(ગતાંકથી ચાલું)

तल्लक्षणानि वाच्यन्ते नानामतभेदात् ॥१५॥

(तत् लक्षणानि, તેનાં ભક્તિનાં લક્ષણો; मतभेदात्, જુદા જુદા પ્રકારના દૃષ્ટિકોણથી; नाना, ઘણા પ્રકારના છે; वाच्यते, કહેવાયા છે.)

૧૫. તે ભક્તિનાં વિવિધ લક્ષણો (હવે) કહેવામાં આવે છે. કારણ કે (જુદા જુદા વિવરણકારોએ) આ વિષયમાં જુદા જુદા દૃષ્ટિકોણો દર્શાવ્યા છે. આ વિભાગમાં ભક્તિમાર્ગના ઘણા આચાર્યોના દૃષ્ટિબિંદુનું વિવરણ કરવામાં આવ્યું છે. ભક્તિની વિવિધ પરિભાષાઓ આપવામાં આવી રહી છે. એ વ્યાખ્યાઓ વિવિધ છે, એનું કારણ, એ વિશેનાં વિવિધ મંતવ્યો છે. જુદા જુદા ઉપદેશકો ભક્તિની જુદી જુદી વ્યાખ્યા આપે છે. આપણા એ વિશેના ખ્યાલને સ્પષ્ટ બનાવવા માટે એક યા બીજી રીતે એ બધી વ્યાખ્યાઓ સહાયક બને છે. તે આપણે આગળ ઉપર જોઈશું.

पूजादिष्वनुराग इति पाराशर्यः ॥१६॥

पूजा, અર્ચના; आदिषु, અને એવાં બીજાં કાર્યોમાં; अनुरागः, પ્રેમ અથવા આકર્ષણ; इति, એમ; पराशर्य, પરાશર મુનિના પુત્ર (વ્યાસ); (मनुते, માને છે. )

૧૬. વ્યાસ મુનિને મતે ભક્તિનો અર્થ (ભગવાનની) પૂજા વગેરે કાર્યો તરફ આકર્ષણ (જે પ્રમાણે શાસ્ત્રોમાં વિદિત છે તેવું) એવો થાય છે.

વ્યાસ મુનિ પુરાણોના રચયિતા છે અને મુખ્યત્વે એમાં ભાગવતનું ખાસ મહત્ત્વ છે. શાસ્ત્રોમાં ભગવાનની વિધિવિધાનપૂર્વકની પૂજા તરફના આકર્ષણને મહત્ત્વ આપવામાં આવ્યું છે કારણ કે આવા વિધિવિધાનથી-કર્મકાંડથી-ભગવાન તરફનો પ્રેમ ઉત્પન્ન થઈ શકે છે. ભક્તિમાર્ગે શરૂઆત કરનાર માટે આ વિધિવિધાનોનું પાલન ખૂબ જ અગત્ય ધરાવે છે. કારણ કે, એવો ભક્તસાધક પ્રેમની ઉચ્ચતર અભિવ્યક્તિનો વિચાર કરી શકતો નથી. પ્રેમની ઉચ્ચતર અભિવ્યક્તિઓ, ભક્તિમાર્ગના પ્રથમ પગથિયે જ આરંભબિંદુ બની શકતી નથી.

कथादिष्विति गर्गः ॥१७॥

(कथा, ભગવાનની લીલાની વારતાઓ; आदिषु, અને એવી બીજી બાબતોમાં; इति, એમ કહે છે; गर्गः, ગર્ગ મુનિ)

૧૭. ગર્ગ મુનિના મત પ્રમાણે ભગવાને અવતાર ધારણ કરીને કરેલી લીલાઓની કથાઓ તરફ આકર્ષણ થાય, એનું નામ ભક્તિ છે. ગર્ગ ઋષિ નામના એક ભક્તિમાર્ગના આચાર્ય એવું કહે છે કે ભગવત્કથાનું આકર્ષણ એટલે કે ભગવાનના નામસ્મરણ, લીલાપ્રસંગોના શ્રવણ, ભગવાનના ચરિત્ર, ભગવાનની જીવનકથા અને એવી બીજી બધી બાબતો તરફનું આકર્ષણ, એ ભક્તિ છે, ભક્તિની આ વ્યાખ્યાથી આપણને જાણવા મળે છે કે ભગવાનના નામસંકીર્તનથી, ભગવાનની વિવિધ દિવ્યલીલાઓની કથાઓના શ્રવણથી, ભગવાનના વિવિધ અવતારોની વાર્તાઓ સાંભળવાથી આપણો ભગવાન તરફનો પ્રેમ વૃદ્ધિ પામે છે.

आत्मरत्यविरोधेनेति शाण्डिल्यः ॥१८॥

(आत्मरति, પોતાના પ્રત્યેનો પ્રેમ; अविरोधेन, ઘૃણા સિવાય; इति, એમ કહે છે; शाण्डिल्यः, ઋષિ શાંડિલ્ય)

૧૮. શાંડિલ્યના અભિપ્રાય પ્રમાણે, પોતાના આત્મા ઉપર જેવો પ્રેમ હોય, એવો જ ભગવાન પ્રત્યે પ્રેમ રાખવો, અને ભક્તિમાર્ગ તરફ ઘૃણા રાખતી બધી વસ્તુઓનો ત્યાગ કરવો તે ભક્તિ છે.

શાંડિલ્ય મુનિએ પોતાનાં જુદાં ભક્તિસૂત્રો રચ્યાં છે. તેઓ ભક્તિની એક અલગ પરિભાષા આપે છે. શાંડિલ્ય મુનિ કહે છે કે આત્મા પ્રત્યેનો પ્રેમ કે આકર્ષણ એ જ ભક્તિ છે. અહીં આત્માનો અર્થ આપણો સીમિત-મર્યાદિત આત્મા તરીકે લેવાનો નથી. ભગવાન જ સર્વના આત્મા છે. એટલા માટે આત્મા તરફનો પ્રેમ એ ભગવાન-પરમાત્મા-તરફનો પ્રેમ છે અને એવો ભગવત્પ્રેમ જ ભક્તિ છે. આ એક સાદામાં સાદું વિધાન છે. આનો અર્થ આવો નીકળે કે આપણો ભગવાન તરફનો પ્રેમ આપણા વર્તનમાં પણ દેખા દે છે. જ્યારે આપણું વર્તન એવું થાય કે એવા પ્રેમની પ્રાપ્તિમાં વિરોધી હોય એવી કોઈપણ બાબતને આપણે આચરીએ નહિ, ત્યારે જ આપણે ઈશ્વરના સાચા પ્રેમીઓ-ભક્તો થયા એમ કહેવાય.

આ સૂત્ર અને આની પહેલાંના સૂત્રમાં શો તફાવત છે? આની પહેલાંનું સૂત્ર ભક્તિનો સાધના ઉપરના પ્રેમની – આકર્ષણની વાત કરે છે. જ્યારે અહીં નિષેધાત્મક રીતે એવું દર્શાવવામાં આવ્યું છે કે વસ્તુઓ પદાર્થો તરફનો આપણો પ્રેમ, આપણું આકર્ષણ, આપણા ભગવત્પ્રેમનું, આપણા ભગવાન તરફના ખેંચાણનું વિરોધી ન હોવું જોઈએ; અથવા તો ભગવત્પ્રેમને હાનિ પહોંચાડનારું ન હોવું જોઈએ. આ રીતે આ એક નિષેધાત્મક વિધાન છે.

नारदस्तु तदर्पिताखिलाचारता तद्दिस्मरणे परमव्याकुलतेति (च)॥१९॥

नारदः, ઋષિ નારદ; तु, પણ; तत् अर्पित-अखिल-आचारता, બધા જ કાર્યકલાપો-આચારોને ઈશ્વરસમર્પિત કરવા તે (ભક્તિ છે); (, અને;) तत्-विस्मरणे, અને જો તેનું વિસ્મરણ થાય તો; परम, અત્યંત; व्याकुलता, ઉદ્વેગ; इति, આમ (मन्वते, માને છે.)

૧૯. પરંતુ, નારદ એવું માને છે કે બધા જ કાર્યકલાપો ઈશ્વરને સમર્પિત કરી દેવા, એ જ ભક્તિ છે. અને જો એ ભગવાનને ભૂલી જવાય તો ખૂબ જ ઉદ્વેગ થાય છે.

આ પ્રસ્તુત સૂત્ર નારદનું પોતાનું વિધાન રજૂ કરે છે. આગળનાં સૂત્રોમાં આપેલી ત્રણ પરિભાષાઓથી જુદા પડીને નારદ જણાવે છે કે આપણી બધી જ વર્તનભાતો, આપણા બધા જ કાર્યકલાપો ભગવાનને સમર્પિત થઈ જવાં જોઈએ. વળી અહીં બીજો મુદ્દોપણ બતાવવામાં આવ્યો છે. તે એ કે આપણે જો એ ભગવાનને ભૂલી જઈએ તો આપણને એનો સખતમાં સખત ઉદ્વેગ થવો જોઈએ. નારદે આપેલી પરિભાષામાં આ બે બાબતો સમાયેલી છે : પહેલી તો એ છે કે આપણી બધી જ ક્રિયાપ્રક્રિયાઓ ભગવાનને ચરણે ધરી દેવી જોઈએ એટલે કે આપણે જે કંઈ કરતા હોઈએ, તે બધું જ ભગવાનની સેવા અર્થે જ કરાતું હોવું જોઈએ.

આપણાં સામાન્ય કાર્યો પણ આપણે ઈશ્વરને સમર્પિત કરી દેવાં જોઈએ; અરે! આપણું સર્વસ્વ જ ઈશ્વરને ચરણે ધરી દેવું જોઈએ અને બીજી બાબત એ છે કે આપણે આપણાં બધાં જ કાર્યો ઈશ્વરને સમર્પિત કરી દઈએ છીએ, એવું કહેવું જ માત્ર પૂરતું નથી. એટલા માટે ત્યાં એક અગમચેતી જરૂરની છે કે જો આપણે એ ભગવાનને ભૂલી જઈએ તો આપણને અત્યંત ઉદ્વેગ – ભારે બેચેનીનો અનુભવ થવો જોઈએ. આપણે ભગવાનને ભૂલી જવાથી જન્મતી ભારે માનસિક તાણ ભોગવવી પડશે, તો ભક્તિનું સ્વરૂપ આવું છે.

જ્યારે આપણે ભગવાનને ભૂલી જઈએ છીએ, ત્યારે આપણા ઉપર અતિ તીવ્ર એવું તો દુ:ખ આવી પડે છે કે જાણે આપણે ભગવાનથી દૂર ફેંકાઈ ગયા છીએ! આવી વેદના ભાગવતમાં ગોપીઓની વર્તણૂકમાં વિસ્તારથી વર્ણવાયેલ છે. ત્યાં એવું કહેવામાં આવ્યું છે કે કૃષ્ણ ગાયો ચરાવવા ગયા હતા, તે દરમિયાન આખા દિવસ સુધી ગોપીઓએ શ્રીકૃષ્ણને જોયા નહિ. પછી જ્યારે તેઓ ઘેર પાછા ફર્યા, ત્યારે ગોપીઓ તેમને પોતાની નજર સમક્ષ જ એવી રીતે રાખવા માગતી હતી કે એક ક્ષણભર પણ તે એમની આંખોથી જરાય ઓઝલ થાય જ નહિ! એવું કહેવાયું છે કે તેમની આંખ જ્યારે મટકું મારતી, ત્યારે તેઓ પોતાની આંખોને પણ ખિજાતી હતી! કારણ એ હતું કે જો આંખ મટકું મારે તો તેટલા વખત પૂરતી ક્ષણ વ્યર્થ જાય ને! તેમને લાગ્યું કે આ પોપચાંને બનાવનાર સર્જનહારને ખરેખર જ એ વાતની ગતાગમ લાગતી નથી કે એ પોપચું ભક્તને કેટલું બધું ભારે દુ:ખ આપી શકે છે! એક ક્ષણ પણ એને માટે એક યુગ જેવડી થઈ પડે છે! ભગવદ્‌-દર્શનથી વંચિત થતી એ એક ક્ષણ પણ જાણે કે એક આખા યુગ સુધી ખોવાઈ ગઈ હોય, એવું તેમને લાગ્યું હતું. આવી અતીતિવ્રતા ત્યાં આલેખવામાં આવી છે. અને પ્રેમની આવી તીવ્રતમતા જ ભક્તિની સાચી કસોટી છે.

એટલે બે બાબતો દર્શાવવામાં આવી છે, : જ્યાં સુધી આપણે જીવીએ છીએ, ત્યાં સુધીની આપણી બધી ક્રિયા-પ્રક્રિયાઓ એના તરફ – ભગવાન તરફ જ અભિમુખ કરી દેવી જોઈએ. એની જ સેવા માટે અને એને જ પ્રસન્ન કરવા માટે એ બધી હોવી જોઈએ. મનમાં એના વિચારોની ગેરહાજરીમાં આપણે સખત દુ:ખનો અનુભવ જો કરીએ તો એને જ ભક્તિ કહેવાય. એટલા માટે ભક્તિનો અર્થ કંઈ ‘અનર્ગળ સુખ’ જ એવો થતો નથી. આપણે ખોટું સમજી બેઠા છીએ કે ભક્તિ આપણને કેવળ આનંદ જ આપશે! ભક્તિમાં તો પીડા પણ સામેલ હોય છે. વળી એ પીડા અને વેદના પણ એટલી તો તીવ્ર હોય છે કે એની કોઈ અન્ય પ્રકારની પીડા સાથે સરખામણી જ ન થઈ શકે! હા, એટલું પણ ચોક્કસ છે કે ભક્તિથી મળતા આનંદની તીવ્રતાની સરખામણી પણ અન્ય આનંદની સાથે થઈ શકતી નથી. આ રીતે ભક્તને માટે આનંદ અને સાથોસાથ પીડા પણ- એમ બન્ને ચરમસીમાની કક્ષાવાળાં જ હોય છે. એ જ્યારે ભગવાન સાથે સપર્કમાં હોય છે, અને એનો કાર્યકલાપ ભગવાન પ્રત્યે જ અભિમુખ હોય છે, ત્યારે તે આનંદ અનુભવે છે. પરંતુ જે ક્ષણે એનું મન ભગવાનને ભૂલી જાય છે ત્યારે એ પરમ વેદનાનો અનુભવ કરે છે. અને ભક્તના જીવનમાં આવી ક્ષણો આવે, એ કંઈ અસ્વાભાવિક નથી. એટલે જ્યારે આવી ક્ષણો આવે છે, ત્યારે એની પીડા અકથ્ય, અકલ્પ્ય અને અનન્ય થઈ જાય છે. ભક્તનું જીવન આનંદ અને ઉદ્વેગના મિશ્રણવાળું હોય છે. પણ એ બન્નેની તીવ્રતા ચરમસીમાએ પહોંચી હોય છે. તો નારદની ભક્તિની પરિભાષા આવા પ્રકારની છે.

હવે, આવા ભક્ત માટે કોઈ ઔપચારિક રીતે જપ કે એવું ધ્યાન કરવાની કોઈ જ આવશ્યકતા નથી. એનું તો સંપૂર્ણ જીવન જ ભગવાનમાં નિમગ્ન થઈ ચૂકેલું હોય છે. એટલે ધર્મની એવી કોઈ ઔપચારિક સાધનાનો એને માટે કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી. હા, એના માટે કેટલાંક આધ્યાત્મિક સૂચનો કપિલે ભાગવતમાં માતા દેવહૂતિની આગળ વર્ણાવ્યા છે ખરાં. ત્યાં એ કહે છે : ‘આપણે સૌએ પોતાનાં કર્તવ્યો બજાવવાં જોઈએ. એ કર્તવ્યો દૈનંદિન પણ હોઈ શકે અને અમુક પ્રસંગોથી ઊભાં થતાં પણ હોઈ શકે. આપણે સૌએ વેદગાન-વેદપાઠ કરવો જોઈએ, બીજાને કશી હાનિ ન પહોંચાડે તેવાં બધાં નિયત કાર્યો કરવાં જોઈએ. બધાં જ પ્રાણીઓમાં ઈશ્વર વસેલો છે, એમ આપણે વિચારવું જોઈએ, આપણે સત્પુરુષોનો સંગ કરવાની ઝંખના સેવવી જોઈએ; આધ્યાત્મિક દૃષ્ટિએ મહાન પુરુષો તરફ આપણે સન્માન દર્શાવવું જોઈએ. અને એ દૃષ્ટિએ જેઓ નિમ્ન કક્ષાના હોય, તેઓ તરફ આપણામાં કરુણા, સહાનુભૂતિ અને દયાના ભાવ ઊપજવા જોઈએ. જે લોકો આપણી સમાન કક્ષાના હોય, તેમના પ્રત્યે મૈત્રીભાવ રાખવો જોઈએ. ભક્તે પોતાના આવેગો ઉપર કાબૂ રાખવો જોઈએ. અને મનનો સંયમ કેળવવો જોઈએ. એણે ભગવાનના લીલાગાનમાં અને ભગવાનની સ્તુતિમાં જ સમય પસાર કરવો જોઈએ, એ સરળ હૃદયવાળો હોવો જોઈએ; એ દુનિયાના પદાર્થો પ્રત્યે અનાસક્ત હોવો જોઈએ. એ અભિમાનથી મુક્ત હોવો જોઈએ.’ … અને જ્યારે આ બધી વસ્તુઓની લઢણથી – એના વારંવારના મહાવરાથી – મન વિશુદ્ધ થઈ જશે, ત્યાર પછી જ્યારે એ ભગવાનનું નામ સાંભળશે કે તરત જ એનું મન ભગવાનમાં ભળી જશે.

अस्त्येवमेवम् ॥२०॥

(अस्ति, છે; एवम् एवम्, આ આ પ્રકારનાં; (ભક્તિનાં ઉદાહરણો છે).

૨૦. ભક્તિનાં આવાં આવાં પ્રકારનાં ઉદાહરણો છે. પહેલાં આપવામાં આવેલાં ચાર સૂત્રોમાં આપણે જોયું કે ઘણા મહાન આચાર્યોના ભક્તિના વિષયમાં પોતાના સ્વતંત્ર અભિપ્રાયો છે. નારદ પોતે પણ પોતાનો ભક્તિવિષયક અભિપ્રાય રજૂ કરે છે. એમના મત પ્રમાણે ભક્તનાં બધાં જ કર્મો ભગવાન તરફ તાકેલાં હોવાં જોઈએ અને જો કોઈક પણ ક્ષણે એનું મન ભગવાનના સંપર્કથી – ઈશ્વર મગ્નતામાંથી વિખૂટું પડી જાય, તો એને પારાવાર વેદના થાય છે; ભયંકર પીડા થાય છે.

આવું ખરેખર થાય છે, એમ ઉમેરીને નારદ આ વસ્તુ ઉપર ભાર મૂકે છે. નારદનો પોતાનો આ જાતઅનુભવ છે. ખાલી વિધાન કે ખાલી સિદ્ધાંત કરતાં એ વધારે વજૂદવાળી વાત છે. પોતાની વ્યક્તિગત અનુભૂતિના જોરે નારદ આ વિધાનને દૃઢાવી રહ્યા છે.

यथा व्रजगोपिकानाम् ॥२१॥

(यथा, જેવી રીતે; व्रज, વૃંદાવન; गोपिकानाम्, ગોપીઓના )

૨૧. (જેવી રીતે વ્રજની ગોપીઓના જીવનમાં જોવા મળે છે તેમ). ભક્તનાં બધાં જ કર્મો પ્રભુસમર્પિત હોવાં જોઈએ અને જો કોઈ ક્ષણે આવા સમર્પણભાવમાંથી ભક્તનું મન ચ્યુત થઈ જાય, તો એણે પારાવાર પીડા ભોગવવી પડે છે. આ વાત વૃંદાવનની ગોપીઓના જીવનનું ઉદાહરણ આપીને સમજાવવામાં આવી છે. એ ગોપીઓનું સમગ્ર જીવન ભગવાનને સમર્પિત હતું. એટલા માટે જો તેઓ એક ક્ષણભર પણ ભગવાનનો વિચાર ન કરે, તો ભગવાનના વિયોગની લાગણીને કારણે તેમને પીડા સહન કરવી પડતી હતી.

तत्रापि न माहात्म्य-ज्ञान विस्मृत्यपवादः ॥२२॥

(तत्र अपि, તેમાં-તે બાબતમાં પણ; माहात्म्य, મહત્તા; ज्ञान, ખ્યાલ-સમજણ; विस्मृति, વિસ્મરણ; अपवादः, દોષ; , નથી (अस्ति, બનતો.)

૨૨. ત્યાં પણ પોતાના પ્રેમભાજનની વિસ્મૃતિનો દોષ નડતો નથી. આ પહેલાંના સૂત્રમાં ટાંકેલું ઉદાહરણ અનન્ય છે. એમાં ભક્તિનું જીવંત ઉદાહરણ અપાયું છે. સત્યને સમજવા માટે ખાલી સિદ્ધાંતો તો નકામા નીવડે છે. જ્યારે કોઈ પ્રસંગને પૂર્ણ જીવંત રીતે ચિત્રિત કરવામાં આવે છે, ત્યારે જ મનુષ્ય એને વધારે સારી રીતે સમજી શકે છે. એટલે ઉદાહરણ રૂપે અહીં ગોપીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ભક્તિથી આપણામાં જે કંઈ થાય છે તે આ છે : ભક્તિ આપણને વૃંદાવનની ગોપીઓની પેઠે જ એવી અનુભૂતિ કરવાનું શીખવે છે. આપણને એવા બનાવે છે. કેવી રીતે ગોપીઓ શ્રીકૃષ્ણ સિવાય બીજું કશું જ જોતી ન હતી, કેવી રીતે એમનું સમગ્ર જીવન શ્રીકૃષ્ણમાં લીન થઈ ગયું હતું, આ બધાંનું વિવરણ ભાગવતમાં કરવામાં આવેલું છે. ગોપીઓ પોતાનાં બધાં જ કાર્યો શ્રીકૃષ્ણ માટે જ કરે છે. એમને માટે એનો એક ક્ષણમાત્રનો વિયોગ પણ મરણ કરતાંય વધારે ખરાબ હતો.

તો પણ કદાચ ગોપીઓની એ ભક્તિમાં કોઈક આ વાંધો ઉઠાવી શકે કે ગોપીઓમાં એમના સ્નેહભાજન-પ્રેમપાત્ર (શ્રીકૃષ્ણ)ના માહાત્મ્યનો ખ્યાલ ન હતો! તેઓ શ્રીકૃષ્ણને ચાહતી તો હતી, પરંતુ, શ્રીકૃષ્ણની જે મહત્તા હતી (અવતારી માહાત્મ્ય હતું), એનો વિચાર તેમણે કદીય કર્યો નથી. એ તો કૃષ્ણને એક પ્રેમી-પ્રિયતમ-તરીકે જ લેખતી હતી અને એમાં જ એમના પ્રેમની પરિસમાપ્તિ થઈ જતી હતી. એટલે આક્ષેપ આ છે કે ભગવાનની મહત્તાનો ખ્યાલ ગોપીઓને ન હતો.

(ક્રમશ:)

Total Views: 69

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.