‘ઊઠો! ઊઠો! લાંબી રાત વીતી જવા આવી છે. અરુણોદય થઈ રહ્યો છે, જુવાળના પ્રચંડવેગને હવે કોઈ પાછો ઠેલી શકે તેમ નથી. શ્રદ્ધા રાખો, હું કહું છું તે માનો કે વિધિનું શાસન થઈ ચૂક્યું છે, ઈશ્વરનો આદેશ મળી ચૂક્યો છે; ભારતવર્ષે જાગવું જ પડશે, જનસમૂહને અને ગરીબોને સુખી કરવા જ પડશે! આનંદો! આધ્યાત્મિકતાની ભરતી આવી છે. કશા પણ વિરોધને ગણકાર્યા વગર, કશી મર્યાદા સ્વીકાર્યા વિના એના આપણી ભૂમિને આપ્લાવિત કરી દેતી સર્વ કોઈને પોતાનામાં સમાવી દેતી જોઉં છું.’

સ્વામી વિવેકાનંદે ભારતના પુનરૂત્થાન માટે એક વ્યાખ્યાનમાં ભારતમાં જાગી રહેલી આધ્યાત્મિકતાની ભરતી દ્વારા જ ભારત સમગ્ર વિશ્વ પર વિજય મેળવશે એ જણાવતાં આ કહ્યું હતું. ભારત પોતાનું ઉત્થાન ભૌતિક સંપત્તિથી નહીં. પણ આધ્યાત્મિક સંપત્તિથી કરશે, ભારત પ્રાચીન કાળમાં હતું એથી પણ વધુ મહાન બનશે, અને પોતાના ગૌરવાન્વિત ભૂતકાળને ઝાંખો પાડી દેશે એટલું એ ભવ્યોજ્જવલ હશે, એનું પણ આર્ષદર્શન સ્વામી વિવેકાનંદે પોતાની યોગદર્શનથી કર્યું હતું. ભારતનું દૈવનિર્મિત કાર્ય તો મનુષ્યને પશુતામાંથી દિવ્યતામાં લઈ જવાનું છે. પશુમાનવમાંથી દેવમાનવમાં ઉત્ક્રાન્ત કરવાનું ભવ્યકાર્ય ભારતે કરવાનું છે. એ કાર્ય ત્યાગ અને સેવા દ્વારા જ થઈ શકશે તે પણ તેમણે ભારપૂર્વક જણાવ્યું છે. ભારતનું ઉત્થાન દૈહિક તાકાતથી નહીં, પણ આત્માની શક્તિથી, વિનાશના વાવટાથી નહીં પણ શાંતિ અને સ્નેહના ધ્વજથી થશે, સંપત્તિની તાકાતથી નહીં પણ ભિક્ષાપાત્રના સામર્થ્યથી થશે.’

ભારતના પુનરૂત્થાનનો પાયો પ્રેમ, ત્યાગ, નિ:સ્વાર્થતા, અને તપશ્ચર્યાથી રચાયેલો હશે, તો જ સ્વામીજીએ જે ભારતનું સ્વપ્ન જોયું હતું એ મહાન ભારત આવિર્ભાવ પામી શકશે. એવા ભવ્ય અને ઉજ્જવળ ભારતના સર્જનમાં સ્ત્રીઓનું શું પ્રદાન હોઈ શકે? એ વિષે પણ સ્વામી વિવેકાનંદની જે પરિકલ્પના હતી. તે તેમણે નિવેદિતાને (મિસ માર્ગરેટ નોબલને) તેઓ ભારત આવ્યાં તે પહેલાં ઈંગ્લેન્ડમાં લખેલા પત્રમાંથી સ્પષ્ટ થાય છે.

ભારતના પુનરૂત્થાન માટે સ્વામીજી કેવી સ્ત્રીઓ ઇચ્છતા હતા?

‘હું તમને સ્પષ્ટ પણે કરી દઉં કે ભારતના કાર્યમાં તમારૂં ભાવિ મહાન છે, એની હવે મને ખાતરી થઈ ગઈ છે. ભારતવાસીઓ માટે ખાસ કરીને ભારતની સ્ત્રીઓ માટે કાર્ય કરવા માટે જે જરૂર હતી તે પુરુષની નહીં, પણ સ્ત્રીની : સાચી સિંહણની.

ભારત હજુ મહાન સ્ત્રીઓને પેદા નહીં કરી શકે. તેણે બીજી પ્રજાઓમાંથી સ્ત્રી-કાર્યકરોને ઉછીની લેવી પડશે. તમારી કેળવણી, તમારી સચ્ચાઈ, પવિત્રતા, અથાક્‌ પ્રેમ નિશ્ચય, અને સહુથી વધુ તો તમારું સેલ્ટ જાતિનું ખમીર જે જાતિની સ્ત્રી-કાર્યકર્તાઓની જરૂર છે, તેવાં જ તમને બનાવે છે.’

આ પત્ર દ્વારા સ્વામી વિવેકાનંદ ભારતની સ્ત્રીઓને અંધકાર, અજ્ઞાન, વહેમ, અંધ:શ્રદ્ધા, રૂઢિઓ, પ્રચલિત માન્યતાઓ વગેરેમાંથી બહાર કાઢવા માટે સિંહ સમી શક્તિ અને નિર્ભયતા ધરાવનારી સુશિક્ષિત સ્ત્રી કાર્યકરો ઇચ્છતા હતા. બીજા એક પત્રમાં પણ તેમણે નિવેદિતાને આ વિષે જણાવ્યું હતું : ‘તમારામાં વહેમ નથી, એની મને ખાતરી છે. દુનિયા હલાવનારનું સામર્થ્ય તમારામાં છે. અને પછી બીજાંઓ પણ આવશે. નીકળશે વીરતાભર્યા વચનો અને એથી ય વધુ વીરતાભર્યા કાર્યોની જ આપણે જરૂર છે.’

આ પત્રો દ્વારા જ સ્વામી વિવેકાનંદને ભારતમાં નારી જાગૃતિ માટે કેવી સ્ત્રીઓની આવશ્યકતા હતી. તે સ્પષ્ટ રૂપે જોવા મળે છે. સુશિક્ષિત, બુદ્ધિમાન, દૃઢનિશ્ચયી, હિંમતવાન સ્ત્રીઓ તો ખરી જ. પણ સાથે સાથે તેમનામાં પ્રેમ, પવિત્રતા અને ત્યાગ પણ હોવા જરૂરી છે. અમેરિકાની સ્ત્રીઓ સમક્ષ આપેલાં એક પ્રવચનમાં તેમણે જણાવ્યું હતું કે ‘તમારી બુદ્ધિમત્તા અમારી સ્ત્રીઓમાં આવે એ અમને બહુ જ ગમે પણ જો એ પવિત્રતાના ભોગે આવવાની જ હોય તો નહીં. તમારા જ્ઞાનને માટે મને માન છે. પણ જે ખરાબ છે, તેને ફુલોના ઢગલાની નીચે ઢાંકીને ઉપરથી તમે સારું કહો છો, તે રીત મને પસંદ નથી. બુદ્ધિમત્તા એ સર્વોચ્ચ માંગલ્ય નથી, અમે જે વસ્તુ માટે પ્રયાસ કરીએ છીએ તે છે ચારિત્ર્ય, નીતિમત્તા અને આધ્યાત્મિકતા. અમારી સ્ત્રીઓ એટલી બધી ભણેલી નથી, પણ તે વધારે પવિત્ર છે. અને પવિત્રતા એ મોટું બળ છે.’

સ્વામી વિવેકાનંદ ભારતીય નારીઓની પવિત્રતા, નીતિમત્તા અને પશ્ચિમની નારીઓની બુદ્ધિમત્તા અને સાહસિક્તાનો સમન્વય ઇચ્છતા હતા: ‘ભારતીય નારીઓનું ઉન્નત ચારિત્ર્ય એ જ મોટામાં મોટી શક્તિ છે, એમ પણ તેઓ માનતા હતા. આ વિષે તેઓ કહે છે; આ પવિત્ર ભારત ભૂમિ ઉપર, સીતા – સાવિત્રીની આ ભૂમિ ઉપર સ્ત્રીઓની અંદર એવું ચારિત્ર્ય, એવી સેવાભાવના, સ્નેહ, દયા, સંતોષ, પૂજ્યભાવ જોવા મળે છે. એ દુનિયામાં મને બીજે ક્યાંય જોવા મળ્યાં નથી.’ ભારતીય નારીના આ અંતર્નિહિત સદ્‌ગુણોને જાળવી રાખીને તેને આધુનિક શિક્ષણ મળતાં જે તેજસ્વી નારીઓ સર્જાશે, એ ભારતનાં નવસર્જનમાં ઘણું પ્રદાન આપી શકશે. એવી સ્વામીજીની દૃઢ સંકલ્પના હતી.

આધ્યાત્મિક પુનર્‌જાગરણમાં નારીની ભૂમિકા :

ભારતે જગદ્‌ગુરુ બની વિશ્વને એકતા અને શાંતિના માર્ગે લઈ જવાનું છે. એ કાર્યનો શુભારંભ સ્વામી વિવેકાનંદે આજથી એકસોબાર વર્ષ પહેલાં અમેરિકાની ધરતી ઉપર કર્યો, એ દિશામાં હવે ભારતદેશ સતત આગળ ધપી રહ્યો છે. એ કાર્યોમાં નારીઓની ભૂમિકા ઘણી જ મહત્ત્વની રહેલી છે. નારીઓનાં એ કાર્યની શરૂઆત શ્રીમા શારદાદેવીના આગમનથી થઈ છે. આ વિષે સ્વામી વિવેકાનંદે એક પત્રમાં લખ્યું હતું; જે શક્તિ વિના જગતનો ઉદ્ધાર ન થઈ શકે, તે જ મહાશક્તિના પુનરાગમનને માટે મા અવર્તીણ થયાં છે. – અને તેમના આગમનને લઈને ફરી એકવાર આ જગતમાં ગાર્ગી અને મૈત્રેયી રૂપે સ્ત્રીરત્નો ઉત્પન્ન થશે.’

ભારતમાં આવાં સ્ત્રીરત્નો પુન: ઉત્પન્ન થાય તે માટે શ્રીમાને કેન્દ્રમાં રાખીને સ્વામી વિવેકાનંદના મનમાં બ્રહ્મચારિણીઓના શિક્ષણ માટેનો મઠ સ્થાપવાની યોજના હતી. આ જ પત્રમાં તેમણે જણાવ્યું હતુ; ‘શક્તિની કૃપા વિના કંઈ સિદ્ધ થતું નથી. અમેરિકા અને યુરોપમાં હું શું જોઉં છું, શક્તિની પૂજા, શક્તિની પૂજા. તેઓ જો કે તેમને અજ્ઞાનથી અને ભૌતિક સુખ પ્રાપ્તિ માટે જ પૂજે છે. જો પછી તેઓ તેને માતા તરીકે સ્વીકારીને શુદ્ધ ભાવે સાત્વિક બુદ્ધિથી પૂજે તો તેઓ કેટલું કલ્યાણ સાધી શકે તેની કલ્પના કરો. હું દિવસે દિવસે દરેક વસ્તુને વધારે ને વધારે સ્પષ્ટ સમજતો જાઉં છું. મારી અંત:દૃષ્ટિ વધારે ને વધારે ઉઘડતી જાય છે. પક્ષી બે પાંખો દ્વારા જ ઉડી શકે. તેથી આપણે આ માટે પ્રથમ મઠ બાંધવો જોઈએ. પ્રથમ માતા અને માતાની પુત્રીઓ. પછી પિતા અને પિતાના પુત્રો!’

સ્વામી વિવેકાનંદની ઇચ્છા હતી કે સંન્યાસીઓના મઠ પહેલાં શ્રીમાશારદાદેવીને કેન્દ્ર બિંદુ બનાવીને બહેનોનો મઠ ગંગાના પૂર્વ કિનારે સ્થપાય. પણ તે સમયે લોકોની સંકુચિતતાને પરિણામે મઠ સ્થપાઈ શક્યો નહીં. પણ શ્રીમા શારદાદેવીની જન્મશતાબ્દિ સમયે શારદા મઠ શરૂ થતાં સ્વામીજીનું આ સ્વપ્ન પૂરું થયું.

ભલે સ્વામીજીના સમયમાં સમયે બ્રહ્મચારિણીઓનો મઠ શરૂ થઈ શક્યો નહીં, પણ તેમ છતાં તેમની સંકલ્પનાનું નારીશિક્ષણ તો અવશ્ય શરૂ થઈ ગયું હતું. શ્રીમાશારદાદેવીની આસપાસ ભક્તિમતી, ત્યાગી અને સમર્પિત નારીઓની સાથે સાથે મેધાવી તેજસ્વી, આધુનિક શિક્ષણ પામેલી નારીઓનું આવાગમન એ નારી જાગૃતિનું પ્રથમ સોપાન ગણાવી શકાય. શ્રીરામકૃષ્ણદેવની ભક્ત મહિલાઓ ગૌરીમા, ગોપાલની મા, ગોલાપમા, અને અન્ય ગૃહસ્થભક્તોની સ્ત્રીઓ આધ્યાત્મિક ક્ષેત્રે ઊંચી ભૂમિકા ધરાવતી હતી. જ્યારે ભગિની નિવેદિતા, ભગિની ક્રિસ્ટાઈન, સુધારાદેવી, સરયુબાલા, ક્ષીરોદબાલા વગેરે આધુનિક શિક્ષણ પામેલી અને શ્રીમાના સાંન્નિધ્યમાં આધ્યાત્મિક શિક્ષણ લઈ રહેલી ઉચ્ચ કક્ષાની સ્ત્રીઓ હતી. આમ સ્વામી વિવેકાનંદની પરિકલ્પનાના શિક્ષણની શરૂઆત તો શ્રીમા શારદાદેવીના સાંન્નિધ્યમાં જ થઈ ગઈ હતી! એક પત્રમાં સ્વામીજીએ લખ્યું હતું કે, ‘ગૌરીમા, યોગીનમા, ગોલાપમા, ક્યાં છે? એમને પોતાના વિચારોનો પ્રચાર કરવાનું કહો. આપણે એક સંસ્થાની જરૂર છે.’

ભારતીય નારીના ઉદ્ધાર માટે સ્વામીજીની યોજના :

સ્વામીજીના મનમાં સ્ત્રીઓ માટે જે સંસ્થા સ્થાપનાની યોજના હતી, તે કોઈ સામાન્ય શિક્ષણ સંસ્થા ન હતી. પરંતુ તેમાં ભૌતિક વિદ્યાઓની સાથે સાથે આધ્યાત્મિક વિદ્યાઓનું જ્ઞાન પણ મળે, એ માટે બ્રહ્મચારિણીઓ અને સંન્યાસીઓનો એક મઠ તેમને સ્થાપવો હતો. બાલિકાઓ નાનપણથી જ આ મઠમાં આવે, રહે અને સર્વ પ્રકારનું શિક્ષણ મેળવે પછી શિક્ષણ પૂર્ણ કર્યા બાદ જો તેઓ ઇચ્છે તો ગૃહસ્થાશ્રમમાં પ્રવેશી ઉત્તમ સંતાનોની માતા બને અને જો તેઓ ઇચ્છે તો આજીવન બ્રહ્મચારિણી બની સેવા વ્રત ધારણ કરે. આવી બ્રહ્મચારિણીઓને પછી વિશિષ્ટ તાલીમ આપવામાં આવે. આવી તાલીમ પામેલી બ્રહ્મચારિણી સાધ્વીઓ ગામડાંઓ અને નાનાં નાનાં શહેરોમાં જઈને સ્ત્રીશિક્ષણનું કાર્ય કરે. આવી તપસ્વી, સેવાવ્રતધારિણી સાધ્વીઓ દ્વારા સમગ્ર દેશમાં સ્ત્રીજાગૃતિ લાવી શકાશે અને દેશની સ્ત્રીઓ જાગૃત થતાં, દેશનું નવનિર્માણ ઝડપી બનશે એમ તેઓ દૃઢપણે માનતા હતા. ભારતમાં સીતા સાવિત્રી જેવી તપ, ત્યાગ, સહનશીલતા ને સ્વાર્પણમાં અજોડ લોપમુદ્રા, અનસૂયા જેવી પવિત્ર અને ચારિત્ર્યવાન તેમ જ ગાર્ગી અને મૈત્રેયી જેવી વિદૂષી સ્ત્રીઓ ભારતવર્ષમાં ફરીથી જન્મે અને ભારતને તેના ગૌરવવંતા સ્થાને પુન: પ્રતિષ્ઠિત કરે તેવું સ્વામીજી ઇચ્છતા હતા.

દેશના ઉજ્જવળ ભાવિ માટે સારા નાગરિકો અને મહાપુરુષોના સર્જન માટે પણ દેશને સુશિક્ષિત અને ચારિત્ર્યવાન સ્ત્રીઓની જરૂર છે. એક પ્રવચનમાં તેમણે કહ્યું હતું કે, માત્ર સુશિક્ષિત અને ધાર્મિક માતાઓના ઘરમાં મહાન પુરુષો જન્મે છે. પરંતુ તમે તો નારીઓને સંતાનોત્પતિના યંત્રોની અવદશાએ પહોંચાડી દીધી છે. અફસોસ! શું તમારા શિક્ષણનું આ પરિણામ છે? નારીની ઉત્ક્રાંતિ પહેલી થવી જોઈએ. ત્યારે જ ભારતનું કોઈ પણ સાચા અર્થમાં ભલું થઈ શકશે.’

બીજા એક પ્રવચનમાં પણ ભારતની દુર્દશાના કારણોની ચર્ચા કરતા તેમણે જણાવ્યું હતું કે, ‘જે દેશ અને જે પ્રજાએ સ્ત્રીઓનું સન્માન જાળવ્યું નથી, તે દેશ અને પ્રજા કદી મહાન થયાં નથી અને થઈ શક્વાનાં નથી. હિંદુ જાતિના અધ:પતનનું કારણ મહાશક્તિની આ જીવંત પ્રતિમાઓ પ્રત્યે માનની લાગણી નથી એ છે. સ્ત્રીઓને સન્માનનીય બનાવવા માટે તેમને શિક્ષણ આપવાની તીવ્ર આવશ્યકતા છે. એમ જણાતાં તેમણે બહેનોના શિક્ષણ માટેની એક બાલિકા વિદ્યાલયની સ્થાપના ભગિની નિવેદિતા દ્વારા કરાવી.

કન્યા વિદ્યાલય દ્વારા બાલિકાઓનું શિક્ષણ :

‘અમારા દેશની સ્ત્રીઓ માટે મારાં મનમાં યોજના છે, મારો વિચાર છે કે આ કાર્યમાં તમે મને મોટી સહાય કરશો.’ ભગિની નિવેદિતાને સ્વામી વિવેકાનંદે તેઓ ઈંગ્લેન્ડમાં હતા, ત્યારે આ કહ્યું હતું. સ્વામીજીની આ યોજના જ નિવેદિતાને ભારત ખેંચી લાવી હતી. ઈંગ્લેન્ડના ભૌતિક વાતાવરણમાં શિક્ષણ પામેલાં તીવ્ર બુદ્ધિમત્તા ધરાવતાં મિસ માર્ગરેટ નોબલને સ્વામી વિવેકાનંદે હિંદુ સંસ્કૃતિના અંત:સત્ત્વને પચાવનારા, ભારતમાતાના પનોતા પુત્રી નિવેદિતા બનાવીને, તેમના હાથમાં કલકત્તાની બાળાઓના શિક્ષણની ધુરા સોંપી. તા.૧૪મી નવેમ્બર ૧૮૯૮, સોમવાર કાલીપૂજાના દિવસે શ્રીમા શારદાદેવીના વરદ હસ્તે શાળાનો ઉદ્‌ઘાટન વિધિ સંપન્ન થયો. શ્રીમાએ શાળાને આશીર્વાદ આપતાં કહ્યું; ‘આ શાળા પર મા કાલીના આશીર્વાદ ઊતરો અને બાલિકાઓને આદર્શ બાલિકા તરીકેની તાલીમ આપો.’ શ્રીમાના આ શુભાશીર્વાદથી જાણે સમગ્ર ભારતવર્ષમાં બાલિકાઓના શિક્ષણનો પુન: શુભારંભ થયો ગણાવી શકાય. નિવેદિતાને આ આશીર્વાદે ખૂબ બળ આપ્યું અને તેમનો ઉત્સાહ વધાર્યો. એક પત્રમાં તેમણે આ આશીર્વાદ વિષે જણાવ્યું હતું કે, ‘શ્રીમાના આશીર્વાદને હું એક શુભચિહ્‌ન તરીકે જોઉં છું. હું કલ્પના જ કરી શકતી નથી કે તેમના આશીર્વાદ કરતાં બીજું કોઈ મહાન શુકન હોઈ શકે.’ શ્રીમા શારદાદેવીના શુભાશીર્વાદથી આ બાલિકા વિદ્યાલય આજે તો ત્રણ માળના વિશાળ ભવનમાં નિવેદિતા વિદ્યાલય તરીકે અસંખ્ય બાલિકાઓને આદર્શ બાલિકાઓ બનાવવાનું ઉત્તમ શિક્ષણ એક સૈકાથી આપી રહી છે. બંગાળમાં નારી જાગરણના ક્ષેત્રે આ વિદ્યાલયનો ફાળો ઘણો જ મહત્ત્વનો છે.

સ્ત્રીઓ માટેના રચનાત્મક શિક્ષણની સ્વામીજીની વિભાવના :

સ્વામી વિવેકાનંદે સમગ્ર ભારતમાં પરિવ્રાજક રૂપે પરિભ્રમણ કર્યું હતું, ત્યારે તેમણે ભારતીય સ્ત્રીઓની દુર્દશા નજરે નિહાળી હતી. સ્ત્રીઓની આ દયનીય સ્થિતિ ઉપર સ્વામીજીએ ઊંડું ચિંતન કર્યું હતું અને તેથી ભારતીય સ્ત્રીની શક્તિઓ, લાક્ષણિકતાઓ અને નબળાઈનું સ્પષ્ટ દર્શન તેમની પાસે હતું. સ્ત્રીઓની પછાતતા અને અજ્ઞાનતાને લઈ જ ભારત પછાત રહ્યું છે. તેમ તેમને સ્પષ્ટપણે જણાયું હતું. સ્ત્રીઓની જાગૃતિ, આત્મનિર્ભરતા માત્ર શિક્ષણ દ્વારા જ લાવી શકાશે, અને તે શિક્ષણ ફક્ત પુસ્તકીયું નહીં, પણ રચનાત્મક શિક્ષણ હોવું જોઈએ, એ વિષેનું પણ તેમને સ્પષ્ટ દર્શન હતું.

શિક્ષણ વિષે તેઓ કહે છે કે ‘આપણે એ શિક્ષણની આવશ્યકતા છે કે જેનાથી ચારિત્ર્યનું ઘડતર થાય, મનનું બળ વધે બુદ્ધિનો વિકાસ થાાય અને મનુષ્ય પોતાના પગ ઉપર ઊભો રહી શકે.’ આવા પ્રકારના શિક્ષણથી જ સ્ત્રીઓ પોતાના પ્રશ્નોનો ઉકેલ લાવી શકશે. સ્ત્રી શિક્ષણ માટે સ્વામીજીએ ધર્મ, કળા, વિજ્ઞાન, ગૃહવિજ્ઞાન, રસોઈ, સીવણ, આરોગ્ય આ વિષયો પર ભાર મૂક્તાં તેમણે જણાવ્યું કે સ્ત્રીઓનું શિક્ષણ જીવનની સર્વ બાબતોમાં તેમને સૂઝ આપે તેવું હોવું જોઈએ. આ ઉપરાંત સ્ત્રીઓમાં શૌર્ય અને વીરતાના ગુણો જાગે અને તેઓ આત્મરક્ષણ કરી શકે, તે માટેની પણ તેમને તાલીમ આપવી જોઈએ. તેમણે એમ પણ જણાવ્યું હતું કે સ્ત્રી શિક્ષણ આપનારા શિક્ષકો પણ પવિત્ર, નિર્મળ અને સાત્ત્વિક હોવા જોઈએ. ગમે તે વ્યક્તિ સ્ત્રી શિક્ષણનું કાર્ય કરી શકે નહીં.

સ્ત્રીઓને આવું સાચું શિક્ષણ આપવામાં આવે તો પછી સ્ત્રીઓની સમજ ખીલે છે પછી તેઓ પોતે પોતાની સમસ્યાઓ વિષે જાણી શકે, તેના ઉપર ચિંતન કરીને તેઓ પોતે જ પોતાની સમસ્યાઓનો ઉકેલ લાવી શકશે. આ સંદર્ભમાં પણ તેમણે કહ્યું હતું; ‘સ્ત્રીઓના પ્રશ્નોમાં હસ્તક્ષેપ કરવાનો આપણો અધિકાર કેવળ શિક્ષણ આપવા પૂરતો જ છે. સ્ત્રીઓને એવી સ્થિતિમાં મૂકવી જોઈએ કે તેઓ પોતાની સમસ્યાઓનો પોતાની મેળે જ ઉકેલ લાવી શકે, એમના માટે બીજું કોઈ તેમ કરી શકે નહીં, તેમ કરવું જોઈએ પણ નહીં. ભારતીય સ્ત્રીઓ દુનિયાની બીજી સ્ત્રીઓ જેટલી પોતાના પ્રશ્નોના ઉકેલ લાવવાને સમર્થ છે.’

સ્વામીજીએ ભારતીય નારીના ઉત્થાન માટે જે જે યોજનાઓ ઘડી હતી, એ માટે પોતાના હૃદયના ઊંડાણમાં જે જે વિચારો સેવ્યા હતા, એ સઘળું એક સૈકા દરમિયાન ચરિતાર્થ થતું સ્પષ્ટપણે જોઈ શકાય છે. ભારતીય નારી અંગેના શિક્ષણે આજે નારીવિકાસ માટેની સર્વદિશાઓ ખુલ્લી કરી દીધી છે. આજે દરેક ક્ષેત્રમાં ભારતીય નારી આગળ વધી રહી છે. દોઢ દાયકાથી પણ વધારે સમય સમગ્ર ભારતને નેતૃત્વ પૂરું પાડનાર ઈંદિરા ગાંધી, તિહાર જેલને મંદિર જેવું બનાવનાર કિરણ બેદી, હિમાલયનું સર્વોચ્ચ એવરેસ્ટ શિખર સર કરનાર બચેન્દ્રી પાલ, અમેરિકામાં વિજ્ઞાન ક્ષેત્રે ભારતનું નામ રોશન કરનાર ડો. આરતી પ્રભાકર, અવકાશ ક્ષેત્રે ભારતને યશ અપાવનાર કલ્પના ચાવલા, પ્રથમ પાઈલોટ સૌદામિની દેશમુખ, આમ અનેક ક્ષેત્રે સ્ત્રી પ્રતિભાઓ ઝળહળી રહી છે. આ ભારતીય નારીઓએ એ સાબિત કરી આપ્યું છે કે ભારતીય સ્ત્રીઓને જો યોગ્ય શિક્ષણ અને માર્ગદર્શન આપવામાં આવે તો ભારતીય સ્ત્રીઓ કોઈપણ ક્ષેત્રમાં પાછી પડે તેમ નથી. આધુનિક સમયમાં ભારતીય નારી વિકાસની ક્ષિતિજે ઝળહળી રહી છે. પણ તેમ છતાં તેણે જે મહત્ત્વની ભૂમિકા ભારતના પુનરૂત્થાનમાં ભજવવાની છે, તે આધ્યાત્મિક જાગરણની છે. સ્ત્રીઓના આંતરગુણો જ્ઞાન, ભક્તિ, સહનશીલતા, સેવા સમર્પણ ને ત્યાગ જ મનુષ્યને સાચો મનુષ્ય બનાવશે. સ્વામીજીએ કહ્યું હતું : ક્રિયાશક્તિ કરતાં સહનશક્તિ અનેકગણી બળવાન છે, ધિક્કારની શક્તિ કરતાં પ્રેમનો પ્રભાવ વધુ સામર્થ્યવાન છે.’ ભારતીય નારીમાં જ એ પ્રેમનો પ્રભાવ અને સહનશક્તિ રહેલાં છે. જે સમગ્ર જગતનું પરિવર્તન કરવાની શક્તિ ધરાવે છે. આ શક્તિ જ ભારતને આવનાર યુગમાં જગદ્‌ગુરુ બનાવશે.

Total Views: 73

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.