.. એટલું સમજી લેજો કે આપના પૂર્વજોએ શોધી કાઢેલું મહાનમાં મહાન સત્ય – વિશ્વ એક છે – એ છે. પોતાને ઈજા પહોંચાડ્યા વિના કોઈ પણ માણસ બીજાને ઈજા પહોંચાડી શકે ખરો? બ્રાહ્મણો અને ક્ષત્રિયોની જોહુકમી તેમના પોતાના જ માથા ઉપર ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે પછડાઈ છે, અને કર્મનો નિયમ હજારો વરસ થયાં તેમના ઉપર ગુલામી અને અધ:પતન લાદી રહ્યો છે.

આપના એક પૂર્વજે જે કહ્યું હતું તે આ છે : ‘ઇહૈવ તૈર્જિત: સર્ગો યેષાં સામ્યે સ્થિતં મન:’.

‘જેમનું મન સમસ્વરૂપ પરમાત્મામાં સ્થિર થયું છે, તેઓ આ જીવનમાં જ જગ જીતી ગયા છે.’ આ પૂર્વજને ઈશ્વરના અવતાર માનવામાં આવે છે. આપણે સહુ એ માનીએ છીએ. તો શું તેમના શબ્દો વ્યર્થ અને નિરર્થક છે? જો ન હોય અને આપણે જાણીએ છીએ કે એ નથી, તો જન્મ, જાતિ, અરે અધિકારની સુદ્ધાં ગણતરી વિના, આ આખી સૃષ્ટિના સંપૂર્ણ ઐક્યની વિરુદ્ધનો કોઈ પણ પ્રયાસ, એક ભયંકર ભૂલ છે. અને જ્યાં સુધી આ સામ્યની ભાવનાનો સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી કોઈનો ઉદ્ધાર થાય નહિ.

માટે ઉચ્ચવંશી રાજવી! વેદાંતના ઉપદેશને અનુસરો. આ કે પેલા ભાષ્યકારે સમજાવ્યા છે તે મુજબ નહિ, પરંતુ તમારી અંદર ઈશ્વર જેમ સમજે છે તે મુજબ અનુસરો. સૌથી વધારે તો સર્વ ભૂતોમાં, સર્વ વસ્તુઓમાં, સર્વ કંઈમાં એક ઈશ્વરને જોઈને સમત્વના આ મહાન સિદ્ધાંતને અનુસરો.

આ છે મુક્તિનો માર્ગ; અસમાનતા એ બંધનનો માર્ગ છે. કોઈ પણ માણસ અને કોઈ પણ પ્રજા, શારીરિક સમાનતા સિવાય શારીરિક મુક્તિ મેળવવાનો પ્રયત્ન કરી ન શકે, અગર માનસિક સમાનતા સિવાય માનસિક મુક્તિ મેળવવાનો પ્રયત્ન કરી ન શકે. 

અજ્ઞાન, અસમાનતા, અને વાસના એ ત્રણ માનવીના દુ:ખનાં કારણો છે; દરેક, એકની પાછળ બીજું એમ અનિવાર્ય રીતે જોડાઈને આવે જ છે. માણસે પોતાની જાતને બીજા માણસ કરતાં કે એક પશુ કરતાંય પણ ઊંચી શા માટે માનવી? સર્વત્ર એ સમસ્વરૂપ પરમાત્મા જ છે: ‘ત્વં સ્ત્રી ત્વં પુમાનસિ ત્વં કુમાર ઉત વા કુમારી.’ ‘તું જ પુરુષ છે, તું જ સ્ત્રી છે. તું જ યુવાન છે, યુવતી પણ તું જ છે.’

કેટલાક કહેશે કે ‘એ બધું સંન્યાસીને માટે ઠીક છે પણ અમે તો ગૃહસ્થાશ્રમી છીએ.’ એમાં શંકા જ નથી કે ગૃહસ્થાશ્રમી માણસને બીજી અનેક ફરજો બજાવવાની હોવાથી આ સમત્વને તે એટલી સંપૂર્ણતાથી પહોંચી ન શકે છતાં આદર્શ તો આ જ હોવો જોઈએ, કારણ કે બધા સમાજોનો, સમગ્ર માનવ જાતનો, સર્વ પ્રાણીઓનો, સમસ્ત પ્રકૃતિનો, આદર્શ આ સમત્વને પ્રાપ્ત કરવાનો જ છે. પરંતુ અફસોસ! એ લોકો એમ ધારે છે કે સમાનતા પ્રાપ્ત કરવાનો રસ્તો અસમાનતા છે. કેમ જાણે કે ખોટું કરવાથી સત્યને પહોંચાતું હોય!

આ અસમાનતા માનવ સ્વભાવનું હળાહળ વિષ છે, માનવજાત પરનો શાપ છે, સર્વ દુ:ખોનું મૂળ છે. શારીરિક, માનસિક અને આધ્યાત્મિક, સર્વ બંધનોનું આ મૂળ છે. 

સમં પશ્યન્‌ હિ સર્વત્ર સમવસ્થિતમીશ્વરમ્‌ । ન હિનસ્ત્યાત્મનાત્મનં તતો યાતિ પરાં ગતિમ્‌ ॥

‘સર્વત્ર ઈશ્વરને સમભાવે રહેલો જોવાથી તે આત્માને આત્માથી હણતો નથી, અને તેથી પરા ગતિને પામે છે.’ આ એક જ વચનમાં, થોડા જ શબ્દોમાં, મુક્તિનો વિશ્વવ્યાપી માર્ગ સમાયેલો છે.

– સ્વામી વિવેકાનંદ
(‘સ્વા.વિવે.ગ્રં.મા.’ ભાગ-૫, પૃ.૨૫૮-૫૯)

Total Views: 118

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.