ગયા અંકમાં આપણે લીંબડીના મહારાજા યશવંતસિંહજી સાથે લીંબડીમાં અને મહાબળેશ્વરમાં સ્વામીજી સાથેની મુલાકાતો વિશે વિગતવાર ચર્ચા કરી હતી. ૧૮૯૨ના જૂન મહિનાના પ્રારંભમાં સ્વામીજી લીંબડીના ઠાકોર યશવંતસિંહજી સાથે મહાબળેશ્વરથી પૂના ગયા હતા અને તેમના નિવાસસ્થાને બે-ત્રણ અઠવાડિયા સુધી રોકાયા હતા. સંભવ છે કે ઠાકોર સાહેબની નોંધપોથીનું છેલ્લા ત્રણચાર દિવસનું વિવરણ પૂનામાં જ થયેલી ચર્ચાના આધારે લિપિબદ્ધ થયું હોય. ત્યાંથી ૧૫ જૂને લખેલ એક પત્રમાં સ્વામીજીએ સરનામું લખ્યું છે: ‘એલ્લપા બલરામનું ઘર, ન્યુટ્રલ લાઈન્સ, પૂના.’ એ જ પત્રમાં એમણે લખ્યું છે: ‘મહાબળેશ્વરથી ઠાકોર સાહેબ સાથે હું અહીં આવ્યો અને એમની સાથે રહું છું. અહીં હું એક સપ્તાહ અથવા થોડું વધારે રોકાઈશ અને ત્યાર પછી હૈદરાબાદ થઈને રામેશ્વરમ્‌ જઈશ.’

ઠાકોર સાહેબને સ્વામીજીની એવી માયા લાગી ગઈ કે તેમણે એમને કહ્યું: ‘સ્વામીજી મારી સાથે લીંબડી ચાલો અને ત્યાં જ હંમેશ માટે રહો.’ સ્વામીજીએ જવાબ આપ્યો, ‘મહારાજ! હમણાં નહિ, મારે હજી ઘણાં કાર્ય કરવાનાં બાકી છે. પણ જો ક્યારેય નિવૃત્તિનો સમય આવશે તો જરૂર હું લીંબડીમાં તમારી સાથે રહેવા આવીશ.’ આવી ઇચ્છા હોવા છતાં પણ સ્વામીજી ક્યારેય લીંબડી પાછા આવી ન શક્યા. કારણ કે સઘન પ્રવૃત્તિમય તથા અતિ શ્રમમય જીવનને કારણે માત્ર ૩૯ વર્ષની વયે તેમણે પોતાનો ભૌતિક દેહ છોડી દીધો. મહારાજા યશવંતસિંહજી ૧૯૦૭માં અકાળ અવસાન પામ્યા. એલિઝાબેથ શાર્પના મત પ્રમાણે ‘પોતાના મહેલમાં અકસ્માત આગ લાગતાં એમાંથી પોતે અને એમનાં રાણી સાહેબ રાત્રી પોશાકમાં માંડમાંડ બહાર નીકળી શક્યાં. આ આઘાતનું દુ:ખ એમને છેલ્લે સુધી રહ્યું.’ લીંબડીનું પોતાનું ભવ્ય પુસ્તકાલય એમાંય એમાં રહેલા સંસ્કૃતની ઘણી અલભ્ય હસ્તલિખિત પ્રતિઓ બળી જતાં એમની આંખમાં અવારનવાર આંસું આવી જતાં. 

પરંતુ કુદરતી કરામત અદ્‌ભુત છે. ૧૯૦૬માં આગમાં સપડાયેલ આ મહેલ ૧૫ દિવસ સુધી બળતો રહ્યો. ૧૯૮૧માં રૂપિયા ૫ લાખના ખર્ચે બંધાયેલા અમેરિકન શહેરના ટાઉન હોલની પ્રતિકૃતિ સમો આ સુંદર મહેલ પર મજાનું સંગીત પીરસતો વિશાળ ઘડિયાલ સાથેનો ટાવર અને દરબાર હોલના જે ભાગમાં સ્વામીજી રહ્યા હતા એ ભાગ એમને એમ આજ સુધી જળવાઈ રહ્યો છે. આ ટાવર બંગલો લીંબડીના રાજમાતા પ્રવીણકુંવરબા, નામદાર ઠાકોર સાહેબ છત્રસાલસિંહજી અને શેઠ શ્રી છબિલદાસ શાહના હૃદયના પ્રયાસોથી શ્રીરામકૃષ્ણ મિશનને અર્પણ કરી દેવાયો છે.

મહારાજા યશવંતસિંહજી પાસેથી જૂનાગઢ અને અન્ય સ્થાનોના મિત્રો પર પરિચય પત્રો લઈને સ્વામીજી લીંબડીથી જૂનાગઢ જવા રવાના થયા. માર્ગમાં તેમણે શિહોર અને ભાવનગરની મુલાકાત લીધી. એ સમયે વઢવાણથી ભાવનગરની રેલવે લાઈન ચાલુ હતી. એટલે એવી શક્યતા રહે છે કે સ્વામીજી વઢવાણથી ભાવનગર જતાં રેલવે રસ્તે પહેલાં શિહોર ઊતર્યા હશે. ‘ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ’, ભાગ, ૮ના પૃ.૮૩ પર આવો ઉલ્લેખ આવે છે: ‘નાના સાહેબ પેશ્વા દયાનંદ સ્વામી એવું તખલ્લુસ ધારણ કરીને પોતાનાં અંતિમ વર્ષો શિહોરથી આશરે બે-એક માઈલ દૂર આવેલ ગૌતમેશ્વર નામના સ્થળે વસ્યા હતા. દયાનંદ (નાના સાહેબ)નું અવસાન સંવત ૧૯૫૯ એટલે કે ઈ.સ. ૧૯૦૩માં અહીં જ થયું હોવાનું મનાય છે.’ એમ કહેવાય છે કે સ્વામીજીએ શિહોરમાં ગૌતમેશ્વર મહાદેવના મંદિરમાં ઘણીવાર સુધી ઊંડું ધ્યાન કર્યું હતું. એટલે તેઓ નાના સાહેબ પેશ્વાને એ મંદિરમાં મળ્યા હોવાની શક્યતા રહે છે. ભાવનગરના મહારાજા તખ્તસિંહજી સાથે તેમની શું વાતચીત થઈ અને ભાવનગરમાં કઈ જગ્યાએ ઉતારો હતો, કેટલા દિવસો તેઓ રહ્યા, તેની માહિતી હજુ અપ્રાપ્ય છે. પણ ભાવનગરના મહારાજા સાથે તેઓ સંપર્કમાં અવશ્ય આવ્યા હશે, કારણ કે તેમણે સ્વામીજીને કોલ્હાપુરના મહારાજા પર પરિચય પત્ર લખી આપ્યો હતો. 

ભાવનગરના મહારાજા ઠાકોર સાહેબ શ્રી સર તખ્તસિંહજી રાઓલ (ગોહિલ)નો જન્મ ૬ જાન્યુઆરી, ૧૮૫૮માં થયો હતો. ભાવનગરમાં પ્રાથમિક કેળવણી બાદ ૧૮૭૦માં તેમના પિતાના અવસાન પછી માત્ર બાર વર્ષની ઉંમરે એમને ગાદી પર બેસાડવામાં આવ્યા હતા. પણ રાજ્યનો કારભાર રાજ્યના દિવાન ગૌરીશંકર ઉદયશંકર તથા ઈ.એચ.પરસિવલની સંયુક્ત જવાબદારી અને નિગેહબાની હેઠળ ચલાવાતો. ૧૮૭૧માં શ્રી તખ્તસિંહજી રાજકોટની રાજકુમાર કોલેજમાં વિદ્યાભ્યાસ માટે દાખલ થયા હતા. ૧૮૭૫માં તેમણે આખા ભારતની મુસાફરી કરી અને ૧૮૭૮માં એમને ભાવનગર રાજ્યની સર્વ સત્તા સોંપવામાં આવી. એમની સખાવતોથી ઘણાં રાજ્યમાં લોકકલ્યાણનાં અનેક કાર્યો થયાં હતાં. તેમણે ૧૮૮૦માં ભાવગર-ગોંડલ રેલવેનો પ્રારંભ કર્યો. આ રેલવે ભાવનગરથી વઢવાણ સુધી ૧૦૬ માઈલ અને પશ્ચિમ તરફ ધોરાજી સુધી આશરે ૧૦૦ માઈલ લાંબી હતી, જેમાં ૮૦ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. તેમની ઉત્તમ પ્રકારના રાજ્યશાસનથી ખુશ થઈને મહારાણી વિક્ટોરિયાએ ૧૮૮૨માં તેમને કે.સી. એસ.આઈ.નો ખિતાબ બક્ષ્યો હતો. જાન્યુઆરી ૧૮૮૫માં તેમણે વિખ્યાત શ્યામળદાસ કોલેજની સ્થાપના કરી. તેમણે ઔષધાલય, ધર્મશાળા તેમજ સંસ્કૃત પાઠશાળા સ્થાપીને આરોગ્ય અને કેળવણીના ક્ષેત્રે ઘણું મોટું પ્રદાન કર્યું હતું. તેમની ઉદાર દિલની સહાયથી ભાવનગર તેમજ ગુજરાતના અન્ય રાજ્યોમાં પણ હોસ્પિટલો, ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ, સંગ્રહાલયો, ગ્રંથાલયો, પાણીનાં બાંધકામો, ગરીબ વિદ્યાર્થીઓ અને વિકલાંગો માટે છાત્રાલયો, અને બંદરને સુધારવાનાં બાંધકામો જેવાં ઘણાં કલ્યાણકારી કાર્યો કર્યાં. આ બધાં ઉમદા કાર્યોને લીધે સને ૧૮૮૬માં તેમને જી.સી.એસ.આઈ.ની પદવીથી મહારાણી વિક્ટોરિયાએ નવાજ્યા હતા. સ્વામીજી ભાવનગર આવ્યા ત્યારે એટલી શક્યતા તો પૂરેપૂરી જણાય છે કે તેમણે પ્રગતિશીલ, શિક્ષણપ્રેમી અને સુશાસક એવા ભાવનગરના મહારાજા શ્રી તખ્તસિંહજીની મુલાકાત લીધી ત્યારે એમની સાથે શિક્ષણ, ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિકતા વગેરે બાબતો વિશે સારી એવી ચર્ચા થઈ હશે. પરંતુ આપણું દુર્ભાગ્ય એ છે કે આ વિશે કોઈ વિગતવાર નોંધ અપ્રાપ્ય છે.

પશ્ચિમમાંથી પાછા ફર્યા પછી સ્વામીજીએ પોતાના બે ગુરુભાઈ સ્વામી તુરીયાનંદ અને સ્વામી શારદાનંદજીને ગુજરાતમાં શ્રીરામકૃષ્ણદેવનો જીવન-સંદેશ પાઠવવા અને રામકૃષ્ણ મઠ માટે ફંડ એકઠું કરવા મોકલ્યા હતા. તેઓ બંને ત્રણ માસ સુધી ગુજરાતમાં રહ્યા હતા. ૧૪ એપ્રિલે ભાવનગરની શ્યામળદાસ કોલેજમાં ‘વેદોનું સારભૂત તત્ત્વ’ વિશે સ્વામી શારદાનંદજીએ વ્યાખ્યાન પણ આપ્યું હતું.

આવા ઉત્તમ રાજનીતિજ્ઞ અને ધાર્મિક પ્રજાપાલક મહારાજા શ્રી તખ્તસિંહજી પોતાની ચાલીસ વર્ષની યુવાવસ્થામાં જ બે જ દિવસની સામાન્ય માંદગી ભોગવીને જાન્યુઆરી ૧૮૯૬માં સ્વર્ગવાસી થયા. તેમના પુત્ર શ્રી ભાવસિંહજી ગાદીએ બેઠા. એમના એક પારસી શિક્ષક શ્રી સુરતી જૂનાગઢના દિવાન શ્રી હરિદાસ વિહારીદાસ દેસાઈના મિત્ર હતા. પૂનાથી ૧૫ જૂને સ્વામીજીએ જૂનાગઢના દિવાનજીને લખેલ પત્રમાં કહ્યું છે: ‘મેં તમારા મિત્ર ભાવનગરના રાજકુમાર (ભાવસિંહજી)ના શિક્ષક સુરતીની મુલાકાત લીધી. એ ઘણા સજ્જન માણસ છે. એમની સાથે મુલાકાત થવી એ સદ્‌ભાગ્ય છે. તેઓ ખૂબ જ સાચા અને ઉત્તમ પ્રકૃતિના પુરુષ છે.’ 

સ્વામીજીની શિહોર અને ભાવનગરની મુલાકાત ભલે ટૂંકા સમયની રહી હોય પણ એ ઘણી ફળપ્રદ રહી હશે એમ આપણે કહી શકીએ. શક્ય છે કે ભાવનગરથી રેલમાર્ગે સ્વામીજી જૂનાગઢ પહોંચ્યા હોય. જૂનાગઢમાં ત્યાંના દિવાન સાહેબ શ્રી હરિદાસ વિહારી દેસાઈએ તેમને આવકાર્યા. થોડા દિવસ દીવાન સાહેબને ત્યાં રહીને સ્વામીજી તત્કાલીન ગુજરાતી સાહિત્યના વિદ્વાન, ‘કાદંબરી’ના અનુવાદક, દીવાનના કાર્યાલયના કારભારી અને મેનેજર શ્રી છગનલાલ હરિલાલ પંડ્યાના ઘરે રોકાયા હતા.

૧૮૯૬માં શ્રી મગનલાલ નરોત્તમદાસ પટેલે લખેલ સુખ્યાત ગ્રંથ ‘મહાજન મંડળ’માં શ્રી રાવ બહાદુર હરિદાસ વિહારીદાસ દેસાઈના જીવનની એક ઝલક મળે છે. શ્રી મગનલાલ પટેલે આ સિવાય બીજી અનેક સાહિત્ય રચનાઓ કરી છે. તત્કાલીન બુદ્ધિપ્રકાશ સામયિકમાં એમના અનેક લેખો અવારનવાર આવતા રહેતા. આ ‘મહાજન મંડળ’ અદ્‌ભુત ગ્રંથ છે. આ ગ્રંથમાં ભારતની તત્કાલીન દેશવિદેશની કેટલીયે મહાન વિભૂતિઓ, ગુજરાતી તેમજ અન્ય ભાષાના સાક્ષરરત્નો, પ્રજાપ્રિય શાસકો, મહારાજાઓ, સંતો અને ભક્તોનાં સંક્ષિપ્ત જીવનચરિત્ર સાંપડે છે. સૌના આશ્ચર્યની વાત તો એ છે કે આ ગ્રંથમાં ગુજરાતી ભાષામાં કદાચિત પ્રથમવાર શ્રીરામકૃષ્ણદેવનું સંક્ષિપ્ત જીવન આપવામાં આવ્યું છે. શ્રીરામકૃષ્ણદેવે ૧૮૮૬માં મહાસમાધિ લીધી. ત્યાર પછીના દસ વર્ષમાં જ બંગાળી સિવાય બીજી કોઈ પણ પ્રાંતિય ભાષાઓમાં શ્રીઠાકુરનું જીવન પ્રસિદ્ધ થયું હોય એવી આ સર્વ પ્રથમ ઘટના હોવાની સંભાવના છે. એનાથીયે વિસ્મયકારક વાત એ છે કે સ્વામીજીની હયાતીમાં એટલે કે ૧૮૯૬માં સ્વામીજીનું સંક્ષિપ્ત જીવનચરિત્ર પણ પ્રસિદ્ધ થયું. એ સમયે તો કદાચ બંગાળી કે અંગ્રેજી ભાષામાં પણ પ્રકાશિત નહિ થયું હોય. સ્વામીજીના આ સંક્ષિપ્ત જીવનચરિત્રમાં એમના બાળપણ, શિક્ષણ અને ગુરુદેવ શ્રીરામકૃષ્ણની નિશ્રામાં લીધેલ આધ્યાત્મિક તાલીમની માહિતી ઉપરાંત શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં સ્વામીજીનું ભવ્ય પ્રદાન અને ત્યાર પછીની સ્વામીજીની અમેરિકાના વિવિધ દેશોની મુલાકાતો અને ઈંગ્લેન્ડમાં આપેલ એક સમાચાર પત્રની રૂબરૂ મુલાકાતની ચર્ચા પણ આવરી લેવાઈ છે. અંતે એમણે આ શબ્દો સાથે ગ્રંથની પૂર્તિ કરી છે : ‘‘સ્વામી વિવેકાનંદ વિશે તેમના ગુરુએ એક ભવિષ્ય ભાખ્યું હતું કે, ‘વિવેકાનંદ આખી દુનિયામાં ધર્મનું અજવાળું કરશે.’ ખરેખર એ મહાત્માની ભવિષ્યવાણી હમણા સિદ્ધ થતી આપણે જોઈએ છીએ. તેમણે અમેરિકામાં તેમજ ઈંગ્લેન્ડમાં થોડી મુદતમાં રહીને ત્યાંના લાખો લોકોને હિંદુધર્મ પાળતા કર્યા છે. વળી એક પ્રસંગે તેમના ગુરુએ કહ્યું હતું કે, ‘જ્યારે બાબુ કેશવચંદ્રમાં એક શક્તિ છે, ત્યારે વિવેકાનંદમાં અઢાર શક્તિ છે. તેનામાં દૈવી તેમજ આત્મિક શક્તિ છે.’ સ્વામી વિવેકાનંદની ઉંમર હાલ ૩૩ વર્ષની છે. તેમના બે ભ્રાતૃ સાંસારિક અવસ્થામાં હાલ હયાત છે. તેમાંના એકે તો થોડાજ વખત ઉપર કલકત્તાની યુનિવર્સિટીમાં બી.એ.ની પરીક્ષા પસાર કરી છે. સ્વામીજીનો ચહેરો ઘણો જ રળિયામણો અને ભરાવવાળો છે. તેથી તેઓ ખરેખર રાજા જેવા દેખાય છે.’’ ૧૮૯૧માં સ્વામીજી ગુજરાતમાં આવ્યા અને આ ગુજરાતની પાવનભૂમિમાં રહ્યા. ૧૫ એપ્રિલ, ૧૮૯૨ના રોજ સ્વામીજી ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં ગયા. તેમના પરિભ્રમણ કાળના આ ટુંકા ગાળામાં જ સ્વામીજી જેવી મહાન વિભૂતિએ અને એમના જીવન-સંદેશે ગુજરાતના તત્કાલીન સાક્ષરો, વિદ્વાનો, મહાન રાજવીઓ અને બુદ્ધિજીવીઓ પર કેટલો મહાન પ્રભાવ પાડ્યો હશે તેની એક ઝાંખી ઉપર્યુક્ત લખાણ પરથી આપણે મેળવી શકીએ છીએ. એનો વાસ્તવિક પ્રભાવ તો એથીયે કંઈક વિશેષ મહાન જ હશે.

‘મહાજન મંડળ’ ગ્રંથમાં રાવ બહાદુર હરિદાસ વિહારીદાસ દેસાઈનો જીવન પરિચય આપણને સાંપડે છે. એના આધારે તેમજ ‘પ્રબુદ્ધ ભારત’માં પ્રસિદ્ધ થયેલ લેખ ‘હરિદાસ ધ ગ્લેડસ્ટોન ઓફ ઈંડિયા’ના આધારે રાવ બહાદુર હરિદાસ વિહારીદાસ દેસાઈનું રેખાચિત્ર અહીં આપીએ છીએ :

એમનો જન્મ ૨૯ જુલાઈ, ૧૮૪૦માં વસોમાં થયો હતો. એમના પિતા વિહારીદાસ દેસાઈ બુદ્ધિપ્રધાન અને દીર્ઘદૃષ્ટિવાળા હતા. મોગલશાસન કાળ અને પેશ્વા સરકારના સમયથી જ રાજ્યકારભાર સંભાળવામાં તેમણે તેમજ તેમના પૂર્વજોએ મોટી ખ્યાતિ મેળવી હતી. પ્રાથમિક શિક્ષણ નડિયાદમાં લીધા પછી ૧૧ વર્ષની વયે અમદાવાદમાં અંગ્રેજી સ્કૂલમાં દાખલ થયા. ત્યાર પછી થોડા જ સમયમાં નડિયાદ આવીને શિક્ષણ લીધું. આ ઉપરાંત અમદાવાદ, આવી ને જ એમણે ‘ફર્સ્ટ ક્લાસ’ સાથે મેટ્રિક પાસ કરી અને લો કોલેજમાં જોડાયા. મુંબઈમાં પણ તેમણે અભ્યાસ કર્યો હતો. 

નડિયાદમાં મ્યુનિ. કમિશ્નર તરીકે, ગોંડલ રાજ્યમાં કારભારી તરીકે, ભાવનગર રાજ્યમાં ન્યાયધીશ તરીકે, વઢવાણ અને વાંકાનેર રાજ્યોમાં રાજ્યકારભારી રૂપે પોતાની અમૂલ્ય સેવાઓ આપીને તેમણે સૌનો પ્રેમ અને વિશ્વાસ સંપાદન કર્યો હતો. ઇડર રાજ્યમાં દીવાન તરીકે સેવાઓ આપીને તેઓ નવાબ સાહેબ બહાદુર ખાનજીના વખતમાં જૂનાગઢ રાજ્યમાં ૧૮૮૩થી દીવાન તરીકે નિમાયા અને ૧૮૯૪ સુધી આ રાજ્યમાં પોતાની સેવાઓ આપી હતી. એમના શાસનકાળ દરમિયાન રેલવે, સારા માર્ગો, નગરશોભા, વ્યાપાર વૃદ્ધિ, રાજા-પ્રજાના સુમેળભર્યા સંબંધો જેવાં એમનાં કાર્યો દેશમાં અને વિદેશમાં પ્રશંસાને પાત્ર બન્યાં હતાં. આ સમયકાળ દરમિયાન ૧૮૯૨ પહેલાંના અને પ્રારંભમાં સ્વામી વિવેકાનંદ એક પરિવ્રાજક સંન્યાસી રૂપે હરિદાસના જીવંત સંપર્કમાં આવ્યા. ‘ધ લાઈફ ઓફ સ્વામી વિવેકાનંદ – ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન ડિસાયપલ્સ’ પ્રમાણે : ‘(લીંબડીમાં થોડા દિવસ રોકાઈને ભાવનગર શિહોર થઈને સ્વામીજી જૂનાગઢ આવ્યા.) એમની સાથે લીંબડીના ઠાકોર સાહેબે જૂનાગઢના દીવાનના નામે લખેલ એક ભલામણ પત્ર પણ હતો. જૂનાગઢમાં સ્વામીજી દીવાન સાહેબના મહેમાન બન્યા… તેઓ સ્વામીજીથી એટલા બધા પ્રભાવિત થઈ ગયા હતા કે દરરોજ પોતાના અધિકારીઓ સાથે તેમના નિવાસ સ્થાને મળવા આવતા અને મોડી રાત સુધી અધ્યાત્મ તેમજ દેશની વિવિધ સમસ્યાઓ વિશે વિસ્તૃત ચર્ચાઓ કરતા. જૂનાગઢથી પાંચ કી.મી. દૂર સુખ્યાત અને પવિત્ર ગિરનાર પર્વત ૩૬૦૦ ફૂટ ઊંચો છે. આ પવિત્ર સ્થળની યાત્રાએ એમના જીવનમાં આધ્યાત્મિક સાધનામાં ડૂબી જવાની એક ઝંખના ઊભી કરી. એ માટે એમણે ગિરનાર પર એકાંત ગુફા ગોતી કાઢી. ત્યાં તેમણે થોડા દિવસો સુધી ધ્યાન-સાધના કરી. અહીં હતા ત્યારે દીવાનજીએ એમની બધી સારસંભાળ લીધી હતી. આ વાત આપણને માઉન્ટ ગિરનાર પરથી લખેલા એક પત્ર પરથી આવે છે: ‘મારા સ્વાસ્થ્ય અને સગવડ વિશે કુશળ સમાચાર પૂછાવીને આપે કૃપા કરી, આ તમારા પિતૃતુલ્ય સ્નેહનું પ્રતીક છે. હું અહીં બરાબર છું, સ્વસ્થ છું. આપે અહીં મારી ઇચ્છામુજબ બધું કર્યું છે. થોડા દિવસોમાં હું ફરીથી આપને મળવાની આશા રાખું છું. અહીંથી આગળ જવામાં વધારે યાતાયાતની સુવિધાની મારે આવશ્યકતા નથી. જેમ પર્વત પરનું અવરોહણ કષ્ટદાયી છે અને તેનું આરોહણ એનાથી અનેક ગણું કષ્ટદાયી છે. આ જ વાત દુનિયાની બાબતો માટે પણ સાચી છે. હૃદયપૂર્વકની કૃતજ્ઞતા સાથે.. વિવેકાનંદ.’

જૂનાગઢ એ એમને માટે એક એવું કેન્દ્ર સ્થાન બની ગયું કે જ્યાંથી એમને કાઠિયાવાડ તેમજ કચ્છના કેટલાક પ્રદેશોની મુલાકાતો લીધી હતી. જૂનાગઢમાંના પોતાના તૂટક તૂટક નિવાસ સમય દરમિયાન દીવાન હરિદાસે બ્રિટિશ પોલીટિકલ એજન્ટ દ્વારા પોતાના રાજ્ય માટે ઊભી કરાતી સમસ્યાઓની વાત પણ કરી હતી. એટલે સ્વામીજીએ ૧૫ જૂન, ૧૮૯૨ના રોજ પૂનાથી દીવાનજી પર લખેલ પત્રમાં આમ કહ્યું છે : ‘તમારા સમાચાર સાંભળ્યા તેને ઘણો લાંબો સમય વીતી ગયો છે. આ સમય દરમિયાન કદાચ જૂનાગઢ રાજ્યમાં તમારી આડે આવતી સમસ્યાઓ અને અડચણો દૂર થઈ ગઈ હશે, હું એવી અપેક્ષા રાખું છું. તમારી તબિયતની મને ચિંતા રહે છે અને એમાંય ખાસ કરીને સાંધાના મચકોડની… સત્વરે જવાબ આપશો તેવી અપેક્ષા છે. તમને અને તમારા મિત્રોને સપ્રેમ નમસ્કાર તેમજ એમના ક્ષેમકલ્યાણ માટે અભ્યર્થના.’

હરિદાસે અદ્વૈત વેદાંતનો ગહન અભ્યાસ કર્યો હતો અને તેઓ ધર્મભાવનાથી મંદિરોમાં પણ જતા. એમને કોઈ પ્રશ્ન પૂછતું કે આવી બે પ્રકારની ભિન્ન ભિન્ન આધ્યાત્મિક ઉપાસના તમે કેવી રીતે કેળવી શક્યા? તેઓ પ્રભાવક રીતે એનો જવાબ આપતાં કહેતા કે યુવાન પેઢી પ્રભુમાં સાચી શ્રદ્ધા ધરાવવા માટે આગ્રહી બને; પ્રભુની અનુભૂતિ માટે પોતાની આધ્યાત્મિક સાધનામાં ચોક્કસ અને નિયમિત બને; એ વિશે અસરકારક સૂચન અને ઉદાહરણ રજૂ કરવા તેઓ બંને માર્ગે ઉપાસના કરતા. તેઓ કહેતા કે ઈશ્વરમાં શ્રદ્ધા અને ભક્તિભાવવિનાની કોરાદર્શનની વાતમાં કોઈએ પડવું ન જોઈએ; નહિ તો કોઈ પણ માણસ મૂંઝાઈ જવાનો, સંશયી-નાસ્તિક બની જવાનો અને અંતે પોતાનો નાશ નોતરવાનો.

લોર્ડ બ્રાસીના અધ્યક્ષપણા હેઠળ બ્રિટિશ સરકારે નિમેલ અફીણ માટેના રોયલ કમિશનમાં તેઓ સભ્ય તરીકે નિમાયા હતા. દરભંગાના મહારાજા બીજા ભારતીય રૂપે સભ્યપદે હતા. 

પોતાની પશ્ચિમની મુલાકાત પહેલાં જુદે જુદે સ્થળ અને તારીખે સ્વામીજીએ પછીથી હરિદાસને લખેલા પત્રો દ્વારા આપણને સ્પષ્ટપણે જણાય છે કે તેમણે દીવાન સાહેબ સાથે સતત સંપર્ક રાખ્યો હતો. દીવાનજી પણ પોતાની રાજ્યની જવાબદારીઓ નિભાવતાં નિભાવતાં સ્વામીજી અને એના ગતિશીલ જીવનકાર્યમાં પણ રસ લેતા. સ્વામીજીના નિકટના સંયોગથી જીવનની ક્ષુદ્ર વાતો માટે એમનામાં એક અરુચિ જાગી હતી. યુ.એસ.એ. જવાના એક સપ્તાહ પહેલાં ૨૨ મે ૧૮૯૩ના રોજ સ્વામીજીએ લખેલા પત્રમાં દીવાનજીની આધ્યાત્મિક પ્રગતિને પ્રેરતાં આમ લખ્યું હતું:

‘અનેકવાર આપણે જોઈએ છીએ કે સારામાં સારા માણસોને પણ આ દુનિયામાં હેરાન થવું પડે છે, અસાધારણ સંકટો સહન કરવાં પડે છે. ઘણીવાર એનાં કારણો સમજાય તેવાં પણ નથી હોતાં. પણ મારા જીવનનો એવો પણ અનુભવ છે કે અહીં દરેક વસ્તુના હાર્દ અને કેન્દ્રમાં તો બધું શુભ જ છે. સપાટી ઉપર દેખાતાં તરંગો ગમે તેવા હોય તો પણ તેની નીચે બધાના ઊંડાણમાં તળિયે તો શુભ અને પ્રેમની અનંત ભૂમિકા રહેલી છે. જ્યાં સુધી તે ભૂમિકાએ આપણે પહોંચીએ નહિ ત્યાં સુધી જ આપણને તકલીફ પડે છે. પણ એક વખત એ શાંતિના પ્રદેશમાં પહોંચ્યા પછી ઉપર ભલેને પવનો ફૂંકાયા કરે અને તોફાનો ગર્જ્યા કરે! યુગયુગના જૂના ખડકો પર જે મકાન બંધાયું હોય છે તે કદી ચલાયમાન થતું નથી…આપે જે આઘાતો સહન કર્યાં છે તે આપને, આ જીવનમાં અને પરલોકમાં જે એકમાત્ર નિરંતર પ્રેમ કરવા યોગ્ય પરમ તત્ત્વ છે, તેની નજીક દોરી જાય, કે જેને પરિણામે આપ ભૂત, વર્તમાન અને ભવિષ્ય દરેકમાં તેનો સાક્ષાત્કાર કરો, અને જે બધું હાજર છે અગર ખોવાનું છે, તે બધું ‘તે પરમતત્ત્વ’માં અને કેવળ ‘તેનામાં જ’ આપને પ્રાપ્ત થાઓ. અસ્તુ!’

શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં સ્વામીજી એક વિજયીવીર રૂપે બહાર આવ્યા. એ વખતે કેટલાક ઈર્ષ્યાળુ અને સ્વાર્થપરાયણ વિદેશીઓ અને આપણા દેશવાસીઓએ મળીને સ્વામીજીના ચારિત્ર્ય અને વ્યક્તિત્વ વિશે ઘણી ભ્રામક વાતો ફેલાવી. જાહેર રીતે આવી ભ્રામક વાતોનો તેઓ પ્રતિરોધ કરવા ઇચ્છતા ન હતા. છતાંયે સ્વામીજીએ પ્રો. જ્હોન હેન્રી રાઈટ, શ્રી અને શ્રીમતી હેઈલ જેવા પોતાના શુભેચ્છકોને આ વિશે ચિંતિત જોયાં. એટલે જ પોતાનાં વર્તન, વ્યવહાર, નિષ્ઠા અને ચારિત્ર્ય વિશે ભારતના સુહૃદજનો, સુખ્યાત રાજવીઓ, દીવાનો, કારભારીઓના મતાભિપ્રાય સ્વામીજીએ માગ્યા. આ અભિપ્રાયોને પોતાના અમેરિકાવાસી સુહૃદજનો સમક્ષ તેઓ રજૂ કરીને એમને ચિંતામુક્ત કરવા માગતા હતા. આ વિશે હરિદાસને એક પત્ર લખીને તેમણે જાણ કરી હતી.

દીવાન હરિદાસ દેસાઈએ શ્રી જી. ડબલ્યુ. હેઈલને ૨ ઓગસ્ટ ૧૮૯૪ના પત્રમાં પોતાના અત્યંત પ્રિય સ્વામી વિવેકાનંદના બચાવમાં આ પ્રમાણે લખ્યું હતું: 

‘સાહેબશ્રી, આ પત્ર દ્વારા તમને હેરાન કરવા માટે મને ક્ષમા આપશો એવી આશા રાખું છું. ઘણા દુ:ખ સાથે મને જાણવા મળ્યું છે કે અમેરિકામાં કેટલાક લોકોએ એવું બહાર પાડ્યું છે કે સ્વામી વિવેકાનંદજી જાહેરમાં દેખાય છે તેવા નથી. એના એક મિત્ર તરીકે મને એટલું કહેવાની રજા આપો કે છેલ્લાં કેટલાંક વર્ષોથી તેઓ મારા સુપરિચિત છે. હું એમનો ખૂબ આદર કરું છું અને એમને પૂજ્ય ગણું છું. સર્વ લોકોના કલ્યાણ માટે એમણે નિષ્કામભાવે ઉપાડેલ સદ્‌ પ્રવૃત્તિ પ્રત્યે તેઓ સંપૂર્ણપણે સંનિષ્ઠ છે. છેલ્લાં બાર વર્ષથી તેમણે પોતાનું કુટુંબ અને સાંસારિક સંબંધો છોડી દીધાં છે; અને તેમણે પોતાની જાતને પોતાના આત્મકલ્યાણ તેમજ બીજાના યોગક્ષેમ માટે સંપૂર્ણપણે સમર્પિત કરી દીધી છે. એમણે પ્રાપ્ત કરેલ જ્ઞાનની કદર કરી શકનારા અમેરિકાના લોકો સમક્ષ એ સનાતન હિંદુધર્મની વાત મૂકવા માટે તેમજ અમેરિકાના રાષ્ટ્રમાં તેનો પ્રચાર પ્રસાર કરવા નિર્વિવાદ અને ખુલ્લા મનના આશયથી તેઓ શિકાગોમાં ગયા. તેઓ હિંદુઓના સાચા સુહૃદજન છે અને એમના ધર્મના સાચા પ્રતિનિધિ છે. અફીણ વિશેના શાહી કમિશનના એક સભ્ય તરીકે હું ગયા નવેમ્બર અને ડિસેમ્બરમાં કલકત્તામાં હતો ત્યારે એમના નિવાસસ્થાને એમના માતુશ્રી અને ભાઈઓને મળ્યો હતો. તેઓ પોતાના કુટુંબ સાથે કોઈપણ જાતનો સંબંધ કે સંપર્ક રાખતા નથી, કારણ કે ઘણા લાંબા સમયથી તેમણે આ સંસારનો ત્યાગ કર્યો છે અને સંન્યાસી બન્યા છે. હું આ સાથે એક નાની પત્રિકા બુકપોસ્ટથી રવાના કરું છું. એનાથી આપને મારો વિન્રમ પરિચય મળી રહેશે. સત્ય અને સત્‌કાર્ય માટે આ પત્રનો તમને યોગ્ય લાગે તે રીતે ઉપયોગ કરી શકો છો…’

આ વિશે સ્વામીજીએ દીવાનજીને સપ્ટેમ્બરમાં લખ્યું હતું: ‘જી. ડબલ્યુ. હેઈલને લખેલી તમારી વિન્રમ ભાવની નોંધો ઘણી આનંદપ્રદ રહી… આટલું તો મારે એમના માટે કરવું જરૂરી હતું.’

ઉપરોક્ત વિગતોથી આપણને શ્રી હરિદાસ દેસાઈના ઉમદાપણાની એક ઝલક મળે છે. તેમનું સમગ્ર જીવન (૧૮૪૦ થી ૧૮૯૫) પ્રજાકલ્યાણ માટે જ સમર્પિત હતું. જૂનાગઢના તેમના વહીવટકાળ દરમિયાન તેમણે ઘણા બધા સુધારાકાર્યો કર્યા. યાત્રીઓની સુવિધા માટે ગિરનાર પવર્ત પર ૧૨૦૦૦ પગથિયાંનું બાંધકામ, નરસિંહ મહેતાનું મંદિર, દામોદર કુંડનો ર્જીણોદ્ધાર અને એક સેતુ પોતાના સ્વખર્ચે બાંધ્યો. જૂનાગઢ થી વેરાવળના બંદર સુધીની રેલવે લાઈનનું બાંધકામ તેમનું ખાસ પ્રદાન હતું. 

આવા સહજ સરળ, કુશળ વહીવટદાર, નિષ્પક્ષ ભાવનાવાળા પ્રજાસેવક, ફરજનિષ્ઠાવાળા, જ્ઞાની છતાં વિનમ્ર અને સ્વામીજી જેવા મહાન સંતોના સંપર્કને ઇચ્છનારા રાવ હરિદાસ દેસાઈનું ૧૭ જૂન, ૧૮૯૫ના રોજ અવસાન થયું. આ દુ:ખદ સમાચાર ઘણા સમય પછી મળતાં સ્વામીજીએ હરિદાસના ભત્રીજાને ૨ માર્ચ, ૧૮૮૬ના રોજ ન્યૂયોર્કથી એક પત્ર લખ્યો હતો:

‘..તમારો પત્ર મળ્યો. તમારા કાકા એક મહાન આત્મા હતા. આ દેશના કલ્યાણ માટે એમણે પોતાનું સમગ્ર જીવન અર્પી દીધું હતું. હું આશા રાખું છું કે તમે એમનું અનુસરણ કરશો.

હું જ્યારે શિયાળામાં ભારતમાં આવીશ ત્યારે દુ:ખની વાત એ છે કે મારા પ્રિય મિત્ર હરિદાસભાઈને હું નહિ જોઈ શકું. તે એક ઉમદા મિત્ર હતા અને એમની વિદાયથી ભારતે ઘણું ગુમાવ્યું છે… આપનો શુભેચ્છક વિવેકાનંદ.’

દેશ-વિદેશના દૈનિકો, સામયિકોએ એમના દેહાવસાન પર શોકસંદેશ પ્રગટ કર્યો હતો. કોલકાતાની ૩૦, જૂન, ૧૮૯૫ના ‘આનંદબજાર પત્રિકા’માં ‘એમના મૃત્યુથી ભારતે પોતાનો એક શ્રેષ્ઠ પુત્રને ગુમાવ્યો છે’ એવું લખાણ હતું.

આવી મહાન વિભૂતિને કાવ્યદેહે શ્રદ્ધાંજલિ આપતાં આપણા પ્રખ્યાત ગુર્જર કવિશ્વર દલપતરામ ડાહ્યાભાઈએ મનહર છંદમાં કાવ્ય રચના કરી હતી: 

‘માયાળુપણાથી અતિ મોટું માન મેળવીને,
દેસાઈ આ દેશીયોને દીલગીરી દૈ ગયો;
દોષવાન હોય તેજ અંત સમે દુ:ખી પામે,
સ્વરગમાં આ તો નર સુખથી શનૈ ગયો;
રૂડું કરે રાજનું ને પ્રજાને ન પીડા કરે,
એવો તો દીવાન ડાહ્યો એજ એ થૈ ગયો;
કારભારી બીજા જશ ઇચ્છે પણ ક્યાંથી લેશે,
લાઈ લુઈ બધો જશ હરિદાસ લૈ ગયો.’

હવે પછીના અંકમાં સ્વામીજીએ જૂનાગઢમાં પોતાના નિવાસ દરમિયાન ત્યાંના સાક્ષર શ્રી મન:સુખરામ ત્રિપાઠી તેમજ શ્રી છગનલાલ હરિલાલ પંડ્યા સાથેની મુલાકાત અને એ બંને પર સ્વામીજીના પડેલા પ્રભાવ વિશે ચર્ચા કરીશું. સાથે ને સાથે ઉપર્યુક્ત બંને વિદ્વાનોની આમાન્યા જાળવતા અને એમની સલાહસૂચના પ્રમાણે આગળ વધેલા ગુજરાતના સાક્ષર રત્ન અને સરસ્વતીચંદ્રના લેખક શ્રી ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીના જીવન પર સ્વામીજીના પડેલા પ્રભાવ વિશે ચર્ચા કરીશું.

Total Views: 96

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.