બ્રાહ્મણરૂપી ઝેરી નાગ

સ્વામીજી હિંદુત્વની શુદ્ધિ માટે આગળ આવ્યા હતા અને એમનું મુખ્યક્ષેત્ર ધર્મ હતું. પરંતુ ધર્મ અને સંસ્કૃતિ તે બંને પરસ્પર એક બીજાનો સ્પર્શ કરીને ચાલતાં રહે છે. ભારતવર્ષમાં રાષ્ટ્રિય પતનનાં કેટલાંક કારણોમાં આર્થિક અને રાજનૈતિક કારણ પણ હતાં. પરંતુ કેટલાંક કારણો એવાં હતાં કે જેનો ધર્મ સાથે સંબંધ હતો. એટલે સ્વામી વિવેકાનંદે ભારતીય સમાજની આવશ્યકતાઓને નજર સમક્ષ રાખીને ધર્મને પરિષ્કાર કરવાનો આરંભ કર્યો. આ પ્રક્રિયામાં એમણે આકરામાં આકરી અને કડવામાં કડવી વાતો ઘણી નિર્ભીકતા સાથે કહી. શક્તિનો ઉપયોગ કેવળ કલ્યાણ માટે જ થવો જોઈએ. જ્યારે શક્તિ દ્વારા પાપનું સમર્થન કરવામાં આવે છે ત્યારે તે શરમજનક બની જાય છે. યુગોથી બ્રાહ્મણ ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર રહ્યા છે. હવે એણે એ સંસ્કૃતિને બધામાં વિતરિત કરી દેવી જોઈએ. એણે આ સંસ્કૃતિને સામાન્ય પ્રજામાં જતાં રોકી રાખી એટલે જ ભારત પર મુસલમાનોનું આક્રમણ શક્ય બન્યું. બ્રાહ્મણે સંસ્કૃતિના ભંડારને તાળું મારી રાખ્યું, સામાન્ય પ્રજાને એમાંથી કંઈ પણ લેવા ન દીધું એટલે જ હજારો વર્ષ સુધી જે કોઈ પ્રજા ભારતમાં આવી એ બધાના આપણે ગુલામ બનતા ગયા. આપણા પતનનું કારણ બ્રાહ્મણની અનુદારતા રહી છે. ભારત પાસે જે કંઈ સાંસ્કૃતિક કોષ છે એને સામાન્ય જનોના કબજામાં જવા ન દીધો અને આ પાપ બ્રાહ્મણોએ કર્યું હતું એટલે પ્રાયશ્ચિત પણ સૌ પ્રથમ એમણે જ કરવું રહે છે. કરડેલા સાપવાળા માણસને જો એ જ સાપ આવીને એનું ઝેર ચૂસી લે તો તે બચી શકે છે. ભારતીય સમાજને બ્રાહ્મણરૂપી સાપે દંશ દીધો છે, જો બ્રાહ્મણ પોતાનું વિષ પાછું લઈ લે તો સમાજ અવશ્ય ઉન્ન્ત થવાનો.’

એકતાનો મંત્ર

ઉચ્ચ અને કહેવાતી નીચ જાતિઓની વચ્ચે સામાજિક પદપ્રતિષ્ઠાનો જે સંઘર્ષ રહે છે તેમાંથી ઉત્પન્ન થનારી ભયજનક બાબતો પર પણ સ્વામીજીએ વિચાર કર્યો હતો. આ વિશે એમણે આવું સમાધાન કર્યું હતું કે જો બ્રાહ્મણ કહેવડાવવાથી જ બધી જાતિઓને સંતોષ થતો હોય તો યોગ્ય એ છે કે એ બધા પોતપોતાની સભાઓમાં ‘અમે બ્રાહ્મણ છીએ’ એવી ઘોષણા કરે. એનાથી ભારતને ઘણી શક્તિ મળશે. એક તો આ દેશમાં જાતિજાતિનો ભેદ એની મેળે દૂર થઈ જશે. બીજું બધા વર્ણના લોકો બ્રાહ્મણ સંસ્કૃતિનો સ્વીકાર કરીને આજના સાંસ્કૃતિક ધરાતલ પરથી એની મેળે ઉન્નત થશે. હા, સ્વામીજીનો આ પણ વિચાર હતો કે રૂપિયા-પૈસા ભલે વિદ્યા દ્વારા મળે પરંતુ સામાજિક પ્રતિષ્ઠા આ દેશમાં આજે પણ સંસ્કૃત ભાષાના જ્ઞાનથી મળે છે. એટલે જ જે કોઈ પણ ભારતવાસી બ્રાહ્મણની પ્રતિષ્ઠાવાળું પદ પ્રાપ્ત કરવા ઇચ્છતો હોય એણે સંસ્કૃતમાં દક્ષતા મેળવવાની રહે છે. 

ભારતીય એકતાનું મહત્ત્વ સ્વામીજીએ પ્રજાસમક્ષ અત્યંત સુસ્પષ્ટ રૂપે મૂક્યું હતું: ‘અથર્વવેદમાં એક મંત્ર છે, જેનો અર્થ એ થાય છે કે મનથી એક બનો, વિચારથી એક બનો. પ્રાચીનકાળમાં દેવતાઓનું મન એક થયું એટલે જ એ બધા નૈવેદ્યના અધિકારી રહ્યા છે. દેવતાઓનું મન એક છે એટલા માટે મનુષ્ય દેવતાઓની અર્ચના કરે છે. મનથી એક થવું એ જ સમાજના અસ્તિત્વનો સાર છે. પરંતુ દ્રવિડ અને આર્ય, બ્રાહ્મણ અને અબ્રાહ્મણ આ તુચ્છ વિવાદોમાં પડીને તમે જેટલા ઝઘડતા જશો તમારી શક્તિ એટલી જ ક્ષીણ થતી જશે; તમારો સંકલ્પ એકતાથી એટલો જ દૂર થતો જશે. એ યાદ રાખો કે શક્તિ સંચય અને સંકલ્પની એકતા આ બંને પર ભારતનું ભવિષ્ય નિર્ભર છે. જ્યાં સુધી મહાન કાર્યો માટે તમે પોતાની શક્તિઓનો સંચય નહિ કરો, જ્યાં સુધી એકમન બનીને તમે આત્મોદ્ધારના કાર્યમાં લાગ્યા નહિ રહો ત્યાં સુધી તમારું કલ્યાણ નથી થવાનું. પ્રત્યેક ચીની પોતાની જ રીતે વિચારે છે, પરંતુ મૂઠીભર જાપાનીઓનું મન એક છે. એનું પરિણામ જે આવે છે તેને તમે ઘણી સારી રીતે જાણો છો. વિશ્વના સમગ્ર ઇતિહાસમાં આ જ થતું આવ્યું છે.’

વ્યાવહારિક નેતાની જેમ સ્વામીજીએ ભારતીયોનાં ચારિત્ર્યના એક ભીષણ દોષ તરફ આંગળી ચીંધીને ભારપૂર્વક કહ્યું: ‘આપણા દેશવાસીઓમાંથી કેટલાક ઉપર આવવાનો પ્રયત્ન કરે છે ત્યારે આપણે બધા લોકો એને નીચે ઢસડી જવા ઇચ્છીએ છીએ. પરંતુ જો કોઈ વિદેશી આવીને આપણને ઠોકર મારે તો એ બરાબર છે એમ આપણે સમજીએ છીએ. આપણને આ તુચ્છતાઓની ટેવ પડી ગઈ છે. પરંતુ હવે ગુલામોએ પોતાના માલિક પોતે બનવાનું છે, એટલે દાસતાને છોડી દો. હવે પછીનાં પચાસ વર્ષો સુધી ભારતમાતા સિવાય આપણે બીજા કશાનાં વિચાર કે ધ્યાન કરવાનાં નથી. ભારતમાતા સિવાય બીજા બધા દેવ ખોટા છે. એ બધાને તમારા મનમાંથી બહાર કાઢી નાખો. આ જ (ભારત) દેવીદેવતા, આ જ આપણી પ્રજા, સાચાં દેવદેવી છે. ચોતરફ એમના હાથ છે, સર્વત્ર એમના પગ છે, એમના કાન સર્વત્ર છે અને સર્વ પર એ દેવીનું જ પ્રતિબિંબ છવાયેલું છે. બાકીના જેટલા દેવતાઓ છે તે નિદ્રાવશ છે. આ વિરાટ દેવતા આપણી સન્મુખ પ્રત્યક્ષ છે. એને ત્યજીને આપણે શું બીજા કોઈ દેવની પૂજા કરીશું?’

ન કરવા જેવું કાર્ય

ધર્મ સાધનાના લોભમાં જીવનથી ભાગીને ગુફામાં બેસીને નાકકાન દબાવીને પ્રાણાયામ કરવાની પરંપરાનો ભારતમાં ઘણો મોટો મહિમા છે. સ્વામી વિવેકાનંદે આવી પરંપરાના મહિમાને એક જ ઝાટકે ઉડાડી દીધો: ‘અર્ધા માઈલની ખીણ આપણાથી પસાર થતી નથી અને હનુમાનની જેમ આપણે સમગ્ર સાગરને ઓળંગી જવાનું ઇચ્છીએ છીએ. આ ફળીભૂત થવાનું નથી. દરેક માણસ યોગી બને, દરેકેદરેક સમાધિમાં ડૂબી જાય આ વાત ખોટી છે. આ અસંભવ છે અને કરવા જેવું પણ નથી. દિનભર કર્મસંકુલ વિશ્વની સાથે મિલન અને સંઘર્ષ તેમજ સંધ્યા સમયે બેસીને પ્રાણાયામ! શું આ એટલું સરળ કાર્ય છે? તમે ત્રણવાર નાક દબાવ્યું, ત્રણવાર નાકમાંથી ભીતરના વાયુને બહાર કાઢ્યો; શું આટલામાં જ ઋષિઓ આકાશમાંથી ઊતરીને તમારી પાસે ચાલ્યા આવશે? અરે, આ તે કઈ મશ્કરી? આ બધી તો મુર્ખામીની વાતો છે. જેની જરૂરત છે તે છે ચિત્તશુદ્ધિ. ચિત્તશુદ્ધિ કેવી રીતે થાય? સૌથી પહેલાં પૂજા વિરાટની થવી જોઈએ, એ અસંખ્ય માનવીઓની કે જે તમારી ચોતરફ ફેલાયેલા છે એમની. વિશ્વમાં જેટલા મનુષ્ય અને જીવજંતુ છે એ બધા પરમાત્મા છે, બધા પરબ્રહ્મના રૂપ છે અને એ બધામાં પણ સર્વ પહેલાં આપણે પોતાના દેશવાસીઓની પૂજા કરવી જોઈએ. અંદરોઅંદર ઇર્ષ્યા દ્વેષ રાખવાને બદલે, પરસ્પરના ઝઘડા અને વિવાદને બદલે તમે એકબીજાની અર્ચના કરો, એકબીજા સાથે પ્રેમ રાખો. કયાં કર્મોએ આપણો સર્વનાશ નોતર્યો છે એ આપણે જાણીએ છીએ કે અને છતાંયે આપણી આંખો ખૂલતી નથી!’ 

પશ્ચિમ સાથે વિનિમય

ભારતની પાસે જે સંદેશ છે, જે દીર્ઘકાલીન અનુભવ છે એનાથી જ સમગ્ર વિશ્વનું કલ્યાણ થઈ શકે છે એવી આશાને આપણે ગાંધી, રવીન્દ્રનાથ, રાધાકૃષ્ણન્‌ અને જવાહરલાલમાં ગતિશીલ થતી જોઈએ છીએ. એશિયા સાધનહીન અને દુ:ખી પરંતુ યુરોપ સમૃદ્ધ અને અસંતુષ્ટ! એશિયા ઉચ્ચજીવનની કામના માટે અનેક દુર્ગતિઓ સહેતું આવ્યું છે. યુરોપે દુર્ગતિઓ પર વિજય મેળવી લીધો પણ ઉચ્ચજીવનનો પથ જાણે કે એને મળ્યો જ નહિ. વિશ્વનું કલ્યાણ એમાં છે કે એશિયા યુરોપની આધિભૌતિકતાને સ્વીકારે અને એવી રીતે એને ગ્રહણ કરે કે એની માનસિકતાને જરાય ઊની આંચ ન આવે. એવી જ રીતે યુરોપના દુર્દાંત શરીરની ભીતર જે આત્મા સૂતેલો છે એને જગાડીને કાર્યશીલ બનાવવો પડશે. યુરોપનું આ આત્મિક જાગરણ એશિયાની સંગતિથી આવશે. સ્વામીજીની દૃષ્ટિ આ આવશ્યકતા પર પડી અને જ્યારે સમગ્ર ભારતવર્ષ યુરોપના ઝગમગાટથી મોહિત થઈ રહ્યો હતો ત્યારે એમણે આવી ઘોષણા કરી: ‘જીવનનો ધર્મ છે આદાનપ્રદાન. આપણે સદૈવ પશ્ચિમવાસીઓનાં ચરણોમાં બેસીને બધુંયે અરે ધર્મ સુધ્ધાં પણ શીખતાં રહીએ શું એ કલ્યાણકરી બનશે! શું આપણે લેતાં જ રહીશું? શું આપણે કંઈ દેવાનું નથી? પશ્ચિમમાંથી આપણે યંત્રવાદનું શિક્ષણ લઈ શકીએ છીએ અને બીજી કોઈ સારી બાબતો જેને પશ્ચિમમાંથી સ્વીકારવી આવશ્યક લાગે એને સ્વીકારવી જોઈએ. પરંતુ આપણે કંઈક શીખવવાનું પણ છે. આપણે એમને ધર્મ અને આધ્યાત્મિકતાની કેળવણી આપી શકીએ છીએ. વિશ્વની સભ્યતા કે સંસ્કૃતિ અત્યારે અધૂરી છે. પૂર્ણ થવા માટે તે ભારતની રાહ જોઈ રહી છે. તે એ આધ્યાત્મિક સંપત્તિની રાહમાં છે કે જે પતન, અસુંદરતા અને ભ્રષ્ટાચારની વચ્ચે પણ ભારતના હૃદયમાં જીવંત અને અક્ષુણ્ણ છે… એટલે સંકીર્ણતાને છોડીને આપણે બહાર નીકળવું પડશે. પશ્ચિમવાસીઓ સાથે આપણે વિનિમય કરવાનો છે. ધર્મ અને આધ્યાત્મિકતાના સ્તરની બાબતો આપણે એમને આપી શકીએ અને બદલામાં એમનાં ભૌતિક સાધનોનું દાન આપણે સહર્ષ સ્વીકારીશું. સમાનતા વિના મૈત્રી સંભવ નથી અને સમાનતા પણ ત્યાં ક્યાંથી આવે જ્યાં એક બરોબર ગુરુ બની રહેવા ઇચ્છે છે અને બીજો તેનો સનાતન શિષ્ય?’ સરેરાશ હિંદુ ધીર અને અનુગ્ર હોય છે. આ ધીરજ અને અનુગ્રતાને સ્વામીજી ભાવિ સભ્યતા માટે વરદાન ગણતા. એમનો વિચાર હતો કે વિશ્વ પર ધીર અને ઉગ્રતાવિહોણી હિંદુજાતિનું જેટલું ઋણ છે એટલું ઋણ બીજી કોઈ જાતિનું નથી. તેઓ કહે છે : ‘હિંદુ જાતિનો મહિમા રાજનૈતિક મહત્તા સામરિક શક્તિનું કારણ નથી. રાજનૈતિક મહત્તા અને સામરિક શક્તિનું અર્જન આપણી જાતિનું ધ્યેય પહેલાં ન હતું અને હવે પછી બનનાર નથી.’ હિંદુઓનું મસ્તિષ્ક શીતળ અને શાંત હોય છે. માનવજાતની સર્વાંગીણ ઉન્નતિમાં હિંદુઓએ પોતાનું અંશદાન આ શીતળશાંત મસ્તિષ્ક દ્વારા જ કરવું પડશે.

સ્વામીજીના સમયથી જ આ સ્પષ્ટ થઈ ગયું હતું કે ભારત યુરોપની જેમ રાજનૈતિક શક્તિનો ખજાનો બનવા માગે છે. આટલી ઉપયોગીતાનો સ્વીકાર કરીને સ્વામીજીએ આપણને ચેતવણીના સૂરે કહ્યું હતું કે ભારતની કરોડરજ્જુ ધર્મ છે. જ્યારે આ દેશ પોતાની આ આધ્યાત્મિક કરોડરજ્જુને દૂર કરીને તેની જગ્યાએ એક રાજનૈતિક કરોડરજ્જુ બેસાડશે, તે દિન ભારત માટે માઠો દિન હશે. ભારતને સ્વામીજીએ આ પણ દર્શાવ્યું હતું કે યુરોપમાં ગરીબી અને પાપ સહભાગી ગણાય છે પરંતુ આપણા દેશમાં ગરીબી પાપ નથી, ઊલટાનું આ દેશના સૌથી મહાન લોકો ગરીબીના પોશાકમાં જ રહેતા.

ઇસ્લામ પ્રત્યેનો દૃષ્ટિકોણ

હિંદુત્વના પ્રબળ સમર્થક હોવા છતાં સ્વામી વિવેકાનંદમાં ઇસ્લામ પ્રત્યે કોઈ દ્વેષ ન હતો. એમના ગુરુ પરમહંસ શ્રીરામકૃષ્ણે છ મહિના સુધી વિધિવત્‌ મુસલમાન બનીને ઇસ્લામની સાધના પણ કરી હતી. આ સંસ્કારને કારણે ઇસ્લામ પ્રત્યે એમનો દૃષ્ટિકોણ યથેષ્ટ રૂપે ઉદાર હતો. સ્વામીજીએ કહ્યું છે: ‘ભારત બીજી જાતિઓનું ગુલામ બન્યું એ તો કર્મનું ફળ હતું. પરંતુ ભારતે પણ પોતાના વિજેતાઓમાંથી પ્રત્યેક પર સાંસ્કૃતિક વિજય પ્રાપ્ત કર્યો હતો. મુસલમાન આ પ્રક્રિયાના અપવાદ નથી. શિક્ષિત મુસલમાન લગભગ સૂફી હોય છે. એમનાં શ્રદ્ધાવિશ્વાસ હિંદુઓનાં શ્રદ્ધાવિશ્વાસથી ભિન્ન નથી હોતા. ઇસ્લામી સંસ્કૃતિની ભીતર પણ હિંદુ વિચાર પ્રવેશી ગયા છે. સુખ્યાત મોગલ સમ્રાટ અકબર હિંદુત્વની ઠીકઠીક સમીપ હતાં એટલું જ નહિ પરંતુ વાસ્તવિક રીતે કાળક્રમે ઈંગ્લેન્ડ પર પણ ભારતનો પ્રભાવ પડશે.’

ભગિની નિવેદિતાના સ્વામીજી વિષયક અંગ્રેજી ગ્રંથમાં આ વાતનો સ્પષ્ટ ઉલ્લેખ છે કે, એકવાર સ્વામીજી ત્રણ-ચાર દિવસની એકાંત સમાધિમાંથી બહાર આવીને નિવેદિતાને કહ્યું, ‘મારામાં એ વિચારીને ઘણો ક્ષોભ ઉદ્‌ભવે છે કે, મુસલમાનોએ હિંદુઓનાં મંદિરો શા માટે તોડ્યાં, એમનાં દેવદેવીઓની મૂર્તિઓને શા માટે ભ્રષ્ટ કરી? પરંતુ આજે (કાલી) માતાએ મારા મનને આશ્વસ્ત કરી દીધું છે. એમણે મને કહ્યું, ‘મારી પ્રતિમાઓમાં હું કાયમ રહું કે એને તોડાવી નાખું, એ મારી ઇચ્છા છે. એ વાતો પર વિચારી વિચારીને તું શા માટે દુ:ખી થાય છે?’

ઇસ્લામ અને હિંદુત્વના મિલનનું મહત્ત્વ સ્વામીજીએ એક અને ઉચ્ચસ્તરે બતાવ્યું છે. સામાન્યત: વેદાન્ત જ્ઞાનનો વિષય ગણાય છે. એમાં ત્યાગ અને વૈરાગ્યની વાતો અનિવાર્ય રૂપે આવી જાય છે; પરંતુ ઇસ્લામ મુખ્યત્વે ભક્તિનો માર્ગ છે. તથા હજરત મહમ્મદનો પંથ દેહદમન, સંન્યાસ અને વૈરાગ્યને મહત્ત્વ આપતો નથી. પરંતુ સ્વામી વિવેકાનંદના વ્યાખ્યાનનો વેદાંત ઇસ્લામ સાથે કોઈ વિરોધ પણ નથી દાખવતો. એટલે સ્વામીજીની કલ્પના હતી કે, ઇસ્લામની વ્યાવહારિક્તાને આત્મસાત કર્યા વિના વેદાંતના સિદ્ધાંત સામાન્ય પ્રજા માટે ઉપયોગી ન બની શકે. ૧૮૯૮માં એમણે એક પત્રમાં આ લખ્યું હતું : ‘આપણી જન્મભૂમિનું કલ્યાણ તો એમાં છે કે, એના બે ધર્મ હિંદુત્વ અને ઇસ્લામ બંને મળીને એક થઈ જાય. વેદાંતી મસ્તિષ્ક અને ઇસ્લામી શરીરના સહયોગથી જે ધર્મ ઉદ્‌ભવશે તે જ ધર્મ ભારતની આશા છે.’

ભારતમાં વિશ્વધર્મ, વિશ્વબંધુત્વ અને વૈશ્વિકતાની ભાવનાનો આરંભ, અનુભૂતિઓમાં થયો હતો. એમણે હિંદુ ધર્મની જે વ્યાખ્યા આપી તે વિશ્વધર્મની ભૂમિકાથી જરાય ઓછી નથી. મુક્તચિંતન, વૈયક્તિક સ્વાતંત્ર્ય અને પ્રત્યેક પ્રકારમાં વિશ્વાસ કે શ્રદ્ધા રાખીને પણ ધર્મચ્યૂત ન થવાની યોગ્યતા એ હિંદુધર્મનાં પુરાણાં લક્ષણ રહ્યા છે. હિંદુ નાસ્તિક પણ હોય છે અને આસ્તિક પણ હોય છે; સાકારવાદી હોય છે અને નિરાકારવાદી પણ હોય છે; એણે મહાવીરનાં આદર-સન્માન કર્યા છે, તો બુદ્ધને પણ સન્માન્યા છે; એણે વેદોને અપૌરુષેય પણ ગણ્યા છે અને આદિ-પૌરુષેય પણ. શ્રદ્ધાવિશ્વાસમાં જે આ પ્રચંડ ભિન્નતા છે એનાથી હિંદુનું હિંદુત્વ દૂષિત થતું નથી. હિંદુ જન્મથી ઉદાર હોય છે અને કોઈપણ એક વિચાર પર બધાને એક લાકડીએ હાંકીને આગળ પહોંચાડવામાં શ્રદ્ધા રાખતા નથી. જ્યારે થિયોસોફિસ્ટ લોકો હિંદુત્વનો પ્રચાર કરવા લાગ્યા ત્યારે હિંદુત્વની આ સાર્વભૌમિકતાનો પક્ષ થોડો વધુ વિકસિત થયો. અને શ્રીરામકૃષ્ણે તો મુસલમાન અને ખ્ર્રિસ્તી બનીને આ સત્ય પર સંસારના બધા ધર્મ એક છે એવી પોતાની અનુભૂતિની મહોર મારી દીધી. એમની વચ્ચે કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખવો એ નરી અજ્ઞાનતાની વાત છે. સ્વામી વિવેકાનંદે હિંદુત્વના સાર્વભૌમિક રૂપનો પણ વધુ વ્યાપક વિસ્તાર કર્યો. વિશ્વમાં જે અનેક ધર્મ પ્રસરેલા છે, એમની અનિવાર્યતા બતાવતાં તેમણે કહ્યું: ‘મનુષ્ય સર્વત્ર અન્ન જ ખાય છે, પરંતુ પ્રત્યેક દેશમાં અનાજમાંથી ભોજન તૈયાર કરવાની વિધિઓ અનેક હોય છે. આ રીતે ધર્મ મનુષ્યના આત્માનું ભોજન છે અને દેશેદેશમાં એ ધર્મનાં અનેક રૂપ છે.’ ભારતમાં જેટલા ધર્મ પ્રચલિત છે, એમને વિશે સ્વામીજીનું કહેવું હતું કે, આ ધર્મોને માત્ર સહેવાના છે એટલું જ નહીં પરંતુ આ બધા ધર્મ આપણા પોતાના ધર્મ છે. એ ભાવે એ બધાને આપણે અપનાવવાના છે.

ધાર્મિક એકતા પર વિચાર

સંસારના ધર્મોમાં એકતા કેવી રીતે લાવી શકાય એનું સમાધાન મળતું નથી. પ્રાચીનકાળમાં અનેક લોકો એમ માનતા હતા કે જે ધર્મ સૌથી સારો હોય એ ધર્મમાં વિશ્વભરના લોકોને દીક્ષિત કરવા જોઈએ. એનું પરિણામ એ આવ્યું કે, પ્રત્યેક ધર્મના લોકો પોતાના જ ધર્મનો વ્યાપક પ્રચાર કરવા લાગ્યા, એમાંથી ઇસ્લામ અને ખ્ર્રિસ્તી પ્રચારકોએ સૌથી વધારે ઉત્સાહ દાખવ્યો. શિકાગોમાં જે વિશ્વધર્મ પરિષદ યોજાઈ હતી. એનો પણ એક આશય વિશ્વમાં સર્વોત્તમ ધર્મ ક્યો છે એનો નિર્ણય લેવાય એ હતો. પરંતુ એ પરિષદમાં સ્વામીજીએ પોતાનો જે વિચાર રજૂ કર્યો તેનાથી બધા પ્રતિનિધિઓ ચમત્કૃત થઈ ઊઠ્યા. સ્વામીજીએ કહ્યું, ‘ધાર્મિક એકતા કેવી રીતે થાય એ વાતની અહીં ઠીક ઠીક પ્રમાણમાં આલોચના-ચર્ચા થઈ છે. એ વિશે મારો પોતાનો મત છે એને પ્રસ્તુત કરવાનું સાહસ હું નહીં કરું; પરંતુ આટલું કહેવું જરૂરી ગણું છું કે જો કોઈ વ્યક્તિ એમ સમજે કે ધાર્મિક એકતાનો માર્ગ એક ધર્મ વિજય અને બાકીનાનો વિનાશ છે, તો હું એમને વિનંતી કરું છું: ‘ભાઈઓ, તમારી આશા પૂરી નહીં થાય.’ શું હું એમ ઇચ્છું છું કે બધા ખ્ર્રિસ્તીઓ હિંદુ બની જાય? ભગવાન કરે એવું ન થાય…. ખ્ર્રિસ્તીઓએ હિંદુ કે બૌદ્ધ અથવા હિંદુ કે બૌદ્ધે ખ્ર્રિસ્તી બનવાનું નથી, પરંતુ આમાંથી પ્રત્યેકનું કર્તવ્ય એ છે કે તે બીજા ધર્મોના સારભૂત તત્ત્વને પોતાની ભીતર પચાવી લે અને પોતાની વૈયક્તિતાની પૂર્ણરૂપે રક્ષા કરીને પોતાના સંયમ નિયમમાં રહેલ નિયમો પ્રમાણે પોતાનો વિકાસ શોધતા રહે.’ એક બીજે સ્થળે એમણે કહ્યું છે, ‘આત્માની ભાષા એક છે, પરંતુ પ્રત્યેક પ્રજા કે જાતિઓની ભાષા અનેક હોય છે.’ ધર્મ આત્માની વાણી છે. એ જ વાણી અનેક પ્રજાની વિવિધ ભાષાઓ તથા રીતિરિવાજોમાં અભિવ્યક્ત થાય છે.’

ધર્મને સ્વામીજી વ્યક્તિ અને સમાજ એ બંને માટે ઉપયોગી ગણતા હતા, ધર્મની વિરુદ્ધ વિશ્વમાં જે ભયંકર પ્રતિક્રિયા ઊભી થઈ છે, તેનું નિદાન તેઓ આવી રીતે આપે છે- એમાં ધર્મનો દોષ નથી, દોષ છે ધર્મના ખોટા ઉપયોગનો. એવી જ રીતે જેમ વિજ્ઞાનમાંથી ઉદ્‌ભવતી ભીષણતાઓની જવાબદારી વિજ્ઞાન પર નથી પણ એની જવાબદારી વિજ્ઞાનનો ખોટો ઉપયોગ કરનાર પર છે. સ્વામીજીનો વિચાર આવો હતો : ‘ધર્મને સમાજ પર જે રીતે જોડવો જોઈએ, તે રીતે તેને સમાજ સાથે જોડવામાં નથી આવ્યો.’ હિંદુ પોતાની બધી ધાર્મિક યોજનાઓને કાર્યરૂપે પરિણત કરવામાં નિષ્ફળ ભલે રહ્યા હોય, પણ જો ક્યારેય કોઈ વિશ્વધર્મ જેવો ધર્મ ઉદ્‌ભવવાનો હોય તો તે ધર્મ હિંદુત્વ સમાન હશે, એ દેશ અને કાળમાં સીમિત કે બંધાયેલો નહીં હોય, પરમાત્માની જેમ એ અનંત અને નિર્બંધ હશે, તેમજ એના સૂર્યનો પ્રકાશ કૃષ્ણ ને ઈશુના અનુયાયીઓ પર, સંતો અને અપરાધીઓ પર સમાન તેજે પ્રકાશતો રહેશે. એ ધર્મ ન તો બ્રાહ્મણ હશે, ન બૌદ્ધ, ન ખ્ર્રિસ્તી, ન ઇસ્લામિક. ખરેખર, તે એ બધાનાં સંયોગ અને સામંજસ્યથી ઉદ્‌ભવ્યો હશે.’

સ્વામીજીનું ભારત પર અશેષ ઋણ

વિવેકાનંદે હિંદુધર્મ અને ભારતીય સંસ્કૃતિની જે સેવા કરી છે એનું મૂલ્ય ચૂકવી શકાય તેમ નથી. એમના ઉપદેશોથી ભારતવાસીઓ એ શીખ્યા કે ભારતવર્ષનો અતીત એટલો ઉજ્જવળ અને મહાન છે અને એના પ્રત્યે ગૌરવ અને ગર્વ હોવાં જોઈએ. એમના ઉપદેશોમાંથી આપણને એ જાણવા મળ્યું કે, આપણી પ્રાચીન સંસ્કૃતિ પ્રાણપૂર્ણ છે. આજે પણ વિશ્વને માટે કલ્યાણકારી છે. પોતાનાં ધર્મ અને સંસ્કૃતિની ઠેકડી કરવામાં જ પોતાની સાર્થકતા સમજતા અંગ્રેજી ભણેલા-ગણેલા હિંદુઓ વિવકાનંદનાં ઉપદેશો અને કાર્યોથી સાવ પરાજય પામ્યા છે. એવું પણ થયું કે, સ્વામી વિવેકાનંદના ઉપદેશોથી ભારતવાસીઓ પોતાના પતનની ગહનતા માપી શક્યા. પોતાના ક્ષય તેમજ આજની ભૌતિક્તાનો વિનાશ, પોતાની ક્રિયાવિમુખતા આળસ તેમજ પોતાના પૌરુષના ભયંકર હ્રાસને તેઓ જાણી શક્યા. વિવેકાનંદની વાણીમાંથી જ સાંસ્કૃતિક રાષ્ટ્રિયતાનો જન્મ થયો. લોકોમાં પોતાના ભવિષ્ય માટેની ઉજ્જવળ આશાનો સંચાર થયો. તેઓ કહે છે : ‘સાહસનો સૂર્ય ઊગી ચૂક્યો છે. ભારતનું ઉત્થાન અવશ્ય થશે. કોઈની તાકાત નથી હવે તેઓ ભારતને રોકી શકે. ભારત ફરી પાછું નિદ્રાધીન નહીં થાય. આ વિરાટકાય દેશ ફરીથી પોતાના પગ પર ઊભો થઈ રહ્યો છે.’

જ્યારે નરેન્દ્રનાથ શ્રીરામકૃષ્ણદેવના સંપર્કમાં આવ્યા ત્યારે શ્રીરામકૃષ્ણે એમની પ્રતિભાને તરત જ ઓળખી લીધી હતી એકવાર શ્રીરામકૃષ્ણે કહ્યું હતું : ‘જે શક્તિના ઉત્કર્ષને લીધે કેશવ (કેશવચંદ્ર સેન) જગવિખ્યાત બન્યા છે, એવી અઢાર શક્તિઓનો નરેન્દ્રમાં પૂર્ણ ઉત્કર્ષ થયો છે.’ સ્વયં નરેન્દ્રનાથની સમક્ષ પ્રાર્થનાભાવે શ્રીરામકૃષ્ણે કહ્યું હતું : ‘પ્રભુ! મને ખ્યાલ છે કે તમે પ્રાચીન નારાયણ ઋષિ છો અને જીવોની દુર્ગતિનું નિવારણ કરવા માટે પુન: દેહધરીને આવ્યા છો.’ આ ભક્તની પરંપરાગત ભાષા છે. પરંતુ વિવેકાનંદની પ્રતિભા લોકોત્તર હતી. એમ પણ આપણે કહી શકીએ. વર્તમાન ભારત જે ધ્યેય લઈને જાગ્યું છે એની બધી વાત સ્વામી વિવેકાનંદ કહી ચૂક્યા હતા. ત્યાર પછી મહાત્મા ગાંધી અને બીજા નેતાઓ આ ધ્યેયને કાર્યરૂપ દેવાનો પ્રયાસ કરતા રહ્યા છે. જે સ્વપ્નના કવિ સ્વામી વિવેકાનંદ હતા, ગાંધી અને જવાહરલાલ એના ઈજનેર બન્યા છે.

Total Views: 55

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.