છઠ્ઠી મેની સવારે યુરોપમાં રહેવાનો મારો વિઝા લંબાવી શકાય કે નહિ તેની તપાસ કરવા અમે પોલીસ સ્ટેશને ગયા પણ અધિકારીઓએ એક જ વાતમાં પતાવી દીધું કે વિઝાનું કામ ભારતની ઓફિસમાં જ થઈ શકે. આથી સાતમી તારીખે તો પેરિસ છોડવું જ પડે તેમ હતું. ભોગીભાઈને કમરનું દર્દ હોવાથી હવે હું રામજીને સાથે લઈને ટ્રેનમાં જ આ બધા સ્થળો કે જેનું આગલા દિવસે દૂરથી દર્શન કર્યું હતું તે જોવા નીકળ્યો.

સ્વામી વિવેકાનંદ ઈ.સ. ૧૮૯૬માં ખાસ તો પેરિસની સેલબોન યુનિવર્સિટીમાં વ્યાખ્યાન આપવા માટે આવ્યા હતા. આ યુનિવર્સિટીમાં તેમણે બે વ્યાખ્યાન આપ્યાં હતાં. આજે પણ આ યુનિવર્સિટીનું બિલ્ડિંગ એવું જ ઊભું છે. અમે ત્યાં ગયા અને જ્યાં સ્વામી વિવેકાનંદે ભાષણ આપ્યું હતું તે યુનિવર્સિટીના મુખ્ય સભાખંડના ફોટાઓ પણ લીધા. ફ્રાંસનો મહાન સપૂત નેપોલિયન જ્યાં ચિર શાંતિમાં સૂતો છે એ કબર પણ દૂરથી જોઈ. ઉપરાંત મહાન ચિંતક રોમાં રોલાં જ્યાં રહેતા હતા તે સ્થળ પણ બહારથી જોયું અને બહારથી જ તેનો ફોટો પણ લીધો. આ સ્થળે એ મહાન ચિંતકના અવશેષો પણ સાચવવામાં આવ્યા છે પણ તે બંધ હોવાથી અમારે બહારથી જોઈને જ સંતોષ માનવો પડ્યો. હવે પછી અમે વિશ્વની સાત અજાયબીમાંની એક અજાયબી જેવા એફિલ ટાવર જોવા માટે ગયા. આ ટાવર ત્રણ માળમાં વહેંચાયેલો છે. કુલ પંદરસો પગથિયાં છે. ત્રીજા માળ સુધી રોપ-વે દ્વારા જઈ શકાય છે. પરંતુ અમે તો બીજા માળ સુધી પગથિયાં ચડીને ગયા. બધું જોતાં જોતાં જવાય અને પૈસા પણ બચે! અમને સીડી પર જવા-આવવામાં લગભગ ત્રણ કલાક લાગ્યા. બીજા માળેથી પણ સમગ્ર પેરિસનું દર્શન કરી શકાય છે. અમે પાછા પહેલે માળે આવ્યા, ત્યાં રેસ્ટોરન્ટમાં અમે કોફી પીધી એ જ જગ્યાએ સ્વામી વિવેકાનંદે પણ ૧૧૦ વર્ષ પહેલાં કોફી પીધી હતી. એ યાદ કરતાં રોમાંચિત થઈ જવાયું! મારે એફિલ ટાવરનો ફોટો લેવો હતો પણ અમે સાથે કેમેરો લાવ્યા ન હતા એટલે એફિલ ટાવર ચડતાં ચડતાં વિચાર્યું કે ત્યાં નીચે ફોટોગ્રાફરો લોકોના ફોટા પાડીને તુરત આપી દે છે તો અમે પણ એક ફોટો એમની પાસે પડાવી લઈએ! એ માટે અમે પૂછ્યું તો તેણે કહ્યું કે ફોટો તો જરૂર પાડી આપું પણ દશ યુરો કિંમત છે! દશ યુરો એટલે ૫૫૦ રૂપિયા થાય એક ફોટાની કિંમત ૫૫૦ રૂપિયા કંઈ અપાય? મનમાં વિચાર આવ્યો કે એના કરતાં તો સામેની દુકાને કેમેરો મળે છે તે લઈ લેવો સારો. એ કેમેરો પણ દશ યુરોમાં મળતો હતો. અને તેમાં ૩૫ ફોટા પડે એટલે આખરે દશ યુરોમાં સંસ્મરણો રૂપે એની નીચે ઊભા રહીને એક નહિ પણ અનેક ફોટાઓ પાડ્યા. આ બધું જોવામાં રાત પડી ગઈ એટલે પેરિસનું સુવિખ્યાત મ્યુઝિયમ લુવ્ર જોઈ શકાયું નહિ. રાતે સાડા નવ વાગ્યે ગ્રેવ્ઝમાં શ્રીરામકૃષ્ણ આશ્રમમાં પહોંચી ગયા.

સાતમી મે એ સવારે સાડા આઠ વાગ્યે અમારી યાત્રાનો ત્રીજો તબક્કો શરૂ થયો. અમે ફ્રાંસથી કાર રસ્તે સ્વીટ્‌ઝરલેન્ડ જવા નીકળ્યા અને સાંજે પોણા પાંચ વાગ્યે જીનીવા પહોંચ્યા. પહેલા જીનીવા ફ્રાંસમાં હતું પણ હવે એ સ્વીટ્‌ઝરલેન્ડના છેલ્લા ભાગમાં છે. સ્વીટ્‌ઝરલેન્ડમાં રહેનારે ત્રણ ભાષા શીખવી પડે છે – જર્મન, ફ્રેંચ અને સ્પેનીશ. ત્યાં કોઈ અંગ્રેજી જાણતું નથી. અમે પહોંચ્યા ત્યારે સ્વામી અમરાનંદજી અમારી રાહ જોઈ રહ્યા હતા. તેમણે અમને કહ્યું કે થાકી ગયા ન હોત ચાલો કારમાં મારી સાથે ખરીદી કરવા. અમે તેમની સાથે ખરીદી કરવા સુપર સ્ટોરમાં ગયા. જીનીવાનું રામકૃષ્ણ સંઘનું આ સેન્ટર ઘણું નાનું છે. મકાન પણ બહુ મોટું નથી. આથી બેત્રણ માણસો વધારે આવે તો રહેવાની અને જમવાની મુશ્કેલી થાય. અહીં સ્વામી અમરાનંદજી એક જ સંન્યાસી રહે છે. સ્વીટ્‌ઝલેન્ડમાં કામ કરવું ઘણું મુશ્કેલ છે. કેમકે અહીં પ્રોટેસ્ટન્ટ પંથના લોકો રહે છે તેઓ ઘણા જ રૂઢિચુસ્ત હોય છે. તેઓ મૂર્તિપૂજામાં માનતા નથી. અને તેમના પંથમાં સંન્યાસીની પ્રથા પણ નથી. આથી અહીં પ્રચાર અને પ્રસારનું કામ સીધી રીતે કરી શકાય નહિ. અહીં આવનારા ભક્તોમાં પણ ભારતીય ભક્તોનું પ્રમાણ વધારે છે. અમે આવવાના હતા એટલે અમારા માટે ચીજવસ્તુઓ અને ખાવાપીવાની વસ્તુઓ બજારમાંથી લાવવાની હતી. અમે સ્વામીજી સાથે સુપર માર્કેટમાં ગયા. ખરીદી કરી ત્યારે ખબર પડી કે ત્યાં બધું કેટલું મોઘું હોય છે. ટમેટાનો એક કિલોનો ભાવ ૧૫ થી ૨૦ ફ્રેંક એટલે કે લગભગ રૂપિયા સાતસો. એક ક્ષણ તો વિચાર આવ્યો કે સાતસો રૂપિયામાં આખો મહિનો ચાલે તેટલા શાકભાજી આવી જાય અને અહીં માત્ર એક કિલો! બધું જ કેટલું મોંઘું! ભારતથી આવેલા લોકો રૂપિયામાં ગણતરી કરે એથી વસ્તુઓ ખૂબ મોંઘી લાગતા ખરીદી જ ન કરી શકે! પરંતુ અહીંના સ્ટોરમાં ખરીદીની વ્યવસ્થા બધી જ ઓટોમેટિક હોય છે. ટ્રોલીમાં જે જોઈએ તે પોતાની જાતે લઈ પેકિંગ કરીને મૂકવાનું. મશીનથી ચેક કરી પૈસા પણ મશીનથી ચૂકવી અને પોતાનો માલ કારમાં મૂકવાનો. આથી ગમે તેટલા ગ્રાહકો હોય છતાં ક્યાંય ઘોંઘાટ કે કોલાહલ જોવા મળે નહિ. ગમે તેટલી ખરીદી કરવાની હોય તો પણ ક્યાંય ભાવતાલની રકઝક નહિ. ખરેખર યુરોપ અમેરિકામાં ભૌતિક પરિપૂર્ણતા માટેનો આગ્રહ તો દરેક જગ્યાએ જોવા મળે છે. ખરીદી કરી અને અમે પાછા આશ્રમમાં આવ્યા. અહીં આશ્રમના ત્રણ ઓરડા તો ભારતીય વિદ્યાર્થીઓને ભાડે આપ્યા છે. એમાંથી જે આવક થાય તેમાંથી સ્વામીજીનો નિર્વાહ ચાલે. વળી આ ભારતીય વિદ્યાર્થીઓ માત્ર શનિ-રવિમાં જ પોતાના ઓરડામાં હોય છે, બાકીના દવિસોમાં તો કોલેજમાં હોય એટલે તેમના ઓરડા વાપરવા મળે. આ રજાના દિવસોએ તેઓ સ્વામીજીને ઘણી મદદ પણ કરવા લાગે. બાકીના દિવસોમાં તો બધું જ કામ સ્વામીજીએ એકલે હાથે કરવાનું હોય છે. વળી આ કેન્દ્ર પાસે પોતાની કાર પણ નથી. અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ સ્વામી અમરાનંદજી શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાને સ્વીટ્‌ઝરલેન્ડમાં પણ જે રીતે જીવંત રાખી વહાવી રહ્યા છે એ જોઈને ખૂબ જ આનંદ થયો. બીજે દિવસે એટલે કે આઠમી તારીખે હવે મારી સ્વીટ્‌ઝરલેન્ડની યાત્રા શરૂ થઈ. મારા સારથિ ભોગીભાઈ જર્મનીથી સ્વીટ્‌ઝરલેન્ડ સુધીનું ૧૨ કલાકનું ડ્રાઈવિંગ કરીને ખૂબ જ થાકી ગયા હતા. એટલે મેં તેમને આરામ કરવાનું કહ્યું અને હું એક વિદ્યાર્થીને સાથે લઈને જીનીવા જોવા નીકળી પડ્યો. સૌ પ્રથમ તો સેન્ટ પીટર ચર્ચ જોયું અને પછી ત્યાંની ટુરીસ્ટ ઓફિસમાં જઈને અમે બધી માહિતીના પત્રકો લઈ આવ્યા. કેટલા પ્રકારની ટ્રેન કયા કયા સમયે મળશે એ બધાનો પૂરો અભ્યાસ કર્યો. સાંજે જીનીવામાં જ રહેતા બંગાળી ભક્ત શ્રી ગાંગુલી આવ્યા. તેઓ મને કારમાં જીનીવા જોવા લઈ ગયા. મને પર્લગાર્ડન તેમણે બતાવ્યું. પછી વરસાદ આવતાં મારી યાત્રા અટકી ગઈ અને અમે પાછા આવ્યા.

સ્વીટ્‌ઝરલેન્ડને કુદરતે અપાર સૌંદર્ય આપ્યું છે. ધવલ બરફથી આચ્છાદિત પર્વતો, ઝરણાઓ, તળાવો, ફૂલો, ફળોથી છવાયેલાં લીલાછમ હરિયાળાં ખેતરો, ખરેખર સૌંદર્ય નજરે ન જોયું તો ખ્યાલ જ ન આવે કે સ્વીટ્‌ઝરલેન્ડને પૃથ્વી ઉપરનું સ્વર્ગ કેમ કહ્યું છે! જ્યાં દૃષ્ટિ કરો ત્યાં બસ સૌંદર્ય અને સૌંદર્ય જ. પરમાત્માએ છૂટે હાથે આ પ્રદેશને સૌંદર્યથી ભરી દીધો છે. આવા સ્વીટ્‌ઝરલેન્ડના સૌંદર્ય સ્થળો જોવાની ઇચ્છા તો હતી જ, પણ ખાસ તો આ પ્રદેશે સ્વામી વિવેકાનંદને હિમાલયમાં અદ્વૈત આશ્રમ સ્થાપવાની પ્રેરણા આપી હતી. એ પ્રદેશની ભવ્યતા કેવી હશે, એ પણ જોવાની મનમાં ઇચ્છા હતી. પણ ભોગીભાઈ કમરના દર્દને કારણે કારમાં મને લઈ જઈ શકે એમ ન હતા. સ્વામી અમરાનંદજી એકલા જ હોવાથી આશ્રમ છોડી મારી સાથે આવી શકે તેમ ન હતા. આથી મેં વિચાર્યું કે જ્યાં જ્યાં સ્વામી વિવેકાનંદ ગયા હતા, તે તે સ્થળોની મુલાકાત તો લેવી જ જોઈએ. સાથે કોઈ ન હોય તો એકલા બધું શોધી લેવાનું. ભગવાન તો સાથે છે જ ને! સ્વીટ્‌ઝરલેન્ડની યાત્રાનો આ પણ એક અનોખો અનુભવ બની રહેશે. આથી મેં બધાં સ્થળો કેવી રીતે જોઈ શકાય એ અંગે પૃચ્છા કરી. જાણવા મળ્યું કે રેલવેમાં એક સ્કીમ છે, બધાં સ્થળો જોવાં હોય તો તમે ચાર દિવસની સંયુક્ત ટિકિટ લઈ શકો છો. દરરોજ ત્યાંની ટ્રેનમાં જે જે સ્થળે જવું હોય ત્યાં જઈ શકો છો. આ ખબર મળતાં જ હું રેલવે સ્ટેશને ગયો. ત્યાંથી બધી વિગત મેળવી. જેમાં ૨૪૦ ફ્રેંકની ટિકિટ લેવાથી ચાર દિવસ (તા. ૧૧ થી ૧૪) ત્યાંની ગમે તે ટ્રેનમાં ગમે તેટલા સમય સુધી પ્રવાસ કરી શકાય. બોટમાં કે બસમાં પણ જઈ શકાય. જો રોપ-વેમાં જવું હોય તો તેની અલગ કિંમત આપવી પડે. આ સ્કીમ તો ખરેખર સારી હતી. પણ ૨૪૦ ફ્રેંક ક્યાંથી મેળવવા? ત્યાં અચાનક યાદ આવ્યું કે જર્મનીના કેન્દ્રમાં આધ્યાત્મિક શિબિર હતી. તેમાં આવેલા ભક્તોએ મને એક કવર આપેલું. અને આપતી વખતે કહ્યું હતું: ‘અમે તમને વસ્તુઓ નથી આપતાં, પણ પ્રણામી તરીકે આમાં યુરો મૂક્યા છે. તમને તમારા પ્રવાસમાં ઉપયોગમાં આવશે.’ એ યાદ આવતાં કરવ ખોલીને જોયું તો એમાં યુરો હતા. અને ગણ્યા તો બરાબર ૨૦૦ યુરો (લગભગ ૨૪૦ ફ્રેંક) હતા! ક્ષણભર તો ભગવાનની યોજના જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો! એમને ખબર હતી કે સ્વીટ્‌ઝરલેન્ડ માટે મારે યુરોની જરૂર પડશે. અને તે એમણે આ રીતે મોકલી આપ્યા. ભગવાને ગીતામાં કહેલ ‘યોગક્ષેમં વહામ્યહમ્‌’ની મને સ્વીટ્‌ઝરલેન્ડમાં એમણે પ્રતીતિ કરાવી. મેં ટિકિટ લઈ લીધી.

રવિવારે નવમી તારીખે સાંજ તો કેન્દ્રમાં જ ગાળી. ભજનસંધ્યા હતી. ત્યાંના આઠ-દસ ભક્તો આવ્યા હતા. બધાને મળવાનું થયું. વાર્તાલાપ થયો, આનંદ આવ્યો. બીજે દિવસે યુનોના ભવ્ય અને વિશાળ હોલની સમક્ષ ઊભા રહેતાં નજર સામે પ્રથમ વિશ્વયુદ્ધ પછી ૧૯૧૯માં વિશ્વના રાષ્ટ્રોએ વિશ્વમાં એકતા અને શાંતિની સ્થાપના માટે જે સહિયારું પ્રથમ પગલું ભર્યું તે હતું લીગ ઓફ નેશન્સની સ્થાપનાનું. એક આ મુખ્ય મથક હતું. આ જોવા અને જાણવા માટે ૮.૫૦ ફ્રેંક ચૂકવીને એક ‘ગાઈડ’ લીધી. આ ગાઈડ યુનિવર્સિટીમાં ભણતી વિદ્યાર્થિનીની હતી. તે પાર્ટટાઈમ કામ કરીને જે પૈસા મેળવતી એમાંથી પોતાના અભ્યાસનો ખર્ચો કાઢતી હતી. તેણે મને બધું સમજાવ્યું અને બતાવ્યું. ૧૯૩૯ સુધી તો આ જ મુખ્ય કેન્દ્ર હતું. પણ ૧૯૩૯ પછી ન્યૂયોર્કમાં મુખ્ય કેન્દ્ર બન્યું. તેમ છતાં યુનોની ભગિની સંસ્થાઓ યુનિસેફ, રેડક્રોસ, ડેવલપમેન્ટ પ્રોગ્રામ વગેરેના મુખ્ય મથકો અહીં જ છે. યુનોના ૧૯૦ સભ્યોમાંથી ૧૫૦ જેટલા દેશોની ઓફિસો તો એકલા જીનીવામાં જ છે. આથી જીનીવાને વર્લ્ડસીટી કહી શકાય. કેમ કે જીનીવાની પાંચ લાખની વસ્તીમાં ત્રીજા ભાગની વસ્તી તો વિદેશીઓની જ છે. ત્યાં વિશાળ પુસ્તકાલય પણ છે. એ ઉપર ઉપરથી જ જોયું કેમ કે એક કલાકમાં જ મારે બધું જોવાનું હતું.

ત્યાંથી બહાર નીકળ્યો. હવે સાવ એકલો જ હતો. હવે શું કરવું, ક્યાં જવું એ પણ ખબર ન હતી. પણ બાજુમાં જ એક મ્યુઝિયમ હતું, એ પણ કોઈ ફી ભરવી પડતી ન હતી, એટલે મ્યુઝિયમમાં અંદર ગયો. ત્યાં કોઈ સ્વીસ બહેન હતાં. મારો ભગવો પોશાક જોઈને તેઓ બોલી ઊઠ્યાં: Oh! You are from India? પછી તેમણે વાત કરી કે તેઓ પણ ભારતમાં રહ્યા હતા. અને ભારત એમને ખૂબ ગમે છે. મેં એ મ્યુઝિયમ ઝડપથી જોઈ લીધું કેમ કે મારે તો જીનીવાના સુપ્રસિદ્ધ તળાવે જવું હતું જેના કિનારે સ્વામી વિવેકાનંદ ચાલ્યા હતા. એ વૃદ્ધા બહેને મને પૂછ્યું કે ‘હવે તમારે ક્યાં જવું છે?’ અને મેં પલગાર્ડન, બોટોનિકલ ગાર્ડન, જે તળાવના કિનારે જ આવેલા છે, ત્યાં જવાની વાત કરી. તો તેમણે મને પોતાની કારમાં ત્યાં ઉતારી દીધો. આ એ જ સરોવર હતું જેના કિનારે આવેલ એક હોટેલમાં સ્વામીજી ઉતર્યા હતા. આ સરોવરના શાંત જળમાં સ્વામી વિવેકાનંદ દરરોજ બે વખત સ્નાન કરતા હતા. તેઓ જીનીવામાં ત્રણ દિવસ રોકાયા હતા. આ સરોવરનું સ્વચ્છ નીલ જળ, ઉપર એવું જ સ્વચ્છ નીલ આકાશ, અને ધરતી પર જ્યાં જ્યાં દૃષ્ટિ પડે ત્યાં રંગબેરંગી પુષ્પોની છાંટવાળી લીલીછમ હરિયાળી, અને આસપાસના છૂટા છવાયાં મકાનો જોઈને સ્વામી વિવેકાનંદ અત્યંત પ્રસન્ન થઈ ગયા હતા. એ જ સરોવરના કિનારે હું તદ્દન એકલો સ્વામી વિવેકાનંદની સ્મૃતિઓને યાદ કરતો ઊભો હતો! મેં કદી કલ્પના પણ નહોતી કરી કે જીનીવાના ૪૫ માઈલ લાંબા અને ૨૭ માઈલ પહોળાં એ લેમન લેક કે જ્યાં સ્વામી વિવેકાનંદે નૌકાવિહાર કર્યો હતો. ત્યાં હું જઈશ. અને જગતના સહુથી ઊંચા ફૂવારાની ભવ્યતાને માણતો તેની સામે ઊભો રહીશ. પરંતુ ઈશ્વરની કૃપાથી કલ્પનામાં પણ ન હોય એવી ભવ્ય અને દિવ્ય ઘટનાઓ જીવનમાં બનતી રહેતી હોય છે. મારી બાબતમાં પણ ઈશ્વરની કૃપાએ એવો જ ચમત્કાર સર્જ્યો! એ જ સરોવરમાં મને પણ બોટિંગ કરવાની ઇચ્છા થઈ પણ બોટ નીકળી ગઈ હતી અને તેને પાછી આવવાને વાર હતી. એટલે હું એ લેમન લેઈકના કિનારે કિનારે એકલો ચાલવા લાગ્યો. ત્યાંનું જળ કેટલું બધું નિર્મળ હતું! સ્ફટિકની જેમ જાણે આપણે આરપાર જોઈ શકીએ! એક બાજુ આ વિરાટ જળરાશિ અને ઉપર અનંત આકાશ અને ચોતરફ પ્રકૃતિએ વેરેલું અનુપમ સૌંદર્ય અને સર્વત્ર પથરાયેલી નીરવ શાંતિમાં પ્રકૃતિના અવાક્‌ રહસ્યોનું ચિંતન કરતો કરતો હું કેટલે આગળ નીકળી ગયો તેની ખબર ન પડી. અને થયું કે હવે તે પાછું ફરવું જ પડશે. પાછો આવ્યો ત્યારે જણાયું કે હું લગભગ બે માઈલ જેટલું ચાલી ગયો હતો. પાછા ફરતાં બીજી બોટ પણ ચાલી ગઈ! સરોવરમાં નૌકાવિહાર કરવાનું ન થયું! પણ સરોવરના કિનારે ઊભા રહીને તેનાં જે સૌંદર્યને નિહાળ્યું તો કદાચ સરોવરની અંદર રહીને ન નિહાળી શક્યો હોત! પછી હું ચાલતો ચાલતો સ્ટેશન જવા નીકળ્યો, પણ નક્શો ભૂલાઈ ગયો હતો. એટલે કેટલુંય ચાલ્યો પણ ક્યાંય સ્ટેશન આવે જ નહિ! મનમાં થયું કે આ તો સ્ટેશનનો રસ્તો જણાતો નથી. એટલે પાછો વળી ગયો ને ફરી ચાલતાં ચાલતાં તળાવે પાછો આવ્યો અને ત્યાંથી મુખ્ય રસ્તે સ્ટેશને આવ્યો. સ્ટેશનેથી બધી માહિતી મેળવી અને બસ પકડવા માટે બસ સ્ટેન્ડે જવા નીકળ્યો. તો ત્યાં પણ એક બસ સ્ટોપ ચૂકાઈ ગયું! જમણી તરફ બસ સ્ટેન્ડ આવતું હતું પણ હું ભારતીય ટ્રાફિકનિયમ પ્રમાણે ડાબી તરફ ચાલ્યો. એટલે ફરી પાછો આવ્યો ને નિયમ સ્થળે પહોંચી બસ પકડી. આશ્રમે પહોંચ્યો ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું અને બધા રાહ જોઈ રહ્યા હતા!

સ્વીટ્‌ઝરલેન્ડની ગ્લેસિયર એક્સપ્રેસ ટ્રેન એ વિશ્વની સહુથી નાની નેરોગેજ ટ્રેન છે. તે પર્વતની ટોચ પર ધીરે ધીરે સરકે છે. ચારે બાજુ બરફ અને તેની વચ્ચેથી કીડીવેગે સરકતી જાતી આ લાલ ટ્રેન! દૂરથી જોનારને તો અદ્‌ભુત દૃશ્ય લાગે જ. પણ તેમાં મુસાફરી કરનારને વિશેષ આહ્‌લાદકતાનો અનુભવ થાય છે. ૨૫૦ જેટલા તો રસ્તામાં પુલ આવે અને ૩૦૦ જેટલાં ભોંયરાં! પુલોને ભોંયરા ન હોય ત્યાંય બરફાચ્છાદિત શિખરો તો ખરાં જ! આ ટ્રેન એ સ્વીટ્‌ઝરલેન્ડની એક વિશિષ્ટતા છે. ૧૧મી તારીખે બરફાચ્છાદિત પર્વતો પર સરકતી આ નાજુક ટ્રેનમાં બેસીને સ્વીટ્‌ઝરલેન્ડની પર્વતમાળાના સૌંદર્યને નિહાળ્યું. ચા-નાસ્તો કરીને હું નીકળી પડતો અને સ્વીટ્‌ઝરલેન્ડના પહાડો, સરોવરોથી ભરપુર સૌંદર્યધામો નિહાળી છેક રાત્રે પાછો ફરતો. મારા થેલામાં સામે મમરાં ને થેપલાં લઈ જતો. કેમ કે ત્યાં તો ચાનો કપ ૨૦૦ રૂપિયાનો થાય. તો ખાવાનો ખર્ચ તો કેમ પોષાય? ભોગીભાઈ આ પ્રદેશના પૂરા જાણકાર. એમણે અગમચેતી વાપરીને અમે લંડનથી નીકળ્યા ત્યારે જ એમના બેન પાસે પુષ્કળ થેપલા બનાવડાવીને ડબ્બો ભરીને લીધા હતા. ભારતથી આવ્યા ત્યારે મમરાની ગુણ ભરીને લાવ્યા હતા. ત્યારે તેમણે કહ્યું કે ત્યાં તમે આવશો ત્યારે સમજાશે. અને ખરેખર એ મમરા અને થેપલાંએ આખા યુરોપના પ્રવાસમાં રંગ રાખ્યો ને ઈંધણ પૂર્યું.

(ક્રમશ:)

Total Views: 77

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.