શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ઉજવાયેલ ‘શિકાગો ધર્મમહાસભા દિન’

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં રવિવાર, ૧૧ સપ્ટેમ્બર, ૨૦૦૫, સાંજે ૫.૩૦ થી ૭.૦૦ ‘શિકાગો ધર્મમહાસભા દિન’ નિમિત્તે એક જાહેરસભા યોજાઈ હતી. એ જાહેરસભામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો. કમલેશભાઈ જોશીપુરાએ શિકાગોવિશ્વધર્મ પરિષદમાં સ્વામીજીએ ઉચ્ચારેલ વાણી અને ભારતીય સંસ્કૃતિના નવજાગરણની વિગતવાર ચર્ચા કરી હતી. આ સભાના અધ્યક્ષ સ્વામી સર્વસ્થાનંદજી મહારાજે વિશ્વધર્મ પરિષદમાં જવા પાછળના સ્વામીજીના સદાશયોની વાત ઉદ્ધરણો અને ઘટનાઓ ટાંકીને ભાવિકજનો સમક્ષ રજૂ કરી હતી. કાર્યક્રમનો પ્રારંભ સ્વામીજીના જીવનકાર્ય વિશેના શ્રી જીતુભાઈ અંતાણીના ભજનથી થયો હતો. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી ધ્રુવેશાનંદજી મહારાજે પોતાનું સ્વાગત અને પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. શ્રી દિલિપભાઈ શુક્લે ડો. જોશીપુરાનું પુષ્પહારથી સ્વાગત કર્યું હતું. તે જ દિવસે સાંજે ૭.૩૦ થી ૯.૦૦ સુધી શ્રી કિરણભાઈ પટેલની નિશ્રા હેઠળ એસ.એન.કે. સ્કૂલના વિદ્યાર્થી અને શિક્ષકવૃંદે રજૂ કરેલ ભજનસંધ્યાનો કાર્યક્રમ ભાવિકજનોએ મનભરીને માણ્યો હતો. આ પહેલાં શિક્ષકદિન નિમિત્તે સોમવાર, ૫ સપ્ટેમ્બર, ૨૦૦૫ના રોજ સવારે ૯.૦૦ થી ૧૨.૦૦ શ્રી રમેશભાઈ એમ. છાયા બોયઝ શાળાના વિદ્યાર્થીઓ માટે મૂલ્યલક્ષી કેળવણીનો કાર્યક્રમ યોજાયો હતો. વિદ્યાર્થીઓએ નાટક, એક પાત્રીય અભિનય અને ગીતસંગીતનો કાર્યક્રમ રજૂ કર્યો હતો.

૧૪ સપ્ટેમ્બર, ૨૦૦૫ના રોજ સવારના ૮.૩૦ થી ૧૧.૦૦ સુધી વિવેક હોલમાં મૂલ્યલક્ષી કેળવણીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજકોટ મ્યુનિ. કોર્પો. સંચાલિત શાળા નંબર ૯૦ના ૬૦૦ જેટલાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત હતાં. કાર્યક્રમનો પ્રારંભ વિદ્યાર્થીવૃંદની સમૂહ પ્રાર્થનાથી થયો હતો. ત્યાર પછી સ્વામી ઈષ્ટમયાનંદજીએ ઓડિયો કેસેટની મદદથી ધ્યાનનો કાર્યક્રમ રજૂ કર્યો હતો. સ્વામી સર્વસ્થાનંદજીની નિશ્રામાં બ્ર. અમરચૈતન્યે અને અક્ષરચૈતન્યે વૈદિક મંત્રોચ્ચાર અને પ્રાર્થના રજૂ કર્યાં હતાં અને વિદ્યાર્થીઓ પાસે એને ઝિલાવ્યાં હતાં. વિદ્યાર્થીઓ દ્વારા શ્રીમા, સ્વામી વિવેકાનંદ અને સ્વામી રામતીર્થના ધ્યાનાકર્ષક પ્રસંગો રજૂ થયા હતા. ભગવાન બુદ્ધનું મહાનિષ્ક્રમણ એ વિશેની નાટિકામાં નાના વિદ્યાર્થીઓની અભિનય કલા દાદ માગી લે તેવી હતી. ભાંગડાનૃત્ય અને કૃષ્ણકનૈયાનું રાજસ્થાની ગીત તેમજ ‘નાગદમન’ કાવ્યની નાટ્યાત્મક અભિવ્યક્તિ સુંદર રહી. કાર્યક્રમના અંતે ‘સારે જહાઁ સે અચ્છા’નું વૃંદગાન ભવ્ય રહ્યું હતું. આ પ્રસંગે સ્વામી ધ્રુવેશાનંદજીએ બાળકોની અભિનયકલા, નિર્ભયતા, આત્મવિશ્વાસને બીરદાવ્યાં હતાં. બાળકોને તૈયાર કરનાર શિક્ષકોને પણ અભિનંદન પાઠવ્યા હતા. શ્રી મનસુખભાઈ મહેતાએ શાળા નંબર ૯૦ના વિદ્યાર્થીઓને તેમજ શિક્ષક ભાઈ-બહેનોને ઓછામાં ઓછી સાધનસામગ્રી, આર્થિક સુવિધાઓ કે અન્ય સવલતો હોવા છતાં જે કૃતિઓ રજૂ કરી તે માટે સૌને વિશેષ ધન્યવાદ આપ્યા હતા. સામાન્ય શાળાના વિદ્યાર્થીઓ પણ કેવું સરસમજાનું કાર્ય કરી શકે છે એ આજના કાર્યક્રમની વિશેષતા હતી. 

શનિવાર, ૧૭ સપ્ટેમ્બર, ૨૦૦૫ સાંજે ૭.૩૦ વાગ્યે ‘શ્રીરામકૃષ્ણ : જીવન અને સંદેશ’ વિશે યોજાયેલ જાહેર સભામાં શ્રીમત્‌ સ્વામી શક્રાનંદજી મહારાજ (રામકૃષ્ણ મિશન, ત્રિવેન્દ્રમ) અધ્યક્ષ સ્થાને હતા. એમણે શ્રીરામકૃષ્ણદેવના જીવન અને સંદેશ વિશે વિષદ ચર્ચા કરી હતી. પ્રારંભમાં સ્વામી ધ્રુવેશાનંદજીએ બંને વરિષ્ઠ સંન્યાસીઓ અને દુષ્યંતભાઈનો પરિચય આપીને સૌનું સ્વાગત કર્યું હતું. રામકૃષ્ણ મિશન, ત્રિવેન્દ્રમના શ્રીમત્‌ સ્વામી નિસ્વાનંદજી મહારાજે ‘શ્રીરામકૃષ્ણ પૂંથી’માંથી ‘શ્રીરામકૃષ્ણ મહિમાગાન’નું ભાવવાહી લયમાં ગાન અને ચર્ચા કરી હતી. જામનગરના શ્રી દુષ્યંત પંડ્યાએ શ્રીઠાકુરના જીવન-સંદેશ વિશે પ્રકાશ પાડ્યો હતો. કાર્યક્રમનો પ્રારંભ શ્રી જીતુભાઈ અંતાણીનાં ભજનથી થયો હતો.

રવિવાર, ૧૮ સપ્ટેમ્બર, ૨૦૦૫ સવારે ૮.૩૦ થી ૧૨.૩૦ સુધી યોજાયેલ આધ્યાત્મિક શિબિરમાં સ્વામી શક્રાનંદજી મહારાજ અને દુષ્યંત પંડ્યાએ શ્રીઠાકુર અને મા પ્રત્યેના ભક્તિભાવમાં કેવી રીતે વૃદ્ધિ કરી શકાય તેની વાત કરી હતી. સ્વામી નિસ્વાનંદજી મહારાજે શ્રી શ્રીમા અને શ્રીઠાકુરના જીવન-સંદેશની વાત શ્રીરામકૃષ્ણ પૂંથીના ગાન અને તે વિશેની વિષદ ચર્ચાથી કરી હતી. રામકૃષ્ણ મિશન, લીંબડીના સેક્રેટરી સ્વામી આદિભવાનંદજી મહારાજે શ્રીઠાકુરના ગૃહસ્થ ભક્તો માટે પ્રેમ અને ઉપદેશની વિગતવાર વાત કરી હતી. સ્વામી ધ્રુવેશાનંદજીએ પોતાના પ્રાસંગિક અને સ્વાગત પ્રચવનમાં આધ્યાત્મિક શિબિરનું મહત્ત્વ અને શ્રીઠાકુર પ્રત્યેના ભક્તિભાવમાં કેવી રીતે ઉન્નતિ સાધવી તેની વાત કરી હતી. શ્રીમતી મમતા રાવલે ‘શ્રીમાની દૃષ્ટિએ શ્રીઠાકુર’ એ વિશે પોતાનું વાચન કર્યું હતું. અમદાવાદના કુમારી નેહા ભરતભાઈ દેસાઈએ આ પ્રસંગે પોતાનું સંક્ષિપ્ત પ્રવચન આપ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ પુષ્પાંજલિ, આરતી અને શ્રીરામકૃષ્ણ સંકીર્તનથી થયો હતો.

રવિવાર, ૧૮ સપ્ટેમ્બર, ૨૦૦૫ સાંજે ૭.૩૦ ‘શ્રીરામકૃષ્ણ : જીવન અને સંદેશ’ વિશે યોજાયેલ જાહેર સભામાં સમારંભના અધ્યક્ષ સ્વામી શક્રાનંદજી મહારાજે અને સ્વામી આદિભવાનંદજી મહારાજે મનનીય પ્રવચનો આપ્યાં હતાં. સ્વામી ધ્રુવેશાનંદજીએ ત્રણેય સ્વામીજીના પરિચય સાથે સૌનું સ્વાગત કર્યું હતું. સ્વામી નિસ્વાનંદજી મહારાજે ‘રામકૃષ્ણ પૂંથી’ના ભાવવાહી ગાનથી ભક્તોને મંત્રમુગ્ધ બનાવી દીધા. કાર્યક્રમનો પ્રારંભ શ્રી જીતુભાઈ અંતાણીનાં ભજનથી થયો હતો.

સોમવાર, ૧૯ સપ્ટેમ્બર, ૨૦૦૫ સવારે ૯.૦૦ થી ૧૨.૦૦ રાજકોટ મ્યુનિ.કોર્પોના વોર્ડ નંબર ૯ની ત્રણ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ‘વેલ્યૂ એજ્યુકેશન સેમિનાર’માં વક્તવ્યો, શ્રીઠાકુર અને સ્વામીજીના સંદેશમાંથી વાચન અને મુખપાઠ, અભિનયગીત, નાટક અને રાષ્ટ્રભાવનાને પ્રેરતા ગીતોનો ભાવવાહી કાર્યક્રમ રજૂ કર્યો હતો. વિદ્યાર્થીઓની સમૂહ પ્રાર્થના પછી સ્વામી ઈષ્ટમયાનંદજીએ ઓડિયો કેસેટની મદદથી ધ્યાનનો કાર્યક્રમ રજૂ કર્યો હતો. સ્વામી સર્વસ્થાનંદજીની નિશ્રામાં બ્ર. અમરચૈતન્યે અને અક્ષરચૈતન્યે વૈદિક મંત્રોચ્ચાર અને પ્રાર્થના રજૂ કર્યાં હતાં અને વિદ્યાર્થીઓ પાસે એને ઝિલાવ્યાં હતાં. બ્ર. અમરચૈતન્યે વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદનો ‘સ્વદેશમંત્ર’ ઝિલાવ્યો હતો.

રામકૃષ્ણ મઠ, કડપ્પામાં સંન્યાસી નિવાસનો શિલાન્યાસ

શ્રીકૃષ્ણ જન્માષ્ટમી, ૨૬ ઓગસ્ટ, ૨૦૦૫ના રોજ રામકૃષ્ણ મિશન, કડપ્પા દ્વારા પ્રાપ્ત કરેલ શહેરના મધ્ય ભાગમાંથી સાત કી.મી. દૂર, સેટેલાઈટ ટાઉનશીપની બહારના ભાગમાં આવેલ એક સુંદર મજાના સ્થળે ૧૦ એકર ભૂમિમાં સંન્યાસીઓના નિવાસસ્થાન માટેનો શિલાન્યાસ વિધિ રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્‌ સ્વામી સ્મરણાનંદજી મહારાજના વરદ હસ્તે થયો હતો. અત્રે એ હકીકત યાદ રાખવી જોઈએ કે રામકૃષ્ણ મઠ, કડપ્પા જેની સ્થાપના ૨૦૦૪માં થઈ હતી, એ સ્થળ સુફી મુસ્લિમ સદ્‌ગૃહસ્થ ખાન બહાદૂર મંજૂમિયાએ ૧૯૧૦માં દાનમાં આપી હતી અને આ કેન્દ્ર ત્યાંના સ્થાનિક ભક્તો દ્વારા ચલાવાતું હતું. આ પ્રસંગે શ્રીમત્‌ સ્વામી સ્મરણાનંદજી મહારાજે કહ્યું હતું કે સર્વધર્મ સમભાવની સ્થાપના માટે અપ્રામાણિકતા અને ભ્રષ્ટાચારની નાબૂદી માટે મૂલ્યલક્ષી કેળવણીની આજના યુગમાં તાતી જરૂર છે. રામકૃષ્ણ મઠ, ચેન્નઈના અધ્યક્ષ સ્વામી ગૌતમાનંદજી આ સમારંભના અધ્યક્ષ સ્થાને હતા અને જિલ્લા કલેક્ટરશ્રી અશોકકુમાર તેમજ સાંસદ વી.રેડ્ડી ઉપસ્થિત હતા.

રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ મેમોરિયલ, વડોદરામાં ‘સ્વામી વિવેકાનંદ પુસ્તકાલય’નો શુભારંભ

રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ મેમોરિયલ દ્વારા આશ્રમના પ્રાંગણમાં ગણેશ ચતુર્થીના દિને ‘સ્વામી વિવેકાનંદ પુસ્તકાલય’નો શુભારંભ કરવામાં આવ્યો. ઉદ્‌ઘાટન પ્રવચનમાં જિલ્લા કલેક્ટરશ્રી રાજીવ ટોપનોએ જણાવ્યું હતું કે સારાં પુસ્તકોનું વાંચન મનુષ્યના ઘડતરમાં મોટો ભાગ ભજવે છે. તેમણે આજની પેઢીને ઉત્તમ સાહિત્યનું વાંચન કરી જીવનમાં સુસંસ્કારોનું સિંચન કરવા અનુરોધ કર્યો હતો.

સ્વામી નિખિલેશ્વરાનંદજીએ શહેરના નાગરિક, ભાઈ-બહેનોને આ જાહેર પુસ્તકાલયનો લાભ લેવા જણાવ્યું હતું. પોતાના પ્રવચનમાં તેમણે કહ્યું હતું કે રામકૃષ્ણ મઠ-મિશનના ઉમદા સાહિત્યનું નિયમિત વાંચન કરવાથી આજની ઘણી બધી આધુનિક સમસ્યાઓનું નિરાકરણ થઈ શકે તેમ છે. મેડિકલ કોલેજના ડીન ડો. શ્રી કમલ પાઠકે આભાર વિધિ કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તગણ તથા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

Total Views: 48

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.