અમેરિકાના ડ્યૂક વિશ્વવિદ્યાલયના ડો. જે.બી. રાઈન માનવ મનની વિલક્ષણ શક્તિઓ વિશે વિસ્તૃત ફલક પર અધ્યયન તથા પ્રયોગ કરતા રહ્યા. એમણે લગભગ અરધી શતાબ્દિ પહેલાં કહ્યું હતું: ‘મનની ભીતર એવી શક્તિઓ રહેલી છે કે જે આપણા દ્વારા જ્ઞાત ભૌતિક વિજ્ઞાનના ક્ષેત્રમાં આવતી નથી એ નિષ્કર્ષ દૃઢતાપૂર્વક સ્થાપિત થઈ જાય છે. જો કે દેશ તથા કાળ ભૌતિક પદાર્થોનાં સુનિશ્ચિત લક્ષણ છે, એટલે મનના મનનનું સ્વરૂપ ભૌતિકથી પર આધ્યાત્મિક હોવું જોઈએ. (ડો. જે.બી. રાઈનના અમેરિકન વિકલી મેગેઝીનમાં ૨૫ ઓગસ્ટ, ૧૯૪૬ના રોજ પ્રસિદ્ધ થયેલ લેખ ‘સાયન્ટિફિક ઇવિડન્સ ધેટ મેન હેઝ એ સોલ – માનવને આત્મા છે એનું પ્રણામ’ના આધારે) શું આ કથન રોગ અને મૃત્યુથી પર અને બધાની ભીતર રહેલ શક્તિ તરફ ઈશારો નથી કરતું?

મનોવૈજ્ઞાનિક સી.જી.યુંગ કહે છે : ‘ઉદાર પ્રકૃતિ માનવ પર જે જે પ્રોત્સાહન અને સહાયતા વરસાવે છે, અચેતન મન આપણને એ બધું પ્રદાન કરે છે… એમાં ચેતન મનથી છૂપી રહેતી બધી સંભાવનાઓ રહેલી છે. એનું કારણ એ છે કે આ અચેતનની પાસે બધી ઉત્કૃષ્ટ માનસિક શક્તિઓ છે; એમાં એ બધું છે જે ક્યારેક ભુલાવી દેવામાં આવ્યું છે કે વિસારે પાડી દેવામાં આવ્યું છે. સાથે ને સાથે અગણિત શતાબ્દિઓનાં જ્ઞાન અને અનુભવ પણ એના પ્રાચીન અંગોમાં વસેલાં છે… અચેતન મન મનુષ્ય માટે એક અભૂતપૂર્વ પથપ્રદર્શક બની શકે છે. પણ શરત એ છે કે તે કુમાર્ગે ચાલવાના પ્રલોભનોથી બચી શકે.’

ગહન મનનો ગુપ્ત કોષ

પાછલાં ૧૬૦ વર્ષો દરમિયાન સંમોહન વિદ્યા દ્વારા મનના ગહન સ્તરમાં છુપાયેલા ખજાના વિશે શોધ ચાલી રહી છે. જાત જાતના મતભેદો તથા વિરોધો પછી વૈજ્ઞાનિકોએ આ પદ્ધતિનો – ટેકનિકનો સ્વીકાર કર્યો છે. જે.બી.એસ. હેલ્ડન નામના એક સુખ્યાત વૈજ્ઞાનિકનો મત આવો છે : ‘જેમણે સંમોહન વિદ્યાનો એક પણ પ્રયોગ જોયો હોય તે ભવિષ્યના ચમત્કાર તથા માનવ આસ્થાની વિલક્ષણ સંભાવનાઓની કલ્પના કરી શકે છે. ઔષધિ વિજ્ઞાનના ક્ષેત્રમાં સંશોધનોથી પ્રાપ્ત થયેલ અનેક ઉપચારોને આરંભમાં એક જાદુઈ ચમત્કાર ગણવામાં આવતો હતો. પરંતુ એનાથી સ્વાસ્થ્ય રક્ષાના ક્ષેત્રે એક ક્રાંતિ આવી ગઈ છે. આવી જ રીતે જો માનવ મનની નિયંત્રણ શક્તિના નિયમ જન સાધારણના સ્તરે સ્વીકૃત થઈ જાય તો વિશ્વનું રૂપ જ બદલી જાય.’

૧૦૦૦ વર્ષો પહેલાં પણ ભિન્ન ભિન્ન દેશોમાં કેવળ ગણ્યાંગાઠ્યા લોકોને જ સંમોહન દ્વારા પ્રાપ્ત થનારા રહસ્યોનું જ્ઞાન હતું. ત્યાર પછી આ ક્ષેત્રમાં વૈજ્ઞાનિક સંશોધનો તથા પ્રયોગો થયાં. થોડાં વર્ષ પહેલાં એક રિપોર્ટમાં દર્શાવ્યું છે કે અમેરિકાના લગભગ ૪૦૦૦ દંતશલ્ય ચિકિત્સકોને સંમોહન વિદ્યાનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. અત્યારે પણ સારા પ્રમાણમાં લોકોને આવું પ્રશિક્ષણ મળે છે. ૧૯૫૦ સુધીમાં ૬૦૦૦ ચિકિત્સકોએ સંમોહન વિદ્યા દ્વારા રોગીઓનો ઉપચાર કર્યો છે. આ બધા ચિકિત્સકો મનોવૈજ્ઞાનિકો તથા મનોરોગ ચિકિત્સકો ઉપરાંતના હતા. ૧૯૫૮માં અમેરિકાની આયુર્વિજ્ઞાન પરિષદે સંમોહન વિદ્યા પર એક સમિતિ રચી. એ સમિતિનો નિષ્કર્ષ એ હતો કે હોસ્પિટલોમાં કેટલાક રોગોના ઉપચાર માટે સંમોહન વિદ્યાનો પ્રયોગ થઈ શકે. પરંતુ કેટલાક લોકોની આવી આશંકા છે કે આ વિશેષ ક્ષમતા દ્વારા અજ્ઞાની, સ્વાર્થી તથા દુષ્ટ લોકો રોગીઓનું શોષણ કરી શકશે. આ આશંકા કદાચ નિરાધાર પણ હોઈ શકે.

રશિયામાં આ ક્ષેત્રે વિલક્ષણ પ્રગતિ થઈ છે. ૩૦ વર્ષ પહેલાં જ રશિયન વિશેષજ્ઞ પ્રયોગ તથા નિરીક્ષણના ચરણ પાર કરીને સંમોહનના ઉપયોગ વિશે જાણી ચૂક્યા હતા. રોગીઓને અચેત કરવામાં એમણે સંમોહન વિદ્યાનો ઉપયોગ કર્યો. આધુનિક ઔષધિઓના ક્ષેત્રમાં ન આવનાર અનેક રોગો પર તેઓ સંમોહન વિદ્યાનો પ્રયોગ કરતા હતા. લોકોમાં દારુ વગેરેની લત છોડાવવામાં પણ એનો પ્રયોગ કરવામાં આવ્યો. એમણે આ ટેકનિકનો ઉપયોગ કરીને મોર્ફિન જેવી માદક ઔષધિઓની આદતથી આવનારા પરિણામોમાંથી લોકોને મુક્તિ અપાવી છે અને કેટલાય શારીરિક તથા માનસિક રોગોનો ઉપચાર કરવામાં તેઓ સફળ નીવડ્યા છે. કેટલાક રોગીઓની ગ્રંથિઓ સોજી જવી, તીક્ષ્ણ વેદના તથા આઘાતને તેમની કેટલીક માનસિક સમસ્યા સાથે સંબંધ છે – આ આવિષ્કારની મદદથી એમણે લોકોને એમના વ્યક્તિત્વ પર માઠી અસર પાડનારા રોગોથી બચાવ્યા છે.

આ સંદર્ભમાં માનવ મનના સ્વરૂપ તથા શક્તિને સમજવા અને ઈંદ્રિયાતીત અનુભૂતિઓ વિશેની શોધના મહત્ત્વ પર ભાર મૂકનાર બે બીજા વૈજ્ઞાનિકોના વિચાર પણ યાદ કરવા જેવા છે. સુપ્રસિદ્ધ મનોવૈજ્ઞાનિક સિગ્મણ્ડ ફ્રોય્‌ડનું કહેવું આમ છે : ‘જો મારે ફરીથી જીવનનો આરંભ કરવાનો હોય તો હું એને મનોવિશ્લેષણને બદલે ઈંદ્રિયાતીત જ્ઞાનના અધ્યયનમાં નિયોજિત કરું.’ નિકોલાઈ ટેસ્લાએ કહ્યું છે : ‘જો વિજ્ઞાન જગદાતીત કે ઈંદ્રિયાતીત અનુભૂતિઓ પર શોધ કરવામાં લાગી જાય તો ગત અનેક સદીઓમાં જે ઉન્નતિ થઈ છે તે ઉન્નતિને કેવળ એક દશકામાં જ પ્રાપ્ત કરી શકાય.’ રશિયન વૈજ્ઞાનિક ડો. વૈસ્લિવના મતાનુસાર ઈંદ્રિયાતીત જ્ઞાનની પાછળ શક્તિની શોધ અણુશક્તિની શોધ જેટલું જ મહત્ત્વ ધરાવે છે. જે સમગ્ર વૈજ્ઞાનિક વિચારો પર એકાધિકારનો દાવો કરે છે અને અતીન્દ્રિય ગવેષણાથી થોડો ઘણો પણ પરિચય ન રાખીને પોતાની જાતને યથાર્થવાદના અનુરાગી બતાવે છે એવા આ દેશના કહેવાતા બુદ્ધિજીવીઓ દ્વારા રશિયા આ ક્ષેત્રના અનુસંધાનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યું છે એ તથ્યને પચાવવું કઠિન બની જશે. એવું લાગે છે કે આપણા કેટલાક દેશવાસીઓ સત્યની શોધને જ નહિ પરંતુ તેઓ જે કંઈ સમજી શકતા નથી તેને અંધવિશ્વાસ કહીને તેના પર આક્રમણ કરવું એ જ વિજ્ઞાનનો મૂળ હેતુ માને છે. પરંતુ સત્ય કોઈના વિશ્વાસ પર આશ્રિત હોતું નથી એ આપણે સૌ જાણીએ છીએ.

દિવ્ય દૃષ્ટિનો મહિમા

માનવ શરીરની ચોતરફ આવેલ અને સામાન્ય લોકોની દૃષ્ટિક્ષેત્રમાં ન આવતા પ્રભામંડળમાં અત્યંત પ્રાચીન કાળથી જ વિશ્વના વિભિન્ન ભાગોમાં લોકો શ્રદ્ધા ધરાવતા આવ્યા છે. સંતો તથા આધ્યાત્મિક મહાપુરુષોમાં એમના મસ્તકની ચોતરફ આપણે એક આભા જોઈએ છીએ. બાળક કે ઈંદ્રિયાતીત દૃષ્ટિથી સંપન્ન લોકો ક્યારેક ક્યારેક કહે છે કે એમને વ્યક્તિને ઘેરી વળેલ વિભિન્ન રંગોની એક આભા દેખાય છે. આ આભાનાં લક્ષણો તથા સઘનતાનું અધ્યયન કરીને કોઈ પણ વ્યક્તિના શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય વિશે જાણકારી પ્રાપ્ત કરી શકાય છે. પહેલાં આવી ક્ષમતા કેવળ થોડાક જ લોકોમાં હતી પરંતુ આજે રશિયન વિશેષજ્ઞો કાર્લિયન યંત્રની મદદથી આ આભાના રંગોને ઓળખી લે છે. એ લોકો એક્સ-રે દ્વારા ઓળખી ન શકાતા રોગોના કારણોનું નિદાન પણ કરી લે છે. કર્લિયન યંત્ર બોલાયેલા નાનામાં નાના અસત્યને પણ પ્રગટ કરી દે છે. આ યંત્ર મનની બદલતી અવસ્થાઓ તથા શારીરિક રોગોના મૂળને પણ શોધી કાઢે છે. વૈજ્ઞાનિક સમૂહ વિભિન્ન ક્ષેત્રોમાં શોધ માટે આ યંત્રોનો ઉપયોગ કરી રહ્યા છે. રશિયન વૈજ્ઞાનિક કર્લિયન પદ્ધતિ દ્વારા અનેક રોગોનું નિદાન કરવામાં સફળ થયા છે. ‘ધ ન્યુ સોવિયેટ સાઈકિક ડિસ્કવરીઝ’ – ‘રશિયાની મનોવૈજ્ઞાનિક ક્ષેત્રે નવી શોધો’ નામના પુસ્તકમાં આવો ઉલ્લેખ છે : ‘કેવળ રશિયામાં જ નહિ પરંતુ રુમાનિયા, બલ્ગેરિયા, હંગેરી, ઝેકોસ્લેવિયા તથા પૂર્વ જર્મનીના આશરે ૧૦૦૦ ઉચ્ચકોટિના વૈજ્ઞાનિક, ભૌતિક શાસ્ત્રી, જીવવિજ્ઞાનીઓ અને ચિકિત્સકો, લગભગ ૫૦,૦૦૦ પ્રયોગશાળા સહાયકોની સાથે કર્લિયન વિધિએ રોગનિદાનના સંશોધનના કાર્યમાં મંડી પડ્યા છે.’

પ્રત્યેક વ્યક્તિની શરીરની આભા ઉપરાંત માનવ મનમાં બીજી અનેક અભૂતપૂર્વ શક્તિઓ પણ છુપાયેલી છે. આ શક્તિઓને સમજતા પહેલાં આપણા માટે એક મહત્ત્વપૂર્ણ તથ્ય જાણવાનું આવશ્યક છે. આ તથ્ય કર્લિયન યંત્ર દ્વારા વૈજ્ઞાનિકોએ જાણી લીધું હતું. માનવનો આત્મા હાડમાંસ, રક્ત તથા સ્નાયુઓ વગેરેથી નિર્મિત આ ભૌતિક શરીરનું અંગ નથી. સૂક્ષ્મશરીરની દ્યોતક એવી આ આભા માનવ કે પશુના મૃત શરીરમાં જોવા નહિ મળે. એનું તાત્પર્ય એ છે કે આ સૂક્ષ્મ શરીર જ આપણા ભૌતિક શરીરની બધી ક્રિયાઓ માટે જવાબદાર છે. પ્રાચીન ભારતીય ઋષિઓએ આ ઊર્જાદેહને સૂક્ષ્મશરીર એવું નામ આપ્યું હતું.

એ આપણે માનવું પડશે કે અત્યાર સુધી કોઈ પણ મનોવૈજ્ઞાનિક કે વૈજ્ઞાનિક પરંપરાએ મગજથી પૃથક મનના અસ્તિત્વને સ્વીકાર્યું નથી. જે વૈજ્ઞાનિકોએ મન અને મગજની એકતાને સત્ય હકીકત માની છે તેઓ પોતાના આ વિશ્વાસની આડે આવનાર શોધોનો સ્વીકાર નથી કરતા. વિજ્ઞાનની આ જ પરંપરા છે. પરંતુ સુપ્રસિદ્ધ સ્નાયુવિદ્‌ તથા શલ્યચિકિત્સક ડો. વાઈલ્ડર પેનફિલ્ડે પોતાના અનુભવને વ્યક્ત કરતાં પોતાના પુસ્તક ‘સિક્રેટ ઓફ ધ માઈન્ડ – મનનું રહસ્ય’માં લખ્યું છે કે હવે મગજથી અલગ એવા મનના અસ્તિત્વને સ્વીકારવાનો સમય આવી ચૂક્યો છે. એક લેખાકાર કે યોજનાકાર કમ્પ્યુટરનો પ્રયોગ કરે છે અને બધાં કાર્ય તેની મદદથી કરે છે. પરંતુ તે આ યંત્રનો ઉપયોગ કર્યા વિના પણ પોતાનું કાર્ય સંપન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. આ રીતે સામાન્ય રૂપે જો મન પોતાની ક્રિયાઓમાં મગજ પર આશ્રિત છે પરંતુ પેનફિલ્ડના મતાનુસાર એ સ્વાધીન રૂપે પણ કાર્ય કરવા સક્ષમ છે.

પ્રચંડ આત્મા નિદ્રામગ્ન છે

શોધો, પ્રયોગો તથા ઉદાહરણના અધ્યયનથી આ વાત સિદ્ધ થઈ ગઈ છે કે મનની અતીન્દ્રિય શક્તિઓની ધારણા માત્ર એક કપોલકલ્પના કે અંધવિશ્વાસ જ નથી. કેટલાક લોકોમાં આ શક્તિઓ વિલંબથી પ્રગટ થાય છે અને જે લોકો એને માટે પ્રયાસ નથી કરતા એમને એનો અનુભવ પણ નથી થઈ શકતો. આમ હોવા છતાં પણ એ શક્તિઓના અસ્તિત્વ વિશે શંકા કરવાની કોઈ આવશ્યકતા નથી. આ વિભિન્ન પ્રકારની શક્તિઓ વિશે સંક્ષિપ્ત જાણકારી આ પ્રકારની છે:

* ટેલીપથી : દૂરસુદૂર આવેલ મનુષ્યના મનમાં વિચાર દ્વારા સંદેશ મોકલીને તેની સાથે સંપર્ક સ્થાપિત કરવાની ક્ષમતા.

* દેહાતીત અનુભવ : ભૌતિક દેહની બહાર જઈને સેંકડો માઈલ દૂરની ઘટનાઓને જોવી અને સાંભળવી.

* ઇન્દ્રિયાતીત બોધ : અતીન્દ્રિય શક્તિ દ્વારા શરીરની ભીતરના અને એક્સ-રે દ્વારા ન જાણી શકાય તેવા રોગોને જાણી લેવા.

* કોઈ પણ વ્યક્તિ હાજર ન હોય તો પણ તેના દ્વારા ઉપયોગમાં લેવાયેલી વસ્તુના સ્પર્શથી શારીરિક બંધારણ તથા ગુણ બતાવી દેવા.

* પોતાના તેમજ અન્ય લોકોના પાછલા જીવનને જાણવાની ક્ષમતા. આ ક્ષેત્રમાં વિશેષજ્ઞોનું એવું કહેવું છે કે બાળપણ, શૈશવ, ગર્ભવાસ તથા ત્યાં સુધી કે આ પૃથ્વી પર જન્મ લેતાં પહેલાંની સ્મૃતિઓને પણ ફરીથી જાગ્રત કરવી સંભવ છે. ‘વીતેલી ઉંમરને પાછી આપવી’ની પ્રક્રિયા દ્વારા સંમોહિત કરેલ વ્યક્તિ પોતાના ભૂલ ભરેલા અનુભવોનું પણ વિસ્તારથી વર્ણન કરે છે. બીજી વ્યક્તિ પણ તેના મન સાથે પોતાના મનને જોડીને એ અનુભૂતિઓને પ્રાપ્ત કરી શકે છે. આ ક્ષેત્રમાં ચાર વિશ્વ વિખ્યાત વૈજ્ઞાનિકોની શોધ અત્યંત ઉત્સાહવર્ધક તેમજ માનવ મનના અંતરજગતના દ્વારને ઉઘાડનારી છે. આ મનોવૈજ્ઞાનિકોમાં એલેક્ઝેન્ડર કૈનન તથા ડેનિસ કેલ્સી ઈંગ્લેન્ડના છે; વારવરા ઈવાનોવ રશિયન મહિલા છે અને હેલેન વામ્બૈક અમેરિકન મહિલા મનોવૈજ્ઞાનિક છે.

* કેવળ વિચારોની શક્તિથી રોગોનો ઈલાજ કરવો.

* મનોશક્તિથી બાહ્યજગતની ચીજવસ્તુઓ સ્થાનાંતરિત કરવી.

* શરીરની સ્વયંચાલિત ક્રિયાઓ પર નિયંત્રણ – જેમ કે હૃદયના ધબકારા રોકવા, નાડીની ગતિને ઘટાડવી કે વધારવી.

* કેવળ મનની શક્તિ દ્વારા ચિત્રને કેમેરાના લેન્સ પર અંકિત કરવું.

યોગાભ્યાસ દ્વારા જે શક્તિઓ પ્રાપ્ત થાય છે એમાંથી કેટલીક શક્તિઓ આ પ્રકારની છે : યોગમાં સંયમ મનની એવી અવસ્થા છે કે જેમાં એ ગહન એકાગ્રતાની પ્રાપ્તિ કરીને વસ્તુના બાહ્ય રૂપ સિવાય તેના આંતરિક ભાવ સાથે તાદાત્મ્યનો ભાવ અનુભવે છે અને આ અવસ્થાની પ્રાપ્તિ એને ક્ષણભરમાં થાય છે. સંયમિત મન દ્વારા જે શક્તિઓ પ્રાપ્ત થાય છે એ શક્તિઓનું પાતંજલ યોગશાસ્ત્રના ત્રીજા અધ્યાયમાં વર્ણન કરવામાં આવ્યું છે. અહીં એ શક્તિઓનાં કેટલાંક ઉદાહરણ પ્રસ્તુત છે.

* એ અવસ્થામાં જો કોઈ ભૂત કે ભવિષ્યને જાણવા ઇચ્છે તો તેણે સંસ્કારોના પરિવર્તન પર મનનો સંયમ રાખવો પડે. કેટલાક સંસ્કાર અત્યારે પણ સક્રિય છે, કેટલાક કાર્ય કરી ચૂક્યા છે તથા કેટલાક સક્રિય થવાની રાહમાં છે. એના પર ધ્યાન કરવાથી ભૂતકાળ અને ભવિષ્યકાળનું જ્ઞાન થાય છે.

* કોઈ વ્યક્તિના શરીરનાં લક્ષણો પર સંયમ (ઈંદ્રિય નિગ્રહથી કેન્દ્રિત) કરવાથી યોગી તેના મનના સ્વરૂપને જાણી લે છે.

* શરીરના આકાર પર સંયમ કરવાથી યોગી અદૃશ્ય થઈ જાય છે.

* પોતાનાં કર્મો પર સંયમ કરવાથી તે પોતાના દેહાંતનો બરાબર સમય પણ જાણી લે છે.

* મિત્રતા, દયા, વગેરે પર મન:સંયમ કરવાથી યોગીને આ ગુણોમાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ મળે છે.

* જ્યોતિ પર મનને સંયમિત કરવાથી યોગી દૂરની વસ્તુઓ, પર્વતોની પેલે પાર આવેલી વસ્તુઓ તથા અત્યંત સૂક્ષ્મ વસ્તુઓ પણ જોઈ શકે છે.

* સૂર્ય પર સંયમ કરવાથી વિશ્વનું જ્ઞાન મળે છે.

* નાભી પરના સંયમથી શરીરની આંતરિક સંરચનાઓનું જ્ઞાન થાય છે.

* કંઠ પર સંયમ કરવાથી ભૂખ લાગતી નથી.

* હૃદય પર સંયમ કરવાથી બધાં મનનું જ્ઞાન થાય છે.

* આકાશતત્ત્વ તથા શ્રવણેન્દ્રિય સાથે તેના સંબંધ વિશે મનસંયમથી યોગીને અસામાન્ય શ્રવણશક્તિ મળી જાય છે. એ વખતે તે માઈલો સુધી દૂર થતી વાતો કે ધ્વનિઓને સાંભળી શકે છે.

* આકાશના શરીર સાથેના સંબંધ વિશે સંયમ કરવાથી યોગી હવામાં ઊડી શકે છે. કારણ કે શરીર પણ આકાશમાંથી બન્યું છે.

* યોગીને હળવાપણાંની પ્રાપ્તિ થાય છે અને તે હવામાંથી પસાર થઈને ગમે ત્યાં જઈ શકે છે.

અહીં થોડાં ઉદાહરણ આપવામાં આવ્યાં છે. યોગશાસ્ત્રમાં આ વિશે વિસ્તારપૂર્વક ચર્ચા થઈ છે. યોગીઓ આવી બીજી શક્તિઓ પણ પ્રાપ્ત કરે છે :

અણિમા – સૂક્ષ્મ બની જવું; મહિમા – વિરાટ બની જવું; લઘિમા – વાયુથી હળવા બનવું; બધી ઇન્દ્રિયો દ્વારા કર્મ કરવું; યથેચ્છ આનંદ લેવો; પોતાની શક્તિને કામમાં લગાવવી; પોતાની જાતને કે બીજાને નિયંત્રિત કરવા અર્થાત્‌ વિષયસુખની ઇચ્છાથી મુક્ત કરવા; પોતાની ઇચ્છાનુસાર ભોગની પ્રાપ્તિ.

આ શક્તિઓ યોગીને અનાયાસ મળી જાય છે પરંતુ એને લીધે તેણે પોતાના આધ્યાત્મિક પથમાંથી ચ્યુત ન થવું જોઈએ. આગલાં પૃષ્ઠોમાં આપણે જોઈશું કે આ શક્તિઓ તથા આભાની પાછળ પરમાત્માની જ દિવ્ય જ્યોતિ કે દિવ્ય શક્તિ રહેલી છે.

સૂર્યને આલોક આપનાર જ્યોતિ

દુનિયાને પ્રકાશ કોણ આપે છે? એક નાનું બાળક પણ એનો જવાબ આપી શકે. શું સૂર્ય પોતાનાં તેજસ્વી કિરણોથી જગતને પ્રકાશિત નથી કરતો? તે જગતને કેવળ પ્રકાશિત જ નથી કરતો પણ તેનું પોષણ પણ કરે છે. પરંતુ હવે પછીનો પ્રશ્ન સાંભળીને તમે આશ્ચર્યમાં પડી જશો. એ પ્રશ્ન છે સૂર્યની જ્યોતિ આવે છે ક્યાંથી? તેનો ઉત્તર આપવો કઠિન છે પણ ગહનતાથી વિચારતાં એ સમજી શકાય છે. ઉપનિષદોએ તેનો ઉત્તર વિભિન્ન દૃષ્ટિકોણથી આપ્યો છે. બૃહદારણ્યક ઉપનિષદ (૪.૩.૨)માં વિદેહના સમ્રાટ રાજા જનક તથા ઋષિ યાજ્ઞવલ્ક્યની પરિચર્ચાનું વર્ણન છે:

જનકે પૂછ્યું: ‘મહારાજ, આ પુરુષ કઈ જ્યોતિવાળો છે?’ અહીં જેની સહાયતાથી આપણે ભિન્ન ભિન્ન કર્મ કરીએ છીએ એ પ્રકાશ-ઊર્જા વિશે પૂછવામાં આવ્યું હતું. આ પ્રશ્ન સાધારણ માનવીની દૃષ્ટિએ પૂછાયો હતો. ‘સાધારણ માણસ’ એ શબ્દનો અર્થ એ છે કે જે માણસ સ્વભાવથી જ પોતાના ભૌતિક દેહ તથા તેના અવયવો સાથે પોતાનું તાદાત્મ્ય બનાવીને રહે છે. ઋષિ યાજ્ઞવલ્ક્ય એ પ્રશ્ન પર ચર્ચા કરતાં ઘણી રોચક રીતે પોતાની વ્યાખ્યાને બાહ્ય જગતથી આરંભ કરીને ક્રમશ: અંતર્જગત તરફ લઈ જાય છે અને અંતે એમાં જ એનું સમાધાન બતાવે છે. યાજ્ઞવલ્ક્ય કહે છે : ‘સૂર્ય, ચંદ્ર તથા અગ્નિના પ્રકાશ-ઊર્જાની મદદથી મનુષ્ય પોતાનાં કર્મ કરે છે.’ જનકે ફરી પૂછ્યું: ‘સૂર્ય તથા ચંદ્રના અસ્ત પછી અગ્નિ પણ શાંત થઈ જતાં મનુષ્યને ક્યાંથી પ્રકાશ-ઊર્જા મળે છે?’ યાજ્ઞવલ્ક્યે ઉત્તર આપ્યો: ‘વાણી (શબ્દ)થી.’

(ક્રમશ:)

Total Views: 61

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.