ગતાંકથી આગળ

તમે એમ વિચારશો કે ‘માનવ માટે ભલા શબ્દ કેવી રીતે પ્રકાશ હોઈ શકે?’ ધારો કે વર્ષાના દિવસોની સાંજે તમે બજારમાં ગયા છો. ત્યારે જ ભયાનક આંધી અને તોફાનને લીધે વીજળી ગુલ થઈ જાય છે. બધે હાથ હાથને ન દેખાય એવું અંધારું અંધારું થઈ જાય છે. તમે ઊભા રહીને વિચારો છો કે હવે કરવું શું? ત્યાં જ તમારા પોતાના કૂતરાના ભસવાના અવાજ સાંભળીને એ દિશામાં ચાલતાં ચાલતાં તમે પોતાના ઘરે પહોંચી જાઓ છો. અહીં ધ્વનિએ પ્રકાશનું કાર્ય કર્યું ગણાય. એ રીતે અંધારામાં ફૂલોની સુગંધ પણ પ્રકાશનું કાર્ય કરી શકે છે.

હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે જ્યારે આપણે જાગ્રત અવસ્થામાં નથી હોતા ત્યારે પ્રકાશ આવે છે ક્યાંથી? જાગ્રત અવસ્થામાં તો સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વગેરે પ્રકાશ આપે છે; પરંતુ સ્વપ્ન તથા સુષુપ્ત અવસ્થામાં પ્રકાશ ક્યાંથી આવે છે? 

અનેક વૈજ્ઞાનિકો તથા ગણિતજ્ઞોને સ્વપ્નમાં પોતાની સમસ્યાઓનો ઉકેલ મળ્યો છે. વિશ્વના મહાનતમ ગણિતજ્ઞોમાંના એક શ્રી નિવાસ રામાનુજન એક એવી જ વિભૂતિ હતા. કેકુલે નામના વૈજ્ઞાનિકે સ્વપ્નમાં જ બેન્ઝિમની સંરચના જોઈ હતી.

સ્વપ્નમાં આપણે મિત્રોને મળીએ છીએ, વાતો કરીએ છીએ અને ભિન્ન ભિન્ન સ્થાનોની યાત્રા કરીએ છીએ. આ બધું કયા પ્રકાશની સહાયતાથી આપણે જોઈએ છીએ? ગાઢ નિદ્રામાંથી જાગ્યા પછી આપણે આ બધી બાબતોથી અજ્ઞાત રહીએ છીએ, આપણે કેવળ એટલું જ વિચારીએ છીએ કે આપણે ખૂબ ઊંઘ્યા. એટલે ગાઢ નિદ્રામાં પણ કોઈ પ્રકાશ કાર્ય કરે છે. સ્વપ્નવસ્થામાં બાહ્ય પ્રકાશ ન હોવા છતાં પણ ગણિતના પ્રશ્નો તથા વૈજ્ઞાનિક તથ્યોની શોધ થઈ જાય છે એટલે શું આ સૂક્ષ્મ માનસિક ક્રિયાઓ પાછળ કોઈ પ્રકાશ કે ચેતના નથી હોતી ખરી?

અદ્‌ભુત છતાં સત્ય

ફાધર આલ્ફાન્ઝો દ લગૌરી ૨૧ સપ્ટેમ્બર, ૧૭૭૪ના રોજ એરિજો જેલના કેદીઓની પ્રાત:કાલીન સભામાં જવા માટે તૈયાર થઈ ગયા હતા. એ જ સમયે તેઓ એકાએક બેભાન બની ગયા. એ અવસ્થામાં તેઓ બે-એક કલાક રહ્યા. ચેતનામાં ફરીથી આવતા તેમણે બતાવ્યું કે તેઓ રોમ ગયા હતા ત્યાં તેમણે પોપનું મૃત્યું નજરે જોયું અને એમના અંતિમ સંસ્કારમાં પણ ભાગ લીધો. બુદ્ધિવાદી કે તર્કવાદીઓએ એને એક માત્ર સ્વપ્ન માન્યું. બે દિવસ પછી જ્યારે પોપના મૃત્યુના સમાચાર મળ્યા ત્યારે તેમાંના એકે આ એક સંયોગ છે એમ કહીને એને ટાળ્યું. પરંતુ જ્યારે રોમથી આવેલા લોકોએ બતાવ્યું કે અંતિમ સંસ્કારમાં ફાધર આલ્ફાન્ઝો ઉપસ્થિત હતા અને એમણે એમની પોપની અંત્યેષ્ઠિનું નેતૃત્વ પણ કર્યું હતું. ત્યારે એ લોકો આશ્ચર્યમુગ્ધ બની ગયા. 

એ કઈ જ્યોતિ કે ચેતના હતી કે જેણે ફાધરના સૂક્ષ્મ શરીરના વિભિન્ન કાર્યોને જોયા. અને એ ચેતના સ્થળ કાળની સીમાઓને ઉલ્લંઘીને મરણાસન્ન પોપની પાસે પહોંચી ગઈ તેમજ એમના અંતિમ કાર્યમાં પણ ભાગ લઈને વળી પાછી સ્થૂળદેહમાં પાછી આવી?

શું આ ચેતનાની અમર જ્યોતિ નથી?

સંમોહનના પ્રભાવથી લોકોએ પોતાના પાછલા જન્મોની ઘટનાઓ બતાવીને તેમજ પોતાના વર્તમાન જન્મમાં અજ્ઞાત ભાષાઓ બોલીને મનોવૈજ્ઞાનિકોને આશ્ચર્યમાં નાખી દીધા છે. મનના ગહન સ્તરોમાં સંચિત અસંખ્ય જન્મોના અનુભવોને કયો પ્રકાશ આલોકિત કરે છે? બીજા શબ્દોમાં કહીએ તો વ્યક્તિને બોધ કરાવનારી ઈંદ્રિયોની પાછળ કયું ચેતન તેમજ શાશ્વત તત્ત્વ રહેલ છે? એમ કહેવાય છે કે ભગવાન બુદ્ધ પોતાના ૫૦૦ જન્મની ઘટનાઓ યાદ કરી શકતા હતા. એવી કઈ અપરિવર્તનશીલ શાશ્વત જ્યોતિ છે જે વિભિન્ન સ્થાન તથા કાળમાં ભિન્ન ભિન્ન દેહ અને ઈંદ્રિયો દ્વારા અર્જિત અસંખ્ય સૂક્ષ્મ અનુભૂતિઓને આલોકિત કરે છે?

શું આ ચેતનાની શાશ્વત જ્યોતિ નથી?

હા, આ જ ચેતનાનું તે સ્વપ્રકાશ સ્વતંત્ર મૂળ તત્ત્વ છે. આ મૂળ તત્ત્વ શરીર કે વસ્તુઓનાં સ્થૂળ તત્ત્વોથી પર તથા તેમની સાથે મિશ્રિત ન બની જાય એ રીતે રહે છે. બીજા કોઈ દ્વારા પોતે પ્રકાશિત થયા વિના જ એ બધી વસ્તુઓને પ્રકાશિત કરે છે. એ અમર છે તથા બધાં જ્ઞાન, આનંદ અને શક્તિઓનું મૂળ સ્રોત છે.

હવે આપણે ફરીથી રાજા જનકના પ્રશ્ન પર આવીએ છીએ. એમણે પૂછ્યું હતું: ‘હે યાજ્ઞવલ્ક્ય, સૂર્ય તથા ચંદ્ર અસ્ત થઈ જાય પછી, અગ્નિ હોલવાઈ જાય પછી, વાણી શાંત થઈ જાય પછી આ પુરુષ કોના પ્રકાશથી કાર્ય કરે છે?’ યાજ્ઞવલ્ક્યે ઉત્તર આપ્યો: ‘આત્મા જ એની જ્યોતિ છે. કારણ કે તે પુરુષ આત્માની જ્યોતિથી બેસે છે, બધાં સ્થળે જાય છે, પોતાનાં કર્મ કરે છે તેમજ કર્મ કર્યાં પછી નિયત સ્થાને પાછો આવે છે.’ 

એટલે એ સત્યનો, સચ્ચિદાનંદનો પ્રકાશ છે. બીજા શબ્દોમાં કહીએ તો શુદ્ધ ચૈતન્ય, સ્વર્ણિમ સ્વપ્રકાશ તત્ત્વ આત્માનો પ્રકાશ છે. એ પ્રકાશ મનુષ્યની જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્ત અવસ્થાઓમાં તેની પાસે બધાં કર્મ કરાવે છે. પછી ભલે એ સમયે તે પોતાને શરીરની બહાર અનુભવ કરે કે ભિન્ન ભિન્ન શરીરોની ભીતર. શરીર તથા તેના અવયવોથી પૃથક્‌ રહેનાર આત્માનો પ્રકાશ બધી વસ્તુઓને પ્રકાશિત કરે છે. આત્મા સ્વયંપ્રકાશ છે, એની પ્રભાથી આપણે સૂર્ય તથા બીજી વસ્તુઓ જોઈએ છીએ. એટલે સૂર્યની જે જ્યોતિ સમગ્ર વિશ્વ-બ્રહ્માંડને આલોકિત કરે છે તે આત્માની જ જ્યોતિ છે. કઠોપનિષદ (૨.૨.૧૫)માં આ ભાવ ઘણી સુંદર રીતે વ્યક્ત થયો છે – તસ્ય ભાષા સર્વમિદં વિભાતિ – એના પ્રકાશિત થવાથી જ બધું પ્રકાશિત થાય છે; એના પ્રકાશથી જ બધું ભાસિત થાય છે.

જાતિ, વર્ણ, મત, પથ વગેરેથી નિરપેક્ષ રહીને આ દિવ્ય જ્યોતિ બળવાન-નિર્બળ, ધનવાન-નિર્ધન, બધાનાં હૃદયને આલોકિત કરે છે. આત્માની આ જ વિલક્ષણ, શાશ્વત તથા મહિમામય જ્યોતિ દરેક વ્યક્તિનું મૂળ તત્ત્વ છે. આ અમર, શુદ્ધ, ચૈતન્ય, સર્વ વ્યાપી તથા બધામાં બિરાજમાન તત્ત્વ સ્થળ-કાળ અને કારણથી પર છે. ઋષિ-રાજા, સંત-પાપી, સરૂપ-કુરૂપ અને ચરાચર બધાને આલોકિત કરે છે.

આ એક મહાન સત્ય છે કે આપણા બધામાં છુપાયેલી આ દિવ્ય પરમ શક્તિનું સમ્યક્‌ જ્ઞાન એક પરમ અભાગી તથા દુદર્શાવાળા વ્યક્તિમાં પણ અદમ્ય સાહસ, દૃઢ નિશ્ચય, બળ તથા આશાનો સંચાર કરીને તેની કાયાપલટ કરી શકે છે. આત્માની દિવ્યતાનું આ જ્ઞાન જીવનનાં બધાં ક્ષેત્રોમાં ક્રાંતિ લાવી શકે છે અને વિશ્વના બધા દોષોને દૂર કરવા માટે આ જ એક રામબાણ ઔષધિ છે. માનવમાત્રને આ પરમ સત્ય સમજાવતાં સ્વામીજી ક્યારેય થાક્યા નહિ. એમણે વારંવાર કહ્યું કે આત્માના મહિમામાં કે શક્તિમાં શ્રદ્ધા રાખવાથી મનુષ્યને પ્રચંડ શક્તિ પ્રાપ્ત થાય છે. એનાથી સર્વત્ર, બધાના જીવનમાં ઉત્કૃષ્ટતા આવે છે.

સ્વામી વિવેકાનંદની ગર્જના

‘આપણે આ મહામહિમાવાન આત્મા પર વિશ્વાસ રાખવો પડશે, એ વિશ્વાસથી જ શક્તિ સાંપડશે. તમે જે કંઈ ધારશો તે બની જશો. જો તમે તમારી જાતને દુર્બળ માનશો તો તમે દુર્બળ બની જશો; બળવાન માનશો તો બળવાન બની જશો; જો તમે તમારી જાતને અપવિત્ર ધારશો તો અપવિત્ર થઈ જશો; અને શુદ્ધ માનશો તો શુદ્ધ બની જશો. એનાથી આપણને બોધ મળે છે કે આપણે આપણી જાતને નિર્બળ ન માનીએ, આપણે આપણી જાતને નિશ્ચિતપણે બળવાન અને સર્વ શક્તિમાન માનીએ. આ ભાવ આપણામાં ભલે અત્યાર સુધી પ્રગટ ન થયો હોય પરંતુ તે આપણી ભીતર છે ખરો. આપણી ભીતર સંપૂર્ણ જ્ઞાન, બધી શક્તિઓ, પૂર્ણ પવિત્રતા અને સ્વાધીનતાનો ભાવ રહેલ છે. તો પછી આપણે એ બધાંને જીવનમાં પ્રકાશિત કેમ કરી શકતા નથી? કારણ કે એ બધા પર આપણને શ્રદ્ધા નથી. જો આપણે એમના પર વિશ્વાસ રાખી શકીએ તો એ બધાનો વિકાસ થશે, જરૂર થવાનો જ. નિર્ગુણ બ્રહ્મ પાસેથી આપણને આ જ જ્ઞાનોપદેશ મળે છે. સાવ બાળપણથી જ બાળકોને બળવાન બનાવો, એમને દુર્બળતા કે કોઈ બાહ્ય અનુષ્ઠાનની કેળવણી ન આપવી જોઈએ. તેઓ તેજસ્વી બને; પોતાના જ પગ પર ઊભા રહી શકે; સાહસી, સર્વજયી, બધું સહન કરવાવાળા બને; પરંતુ સર્વ પ્રથમ એમને આત્માના મહિમાની કેળવણી આપવી જોઈએ. આ કેળવણી વેદાંત, કેવળ વેદાંતમાં જ સાંપડશે. વેદાંતમાં અન્ય ધર્મોની જેમ ભક્તિ, ઉપાસના વગેરેની પણ અનેક વાતો છે, પૂરેપૂરી માત્રામાં છે; પરંતુ હું જે આત્મતત્ત્વની વાત કરું છું તે જ જીવન છે, શક્તિપ્રદ છે અને અત્યંત અપૂર્વ છે. કેવળ વેદાંતમાં જ એ મહાન તત્ત્વ છે જેનાથી સમગ્ર સંસારના ભાવ જગતમાં ક્રાંતિ થશે અને ભૌતિક જગતના જ્ઞાનની સાથે ધર્મનું સામંજસ્ય સ્થપાશે.’

હું કોણ છું?

આપણામાંથી પ્રત્યેકની ભીતર અનંત શક્તિ છે પરંતુ આપણને આપણી ભીતર રહેલા અમૂલ્ય ખજાના કે સ્વર્ગીય ભંડારનો આભાસ થતો નથી. મનુષ્ય ક્યારેક ક્યારેક પોતાની જાતને અવગુણો તથા દુર્બળતાઓની પોટલી સમજીને ઠીક ઠીક પ્રમાણમાં હાનિ કરે છે. ક્યારેક તે ઉન્માદિયા અને હિંસક અપરાધી જેવું આચરણ કરવા માંડે છે. પ્રત્યેક વ્યક્તિમાં રહેલ આ ‘હું’ નો સાચો અર્થ શું છે?

શક્તિનું સાચું કેન્દ્ર આપણી ભીતર જ છે એ વાતથી સામાન્ય રીતે આપણે અજાણ રહીએ છીએ. પરંતુ એને જાણી લેવાથી આપણે પોતાની સીમાઓને પાર કરી લઈએ છીએ, ભાવુકતાપૂર્ણ મૂઢતાઓ પર વિજય મેળવી લઈએ છીએ અને જ્ઞાન તથા વિવેક પામીને મુક્ત બનીએ છીેએ. આપણે ભલે ગમે તે અવસ્થામાં હોઈએ પરંતુ આ ઉપલબ્ધિથી આપણાં વાણી, આચરણ તથા કર્મમાં પૂરેપૂરું પરિવર્તન આવી જાય છે. કવિ બેન્દ્રે કહે છે : ‘સ્વયંમાં પ્રવેશો, સ્વયંને નીરખો અને સ્વયં બનો.’ અહીં આ સ્વયં બનો નો અર્થ શું છે? જ્યારે આપણે ઉત્તમ વિચારો, વિધિઓ, પ્રશ્નો તથા અનુભવો દ્વારા પોતાના સાચા સ્વરૂપને જાણવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણે પોતાના સ્વરૂપની ગહનતામાં ડૂબી જઈએ છીએ. ત્યારે આપણને પોતાના અંતરમાં રહેલ એ પરમ જ્યોતિની ઝલક મળે છે. ત્યારે આપણને જ્ઞાન થાય છે કે આ જ્યોતિ કોઈ કપોલકલ્પના નથી, પરંતુ એક ગહન સત્ય છે.

શ્રીરામકૃષ્ણ પ્રાય: એક સુંદર ભજન ગાતા. એ બંગાળી ભજનનો ભાવાર્થ આવો છે : ‘રે મન! તું પોતાનામાં પડ્યું રહે, કોઈ બીજાને ઘરે ન જા. તારે જે જોઈએ તે ઘર બેઠાં જ મળશે, જરા તારા અંત:પુરે ખોજ તો ખરો! તું જે ઇચ્છશે તે પારસમણિ રૂપ પરમધન દઈ શકશે. એ ચિંતામણિના નાટ્યમંદિરમાં કેટકેટલા મણિ વિખરાયેલા પડ્યા છે!’

જ્યારે આપણે આ ‘હું’ના તત્ત્વનું બરાબર વિશ્લેષણ કરીશું ત્યારે આપણને તેના રહસ્ય તથા તેની અનંત ક્ષમતાનું જ્ઞાન થશે. વસ્તુત: આપણે એવી શક્તિઓથી સંપન્ન છીએ કે જેનું શબ્દોમાં વર્ણન કરી ન શકાય. અને એ કેવળ સીમિતતાની આપણી કલ્પના દ્વારા જ સીમિત થઈ શકે છે. તે બંધનોની આપણી કલ્પનામાં જ સ્વયંને બંદિવાન બનાવી લે છે. મનુષ્ય કેવી રીતે આ બંધનથી મુક્ત થાય? આ એક અત્યંત ઉત્તેજનાપૂર્ણ અને રોમાંચક અભિયાન છે. આ શોધ માટે આપણે કોઈ પ્રયોગશાળામાં જઈને પ્રયોગ કરવાની આવશ્યકતા નથી. આપણું મન જ એને માટે પ્રયોગશાળા બની જાય છે. વિચારોની તલવાર જ આ સમસ્યાની ગ્રંથિને કાપી નાખે છે. વિચારોની આ પ્રભાવી તલવારોનો ઉપયોગ કરીને આપણે કેવી રીતે પોતાની શક્તિ પ્રાપ્ત કરીએ છીએ?

પોતાની જાતને ઘેટું સમજનાર વાઘ

એક મોટા લીલાછમ ઘાસના મેદાનમાં કેટલાંક ઘેટાં ચરી રહ્યાં હતાં. મેદાનની ઉત્તરે એક ગાઢ જંગલ હતું. એક ભૂખી ડાંસ વાઘણ શિકારની શોધમાં એક ઊંચી શિલા પર બેઠી હતી. ઘેટાંને જોઈને તેની ડાઢ ડળકી. તેણે હુમલો કરીને ઘેટાંના ઝુંડ પર ઝપટ મારી પરંતુ એ સમયે એક દુર્ઘટના ઘટી. એનું માથું એક પત્થર સાથે ભટકાણું. વાઘણ ગર્ભવતી હતી. બચ્ચાને જન્મ આપીને તે મરણને શરણ થઈ. ત્યાર પછી નાસભાગ કરતાં ઘેટાં પાછા ફરીને જુએ છે તો વાઘણ ચૂપચાપ ભોંય પર પડી છે. વાઘણ મરી ગઈ છે એવો એમને સ્પષ્ટ ખ્યાલ આવી ગયો. નમાયા વાઘના બચ્ચાને જોઈને એમને દયા આવી ગઈ. બચ્ચાને ચાંટીને સાફ કર્યા પછી એને પોતાના ટોળામાં રાખી લીધું. બીજા ઘેટાનાં બચ્ચા સાથે એનો ઉછેર થવા લાગ્યો. ઘેટી એને પોતાનું દૂધ પીવડાવતી અને પછી ઘાસ ચરવાનું પણ શીખવવા લાગી. ઘેટાંની વચ્ચે રહેતાં રહેતાં વાઘનું બચ્ચું પણ પોતાની જાતને ઘેટું સમજવા લાગ્યું. તે પણ ઘેટાંની ભાષા શીખી ગયો. ભરવાડ પણ પોતાના ઘેટાંની વચ્ચે એક વાઘના બચ્ચાને આમ જોઈને આશ્ચર્યચકિત થઈ જતો.

એક દિવસ એ જંગલમાં એક નવો વાઘ આવ્યો. પેલાં ઘેટાંની વચ્ચે વાઘના બચ્ચાને ઘાસ ચરતું જોઈને તેની નવાઈનો પાર ન રહ્યો. તે સીધે સીધો વાઘના બચ્ચાની પાસે આવી પહોંચ્યો અને એને પકડીને ધમકાવવા માંડ્યો. પેલા વાઘે વાઘના બચ્ચાને આ ઘેટાંનું ટોળું છોડીને પોતાની સાથે જંગલમાં આવવા કહ્યું. વાઘનું બચ્ચું બેં બેં કરતું કહેવા લાગ્યું: ‘ભાઈ, મને છોડી દો, હું ઘેટું છું, મને મારું ઘાસ ખાવા દો.’ પોતાના અસલ સ્વરૂપથી અજાણ્યા આ બચ્ચા પર વાઘને ઘણી દયા આવી. તે તેને એક તળાવની પાસે લઈ ગયો. તળાવના પાણીમાં તેનું પ્રતિબિંબ દેખાડીને તેનામાં વિશ્વાસ ઊભો કર્યો કે તે ઘેટું નથી પણ વાઘનું બચ્ચું છે. પછી તેણે એને વનમાં લઈ જઈને શિકાર કરવાનું શીખવ્યું, ગર્જના કરવાનું, ઘૂરકવાનું શીખવ્યું, રાજાની જેમ અદાથી ચાલવાનું પણ શીખવ્યું. થોડા દિવસો પછી એ વાઘનું બચ્ચું પોતે જાણી ગયું કે તે ખરેખર ઘેટું નથી, વાઘ જ છે. પછી વાઘની જેમ એ વનમાં ફરવા લાગ્યો.

ભયંકર વાઘનું સંતાન હોવા છતાં પણ તે પોતાની જાતને ઘેટું સમજતો હતો. પોતાના શરીરમાં વાઘની તેજસ્વીતા અને શક્તિ હોવા છતાં પણ તે પોતાના મૂળ સ્વરૂપથી અજ્ઞાત રહ્યો અને પોતે પોતાની જાતને ઘેટું સમજીને તે પ્રમાણે બેં બેં કરતો રહ્યો અને ઘાસ ખાતો રહ્યો. ઘેંટાની જેમ આચરણ કરતી વખતે પણ વાસ્તવિક રીતે તે વાઘ જ હતો. આમ હોવા છતાં પણ એણે ઘેટા જેવું આચરણ કેમ કર્યું? પોતાના અત્યંત ગહન મિથ્યા જ્ઞાન તથા સ્વયંના મૂળ વાઘ સ્વરૂપ વિશેના અજ્ઞાનને કારણે તે આમ કરતો રહ્યો. આ અજ્ઞાન દૂર થતાં જ તે પોતાની જાતને ઓળખી ગયો. પોતાની જાતને ઓળખતાં જ ભય-આશંકા દૂર થઈ ગયાં અને પોતે વાઘને છાજે એવું સ્વાભાવિક આચરણ કરવા લાગ્યો. આત્મવિશ્વાસ અને અહંકારમાં ભેદ છે. અહંકાર અજ્ઞાનથી ઉત્પન્ન થાય છે. વ્યક્તિમાં રહેલી ક્ષમતાઓના જ્ઞાનથી તેનો આત્મવિશ્વાસ વધે છે. આપણો દૃઢવિશ્વાસ આપણાં દૃષ્ટિકોણ, ભાવનાઓ તથા કર્મોને ઠીકઠીક પ્રમાણમાં પ્રભાવિત કરે છે. વસ્તુત: એ આત્મવિશ્વાસ આપણા વ્યક્તિત્વને ઘણા પ્રબળ રૂપે પ્રભાવિત કરે છે, એ વિશે કોઈ શંકા નથી. સત્યનું આપણું જ્ઞાન આપણા પોતાના જ્ઞાન સુધી સીમિત રહે છે અને આપણે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે જ્ઞાનમાં વૃદ્ધિની સાથે જ પરમ સત્ય વિશેની આપણી ધારણા બદલી જાય છે.

(ક્રમશ:)

Total Views: 57

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.