સ્વામી નિરંજનાનંદના જીવન વિશે સ્વામી અચલાનંદજી આમ કહે છે : 

શ્રીરામકૃષ્ણદેવ અનંત પ્રભુના માનવ અવતાર હતા અને એમનું શરણ લેનારે જીવનની બધી ચિંતાઓ કરવાની જરૂર ન રહેતી, એમ સ્વામી નિરંજનાનંદજી માનતા.

આવો જ ઉચ્ચ શ્રદ્ધાભાવ એમને શ્રીશ્રીમા પ્રત્યે પણ હતો. તેઓ કહેતા કે શ્રીમાની કૃપાથી તે બધું કરી શકતા.

શ્રીરામકૃષ્ણ વિશે એમણે કહ્યું હતું : ‘જ્યારે કોઈ શ્રીઠાકુર પાસે આવીને કહે કે તે લગ્ન કરવાનો નથી, તો શ્રીઠાકુર આનંદથી નાચી ઊઠતા.

તેઓ દૃઢપણે માનતા કે કોઈપણ ભક્તે શ્રીઠાકુર જીવંત છે, ચૈતન્ય રૂપ છે અને આપણા પોતાના છે એ ભાવે એમની સેવા કરવી.

સ્વામી નિરંજનાનંદજી પ્રબળ મનવાળા હતા અને કોઈનાથી યે ડરતા નહિ. તેઓ શ્રીઠાકુરને પોતાનું એકમાત્ર શરણ ગણતા. તેઓ નીડરને ચાહતા. 

તેઓ સત્યનિષ્ઠ હતા અને બીજા સત્યને વળગી રહે તેમ ઇચ્છતા. વચન ન પાળનારા લોકોની તેઓ દરકાર ન કરતા.

તેઓ યુવાનોને ત્યાગના પથે ચાલવા પ્રેરતા અને વળી એ પથ અત્યંત દુષ્કર છે, એમ કહીને એમને ચેતવતા પણ ખરા.

સ્વામી વિવેકાનંદે પ્રસ્થાપિત કરેલા સેવાભાવના આદર્શમાં એમને જબરી શ્રદ્ધા હતી. તેઓ માનવીઓ ઈશ્વરનું જ રૂપ છે એ ભાવે સેવા કરવા સૌને પ્રેરતા હતા.

તેઓ ઉદાર મનના હતા. કોઈ જાતની શંકા રાખ્યા વિના તેમની મદદ માગનારની તેઓ પૂરેપૂરી કાળજી રાખતા. 

તેઓ નિયમિત રીતે વ્યાયામ કરતા અને યુવાનોને પોતાના શરીરને પ્રબળ અને જીવંત રાખવા પ્રેરતા.

શ્રીરામકૃષ્ણે પોતાના જીવનને પોતાના શિષ્યો માટે અનુસરણ કરવાના આદર્શ જેવું ઘડ્યું હતું.

બીજા શિષ્યો કરતા મોટા ગોપાલે (સ્વામી અદ્વૈતાનંદજી)એ શ્રીઠાકુરે પ્રસ્થાપિત કરેલા આદર્શને અનુસરવા કઠોર પ્રયત્ન કર્યા હતા. શ્રીઠાકુર પ્રત્યેના એમના નિષ્ઠા, પ્રેમ અને દૃઢસમર્પણભાવની એમના સંન્યાસી બંધુઓ પણ પ્રશંસા કરતા. એક દિવસ એમણે શ્રીઠાકુરને ‘હસી-મજાકમાં કે આમ અમસ્તું, કદિયે જુઠ્ઠું ન બોલવું.’ આમ કહેતા સાંભળ્યા. મોટા ગોપાલે આ ઉપદેશ સાંભળ્યો અને તેનું અક્ષરસ: પાલન કર્યું તેમજ બીજાને એમ કરવા પ્રેર્યા. પેટની બીમારીને લીધે ડોક્ટરે શ્રીઠાકુરને ત્રણ લીંબુંનું સરબત લેવાનું કહ્યું. સ્વામી અદ્વૈતાનંદજીને લીંબું લેવા મોકલ્યા અને તેઓ ત્રણ ને બદલે થોડા વધારે લાવ્યા પણ શ્રીઠાકુરે તો ત્રણ જ લીધા અને બાકીનાં લીંબું પાછા આપી આવવા કહ્યું. સ્વામી અદ્વૈતાનંદજીને સમજાઈ ગયું કે શ્રીઠાકુર સત્યના મૂર્તરૂપ હતા અને એમનાં મન-વચન-કર્મ હંમેશા એક જ રહેતાં.

મકરસંક્રાંતિના ગંગાસાગરના યાત્રામેળામાં ઘણા સાધુ-સંન્યાસીઓ અને યાત્રાળુઓ આવે છે. મોટા ગોપાલે થોડા પૈસામાંથી ૧૨ ભગવાંવસ્ત્ર અને ૧૨ રૂદ્રાક્ષની માળા લીધા. એમની ઇચ્છા ગંગાસાગરે આવેલા સાધુ-સંન્યાસીને આપવાની હતી. શ્રીઠાકુરે આ સાંભળી ત્યારે એમને કહ્યું : ‘અહીં જગન્નાથઘાટ પર બીજાને ભગવાં અને રૂદ્રાક્ષ માળા આપીશ એના કરતાં મારા સંન્યાસી સંતાનોને આપીશ તો તને હજારગણું પુણ્ય મળશે. આવા સર્વત્યાગી સંન્યાસીઓ તને બીજે ક્યાં મળશે? એમાંનો દરેક હજાર સંન્યાસી જેવો છે.’ ૧૨મી જાન્યુઆરીએ ૧૮૮૬ની મકરસંક્રાંતિના પાવન દિવસે ગોપાલે આ બધું શ્રીરામકૃષ્ણને આપ્યું. તેમણે એમનો સ્પર્શ કરીને મંત્રથી પવિત્ર કર્યા અને પછી યુવાન સંન્યાસી શિષ્યોમાં એ વહેંચી દીધા.

Total Views: 57

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.