ગયા અંકમાં દર્શાવવામાં આવ્યું છે કે અલવરના એક ભક્તે ઘણા આગ્રહથીજયપુરમાં સ્વામીજીનું એક છાયાચિત્ર લીધું હતું. પરંતુ આ ચિત્ર કયું છે એ વિશે દુર્ભાગ્યે કેટલાક મતભેદ અને ભ્રાંતિઓ છે. અહીં એમની શક્ય બને તેટલી યુક્તિપૂર્ણ વિવેચના કરવાનો પ્રયાસ કરીશું.

સ્વામી વિવેકાનંદના ભારતના સુદીર્ઘ પરિભ્રમણ દરમિયાન લેવાયેલા એમના ૬ ફોટા પ્રાપ્ય છે. એમાંથી બેલગામમાં તથા ત્રિવેન્દ્રમમાં લેવાયેલ બે તસવીરોનાં સ્થાનકાળ સ્વીકૃત છે. બાકીની ચાર તસવીરોના સ્થાનાદિ વિશે અનેક મત પ્રચલિત છે. એનું કારણ એ છે કે પ્રારંભમાં જ આ તસવીરોનાં સ્થાનકાળ નિર્ધારિત કરીને એને પ્રકાશિત કરવાનો કોઈએ પ્રયાસ ન કર્યો. ક્રમશ: ભિન્ન ભિન્ન નગરોના તસવીરકારોએ એમની અવારનવાર પ્રતિછબિઓ તૈયાર કરી હતી. પછીથી એ ચિત્રોની પાછળ છપાયેલ તસવીરકારોનાં સરનામાં પરથી એમના સ્થાનનું નિર્ધારણ કરવાનો પ્રયાસ થયો. એનાથી સૌથી વધુ જૂની તસવીર મળી તે તસવીર પોતાના તસવીરકારના સ્થાન સાથે જોડવામાં આવી.

આગળ જણાવ્યું તેમ અલવરના ભક્તોએ જયપુરમાં સ્વામીજીની એક તસવીર લેવડાવી હતી. આ ફોટો કયો છે એ હજી સુધી નિશ્ચિત રૂપે નક્કી કરી શકાયું નથી. એવું લાગે છે કે જયપુરમાં એક જ નહિ પણ બે તસવીરો લેવાઈ હતી. કેટલાક વિદ્વાનો તથા સ્વામીજીની જીવનકથાના લેખકોના મતનું વિશ્લેષણ કર્યા પછી અમે આવા નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ. અહીં આપેલી તસવીર એ ઉપર્યુક્ત તસવીરો જ છે. (ફોટો ૬, ૭) આ નિષ્કર્ષનું કારણ આ છે :

અત્યાર સુધી અનેક લોકોની માન્યતા હતી કે તસવીર ક્રમાંક ૨ જયપુરમાં લેવાયેલી તસવીર છે. એ તસવીરમાં સ્વામીજી હાથમાં દંડ લઈને ઊભા છે અને તસવીર ક્રમાંક ૩-૭, ને ક્યાંક હૈદરાબાદમાં તો ક્યાંક વળી ત્રિવેન્દ્રમમાં લેવાયેલી છે એવું દર્શાવવામાં આવ્યું હતું. પરંતુ ધ્યાનપૂર્વક જોઈએ તો એવું લાગે કે તસવીર ક્રમાંક ૨-૩ એ બંને છબિ એક જ સમયે લેવામાં આવેલ છે. બંને તસવીરોની પૃષ્ઠભૂમિ કે પડદો પણ એક જ જણાય છે. વસ્તુત: તસવીર ક્રમાંક ૨ પહેલીવાર સ્વામીજીના જીવનકાળમાં જ એટલે કે ૧૯૦૧માં મદ્રાસના રામકૃષ્ણ મઠ દ્વારા એમની ‘ઈન્સ્પાયર્ડ ટોક્સ’ – ‘દિવ્યવાણી’ નામના પુસ્તકના પ્રથમ સંસ્કરણના મુખપૃષ્ઠ પર આવી સૂચના સાથે છપાઈ હતી : 

‘શિકાગોની ધર્મ પરિષદમાં ભાગ લેવા માટે પ્રસ્થાન કરતાં પહેલાં મદ્રાસમાંથી વિદાય લેતી વખતે એક તસવીરમાં સ્વામીજી સંન્યાસીના ગેરુઆ વસ્ત્ર તથા મુંડનવાળા મસ્તક સાથે જોવા મળે છે.’

જ્યારે એમના અધિકાંશ મદ્રાસી મિત્રો જીવતા હતા ત્યારે સ્વામીજીના જીવનકાળમાં જ જો આ તસવીરને ‘અમેરિકા જતાં પહેલાંના કેટલાક સમય પૂર્વે મદ્રાસમાં લીધેલી તસવીર’ એવું બતાવવામાં આવ્યું છે તો પછી જ્યાં સુધી બીજું કોઈ અકાટ્ય પ્રમાણ ન મળે ત્યાં સુધી આ તથ્યનો અસ્વીકાર કરવો કઠિન છે. અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત ‘સચિત્ર જીવનકથા’ તથા બીજે બેંગલોરના જે તસવીર કારની વાત લખી છે તે તેની પ્રતિલિપિ પણ હોઈ શકે છે. એટલે આપણે સહજ રીતે સ્વીકાર કરી શકીએ કે આ બંને ચિત્ર ૧૮૯૩ના ફેબ્રુઆરી કે માર્ચમાં મદ્રાસમાં લેવાઈ હતી.

તસવીર ક્રમાંક ૪માં સ્વામીજીએ કોટ તથા કોલ્હાપુરી ચંપલ પહેર્યાં છે. આ તસવીર વિશે નિશ્ચિત રૂપે કહી શકાય કે એ બેલગામમાં જ લેવાઈ હતી. એની એક નકલ સ્વામીજીએ મડગાઁવના શ્રી સુબ્રાય નાયકને આપી હતી. એમના મકાનમાં આજે પણ એ તસવીર જળવાયેલ છે. જો કે અત્યારે કેવળ એની રૂપરેખા જ રહી ગઈ છે. તસવીર ક્રમાંક ૫માં સ્વામીજીએ પાઘડી બાંધી છે અને એ તસવીર ત્રિવેન્દ્રમમાં પ્રિન્સ માર્તંડ વર્માએ લીધી હતી એમ કહેવાય છે. એ વિશે કોઈ વિસ્તૃત માહિતી કે જાણકારી મળતી નથી. એટલે એને એ રૂપે જ સ્વીકારી શકાય.

આ રીતે ૪ તસવીરોના સ્થાનકાળ નિર્ધારિત કરી શકાય છે. પરંતુ બાકીની તસવીર ક્રમાંક ૬ અને ૭ એ બંને તસવીરોમાં સ્વામીજી પ્રમાણમાં ઠીક ઠીક યુવાન લાગે છે, દાઢી થોડીઘણી વધી ગઈ છે અને પાઘડી બાંધી છે. આ બંને તસવીર એક જ સમયની લાગે છે. એ બંને વચ્ચે ભેદ એટલો જ છે કે એકમાં સ્વામીજી બેઠા છે અને બીજીમાં ઊભા છે.

તસવીર ૬ ‘સંભવત: બેલગામમાં લેવાયેલ’ એ શીર્ષક સાથે છપાવા લાગી. પરંતુ વર્તમાન સંશોધનોથી એવું જણાયું છે કે આ જ અલવરના ભક્તો દ્વારા જયપુરમાં લેવાયેલ તસવીરો છે.

‘હાલમાં જ (બે ત્રણ વર્ષ પહેલાં) ‘ઉદ્‌બોધન’ કાર્યાલયના અભિલેખાગૃહમાં સંશોધન કરતી વખતે સ્વામી ચેતનાનંદજીને એક જૂનો સંદર્ભ મળ્યો. એ સંદર્ભ સંભવત: આ તસવીર વિશે છે. એમાં લખ્યું છે: ‘બેઠેલ મુદ્રામાં સ્વામીજી : અલવર પછી જયપુરમાં એપ્રિલ ૧૮૯૧ના પ્રારંભમાં;’ પરંતુ એ વિવરણ સાથે ત્યાં કોઈ તસવીર ન હતી. જો કે સ્વામીજીના પરિવ્રાજક જીવનની બધી તસવીરોમાં એક માત્ર આ જ તસવીર ‘ભૂમિ પર બેઠેલ મુદ્રા’માં છે. એટલે એ તસવીર જયપુરમાં લેવાયેલ હશે એમ માની શકાય. વળી, ૧૯૯૩માં અમેરિકામાં પ્રકાશિત ચેતનાનંદજીના ગ્રંથ ‘વિવેકાનંદ : ઈષ્ટ મિટ્‌સ વેસ્ટ – સચિત્ર જીવન કથા’ પૃ.૩૬-૩૭ પર તસવીર ક્રમાંક ૬ અને ૭ને સંભવત: જયપુરમાં ૧૮૯૧માં લેવાયેલ એવું બતાવવામાં આવ્યું છે. અમને એમનો આ અભિપ્રાય પૂરેપૂરો સમીચીન લાગે છે. 

બીજી વાત કાશીપુર, વહારનગર તથા પરિવ્રાજક જીવનની આ બે તસવીરોમાંથી પ્રત્યેક તસવીરમાં સ્વામીજીના ચહેરા પર થોડીઘણી દાઢી દેખાય છે. પરંતુ ત્યાર પછીના પરિવ્રાજક જીવનની બાકીની ચાર તસવીરોમાં તથા ત્યાર પછીના સમયની બધી તસવીરોમાંથી કોઈ એકમાં પણ સ્વામીજીની દાઢી દેખાતી નથી. 

એના પરથી આપણે અનુમાન કરી શકીએ કે અલવર, જયપુર પહોંચીને તથા ત્યાર પછીના થોડા સમય સુધી સ્વામીજી નિયમિત રૂપે દાઢી ન કરતા. સંભવત: માઉન્ટ આબૂના રાજા અજીતસિંહના સંપર્કમાં તેઓ આવ્યા અને એમની સાથે ઘણા લાંબા સમય સુધી રહેતી વખતે જ તેઓ નિયમિત રૂપે દાઢી કરવા લાગ્યા. 

વળી તસવીર ક્રમાંક ૬ અને ૭માં તેઓ થોડા નાની ઉંમરના અને તસવીર ક્રમાંક ૪ અને ૫ અર્થાત્‌ બેલગામ અને ત્રિવેન્દ્રમની તસવીરની તુલનામાં થોડા ક્ષીણકાય પણ લાગે છે. 

કેટલાક વિદ્વાનો (જેવા કે પંડિત વેણીશંકર શર્મા) નો એવો મત છે કે આ તસવીરોમાં સ્વામીજીએ પાઘડી પહેરી છે અને પાઘડી પહેરવાનું કેટલાય મહિના પછી ખેતડીના મહારાજા અજીતસિંહ પાસેથી શીખ્યા હતા. એટલે આ ચિત્ર એ કાળનું હોઈ ન શકે. પરંતુ આ મત પણ યથાર્થ લાગતો નથી. એનું કારણ એ છે કે વરાહનગરની એક માત્ર સમૂહ તસવીર ક્રમાંક ૧માં પણ આપણને જોવા મળે છે કે બધા ગુરુભાઈઓની વચ્ચે એક માત્ર સ્વામીજીએ જ માથે પાઘડી બાંધી છે. એટલે પાઘડી બાંધવાની વાત એમનામાં પહેલેથી જ હતી. એવો સંભવ છે કે અલવરમાં પોણા બે માસના નિવાસ દરમિયાન પણ એમણે વ્યવસ્થિત રીતે રાજસ્થાની પદ્ધતિએ પાઘડી બાંધવાનું શીખી લીધું હોય. 

પરંતુ વળી સ્વામીજીની વરાહનગરની પાઘડી (તસવીર ૧) અને ત્યાર પછી જયપુરની પાઘડી (તસવીર ૬-૭)માં એક પ્રકારનું તારતમ્ય દેખાય છે. 

મહારાજા અજીતસિંહની તસવીરોમાં આપણને જોવા મળે છે કે એમની પાઘડી બાંધવાની રીત જુદી છે. આમ તો ભારતના મોટા ભાગના પ્રદેશોમાં પાઘડી બાંધવાની પ્રથા છે અને પાઘડીની વિભિન્ન પદ્ધતિઓનું તુલનાત્મક અધ્યયન પોતાની રીતે એક ઘણો રોચક વિષય બની રહે તેમ છે. આ સિદ્ધાંતના મુખ્ય પ્રતિપાદક શ્રી વેણીશંકર શર્મા આમ કહે છે: 

‘જ્યારે સ્વામી વિવેકાનંદે.. પહેલીવાર ખેતડી જોયું ત્યારે એ મહિના સખત ગરમી અને લૂના હતા. એટલે કે રાજસ્થાનમાં ત્યાંની જાણીતી ગરમ હવાનું જોર હતું… જ્યારે મહારાજાએ સ્વામીજીની અસુવિધા જોઈ ત્યારે તેમણે એમને સાફો કે પાઘડી બાંધવાની સલાહ આપી. આવો સાફો મહારાજા તથા એ પ્રદેશના લોકો લૂથી બચવા માટે બાંધતા. સ્વામીજીએ આ સૂચનાનો સ્વીકાર કરી લીધો. મહારાજાએ જ વાસ્તવમાં એમને સાફો બાંધતા શીખવ્યું હતું. (‘સ્વામી વિવેકાનંદ : અ ફરગોટન ચેપ્ટર ઓફ હીઝ લાઈફ’ વેણીશંકર શર્મા, સેકન્ડ એડિશન, ૧૯૮૨, પૃ.૫૩) 

શર્માજીની ઉપર્યુક્ત ઉક્તિ કાલ્પનિક લાગે છે. કારણ કે એમના ઉપર્યુક્ત ગ્રંથ (પૃ. ૩૧ થી ૩૮) પ્રમાણે સ્વામીજીએ ગરમીનો પૂરો કાળ આબૂ પહાડમાં વીતાવ્યો હતો અને વર્ષાનો આરંભ થયા પછી ૭ ઓગસ્ટના રોજ રાજાની સાથે ખેતડી પહોંચ્યા હતા. એટલે ઓગસ્ટ મહિનામાં લૂ કે ગરમ હવા હોઈ અને એનાથી હેરાન પરેશાન થઈને પાઘડી બાંધવાનું શીખ્યા એ વાત કાલ્પનિક લાગે છે. 

આ રીતે આપણે આ નિષ્કર્ષ પર પહોંચીએ છીએ કે સ્વામીજીના પરિવ્રાજક જીવન દરમિયાન લેવાયેલ છ તસવીરોમાંથી ૨ જયપુરમાં, ૧ બેલગામમાં, ૧ ત્રિવેન્દ્રમમાં તથા ૨ મદ્રાસમાં લેવાયેલ હતી. અને બેંગલોર, મૈસૂર કે હૈદરાબાદમાં સંભવત: એમની કોઈ તસવીર લેવાઈ ન હતી.

મદ્રાસમાં બારે મહિના ગરમી પડે છે એ સમુદ્ર તટ પર આવેલ હોવાને કારણે પરસેવો પણ થાય છે. એટલે ત્યાંના નિવાસ દરમિયાન સ્વામીજી પાઘડી ન પહેરતા. મદ્રાસ તથા ત્રિવેન્દ્રમનાં વિવરણો પરથી તેઓ એ વિસ્તારોમાં દાઢી વિનાની અવસ્થામાં રહેતા એવું અનુમાન થાય છે. હરિપદ મિત્ર, કે. વ્યાસરાવ, કે. એસ. રામસ્વામી શાસ્ત્રી વગેરેનાં સંસ્મરણો પરથી એવો સંકેત મળે છે કે એ દિવસોમાં એમનું મુંડન કરેલું મસ્તક તથા સ્વચ્છ નિર્મળ ચહેરાનો વિશેષ રૂપે ઉલ્લેખ થયો છે. (રેમિનન્સિસ ઓફ સ્વામી વિવેકાનંદ, ૧૯૬૧, પૃ. ૨૫, ૧૦૮) મદ્રાસના દિવસોનાં સંસ્મરણોમાં વી. સુબ્રમણ્યમ્‌ ઐયરે એમને ‘પહેલવાન સ્વામી’ના રૂપે યાદ કર્યા છે. (લાઈફ ઓફ સ્વામી વિવેકાનંદ : હીઝ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન ડિસાયપલ, વો. ૧, ૧૯૯૫, પૃ.૩૬૯) અને તસવીર ૬ અને ૭માં એમનું શરીર પ્રમાણમાં સારું સુગઠિત લાગે છે. ‘વિશ્વપથિક વિવેકાનંદ’ (બંગાળી ગ્રંથ) ઉદ્‌બોધન કાર્યાલય) સંવત ૧૯૯૮ પૃ. ૫૯૨-૯૩ની વચ્ચેની તસવીરોમાં અને ‘અ પિલગ્રિમેજ ટુ ખેતડી એન્ડ ધ સરસ્વતી વેલી’, ડો. અરુણકુમાર વિશ્વાસ, સંવત ૧૯૮૭, પૃ.૭૦ (પ્લેટ ૩)માં તસવીર ૭ જયપુરમાં લેવાયેલ હોવાની સંભાવના વ્યક્ત કરી છે. બંગાળના સુખ્યાત સાહિત્યકાર શંકરે ૨૦૦૩માં પ્રકાશિત કરેલ પોતાના નવીનતમ બંગાળી પુસ્તક ‘અચેના અજાના વિવેકાનંદ’ના મુખ પૃષ્ઠ પર તસવીર ક્રમાંક ૬ અપાઈ છે અને એનો પરિચય આપતાં આમ લખ્યું છે: ‘નવીન મત એવો છે કે આ તસવીર ૧૮૯૧ના એપ્રિલની શરૂઆતમાં જયપુરમાં લેવાઈ હતી.’

Total Views: 63

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.