(ગતાંકથી આગળ)

સ્વીટ્‌ઝરલેન્ડે સ્વામી વિવેકાનંદને પરમ શાંતિ અને તાજગી બક્ષી હતી. એના અનુપમ સૌંદર્યે એમના લંડન અમેરિકાના દોડધામ કરીને થાકી ગયેલા તન અને મનને આનંદ આપ્યો હતો. માટે તો એમને અનેક ઉચ્ચ આધ્યાત્મિક અનુભૂતિઓ અને અદ્વૈત આશ્રમની દિવ્ય પ્રેરણા પણ આ જ સ્વર્ગભૂમિએ આપી હતી, એટલે મને સ્વામીજીએ જ્યાં જ્યાં વિહાર કર્યો હતો, ત્યાં ત્યાં જવાની ઇચ્છા હતી. એ મોન્ટબ્લેક પહાડ ચઢવાની, એ હિમનદી ઓળંગવાની પણ ઇચ્છા હતી. પરંતુ મારી પાસે હતા ફક્ત બે જ દિવસ અને જોવાનું ઘણું હતું. તેમાં બે સ્થળોએ તો હું પણ જઈ શકું તેમ જ નહોતો. એક હતું મોન્ટ્રેક્સ અને બીજું રોમ જે બંને ફ્રાંસ અને ઈટાલીમાં હતાં જે સ્વીટ્‌ઝરલેન્ડની સરહદ પર આવેલાં હતાં. વીઝા ન હોવાથી હવે હું ત્યાં જઈ શકું તેમ ન હતો. આથી ૧૨મી તારીખે લ્યુરાટલ જ્યાં સ્વામીજી પગે ચાલીને ફરવા જતા હતા, ત્યાં જવાનું મેં નક્કી કર્યું. એ માટે હું ૧૨મીએ સવારે આઠ વાગે સ્ટેશને આવ્યો. કેવી રીતે પ્રોગ્રામ કરવો એની મને ખબર નહોતી પડતી. આથી ઈન્કવાયરીમાં જે બેન બેઠાં હતાં તેમને મેં પૂછ્યું અને કહ્યું, મારી પાસે આટલો જ સમય છે, એમાં હું ક્યાં ક્યાં સ્થળો કેવી રીતે જોઈ શકું? અને તેમણે ફટાફટ પ્રોગ્રામ બનાવી દીધો! અને ગોલ્ડન ટેર્નામિક એક્સપ્રેસની ટિકિટ પણ તુરત જ આપી દીધી. તે વખતે સીઝન ન હોવાથી રીઝર્વેશનની જરૂર જ ન હતી. ત્યાં જુલાઈથી પ્રવાસીઓનું આગમન શરૂ થાય છે. ટ્રેન લગભગ ખાલી જ હતી. બે-ત્રણ ટ્રેન બદલવી પડી. ક્યાંક ક્યાંક તો આખા ડબ્બામાં હું એકલો જ હતો! આ ટ્રેઈન અંદરના ભાગમાંથી પસાર થાય છે. એટલે ગામડાંમાં જંગલોની વચ્ચેથી જતી આ ટ્રેનનો એકાંત પ્રવાસ પણ ખૂબ આહ્‌લાદક રહ્યો. છેક બપોરે ૩.૩૦ વાગ્યે લ્યુસર્લ પહોંચ્યો. સ્ટેશનની બહાર નીકળ્યો. હવે મારે તો સ્વામી વિવેકાનંદ જે ચર્ચમાં ગયા હતા ત્યાં જવું હતું. પણ રસ્તાની ખબર ન હતી! પણ સ્ટેશનની બહાર નીકળતાં જ સામે ભારતીય ચહેરાવાળા બે ત્રણ યુવાનોને મેં જોયા! એમની પાસે ગયો. અંગ્રેજીમાં પૂછ્યું. એ લોકો બાંગ્લાદેશના હતા. એટલે એમની સાથે મેં બંગાળી ભાષામાં વાત કરી તો તેઓ ખુશ થઈ ગયા. તેમણે મને બે કલાકમાં કેટલું જોઈ શકાય એ અંગે વ્યવસ્થિત આયોજન કરી આપ્યું! કેમ કે મારે ૫.૩૦ વાગ્યાની વળતાની ટ્રેન પકડવી જ પડે તેમ હતી. તો જ હું રાત્રે સાડા દશે પાછો આશ્રમ પહોંચી શકું. આથી સ્ટેશનથી ચાલતાં ચાલતાં હું એ ચર્ચમાં ગયો. ચર્ચમાં કોઈ ન હતું. એકલો જ હતો. ઈશુને શાંતિથી પ્રાર્થના કરી. થોડીવાર બેઠો – બધું જોયું. ત્યાંના ચર્ચના કાર્ડ એક જગ્યાએ રાખ્યા હતા. કાર્ડ પર એક ચિટકી ચોંટાડેલી હતી, તેમાં ફ્રેંચમાં લખ્યું હતું: એક ફ્રેંક નાખો અને કાર્ડ લઈ લો. મેં એક ફ્રેંક નાખીને એ કાર્ડનો બંચ લઈ લીધો જેમાં કુલ પાંચ કાર્ડ હતાં! પછી ત્યાંના ડોનેશન બોક્સમાં ૫૦ પેન્સ નાખ્યા. અને હું ફરીથી માતા મેરીને પ્રણામ કરીને ચર્ચની બહાર નીકળી ગયો! મારી પાસે સમય ઘણો જ ઓછો હતો, એમાં મારે અહીં પણ જે સરોવરના કિનારે સ્વામી વિવેકાનંદે ભ્રમણ કર્યું હતું, એ સરોવર જોવું હતું, અને એ સરોવર પર આવેલા બે વુડન બ્રીજ જોવા હતા. કેમ કે સ્વામી વિવેકાનંદે આ બંને બ્રીજમાં કંડારેલા ચિત્રોને ખૂબ ધ્યાનથી નિહાળ્યાં હતાં! આથી હું ખૂબ ઝડપથી સરોવરના કિનારે ગયો અને ‘વુડન બ્રીજ’ પર ગયો. લાકડાના બંધ પુલો છે અને એ પુલમાં ઉપરના ભાગે એક પછી એક ચિત્રો ગોઠવેલાં છે. એમાં એક પુલમાં મૃત્યુના ચિત્રો છે. કુલ ૪૦ ચિત્રો છે. પાંચ પાંચ ફૂટના અંતરે એક એક ચિત્ર આવે છે. આ ચિત્ર જોતાં જોતાં જ આખો પુલ ક્યારે પસાર થઈ જાય છે, તેની ખબર પડતી નથી. અને સરોવરને બીજે છેડે પહોંચતા તો મનુષ્ય મૃત્યુનું ચિંતન કરતો થઈ જાય છે! આટલાં વરસો પછી પણએ ચિત્રો એવાં જ અકબંધ જળવાયેલાં છે. બીજા પુલમાં તો લ્યુસર્નનો આખો ઇતિહાસ આપેલો છે. આ બંને પુલ પરના ચિત્રો જોવામાં ઘણો સમય વ્યતીત થઈ ગયો. અને હવે સ્ટેશને જ સીધું પહોંચવાનું હતું. રસ્તે ચાલતાં બજાર આવ્યું. ત્યાં જોયું તો કાર્ડ મળતાં હતાં. પૂછતાં ખબર પડી કે ૧ ફ્રેંકમાં ૧ કાર્ડ મળે! તુરત જ મારા મનમાં થયું કે મેં તો ચર્ચમાંથી ૧ ફ્રેંકના પાંચ કાર્ડ લીધા છે! અરેરે હવે શું થાય? સમય ખૂબ ઓછો હતો. જો ગાડી ચૂકી જવાય તો પછી આશ્રમે પહોંચાય નહિ. પાછા જઈ શકાય તેમ ન હતું. પણ હૃદયમાં એમ જ થતું હતું કે ચાર કાર્ડ પાછાં મૂકી આવવા જ જોઈએ. આખરે હૃદય જીત્યું. અને નક્કી કર્યું, ટ્રેન ચૂકી જવાય તો ભલે ચૂકી જવાય. આશ્રમમાં નહિ પહોંચાય તો ગમે ત્યાં રાત રહી જઈશ. પણ આ ચાર કાર્ડ તો પાછાં ઈશુને આપવાં જ પડશે. નહિતર મને જિંદગી ભર ડંખ રહી જશે કે દેવળમાંથી મેં ચાર કાર્ડ વધારાના લઈ લીધા! અને તેથી પાછો ખૂબ ઝડપથી ચાલ્યો. ચર્ચમાં જઈને ચાર કાર્ડ પાછાં મૂકવા. ઈસુની ક્ષમા માગી કે મને ખબર ન હતી. એટલે ચાર કાર્ડ લેવાઈ ગયાં હતાં. અને પાછો એટલી જ ઝડપથી ચાલ્યો ને સ્ટેશને પહોંચ્યો ને ટ્રેન આવી! એક મિનિટ પણ મોડું થયું હોત તો ટ્રેન ન મળત! પણ ઈસુને પણ મારી ચિંતા હતી ને! એમણે જ સમયસર ટ્રેનમાં બેસાડ્યો. રાત્રે ૧૧.૩૦ વાગ્યે આશ્રમે પહોંચી ગયો. 

હવે મારી પાસે સ્વીટ્‌ઝરલેન્ડ માટે ફક્ત એક જ દિવસ બચ્યો હતો! અને હજુ તો જોવાનાં સ્થળો ઘણાં હતાં! પણ સ્વામી વિવેકાનંદને જ્યાં આધ્યાત્મિક અનુભૂતિઓ થઈ હતી, હિમાલયના પવિત્ર વાતાવરણનો અનુભવ થયો હતો, એ સાસફેનું દર્શન મારા માટે મુખ્ય હતું અને એવુંજ બીજું સ્થળ હતું ઝેરમેટ. પણ જીનીવા દક્ષિણ ખુણામાં આવ્યું અને સાસફે ઉત્તર ખૂણામાં. ખૂબ દૂર છતાં સાસફેની એ પર્વતમાળાના દર્શન કરવા હતાં કે જેણે સ્વામી વિવેકાનંદને હિમાલયમાં માયાવતીમાં અદ્વૈત આશ્રમની પ્રેરણા આપી હતી. આથી ૧૩મીએ સવારે સાડા છ વાગે નીકળ્યો. બે ત્રણ ટ્રેન બદલીને સાસફે પહોંચ્યો. સ્ટેશનની બહાર નીકળતાં જ પર્વતમાળાઓ બરફાચ્છાદિત શિખરો – વચ્ચે રહેલી લીલીછમ હરિયાળી – ઉપર સ્વચ્છ નીલું આકાશ – આ બધું જોઈને જ હૃદયમાંથી ઉદ્‌ગાર નીકળી ગયો! અદ્‌ભુત! પ્રભુએ સાચે જ આ પ્રદેશને અનુપમ પ્રાકૃતિક સૌંદર્યની જાણે વિશિષ્ટ ભેટ આપી છે. એવું સ્પષ્ટપણે જણાયું! સ્વામી વિવેકાનંદના અતિપરિશ્રમથી ભાંગી ગયેલા શરીરને સાસફેના આ ધવલ શિખરોએ તાજગીથી કેવી રીતે ભરી દીધું એની કલ્પના પણ આ પર્વતમાળાએ કરાવી. શ્રીમતી સારા બુલને સ્વામી વિવેકાનંદે આ સ્થળવિશે પત્રમાં લખ્યું હતું: ‘… પર્વતો અને બરફની શાંતિની મારા ઉપર ઘણી ઊંડી અસર પડી છે. ઘણા લાંબા સમયે અહીં હું સારી રીતે ઊંઘી જાઉં છું!’ તો બોશી સેનને લખેલા બીજા પત્રમાં પણ તેઓ આ સ્થળના આધ્યાત્મિક પ્રભાવની વાત લખતાં જણાવે છે :

‘હું સ્વીટ્‌ઝરલેન્ડમાં સતત ફરી રહ્યો છું અને પૂરતો આરામ મેળવી રહ્યો છું. આ પર્વતમાળા તો હિમાલયની નાની આવૃત્તિ છે! અને બધી જ દુન્યવી લાગણીઓ અને મુશ્કેલીઓને દૂર કરીને મનને આત્મા સુધી લઈ જવા માટેની હિમાલય જેવી જ અહીં અસર છે. હું તીવ્રપણે એનો આનંદ લઈ રહ્યો છું. હું ઘણો જ ઊંચે હોઉં એવું અનુભવી રહ્યો છું.’

અને વળી અહીં જ સ્વામી વિવેકાનંદ એટલા ઊંડા ધ્યાનમાં લીન થઈ ગયા હતા કે ચાલતાં ચાલતાં તેમને કશું બાહ્ય ભાન ન હતું રહ્યું અને તેઓ ઊંડી ખીણમાં પડી જાત! પણ અદૃશ્ય શક્તિએ તેમનું રક્ષણ કર્યું અને તેઓ પડતાં પડતાં બચી ગયા. પછી તેઓ તેમના સાથીદારો પાસે ઝડપથી પહોંચી ગયા. આ ઘટના પછી તેમના સાથીદારો સ્વામી વિવેકાનંદને પર્વતમાળા પર એકલા ચાલવા દેતા જ નહિ! એકબાજુથી સ્વામી વિવેકાનંદનો આ પર્વતમાળા પરનો લગાવ મનમાં ઊભરાઈ રહ્યો હતો અને બીજી બાજુથી એનું અનુપમ સૌંદર્ય મારી આંખોમાં છવાઈ ગયું હતું! મેં નક્કી કર્યું કે આ પર્વતના બરફાચ્છાદિત શિખર પર તો પહોંચવું જ જોઈએ. સ્વામી વિવેકાનંદ તો પગે ચાલીને પહોંચ્યા હતા, જ્યારે મારી પાસે એટલો સમય પણ ન હતો! આથી કેબલકાર કે જે છેક શિખર સુધી લઈ જાય તેમાં બેસીને શિખર પર જવાનું નક્કી કર્યું! તપાસ કરી તો હું જે પર્વતમાળા પાસે હતો, ત્યાંની કેબલ કાર બંધ હતી. મને થયું કે અહીં સુધી આવ્યો છું અને હવે જો ઉપર નહિ જવાય તો તો યાત્રા અધૂરી ગણાશે. ફરી તપાસ કરી કે ક્યાંય બીજી કોઈ કેબલકાર ઉપર લઈ જઈ શકે એમ છે? આખરે બીજી પર્વતમાળાની કેબલકાર ૧૨ વાગ્યે ઉપડતી હતી. પૂછ્યું ફરી નીચે ક્યારે આવે? તો જાણવા મળ્યું કે એક કલાક પછી. તો તો મને ઝેરમેટ જવા માટેની ટ્રેન ન મળે. અને ઝેરમેટ પણ જવું જ હતું! તપાસ કરી તો દોઢવાગે ઝેરમેટની બસ મળતી હતી. આથી બસ દ્વારા ઝેરમેટ જવાનું નક્કી કર્યું અને કેબલકારમાં બેસી સાસફેની એ મનોહર પર્વતમાળાના એક બરફાચ્છાદિત શિખર પર પહોંચી ગયો! ખરેખર અદ્‌ભુત વાતાવરણ હતું. જ્યાં જાણે પરમતત્ત્વ પોતે મૂર્તિમંત સૌંદર્ય રૂપે વિલસી રહ્યું હતું. આવા દિવ્ય વાતાવરણમાં ધ્યાન માટે પ્રયત્ન કરવો પડતો નથી, પણ ધ્યાન આપોઆપ થઈ જાય છે. પરમાત્માનું સાંનિધ્ય સહજપણે જ અનુભવાય છે! મારી કેબલકારમાં એક કોરિયન દંપતી પણ હતું. તેમને આ સ્થળની સ્મૃતિ રૂપે બંનેને સાથે ફોટો પડાવવો હતો. મેં એમના કેમેરામાં ફોટો પાડી આપ્યો. અને તેમણે મારા કેમેરામાં મારો ફોટો પાડી આપ્યો! અહીંથી નીચે પાછા ફરવાનું મન ન હતું થતું પણ કેબલરકારનો સમય થઈ ગયો, એટલે એ સ્થળના અનુપમ સૌંદર્યને અંતરમાં ભરીને, તેની ભવ્યતા અને દિવ્યતાને કચકડામાં મઢીને વિદાય લીધી! નીચે આવ્યો. જોયું તો એક મિનિટ પહેલાં જ ઝેરમેટની બસ નીકળી ગઈ હતી! મને લાગ્યું કે આની પાછળ પણ ઈશ્વરની કોઈ દિવ્ય યોજના હશે. કારણ કે હવે તો એક કલાક પછી જ બસ મળે તેમ હતી. અને એક કલાકનો સમય મારી પાસે હતો. મારી ઇચ્છા હતી – સ્વામી વિવેકાનંદ આ પર્વતમાળા ઊતરીને ચાલતા ચાલતા અહીં આવેલા મધરમેરીના એક પ્રાચીન ચર્ચમાં ગયાં હતાં, ત્યાં જવાનો રસ્તો પૂછીને હું ચાલવા લાગ્યો. રસ્તો સાવ નિર્જન! ઊંચી ઊંચી ઝાડીઓ હતી. જંગલ જ જોઈ લો! ત્યાં દૂરથી કોઈ જંગલી હરણ જેવું પ્રાણી જોયું. મને જોઈને તે ઊભું રહી ગયું, એટલે મને થયું સરસ પોઝ આપે છે, ચાલ ફોટો લઈ લઉં! હું જરા તેની નજીક ગયો અને મેં ચાંપ દાબી ત્યાં તો તે છલાંગ મારીને નાસી ગયું. ફરી હું ચાલવા લાગ્યો. જંગલની વચ્ચે રહેલાં એ માતા મેરીના સુંદર દેવળમાં આવી પહોંચ્યો. સ્વામી વિવેકાનંદ પણ જ્યારે પર્વત ઉપરથી પાછા ફરતા હતા, ત્યારે આ ચર્ચ જોયું અને મિ. સેવિયરને કહ્યું; ચાલો આપણને આ ચર્ચમાં જઈએ. ત્યાં મધર મેરીની સુંદર પ્રતિમા જોતાં તેમને મા જગદંબાનું સ્મરણ થયું. તેમણે કહ્યું માના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરીએ. એટલે તેઓ બહાર જઈને પુષ્પો ભેગા કરી આવ્યા અને શ્રીમતી સેવિયરના હાથમાં આપીને કહ્યું: ‘આભાર અને ભક્તિની ભાવનાના પ્રતિક તરીકે આ પુષ્પો મારા વતી તમે માતા મેરીના ચરણે ધરી દો.’ અને પછી ભક્તિપૂર્વક ઉમેર્યું, કેમ કે તે પણ માતા છે.’ સ્વામી વિવેકાનંદે જેમનામાં જગન્માતાની અનુભૂતિ કરી ચરણોમાં પુષ્પો અર્પણ કર્યા હતા, એ માતા મેરીની સુંદર પ્રતિમાની સામે હાથ જોડી નતમસ્તકે હું ઊભો હતો. સઘન શાંતિ સર્વત્ર પથરાયેલી હતી. ત્યાં કોઈ જ ન હતું. ફક્ત હું એકલો જ ને મારી સમક્ષ હતાં માતા મેરી! એ દિવ્ય વાતાવરણમાંથી બહાર નીકળવાની ઇચ્છા જ થતી ન હતી. ત્યાં શાંતિમાં થોડીવાર બેઠો. પ્રાર્થના કરી. પછી મન મક્કમ કરીને ઊઠ્યો ને બધું ફરી ફરીને જોયું.

એક ફ્રેંક નાંખીને મીણબત્તી લીધી. પેટાવી ને આરતી કરી. ખૂબ આનંદ આવ્યો. પછી ફરી ચાલતો ચાલતો બસ સ્ટેન્ડે આવ્યો. ત્યાં ૨.૪૦ની બસ મળી. તેમાં સ્ટાલડર્ટ રેલવે સ્ટેશને પહોંચ્યો. કેમ કે ત્યાંથી જ ઝેરમેટ જવાની ટ્રોલી મળતી હતી! મારી પાસે અર્ધો કલાક હતો. એટલે ત્યાં બેસીને મમરાને થેપલાં ખાઈ લીધાં! સાથે લીધેલું પાણી પી લીધું. ત્યાં એક વૃદ્ધ દંપતી પણ ટ્રેઈનની રાહ જોઈ રહ્યાં હતાં. તેમને થોડું અંગ્રેજી આવડતું હતું, એટલે એમની સાથે અંગ્રેજીમાં વાત કરી તેમણે મને ઝેરમેટ જવા અંગે માર્ગદર્શન આપ્યું.

આખરે ઝડપી ટ્રેનની લગભગ સવા બે કલાકની મુસાફરી પછી પોણા પાંચ વાગે હું ઝેરમેટ આવી પહોંચ્યો. અહીંના પર્વત પર પણ સવામી વિવેકાનંદ ચઢ્યા હતા. અહીં તો તેમણે હિમનદી પણ પાર કરી હતી! પર્વતના એક શિખરે તો મિ. સેવિયર એકલા જ ગયા હતા. તેમણે સ્વામીજીને એ જોખમી ચઢાણ ચઢવા ના પાડી હતી. આ પર્વતમાળા, રહાઈન નદી, નાનું દેવળ, મ્યુઝિયમ – આ બધું મને આવકારી રહ્યું હતું! પણ મારી પાસે હતી માત્ર ૫૦ જ મિનિટ! એટલે હું ત્યાંની ટુરીસ્ટ ઓફિસે ગયો અને મેં કહ્યું: ‘આટલા સમયમાં હું કેટલાં સ્થળો જોઈ શકીશ?’ તેમણે મને પર્વત, નદી, ચર્ચ જોઈ શકાશે એમ કહ્યું. સ્વામી વિવેકાનંદ આજથી એકસો વર્ષ પહેલાં ઝેરમેટની આ પર્વતમાળાઓમાં ફર્યા હતા પણ મારે તો હવે દૂરથી જ એ દર્શન કરવાના હતા! મેં એ પર્વતનો ફોટો લઈને સંતોષ માન્યો. રહાઈનનો સુંદર ધોધ પડે છે. ત્યાં પણ ન જવાયું. માત્ર નદીની ધાર જોઈને જ ધોધની કલ્પના કરી લીધી. ચર્ચમાં ગયો. મ્યુઝિયમને પણ માત્ર બહારથી જ જોયું. અને ફરી ઝડપથી સ્ટેશન પર પહોંચી ગયો. સાંજના ૫.૫૦ની મારી ટ્રેન હતી. ટ્રેનને આવવાને દસેક મિનિટની વાર હતી. ત્યાં સ્ટેશન પર યુનિફોર્મ પહેરેલાં સ્કૂલના કેટલાંય વિદ્યાર્થીઓ ને જોયા. તેઓ ઘેર પાછા જવા માટે બસની રાહ જોતા હતા. મારો વિચિત્ર પોશાક જોઈને તેઓ કટાક્ષપૂર્વક હસવા લાગ્યા. મને પણ મજા પડી અને હસવા લાગ્યો. તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા અને મિત્ર બની ગયા. ત્યાં તો ટ્રેન આવી અને હું તેમાં બેસી ગયો. પછી તો બસ પણ ટ્રેનની સાથે થઈ જતાં મેં એ છોકરાઓને હાથ હલાવી ટાટા કર્યા અને તે છોકરાઓ પણ ખુશ થયા અને તેમણે પણ હાથ હલાવ્યા. હવે ટ્રેનમાં બે ત્રણ જ મુસાફરો હતા. તેમાં એક આધેડ વયની સ્વીશ મહિલા હતી. તે મારા સામે જોયા કરતી હતી. મને લાગ્યું કે તે મારી સાથે વાત કરવા ઇચ્છે છે, પણ તેને ભાષા આવડતી નથી. એટલે તે કંઈ કરી શકતી નથી. એમ જ બે ત્રણ સ્ટેશન પસાર થઈ ગયા. ત્યાં તો પેલો સ્વીશ વૃદ્ધ સ્ટેશન પર હતો તે અચાનક અમારા ડબ્બામાં આવી ગયો. એને જોઈને હું ખુશ થયો અને તેની સાથે અંગ્રેજીમાં વાત કરવા લાગ્યો. આથી પેલી સ્વીશ મહિલા અમારી પાસે આવી અને તેની ભાષામાં પૂછવા લાગી. તે વૃદ્ધે દુભાષિયાનું કાર્ય કર્યું. જ્યારે તે વૃદ્ધાએ જાણ્યું કે હું સાધુ છું ત્યારે મારા પ્રત્યે તેનો પૂજ્યભાવ ઘણો વધી ગયો. તે ઝેરમેટમાં રહેતી હતી. તેને એક દીકરી હતી તે બર્નમાં રહેતી હતી અને હવે તે જીનીવા જઈ રહી હતી. જીનીવામાં એનું મકાન હતું. તેણે મને એના ઘરે આવવા આમંત્રણ આપ્યું. પણ બીજે દિવસે આજે તો મારે ઝ્યુરિમ જવા નીકળી જવાનું હતું, એટલે એના આમંત્રણનો હું સ્વીકાર કરી શક્યો નહિ. મેં એને ભારત જઈને પોરબંદર આવવા આમંત્રણ આપ્યું. વાતોમાં જીનીવા ઝડપથી આવી ગયું. ત્યારે રાતના ૧૦.૩૦ વાગ્યા હતા.

પૃથ્વી ઉપરના સ્વર્ગના સાત દિવસની મારી મુદત પૂરી થવા આવી હતી. બીજે દિવસે એટલે કે ૧૪મી મેએ સવારે નવ વાગ્યે અમે જીનીવાથી ઝ્યુરિમ એરપોર્ટ જવા નીકળ્યા. જીનીવા આ છેડે હતું ઝ્યુરિમ સામે છેડે. મારે સુપર ફાસ્ટ ટ્રેનમાં જવાનું હતું. ૯.૪૫ની ટ્રેન હતી. સ્વામીજી મને રેલવે સ્ટેશને મૂકવા આવ્યા હતા. એમની ભાવભરી વિદાય લઈ હું સાડા ત્રણ કલાકમાં ઝ્યુરિમ એરપોર્ટમાં પહોંચી ગયો. ટ્રેન છેક એરપોર્ટની અંદર જાય છે. ત્યાંથી ટ્રોલીમાં જવાનું હોય છે. પછી લીફ્‌ટમાં અને સીધા ચેકિંગમાં જ પહોંચી જવાય. કેટલી બધી સુવિધા! ઝ્યુરિમ એરપોર્ટ અર્ધા પોરબંદર શહેર જેવડું મોટું છે. અસંખ્ય દુકાનો, રેસ્ટોરન્ટો, બધી જગ્યાએ બધું જ મળે, જાણે એક વિશાળ નગર જ જોઈ લો! લાગે જ નહિ કે આ એરપોર્ટ છે. આમ તો ચાલવાનું ખૂબ હોય, પણ સરકતી ઈલેક્ટ્રીક સીડીઓ, ઈલેક્ટ્રીક દાદરાઓ – એટલે ઊભા રહો અને તમે આગળ વધતા જ જાઓ! ક્યાંય ચાલવું ન પડે. પણ જો પગથિયું ઊતરવાનું ચૂક્યા તો પડ્યા. બધું ચેકિંગ કરાવતાં ૨.૩૦ વાગી ગયા. પ્લેનનું ૩.૪૫ મિનિટે ડીપાર્ચર હતું. સ્વામી વિવેકાનંદની ચરણધૂલિથી પવિત્ર બનેલીએ સ્વર્ગીય સૌંદર્યની ભૂમિને મનોમન વંદન કરીને હું પ્લેનમાં બેઠો. રાત્રે ૧૧.૪૫ અમે દુબઈ પહોંચ્યા. દુબઈથી મારી ફલાઈટ ચાર વાગ્યાની હતી. આથી દુબઈ એરપોર્ટમાં ફર્યો. દુબઈમાં કોઈ જકાત ભરવી પડતી નથી. ફ્રી ટ્રેઈડ હોવાથી તે મોટું શોપીંગ સેન્ટર બની ગયું છે. રાતના બાર વાગ્યા હતા. પણ દિવસ જેવું અજવાળું હતું. ખબર જ ન પડી કે અત્યારે મધ્યરાત્રિ છે એટલા માણસો હતા. ત્યાંનું એરપોર્ટ પણ ઘણું મોટું છે. કન્વેચર એક્ટ પર ક્યાંક નીચે ઉતરવાનું હોય ને ક્યાંક ઉપર ચઢવાનું. આમ તો બસ ત્યાં જઈને ઊભા રહો એટલે સરકતી સીડી તમને સીધા નીચે લઈ જાય. જ્યાં ફલોર આવે ત્યાં ઊતરી જવાનું. આવી એક સરકતી સીડી પરથી હું નીચે ઊતરી રહ્યો હતો. મારા ઉપરના પગથિયે એક આધેડ આરબ હાથમાં બેગ લીધેલો ઊભો હતો. અચાનક એના હાથમાંથી બેગ સરકી જતી હોવાથી તેણે બેગને પકડી, એમાં પોતાનું સંતુલન ગુમાવ્યું. તે સીધો નીચે જઈ પડત અને શું થાત એની કલ્પના જ ન થઈ શકે. અચાનક મને શું સૂઝ્યું કે મેં મારો હાથ આડે ધરી દીધો. એટલે તેનું આખું વજન મારા ઉપર આવી ગયું અને હું પણ સંતુલન ગુમાવવાની ક્ષણમાં જ હતો. પણ અચાનક કોઈ શક્તિએ મને પ્રચંડ બળ આપ્યું અને મેં એ સમતુલન જાળવી લીધું. આમ અમે બંને બચી ગયા. તે ક્ષણે મને ભગવાનના પરમ રક્ષણનો તીવ્ર અહેસાસ થયો. નહિતર એક જ ક્ષણમાં હું પણ એ માણસની સાથે નીચે પટકાયો હોત. દુબઈમાંથી પોરબંદર આશ્રમ માટે થોડી ખરીદી કરી. ફરી ફલાઈટમાં બેઠો. સવારે ૮.૧૫ વાગ્યે મુંબઈ આવી પહોંચ્યા. મુંબઈથી સાંજે ૭ની ફલાઈટમાં રાજકોટ અને રાજકોટથી કારમાં ૧૬મીએ સવારે ૯.૦૦ વાગ્યે પાછાં સુખપૂર્વક રામકૃષ્ણ મિશન, પોરબંદરમાં આવી પહોંચ્યા. ત્યારે નિરાંતનો શ્વાસ લીધો. હળવાશ અનુભવી. ભલે પશ્ચિમના દેશોએ ભૌતિક ક્ષેત્રે અપરંપાર સિદ્ધિઓ હાંસલ કરી છે, સુખસગવડના, આનંદ પ્રમોદના ભૌતિક સાધનોનો ત્યાં તોટો નથી; છતાં જે અહીં ભારતમાં છે, તે ત્યાં તો નથી જ. એની અનુભૂતિ ત્યાં સતત થતી રહી. સ્વામી વિવેકાનંદને એક શિષ્યે પૂછ્યું હતું કે સ્વામીજી તમે પશ્ચિમના દેશોમાં આટલો લાંબો વખત રહી આવ્યા, હવે તમને ભારત કેવું લાગે છે? ત્યારે તેમણે કહ્યું હતું: ‘ભારતને તો હું પહેલાં પણ ચાહતો હતો પરંતુ હવે તો તેની ધૂળ પણ મારા માટે પવિત્ર છે, તેની હવા પણ મારા માટે પવિત્ર છે. હવે એ મારા માટે પુણ્યભૂમિ-તીર્થભૂમિ બન્યું છે.’ અત્યાર સુધી આ મેં વાંચ્યું હતું અને સ્વામી વિવેકાનંદ ભારતને ઉત્કટપણે ચાહતા હતા એથી આવું કહ્યું હશે, એમ માનતો હતો. પણ આ શબ્દોની નક્કર અનુભૂતિ વિદેશની ધરતી પર હું પણ કરી રહ્યો હતો. જતી વખતે વિદેશ જોવાનો જે ઊભરકો હોય છે, તેના કરતાં પાછાં આવવાનો ઊભરકો ઘણો જ તીવ્ર હોય છે, એની પણ મેં નક્કર અનુભૂતિ કરી. ખરેખર દેવોની ભૂમિ, સંતોની ભૂમિ, તપ-ત્યાગ અને સ્વાર્પણની મારી પવિત્ર માતૃભૂમિ ભારત ક્યાંય નથી, એની પ્રતીતિ વિદેશની ધરતીએ મને કરાવી આપી.

આ ઉપરાંત શ્રીમા શારદાદેવીએ શ્રીરામકૃષ્ણદેવને જે પ્રાર્થના કરી હતી કે ‘ઠાકુર મારાં બાળકોને મૂઠી ધાન માટે ક્યાંય ભટકવું ન પડે તે તમે જોજો.’ એની નક્કર પ્રતીતિ પણ વિદેશની એ અજાણી ધરતી પર મને વારંવાર થતી રહી. આવતી વખતે દુબઈના એરપોર્ટ પર પાકિસ્તાની સ્ત્રી દ્વારા મળેલી કોફી, લંડનમાં રહ્યો ત્યાં સુધી સ્વાદિષ્ટ ગુજરાતી ભોજન, અને સ્વીટ્‌ઝર્લેન્ડ જેવા દેશમાં મળેલી ગુજરાતી ખાખરાની ભિક્ષા – આ બધા દ્વારા શ્રીમા શારદાદેવીએ જાણે પોતાના પરિભ્રમણ કરી રહેલા આ પુત્ર માટે વ્યવસ્થા કરી ન હોય! એવી અનુભૂતિ પણ સતત થતી રહી. સ્વીટઝર્લેન્ડમાં એક ગુજરાતી દંપતી મળ્યું હતું. તેમની પાસે ખાખરાનું પેકેટ હતું. તેમણે કહ્યું: ‘અમે તો હવે જઈ રહ્યાં છીએ. તમે આ રાખો. તમને અહીં ખૂબ ઉપયોગી થશે.’ ખરેખર એ ખાખરા ખૂબ કામ લાગ્યા હતા. આ ઉપરાંત ઈશ્વરના રક્ષણનો પણ સતત અનુભવ થતો રહ્યો. આમ ઈશ્વરની કૃપાથી મારી યુરોપયાત્રા સારી રીતે પૂર્ણ થઈ.

Total Views: 94

2 Comments

  1. Neela Kataria June 25, 2023 at 6:16 am - Reply

    જય ઠાકુર 🙏 ખૂબ જ સુંદર. વાંચી ને જાણે જાતે યુરોપ માં ફરતાં હોય તેવું લાગ્યું… આવી રીતે જુના જ્યોત માં નાં લેખો આપતાં રહેશો. 🙏

  2. Maithili Tripathi June 24, 2023 at 10:38 am - Reply

    🙏🏻

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.