રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ આશ્રમ, રાયપુરના ભૂતપૂર્વ અધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી આત્માનંદજી મહારાજે ‘વિવેક જ્યોતિ’ના પ્રવેશાંકના મૂળ હિંદી લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

ભારતનું રાષ્ટ્રિય જાગરણ સર્વકાળથી ધર્મના પુનરુદ્ધાર સાથે સંબંધિત રહ્યું છે. પ્રાચીન યુગથી જ આપણે જોઈએ છીએ કે ગુરુકુળો અને તપોવનોએ, આધ્યાત્મિક વિચારધારા અને સંસ્કૃતિનાં કેન્દ્રોએ રાષ્ટ્રની જીવનધારાને નિયમિત અને સુનિયોજિત કરવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. પછી ભલે એ કાસ્યો કે મૈથિલોનો પ્રાચીન યુગ હોય; અશોક કે વિજયનગરના સામ્રાજ્યનો સમયકાળ રહ્યો હોય; અર્વાચીન યુગમાં બંગાળના પુનર્જાગરણ કે શીખ અને મરાઠાના શાસનનો સમયકાળ હોય, આ બધા કાળમાં આપણે એક નિયમને કાર્યરત થતો જોઈએ છીએ તે એ છે કે ધર્મનો પુનરુદ્ધાર જ રાષ્ટ્રિય ચેતનાના અવિરત અને અપ્રતિરોધ્ય સ્રોતનાં દ્વાર ખોલી દે છે. ભારતનાં જીવન અને સંસ્કૃતિ પર એની લલિત કલાઓ અને પ્રથાઓ પર, તેના દૃષ્ટિકોણ અને સાહિત્ય પર ધર્મની વિશેષ છાપ રહી છે. ધર્મ એ આધારશિલા છે કે જેના પર ભારત રાષ્ટ્રનું નિર્માણ થયું છે. સેંકડો શતાબ્દિઓથી વહેતી આવેલી ભારતની આ જીવનધારા વિશે જરા વિચાર તો કરો. આપના મનશ્ચક્ષુ સમક્ષ શું આવે છે? એક મહાન સંસ્કૃતિ, એક મહાન નૈતિક અને આધ્યાત્મિક આદર્શ. ધર્મ ભારતના રાષ્ટ્રિય જીવનનું બીજ છે. ઇતિહાસ આપણને દર્શાવે છે કે હૂણ અને શક, ગ્રીકો અને પર્સીઓ, આરબ અને મંગોલ ભારતમાં આવ્યા, ભારત પર આક્રમણ કર્યું, આ દેશ પર વિજય મેળવ્યો; પરંતુ તેઓ તેના આ જીવનબીજનો નાશ ન કરી શક્યા. પુરાણો કહે છે કે આભીરો અને બહાલિકોએ આ દેશની મહાનતમ સંસ્કૃતિને કચડી નાખવાનો પ્રયત્ન કર્યો, તેમ છતાં પણ ભારત રાષ્ટ્રનું ધર્મબીજ અક્ષુણ્ણ જ રહ્યું. આ જ કારણે હજારો વર્ષની દાસતા છતાં પણ આજે આ દેશ જીવતો જાગતો છે. રાખમાં ઢંકાયેલા અગ્નિની જેમ અત્યારે પણ એના જીવનબીજનું પ્રાણતત્ત્વ સ્પંદિત થઈ રહ્યું છે.

ભારતનું આ મહાન સદ્‌ભાગ્ય રહ્યું છે કે જ્યારે જ્યારે એના પર આપત્તિઓ આવી, અધર્મ અને અનાચારનાં કાળાં વાદળ એના માનસ પર છવાઈ ગયાં ત્યારે ત્યારે મહાપુરુષોનો આવિર્ભાવ થયો અને તેઓ પોતાના ચારિત્ર્યના બળ પર આ કાળાં વાદળોને વિખેરવામાં સમર્થ નીવડ્યા. ૧૯મી શતાબ્દિનો કાળ ભારત માટે આવો જ એક વિકટ કાળ હતો. પાશ્ચાત્ય જગતને પોતાની યુક્તિઓ અને ઉપલબ્ધિઓ દ્વારા આશ્ચર્યચકિત કરી દેનાર વિજ્ઞાનની અનુભૂતિઓએ પાશ્ચાત્ય દેશોની ધાર્મિક માન્યતાઓને એના મૂળમાંથી હચમચાવી દીધી. વિજ્ઞાનનો આ ક્રાંતિકારી પ્રકાશ ભારતમાં પણ આવ્યો. કોલકાતા નગરી પાશ્ચાત્ય કેળવણીનું પ્રથમ કેન્દ્ર બની. આ કેળવણીના પ્રભાવથી એક નવીન યુગમાં શ્વાસ લેવા માંડ્યા. ભારતીય ધર્મ અને સંસ્કૃતિ તિરસ્કૃત થવા લાગી. એટલે ભારતમાં એક નવીન સમસ્યા ઉદ્‌ભવી, એ સમસ્યા હતી બે વિચારધારાઓનો સંઘર્ષ. એક તરફ હતી પ્રાચીન રૂઢિવાદી, સનાતની, સંરક્ષણશીલ વિચારધારા જેણે આ વિશાળ અને વ્યાપક હિંદુધર્મને કેટકેટલાં ક્રિયાકાંડો અને અનુષ્ઠાનોની ભીતર બાંધીને સીમિત, એકાંગી અને ‘સ્પૃશ્ય-અશ્પૃશ્ય’ ધર્મનો પર્યાયવાચી બનાવી દીધો. એની બીજી બાજુએ છે અતિ નવીનતમ, પાશ્ચાત્ય ભાવાપન્ન ભૌતિકવાદી વિચારધારા. એણે પોતાના પ્રશંસકો અને સમર્થકોને એવું શીખવ્યું કે હિંદુધર્મ (crystallized immorality) ઘનીભૂત અનૈતિકતા છે, કૂડો-કચરો અને બકવાસ જ છે, મૂર્તિ પરસ્ત છે, જંગલી અને બર્બર લોકોનો બિભત્સ અંધ વિશ્વાસ છે. આ ભૌતિકવાદી વિચારધારામાં એવા લોકો પણ હતા કે જે પોતાની જાતને ઈશુના અનુયાયી ગણતા હતા અને પોતાના દેશમાં ખ્રિસ્તીધર્મને વિજ્ઞાનની રોશનીને કારણે ધૂળ ચાટતો જોઈને ઈશુના મહાન સંદેશ સાથે ભારત તરફ ભાગી નીકળ્યા હતા. અંગ્રેજો અને ગોરી ચામડીવાળા બીજા ભાઈઓ દ્વારા એના ખિસ્સા ગરમ રહેતા. એને લીધે ભારત વિશે પોતાની બધી કલ્પનાશક્તિની મદદ લઈને ભયંકરમાં ભયંકર અને ભયકંપારી કરાવતા લેખો લખતા રહે; જંગલીપણાની પરમ સીમાએ પહોંચેલા માનવ રૂપે રહેલ પશુઓ પર લેખો લખે. એને લીધે પશ્ચિમના દેશવાસીઓ આ જંગલી અને નૃશંસ ભારતવાસીઓ પર પોતાની કરુણા અને દયા વરસાવતા રહે! અને જુઓ તો ખરા, કેવું બિભત્સ ચિત્ર આ પરમાપેક્ષી ખ્રિસ્તી પાદરીઓએ ભારત વર્ષ વિશે કર્યું હતું! એની કેટલીક કલ્પના મેરી લૂઈ બર્કે લખેલા ‘Swami Vivekananda in America – New Discoveries’ ગ્રંથનું વાચન કરવાથી કરી શકાય છે. આ વિદ્વાન અમેરિકન મહિલાએ પોતાના એ ગ્રંથમાં ચાર ચિત્ર છાપ્યાં છે. એ ચિત્ર સ્વામી વિવેકાનંદના યુગમાં ચાલતી હતી એ પ્રવેશિકાઓમાંથી લેવામાં આવ્યાં છે. તાત્પર્ય એ કે અમેરિકન બાળક પોતાના ભણતરની શરૂઆતમાં ભારત વિશેનાં આ ચિત્રોને જોઈને અને એ ચિત્રો નીચે લખેલી કવિતાબંધ રટણ કરીને કરતો. એ ચિત્ર કેવા પ્રકારનાં છે? પહેલાં ચિત્રમાં દર્શાવ્યું છે કે એક ભારતીય માતા પોતાના નાના શિશુને લઈને નદી કિનારે ઊભી છે. કેટલાય મગર એમના મોં ખોલીને ઊભા છે અને તે માતા પોતાના એ બાળકને પ્રસન્નતાપૂર્વક મગરના મુખમાં નાખે છે. આ ચિત્રની નીચે કવિતાબદ્ધ પંક્તિઓ આ હતી :

See that heathen mother stand
Where the sacred current flows;
With her own maternal hand
Mid the waves her babe she throws.
Hark! I hear the piteous scream;
Frightful monsters seize their prey,
On the dark and bloody stream
Bears the struggling child away.
Fainter now, and fainter still,
Breaks the cry upon the ear,
But the mother’s heart is steel
She unmoved that cry can hear.
Send, oh send the Bible there,
Let its precepts reach the heart;
She may then her children spare –
Act the tender mother’s part.

‘જુઓ, પવિત્ર જલધારાને કિનારે હિંદુ માતા – હિધન (જંગલી) ઊભી છે અને પોતાના જ હાથે પોતાના શિશુને જળની વહેતી લહેરોમાં ફેંકી રહી છે. સાંભળો! હું એ શિશુનો કરુણ આર્તનાદ સાંભળી શકું છું. ભયંકર જળચર એ શિશુ પર ઝપટ મારે છે! જળની લોહીલુહાણ અને કાળી લહેરો એ તરફડતા શિશુને વહાવીને લઈ જાય છે! બાળક તરફડિયાં મારે છે, ચીસો પાડે છે, અને પછી એનો અવાજ ધીમે ધીમે મંદ થતો જાય છે. માતાના કાને બાળકનો એ તરફડિયાંનો અવાજ પડે છે પરંતુ તેનું હૃદય પથ્થરનું છે, એટલે નિ:શબ્દ, અવિચલિતભાવે તે પોતાના બાળકના કરુણ ઘેરા અવાજને સાંભળી લે છે! એટલે ભાઈઓ, એ દેશમાં બાઈબલ મોકલો. તેઓ બાઈબલનો ઉપદેશ સાંભળે તો ખરાં! એ સાંભળીને એનું માતૃહૃદય બરાબર કાર્ય કરતું થઈ જશે અને તે માતા પોતાના બાળકો પ્રત્યે આવી રીતે નિર્મમ, નિર્દય નહિ બને.’

આ તો કેવળ એક જ ચિત્ર છે. આ રીતના બીજા ત્રણ ચિત્રોમાં પણ ભારતની ભયંકર રીતે નિંદા કરવામાં આવી છે. આ હતું વિવેકાનંદના યુગનું અમેરિકા! 

આ બે વિચારધારાઓ હતી જે પરસ્પર ઘણી ભયંકર રીતે અથડાઈ રહી હતી. એવા સમયે રાજારામમોહન રોયનો અભ્યુદય થયો. નવીન કેળવણીમાં તેઓ શિક્ષિત થયા, પરંતુ બીજા નવશિક્ષિતોની જેમ તેઓ ભૌતિકવાદી વિચારધારામાં વહ્યા નહિ. એમણે પોતાના પગને રોકી રાખ્યા. એમણે જોયું કે હિંદુધર્મની કેટલીક વાતો પાદરીઓની આંખમાં કણાની જેમ ખટકે છે એટલે તેઓ હિંદુધર્મની નિંદા કરી રહ્યા છે. એમણે વિચાર્યું કે જો હિંદુ ધર્મમાં થોડી સુધારણા કરવામાં આવે, હિંદુધર્મની જે વાતોને પાદરીઓનો સમૂહ નાપસંદ કરે છે એ બાબતોને જો હિંદુધર્મમાંથી દૂર કરવામાં આવે, તો હિંદુધર્મ એક સુંદર ધર્મ બની જાય. પછી પાદરીઓ એની નિંદા નહિ કરી શકે. એટલે એમણે બ્રાહ્મોસમાજની સ્થાપના કરી અને એક નવીન બ્રાહ્મધર્મનું પ્રવર્તન કર્યું. એના મૂળમાં સમાજસુધારણાની ભાવના જ કામ કરતી હતી. પરંતુ આ ધર્મ ખ્રિસ્તીધર્મથી કંઈ વધારે ભિન્ન ન હતો. આ ઈસાઈધર્મની (ખ્રિસ્તીધર્મની) ભારતના કાગળ ઉપર કરેલી નકલ જેવો ધર્મ હતો. આ જ કારણે બ્રાહ્મધર્મ વિશાળ હિંદુ જનસમૂહની વચ્ચે પોતાનું સ્થાન મજબૂત ન બનાવી શક્યો. જો તમે કોઈ દેશને જાગ્રત કરવા ઇચ્છતા હો તો સૌથી પહેલાં તો તમારે એ દેશની વિશાળ જનતાના હૃદયને ઢંઢોળવાં પડશે, એ વિશાળ જનસમૂહની ઇચ્છાઓ અને આકાંક્ષાઓને પણ ઓળખવી, જાણવી પડશે અને એમની સાથે હળીમળી જવું પણ પડે. એનાથી ઊલટું જો તમે કોઈ એક નવીનપથનું નિર્માણ કરો છો તો આપનું એક જૂથ રચાય છે અને આ જૂથ બાકીના મોટા જનસમૂહમાં સુયોગ્ય સુધારણાની ભાવના ઉત્પન્ન કરવાને બદલે લડવા-ઝઘડવા મંડી પડે છે. આવી જ દશા બ્રાહ્મોસમાજની પણ થઈ અને એટલે જ અંતે તે બ્રાહ્મોસમાજનું આંદોલન મૃત:પ્રાય બની ગયું. પ્રાય: એ જ સમયે મહાપ્રાણ સ્વામી દયાનંદ સરસ્વતીનો અભ્યુદય થયો. એમણે આર્યસમાજની સ્થાપના કરી પરંતુ આર્યસમાજ પણ આગળ ચાલીને સનાતન ધર્મ સાથે લડવા ઝઘડવામાં જ પોતાનાં કર્તવ્યોની ઇતિશ્રી માનવા લાગ્યો. એના રચનાત્મક કાર્યક્રમો શિથિલ બની ગયા અને તે પણ એક સંપ્રદાય બની ગયો.

એ સમયે ભારતમાં એક એવા મહાપુરુષની આવશ્યકતા હતી કે જે સામાન્ય જનમાનસને ઓળખે અને આ શતશ: વિખંડિત હિંદુધર્મની નૌકાને ડૂબતી બચાવી લે. ભગવાન શ્રીકૃષ્ણે ભગવદ્‌ગીતા (૪.૭)માં કહ્યું છે: યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત । અભ્યુત્થાનધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ્‌ ॥ પોતાની આ પુણ્યપ્રતિજ્ઞાનું પાલન કરીને આ વખતે તેઓ આવે છે એક નિરક્ષરના રૂપે, પરંતુ વિશ્વના સમગ્ર શાસ્ત્રોની અનુભૂતિઓને પોતાના જીવનમાં ઊતારીને. તેઓ છે શ્રીરામકૃષ્ણ પરમહંસ. એમનું જીવન જ વેદસ્વરૂપ છે; અને વિવેકાનંદ અવતર્યા છે આ જીવનવેદની ટીકા બનીને. જો શ્રીરામકૃષ્ણદેવ સાચા અર્થમાં પૂર્વના પ્રતીક છે તો શ્રી નરેન્દ્રનાથ (સ્વામી વિવેકાનંદ) પશ્ચિમના પ્રતીક છે. પૂર્વ અને પશ્ચિમનો આવો સંયોગ ઈશ્વરની કોઈ વિશેષ ઇચ્છાથી જ થયો. આ સંયોગથી ભારતના નવજાગરણનો પ્રારંભ થયો.

જ્યારે કોઈ દેશમાં નવજાગરણનાં પ્રથમ કિરણો ફૂટે છે ત્યારે તેની પ્રક્રિયા રૂપી સરિતા બે કિનારાને સ્પર્શતી વહે છે, એમાંનો એક કિનારો છે ‘આત્મપ્રત્યય – આત્મશ્રદ્ધા’ અને બીજો કિનારો છે ‘આત્માભિવ્યક્તિ’. એ દેશમાં આપણે સર્વ પ્રથમ આત્મપ્રત્યયને જાગ્રત કરવો પડે છે. દેશવાસીઓને પોતાના ગૌરવ અને મહિમા પ્રત્યે ઉન્મુખ કરવા પડે છે. એમને એ વાતની પ્રતીતિ કરાવવી પડે છે કે એક રાષ્ટ્રના રૂપે એમનું પણ વિશ્વનાં રાષ્ટ્રોમાં એક વિશેષ સ્થાન છે. સ્વામી વિવેકાનંદે સૌથી પહેલાં આ જ કાર્ય કર્યું. એમણે ભારતવાસીઓમાં આત્મ વિશ્વાસનો અત્યંત અભાવ નિહાળ્યો. એમની હીનતા અને લાચારી જોઈ. સ્વામીજીએ ઘણા દુ:ખ સાથે એ સ્પષ્ટપણે જોયું કે જેમની પાસેથી માતૃભૂમિના ઉદ્ધારની કેટલીક આશા રાખી શકાય તેમ હતી એવા ભણેલા ગણેલા ભારતવાસીઓ દિનબદિન અંગ્રેજોના મુખાપેક્ષી બની રહ્યા છે. એટલે સ્વામીજીએ મેઘગંભીર સ્વરે ભારતના સનાતન ગૌરવનો ઉદ્‌ઘોષ કર્યો. નગારે ઘા દઈને એમણે ભારતના પુરાતન સાંસ્કૃતિક મહિમાનું ગુણગાન ગાયું. સાથે ને સાથે એ પણ બતાવ્યું કે લેવું-દેવું, આદાન-પ્રદાન એ જ જીવનનો નિયમ છે. મનુષ્યોનું જીવન, રાષ્ટ્રોનું જીવન, આ જ નિયમ પર ચાલે છે. જો કોઈ એક મનુષ્ય કે રાષ્ટ્ર સદૈવ બીજા પાસેથી લેતો જ રહે અને પોતાના તરફથી એમને કઈ ન આપે, તો તે ગુલામીની ચરમસીમા બની જાય છે. પછી એ ધીમે ધીમે પોતાનું અસ્તિત્વ-પોતાની અસ્મિતા ગુમાવી બેસે છે. આ જ અર્થમાં સ્વામીજીએ કહ્યું હતું કે, ઇતિહાસ જે પ્રાચીન રાષ્ટ્ર્રોની ગાથા આપણને સંભળાવે છે એમાં ભારત સિવાય બાકીનાં બીજાં બધાં રાષ્ટ્રો અસ્તિત્વહીન થઈ ગયાં છે. આ જ કારણે સ્વામીજીએ ભારતને ચેતવણીના સૂરે કહ્યું, ‘ભારત! કેવળ માગતો નહીં, અંગ્રેજોના મો જોતા ન રહો. બીજા દેશો પાસેથી કેવળ લેવાની જ વાત વિચારતા ન રહો, એમને પણ પોતાની તરફથી કંઈક આપજો.’

પરંતુ પ્રશ્ન એ છે કે ભારત બીજા દેશોને શું આપી શકે? એ તો પોતે નિર્ધન છે, દરિદ્ર છે, પદદલિત છે, બધાં ક્ષેત્રોમાં પછાત છે. એવું ભારતવર્ષ ભલા બીજાને શું આપી શકે? આ જ છે આત્મવિશ્વાસનો અભાવ. સ્વામીજી આ આત્મવિશ્વાસને જાગૃત કરવા ઇચ્છતા હતા. એમણે ભારતવાસીઓનું ધ્યાન ભારતના પોતાના ધર્મના એ ચિરંતન ખજાના તરફ દોર્યું; જેને ધર્મ કહેવાય છે. ભારતવાસીઓને ચેતવણી આપતાં એમણે કહ્યું : ‘તમારું સૌથી મોટું ધન આ ધર્મ છે, આ આધ્યાત્મિકતા છે. એમાં જ તમારું કલ્યાણ રહેલું છે. એટલું ધ્યાનમાં રાખજો કે જો તમે આ આધ્યાત્મિકતાને ત્યજી દેશો અને એને એક બાજુએ હડસેલીને પશ્ચિમની જડવાદપૂર્ણ ભૌતિક સંસ્કૃતિની પાછળ દોડશો તો, એનું પરિણામ એ આવશે કે ત્રણ પેઢીઓમાં તમે એક મૃતજાતિ બની જશો. એનું કારણ એ છે કે એનાથી રાષ્ટ્રની કરોડરજ્જુ તૂટી જશે, જેના પર એનું નિર્માણ થયું છે એવી રાષ્ટ્રની આધારશીલા નીચેથી ઘસાઈ જશે અને એનું પરિણામ હશે, સર્વાંગી વિનાશ.’

સ્વામીજીએ ભારતવાસીઓના આધ્યાત્મિક ભાવને જગાડતાં કહ્યું, ‘જેનું શિક્ષણ આપણે જગતને આપી શકીએ તેમ છીએ એવી કેટલીક બાબતો આપણી પાસે છે. આ જ કારણે સેંકડો વર્ષ સુધી અત્યાચારો સહન કરીને, લગભગ હજાર વર્ષ સુધી વિદેશી શાસન હેઠળ રહીને અને વિદેશીઓ દ્વારા કચડાઈ, પીડાઈને પણ આ દેશ આજ સુધી જીવંત રહ્યો છે. અત્યારે પણ તે અસ્તિત્વમાં હોવાનું કારણ એ છે કે, તેણે સદૈવ અને આજે પણ ઈશ્વરનો આશરો લીધો છે, ધર્મ અને આધ્યાત્મિકતાના અમૂલ્ય ખજાનાનું અનુસરણ કરતો રહ્યો છે.’ એમણે ફરીથી કહ્યું, ‘જો તમે અંગ્રેજો કે અમેરિકનોના બરોબરીઆ બનવા ઇચ્છતા હો તો તમારે એમને કેળવણી આપવી પડશે અને સાથે ને સાથે એમની પાસેથી કેળવણી ગ્રહણ પણ કરવી પડશે તેમજ તમે ભવિષ્યમાં સેંકડો વર્ષ સુધી સમગ્ર વિશ્વને શીખવી શકો તેવી અત્યારે તમારી પાસે ઘણી બાબતો છે. આ કાર્ય તમારે કરવું જ પડશે.’

પોતાના એવા જાજ્વલ્યમાન અગ્નિમંત્રોથી સ્વામીજીએ ભારતવાસીઓની પ્રસુપ્ત રાષ્ટ્રીય ચેતનામાં નવજાગરણનાં બીજ વાવી દીધાં. સ્વામીજી જાણતા હતા કે આપણા દેશવાસીઓ એટલા બધા પરમુખાપેક્ષી બની ગયા છે કે જ્યાં સુધી ઈંગ્લેન્ડ, અમેરિકા કે પશ્ચિમના કોઈ દેશો કોઈ વાતની પ્રશંસા ન કરે ત્યાં સુધી આપણા દેશવાસીઓ પણ એ બાબત પ્રત્યે ઉદાસીન રહે છે. આ જ કારણે સ્વામીજી અમેરિકા ગયા, શિકાગોમાં મળનારી વિશ્વ ધર્મપરિષદમાં ભાગ લીધો એનો પણ એક ઘણો લાંબો ઇતિહાસ છે. પોતાની જાતને ધર્મના રક્ષક માનનારા કહેવાતા ધર્માધિકારીઓએ હિંદુ ધર્મને ડુબાડી દેવાનો કેવો ઉપક્રમ યોજ્યો હતો, એ વાત ગંભીર રીતે વિચારવાની વાત છે. સ્વામીજી સાત સમુંદર પાર કરીને ધર્મનો પ્રચાર કરવા અમેરિકા જવાના છે આ વાત જ્યારે એવા જ કોઈ કહેવાતા ધર્મધૂરંધરે જાણી ત્યારે એમણે પોતાની ચોટલીને ફટકારતાં કહ્યું : ‘ના, તમે અમેરિકા ન જઈ શકો, આપણો ધર્મ એવી આજ્ઞા આપતો નથી. જો આપ શાસ્ત્રાજ્ઞાનું ઉલ્લંઘન કરશો તો આપને જાતિ બહાર મૂકી દેવામાં આવશે.’ સ્વામીજીએ વ્યંગભર્યા સ્વરે કહ્યું : ‘પંડિતજી, આપ લોકોની આવી મૂર્ખતા અને ધર્મની ભ્રાંતિએ ભારતને ડુબાડી દીધો છે. સંન્યાસી તો બધી જાતિઓથી પર હોય છે. એને જાતિ બહાર કરવાનો અર્થ શું?’ અને આપ જાણો છો? શિકાગોની એ ધર્મપરિષદમાં વિશ્વના બધા ધર્મોના પ્રતિનિધિઓ એ પરિષદમાં ભાગ લેવા અને પોતપોતાના ધર્મની શ્રેષ્ઠતા સિદ્ધ કરવા આવવાના છે. પણ અરેરે! હતભાગી હિંદુ ધર્મ! તારા ધર્મના કહેવાતા જાગીરદારોએ તારો કોઈ પ્રતિનિધિ મોકલવાની આવશ્યકતા ન સમજી! અને ભાઈ સમજે પણ ક્યાંથી? જો કોઈ પ્રતિનિધિ તરીકે જાય તો એને જાતિ કે જ્ઞાતિ બહાર કાઢી મૂકવામાં ન આવ્યો હોત? અને પછીથી ભલે સદા ભૂખ્યા, તૂંબડા જેવા ફૂલેલા પેટવાળા ધર્મધ્વજાધારી પાખંડીઓનાં પેટ ભરવાથી એને જ પોતાની જાતિમાં ફરીથી સમાવી લેવામાં આવત! હિંદુ ધર્મની આ છે રામકહાણી! આ હતો સ્વામી વિવેકાનંદનો યુગ! વાચક, જરા વિચાર કર. આપણા ભારતની પોતાના ઘરમાં જ આવી દશા હતી અને વિદેશીઓની વચ્ચે આપણી કેવી દશા હતી એનું ચિત્રણ હું આ પહેલાં કરી ચૂક્યો છું. એ તો ભારતના એકમાત્ર ભગવાન હતા જેઓ અનેકવિધ અડચણો અને વિપત્તિઓ આડે આવવા છતાં વિવેકાનંદના હૃદયમાં અમેરિકા જવાની પ્રેરણા ભરે છે. કન્યાકુમારીનો એ શિલાખંડ- ‘વિવેકાનંદ રોક’ ભારતના નવજાગરણના ઇતિહાસમાં અમર રહેશે, કારણ કે એના પર બેસીને સ્વામીજીએ પોતાના હૃદયમાં ભારતના નવજાગરણની સમગ્ર પ્રક્રિયાનાં દર્શન કર્યાં હતાં. આ જ સ્થળે ભારતની સુષુપ્ત રાષ્ટ્રીય ચેતનાએ આળસ મરડી અને ત્યાં જ ભારતનું નવજાગરણ શરૂ થયું.

આ હતો સ્વામી વિવેકાનંદે સ્થાપેલો અને પ્રારંભેલો આત્મશ્રદ્ધાનો પથ. પરંતુ કેવળ આત્મવિશ્વાસથી ન થાય, પોતાના મહિમાને જાણી લેવાથી કામ થતું નથી. એને ફરીથી પ્રગટ કરવા પડે છે. પહેલાં પોતાની કાર્યશક્તિની ઓળખાણ પછી એનું પ્રગટીકરણ એટલે સ્વામીજીએ ભારતવાસીઓમાં આત્મશ્રદ્ધાને જગાડીને એમને આત્માભિવ્યક્તિની પ્રેરણા આપી. જેમાં રાષ્ટ્રીય ચેતનારૂપી પક્ષીને બંધ કરી દેવામાં આવ્યું હોય એવો આત્માભિવ્યક્તિ વિનાનો આત્મવિશ્વાસ સુખદ સપનાંનો એક માળો છે, એક સોનેરી પિંજરું છે. આ જ કારણે સ્વામીજીએ ભારતની ગૌરવ ગરિમાનું સાવ કોરે કોરું ગાન નથી કર્યું. વાસ્તવિક રીતે એમણે એ ગૌરવ ગરિમાની પુન:પ્રાપ્તિનો માર્ગ પણ પ્રશસ્ત કર્યો છે. ભારતની આત્માભિવ્યક્તિ માટે એમણે ભારતવાસીઓ સમક્ષ પાંચ ઉપાય રજૂ કર્યાં.

૧. ધર્મનું સાચું સ્વરૂપ

ધર્મના સાચા સ્વરૂપને ઓળખવું જોઈએ. ધર્મ કેટલાંક ક્રિયાકાંડો કે અનુષ્ઠાનોમાં રહેલો નથી. એ તો છે ધારણ કરનારું તત્ત્વ. સ્વામીજીએ ‘ધર્મ’ શબ્દની ઘણી સુંદર વ્યાખ્યા આપી છે. ‘ધૃ’ ધાતુમાંથી ઉત્પન્ન થયેલો ‘ધર્મ’ શબ્દ અંગ્રેજીના ‘religion’નો પર્યાયવાચી શબ્દ નથી. અંગ્રેજીમાં જો કોઈ શબ્દ આ ‘ધર્મ’ શબ્દના અર્થની નજીકનો શબ્દ હોય તો તે છે ‘integration’ એટલે ધર્મ એ છે કે જે પૂર્ણ બનાવે; ભેદભાવની પ્રવૃત્તિને દૂર કરે અને માનવ સમાજને અખંડતાના દોરામાં ગૂંથી દે. ધર્મના આ ઉદાર, વ્યાપક અર્થનું અનુશીલન કરવાથી ધર્મ – ધર્મ વચ્ચેની આપસ-આપસની લડાઈ કે ઝઘડા એની મેળે દૂર થઈ જશે. સ્વામીજીએ ધર્મની અનુભૂતિ પર વિશેષ ભાર દીધો હતો. તેઓ કહેતા : ‘જે રીતે ‘ભોજન’ ‘ભોજન’ એમ બરાડવું અને ખાવું, તેમજ ‘પાણી’ ‘પાણી’ એવી રટણા કરવી અને પાણી પીવામાં ઘણો ભેદ છે. એવી જ રીતે માત્ર ‘પ્રભુ’ ‘પ્રભુ’ એવી માત્ર રટણા કરવાથી આપણે એનો અનુભવ કરવાની અપેક્ષા કે આશા ન રાખી શકીએ. આપણે એ માટે પ્રયત્ન કરવો જોઈએ. સાધના કરવી જોઈએ.’ સાચો ધર્મ આપણને શ્રદ્ધાળુ બનાવે છે, આપણી ભીતર રહેલી અનંત શક્તિઓને પ્રબુદ્ધ કરે છે. એટલે જ સ્વામીજીએ કહ્યું હતું : ‘શ્રદ્ધા, શ્રદ્ધા! જેને પોતાનામાં શ્રદ્ધા નથી તે નાસ્તિક છે. પ્રાચીન ધર્મો કહે છે એ વ્યક્તિ નાસ્તિક છે કે જે ઈશ્વરમાં શ્રદ્ધા ધરાવતો નથી. પરંતુ નવો ધર્મ કહે છે કે એ વ્યક્તિ નાસ્તિક છે કે જેને પોતાનામાં શ્રદ્ધા નથી.’

૨. અભ્યુદય અને નિ:શ્રેયસ્‌

અભ્યુદય અને નિ:શ્રેયસ્‌ પર સમાન ભાર દેવો જોઈએ. સ્વામીજીએ બતાવ્યું છે કે આપણે સંસારને સમજ્યા જાણ્યા વગર ‘મિથ્યા મિથ્યા’ કહેતા હતા. આનું જ પરિણામ એટલે આપણું અધ:પતન. એમણે ભૌતિકતાને પણ મહત્ત્વની ગણી. તેઓ કહેતા હતા કે આજે ભારતને રજોગુણની આવશ્યકતા છે. સત્ત્વગુણના ગુણ ગાતાં ગાતાં ધર્મની આડમાં આજે ભારતવાસીઓ ઘોર તમોગુણમાં ડૂબી ગયા છીએ. એટલે સ્વામીજીએ ભારતના નવજાગરણ માટે આપણે બહારના વિશ્વની સારી સારી વાતોને શીખીએ અને આપણી રહેણીકરણીમાં થોડોક સુધારો લાવી શકીએ, એ બાબતને અનિવાર્ય ગણી હતી. તેઓ કહેતાં કે જેમ પક્ષી એક પાંખે ઊડી ન શકે એને ઊડવા માટે બે પાંખની જરૂર છે એવી જ રીતે કોઈ પણ દેશે ઉન્નતિ કરવી હોય તો અભ્યુદય અને નિ:શ્રેયસ્‌ રૂપી બે પાંખની આવશ્યકતા છે. કેવળ એકની સહાયથી દેશ આગળ આવી ન શકે.

૩. બીજાની સેવા એ જ ધર્મ

ધર્મ કેવળ વ્યાખ્યાનો અને પ્રવચનોમાં સીમિત ન રહે પરંતુ તે સેવાના રૂપે પ્રગટવો જોઈએ. ભારતવાસીઓનાં લાચારી અને દુ:ખદર્દ સ્વામીજીની આંખોથી છુપાયાં નહિ. ભૂખ્યા પેટવાળાની સામે ધર્મની ચર્ચા કરવી એને તેઓ એક ભીષણ પાપ ગણતા હતા. પરંતુ ભારત આમ જ કરતું આવ્યું છે. નજર સામે જ લોકો ભૂખ અને તરસથી તરફડિયાં મારીને મરી રહ્યા છે, ઠંડીથી ઠીંગરાઈને પોતાના પ્રાણ ત્યજે છે, સામ્રાજ્યવાદીઓના નૃશંસ અત્યાચારોનો શિકાર બને છે, પણ ધર્માધિકારીઓ આંખો મીંચીને ભગવાનના ધ્યાનમાં ચિત્તને ચોંટાડીને ‘બ્રહ્મ સત્ય જગન્મિથ્યા’ના બરાડા પાડે છે. સ્વામીજીને આવા લોકો પ્રત્યે અત્યંત અણગમો હતો. એટલે જ એમણે હૃદયના આવેગ સાથે કહ્યું હતું: ‘મને એવા ધર્મમાં શ્રદ્ધા નથી કે જે વિધવાઓનાં આંસું લૂછી ન શકે; જે અનાથ બાળકનાં કરુણ રુદનને શાંત ન કરાવી શકે, એવા ધર્મમાં હું શ્રદ્ધા ધરાવતો નથી.’

સ્વામીજીના આ ઉદ્‌ગારોથી એ વાત સ્પષ્ટ છે કે તેઓ ધર્મને જીવનમાં સેવાના રૂપે ઉતરતો જોવા માગતા હતા. એમનું કહેવાનું એ હતું કે જો એક ભૂખ્યા માણસ પાસે તમે ધર્મને લઈ જવા ઇચ્છતા હો તો પ્રવચન કે શાસ્ત્ર ગ્રંથોના રૂપે ન લઈ જાઓ પરંતુ ધર્મને રોટીના ટુકડાના રૂપે લઈ જાઓ. એવી જ રીતે વસ્ત્રવિહોણા મનુષ્ય પાસે ધર્મે વસ્ત્રના રૂપે પહોંચવું જોઈએ. ‘શિવજ્ઞાને જીવસેવા’ આ જ સ્વામી વિવેકાનંદનું સૂત્ર હતું. આ સૂત્ર તેઓ પોતાના ગુરુદેવ શ્રીરામકૃષ્ણનાં ચરણોમાં બેસીને શીખ્યા હતા. એટલે જ એમણે પોતાની માતૃભૂમિના નવજાગરણ માટે કાર્ય કરવા વિશ્વવિખ્યાત એક નૂતન સંન્યાસી સંઘ-રામકૃષ્ણ મિશનની રચના કરી. એનો મુદ્રાલેખ છે : ‘આત્મનો મોક્ષાર્થં જગત્‌ હિતાય ચ’ – ‘પોતાની મુક્તિ અને જગતના કલ્યાણ માટે.’

૪. નારી સન્માન

નારીઓને પોતાના અધિકારોથી વંચિત ન રાખવી જોઈએ. નારી પ્રત્યે સમાદર અને પૂજ્યભાવ જાગ્રત કરવો જોઈએ. સ્વામીજીએ દર્શાવ્યું છે કે પાશ્ચાત્ય દેશો આજે આટલા ઉન્નત થયા છે તે કેવળ એમની નારી સન્માનની ભાવનાનું ફળ છે. પાશ્ચાત્યદેશોમાં નારી અવહેલનાને પાત્ર નથી, ઉપેક્ષિતા કે પરિત્યક્તા નથી, તે સ્વતંત્ર છે, એમને સમાન અધિકાર મળે છે, પુરુષ નારી પ્રત્યે આદરભાવ રાખે છે, આ જ કારણે એ દેશોમાં આટલી પ્રગતિ થઈ છે. પરંતુ અહીં ભારતમાં નારી પુરુષની દાસી છે, તે એની ઉપભોગ્યા છે, તે સંતાનો પેદા કરનારું યંત્ર છે, એટલે ભારતનું અધ:પતન થયું છે. સ્વામીજી કહેતા કે વેદકાળમાં નારી સ્વતંત્ર હતી, એને પુરુષ સમાન અધિકારો મળતા હતા. તેઓ વેદોનો અભ્યાસ કરતી, શાસ્ત્રચર્ચા કરતી અને એમના ઉપનયન સંસ્કાર પણ થતા. એ ભારતનો સુવર્ણયુગ હતો. ધીમે ધીમે નારીને બાંધવાના પ્રયત્ન થયા અને આજે એ શૃંખલાઓમાં સાવ જકડાઈ ગયેલી, નિતાંત અસહાય, પુરુષ મુખાપેક્ષી, ભીરુભામિની બની ગઈ છે. સ્વામીજીએ કહ્યું હતું : જ્યાં સુધી ભારતમાં નારીનું ઉત્થાન નહિ થાય ત્યાં સુધી આ દેશની દુદર્શા દૂર નહિ થાય. એટલે જ દેશના નવજાગરણ માટે નારી જાગ્રત બને એને તેઓ અનિવાર્ય સમજતા હતા. તેઓ પોતાની સમસ્યાઓને ઓળખે અને પોતે જ એનો ઉકેલ શોધી કાઢે એમ તેઓ ઇચ્છતા હતા. નારીની સમસ્યાઓને ઉકેલવામાં પુરુષ પોતાનો હસ્તક્ષેપ કરે એ વાત સ્વામીજીને જરાય પસંદ ન હતી. એટલે એક વાર જ્યારે કોઈએ સ્વામીજીને પૂછ્યું કે આપ વિધવાઓની સમસ્યા કેવી રીતે હલ કરી શકશો? એટલે સ્વામીજી ચૂપ રહ્યા. બીજીવાર એનો એ પ્રશ્ન પૂછ્યો તોય તેઓ મૌન રહ્યા. પણ ત્રીજીવાર જ્યારે પ્રશ્નકર્તાએ પ્રશ્ન દોહરાવ્યો એટલે સ્વામીજીએ એના પર તૂટી પડ્યા : ‘શું હું વિધવા છું કે જેથી તમે મને આ પ્રશ્ન પૂછો છો? તેઓ એટલે સ્ત્રીઓ જ પોતે જ પોતાની સમસ્યાઓ ઉકેલી લેશે. એમને વિચાર કરવાની સ્વતંત્રતા આપો અને એમના માર્ગની આડખીલીઓ દૂર કરી દો. બાકીનું કામ તેઓ પોતાની મેળે કરી લેશે.’ 

સ્વામીજી મનુ સ્મૃતિ (૩.૫૬)નો આ શ્લોક વારંવાર ઉદ્ધૃત કરતા હતા : 

यत्र नार्यस्‍तु पूज्यन्ते रमन्ते तत्र देवता:।
यत्रैतास्‍तु न पूज्यन्ते सर्वास्‍तत्राफला: क्रिया:॥

‘જ્યાં નારીઓનું સન્માન થાય છે ત્યાં દેવો વસે છે, અને જ્યાં નારીઓનું સન્માન થતું નથી એટલે કે તેમની ઉપેક્ષા કે અવગણના થાય છે ત્યાં દેશની ઉન્નતિ માટે બનાવેલી બધી યોજનાઓ નિષ્ફળ જાય છે.’

૫. રાષ્ટ્રદેવતાની ભક્તિ

રાષ્ટ્રદેવતા પ્રત્યેની ભક્તિને સ્વામીજીએ આત્માભિવ્યક્તિના પાંચમા ઉપાયના રૂપે મૂકી છે. એમણે દેશના યુવાનોને મહાન પ્રેરણા આપતાં કહ્યું હતું કે : ‘આગામી ૫૦ વર્ષો માટે આપણું કેવળ એક જ વિચાર કેન્દ્ર હશે, અને તે છે આપણી મહાન માતૃભૂમિ ભારત. બીજા બધા નિરર્થક દેવતાઓને એ સમય સુધી આપણા મનમાંથી લુપ્ત થઈ જવા દો. આપણા રાષ્ટ્રપુરુષ કેવળ એક એવા દેવતા છે કે જે જાગૃત છે, જેના હાથ સર્વત્ર છે, પગ સર્વત્ર છે અને કાન સર્વત્ર છે, જે બધી વસ્તુઓમાં વ્યાપ્ત છે. બીજા બધા દેવતાઓ તો સૂઈ રહ્યા છે. આપણે શા માટે એ વ્યર્થ દેવતાઓની પાછળ દોડતા રહીએ? અને જેમને આપણે ચોતરફ જોઈ રહ્યા છીએ એવા આ દેવતાની, આ વિરાટની પૂજા શા માટે ન કરીએ? જ્યારે આપણે એમની પૂજા કરી લઈશું ત્યારે આપણે બીજા બધા દેવતાઓની પૂજા કરવા યોગ્ય બનીશું.’ (સ્વામીજીએ આ ઉદ્‌ગારો લગભગ ૧૮૯૭માં પ્રગટ કર્યા હતા અને નવાઈની વાત તો જુઓ કે આપણને એ ૫૦ વર્ષોની ભીતર જ આઝાદી મળી ગઈ!) સ્વામીજીનું સમગ્ર વ્યક્તિત્વ ભારતીયતાના તાણાવાણાથી વણાયેલું હતું. પરંતુ એનો અર્થ એ નથી કે તેઓ સીમિત વિચારવાળા હતા કે એમની ભાવનાઓ સંકુચિત હતી. એનાથી ઊલટું એમનું હૃદય સમગ્ર માનવતા માટેનાં સ્પંદનો અનુભવતું. પરંતુ તેઓ પોતાની માતૃભૂમિની અધ:પતનની અવસ્થા પ્રત્યે વિશેષ સજાગ હતા. દેશમાં રાષ્ટ્રિય ચેતનાનો અભાવ જોઈને તેઓ ઘણા ખિન્ન થયા. એટલે ભારતવાસીઓના હૃદયમાં પોતાની માતૃભૂમિ અને પોતાના દેશબંધુઓ પ્રત્યે પ્રેમનું બીજ વાવતાં પુત્રવત્‌ સ્નેહ સાથે એમણે લોકોને સંબોધિત કરતાં કહ્યું હતું: ‘ઓ ભારતવાસી! તું ભૂલતો નહિ કે ભારતનો હલકો વર્ગ, અજ્ઞાની ભારતવાસી, ગરીબ ભારતવાસી, અભણ ભારતવાસી, ભારતનો ચમાર, ભારતનો ઝાડુ મારનારો ભંગી સુદ્ધાં તારા રક્તમાંસનાં સગાંઓ છે, તારા ભાઈઓ છે. હે વીર! તું બહાદુર બન, હિંમતવાન થા, અને અભિમાન લે કે તું ભારતવાસી છે, અને ગર્વપૂર્વક ગર્જના કર, કે હું ભારતવાસી છું, પ્રત્યેક ભારતવાસી મારો ભાઈ છે. તું પોકારી ઊઠ કે, ‘અજ્ઞાની ભારતવાસી, ગરીબ ભારતવાસી, કંગાલ ભારતવાસી, બ્રાહ્મણ ભારતવાસી, અંત્યજ ભારતવાસી, દરેક ભારતવાસી મારો ભાઈ છે!’ તારી કમ્મર પર પહેરવા ભલે માત્ર એક લંગોટી જ રહી હોય, તોપણ ગર્વપૂર્વક ઉચ્ચ સ્વરે તું ઘોષણા કર કે, ‘ભારતવાસી મારો ભાઈ છે, ભારતવાસી મારું જીવન છે, ભારતનાં દેવદેવીઓ મારા ઈશ્વર છે; ભારતનો સમાજ મારી બાલ્યાવસ્થાનું પારણું છે, મારા યૌવનનું આનંદવન છે, મારી વૃદ્ધાવસ્થાની મુક્તિદાયિની વારાણસી છે.’ ભાઈ! પોકારી ઊઠ કે ‘ભારતની ધરતી એ મારું સર્વોચ્ચ સ્વર્ગ છે. ભારતનું કલ્યાણ એ મારું કલ્યાણ છે.’ અને અહોરાત્ર પ્રાર્થના કર કે, ‘હે ગૌરીપતે, હે જગજ્જનની અંબે! તું મને મનુષ્યત્વ આપ! હે સામર્થ્યદાયિની માતા! મારી નિર્બળતાનો નાશ કર, મારી કાયરતાને દૂર હટાવ! મને મર્દ બનાવ!’

Total Views: 48

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.