વહીવટ

રામકૃષ્ણ મઠનો વહીવટ ટ્રસ્ટીઓનું મંડળ (બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ) કરે છે. ટ્રસ્ટી મંડળના ચુંટાયેલા પ્રમુખ હોય છે, એક કે વધારે ઉપપ્રમુખો હોય છે, મુખ્ય મંત્રી (જનરલ સેક્રેટરી), એક કે વધારે સહાયક મંત્રીઓ અને કોષાધ્યક્ષ હોય છે.

રામકૃષ્ણ મઠના ટ્રસ્ટીઓનું બનેલું મંડળ (ગવર્નિંગ બોડી) રામકૃષ્ણ મિશનનો વહીવટ કરે છે. બેલુડ મઠને નામે ઓળખાતા બેલુડ સ્થિત રામકૃષ્ણ મઠનું મુખ્ય કાર્યાલય જ રામકૃષ્ણ મિશનનું મુખ્ય કાર્યાલય છે.

મુખ્ય કાર્યકારી તરીકે કાર્ય કરતા મુખ્ય મંત્રીને સંબોધીને બધો પત્રવ્યવહાર કરવામાં આવે છે.

રામકૃષ્ણ મઠની શાખાના અધ્યક્ષ તરીકે ટ્રસ્ટીઓએ નીમેલ અધ્યક્ષ હોય છે. રામકૃષ્ણ મિશનની શાખાના કેન્દ્રનો વહીવટ રામકૃષ્ણ મિશન નિયુક્ત કાર્યવાહક મંત્રી મંડળ સંભાળે છે. એ શાખાના અધ્યક્ષનું પદ એ મંડળના મંત્રી સંભાળે છે.

વિચારસરણી

શ્રીરામકૃષ્ણે અનુભવેલ, જીવનમાં જીવી બતાવેલ તથા સ્વામી વિવેકાનંદે પ્રબોધેલ વેદાંતના સનાતન સિદ્ધાંતો રામકૃષ્ણ મઠ અને મિશનની વિચારસરણી છે. આ વિચારસરણીની ત્રણ લાક્ષણિકતાઓ છે : વેદાંતના પ્રાચીન સિદ્ધાંતોને અર્વાચીન પરિભાષામાં મૂકવામાં આવ્યા હોઈ એ અર્વાચીન છે; એ વૈશ્વિક છે કારણ, એ સમગ્ર માનવજાત માટે છે; રોજિંદા જીવનની સમસ્યાઓના ઉકેલ માટે એનો ઉપયોગ થતો હોઈ, એ વ્યવહારુ છે. આ વિચારસરણીના મુખ્ય સિદ્ધાંતો નીચે આપવામાં આવ્યા છે :

૧. જીવનનું અંતિમ ધ્યેય ઈશ્વરપ્રાપ્તિ છે : પ્રાચીન ભારતમાં થયેલી અગત્યની ખોજ અનુસાર બ્રહ્મ નામે ઓળખાતી અનંત ચેતનામાંથી આ વિશ્વ ઉદ્‌ભવ્યું છે અને એ જ ચેતના એને ધારણ કરે છે. એના વ્યક્ત અને અવ્યક્ત બંને રૂપો છે. ગોડ, ઈશ્વર, જીહોવાહ ઈ. વિવિધ નામે એને ઓળખવામાં આવે છે. આ પરમ સત્યનો સાક્ષાત્કાર જીવનનું સાચું ધ્યેય છે, કારણ કે કેવળ એ જ આપણને શાશ્વત સુખ અને શાંતિ આપી શકે છે.

૨. આત્માની ભીતર રહેલ દિવ્યતા : બ્રહ્મ બધાં પ્રાણીઓમાં આત્મા તરીકે નિવસે છે; એ જ એ પ્રાણીનું સાચું સ્વરૂપ અને બધાં સુખનું મૂળ છે. પરંતુ અજ્ઞાનને લઈને જીવ પોતાની જાતને પોતાના દેહ અને મન સાથે એકરૂપ માને છે અને ઇન્દ્રિયસુખ પાછળ દોડે છે. સર્વ અનિષ્ટ અને પીડાનું મૂળ એ છે. અજ્ઞાન દૂર થતાં આત્મા વધારે ને વધારે આવિષ્કૃત થતો જાય છે. આ ભીતર રહેલ દિવ્યતાનું પ્રગટીકરણ સાચા ધર્મનું મૂળ તત્ત્વ છે.

૩. યોગોનું સંશ્લેષણ : યોગ દ્વારા અજ્ઞાનનો નાશ થાય છે. ઈશ્વર-સાક્ષાત્કાર ભણી લઈ જતી દિવ્યતાનો ઉદય થાય છે. મુખ્ય યોગો ચાર છે : જ્ઞાનયોગ, ભક્તિયોગ, રાજયોગ અને કર્મયોગ. દરેક યોગ ઈશ્વરને પામવાનાં સ્વતંત્ર માર્ગ છે. પરંતુ, બુદ્ધિ, ઊર્મિ કે ઇચ્છાશક્તિ જેવી શક્તિનો વિકાસ દરેક યોગમાં આવશ્યક છે તેથી સંતુલિત, ‘પૂર્ણપણે કાર્યરત’ વ્યક્તિત્વની ખિલવણી માટે આ ચારેય યોગનું સંયોજન આવશ્યક છે. સ્વામી વિવેકાનંદ યોગોના આ સંશ્લેષણને રામકૃષ્ણ મઠ અને મિશનનો આદર્શ માનતા. એ બે સંસ્થાઓના મુદ્રાચિહ્‌નમાં એ આદર્શ વ્યક્ત થાય છે.

સ્વામી વિવેકાનંદે જ એ મુદ્રા ચિહ્‌ન ઘડ્યું હતું. એ મુદ્રા ચિહ્‌નમાંના જળતરંગો કર્મયોગ નિર્દેશે છે; કમળનું ફૂલ ભક્તિયોગ નિર્દેશે છે; ઊગતો સૂર્ય જ્ઞાનયોગનું પ્રતીક છે; સર્પ રાજયોગ નિર્દેશે છે અને હંસ પરમાત્માનું પ્રતીક છે. આ સંયોજનનો અર્થ છે; ચારેય યોગોના સંશ્લેષણથી પરમાત્માને પામી શકાય છે.

૪. શક્તિ આધારિત નીતિ : સ્વામી વિવેકાનંદના મત અનુસાર જીવનમાં અનિષ્ટનું અને દુ:ખનું મુખ્ય કારણ નિર્બળતા છે અને આત્મા તરીકેની સ્વરૂપની સાચી ઓળખનું અજ્ઞાન તે નિર્બળતાનું કારણ છે. આપણી નિર્બળતાને દૂર કરીને સદ્‌ગુણભર્યું જીવન જીવવાનું અસાધારણ બળ આપણને આત્મજ્ઞાન આપે છે. દરેકમાં ખૂબ અંતર્નિહિત શક્તિઓ રહેલી છે પરંતુ, ભય અને નિર્બળતાને કારણે એમાંની ઘણી શક્તિઓ અપ્રગટ જ રહે છે. આત્માના જ્ઞાન દ્વારા ભય અને નિર્બળતા ઉપર વિજય મેળવાય ત્યારે આ શક્તિઓ આવિષ્કાર પામે છે. આ પ્રક્રિયાને સ્વામીજી ‘માનવ ઘડતરની કેળવણી’ કહેતા.

૫. ધર્મોની સંવાહિતા : ‘સત્ય એક જ છે અને લોકો એને જુદે જુદે નામે ઓળખે છે’ (વેદો) અને, ‘વિભિન્ન આધ્યાત્મિક પથો એક જ ધ્યેયે લઈ જાય છે’ (ગીતા), એ વિચારો હિંદુ શાસ્ત્રોમાં સાંપડે છે અને કેટલાય હિંદુ સંતોએ પણ તેમનું પુનરુચ્ચારણ કર્યું છે, છતાં પ્રત્યક્ષ અનુભૂતિ દ્વારા બધા ધર્મોમાં અનુસ્યૂત એક્તાનું નિદર્શન કરનાર પ્રથમ ઐતિહાસિક પુરુષ શ્રીરામકૃષ્ણ હતા. એમના સંદેશનો મર્મ બે પ્રકારની ધાર્મિક સંવાદિતા નિર્દેશે છે : હિંદુ ધર્મમાં સંવાદિતા અને જગતના ધર્મોમાં સંવાદિતા.

ક. હિન્દુ ધર્મમાં સંવાદિતા : હિંદુ ધર્મના કોઈપણ એક સંપ્રદાય સાથે શ્રીરામકૃષ્ણે પોતાની જાતને જોડી ન હતી, પણ હિંદુ ધર્મનો સમગ્રતયા સ્વીકાર કર્યો હતો. દ્વૈત, અદ્વૈત અને હિંદુ દર્શનશાસ્ત્રના બીજા ફાંટાઓ સત્યની પૂર્ણ અનુભૂતિના વિવિધ અંશો નિદર્શે છે અને જુદા જુદા હિંદુ દેવો પરમ પ્રભુનાં જુદાં જુદાં પાસાંઓ છે. હિંદુ સંપ્રદાયોમાં એમના સંદેશે ઘણી એક્તા આપી છે અને શ્રીરામકૃષ્ણ પોતે હિંદુ ધર્મની એક્તાનું પ્રતીક બની ગયા છે.

ખ. જગતના ધર્મોમાં સંવાદિતા : ધર્મોમાં રહેલા ભેદોનો સ્વીકાર શ્રીરામકૃષ્ણે કર્યો હતો તે સ્વીકારવું જ જોઈએ પણ આ ભેદો છતાંયે એ સૌ એક જ અંતિમ ધ્યેય ભણી લઈ જાય છે, તે તેમણે દર્શાવ્યું હતું. તેમની પ્રખ્યાત ઉક્તિ ‘યતો મત, તતો પથ’ નો અર્થ છે – જેટલા મત તેટલા પથ.

સ્વામી વિવેકાનંદ પણ માનતા હતા કે જગતના ધર્મો એક સનાતન વૈશ્વિક ધર્મનાં સ્વરૂપો છે. આધ્યાત્મિક જગતનાં બધાં સત્યો અને સિદ્ધાંતો વેદાંતમાં સમાયેલાં છે. એટલે સ્વામીજી વેદાંતને સનાતન વૈશ્વિક ધર્મ ગણતા. અર્થાત્‌, બધા ધર્મોની સમાન ભૂમિકા વેદાંત બની શકે.

૬. શ્રીરામકૃષ્ણ અવતાર હોવા વિશે : હિંદુ ધાર્મિક પરંપરા અનુસાર પ્રત્યેક યુગને અનુરૂપ નવો સંદેશ મનુષ્યજાતને આપવા ભગવાન દરેક યુગમાં અવતાર ધારણ કરે છે. રામકૃષ્ણ આંદોલનમાં શ્રીરામકૃષ્ણને અર્વાચીન યુગના અવતાર તરીકે પૂજવામાં આવે છે. એમના જીવને અને બોધે માનવજાતની મુક્તિ માટે નવો માર્ગ ખોળી આપ્યો છે એટલો જ એનો અર્થ છે. શ્રીરામકૃષ્ણના અવતારની વિશેષતા એ છે કે અગાઉના અવતારો અને પયગંબરોની આધ્યાત્મિક ચેતનાને એ મૂર્તિમંત કરે છે, એમાંના કેટલાક હિંદુ ધર્મના ક્ષેત્રની બહારના પણ છે અને બધા ધર્મોની પરંપરા સાથે એ સંવાદ જાળવી રાખે છે. બધા અવતારો અને બધા ધર્મસંસ્થાપકો પ્રત્યે પૂજ્યતાનો આદર્શ રામકૃષ્ણ મઠનાં બધાં કેન્દ્રો દાખવે છે.

૭. કાર્યની નવી ફિલસૂફી : અર્વાચીન જગતને સ્વામી વિવેકાનંદે કાર્યની નવી ફિલસૂફીની ભેટ આપી છે. રામકૃષ્ણ મઠ અને મિશનનું બધું કાર્ય એ ફિલસૂફી અનુસાર થાય છે. એ ફિલસૂફીનો આધાર નીચેના સિદ્ધાંતો છે.

ક. બધાં કાર્ય પવિત્ર છે : વેદાંત અનુસાર ભૌતિક વિશ્વ વિરાટ નામે ઓળખાતા ઈશ્વરનો આવિષ્કાર છે. એટલે ભગિની નિવેદિતાએ જણાવ્યા પ્રમાણે ‘ધાર્મિક અને ધર્મનિરપેક્ષ વચ્ચે કશું અંતર નથી.’ બધું કાર્ય પવિત્ર છે એટલો જ આ કથનનો અર્થ છે. મંંદિરમાંના કાર્યના જેટલાં જ પવિત્ર છે. ધ્યાનભક્તિપૂર્વક ઝાડુ મારવાનું અને જોડા સાધવાનું કામ છે.

ખ. કર્મ ભક્તિ છે : (૧૮ : ૪૬, ૯.૨૪માં) ગીતા કહે છે કે સર્વવ્યાપી વિભુ બધાં કર્મનું મૂળ છે અને સર્વ યજ્ઞફલનો ભોક્તા છે. તો સકલ કર્મ ભક્તિ સમજીને કરવાનું અને કર્મનું ફળ ઈશ્વરાર્પિત કરવાનું.

ગ. જનસેવા પ્રભુસેવા છે : ‘શિવજ્ઞાને જીવસેવા’નો અગત્યનો સિદ્ધાંત પોતાના ગુરુ પાસેથી સ્વામી વિવેકાનંદ શીખ્યા હતા. માનવી અંતર્નિહિત દૃષ્ટિએ દેવ છે માટે, જનસેવા એ જ પ્રભુસેવા છે. જરૂરતમંદ માણસ પ્રત્યે દયાભાવથી જોવાને બદલે એને પૂજ્ય ભાવથી જોવો જોઈએ. આવો અભિગમ દેનાર અને લેનાર બેઉને ઊંચે ચડાવે છે.

ઘ. ગરીબો અને પતિતોની સેવા પર લક્ષ : ગરીબો અને પતિતો માટે ભારતમાં પ્રથમ અવાજ ઉઠાવનાર સ્વામી વિવેકાનંદ હતા અને એમણે હિંમતપૂર્વક કહ્યું છે, ‘ગરીબોમાં, નિર્બળોમાં અને રોગીઓમાં જે ઈશ્વરને જુએ છે તે જ શિવની સાચી પૂજા કરે છે; ને…. શિવને માત્ર મંદિરમાં જોનારના કરતાં આવા માનવી પર શિવ વધુ પ્રસન્ન રહે છે.’ ‘દરિદ્રનારાયણ’ શબ્દ સ્વામીજીએ ઘડ્યો હતો. રામકૃષ્ણ મિશનના સેવાકાર્યક્રમો પાછળનો માર્ગદર્શક સિદ્ધાંત દરિદ્રો માટેનાં સ્વામીજીનાં આ પ્રેમ અને લાગણી છે.

ચ. કર્મ આધ્યાત્મિક સાધના છે : ઉપર જણાવેલા ભાવને લક્ષમાં રાખીને કરાતું કોઈપણ કર્મ આધ્યાત્મિક સાધના છે; એથી મન વિશુદ્ધ બને છે અને આત્માની ભીતર રહેલ પ્રભુ વિશેષ ને વિશેષ પ્રગટ થાય છે. આમ ભક્તિપૂર્વકની સેવાનું કાર્ય કરનારને આધ્યાત્મિક લાભ બક્ષે છે; એ આધ્યાત્મિક સાધના અથવા યોગ જ બને છે. કર્મને આમ કર્મયોગ સમજીને જ ગરીબોને ખાવાની અને કપડાં આપવાની, માંદાંઓની માજવત કરવાની અને એવી બીજી ઘણી સેવાપ્રવૃત્તિઓ રામકૃષ્ણ મિશન દ્વારા કરવામાં આવે છે. આમ શિવજ્ઞાને કરેલી જીવસેવા બે રીતે મદદરૂપ થાય છે : જે વ્યક્તિની દૈહિક કે માનસિક સેવા થાય છે તે સેવ્યને અને આધ્યાત્મિક રીતે તે સેવા કરનાર, સેવકને સહાયરૂપ થાય છે.

મુદ્રાલેખ :

સેવાના આ દ્વિવિધ હેતુને રામકૃષ્ણ મઠ અને મિશનની વૈશ્વિક વિચારણાને आत्मानौ मोक्षार्थं जगद्‌हिताय च- એ મઠ-મિશનના મુદ્રાલેખમાં ‘પોતાના આત્માની મુક્તિ માટે અને જગતના હિતને માટે’માં સરસ વણી લેવામાં આવ્યો છે. એ મુદ્રાલેખ સ્વામી વિવેકાનંદે ઘડ્યો છે.

જીવનશૈલી રૂપે સેવા

ઉપર નિર્દેશેલી રામકૃષ્ણ મઠ અને મિશનની વિચારસરણી એમની અનેકવિધ પ્રવૃત્તિઓ દ્વારા વ્યક્ત થાય છે. શિક્ષણ, સ્વાસ્થ્ય, ગ્રામવિકાસ, સ્વનિર્ભરતા, નારી અભ્યુદય, ધર્મધર્મ વચ્ચેની સમજણ, નૈતિક જીવન, આધ્યાત્મિક માર્ગદર્શન અને આપત્તિ સમયની સેવા જેવી માનવ જરૂરિયાતોનો અને સમાજકલ્યાણનાં વિવિધ ક્ષેત્રોને આ પ્રવૃત્તિઓ આવરી લે છે. આ સઘળી પ્રવૃત્તિઓ જીવમાં વસી રહેલા શિવની સેવા રૂપે કરવામાં આવે છે.

રામકૃષ્ણ મઠ અને મિશનમાં કોઈ નિયત સમયે કરવામાં આવતી નિયત પ્રવૃત્તિ પૂરતી સેવાને મર્યાદિત રાખવામાં નથી આવતી; એ જીવનરીતિ છે. સંન્યાસીઓ બાહ્ય સમાજમાં સેવારત હોતા નથી ત્યારે સંન્યાસી સમાજમાં તેઓ સેવારત હોય છે. અને આને સમયની કે વયની મર્યાદા નથી હોતી. માંદગીને કે વયને કારણે તદ્દન અશક્ત ન થઈ જાય ત્યાં સુધી સંન્યાસીઓ વિવિધ સેવાકાર્યોમાં વ્યસ્ત રહે છે. નેવ્યાશી વર્ષની વયે પણ રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ મહારાજ વિવિધ સેવાકાર્યો કરે છે.

રામકૃષ્ણ મઠ-મિશનમાં અનુસરાતી સેવામય જીવનપ્રવૃત્તિનાં કેટલાંક વ્યાવર્તક લક્ષણો છે. એમાંનાં થોડાંક અહીં નીચે નિર્દેશવામાં આવ્યાં છે.

૧. નિ:સ્વાર્થતા, ત્યાગ, પ્રેમ : નિ:સ્વાર્થતા કે સ્વાર્થહીનતા પવિત્ર ત્રિપુટીનો અગત્યનો બોધ છે અને, કર્મ, ભક્તિ અને જ્ઞાનના ત્રણ મુખ્ય અધ્યાત્મ પંથોનું એ પહેલું કદમ છે. શ્રીરામકૃષ્ણના સંન્યાસીઓ પોતાના સંઘને શ્રીરામકૃષ્ણનો આધ્યાત્મિક દેહ માને છે અને સંઘના સામુહિક સંકલ્પમાં પોતાના વ્યક્તિગત અહંને ડુબાડી દેતાં શીખે છે. વિશેષમાં પોતાનું બધું કર્મ અને તેનું ફળ ઈશ્વરની ભક્તિ તરીકે સમર્પિત કરવામાં આવે છે. રામકૃષ્ણ મઠ-મિશનના વ્યક્તિગત સભ્યો પોતાનાં કાર્યો માટે વ્યક્તિગત જશની આશા રાખતા નથી; બધો યશ સંઘને જ સમર્પિત કરે છે. એ લોકો સેવાકાર્યમાં પ્રવૃત્ત આત્મપ્રશંસા માટે નહિ પણ પરમાત્માના ‘મહત્તર વૈભવ’ માટે પ્રવૃત્ત થાય છે. રામકૃષ્ણ સંન્યાસીઓ જ્ઞાનમાર્ગને અનુસરે છે અને આત્મ પૃથક્કરણના અભ્યાસ દ્વારા, પોતાની જાતને પ્રત્યગાત્મા સાથે એકરૂપ માનતાં શીખે છે, એ પ્રત્યગાત્મા બધાં ચિંતનનો અને કર્મનો આંતરસાક્ષી છે. આ સર્વ સાધનો દ્વારા એ નિ:સ્વાર્થી અને નિરહંકારી બનતાં શીખે છે.

અગાઉ ઉલ્લેખ્યા પ્રમાણે રામકૃષ્ણ આંદોલનમાં અનુસરાતા સેવાના આદર્શના પાયામાં ‘શિવજ્ઞાને જીવસેવા’ મંત્ર રહેલો છે. પરંતુ, ભક્તિની ભાવનાથી સૌની, વિશેષ કરીને દરિદ્રોની અને રોગીઓની સેવા કરવાનું સહેલું નથી. સેવા કરનારના સમયનો, એની શક્તિનો, એના આરામનો એમ અનેક પ્રકારનો ભોગ સેવાનો આદર્શ માગે છે. રામકૃષ્ણ પ્રવૃત્તિના સભ્યો કશા બદલાની, કીર્તિની કે પ્રશંસાની અપેક્ષા વગર આ ત્યાગ કરે છે તેથી જ તેમની સેવા સાચી બને છે.

સેવા અને ત્યાગનું પ્રેરક બળ પ્રેમ છે. રામકૃષ્ણ મિશન અને મઠમાંથી ઝરતો પ્રેમ દિવ્ય પ્રેમ છે – શ્રીરામકૃષ્ણ, પૂજ્ય શ્રી મા અને સ્વામી વિવેકાનંદનો મનુષ્યજાતિ માટેનો વિશુદ્ધ, અવિનાશી પ્રેમ છે. સંન્યાસી બાંધવોને અને ગૃહસ્થ ભક્તોને જોડતું પરિબળ આ દિવ્ય પ્રેમ છે.

૨. સ્વતંત્રતા, સમાનતા, બંધુતા : મનુષ્યજાતિ જે ત્રણ મહાન આદર્શોનાં સદીઓથી સ્વપ્નો સેવી રહી છે અને ગાણાં ગાઈ રહી છે તે રામકૃષ્ણ મઠ અને મિશનનાં વર્તુળોમાં, શાંત અને કોઈને નડતરરૂપ બન્યા સિવાય સામાજિક સત્ય પુરવાર થઈ રહ્યાં છે. સ્વામી વિવેકાનંદ અનેક વાર ઉચ્ચારતા, ‘વિકાસની પહેલી શરત સ્વતંત્રતા છે.’ ધાર્મિક જડતામાંથી, અસહિષ્ણુતામાંથી મુક્તિ; ધિક્કાર અને વહેમોમાંથી, ધાર્મિક, સામાજિક અને જાતિગત પૂર્વગ્રહોમાંથી મુક્તિ, ટૂંકમાં વિચાર અને શ્રદ્ધાની સ્વતંત્રતા – આ રામકૃષ્ણ આંદોલનના કેન્દ્રમાં છે. નાતના, જાતના કે ધર્મના ભેદ વિના, બધાં લોકોનું કલ્યાણ રામકૃષ્ણ મઠ-મિશનની પ્રવૃત્તિનું લક્ષ્ય છે. રાય અને રંક, બ્રાહ્મણ અને હરિજન, હિંદુઓ, મુસલમાનો, ખ્ર્રિસ્તીઓ – સીૈને એક જ માતાપિતાનાં સંતાનો ગણવામાં આવે છે. સામાજિક સમાનતા ‘નીચે ખેંચીને’ નહીં પણ ‘ઊંચે ચડાવીને’, અર્થાત્‌, જે લોકો ઉપલે સ્તરે છે તેમને નીચે પછાડીને નહીં પણ નીચલા સ્તરના લોકોને આગળ વધારીને સામાજિક સમાનતા લાવવાની છે એ વિવેકાનંદી મતને આ સંસ્થાઓ અનુસરે છે.

૩. ઉત્તમત્વ, પ્રાવીણ્ય, સામુહિક કાર્ય : સામાન્ય રીતે આ ત્રણ ગુણો વેપારી સાહસો સાથે જોડવામાં આવે છે, પરંતુ રામકૃષ્ણ મઠ અને મિશન તરફથી થતી બધી પ્રવૃત્તિઓ પાછળના એ માર્ગદર્શક સિદ્ધાંતો છે. બધું કાર્ય ભક્તિ તરીકે કરવામાં આવતું હોઈ અને ભગવાનને ઉત્તમ વસ્તુઓ જ ધરાવાની હોઈ, રામકૃષ્ણ મઠ અને મિશનના સભ્યો, પોતાને સોંપાતા કાર્યને ઉત્તમ રીતે કરવા પ્રયત્નશીલ રહે છે. કશો બગાડ ન થાય કે નુકસાન ન થાય તેની કાળજી રાખવામાં આવે છે. સંસ્થાઓના અને સંસ્થાવાસીઓના નિભાવ માટે ઓછામાં ઓછા આવશ્યક દ્રવ્યને વાપર્યા પછી બધું જ દ્રવ્ય સમાજના અભ્યુદય માટે વપરાય છે. વળી, સંન્યાસી સંઘની ભ્રાતૃભાવનાથી સંતો બંધાયેલા હોઈ, ટીમ તરીકે કામ કરવું તેમને માટે સરળ અને સ્વાભાવિક થઈ પડે છે. રામકૃષ્ણ મિશનના કાર્યની સફળતામાં આ બાબતનો મોટો ફાળો છે.

૪. સત્યપ્રિયતા, પ્રામાણિકતા, પારદર્શિતા : પ્રજાના દાનમાંથી અને સરકારી અનુદાનમાંથી મોટા ભાગનાં નાણાં આવતાં હોઈ રામકૃષ્ણ મિશન આવકજાવકના હિસાબ બાબત પૂરી કાનૂની રસમોનું ચૂસ્તપણે પાલન કરે છે. એના હિસાબોનું નિયમિત ઓડિટ થાય છે અને એ હિસાબો લોકો સમક્ષ રજૂ કરાય છે. આર્થિક બાબતોમાં પારદર્શિતા રામકૃષ્ણ મિશનની ગુણવત્તાની અધિકૃત છાપ છે.

૫. રાજકારણથી અલિપ્ત સામાજિક જવાબદારી : ‘કલ્યાણ રાજ્ય’ના સિદ્ધાંતને અનુસરતા લોકશાહી દેશમાં કોઈપણ પ્રકારની સમાજસેવામાં સરકાર સાથે કામ પાડવાનું આવે જ છે. પરંતુ માનવજાતની આધ્યાત્મિક જાગ્રતિના ધ્યેયવાળી આધ્યાત્મિક સંસ્થા હોઈને, રામકૃષ્ણ મિશન સક્રિય રાજકારણથી અને રાજકીય જોડાણથી પૂરું અલિપ્ત રહે છે.

Total Views: 57

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.