બધું અનંતના ગર્ભમાં સ્થિત રહે છે. પરમ તત્ત્વ સર્વવ્યાપી છે. એ જ બધી ઊર્જાનો સ્રોત છે. પોતાની ઉન્નતિ તથા વિકાસ માટે આવશ્યક બધી શક્તિઓ આપણી ભીતર છે. આપણી ક્ષમતાથી પર કે દૂર કંઈ પણ નથી. આ તત્ત્વમાં આપણી શ્રદ્ધા પોતાનામાં શક્તિને જાગ્રત કરી દે છે.

સત્ય પવિત્ર છે. સત્યજ્ઞાન છે. સત્ય બધી વસ્તુઓને આલોકિત કરે છે. એ શક્તિ અને સાહસ લાવે છે. એ આપણી ભીતર રહેલ છે. આપણી દૃઢ શ્રદ્ધા જ એના પ્રગટીકરણમાં સહાયક બને છે. સ્વામી વિવેકાનંદ કહે છે: ‘શું તમને ખબર છે કે તમારા આ શરીરની અંદર કેટલી ઊર્જા છે, કેટલું બળ છે, કેટકેટલા પ્રકારની શક્તિઓ છે? એ બધાં અત્યારે પણ છુપાયેલાં પડ્યાં છે? મનુષ્યમાં જે શક્તિઓ છે તે બધાનું જ્ઞાન કયો વૈજ્ઞાનિક પ્રાપ્ત કરી શકે છે? લાખો વર્ષોથી મનુષ્ય પૃથ્વી પર છે, પરંતુ અત્યાર સુધી તેની શક્તિનો કેવળ એક અણુ જેટલો જ અંશ અભિવ્યક્ત થયો છે. એટલે તમે શા માટે બળજબરીથી પોતાની જાતને દુર્બળ કહો છો? ઉપરથી દેખાતી એક પતીત અવસ્થાની પાછળ કઈ સંભાવના છે, શું તમે એ જાણો છો? તમારી ભીતર જે છે, એનો થોડોક જ અંશ તમે જાણો છો. તમારી પાછળ શક્તિ અને આનંદનો અપાર સાગર વિદ્યમાન છે.’ 

જે અત્યંત શક્તિશાળી, પ્રાણપદ તથા પુનર્જીવનમાં સક્ષમ હોય એવા સત્યના સંદેશની, એક મહાન સંદેશની દુનિયા આપણી પાસેથી અપેક્ષા રાખે છે. ભારતીય ઉપમહાદ્વીપના ઉત્થાન માટે સૌ પ્રથમ તો આની જરૂર છે. જ્યાં સુધી આપણે પરમ તત્ત્વના જ્ઞાનથી વ્યાવહારિક લાભ મેળવવાનો સાચો પ્રયાસ નહિ કરીએ ત્યાં સુધી આપણે આપણી માતૃભૂમિને આલોકિત કે ઉજ્જવળ બનાવી ન શકીએ. આ તત્ત્વને આત્મસાત્‌ કરીને જ આપણે એ પ્રચંડ ઇચ્છાશક્તિને ઉત્પન્ન કરી શકીએ છીએ. એ ઇચ્છાશક્તિ આપણા જગતની મુક્તિ માટે આવશ્યક છે.

સ્વામી વિવેકાનંદે વારંવાર આપેલા આ સંદેશમાં પ્રચંડ ઇચ્છાશક્તિ તેમજ કર્મશક્તિનો ભાવ છે. એ બંને આપણી જનતામાં દૃઢ આત્મવિશ્વાસ દ્વારા જ જાગ્રત થઈ શકે છે. આ જ એ સંદેશ છે કે જેણે સ્વાતંત્ર્ય સંગ્રામના દિવસોમાં આપણા દેશભક્તોને પ્રોત્સાહિત કરીને સેવા અને બલિદાનનું જીવન અપનાવવા પ્રેર્યા હતા. જો મનુષ્યને પોતાની દિવ્યતા તેમજ પોતાનામાં છુપાઈ રહેલ મહાશક્તિ પર વિશ્વાસ જાગી જાય તો તે અદ્‌ભુત કર્મ કરી શકે છે. આવો માણસ નાનપણથી જ પોતાની આત્મધારણા સાથે સંલગ્ન નકારાત્મક તેમજ દુર્બળતાપૂર્ણ ભાવોને દૂર કરી શકે છે. ઊર્જા, મહિમા, પવિત્રતા, એકાગ્રતા તથા સાહસ – જીવનમાં ઉન્નતિ કરવા માટે આ બધા ગુણ આત્મવિશ્વાસમાંથી જ આવી મળે છે. આપણે અને એમાંયે વિશેષ કરીને યુવાનોએ સ્વામી વિવેકાનંદ દ્વારા મદ્રાસમાં અપાયેલ આ બળપ્રદ તથા ઉદાત્ત સંદેશના અર્થ પર વિચાર કરવો જોઈએ : ‘સમગ્ર વિશ્વમાં પોતાના ધર્મનાં મહાન સત્યોનો પ્રચાર કરો. સમગ્ર સંસાર એ બધાની પ્રતિક્ષા કરી રહ્યો છે. સેંકડો વર્ષોથી લોકોને મનુષ્યની હીન અવસ્થાનું જ જ્ઞાન અપાયું છે. એમને એમ કહેવામાં આવ્યું છે કે તેઓ કંઈ નથી! સંસારભરમાં સર્વત્ર સર્વસાધારણ માનવને એમ કહેવામાં આવ્યું છે કે તમે લોકો મનુષ્ય જ નથી! શતાબ્દિઓથી આ રીતે ડરાવ્યા-ધમકાવ્યા હોવાને કારણે તેઓ બીચારા ખરેખર લગભગ પશુની કક્ષાએ પહોંચી ગયા છે. એમને ક્યારેય આત્મતત્ત્વ વિશે સાંભળવાની તક જ નથી આપવામાં આવી. હવે એ બધાને આત્મતત્ત્વ સાંભળવા દો, એમને એ જાણી લેવા દો કે એમનામાંથી નીચમાં નીચ વ્યક્તિમાં પણ આત્મા રહેલ છે, એ આત્મા કે જે ક્યારેય મરતો નથી, જન્મતો નથી, જેને તલવાર કાપી શકતી નથી, આગ બાળી શકતી નથી અને હવા સૂકવી શકતી નથી. જે અમર છે, અનાદિ છે અને અનંત છે; જે શુદ્ધસ્વરૂપ, સર્વશક્તિમાન અને સર્વવ્યાપી છે. એમને પોતાની જાતમાં વિશ્વાસ કરવા દો. અંગ્રેજો અને તમારી વચ્ચે ખરેખર અંતર ક્યાં છે? એમને પોતાના ધર્મ, પોતાનાં કર્તવ્ય વગેરે વિશે કહેવા દો; પણ મને આ ભેદનું કારણ મળી ગયું છે. એ ભેદ એ છે કે અંગ્રેજ પોતાના પર વિશ્વાસ કરે છે અને તમે નથી કરતા! જ્યારે એ લોકો ‘હું અંગ્રેજ છું’ એમ વિચારે છે ત્યારે તે એ વિશ્વાસના બળે જે ઇચ્છે છે તે કરી શકે છે. આ વિશ્વાસના આધારે એની અંદર છુપાયેલ ઈશ્વરભાવ જાગી ઊઠે છે. અને પછી તે જે ઇચ્છે તે કરવા સમર્થ બની જાય છે. એનાથી ઊલટું ‘તમે કંઈ ન કરી શકો’ એમ લોકો તમને કહે છે અને એવું શીખવતા આવ્યા છે. એને પરિણામે તમે દિન પ્રતિદિન અકર્મણ્ય બનતા રહો છો. આજે આપણે બળની આવશ્યકતા છે એટલે પોતાની જાતમાં અતૂટ વિશ્વાસ ઊભો કરો.’

શ્રદ્ધા-વિશ્વાસ નરકને સ્વર્ગ બનાવી શકે છે

બે ત્રણ વર્ષ પહેલાં સામયિકોમાં એક વિચિત્ર ઘટના આવી હતી. દિલ્હીની પાસેના એક ગામમાં કામ કરનાર એક ખેતમજૂર દમથી પીડાતો હતો. દમનું દર્દ વધી જતાં તેણે નગરમાં જઈને એક સુપ્રસિદ્ધ હોસ્પિટલના ડોક્ટરની મુલાકાત લીધી અને એમની પાસે ચિકિત્સા-ચકાસણી કરવા વિનંતી કરી. પેલા ડોક્ટરે પોતાના લેટરપેડ પર દવા લખી દીધી એના પર એનું પોતાનું નામ અને કેટલીક ઉપાધિઓ છપાયેલી હતી. એમણે રોગીને કાગળ પર દવા લખીને કહ્યું કે તે આ (દવા)ના ચૌદ ભાગ કરીને દરરોજ સવારસાંજ લેતો રહજે અને એક અઠવાડિયા પછી આવીને ફરીથી મને મળજે. રોગીએ ડોક્ટરની સૂચનાનું અક્ષરશ: પાલન કર્યું. એક અઠવાડિયા પછી પેલો ગામડિયો ડોક્ટર પાસે ગયો, અને નમસ્કાર કરીને કહ્યું: ‘ડોક્ટર સાહેબ, તમારી દવાએ અદ્‌ભુત કામ કર્યું. હવે મને દમની પીડામાંથી પૂર્ણપણે મુક્તિ મળી ગઈ છે. મારા જીવનની રક્ષા કરવા માટે હું આપનો આભાર કેવી રીતે માનું, એની મને સમજણ પડતી નથી.’ પેલા ડોક્ટરે એમને ફરીથી તપાસવા માટે એમની પાસેથી ઉપચાર પત્ર માગ્યો. પરંતુ રોગીનો ઉત્તર સાંભળીને એના આશ્ચર્યનો પાર ન રહ્યો, એમણે લખેલી દવા (કાગળ)ના ચૌદ સરખા ભાગ કરીને દરરોજ સવાર-સાંજ રોગીએ લીધી હતી. ચિકિત્સકનું આશ્ચર્ય દૂર થતાં હસતાં હસતાં એમણે કહ્યું: ‘બહુ સારું ભાઈ.’ અને રોગી તેની પોતાના સ્વાસ્થ્ય પરના શ્રદ્ધા-વિશ્વાસ સાથે પોતાના ઘરે પાછો ફર્યો. એમણે રોગીના શ્રદ્ધા-વિશ્વાસને બદલવાનો પ્રયાસ ન કર્યો.

આ કોઈ કલ્પના નથી, પણ એક સાચી બનેલી ઘટના છે. આવી ઘટનાઓ ઘણી દુર્લભ હોય છે, પરંતુ એની પાછળ કઈ શક્તિ અને કયો નિયમ કાર્ય કરે છે, આપણે એ વિચારવું જોઈએ. શું એની પાછળ પૂર્ણ વિશ્વાસ કે શ્રદ્ધા જ નથી? ચિકિત્સકે તો દવાની ચિઠ્ઠી લખી દીધી. દર્દીને વિશ્વાસ અને શ્રદ્ધા બેસી ગયાં કે એનાથી ચોક્કસ મારી બીમારી ચાલી જવાની; આ શ્રદ્ધા-વિશ્વાસ જ એમના સ્વાસ્થ્યનું કારણ હતું. આ દૃઢ વિશ્વાસ કે શ્રદ્ધાએ જ એના શરીરમાં રોગની સામે લડવા માટે આવશ્યક પ્રતિરોધશક્તિ ઉત્પન્ન કરી દીધી.

હવે આ શ્રદ્ધા-વિશ્વાસની બીજી બાજુ જોઈએ. થોડાંક વર્ષ પહેલાં કેટલાક મનોવૈજ્ઞાનિકો એક વ્યક્તિને પોતાની પ્રયોગશાળામાં લાવ્યા. કોઈને મારી નાખવાના આરોપમાં એને મૃત્યુદંડની સજા થઈ હતી. વૈજ્ઞાનિકોએ ન્યાયધીશ પાસે એ આરોપી પર એક પ્રયોગ કરવાની પૂર્વમંજૂરી મેળવી લીધી હતી. શ્રદ્ધા કે વિશ્વાસ માનવમન પર કેવો પ્રભાવ પાડે છે એ બાબત આ મનોવૈજ્ઞાનિકો જોવા ઇચ્છતા હતા. એમણે પેલા આરોપીની આંખ પર એક પટ્ટી બાંધી અને પછી એને એક ટેબલ પર સુવડાવી દીધો. એ ભાગી ન શકે એટલા માટે એના પગ પણ બાંધી દીધા હતા. મનોવૈજ્ઞાનિકોએ એના ગળાની આજુબાજુ એક નળી લગાડી દીધી હતી અને એમાંથી વહેતા લોહીને એકઠું કરવા માટે બીજા છેડે એક પાત્ર પણ રાખી દીધું હતું. ત્યાર પછી એક વરિષ્ઠ ચિકિત્સકે એ વ્યક્તિને કહ્યું: ‘કેટલું લોહી નીકળી જવાથી માણસ મરી જાય છે એ હકીકત અમે જોવા માગીએ છીએ. એમ કહેવાય છે કે કોઈ પણ વ્યક્તિના શરીરમાંથી ૩.૫ લિટર લોહી નીકળી જાય એટલે એનું મૃત્યુ થાય છે. અમે તને કોઈ પીડા-ઈજા કર્યા વિના લોહી કાઢીને તને મરવા દઈશું. ફાંસી પર ચડવા કરતાં આ રીતે મૃત્યુ પામવાનું ઘણું ઓછું કષ્ટદાયી છે.’

આ ખુની તો છાનોમાનો અને કોઈ પણ જાતની પ્રતિક્રિયા કર્યા વિના ટેબલ પર સૂતો રહ્યો. વૈજ્ઞાનિકોએ એની ગરદનની પાસેની એક નસ કાપી લીધી અને એને બતાવ્યું પણ ખરું કે પહેલાં લોહી ટીપે ટીપે નીકળશે અને ત્યાર પછી હવે એ પ્રવાહમાં વહેવા લાગ્યું છે. પેલા ખૂનીનો ચહેરો પીળો પડી ગયો. નીચે પેલા પાત્રમાં લોહી પડવાનો અવાજ પણ વધવા માંડ્યો. થોડીવાર પછી વૈજ્ઞાનિકોએ બતાવ્યું કે પેલા પાત્રમાં ૩ લિટર લોહી એકઠું થઈ ગયું છે. હવે પેલા ખૂનીનો શ્વાસ રુંધાવા માંડ્યો અને જ્યારે ‘૩.૫ લિટર થઈ ગયું’ એમ કહેતાંની સાથે જ એનો શ્વાસ થંભી ગયો. વાસ્તવિક વાત તો એ હતી કે પેલી નળીમાંથી પેલા પાત્રમાં ૩.૫ લિટર પાણી જ વહેતું કર્યું હતું. એની નસને તો એણે જરા હળવા છરકાથી કાપી હતી અને એમાંથી કોઈ લોહી પણ નીકળતું ન હતું. પરંતુ એના શરીરમાંથી અબાધ રૂપે લોહી વહી રહ્યું છે એ શ્રદ્ધા-વિશ્વાસે એનામાં વાસ્તવિક રક્તસ્રાવના પરિણામોની અભિવ્યક્તિનું કારણ સિદ્ધ કર્યું. 

શું આ એક સંજોગ જ હતો?

ઉપર્યુક્ત ઘટનાઓ જેવી ઘટનાઓ ક્યારેક સંજોગવશાત્‌ પણ બને છે. તમે આમ પણ પૂછી શકો: ‘તો એમાં છે શું? શું તમે એનાથી કોઈ સામાન્ય નિયમ બનાવી શકો ખરા?’ વિશ્વાસ દ્વારા નિરોગી થવું, ભય અને આશંકાને કારણે આપત્તિઓનું આવવું – આવું બધું અજ્ઞાતકાળથી થતું આવ્યું છે. તમે એમ પણ પૂછી શકો કે શું આપણે ઔષધિઓની ઉપયોગિતાનો ઈન્કાર કરી શકીએ ખરા? આપણે એનો ઈન્કાર કરવા પણ નથી ઇચ્છતા. અહીં આપેલા પ્રયોગોનાં ઉદાહરણોની મદદથી તમે મનુષ્ય પર શ્રદ્ધાના પ્રભાવનું અધ્યયન કરી શકો છો:

૨૬ જૂન, ૧૯૭૯ના ‘હિંદુ’ વર્તમાન પત્રમાં છપાયેલા એક સમાચાર પ્રમાણે બોસ્ટન (અમેરિકા)માં ડોક્ટર બેન્સન દ્વારા ૪૦ વર્ષો સુધી એક પ્રયોગ થતો રહ્યો. આ ચિકિત્સકના વ્યક્તિત્વ, એના દ્વારા અપાયેલા નિર્દેશો તથા રોગીઓના એના પરના વિશ્વાસના પ્રભાવના પ્રાયોગિક અધ્યયનનો રિપોર્ટ હતો. આ અહેવાલ પ્રમાણે ૮૦% રોગી નવી દવા વધારે પ્રભાવક બનશે એવી આત્મધારણાભર્યા આશ્વાસનથી જ સાજા થઈ ગયા. વાસ્તવિક રીતે દવાની જગ્યાએ એમને કોઈ એવી છદ્મ ઔષધિ જ આપવામાં આવી હતી. આ અહેવાલ વધુમાં એમ પણ બતાવે છે કે છાતીના દર્દની પીડા તથા હૃદયની દુર્બળતા જેવા રોગ પણ આવી છદ્મ ઔષધિથી દૂર થઈ ગયા.

રોગીઓની ચિકિત્સામાં રોગીઓનાં શ્રદ્ધા-વિશ્વાસનું મહત્ત્વ વિશે બધા ચિકિત્સકોને ખ્યાલ હોય છે. પરંતુ વૈજ્ઞાનિકોનું કહેવું એમ છે કે આ શ્રદ્ધા-વિશ્વાસનો પ્રભાવ સામાન્ય માન્યતા કરતાં ઘણો વધુ પ્રભાવક હોય છે. બોસ્ટનના બેથ ઈઝરાયેલ હોસ્પિટલના ડોક્ટર હર્બર્ટ બેન્સનનો શોધનિબંધ ‘ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિન’માં આવ્યો હતો. વૈજ્ઞાનિકોએ એન્ઝાઈના અર્થાત્‌ હૃદયમાં રક્તપ્રવાહની ખામીને લીધે નિપજતી પીડા માટે ઉપયોગમાં લેવાતી દવાઓના પ્રભાવનું પુન: પરીક્ષણ કર્યું હતું.

એનો નિષ્કર્ષ એ આવ્યો કે ત્રણ આધુનિક દવાઓ અને બે પ્રકારની શલ્યચિકિત્સાઓ આવા પ્રકારના રોગની સુધારણામાં બહુ ઉપયોગી નીવડ્યાં ન હતાં. આ પ્રયોગ માટે એમણે ૧૧૧૭ રોગીઓની પસંદગી કરી હતી. એમનું ૧૧૩ ડોક્ટરોએ અધ્યયન કર્યું હતું. આમાંથી ૮૨% રોગીઓ છદ્મ ઔષધિના સેવનથી તંદુરસ્ત થઈ ગયા.

વૈજ્ઞાનિકોનો નિષ્કર્ષ એ હતો કે રોગીઓને દવા કરતાં ચિકિત્સકોના પ્રોત્સાહન, આશ્વાસન, પ્રેમ, સહાનુભૂતિ તથા સત્યનિષ્ઠા કંઈક વધારે પ્રમાણમાં રાહત આપે છે. ૮૨% રોગી શ્રદ્ધા-વિશ્વાસથી જ તંદુરસ્ત થઈ ગયા. ડોક્ટર બેન્સેનની આ પરિશોધ આપણને આશ્ચર્યમાં નાખી દે તેવી છે. લોકો આ આંકડાને થોડી અત્યુક્તિ પણ ગણી શકે. પરંતુ છેલ્લા ૪ દશકા દરમિયાન ભિન્ન ભિન્ન સ્થાને થયેલા સંશોધનો દ્વારા રોગોની ચિકિત્સામાં શ્રદ્ધા અને વિશ્વાસના પ્રભાવ વિશે ઉપર વર્ણવેલા નિષ્કર્ષ જેવો જ નિષ્કર્ષ નીકળે છે. 

૧૬મી સદીના પ્રસિદ્ધ જર્મન ચિકિત્સક પરસુલુસે એવો દાવો કર્યો હતો કે શ્રદ્ધા અને વિશ્વાસથી દરેક રોગનું નિર્મૂલન કરી શકાય છે. એનો અર્થ એ નથી કે બધામાં આવા શ્રદ્ધા-વિશ્વાસ આવી જાય. સાથે ને સાથે એવું પણ નથી કે પ્રશિક્ષણ કે અભ્યાસ દ્વારા આવા શ્રદ્ધા-વિશ્વાસ ઉત્પન્ન નથી કરી શકાતાં. એનો અર્થ એવો પણ નથી કે બધી દવાઓ નિરર્થક છે. આપણે તો માત્ર પૂર્ણ વિશ્વાસ કે શ્રદ્ધાની અદ્‌ભુત શક્તિ પર ભાર મૂકીએ છીએ.

સંમોહન અવસ્થામાં મનના ચમત્કાર

જો અચેતન મન થોડા વિચારોને સ્વીકારી લે તો એ વાસ્તવિક ન હોવા છતાં પણ એ વિચારોમાં રહેલા ઉકેલો પ્રમાણે એ ચાલશે. જાણે કે એ સત્ય હોય એમ મન વર્તશે. સંમોહિત થયેલા લોકોમાં આપણને આવું જ જોવા મળે છે. ડો. સૈલિગમૈને એક શોધનિબંધમાં પોતાના આ પ્રયોગોમાંથી મળેલા અનુભવોનું વિવરણ આપ્યું છે. એમણે એક સંમોહિત વ્યક્તિને સંબોધીને કહ્યું કે તેને એક ધગાવેલ લોખંડની છડનો સ્પર્શ કરાવવામાં આવશે અને એના શરીર પર ફરફોલા ઊઠશે. ધગાવેલ છડને બદલે ત્યાર પછી ડોક્ટરે પોતાની આંગળીથી જ સ્પર્શ કર્યો. પણ પેલા ભાઈ તો જાણે કે એની ચામડી બળતી હોય એમ માનીને કંપવા લાગ્યો. આ વ્યક્તિને સંમોહિત કરતાં જ તેના હાથ પર એક પટ્ટી બાંધી દીધી હતી. છ કલાક પછી એ પટ્ટી ખોલવામાં આવી. જે સ્થાને ડોક્ટરે પોતાની આંગળી અડાડી હતી ત્યાં એક ફોડલો થઈ ગયો હતો. પછીના દિવસે એ ફોડલો મોટો થઈને બળવાથી કોઈ ઘારું થઈ જાય એવો થઈ ગયો. જ્યારે વિશેષજ્ઞોની હાજરીમાં આ પ્રયોગનું પુનરાવર્તન થયું ત્યારે પરિણામ તો એવું જ આવ્યું.

હવે એમણે પેલી સંમોહિત વ્યક્તિને જણાવ્યું કે તેઓ એને આંગળીથી સ્પર્શ કરશે અને એનાથી કોઈ પીડા નહિ થાય. ત્યાર પછી એમણે પેલા ભાઈને તપાવેલા લોઢાનો સ્પર્શ કરાવ્યો. તપેલું લોઢું અડાવવામાં આવતું હતું ત્યારે કે ત્યાર પછી પણ પેલી વ્યક્તિના ચહેરા પર કોઈ પણ દુ:ખનું લક્ષણ જોવા ન મળ્યું. તેની ચામડી પર ફોડલો ન હતો પણ જ્યાં ગરમ લોઢું અડાવવામાં આવ્યું હતું કેવળ એ સ્થાને એક નાનું એવું લાલ રંગનું ગોળ ચિહ્‌ન હતું. એમાં કોઈ પણ પ્રકારની પીડા કે દર્દ ન હતાં. થોડીવારમાં એ ચિહ્‌ન ભુંસાઈ પણ ગયું.

વજન ઊંચકનાર એક સુપ્રસિદ્ધ મલ્લને સંમોહિત કરીને તેને આમ કહેવામાં આવ્યું: ‘હવે તમે ગમે તેટલો પ્રયત્ન કરશો તોયે આ ટેબલ પર રાખેલી પેન્સિલને પણ તમે ઉપાડી નહિ શકો.’ ત્યાર પછી જે વ્યક્તિ સાહજિક રીતે ૨૦૦ કિલો વજન ઉપાડી શકતી હતી પ્રયાસ કરવા છતાં તે એક પેન્સિલ પણ ઉપાડી ન શક્યો. તેના અચેતન મન પાસે એ વિશેષજ્ઞે પોતાના બોધ-સંદેશને પૂરેપૂરો ગ્રહણ કરાવી દીધો અને એ પ્રમાણે જ એની પાસે આચરણ પણ કરાવ્યું.

એટલે શું સંમોહિત અવસ્થામાં એ માણસ નિર્બળ થઈ ગયો હતો? ના. પહેલાની જેમ જ તે બળવાન તો હતો જ પણ એ અવસ્થામાં એને અપાયેલ ઊલટી સલાહને લીધે અણજાણ્યે એણે પોતાના સ્વભાવને ઊલટાવી નાખ્યો. એક બાજુએ એણે પેન્સિલ ઉપાડવાના પ્રયાસમાં પોતાની પૂરી તાકાત અજમાવી દીધી અને બીજી બાજુએ ‘તમે આ નહિ ઉપાડી શકો’ની સલાહે એના પર પ્રભાવ પાડ્યો. અભાવાત્મક સલાહે તે વ્યક્તિની વાસ્તવિક શક્તિને અભિવ્યક્ત થતી રોકી દીધી અને એના પરાજયનું કારણ બની ગઈ.

એક માણસ સભામંચના ભયથી પીડાતો હતો અને સ્રોતાઓ સામે એક શબ્દ પણ બોલી ન શકતો. એને સંમોહિત કરીને ‘તમે ઘણું સારું બોલી શકો છો’ એમ કહેવામાં આવ્યું. તે સંમોહિત થઈને જ ઊભો થયો અને નિર્ભયતાથી પોતાના વાણીપ્રવાહ વહેતો કરતાં જોઈને સૌ કોઈ આશ્ચર્યમાં પડી ગયા. ગણિતની એક સમસ્યા છે અને એ કોયડાને હલ કરવામાં સામાન્ય રીતે એક કલાક સુધી કઠિન માનસિક પરિશ્રમ કરવો પડે તેમ છે; પણ એક સંમોહિત વ્યક્તિએ વીસ મિનિટમાં જ એ કોયડાનો ઉકેલ લાવી દીધો. વ્યાખ્યાનની ક્ષમતા અને ગણિતના કોયડાને ઉકેલવાની શક્તિ એ બંને વ્યક્તિમાં પહેલેથી જ છુપાયેલ હતી. પેલા વક્તાએ સારું ભાષણ આપ્યું અને બીજાએ ગણિતનો કોયડો ઉકેલી દીધો એ સંમોહનકર્તાની ચમત્કારિક શક્તિનું પરિણામ ન હતું; પરંતુ એ બંને પોતે જ પોતાની ક્ષમતાઓ વિશે કંઈ જાણતા ન હતા. અભાવાત્મક બોધે એમની ક્ષમતાઓને દબાવી રાખી હતી. પેલા મનોવિશેષજ્ઞે એમને એ દમન થયેલી અવસ્થામાંથી મુક્ત કરી દીધા. થોડા ઘણા લોકો જ બાળપણથી અનુભવેલ-મળેલ આવા દમનકારી તથા અભાવાત્મક જ્ઞાન-બોધ પર વિજય મેળવીને સુયોગ્ય માત્રામાં આત્મશ્રદ્ધાને કેળવી શકે છે. આ આત્મવિશ્વાસ જ દબાવેલી અવસ્થામાં પડેલ પ્રચંડ શક્તિને ઉન્મુક્ત કરવાની ચાવી છે.

મન જેને દૃઢતાપૂર્વક સત્યના રૂપે સ્વીકારી લે છે, તેનો મનુષ્યના આચરણ પર પ્રભાવ પડે છે. ઉપર્યુક્ત ઉદાહરણ આ વાતને પુષ્ટી આપે છે. જો તમે સંમોહિત અવસ્થામાં હો અને અભાવાત્મક બાબતો નિરંતર તમારા મન પર પ્રહાર કરતી રહે તો એનાથી જે ક્ષતિ કે નુકશાન થાય છે એની આપણે સહજ રીતે કલ્પના કરી શકીએ છીએ. સાધારણ રીતે આપણે પ્રકૃતિ દ્વારા રક્ષિત છીએ; જ્યારે આપણું ચેતનમન સક્રિય રહે છે ત્યારે આ નવાં સલાહ-સૂચનો તેમજ વિચારોને સહજ-સરળતાથી સ્વીકાર કરતા નથી. આપણી પ્રકૃતિ વિચારે છે, નિરીક્ષણ-પરીક્ષણ કરે છે, પાછલા અનુભવો સાથે એ સલાહ-સૂચન અને વિચારોને મેળવી લે છે અને પછી ક્રમશ: ધીમે ધીમે એનો સ્વીકાર કરે છે. જો આવું ન હોત તો દરેકે દરેક ભય અને શંકા આપણા પર સવાર થઈ જાત. ‘મને તાવ આવ્યો છે, હું દુર્બળ-અશક્ત થતો જઉં છું’ – ચેતન મનના આવા વિચારો, સૂચન કે સલાહ સહજ રીતે અચેતન મન દ્વારા સ્વીકૃત થઈને કાર્યરૂપમાં પરિણત થઈ જાત. જો આપણું ચેતનમન કોઈ એક વિષય પર નિરંતર વિચારતું રહે તો અચેતન મન પણ એને કાર્યરૂપ આપવાની તક શોધતું રહે છે.

જો બાળકોના ચેતનમનનો સારા પ્રમાણમાં વિકાસ થાય તે પહેલાં જ એમને અભાવાત્મક વિચાર કે ઉકેલો આપવામાં આવે તો તે સંમોહિત માણસની જેમ જ આચરણ કરે છે. નાના બાળકોના શિક્ષકોએ ઘણી સાવચેતી રાખવી પડે. એણે એ વાતનું ધ્યાન રાખવું કે બાળકોના ભવિષ્યના પાયામાં ઉપયોગમાં લેવાનારી કોઈપણ ઈંટમાં તિરાડ ન પડી જાય. આ મૂળભૂત સિદ્ધાંત છે, અને એ સિદ્ધાંત કેવળ એક વ્યક્તિને નહિ પરંતુ સમગ્ર રાષ્ટ્રને નિર્બળ કે સબળ બનાવી દે છે. સ્વામી વિવેકાનંદ કહેતા: ‘જે વ્યક્તિ દિનરાત પોતાને દીનહીન કે ક્ષુદ્ર-અયોગ્ય માનીને બેસી રહેશે, એવી વ્યક્તિ દ્વારા કંઈ થઈ શકતું નથી. જો તે પોતાને ‘હું કંઈ નથી’ એમ માને છે તે વાસ્તવિક રીતે ‘કંઈ નથી’ એવો માનવ બની જાય છે. જો તમે ‘મારી ભીતર શક્તિ છે’ એમ કહો તો તમારામાં શક્તિ જાગી ઊઠશે. જો તમે ‘હું કંઈ નથી’ એમ દિવસરાત કહ્યા કરશો અને વિચારતા રહેશો તો તમે ખરેખર ‘કંઈ નથી’ બની જશો. તમારે આ મહાન તત્ત્વને સદા યાદ રાખવું જોઈએ – આપણે તો એ પરમ શક્તિમાન પિતાના સંતાન છીએ, એ અનંત બ્રહ્માગ્નિના અગ્નિકણ છીએ, તો પછી ભલા આપણે ‘કંઈ નથી’ કેમ બની શકીએ? આપણે સર્વકંઈ છીએ, આપણે બધું કરી શકીએ છીએ અને મનુષ્યે બધું જ કરવું પડશે.’

‘પુરાણોમાં વર્ણવેલા ૩૩ કરોડ દેવતાઓ ઉપર અને વિદેશીઓએ વચ્ચે વચ્ચે જે દેવતાઓને તમારામાં ઘુસાડી દીધા છે, એ બધા પર જો તમારી શ્રદ્ધા હોય અને તમારી જાત પર શ્રદ્ધા ન હોય તો તમે ક્યારેય મુક્તિના અધિકારી બની શકતા નથી. પોતાની જાત પર શ્રદ્ધા રાખતાં શીખો. આ આત્મશ્રદ્ધાના બળ દ્વારા પોતાના પગ પર ઊભા થાઓ અને પ્રબળ બનો. આ સમયે આપણને એની જ આવશ્યકતા છે.’

રાષ્ટ્રમાં રચનાત્મક ભાવ

હમણાં જ જાપાનના પ્રવાસથી પાછા ફરેલા કેટલાક વરિષ્ઠ લોકોએ કહ્યું કે ત્યાં બાળકો જેવા પ્રાથમિક શાળામાં જવા માંડે છે કે એમનો દેશ કેટલો ગૌરવશાળી છે એ એમને શીખવવામાં આવે છે. બાળકો પણ પોતાના પૂર્વજોની કાર્યકુશળતા, પ્રબળ શક્તિ તથા યોગ્યતા પર પ્રકાશ ફેંકતી પ્રાચીન મહાપુરુષોની કથાઓ પોતાની સંસ્કૃતિનો મહિમા અને એવી બધી વાર્તાકથાઓ સાંભળવા ઉત્સુક રહે છે. આ વાર્તાઓ બાળકોમાં શ્રદ્ધાનો ભાવ વિકસાવે છે તથા એમને પોતાના દેશ તેમજ દેશવાસીઓ પ્રત્યે ગૌરવનું જ્ઞાન-ભાન કરાવે છે. એમને એ પણ દર્શાવવામાં આવે છે કે મનુષ્યની એક મહાન જાતિ હોવાને કારણે ઈશ્વર એમને વિશેષ રૂપે પસંદ કરે છે અને સૂર્યનાં કિરણો સર્વપ્રથમ જાપાનની ભૂમિ પર પડીને તેને આલોકિત કરવો એ ઈશ્વરના જાપાન પ્રત્યેના પ્રેમનું દ્યોતક છે. તેઓ પોતાના દેશને દુનિયાનું સર્વાધિક ગૌરવશાળી રાષ્ટ્ર માને છે. ‘એમની જાતિ મહાન જાતિ છે, એમનો દેશ ઊગતા સૂર્યનો દેશ છે’ વગેરે જેવા વિચાર જાપાની બાળકોના મનમાં બાળપણથી જ ભરી દેવાય છે. આ એમની આત્મશ્રદ્ધાનું એક અંગ બની જાય છે. સાથે ને સાથે તેમને રચનાત્મક કાર્ય, કર્મપ્રેમ, પરિશ્રમ, સહયોગ, જેવા પ્રત્યેક ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતા પ્રાપ્ત કરવા તથા દેશ પ્રત્યેના સર્વોત્કૃષ્ટ ભક્તિભાવ માટે પ્રેરિત કરે છે. આ એક એવો દેશ છે કે જેનાં બાળકો શૈશવકાળથી આ ભાવ અને શ્રદ્ધાને આત્મસાત્‌ કરે છે. આ નાના દેશે બહુમુખી પ્રગતિ કરી છે અને અત્યારે એ વિશ્વના સર્વાધિક ઉન્નત રાષ્ટ્રોના વિકાસનાં બધાં ક્ષેત્રોમાં પડકારરૂપ બનવાની પરિસ્થિતિમાં છે.

Total Views: 55

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.