સ્વામી અમેયાનંદજી મહારાજના લેખનો શ્રી કુસુમબહેન પરમારે કરેલ ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે પ્રસ્તુત છે. – સં.

ભગિની નિવેદિતા કહે છે : ‘શ્રીમા ભારતીય નારી સંબંધે રામકૃષ્ણની અંતિમ વાણી છે.’ નારી એટલે કોણ? ભારતીય નારીની વિશેષતા કઈ? નારીનો આદર્શ કેવો? નારી માટે માતાજીનું માર્ગદર્શન કેવું છે? આવી કેટલીક બાબતો અંગે આ લેખમાં સંક્ષિતપ્તમાં ચર્ચા કરીશ.

નારી એટલે કોણ?

ઈશ્વરની જીવસૃષ્ટિના ઉદ્‌વિકાસમાં ચાર પ્રકારના સજીવો જેવાં કે કોષકેન્દ્ર પ્રજીવ, વનસ્પતિ, અમેરૂદંડી અને મેરૂદંડી જોવા મળે છે. તેમાં મનુષ્ય સર્વશ્રેષ્ઠ જીવ છે. મનુષ્ય જ એક માત્ર સર્વજ્ઞતા અને પૂર્ણતા પામવા માટે સમર્થ છે. ઈશ્વરની આ સૃષ્ટિની પરિકલ્પના એથીયે સુંદર છે. ઈશ્વર પોતે જ પોતાની લીલાનું આસ્વાદન કરવા માટે સ્વયં મનુષ્ય જઈને પુરુષ અને સ્ત્રીના બે વિભાગમાં વહેંચાઈ ગયો. માણસની શારીરિક અને માનસિક રચના પ્રમાણે પ્રકૃતિ અને ક્ષમતા અલગ અલગ હોય છે પરંતુ પુરુષ અને સ્ત્રી એક બીજાના પૂરક છે. તેથી બૃહદારણ્યક ઉપનષિદમાં ઋષિ કહે છે :

‘સઈમમેવાત્માનમ્‌ દ્વેધાપાતયન્ત: પતિશ્ચ પત્ની ચાભવતાંતધ્નાદિદમર્ધ વૃગલમિવસ્વ ઇતિ’ અર્થાત્‌ એક જ આત્મા પોતાને બે વિભાગમાં પતિ અને પત્નીરૂપે વિભાજીત કરે છે. જેમ કે સમુદ્રી છીપ જીવાણુંને બે આવરણ હોય છે. એક આવરણ બીજાનું પૂરક છે. બહારનું આવરણ ન હોય તો છીપમાંનું જીવાણું બચી શકે નહિ. બરાબર એ જ રીતે સ્ત્રી અને પુરુષ વિશે કહી શકાય. આત્મા હિસાબે બંને વચ્ચે કોઈ ભેદ નથી. તેથી ઉપનિષદ કહે છે : ‘ત્વં સ્ત્રી ત્વં પૂમાનસિ ત્વં કુમાર ઉ ત વા કુમારી’ અર્થાત્‌ તમે જ સ્ત્રી, તમે જ પુરુષ, તમે કુમાર અને કુમારી. શારીરિક ભેદ હોવા છતાંય સચ્ચિદાનંદ રૂપ આત્મા માટે કોઈ પ્રકારનો ભેદ સ્વીકારી શકાય નહિ. આમ, નારી પણ અંતે તો સ્વરૂપત: આત્મા છે.

નારીની વિશેષતા

ભારતીય નારીની વિશિષ્ટતા વૈદિકયુગથી માંડીને પૌરાણિક યુગમાં ઐતિહાસિક દૃષ્ટિએ વિશેષ વિશેષ ક્ષેત્રમાં વિદૂષીનારીઓ જેવી કે બ્રહ્મવાદિની વિદૂષીઓ, તપસ્વિની, ધ્યાનપરાયણા, આદર્શપત્ની, આદર્શમાતાના ઘણા જ્વલંત દૃષ્ટાંતો જોવા મળે છે. ઉદાહરણ તરીકે ગાર્ગી, મૈત્રીયે, મદાલસા, સતી ગાંધારી, સીતા, સાવિત્રી, લીલાવતી, રાણી રાસમણિ અને બીજા ઘણા નામનો ઉલ્લેખ કરી શકાય. વાસ્તવમાં ભારતીય નારીનું લક્ષ્ય પોતપોતાના આદર્શ ચરિતાર્થ કરવાની તપશ્ચર્યામાં જ રહેલું હતું. તેથી ભારતીય નારીની વિશેષતા છે તપશ્ચર્યા અને તેનું તપસ્વિની સ્વરૂપ. શ્રીમા કહે છે : ‘દુ:ખ શું કહેવાય તે જીવનમાં કદી સમજાયું નહિ.’ અર્થાત્‌ જીવનમાં કદી દુ:ખનો અનુભવ જ ન થયો! દરેક ભારતીયની એક માત્ર ઇચ્છા હોય છે – મોક્ષપ્રાપ્તિ. તપશ્ચર્યા ગમે તેટલી કષ્ટદાયી હોય તો પણ પરમાનંદ જ ફળ સ્વરૂપે મળે છે. ટૂંકમાં ભારતીય નારીઓની વિશેષતા તેમની પવિત્રતા અને તપશ્ચર્યા છે.

નારીનો આદર્શ

ભારતીય નારીનો આદર્શ સતીત્વ અને પુર્ણ માતૃત્વ છે. રામકૃષ્ણ અવતારમાં શ્રીરામકૃષ્ણે માતૃભાવની ઉપાસના કરી. તેમણે ભૈરવી બ્રાહ્મણીને ગુરુ રૂપે સ્વીકાર્યા અને પોતાની ધર્મપત્નીની માતૃભાવે પૂજા કરી. મનુ યથાર્થ કહે છે : ‘યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા: યત્રૈતાસ્તાન પૂજ્યન્તે સર્વાન્તઆફલા: ક્રિયા:’ અર્થાત્‌ જે દેશમાં સ્ત્રીની પૂજા થાય છે તે દેશમાં દેવતાઓ વાસ કરે છે જ્યાં સ્ત્રીઓની પૂજા થતી નથી ત્યાં બધું જ વૃથા બને છે. સ્વામીજી કહે છે: ‘સ્ત્રીની પૂજા કરીને જ બધા દેશ અને જાતિ મહાન બની છે. જે દેશમાં સ્ત્રીનું સન્માન નથી તે દેશ કદી મહાન બની શકે નહિ. કોઈ કાળે એ સફળ થાય નહિ. તમારું આવું અધ:પતન શા માટે? સ્ત્રીઓની અવગણના કરવાને કારણે અધોગતિ થઈ છે.’ શ્રી શ્રી ચંડીપાઠમાં ઋષિ કહે છે : ‘યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા’ અને શ્રીરામકૃષ્ણ કહે છે : ‘માતૃભાવ અંતિમ અવસ્થા.’ તેથી શ્રીમા શારદા આ માતૃભાવનો મહિમા, ગૌરવ અને માધુર્ય પ્રકાશ કરવા પોતે મા થઈને વિશ્વની સમગ્ર માનવજાતિને માતૃભાવ શીખવી ગયા. આ માતૃભાવ જ વિશ્વની સમસ્ત સમસ્યાઓનું સમાધાન કરી શકે. સૃષ્ટિની વિચિત્રતા એ છે કે નારીશરીર ન હોય તો માતૃભાવ પૂર્ણ રૂપે વિકાસ પામે નહિ. ઈશ્વરની સૃષ્ટિમાં માતા જ માનવસભ્યતાની પ્રણેતા છે. આદર્શ માતા ન હોય તો તે એક આદર્શ શિક્ષક ન થઈ શકે. આદર્શ સંતાન ન કેળવાય તો આદર્શ સમાજ ન રચી શકાય. આ રીતે જોતા પણ માતૃત્વ જ નારીનો આદર્શ અને જીવનની પૂર્ણતા છે.

નારીની સમસ્યા

સ્ત્રીઓની સમસ્યાઓની આલોચના કરતા કહી શકાય કે વૈદિક યુગમાં સ્ત્રીપુરુષની સમોવડી હતી. સ્ત્રી દરેક ક્ષેત્રમાં સમાનપણે સ્વતંત્ર હતી. સમય જતાં સ્ત્રીની સ્વતંત્રતાનો અધિકાર છીનવાઈ ગયો. સ્ત્રીઓની અવગણના થવા લાગી અને તેને અપમાનિત કરવામાં આવી. ઓગણીસમી સદીના અંતમાં ફરી નારીજાગરણના ચિહ્‌નો આપણને જોવા મળ્યા. વર્તમાન યુગમાં દરેક દેશમાં સમાજની તમામ ક્ષેત્રે રાજકીય, આર્થિક, સામાજિક, ધાર્મિક, વ્યક્તિગત ક્ષેત્રમાં સમાન અધિકાર અને સ્વતંત્રતા સ્વાભાવિકપણે આવી રહ્યાં છે. છતાં ય હજુ કંઈક ખૂટે છે. પરિણામે આજે પણ અનેક સામાજિક સમસ્યાઓ જેવી કે દહેજ, સાસરિયામાં અપાતો ત્રાસ, લગ્ન પસંદગી વગેરે જાતજાતના પ્રશ્નોથી સ્ત્રીઓ ઘેરાયેલી છે. ઘણી દુ:ખદાયી સ્થિતિમાં પણ સ્ત્રીઓ સ્વભાવસહજ સહનશીલ હોવાને કારણે પોતાના અધિકાર માટે ચૂપ રહે છે. અલબત્ત આવશ્યક કેળવણીનો પણ અભાવ છે. સ્વતંત્રતા શબ્દનો પ્રયોગ કરતાં પ્રશ્ન ઊઠે કે સ્વતંત્રતા અને અધિકાર કયા અર્થમાં જરૂરી છે? ખરેખર તો દાર્શનિક દૃષ્ટિએ તો અંત: પ્રકૃતિ અને બાહ્ય પ્રકૃતિને જે કાબૂમાં રાખી શકે છે એટલે કે જે દેહ, મન અને બુદ્ધિને વશ ન થાય તે ખરો સ્વાધીન. જે પૂર્ણતા પ્રાપ્ત કરે છે તે જ સ્વાધીન. આ વ્યાખ્યા પ્રમાણે તો પ્રત્યેક પુરુષ અને સ્ત્રી પરાધીન છે. નાગરિકોનો વ્યક્તિગત વિકાસ અને રાષ્ટ્રના કલ્યાણ માટે જે અધિકાર અને સ્વાધીનતા આપવામાં આવે છે તે પણ સીમિત છે કારણ કે સંગઠન માત્રને કેટલાક નિયમોનું પાલન કરવું પડે છે. રાષ્ટ્રના સફળ સંચાલન માટે નિયમો અનિવાર્ય છે. તેથી દેશ, કાળ અને યોગ્યતા પ્રમાણે પૂર્ણ સ્વાધીનતા સાપેક્ષ રહે છે. એટલા માટે જીવનમુક્તિ જ પૂર્ણ સ્વાધીનતા કહેવાય. આવી પૂર્ણ સ્વાધીનતા પામવા તપસ્યા કરવી પડે. તપસ્યા કરવા જતાં પહેલાં આદર્શ પ્રતિ સચેત રહેવું પડે અને આદર્શ પ્રતિ સજાગ રહેવા માટે આદર્શ શિક્ષણની જરૂર પડે છે. આ પ્રકારનું શિક્ષણ સ્વામીજીના શબ્દોમાં કહીએ તો – પ્રત્યેક નરનારીઓનું બ્રહ્મતેજ અને ક્ષાત્રવીર્યનું પ્રગટીકરણ. આ પ્રકારની સજાગતામાં જ બધી સમસ્યાઓનું એક માત્ર સમાધાન મળે છે. દહેજપ્રથા વગેરે સમસ્યાઓ માટે સ્ત્રીઓએ સંઘબદ્ધ થઈને દેશમાં કલ્યાણકારી કાર્યમાં જોડાવું જોઈએ અને પોતાના અધિકાર અને સ્વતંત્રતા મેળવવા એક કાર્યસૂચિ અપનાવવી પડશે. જેમાં પુરુષની સહાય લીધા વગર સ્ત્રીઓ પોતે પોતાના પગ ઉપર ઊભી રહી શકે. આવી પ્રેરણાનો થોડો આભાસ આપણને હાલના આંતરજાતીય નારી વર્ષની ઉજવણીમાં જોવા મળે છે. તેથી હવે હાથ પર હાથ રાખીને બેસી રહેવાનો સમય રહ્યો નથી. શ્રી શ્રીમાએ ગૌરી માને કહ્યું હતું: ‘ગૌરી, તમે બધી સ્ત્રીઓને સમજાવી દો કે તેઓએ કેવળ, રસોડામાં કેળા, વડી વગેરે વ્યંજન બનાવવા જન્મ નથી લીધો. અતિશ્યોક્તિ લાગે તો પણ કહી શકાય કે આજે શિક્ષિત સ્ત્રીઓનો અભાવ નથી છતાંય સ્ત્રીઓના સંગઠન જોવા મળતા નથી. પ્રત્યેક ગામડામાં યુવકો દ્વારા વિવેકાનંદ સંઘ, નેતાજી યુવક સંઘ વગેરે મંડળો ચલાવવામાં આવે છે; પરંતુ શા માટે શ્રીમા શારદા કન્યા સંઘ, રાસમણિ બાલિકા સમિતિ અને માતંગિની મહિલા સંઘ જોવા મળતા નથી? અહીં શિક્ષિત સ્ત્રીઓનું પછાતપણું કારણભૂત નથી લાગતું? પ્રયત્ન કરે તો તેઓ વર્તમાન સમસ્યાની દિશા બદલી શકે નહિ? તેથી તો સ્વામીજીએ માતાજીને કેન્દ્રમાં રાખીને સ્ત્રીમઠ સ્થાપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ સાવધાની રાખવી જોઈએ કે સ્વતંત્રતા ના નામે ક્યાંક સ્વચ્છંદતા ન આવે અને અધિકાર માગતા રખેને સ્વાર્થીપણું ન આવી જાય. નહિ તો ‘ઈતો નષ્ટસ્તતો ભ્રષ્ટ:’ યાદ રાખજો કે આપણે હંમેશાં બંધનથી મુક્ત થવા ઇચ્છીએ છીએ. અર્થાત્‌ અંત:પ્રકૃતિ અને બાહ્ય પ્રકૃતિ પર વિજય મેળવવાનો છે. તેથી મૈત્રેયી કહે છે : ‘યેનાહમ્‌ નામૃત્યસ્યામ્‌ કિમહમ્‌ તેન કુર્યામ્‌?’ જેનાથી અમૃતત્વ પ્રાપ્ત ન થાય તે ભૌતિક વસ્તુને લઈને શું કરું? સમસ્ત સમસ્યાઓનો ઉકેલ આ વાણીમાં જ છે.

શ્રીમાનું યોગદાન

શ્રીમાનું યોગદાન નારી જીવનના દરેક ક્ષેત્રે કઈ રીતે ઉપયોગી થાય તે સમજવા માતાજીના જીવનનું ચિંતન કરવું જોઈએ. નારી તરીકે માતાજીના ચારિત્ર્યમાં આટલી વિશાળતા, આટલી બધી ઉદારતા, કેટલી બધી પવિત્રતા, કરુણા, સહનશીલતા, ક્ષમાશીલતા અને અપાર સ્નેહ. આ બધું કેવળ માતાજીના જીવનમાં જ સંભવી શકે. આ અગાઉ પૃથ્વી પર કોઈ સ્ત્રીમાં આવો અપૂર્વ ભાવનો સમન્વય ક્યારેય જોવા મળ્યો નથી. વિશ્લેષણ કરીએ તો કહી શકાય કે શ્રીમા શારદા દેહધારી માનવી હતા, પ્રેરણાની દેવી અને આદર્શની જનની હતા. આ તાત્પર્યનો અનુભવ કરવો હોય તો શ્રીમા શારદાના જીવનની પ્રત્યેક ઘટનાનું વિશ્લેષણ કરીએ તો જોવા મળે કે તેમણે પોતાના સ્વાર્થ, સામર્થ્ય, માન-પાન છોડીને સંતાનનું કલ્યાણ કરવા પોતાનું અસ્તિત્વ મીટાવી દીધું હતું. દૃષ્ટાંત આપતા કહી શકાય કે સતી સાધ્વી સ્ત્રી તરીકે પોતાના પતિ પાસે કોઈ અધિકાર માગ્યો નહિ ઉલ્ટુ માત્ર સેવા કરવાનો અધિકાર અને ઠાકુરને ઈષ્ટદેવ માનીને હંમેશાં પૂજા કરીને ભારતીય નારીના આદર્શની પરાકાષ્ઠાએ માતાજી પહોંચ્યા. એક વખત એક ભક્તના પ્રશ્નનો ઉત્તર આપતાં કહ્યું હતું કે ઠાકુરને પણ તેઓ સંતાનભાવે જોતાં. આ અંગે વિચારતા મનમાં થાય કે આવું શું સાધારણ મનુષ્યના જીવનમાં સંભવે? એથી દેવી પ્રેરણાથી માતાજીનું જીવન સત્ત્વ અને માતૃભાવ જ યુગ પ્રયોજનનો પૂર્ણ વિકાસ. માતાજીના જીવનનું ચારિત્ર્યનું વર્ણન કરતાં પૂજ્ય સ્વામી અભદાનંદજી મહારાજના સ્તોત્રમાંથી એક શ્લોક મૂકું છું. જેના દ્વારા માતાજીનું સ્વરૂપ સમજાય છે: ‘પવિત્રં ચરિતં યસ્યા પવિત્રં જીવનં તથા પવિત્રતા સ્વરૂપિણ્યે તસ્યૈ દૈવ્યે નમો નમ:’. અર્થાત્‌ જેમનું ચરિત્ર પવિત્ર અને જીવન પવિત્ર, તે પવિત્રતા સ્વરૂપિણી દેવીને વારંવાર પ્રણામ કરું છું. આચરણ કરતા જે પામીએ તે જ ચારિત્ર્ય. શ્રીમાના સમગ્ર જીવનમાં પતિવ્રતા ધર્મનું આચરણ જોવા મળે છે. એમના જીવનનો આધાર જ આટલો નહિ તો પ્રાણ બચી શકે નહિ. જેમ માછલી પાણી વિના જીવી શકે નહિ તેમ પવિત્રતા જ માતાજીના જીવનો પ્રાણ-સર્વસ્વ સાર. શ્રીમા તેથી જ પવિત્રતા સ્વરૂપિણી કહેવાય છે. વિશ્વમાં સૌથી પવિત્ર આપણી મા છે. માતાજી પવિત્રતા સ્વરૂપિણી હોવાથી વિશ્વજનની બન્યાં. માતાજીના વિશ્વમાતૃત્વનો ઉલ્લેખ કરતાં માતાજીની વાણી યાદ આવે છે : ‘હું સતની મા, અસતની પણ મા. શરત મારો દીકરો તેમ અમજાદ પણ મારો દીકરો.’ કેવળ માત્ર કહેવા પૂરતું જ નહિ પરંતુ બાળપણથી માંડીને લીલા સંવરણ સુધી આ એક જ ભાવ રહ્યો! તેઓ એક મા હતાં, રામકૃષ્ણ સંઘની કલ્પનાનું બીજ શ્રીઠાકુરે સ્વામીજી પાસે રોપ્યું હતું. સ્વામીજીએ બીજનું સિંચન કર્યું અને માતાજીએ સંઘરૂપી વટવૃક્ષનું રક્ષણ કર્યું. માતાજી સંઘજનની રૂપે સંઘ ધારક અને વાહક બન્યાં. આના મૂળમાં શ્રીમાનો ત્યાગ, ક્ષમા, સહનશીલતા, સ્નેહ, કરુણા, સંઘના આરંભકાળમાં કાર્યશીલ હતાં; અત્યારે પણ છે અને ભવિષ્યમાંપણ રહેશે. ભગિની નિવેદિતાની ઉક્તિ વારંવાર મનમાં માતાજીનો મહિમા યાદ કરાવે છે: શ્રીમાના સાંનિધ્ય આપણને પવિત્ર બનાવે છે. શ્રીરામકૃષ્ણ ઇચ્છતા કે આપણે તેમના જેવા થઈએ.

આ રીતે વિચારતા લાગે છે કે શ્રીમા શારદા કેવળ ભારતની નારીનો આદર્શ જ નથી પરંતુ આખાય વિશ્વની નારીના આદર્શ સ્થાને છે. પૂર્વ અને પશ્ચિમની સ્ત્રીઓના આદર્શ માટે માતાજીનો આદર્શ વિશેષપણે જરૂરી છે. પૂજ્યપાદ પ્રેમાનંદ મહારાજની વાતમાં આ જ ભાવ સ્પષ્ટ થાય છે: ‘શ્રીમાને કોણ સમજી શકે? તમે સીતા, સાવિત્રી, વિષ્ણુપ્રિયા, શ્રીમતી રાધારાણી વગેરેની વાતો સાંભળો છો પરંતુ મા તો આ બધા કરતાંય કેટલા ઊંચા આસને વિરાજમાન છે. લેશ માત્ર ઐશ્વર્ય નહિ. ઠાકુરમાં તો વિદ્યાનું ઐશ્વર્ય હતું તેમની ભાવસમાધિ વિશે અમે તો નાની ઉંમરથી જાણ્યું છે. કેટલીય વાર જોયું છે પરંતુ માતાજીનું વિદ્યાનું ઐશ્વર્ય પણ લુપ્ત. આ કેવી મહાશક્તિ. જય મા, જય મા! જય શક્તિમયી મા! જુઓ છો ને કેટલા લોકો દોડી આવે છે. જે વિષ પોતે હજમ કરી શકતા નથી તે બધું મા પાસે મોકલી આપીએ છીએ. માતાજી બધાને ખોળામાં લઈ લે છે. અનંતશક્તિ – અપાર કરુણા. જય મા! અમારી શી વાત કરવી! સ્વયં ઠાકુરને પણ એમ કરતાં અમે જોયા છે. શું જોઈએ છીએ? અદ્‌ભુત! અદ્‌ભુત! બધાને આશ્રય આપે છે અને બધું હજમ થઈ જાય છે. મા, મા! તેથી જોવા મળે છે કે સમાજના તમામ સ્તરના લોકો માતાજીની કરુણાથી વંચિત રહ્યા નથી. ખાસ કરીને સ્વામીજી ઇચ્છતા હતા કે વનનું વેદાંત ઘરમાં લઈ જવું. શ્રી શ્રી સારદાનું જીવન આ ભાવનું મૂર્ત સ્વરૂપ અને વાસ્તવિકતા સમું હતું. આ યુગમાં માનવી, દેવી અને જનનીના આ ત્રણ ભાવ સમન્વયમાં દશ હજાર વર્ષનું શુદ્ધ વેદાંત સાધનાના ચાર પ્રકારના વર્ણાશ્રમધર્મના સિદ્ધિ સ્વરૂપ માતાજી હતા! આત્યંતિક દુ:ખ નિવૃત્તિ અને પરમાનંદ પ્રાપ્તિએ જીવનમુક્તિની અવસ્થા – જે આપણી કલ્પનાની બહાર – શ્રીમાનું જીવન આવી અવસ્થાનું જાજ્વલ્યમાન દૃષ્ટાંત છે. તેથી માતાજીને સમજવા માટે ભારતીય નારીની વિશિષ્ટતા, તપસ્યા અને પવિત્રતા જ હોવી જોઈએ. આ પ્રવાહમાં જીવન પ્રવાહિત કરવું પડશે. અર્થાત્‌ શ્રીમાનું જીવન ભાવી નારી સમાજનો આદર્શ બનશે તેનાથી જ પૃથ્વી પર કલ્યાણ, શાંતિ આવશે. જય મા! 

જનનીં શારદાં દેવીં રામકૃષ્ણ જગદ્‌ગુરું ।
પાદપદ્મે તયો શ્રિત્વા પ્રણામામિ મુહુર્મુહુ: ॥

Total Views: 65

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.