રાષ્ટ્ર કવિ ‘દિનકરે’ પોતાના ‘સંસ્કૃતિ કે ચાર અધ્યાય’માં ભારતીય પરંપરા તથા ઇતિહાસની એક અત્યંત સુલલિત ઝાંખી પ્રસ્તુત કરી છે. એમનો ‘સ્વામી વિવેકાનંદ ઔર ઉનકા અવદાન’નામના હિંદી ગ્રંથમાં પ્રસિદ્ધ થયેલ લેખમાંથી મહત્ત્વના અંશોનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

જ્યારે સ્વામી વિવેકાનંદનો આવિર્ભાવ થયો ત્યારે એમણે વિવિધ પ્રકારના ઉદ્દેશ્ય પોતાની નજર સમક્ષ જોયા. સૌથી મહાન કાર્ય હતું – ધર્મની પુન: સ્થાપનાનું. બુદ્ધિવાદી મનુષ્યોની ધર્મ પરથી શ્રદ્ધા કેવળ ભારતમાં જ નહિ પરંતુ તત્કાલીન બધા દેશોમાં હચમચી ઊઠી હતી. એટલે જ આ વાતની આવશ્યકતા ઊભી થઈ કે ધર્મની એવી વ્યાખ્યા પ્રસ્તુત કરવામાં આવે કે જે અભિનવ માનવને પણ ગ્રાહ્ય હોય અને મનુષ્યના ઇહલૌકિક વિજયના માર્ગમાં પણ અડચણરૂપ ન બને. બીજું કામ ઓછામાં ઓછું હિંદુધર્મ પર હિંદુઓની શ્રદ્ધાને ટકાવી રાખવાનું હતું. પરંતુ હિંદુ યુરોપના પ્રભાવમાં આવી ચૂક્યા હતા અને પોતાના ધર્મ અને ઇતિહાસ પર પણ જ્યાં સુધી યુરોપના લોકો એની પ્રશંસા ન કરે ત્યાં સુધી તેના પર શ્રદ્ધા કે વિશ્વાસ રાખવા તૈયાર ન હતા. અને ત્રીજું કામ હતું ભારતવાસીઓમાં આત્મગૌરવની ભાવનાને પ્રેરિત કરવાનું હતું. એમને પોતાનાં સંસ્કૃતિ, ઇતિહાસ અને આધ્યાત્મિક પરંપરાઓના યોગ્ય વારસ બનાવવાના હતા.

સ્વામી વિવેકાનંદનું દેહાવસાન ૩૯ વર્ષની ઉંમરે થયું. પરંતુ આ નાના સમયકાળમાં જ એમણે ઉપર્યુક્ત ત્રણેય કાર્ય પૂર્ણ કર્યા. રામમોહનરાયના સમયથી ભારતીય સંસ્કૃતિ અને સમાજમાં જે આંદોલન ચાલતાં હતાં તે બધાં વિવેકાનંદમાં આવીને પોતાની ચરમસીમાએ પહોંચ્યાં. રામમોહન, કેશવસેન, દયાનંદ, રાનડે, એની બેસન્ટ, શ્રીરામકૃષ્ણ તેમજ અન્ય ચિંતકો તથા સુધારકોએ ભારતમાં જે ભૂમિ તૈયાર કરી તેમાંથી સ્વામી વિવેકાનંદ એક અશ્વત્થ બનીને ઉપર આવ્યા. અભિનવ ભારતને જે કંઈ કહેવાનું હતું તે બધું સ્વામી વિવેકાનંદના મુખેથી વાચા બનીને વહ્યું. સ્વામી વિવેકાનંદ એ સેતુ છે જેના પર પ્રાચીન અને નવીન ભારત પરસ્પર આલિંગન કરે છે. વિવેકાનંદ એ સમુદ્ર છે જેમાં ધર્મ અને રાજનીતિ, રાષ્ટ્રિયતા અને આંતરરાષ્ટ્રિયતા, તેમજ ઉપનિષદ અને વિજ્ઞાન એ બધું એમાં સમાઈ ગયું છે. રવીન્દ્રનાથે કહ્યું છે: ‘જો કોઈ ભારતને સમજવા ઇચ્છતું હોય તો તેણે વિવેકાનંદને વાંચવા જોઈએ.’ અરવિંદનું કથન છે: ‘પશ્ચિમીજગતમાં વિવેકાનંદને જે સફળતા મળી તે જ એ વાતનું પ્રમાણ છે કે ભારત કેવળ મૃત્યુથી બચવા માટે જાગ્યું નથી પરંતુ તે વિશ્વવિજય કરીને જ ઝંપશે.’ નેતાજી સુભાષચંદ્ર બોઝે લખ્યું છે : ‘સ્વામી વિવેકાનંદનો ધર્મ રાષ્ટ્રિયતાને ઉત્તેજન આપનારો ધર્મ હતો. નવી પેઢીના લોકોમાં એમણે ભારત પ્રત્યે ભક્તિ જગાડી, તેના અતીત પ્રત્યે ગૌરવ અને તેના ભવિષ્ય પ્રત્યે આસ્થા ઉત્પન્ન કરી. એમના ઉદ્‌ગારોથી લોકોમાં આત્મનિર્ભરતા અને સ્વાભિમાનનો ભાવ જાગે છે. સ્વામીજીએ સુસ્પષ્ટરૂપે રાજનીતિનો એક પણ સંદેશ નથી આપ્યો, પરંતુ જે કોઈ એમના સાહિત્યના સંપર્કમાં આવ્યું તેનામાં દેશભક્તિ અને રાજનૈતિક માનસિકતા આપમેળે ઉદ્‌ભવી હતી.’

આ બધી પ્રશંસાઓ સાચી છે. એમાં ક્યાંય પણ અત્યુક્તિ નથી. સ્વામીજી ધર્મ અને સંસ્કૃતિના નેતા હતા. રાજનીતિ સાથે એમને કોઈ સંબંધ ન હતો. પરંતુ રાજનીતિ તો પોતે સંસ્કૃતિની દાસી છે, એનું એક લઘુ અંગ જ છે. સ્વામીજીએ પોતાની વાણી અને કર્તૃત્વથી ભારતવાસીઓમાં આપણે અત્યંત પ્રાચીન સભ્યતા-સંસ્કૃતિના વારસદારો છીએ એવું અભિમાન જગાડ્યું. આપણા ધાર્મિક ગ્રંથ વિશ્વમાં સૌથી ઉન્નત છે અને આપણો ઇતિહાસ સૌથી મહાન છે; આપણું સંસ્કૃત વિશ્વની સૌથી વધુ પ્રાચીન ભાષા છે અને આપણું સાહિત્ય સૌથી ઉન્નત સાહિત્ય છે; એટલું જ નહિ ખરેખર આપણો ધર્મ પણ એવો છે કે જે વિજ્ઞાનની કસોટીમાં પણ સાચો પુરવાર થાય છે અને એ ધર્મ વિશ્વના બધા ધર્મોનો સાર હોવા છતાં પણ એ બધા ધર્મોથી કંઈક અદકેરો છે. સ્વામીજીની વાણીથી હિંદુઓમાં એ વિશ્વાસ ઉત્પન્ન થયો કે એમણે કોઈની સામે પણ પોતાનું મસ્તક નમાવવાની કે શરમ અનુભવવાની આવશ્યકતા નથી. ભારતમાં સાંસ્કૃતિક રાષ્ટ્રિયતા પહેલાં ઉત્પન્ન થઈ, રાજનૈતિક રાષ્ટ્રિયતા તો પાછળથી જન્મી છે અને આ સાંસ્કૃતિક રાષ્ટ્રિયતાના પિતા સ્વામી વિવેકાનંદ હતા.

શિકાગો સંમેલન

૧૮૯૩માં શિકાગો (અમેરિકા)માં સમગ્ર વિશ્વના ધર્મોનું એક મહાસંમેલન ભરાયું હતું. સ્વામી વિવેકાનંદના હૃદયમાં પણ આવો ભાવ ઉત્પન્ન થયો કે તેઓ એ સંમેલનમાં અવશ્ય જશે. પ્રચંડ અડચણો કે બાધાઓ હોવા છતાં પણ સંમેલનમાં એમણે ભાગ લીધો. સ્વામીજી એ સંમેલનમાં જઈ શક્યા એ હિંદુત્વ અને ભારતવર્ષ માટે સારું થયું, કારણ કે આ સંમેલનમાં હિંદુત્વના પક્ષમાં જે ઉચ્ચ પ્રચાર થયો એવો પ્રચાર પહેલાં ક્યારેય થયો ન હતો અને ત્યાર પછી આ જ સુધીમાં આવો પ્રચાર થયો નથી… 

સ્વામીજીની વિદેશયાત્રા પાછળ કેટલાય ઉદ્દેશ્ય હતા. એક તો સમુદ્ર યાત્રા પાપ છે તથા વિદેશીઓના હાથે અન્ન અને જળ ગ્રહણ કરવાથી જાતિ ચાલી જાય છે એવા આપણા ભારતવાસીઓના અંધવિશ્વાસને તેઓ દૂર કરવા માગતા હતા. બીજું તેઓ ભારતના અંગ્રેજી કેળવણી મેળવેલા લોકો કે ભારતવાસીઓ પોતાનો આદર પોતે ભલે ન કરે પરંતુ, એવા લોકોના સાંસ્કૃતિક ગુરુ પશ્ચિમવાસીઓ ભારતથી પ્રભાવિત થઈ શકે છે એ પણ બતાવવા માગતા હતા. એમને અટલ શ્રદ્ધા હતી કે ભારતના આધ્યાત્મિક વિચારો અને આદર્શોનો પ્રચાર જો પશ્ચિમનાં ઉન્નત રાષ્ટ્રોમાં થાય તો એનાથી ત્યાંના લોકો અવશ્ય પ્રભાવિત થશે તેમજ પૃથ્વી પર એક નવી કલ્પના, એક નવા જીવનનો પ્રારંભ થશે. સ્વામી રામકૃષ્ણે (શ્રી રામકૃષ્ણદેવ) સાધનાપૂર્વક એ જાણી લીધું હતું કે વિશ્વના બધા ધર્મ એક જ ધર્મનાં ભિન્ન ભિન્ન અંગ છે, તેમજ સંપૂર્ણ વિશ્વમાં એક પ્રકારની ધાર્મિક એકતાનો ભાવ જાગવો જ જોઈએ. એમાં કોઈ નવાઈની વાત નથી કે સ્વામીજી આ ઉદ્દેશ્યની સિદ્ધિ માટે શિકાગોના ધર્મ સંમેલનમાં જવા માટે આતુર બન્યા હોય.

શિકાગો વિશ્વધર્મ પરિષદમાં સ્વામીજીએ જે જ્ઞાન, જે ઉદારતા, જે વિવેક અને જે વાગ્મિતાનો પરિચય આપ્યો હતો તેનાથી ત્યાંના બધા લોકો મંત્રમુગ્ધ બની ગયા અને પહેલા દિવસથી જ એના ભક્ત બની ગયા. પહેલે દિવસે તો સ્વામીજીને સૌથી છેલ્લે બોલવાનો અવસર એટલા માટે આપવામાં આવ્યો હતો કે એમના કોઈ સમર્થક ન હતા, એમને કોઈ ઓળખતું-જાણતું ન હતું. પરંતુ ત્યાર પછી એ પરિષદમાં જે એમનાં દસ-બાર વ્યાખ્યાન થયાં, એ વ્યાખ્યાન પણ એમણે સભાને અંતે જ આપ્યાં હતાં; કારણ કે બધા લોકો એમનું જ ભાષણ સાંભળવા અંત સુધી બેઠા રહેતા. એમનાં ભાષણો પર ટિપ્પણી કરતાં ‘ધ ન્યૂયોર્ક હેરલ્ડે’ લખ્યું કે ‘ધર્મની પાર્લમેન્ટમાં સૌથી મહાન વ્યક્તિ વિવેકાનંદ છે. એમનું ભાષણ સાંભળી લીધા પછી અનાયાસ જ આવો પ્રશ્ન સામે આવીને ઊભો રહે છે કે આવા જ્ઞાની દેશને સુધારવા માટે ધર્મ-પ્રચારકો મોકલવા એ કેટલી મુર્ખામીભરી વાત છે.’

શિકાગો ધર્મ પરિષદથી ઉત્સાહિત થઈને સ્વામીજી અમેરિકા અને ઈંગ્લેન્ડમાં ત્રણ વર્ષ સુધી રહ્યા અને એ સમયગાળા દરમિયાન પોતાનાં ભાષણો, વાર્તાલાપો, લેખો, કાવ્યો, ચર્ચા અને વક્તવ્યો દ્વારા એમણે હિંદુધર્મનો સાર સમગ્ર અમેરિકા અને યુરોપમાં ફેલાવી દીધો. લગભગ ૧૫૦ વર્ષથી ખ્રિસ્તીધર્મના ધર્મપ્રચારકો વિશ્વભરમાં હિંદુત્વની જે નિંદા ફેલાવી રહ્યા હતા એના પર એકલા સ્વામીજીના આ કાર્યે રોકી દીધી અને જ્યારે ભારતવાસીઓએ આ સાંભળ્યું કે સમગ્ર પશ્ચિમનું જગત સ્વામીજીના મુખેથી હિંદુત્વનું વ્યાખ્યાન સાંભળીને ગદ્‌ગદ્‌ થઈ રહ્યું છે, ત્યારે હિંદુઓ પણ પોતાના ધર્મ અને સંસ્કૃતિના ગૌરવનો અનુભવ કંઈક તીવ્રતાથી કરવા લાગ્યા. અંગ્રેજી વાંચીને ચઢી ગયેલા હિંદુબુદ્ધિવાદીઓને સમજાવવાનું કાર્ય ઘણું કઠિન હતું. પરંતુ જ્યારે એમણે જોયું કે યુરોપ અને અમેરિકાનાં નરનારીઓ સ્વામીજીના શિષ્ય બનીને હિંદુત્વની સેવામાં જોડાઈ રહ્યાં છે, ત્યારે એમની ભીતર એક ગ્લાનિની ભાવના જાગી અને પોતાના નિરર્થક બકવાસને છોડીને તેઓ પણ સ્થિર થઈ ગયા. આ રીતે હિંદુત્વને છિન્નભિન્ન કરવા અંગ્રેજી ભાષા, ખ્રિસ્તીધર્મ અને યુરોપના બુદ્ધિવાદના ઉદરમાંથી જે મહાતોફાન ઉપડી નીકળ્યું હતું તે સ્વામી વિવેકાનંદના હિમાલય જેવા વિશાળ વક્ષ સાથે અથડાઈને પાછું ચાલ્યું ગયું. હિંદુ જાતિનાં ફરજ અને ધર્મ છે કે જ્યાં સુધી તે જીવિત રહે ત્યાં સુધી જે શ્રદ્ધા સાથે આ પ્રજા વ્યાસ અને વાલ્મીકિને યાદ કરે છે એ જ શ્રદ્ધા સાથે વિવેકાનંદને પણ યાદ કરતી રહે.

યુરોપ અને અમેરિકાને નિવૃત્તિનો ઉપદેશ

સ્વામીજીની વ્યાવહારિકતા પણ એ હતી કે યુરોપ અને અમેરિકાને તેમણે ત્યાગ અને સંયમનું મહત્ત્વ સમજાવ્યું, પરંતુ ભારતવાસીઓનું ધ્યાન એમણે ભારતીય સમાજની આર્થિક દુદર્શા તરફ દોર્યું. તેમજ ધર્મને તેમની સામે એવો બનાવીને મૂક્યો કે જેનાથી મનુષ્યની આધિભૌતિક ઉન્નતિમાં કોઈ અડચણ ન આવે. અમેરિકાની ઉચ્છલ જીવનશક્તિ, ત્યાંની સ્વચ્છતા, ત્યાંનું સંગઠન, ત્યાંની સૌંદર્યભાવના અને ત્યાંનો વૈજ્ઞાનિક સાધનોનો ઉપયોગ આ બધી વાતો સ્વામીજીને ઘણી પસંદ પડી હતી. આમ છતાંયે યુરોપની સભ્યતાના જે દોષ છે એ પણ એમની આંખોથી અદૃશ્ય ન રહ્યા. બોસ્ટનમાં આપેલા પોતાના એક ભાષણમાં સ્વામીજીએ આ દોષોનો એવો તો ઘટસ્ફોટ કર્યો કે ત્યાંની પ્રજા એનાથી ગુસ્સે થઈ. છતાં પણ સ્વામીજીએ અમેરિકા અને યુરોપના લોકોને એમની સભ્યતાના દોષ બતાવવાનું બંધ ન કર્યું. યુરોપ અને અમેરિકામાં જે જાતીય અહંકાર છે, સ્વાર્થ, સાધના અને વિલાસિતા માટે જે પરસ્પર સ્પર્ધા છે, ધર્મ અને સંસ્કૃતિ વિશે જે ભયાનક અસહિષ્ણુતા છે, ગરીબોના આર્થિક શોષણનો વિકરાળભાવ તથા રાજનૈતિક ચાલબાજીઓ અને હિંસાનો જે ઉદ્વેગ છે, તેમને સ્વામીજી યુરોપની સભ્યતાનાં પાપ કહેતા અને પશ્ચિમના દેશોના શ્રોતાઓ સમક્ષ ખુલ્લેઆમ એ બધાનો ઉલ્લેખ પણ કરતા. વ્યક્તિ અને સમાજ, બંનેની રક્ષા અને શાંતિ માટે સ્વામીજી ધર્મને આવશ્યક ગણતા હતા એટલે જ યુરોપને ધર્મવિમુખ થતો જોઈને એમને ચિંતા થઈ. એમનું માનવું હતું કે ધર્મહીન સભ્યતા નરી પશુતાનું ઊજળું રૂપ છે. તથા જેવી રીતે અતીતના અનેક સામ્રાજ્યો નાશ પામ્યાં છે તેવી રીતે એનો વિનાશ પણ અવશ્યંભાવિ છે. એમણે કેટલીયેવાર ચેતવણી આપી હતી કે આધ્યાત્મિકતાનો અનાદર કરીને યુરોપ એવા જ્વાળામુખીના મુખ પર બેઠો છે કે જ્યાં કોઈ પણ ક્ષણે મહાવિસ્ફોટ થઈ શકે છે.

રૂઢિઓ આડંબરો અને બાહ્યાચારોમાંથી બહાર નીકળીને સ્વામીજીએ ધર્મની વિલક્ષણ વ્યાખ્યા આપી છે: ‘ધર્મ એટલે ભીતર રહેલ દિવ્યતાનું પ્રગટીકરણ… ધર્મ ન તો પુસ્તકોમાં છે કે ન ધાર્મિક સિદ્ધાંતોમાં. તે કેવળ અનુભૂતિમાં વસે છે… ધર્મ અંધવિશ્વાસ નથી, ધર્મ અલૌકિકતામાં નથી, તે તો જીવનનું અત્યંત સ્વાભાવિક તત્ત્વ છે.’ મનુષ્યમાં પૂર્ણતાની ઇચ્છા છે, ઉન્નત જીવનની કામના છે, જ્ઞાન અને આનંદ પ્રાપ્ત કરવાની ચાહના છે. પૂર્ણતા, જ્ઞાન અને આનંદ એ નીચલા સ્તર પર નથી. એમની શોધના જીવનના ઉચ્ચ સ્તર પર કરવી જોઈએ. જ્યાં આવું ઉચ્ચ સ્તર આવે છે ત્યાં જ ધર્મનો આરંભ આવી જાય છે. ‘જીવનસ્તર જ્યાં હીન છે, ઈંદ્રિયોનો આનંદ ત્યાં અત્યંત પ્રભાવક બને છે. ખાવામાં જે ઉત્સાહ શિયાળ કે કૂતરાં બતાવે છે તે ઉત્સાહ મનુષ્યના ભોજન સમયે દેખાતો નથી. કૂતરાં અને શિયાળનો બધો આનંદ એમની ઈંદ્રિયોમાં કેન્દ્રિત હોય છે. એવી રીતે બધા દેશોના નીચલા સ્તરના મનુષ્ય ઈંદ્રિયોના આનંદમાં અત્યંત ઉત્સાહ બતાવે છે. પરંતુ જો સાચા અર્થમાં કોઈ વ્યક્તિ શિક્ષિત અને સુસંસ્કૃત છે તો એના આનંદનો આધાર વિચાર અને કલા બને છે, દર્શન અને વિજ્ઞાન બને છે. પરંતુ આધ્યાત્મિકતા તો એના કરતાંયે કેટલાય ઉચ્ચસ્તરની ચીજ છે. એટલે આ સ્તરનો આનંદ પણ અત્યંત સૂક્ષ્મ અને પ્રચૂર હોય છે.’ યુરોપ અને અમેરિકાના નિવાસીઓ પર સ્વામીજીએ એ પ્રભાવ પાડવાનું ઇચ્છ્યું કે વ્યક્તિ અથવા સમૂહના જીવનની સફળતા તેની આધિભૌતિક સમૃદ્ધિ કે ભૌતિક ઉપલબ્ધિઓ પર નિર્ભર નથી, પરંતુ તે આધ્યાત્મિક ઉન્નતિ પર નિર્ભર છે. એટલે મનુષ્ય માટે પહેલાં તે પવિત્રતા, ભક્તિ, વિનયશીલતા, સચ્ચાઈ, નિ:સ્વાર્થતા અને પ્રેમનો વિકાસ કરે અને ત્યાર પછી બીજા ગુણોનો.

ભારતને પ્રવૃત્તિનો ઉપદેશ

યુરોપ અને અમેરિકામાં ભોગ પ્રચૂર માત્રામાં પ્રાપ્ય હતો. એટલે સ્વામીજીએ ત્યાંના નિવાસીઓને સંયમ અને ત્યાગનો ઉપદેશ તેમજ શિક્ષણ આપ્યાં. પરંતુ ભારતમાં દરિદ્રતાનું સામ્રાજ્ય હતું, નિર્ધનતાનો નગ્નવાસ હતો તેમજ અહીંના લોકો ધનના અભાવને લીધે જીવનના ઉચ્ચગુણોથી વિમુખ બની ગયા હતા. એટલે ભારતવાસીઓને એમણે જે ઉપદેશ આપ્યો તે કેવળ ધર્મ માટે ન હતો પણ વાસ્તવિક રીતે એમણે અહીંના લોકોમાં એક અસંતોષ જગાડવા ઇચ્છ્યું અને એમને કર્મની ભાવનાથી આંદોલિત કરવાનો પ્રયત્ન કર્યો. શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં પણ સ્વામીજીએ ખ્રિસ્તીઓ સમક્ષ નિર્ભીક ગર્જના કરતાં કહ્યું હતું: ‘તમે ખ્રિસ્તી લોકો મૂર્તિપૂજકોના આત્માના બચાવ માટે ભારતમાં ધર્મ પ્રચારકોને મોકલવા અત્યંત આતુર દેખાઓ છો, પરંતુ આ મૂર્તિપૂજકોનાં શરીરને ભૂખની જ્વાળાથી બચાવવા માટે તમે શું કરો છો? ભયાનક દુષ્કાળોના સમયે લાખો ભારતવાસીઓ ભૂખથી મરતાં હતાં પરંતુ તમારા ખ્રિસ્તીઓથી એના માટે કંઈ ન થયું. ભારતની ભૂમિ પર તમે ગિરિજાઘરો બાંધતાં રહો છો, પરંતુ તમને એ ખ્યાલ નથી કે પૂર્વના જગતની આકુળ આવશ્યકતા રોટી છે, ધર્મ નહિ. ધર્મ એશિયાવાસીઓ પાસે આજે પણ ઘણો છે. તેઓ બીજા પાસેથી ધર્મના પાઠ શીખવા નથી ઇચ્છતા. જે જાતિ કે પ્રજા ભૂખથી તડપતી રહી છે, એની સામે ધર્મને પીરસવો એ એનું અપમાન છે. જે પ્રજા રોટીના ટૂકડા માટે તલસતી રહી છે એના હાથમાં દર્શન કે ધર્મગ્રંથ મૂકવો એ એની ઠેકડી ઉડાવવા જેવું છે.’ કહેવાય છે કે એકવાર કોઈ નવયુવાન સ્વામીજીની પાસે ગયો અને એમને કહ્યું: ‘સ્વામીજી! મને ગીતા સમજાવો.’ સ્વામીજીએ સાચા દિલથી કહ્યું: ‘ગીતા સમજવાનું વાસ્તવિક સ્થાન ફૂટબોલનું મેદાન છે. જાઓ એકાદ કલાક રમી લો, કૂદી લો, ગીતાને તમે આપમેળે જ સમજી જશો.’

સ્વામીજી સમગ્ર વિશ્વમાં ફરીને જોઈ ચૂક્યા હતા કે નવી માનવતા કેટલી ઉચ્છલ-ચેતનવંતી અને બળવતી હોય છે. એની તુલનામાં ભારતના લોકો એમને ઠીંગુજી અને માંદલા લાગતા હતા. ભારતમાં એમના મોટા ભાગના ઉપદેશ શારીરિક ઉન્નતિ, સાહસ, સેવા અને કર્મની મહત્તા સિદ્ધ કરવા વિશેના રહ્યા છે. ભારતવર્ષને તેઓ ક્ષીણ અને દુર્બળ દેહવાળા સંન્યાસીઓનો દેશ બનાવવા ઇચ્છતા ન હતા. એમનો ઉદ્દેશ્ય આવો પણ ન હતો કે અહીંના લોકો અનિવાર્યપણે શાકાહારી બનીને ધર્મની સાધના કરતાં કરતાં નિર્ધનતા અને ગુલામીના દંશ સહેતાં સહેતાં મૂગા રહે. પોતાના એક શિષ્ય દ્વારા શું માંસ-માછલી ખાવી જોઈએ કે નહિ, એવો પ્રશ્ન પૂછાતાં સ્વામીજીએ કહ્યું: ‘હા, નિંદાના ભયથી ડર્યા વિના તમે ગમે તેટલાં માંસમચ્છી ખાઈ શકો છો. શાકભાજી ખાનારા આમાશયના રોગી સાધુઓથી આખો દેશ ભરાઈ ગયો છે. આ લક્ષણ સત્ત્વનાં નથી, ભયાનક તમસ્‌નાં છે અને તમસ્‌ મૃત્યુની કાલીમાનું બીજું નામ છે. દેહાકૃતિમાં ચમકતી કાંતિ, હૃદયમાં અદમ્ય ઉત્સાહ, કર્મચેષ્ઠાની વિપુલતા અને ઉદ્વેલિત શક્તિ એ સત્ત્વની ઓળખાણ છે. એનાથી વિપરીત તમસ્‌નું લક્ષણ આળસ અને શિથિલતા છે, અનુચિત આસક્તિ અને નિદ્રાનો મોહ છે… કયું ભોજન શુદ્ધ અને કયું અશુદ્ધ છે, શું આવી વિચિકિત્સામાં જીવન વિતાવી દેશો કે ઈંદ્રિય નિગ્રહનો પણ કોઈ ખ્યાલ છે ખરો? આપણું લક્ષ્ય ઈંદ્રિય નિગ્રહ છે, મનને વશમાં લાવવાનું છે. સારા ખરાબનો ભેદ, શુદ્ધ અશુદ્ધનો વિચાર એ ઈંદ્રિયનિગ્રહ નથી, એ ધ્યેયમાં સહાયક માત્ર છે.’

સ્વામીજી વારંવાર કહેતા કે ભારતનું કલ્યાણ શક્તિની સાધનામાં છે. જનજનમાં જે શક્તિ છુપાયેલી છે, આપણે એને સાકાર કરવાની છે. જનજનમાં જે સાહસ અને વિવેક પ્રચ્છન્ન છે એને આપણે બહાર લાવવાનાં છે. ‘હું ભારતમાં લોખંડની માંસપેશીઓ અને પોલાદના સ્નાયુઓ-રક્તવાહિની જોવા ઇચ્છું છું, કારણ કે એની જ ભીતર જે પદાર્થનું વજ્ર નિર્મિત થયું છે એ જ પદાર્થનું મન વસે છે. શક્તિ, પૌરુષ ક્ષાત્રવીર્ય અને બ્રહ્મતેજ એના સમન્વયથી ભારતની નવી માનવતાનું નિર્માણ થવું જોઈએ… મૃત્યુનું ધ્યાન કરો. પ્રલયને પોતાની સમાધિમાં જુઓ તથા મહાભૈરવ રુદ્રને પોતાની પૂજાથી પ્રસન્ન કરો. જે ભયાનક છે, એની અર્ચનાથી જ ભય વશ થશે… સંભવ બને તો જીવનને છોડીને મૃત્યુની કામના કરો. તલવારની ધાર પર તમારો દેહ ધરી દો અને રુદ્રશિવ સાથે એકાકાર થઈ જાઓ.’ 

સંસ્કૃતિનું ધ્યાન કરતાં કરતાં ભારતનું સ્વાભિમાન જાગી ચૂક્યું હતું. હવે બીજું સોપાન હતું – એની વીરતા, નિર્ભયતા અને બલિદાનની ભાવનાને જાગ્રત કરવાનો. સ્વામીજીએ વીરતા, બલિદાન અને નિર્ભયતાની કેળવણી પણ ધર્મમાંથી લાવી મૂકી; અને રુદ્રશિવ તથા મહાકાલીને લોકોના આરાધ્ય દેવતા બનાવી દીધા. સ્વામીજીની અહિંસા અને વૈરાગ્ય ભાવનામાં પણ ક્ષાત્રધર્મનો સંસ્પર્શ હતો. જે વિચારો, જે ધર્મો અને આચારોથી કાયરતામાં વૃદ્ધિ તેમજ પૌરુષનું હનન થાય છે, સ્વામીજી એવા વિચારોના અત્યંત વિરોધી હતા. એટલે જ બુદ્ધની અહિંસાને સ્વામીજીએ પ્રશંસી નહિ. ઊલટાનું એકવાર તો એમણે એમ પણ કહી દીધું કે બુદ્ધના ઉપદેશોની પાછળ ‘ભયાનક દુર્બળતાની છાયા રહેલી છે.’ સ્વામીજી ન તો ધર્મ યુદ્ધના ચાહક હતા, ક્રોધના પ્રત્યેક આવેગ પર મનુષ્યે તલવાર લઈને દોડી પડવું જોઈએ, એ બાબતમાં એમની સંમતિ પણ ન હતી. પરંતુ હિંસાને કદાચ એ બધી પરિસ્થિતિઓમાં તેઓ ત્યાજ્ય ગણતા ન હતા. એકવાર એમને કોઈ એક ભક્તે પૂછ્યું: ‘મહારાજ, કોઈ શક્તિશાળી વ્યક્તિ જો કોઈ દુર્બળનું ગળું દબાવી દે તો આપણે શું કરવું જોઈએ? સ્વામીજીએ તડાક કરતો જવાબ આપ્યો: ‘કેમ? એના બદલામાં એ શક્તિશાળીની ગરદન જ ટીપી નાખવી જોઈએ. ક્ષમા પણ નિર્બળ માટે અક્ષમ્ય છે, અસત્ય છે, અધર્મ છે. યુદ્ધ એનાથી ઉત્તમ ધર્મ છે. ક્ષમા તો ત્યારે જ કરવી જોઈએ કે જ્યારે તમારી ભૂજામાં વિજયશક્તિ રહી હોય.’ 

આધિભૌતિકતાએ ભારત વર્ષ સામે એક પડકાર ફેંક્યો હતો એનો પણ સમીચીન-સુયોગ્ય ઉત્તર સ્વામી વિવેકાનંદે દીધો. જેમની અનુભૂતિમાં પ્રાચીન ધર્મ નવીન રૂપ ધારણ કરે છે અને પ્રાચીન દર્શનના પડખાં છૂટાં પડીને નીચે ખરી પડે છે તેમજ કાટ ખાઈ ગયેલા જરીપુરાણા વિચારો ધોવાઈને ચમકવા લાગે છે એવા સ્વામીજી સુધારક અને સંત હતા. જે પરંપરાઓ ભારતવાસીઓની ઉન્નતિનો માર્ગ રોકતી હોય અથવા જે ધર્મ તેમને નિર્ધન અને ગુલામ રહેવામાં લાચાર બનાવતો હોય એવી વાતને સ્વામીજી ક્યાં સહન કરવાના હતા? ઉપનિષદોનો ઉપદેશ છે કે બધા આત્મા એક છે, કારણ કે આ બધા આત્મા એક જ પરબ્રહ્મનાં અસંખ્ય પ્રતિબિંબ માત્ર છે. આ સિદ્ધાંતથી સ્વામીજીએ એવો નિષ્કર્ષ તારવ્યો કે જેને પરબ્રહ્મ કહીએ છીએ તે બધા જીવોના યોગથી અધિક નથી. એટલે જ સાચી ઈશ્વર ઉપાસના એ છે કે આપણે પોતાના માનવબંધુઓની સેવામાં પોતાની જાતને લગાડી દઈએ. જ્યારે પાડોશી ભૂખ્યે મરતો હોય ત્યારે મંદિરમાં ભોગ ધરાવવો એ પુણ્ય નથી, પાપ છે. જ્યારે મનુષ્ય દુર્બળ અને ક્ષીણ હોય ત્યારે હવનમાં ઘી હોમવાનો કે એને બાળી નાખવાનું કાર્ય અમાનુષિક કર્મ છે. ‘સંસારનાં અગણિત નરનારીઓમાં પરમાત્મા પ્રકાશી રહ્યા છે.. જે પરલોકમાં આનંદ દેવાને બહાને આ લોકમાં એમને રોટલાથી વંચિત રાખે છે, જે વિધવાઓનાં આંસું લૂછવા અસમર્થ છે, જે માબાપ દ્વારા હીનદીન બાળકના મુખમાં રોટલીનો ટુકડો મૂકી શકતો નથી; એ ઈશ્વરની વિરુદ્ધ સંઘર્ષ કરવાનું મારા જીવનનું પરમધ્યેય છે.’ કેસ્ટો નામના ગરીબ મજૂરને ભોજન કરાવીને એમણે કહ્યું હતું: ‘તમે જ ભગવાન છો. આજે મને એ વાતનો સંતોષ છે કે પ્રભુ જ મારી સન્મુખ જમ્યા.’ તેઓ કહેતા: ‘વાસ્તવિક શિવની પૂજા એટલે નિર્ધન અને દરિદ્રની પૂજા, રોગી અને નિર્બળની પૂજા. નિર્ધનતા, પુરોહિતવાદ અને ધાર્મિક અત્યાચાર શીખવનારાં દર્શનોના સ્વામીજી પ્રખર વિરોધી હતા. એ રીતે ધનવાનો પ્રત્યે પણ એમના મનમાં આદરનો ભાવ ન હતો. ‘ભારતની એકમાત્ર આશા એની સામાન્ય પ્રજા છે. ઉચ્ચવર્ણના લોકો તો શરીર અને નૈતિકતા એ બંને દૃષ્ટિએ મરી ચૂક્યા છે.’

નારીઓ પ્રત્યે ઉદારતા

સ્વામીજી પોતે સંન્યાસી હતા. સંન્યાસીઓ માટે એક મોટો મઠ પણ એમણે સ્થાપ્યો હતો અને સમાજસેવી યુવકોને તેઓ અપરિણિત રહેવાનો ઉપદેશ પણ આપતા. પરંતુ એમનો વિચાર એવો હતો કે ગૃહસ્થ પણ ઉચ્ચ અને સંન્યાસી પણ નીચ હોઈ શકે છે. તેઓ કહેતા: ‘હું સંન્યાસી અને ગૃહસ્થમાં કોઈ ભેદ રાખતો નથી. સંન્યાસી હોય કે ગૃહસ્થ, જે કોઈમાં મહત્તા, હૃદયની વિશાળતા અને ચરિત્રની પવિત્રતાનાં દર્શન થાય છે એની સામે મારું મસ્તક નમી પડે છે.’

સ્ત્રીઓ પ્રત્યે એમના મનમાં અસીમ ઉદારતાનો ભાવ હતો. તેઓ કહેતા: ‘ઈશુ અપૂર્ણ હતા, કારણ કે જે વાતો કે વિચારોમાં એમને શ્રદ્ધા હતી એ બધાને તેઓ પોતાના જીવનમાં ઉતારી ન શક્યા. એમની અપૂર્ણતાનું સૌથી મોટું પ્રમાણ એ છે કે એમણે સ્ત્રીઓને પુરુષની સમકક્ષ ન ગણી. વાસ્તવમાં એમને યહૂદી સંસ્કારોએ જકડી લીધા હતા. એટલે તેઓ કોઈ પણ સ્ત્રીને પોતાની શિષ્યા ન બનાવી શક્યા. આ બાબતમાં ભગવાન બુદ્ધ એનાથી શ્રેષ્ઠ હતા, કારણ કે એમણે સ્ત્રીઓને પણ ભિક્ષુણી બનવાનો અધિકાર આપ્યો હતો. એકવાર એમના શિષ્યે પૂછ્યું: ‘મહારાજ! બૌદ્ધ મઠોમાં ઘણી ભિક્ષુણીઓ રહેતી હતી, એટલે આ દેશમાં અનાચાર ફેલાઈ ગયો.’ સ્વામીજીએ આ આલોચનાનો ઉત્તર ન આપ્યો પરંતુ તેમણે કહ્યું: ‘કોણ જાણે કેમ, પણ આ દેશમાં સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે આટલો બધો ભેદ કેમ રાખવામાં આવે છે? વેદાંતો એમ જ શીખવે છે કે બધામાં એક જ આત્મા વસેલો છે, તમે લોકો સદૈવ નારીઓની નિંદા કરતા રહો છો પરંતુ એમની ઉન્નતિ માટે અત્યાર સુધી તમે શું કર્યું એ વિશે તમે કંઈ કહી શકશો ખરા? સ્મૃતિઓ રચીને તથા ગુલામીની શ્રૃંખલાઓ બનાવીને પુરુષોએ સ્ત્રીઓને બાળકો પેદા કરવાના યંત્ર બનાવી દીધી છે. સ્ત્રીઓ મહાકાલીનાં સાકાર રૂપો છે; એમની વધુ ઉન્નતિ સિવાય તમારી પોતાની ઉન્નતિનો બીજો કોઈ માર્ગ છે એવું તમે ન ધારતા… વિશ્વની બધી પ્રજાઓ નારીઓનું સમુચિત સન્માન કરીને જ મહાન બની છે. જે પ્રજા નારીઓનું સન્માન કરવાનું જાણતી નથી એવી પ્રજાએ ભૂતકાળમાંયે ઉન્નતિ કરી ન હતી અને ભવિષ્યમાં પણ તે ઉન્નતિ સાધી શકશે નહિ.’ જ્યાં સુધી નારીજાતિની વેદના અને પીડાઓના પ્રશ્નને લાગેવળગે છે ત્યાં સુધી સ્વામીજીને ભારત અને યુરોપ એ બંને મહાદેશ આંસુંઓથી ખરડાયેલા લાગતા. સ્વામીજીએ કહ્યું હતું: ‘વિપત્તિઓ ભારતમાં પણ છે અને પશ્ચિમમાં પણ. અહીં વિધવાઓ રડે છે અને ત્યાં કુમારિકાઓ.’

(ક્રમશ:)

Total Views: 52

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.