રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના ‘વિશ્વપથિક વિવેકાનંદ’ નામના બંગાળી ગ્રંથમાં પ્રસિદ્ધ થયેલ લેખનો ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. – સં.

સ્વામી વિવેકાનંદે ૧૮૮૮ થી મે, ૧૮૯૩ – છ વર્ષથી વધુ સમય અસહાય અવસ્થામાં ભારત પરિભ્રમણ કર્યું હતું. દેશના ઉત્તર-પશ્ચિમ, મધ્ય-દક્ષિણ પ્રદેશોમાં પોતાના સમગ્ર ભારતભ્રમણકાળમાં સ્વામીજીએ પોતે વર્તમાન ભારત તેમજ પ્રાચીન ભારતનું નિરીક્ષણ કર્યું અને એને ગહનતાથી ઓળખ્યું પણ ખરું. 

તેમને પોતાના પરિભ્રમણ કાળમાં ભારતના બધા વર્ગવર્ણના મનુષ્યોના અંતરાત્માનો પરિચય પણ થયો. તેમને ભારતની અખિલાઈને જાણી-ઓળખી. સમગ્ર ભારતનું ચિત્ર એ જ સમયે એમનાં મનહૃદયમાં ઉદ્‌ભાસિત થયું. આ પહેલાં કોઈએ પણ સ્વામીજીની જેમ અખંડ ભારત વિશે ચિંતન-મનન કર્યું ન હતું. દેશીરાજાઓમાં કોઈ કોઈ વિલાસિતામાં ડૂબ્યા રહેતા; પણ કેટલાક પ્રજાકલ્યાણની ચિંતા કરનારા રાજવીઓ પણ હતા. રાજનૈતિક અને સામાજિક નેતાઓ પણ પોતપોતાના વાડાઓમાં બદ્ધ હતા. ધર્મગુરુઓ અને પંડિતો પણ સંકીર્ણતા-સંકુચિતતાગ્રસ્ત હતા. પરંતુ આ અસહાય અકિંચન સંન્યાસી (સ્વામી વિવેકાનંદ)ની દૃષ્ટિ નિર્મળ અને ઉદાત્ત હતી. એમણે ભારત વર્ષની આર્થિક, સામાજિક, નૈતિક અને આધ્યાત્મિક ઉન્નતિ વિશે ગહન ચિંતન કર્યું હતું. એમણે એનો ઐતિહાસિક દૃષ્ટિએ અને આધ્યાત્મિક દૃષ્ટિએ અનુભવ કરી લીધો હતો. ઘણાં કર્મકાંડ-અનુષ્ઠાનો હોવા છતાં પણ ભારતનો ધર્મ આજે પણ જીવિત છે. દોષ ધર્મનો નહિ, દોષ છે મનુષ્યોનો. ધર્મના નામે ધર્મનો ધંધો કરનારા રુઢિજડ પંડિતો અને પુરોહિતોનું આધિપત્ય જ આ સમાજજીવનની પંગુતાનું એક મુખ્ય કારણ છે. એમણે જ સર્જ્યા અનેક શાખા પ્રશાખાવાળા જાતિજ્ઞાતિભેદ. આ જાતિ કે વર્ણની અખિલાઈનું સાચું જ્ઞાન જગાડવા માટે આવશ્યક છે પ્રચલિત સમાજવ્યવસ્થાનું આમૂલ પરિવર્તન. ધર્મ સાધનાનો અધિકાર અને સામાજિક સુવિધા ભોગવવાનો હક્ક બધાં વર્ણના, જાતિના મનુષ્યોને આપવો જ પડશે. સ્વામીજીની એવી ધારણા હતી કે તત્કાલીન છિન્ન વિચ્છિન્ન ભારતની ભાવધારામાં અને સંસ્કૃતિમાં સાચાં સંવાદ અને ઐક્યને શ્રીરામકૃષ્ણના પ્રભાવથી લાવી શકાશે; રાષ્ટ્રિય એકતા લાવવામાં પણ લોકો સમર્થ થશે. ભારતના નગરેનગરે, ગામેગામે, પથપ્રદેશોમાં પરિભ્રમણ કરીને સ્વામીજીની આ ધારણા વધુ દૃઢ બની હતી. જાતિજ્ઞાતિનું મિથ્યાભિમાન મનુષ્યના મનમાં કેટલે ઊંડે સુધી પ્રવેશી ગયું હતું એની અનુભૂતિ સ્વામીજીને વૃંદાવનના માર્ગે એક ભંગી પાસેથી પરાણે ચલમ લઈને તમાકુસેવનની ઘટનામાંથી થઈ હતી. 

હાથરસના રેલવે સ્ટેશનમાં સહાયક સ્ટેશન માસ્ટર શરદચંદ્ર ગુપ્ત (સ્વામી સદાનંદ) સમક્ષ સ્વામીજી પોતાનો મનોભાવ પ્રગટ કરતાં આમ બોલ્યા હતા: ‘જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ મને સ્પષ્ટપણે સમજાઈ રહ્યું છે કે સનાતન હિંદુધર્મના લુપ્ત થયેલા ગૌરવને પુન:સ્થાપિત કરવો એ જ છે શ્રીરામકૃષ્ણનું ઇચ્છિત કાર્ય. ધર્મોનું દયાજનક અધ:પતન, ભૂખ્યા ભારતવાસીઓની મર્મભેદી દુદર્શાને દૂર કરીને, ભારતને ફરીથી ધર્મની વીજશક્તિથી સજીવન કરવું પડશે; ભારતે પોતાની આધ્યાત્મિક શક્તિથી સમગ્ર વિશ્વને ફરીથી જીતવું પડશે.’ પોતાના ભારત પરિભ્રમણકાળ દરમિયાન સ્વામીજી આટલું સ્પષ્ટ રીતે સમજી ગયા હતા કે ભારતનું ઉચ્ચ આધ્યાત્મિક તત્ત્વ – વેદાંત દર્શન અને ભારતવાસીઓનાં દુ:ખના નિવારણ માટેના સેવાવ્રતનું પ્રચલન – એ બંનેનો સમન્વય એ જ શ્રીરામકૃષ્ણનું ઇચ્છિત કાર્ય બનશે.

પોતાના પરિભ્રમણકાળમાં સ્વામીજીએ સ્પષ્ટપણે અનુભવ્યું હતુંકે પ્રાચીનની નિંદા કે ટીકાથી પ્રજાનું કલ્યાણ કે તેની સુધારણા નહિ થઈ શકે. સામાન્યજનોમાં કેળવણીનો પ્રચાર-પ્રસાર કરવો જ પડશે આ છે ભારતની ઉન્નતિનો અનન્ય પથ. વિદેશી કેળવણીનું આંધળું અનુકરણ ન કરીને, આપણી પ્રાચીન કેળવણીના આદર્શ અને પ્રણાલી પર પણ દૃષ્ટિ રાખવી પડશે, આપણા દેશને સમજવો અને જાણવો પડશે. સંન્યાસીઓના દૃષ્ટિકોણમાં પરિવર્તન લાવવું જરૂરી છે એમ સ્વામીજીએ વિચાર્યું હતું. કાશીના પંડિત પ્રમદાદાસ મિત્રને સ્વામીજીએ કહ્યું કે સંન્યાસી થયા એટલે હૃદયને શું પાષાણ જેવું કરી દેવું? સંન્યાસીનું હૃદય તો ગૃહસ્થના હૃદય કરતાં પણ કોમળ હોવું જોઈએ; અન્યનાં દુ:ખે દુ:ખી થવું જોઈએ. ભાગલપુરના મથુરનાથ સિંહે સ્વામીજીના સ્વમુખે નિ:સ્વાર્થ દેશપ્રેમ વિશેની સાચી વ્યાખ્યા સાંભળી હતી. અલવરના લોકો સાથે સ્વામીજીએ પ્રજાની કેળવણીના આદર્શ વિશે ચર્ચા કરી હતી. પ્રજાનો ઇતિહાસ અને એના મર્મની ગવેષણા વિશે સ્વામીજીએ બતાવ્યું હતું. ભારતમાં કૃષિઅને પાશ્ચાત્યવિજ્ઞાન વચ્ચે સંવાદિતા લાવવાનું પણ તેમણે કહ્યું. પ્રજા કે રાષ્ટ્રીયતાનું ભાનજ્ઞાન નવજાગરણ માટે ખૂબ જ જરૂરી છે એમ સ્વામીજીએ કહ્યું હતું.આલમોડામાં એમણે પ્રાચીન ભારતીય પ્રજાની સંસ્કૃતિની સિદ્ધિઓનું દર્શન કર્યું હતું. આગ્રા અને દિલ્હીના ઐતિહાસિક કીર્તિદર્શન દ્વારા એમણે ભારતીય સભ્યતામાં ઇસ્લામની સંસ્કૃતિના પ્રદાન વિશે જાણ્યું હતું.

પૂર્વ અને પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ ભારતના નગરેનગર, ગામેગામ પરિભ્રમણ કરતાં એમને ખ્યાલ આવ્યો કે ભારતીય સંસ્કૃતિનો ક્યારેય વિનાશ નહિ થાય. એમને એ પણ સ્પષ્ટ દેખાયું કે કોઈ એક વિશેષ જાતિ અને સમૂહે ભારતીય સંસ્કૃતિમાં પ્રદાન કર્યું નથી. 

આ સભ્યતા કે સંસ્કૃતિમાં આર્ય, દ્રવિડ, આદિવાસી, ગિરિજનો, હિંદુ, બૌદ્ધ, મુસ્લિમ, ખ્રિસ્તી આ બધાંનું પ્રદાન રહ્યું છે. ભારત પરિભ્રમણકાળમાં પ્રાચીન ભારતના મહિમાને સ્વામીજીએ ઓળખ્યો અને જાણ્યો, ભારતના સામાન્ય માનવમાં ધર્મધારણા – પ્રામાણિકતા, અને ચરિત્રના ઐશ્વર્યનો પરિચય મેળવ્યો અને તેઓ પ્રફુલ્લિત થયા. ઉચ્ચવર્ણોની સ્વાર્થપરતા તેમજ શોષણનું નગ્ન રૂપ જોઈને, બ્રિટિશ શાસકવર્ગનું ઉત્પીડન અને અત્યાચારનો ભયાવહ ચહેરો જોઈને સ્વામીજી ખૂબ દુ:ખી થયા, ગંભીર મર્મવેદનાથી બળી ઊઠ્યા.

ભારત પરિભ્રમણ દરમિયાન સ્વામીજી ઘણા સુખ્યાત રાજામહારાજા કે પંડિતના સંસર્ગમાં આવ્યા અને ભારતનું કલ્યાણ કઈ રીતે થઈ શકે તે વિશે તેમની સાથે વિષદ ચર્ચા પણ કરી હતી. વૈજ્ઞાનિક પદ્ધતિએ કૃષિક્ષેત્રની ઉન્નતિ, શિલ્પકલાની ઉન્નતિ, ગ્રામોન્નતિ દ્વારા ભારતની ઉન્નતિની વાતો તેમણે એ સમયે કરી હતી.

ભારત પરિક્રમાના શેષ પર્વમાં કન્યાકુમારીના શિલાખંડ પર ધ્યાનમગ્ન બનેલા સ્વામીજીના મનશ્ચક્ષુ સામે અખિલ ભારતનો અતીત અને ભવિષ્યનું ચિત્ર ઉદ્‌ભવ્યું. આ દર્શન વિશે એમણે શિકાગોથી તેમના ગુરુભાઈ સ્વામી રામકૃષ્ણાનંદજીને ૧૯ માર્ચ, ૧૮૯૪ના રોજ એક પત્રમાં આમ લખ્યું હતું: ‘આવું ભયંકર અધ:પતન જોઈને, એમાંય વિશેષત: દારિદ્ર્ય અને અજ્ઞાનતા જોઈને મારી ઊંઘ હરામ થઈ ગઈ છે. કન્યાકુમારી માતાના મંદિરમાં બેસીને, કન્યાકુમારીની એકાકી શિલા પર બેસીને મારા મનમાં એક વિચાર ઝબકી ગયો – આપણે આટલા બધા સંન્યાસીઓ છીએ, સતત પરિભ્રમણ કરતા રહીએ છીએ, લોકોને દર્શનશાસ્ત્રનું જ્ઞાન આપતાં રહીએ છીએ, આ બધું ગાંડપણ જ છે. ભૂખ્યે પેટે ધર્મજ્ઞાન ન અપાય. શ્રીઠાકુર કહેતા: આ ગરીબ લોકો પશુની જેમ જીવન જીવી રહ્યા છે, એનું કારણ છે મૂર્ખતા-અજ્ઞાનતા, ઉચ્ચવર્ણના લોકો ચાર ચાર યુગથી એમનું રક્ત શોષી રહ્યા છે અને એમને પોતાના પગતળે કચડી રહ્યા છે… આ લોકો પોતાની અસ્મિતા પણ ગુમાવી બેઠા છે, એટલે જ ભારત આટલું દુ:ખી છે અને આટઆટલાં કષ્ટ ભોગવે છે. આ પ્રજાની અસ્મિતાને જેમ બને તેમ જાગ્રત કરવી પડશે, નિમ્નવર્ણના લોકોને ઊંચે લાવવા પડશે… એ લોકોને ઉપર લાવવા માટે જે શક્તિની જરૂર છે એ શક્તિને પણ આપણી ભીતરથી જ લાવવી પડશે. રૂઢિચુસ્ત હિંદુઓએ આ કામ કરવું પડશે. બધા દેશોની પ્રજામાં જે કોઈ દોષ કે ખામી દેખાય છે એ દોષ કે ખામી ધર્મનાં નથી પણ ધર્મનું સારી રીતે પાલન ન થતાં આ બધાં દોષ ઉદ્‌ભવે છે. એટલે જ એમાં દોષ ધર્મનો નથી, દોષ તો છે મનુષ્યનો. આ બધું કરવા માટે સૌ પ્રથમ આવશ્યક છે માનવ અને પછી જરૂર પડે છે ધનની. ગુરુદેવની કૃપાથી મને દરેકે દરેકે શહેરમાંથી દસથી પંદર માનવી આવા મળી રહેશે. ત્યાર પછી ધન એકઠું કરવા માટે હું ફર્યો પણ બિચારા ભારતવાસીઓ કંઈ ધન આપી શકે ખરા! એટલે જ તો હું અમેરિકા આવ્યો છું. હું પોતે કામકાજ કરીશ (કમાઈશ), પછી દેશમાં જઈશ, અને શેષ જીવન આ જ ઉદ્દેશ્યની સિદ્ધિ માટે વિતાવીશ.

શિકાગો વિશ્વધર્મ પરિષદમાં સ્વામીજીનો આ ઉદ્દેશ્ય સફળ થયો. ત્યાં પાશ્ચાત્યોનાં હૃદય જીતીને એ ઉદ્દેશ્યનો શુભારંભ કર્યો. ભારત પરિભ્રમણ વખતે કાશીમાં સ્વામીજીએ કહ્યું હતું: ‘એક વખત હું આ સમાજ પર એક બાઁબની માફક તૂટી પડીશ.’ ૧૧ સપ્ટે., ૧૮૯૩ના દિવસે શિકાગો વિશ્વધર્મ પરિષદમાં સ્વામીજીની આ ભવિષ્યવાણી સત્યપુરવાર થઈ. એક અણુબાઁબની જેમ સ્વામીજી પાશ્ચાત્ય સભ્યતા પર તૂટી પડ્યા. આ વિસ્ફોટ કોઈ અણુબાઁબનો ન હતો, એ હતો સાંસ્કૃતિક બાઁબનો વિસ્ફોટ. આ બાઁબ ધ્વંશકારી ન હતો, પરંતુ તે હતો નવસર્જન કરનારો. એણે ધ્વંશ પણ કર્યો હતો! પરંતુ એમાં વિનાશ થતો હતો સભ્યતા કે સંસ્કૃતિની ક્ષુલ્લક નિર્બળતાઓનો – સંસ્કૃતિના કચરાનો. એક બાજુએ આ જ સાંસ્કૃતિક બાઁબના વિસ્ફોટે પાશ્ચાત્ય ચિંતનની આધારભૂમિકાને પણ આંદોલિત કરી દીધી, પાશ્ચાત્ય લોકોના શ્રેષ્ઠત્વના દાવાને એણે જમીનદોસ્ત કરી દીધો, એમની ધાર્મિક રૂઢિજડતાને પણ જમીનદોસ્ત કરી નાખી, સાથે ને સાથે પ્રતિહિંસા પરાયણ ઈશ્વરની ધારણા અને પાપવાદ જેવા નિરાશાજનક ભાવોનો પણ એણે નાશ કર્યો. બીજી બાજુએ વિશ્વધર્મ પરિષદમાં સ્વામીજીની ઉપસ્થિતિએ આપેલ સર્જનાત્મક સર્વ સંવાદિતાની વાત આજે પણ પ્રાસંગિક છે. સ્વામીજીએ પાશ્ચાત્ય માનસને એક નૂતન જગતનું અનુસંધાન આપ્યું છે, એમણે માનવ આત્માની ગરિમાની કહાની સંભળાવી હતી, એમણે માનવ ધર્મને એક નવીન પ્રેરણા અર્પી હતી, જીવનનું ઉચ્ચતર લક્ષ્ય અને આનંદની શોધનાનો એક નવીન પથ પણ એમણે ચીંધ્યો છે. પારસ્પરિક આદાન પ્રદાનના રૂપે એમણે શ્રીરામકૃષ્ણ પ્રચારિત ધર્મ સમન્વયના એક નૂતન આદર્શ પણ જગતવાસીઓની સામે સ્થાપિત કર્યો છે. સ્વામીજી ભારતના સુપ્રાચીન આધ્યાત્મિક સંસ્કૃતિના મૂર્ત વિગ્રહ સ્વરૂપે પાશ્ચાત્યો સમક્ષ ઉપસ્થિત થયા હતા. સ્વામીજીના માધ્યમથી પાશ્ચાત્ય જગતને ભારતવર્ષનો એક નવા રૂપે આવિષ્કાર થયો. 

સ્વામીજીનો જે ઉજ્જવલ આવિર્ભાવ ધર્મ મહાસભામાં પ્રગટ થયો હતો તેના દ્વારા જ ભારતીય સમાજ પર પણ પ્રભાવ પડ્યો છે. ધર્મ મહાસભામાં સ્વામીજીની આ ઐતિહાસિક સફળતાએ ભારતમાં નવજાગરણની ઉદ્‌ઘોષણા લાવી મૂકી. ભારતના માનવોની આત્મસંપદાને પુન: અપાવી હતી. એમના મનની હીનભાવનાને, ઇતિશ્રીને દૂર કરી, ભારતના લોકોની ગૌરવમય ઓળખાણ, સુખ્યાતિ, અને એમના ઉત્તરાધિકારો વિશે ભારતવાસીઓને જ્ઞાત કર્યા.

જ્યારે આપણે ઈ.સ. ૧૮૯૩માં શિકાગો ધર્મસભા વિશે વિચાર કરીએ છીએ ત્યારે સ્વામીજીની આ વીરવાણી આપણા મનશ્ચક્ષુ સમક્ષ તરી આવે છે. સ્વામીજીએ પોતે જ કહ્યું હતું કે ધર્મ મહાસભા એમના માટે જ યોજાઈ છે. આ વાત અત્યંત તાત્પર્યપૂર્ણ હતી. સ્વામીજી કહેવા ઇચ્છતા હતા કે ધર્મસભા માનવજાતિ માટે, ભારત અને શ્રીરામકૃષ્ણની વાણી પ્રચારનો વિશ્વમંચ છે; સ્વામીજી એક યંત્રરૂપ જ છે. સ્વામીજી એમના ગુરુ અને ભારતાત્માની અશરીરી વાણી હતા.

રોમાંરોલાં એ લખ્યું છે: ‘શ્રીરામકૃષ્ણદેવ ભારતના કોટિ કોટિ જન સાધારણના બે હજાર સાલની આધ્યાત્મિક સાધનાની પરિપૂર્તિ હતા.’ શ્રીરામકૃષ્ણદેવે કેવળ ભારતની પ્રાચીન આધ્યાત્મિકતાની પુન: પ્રતિષ્ઠા તો કરી પણ એમાં એમનું પોતાનું નિજસત્ત્વ પણ હતું.

ધર્મ મહાસભા માનવજાતિ માટે ભારત અને શ્રીરામકૃષ્ણદેવની વૈશ્વિક વાણીના પ્રચારનો વિશ્વમંચ હતો. એટલે જ ધર્મમહાસભામાં સ્વામીજીની ઉપસ્થિતિથી એમનો ગહનગભીર વાણી પ્રવાહ દૂરસુદૂરે પ્રસરી રહ્યો. સ્વામીજીએ ઘણીવાર પોતાના ‘મિશન’ વિશે કહ્યું હતું. 

સ્વયં નારાયણ નર રૂપે પ્રગટ થયા છે – એ એમના ‘મિશન’નો પ્રધાન ઉદ્દેશ અને એમની વાણીનો મૂળ ભાવ હતો. સ્વામીજીની વાણીનો મૂળમર્મ હતો, મનુષ્યનું દૈવત્વ. એમણે કહ્યું હતું: ‘જીવ જ અવ્યક્ત ઈશ્વર છે, અંતરમાં રહેલ દિવ્યતાનું પ્રગટીકરણ પ્રત્યેક જીવનું એક માત્ર લક્ષ્ય છે.’ સ્વામીજીનું ચિંતન મનુષ્ય માટે જ સૌથી વધુ રહ્યું છે. સ્વામીજીએ કહ્યું હતું કે મનુષ્ય એના દેવત્વને જાગ્રત કરે તેવી પ્રોત્સાહક વાણી એને સંભળાવવી જોઈએ. માનવ આત્માની વિશેષ વિલક્ષણતા છે, તેનું અમૃતત્વ, સ્વાધીનતા અને આનંદ. અંતર્નિહિત દિવ્યતાના પ્રકાશનું જ્ઞાન જ ધર્મ છે. મનુષ્યના સમગ્ર જીવનનો પ્રયત્ન હશે નિમ્નતર સત્યથી ઉચ્ચતર સત્ય પર આરોહણ કરવું, નહિ કે મિથ્યામાંથી સત્ય તરફ. ભારતના પ્રાચીન ઋષિઓએ કહ્યું છે: ‘શ્રૃણવન્તુ વિશ્વે અમૃતસ્ય પુત્રા: । શતાબ્દિઓની શતાબ્દિઓ સુધી મનુષ્યો આ જ મંત્રથી અનુપ્રાણિત થતા રહ્યા છે. પણ આજે મનુષ્ય એને ભૂલી ગયો છે. ધર્મમહાસભામાં આ જ વાણીનું સ્વામીજીના મુખેથી પુનરુચ્ચારણ થયું હતું.

મનુષ્યના જીવનમાં ચાર પુરુષાર્થ છે – ધર્મ, અર્થ કામ અને મોક્ષ. આ પુરુષાર્થ મનુષ્યના જીવનમાં સમાનભાવે મહત્ત્વના છે. સ્વામીજી કહેતા: ‘જે જ્યાં છે ત્યાં જ એમની સેવા કરો.’ ભીતર રહેલી દિવ્યતાને પ્રગટ કરવી એ જ સ્વામીજી દ્વારા પ્રતિષ્ઠિત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનનું એક માત્ર લક્ષ્ય છે. 

સ્વામીજીની વાણીનો એક બીજો પ્રધાનભાવ છે માનવજાતિનું ઐક્ય, જાતિ, ધર્મ, વર્ણ અને દેશની પૃથકતા હોવા છતાં, નર અને નારી જીવનના કોઈ પણ ક્ષેત્રમાં ગમે ત્યાં વસતા હોય પણ તે બધાં મૂળત: એક જ છે. જ્યાં બીજાના દૃષ્ટિકોણમાં ભિન્નતા દેખાય છે ત્યાં સ્વામીજીના દૃષ્ટિકોણથી એ બધું એક જ દેખાય છે. જાણ્યે અજાણ્યે માનવના ઐક્યના આદર્શને જીવનમાં જીવી બતાવવા સંઘર્ષ ચાલતો રહ્યો છે. ભારત પરિભ્રમણકાળમાં સ્વામીજીએ આ જ સત્યને પ્રત્યક્ષ રૂપે પ્રગટ કર્યું હતું અને આ જ સત્યનો એમણે શિકાગો ધર્મસભાના મંચ પર ઊભા રહીને બહારના વિશ્વમાં પ્રચારપ્રસાર કર્યો હતો. અર્થાત્‌ સ્વામીજીનું ભારત પરિભ્રમણ વસ્તુત: શિકાગો ધર્મ મહાસભામાં એમનો આવિર્ભાવ અને એમની વાણી પ્રચાર પ્રસ્તુતિપર્વ હતું. આ સમસ્ત વાતોનું આજ સ્મરણ કરવું જોઈએ અને અન્ય લોકોને પણ સ્મરણ કરાવવું જોઈએ; એ લોકો માટે અત્યંત જરૂરી છે.

Total Views: 57

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.