માતપિતાના સ્નેહપૂર્ણ સારસંભાળ કરતાં પણ વધારે કાળજી અને દેખભાળની આવશ્યકતા રહે છે. આપણી પ્રાચીન પ્રણાલીમાં શાળાપ્રવેશની ઉંમર લગભગ ૯ વર્ષની હતી. એ સમયે બાળકોને ઉપનયન સંસ્કાર પછી ગુરુગૃહે પ્રવેશ મળી જતો. ગુરુકુળમાં એમની પુત્રની જેમ સંભાળ લેવાતી.

નિવાસી શાળાનું તાત્પર્ય આ છે – બ્રહ્મચર્ય આશ્રમની પદ્ધતિએ ચલાવાતું એક વિદ્યાલય કે જ્યાં છોકરા-છોકરીઓ ૧૨ વર્ષની ઉંમરથી શાળા શિક્ષણની સમાપ્તિ સુધી રહેશે અને બૌદ્ધિક શિક્ષણની સાથે દેહમન અને હૃદયના સર્વાંગીણ વિકાસ માટે જે કંઈ પણ આવશ્યક છે તે બધું મેળવશે. એટલે એક નિવાસી શાળા સ્વાસ્થ્યવર્ધક સ્થાનમાં હોવી જોઈએ અને તેનો પરિવેશ વિદ્યાર્થીના શારીરિક, માનસિક અને સાંવેગિક વિકાસમાં સહાયરૂપ થાય તેવો હોવો જોઈએ. આ છે નિવાસી શાળાની પહેલી આવશ્યકતા.

બીજી આવશ્યકતા આ છે : સુધારેલી પ્રણાલી અપનાવવી જોઈએ. આપણે પહેલાં વાત કરી ગયા છીએ કે શાળાના બાળકોના શિક્ષણને લાગે વળગે છે ત્યાં સુધી આપણે સામાન્ય સ્કૂલોમાં સામાન્ય રીતે પ્રચલિત શિક્ષણની અવૈજ્ઞાનિક અને અસ્વભાવિક પ્રણાલીઓના દોષોથી તેમને બચાવવા જોઈએ. જો આમ નહિ કરીએ તો તેમના શરીર, કૌશલ્ય અને ચારિત્ર્યના વિકાસ માટે ગમે તેટલી પૂરક તાલીમ અને શિક્ષણની વ્યવસ્થા કરીએ તો પણ તે વ્યર્થ જશે. એટલે જ નિવાસી શાળામાં સુધારણાવાળી પદ્ધતિને અપનાવવી એ આવશ્યક છે. 

ત્યાર પછી શારીરિક વિકાસ, કૌશલ્ય વિકાસ અને ચારિત્ર્ય નિર્માણ માટે જે કંઈ પણ આવશ્યક હોઈ તે બધું પૂરું પાડવું જોઈએ. આ આવશ્યતાઓની ચર્ચા આ પહેલાં આપણે કરી ગયા છીએ. વર્તમાન શિક્ષણપ્રણાલીમાં અપાતી બૌદ્ધિક કેળવણીના પૂરક રૂપે વ્યાવસાયિક પ્રશિક્ષણની પણ વ્યવસ્થા કરવી જોઈએ. પ્રત્યેક વિદ્યાર્થીનાં દેહમનના સ્વસ્થ વિકાસ માટે શક્ય બને ત્યાં સુધી વ્યક્તિગત રૂપે વિદ્યાર્થીને બધી સુવિધાઓ અપાવી જોઈએ એ નિવાસી શાળાનો મૂળ ઉદ્દેશ્ય છે. એટલા માટે એના સંચાલનના અત્યંત જટિલ અને કઠિન કાર્યમાં વિશેષજ્ઞો દ્વારા સારસંભાળ તેમજ અનેક ઉપયોગી ઉપકરણોની આવશ્યકતા રહે છે. એક નિવાસી શાળા રચતાં પહેલાં એટલું યાદ રાખવું જોઈએ કે દેશસમક્ષ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ માટે એક સર્વાંગીણ વિકાસ કરતી સંસ્થાનો ઉત્તમ નમૂનો રજૂ કરવો એ આપણું તાત્કાલિક ધ્યેય છે. એટલા માટે જ આ કાર્ય સાથે જોડાયેલ જવાબદારીઓ વિશે આપણે વધારે સજાગ રહેવું પડે. સાથે ને સાથે પોતાની ક્ષમતાઓના આકલન પર વિશેષ નજર રાખીને સાવધાનીપૂર્વક આગળ વધવું પડે. 

આ કાર્યની મુશ્કેલીઓ અને જટિલતાઓને ધ્યાનમાં રાખતાં અમને એ યોગ્ય લાગે છે કે આપણે બૌદ્ધિક શિક્ષણને બહારની શાળાઓના હાથમાં રાખીને આવશ્યક પૂરક પ્રશિક્ષણની સુયોગ્ય વ્યવસ્થાની સાથે બ્રહ્મચર્ય-આશ્રમની પદ્ધતિએ છાત્રાલય ચલાવવા પર આપણું ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આવા છાત્રાલયો ચલાવવામાં નિવાસી શાળા કરતાં ઓછા માણસો અને સંસાધનોની આવશ્યકતા રહે છે. એની સામે ‘મનુષ્ય નિર્માણ તથા ચારિત્ર્ય નિર્માણ કરતા ભાવોને આત્મસાત કરવા’માં જે કંઈ પણ આવશ્યક બાબતો છે એ બધું મેળવીને અને વિદ્યાર્થીઓને આપીને આવી સંસ્થાઓ વધુ ઉપયોગી નીવડી શકે. જ્યાં સુધી એક સંસ્થા પાસે મોટી સંખ્યામાં ઉત્તમ ચારિત્ર્યવાળા સુયોગ્ય શિક્ષણ સંચાલન તથા બીજા કાર્યકર્તાઓ ન હોય ત્યાં સુધી આવી નિવાસી શાળાની સ્થાપનાના કાર્યમાં પડવું યોગ્ય ન ગણાય. એ વાત પણ આપણે યાદ રાખવી પડશે કે જો આપણે આ મૂળભૂત આવશ્યકતાઓ સામે આંખમીંચામણાં કર્યાં તો આવા વિદ્યાલયની સ્થાપનાનો હેતુ જ માર્યો જશે. વળી પસંદગીના ચારિત્ર્યવાન લોકો દ્વારા આપણે અગાઉ વર્ણવેલ છાત્રાલય ચલાવી શકાય. આવા છાત્રાલયમાં સ્થાનિક શાળામાં શિક્ષણ મેળવતા ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓના નિવાસની વ્યવસ્થા હોવી જોઈએ. આ વિશે જે કંઈ કહેવાયું છે એ બધું પૂરેપૂરું મહિલા શિક્ષકો અને સંચાલકોની વ્યવસ્થા હેઠળ ચાલતાં બાલિકાઓ માટેના નિવાસી વિદ્યાલયોને પણ લાગુ પડે છે.

(ક્રમશ:)

Total Views: 66

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.