આપણે ગયા બે સંપાદકીયમાં ગાંધીજીની શ્રીરામકૃષ્ણના જીવનસંદેશ પર કેવી શ્રદ્ધા હતી એ જોઈ ગયા છીએ. હવે આપણે શ્રીરામકૃષ્ણદેવના શિષ્ય સ્વામી વિવેકાનંદના જીવન અને સંદેશનો ગાંધીજીના જીવન પર કેટલો ગહન પ્રભાવ પડ્યો હતો એ જોઈશું.

સ્વામી વિવેકાનંદના કેળવણી વિશેના વિચારોનું સંકલન કરીને બહાર પડેલ પુસ્તક ‘એજ્યુકેશન’ (કેળવણી) ના સેવાગ્રામ, વર્ધાથી ગાંધીજીએ ૨૨-૭-૧૯૪૧ના રોજ લખેલા પુરોવચનમાં લખ્યું છે:

‘સ્વામી વિવેકાનંદનાં લખાણોને કોઈનાયે પુરોવચનની આવશ્યકતા નથી. એ લખાણો અને વિચારો પોતાની રીતે જ અવિરત પ્રભાવ પાડતા રહે છે.’

આવા પુરોવચનથી આપણને સ્પષ્ટપણે ખ્યાલ આવે છે કે ગાંધીજીને સ્વામી વિવેકાનંદનાં લખાણો અને વિચારો પ્રત્યે કેટલો મોટો આદરભાવ હતો.

સ્વામી વિવેકાનંદના સંદેશથી પ્રેરાઈને મહાત્મા ગાંધી ૩૦, જાન્યુઆરી, ૧૯૨૧ના રોજ બેલૂર મઠમાં ગયા હતા. એ દિવસે ત્યાં સ્વામી વિવેકાનંદની ૫૯મી જન્મજયંતીનો મહોત્સવ ઉજવાતો હતો. ‘દરિદ્રનારાયણ સેવા’ આ મહોત્સવનું વિશિષ્ટ લક્ષણ હતું. સ્વામીજી દરિદ્રો પ્રત્યે એક વિશેષ સહાનુભૂતિ તેમજ આદરભાવ દાખવતા હતા. તેઓ એમને સાક્ષાત્‌ નારાયણના રૂપે જોતા અને ‘શિવજ્ઞાને જીવસેવા’ના આદર્શ સાથે એમની સેવા કરવા તત્પર રહેતા. એ જ દિવસે ગાંધીજી અને એમના સંગીસાથીઓનું બેલૂર મઠમાં ભારતના સ્વદેશ ભક્ત સંન્યાસી સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાંજલિ અર્પવા આવવું એક અણધાર્યું આગમન હતું. એમની સાથે એમનાં ધર્મપત્ની કસ્તુરબા, મોતીલાલ નહેરુ, શ્રી મહમ્મદ અલી અને બીજા અગ્રણી મહાનુભાવો હતા. મહાપુરુષ મહારાજ – (સ્વામી શિવાનંદજી)એ એમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું અને એમની સાથે ઘણી રસપ્રદ ચર્ચા પણ થઈ. તેઓ વિશેષ કરીને તેમને શ્રીરામકૃષ્ણ મંદિરમાં તેમજ વિવેકાનંદ જે ખંડમાં રહેતા હતા ત્યાં લઈ ગયા. મહાત્માજીને આમાં ઘણો રસ પડ્યો અને તેમણે મંદિરમાં સંગૃહિત શ્રીરામકૃષ્ણદેવના સ્મૃતિચિન્હો, તેમણે ઉપયોગમાં લીધેલી કેટલીક ચીજવસ્તુઓ તેમજ એમના હસ્તાક્ષરના નમૂના વગેરેને એમણે ઘણી ઉત્સુકતા સાથે નિહાળ્યા. અત્યંત આદરભાવ સાથે એમણે શ્રીરામકૃષ્ણે ઉપયોગમાં લીધેલા ગાદલાને સ્પર્શ કર્યો. ગાંધીજીએ અને એમના સાથી મિત્રોએ મિશનને કેટલી સંસ્થાઓ છે, કેટલા સંન્યાસી કાર્યકરો છે તેમજ માયાવતી આશ્રમમાં કેવી રીતે જઈ શકાય એ વિશે પ્રશ્નો પૂછ્યા. મંદિરની પૂજાપદ્ધતિ વિશે પણ પૂછ્યું. મંદિરમાં મહાવીર હનુમાનની પ્રતિમા પણ એમના ધ્યાનમાં આવી. શ્રીરામકૃષ્ણનાં લીલાસહધર્મચારિણી શ્રીમા શારદાદેવીની પ્રતિમા પ્રત્યે પણ ગાંધીજીનું ધ્યાન દોરવામાં આવ્યું. એમના વિશે પૂછતાં તેઓ કેવી રીતે પવિત્રતા અને માતૃત્વ સભર જીવન જીવ્યા હતા તેની વાત ગાંધીજીને કહેવામાં આવી. 

દરેક મહોત્સવની જેમ આ દિવસે પણ બેલૂર મઠનું મેદાન ભિન્ન ભિન્ન વર્ગનાં ભાઈ-બહેનોના વિશાળ સમુદાયોથી ખચોખચ ભર્યું હતું. ગંગા નદીની સામે આવેલ મઠના મુખ્ય મકાનના વરંડાની આગળના ભાગમાં પહેલા માળે લોકોની માગને પ્રતિસાદ આપવા ગાંધીજી ઊભા રહ્યા અને એમણે ત્યાં ઉપસ્થિત લોકસમુદાયને સંબોધન કર્યું. આ વક્તવ્ય હિંદીમાં હતું. વક્તવ્યના શબ્દો છે:

‘મહેરબાની કરીને એક પળ માટે પણ તમે એમ ન ધારતા કે હું અહીં આપ સૌને મારા અસહકાર અને ચરખાના સિદ્ધાંતોની વાતો કરવા આવ્યો છું. હું તો અહીં સ્વામી વિવેકાનંદની પવિત્ર અને આદરભાવને પાત્ર એવી એમની સ્મૃતિને અંજલિ અને ભાવ-આદર અર્પવા આવ્યો છું. આજે એમનો જન્મદિન ઉજવાઈ રહ્યો છે. હું એમનાં લખાણોને – ગ્રંથોને સાંગોપાંગ વાંચી ગયો છું. અને એ બધું વાંચ્યા પછી મારો આ દેશ પ્રત્યેનો પ્રેમ હજારગણો વધી ગયો છે. હું અહીં ઉપસ્થિત યુવાનોને વિનંતી કરું છું કે જ્યાં સ્વામી વિવેકાનંદ જીવ્યા અને મૃત્યુ પામ્યા તેવા આધ્યાત્મિક શક્તિના સ્થળેથી પોતાના જીવનમાં કંઈક પ્રતિબિંબિત કર્યા વિના તેઓ ખાલી હાથે ન ફરે.’ (પ્રબુદ્ધભારત, માર્ચ ૧૯૨૧; મે, ૧૯૬૩; હિસ્ટ્રી ઑફ રામકૃષ્ણ મઠ એન્ડ રામકૃષ્ણ મિશન, ૧૯૫૭, પૃ.૨૮૨-૮૩; મહાપુરુષ શિવાનંદ, ઉદ્‌બોધન, ૧૯૪૯, પૃ.૨૧૧-૨૩ અને એ મેન ઑફ ગોડ, મદ્રાસ મઠ, ૧૯૫૭, પૃ.૧૦૮-૧૦૯) 

૩૦, જાન્યુઆરી, ૧૯૨૧ના રોજ ગાંધીજીએ બેલૂર મઠની મુલાકાત લીધી એ વિશે પશ્ચિમ બંગાળના આઈ.જી.પી.ની ઈન્ટેલિજન્સ શાખાના રેકોર્ડમાં એક નોંધ છે. બીજા મુદ્દાઓ ઉપરાંત આ અહેવાલ કહે છે: 

‘તેઓ (ગાંધીજી) કહેવા લાગ્યા કે તેમને બ્રહ્મલીન સ્વામી વિવેકાનંદ વિશે ઘણાં માન અને આદરભાવ છે. તેમણે એમનાં (સ્વામીજીના) ઘણાં પુસ્તકો વાંચ્યાં છે અને એમના ઘણા આદર્શો આ મહામાનવ (સ્વામીજી)ના આદર્શ સાથે ઘણે અંશે મળતા આવે છે. જો આજે સ્વામી વિવેકાનંદ જીવતા હોત તો એમની રાષ્ટ્ર જાગરણની ચળવળમાં એક મોટી સહાય મળી હોત. અલબત્ત, આજે પણ એમની પ્રાણશક્તિ તેમનામાં (સ્વાતંત્ર્ય વીરોમાં) ધબકે છે અને તેમણે સ્વરાજની સ્થાપના માટે પોતાનાથી બનતા બધા પ્રયાસો કરવા જોઈએ. તેમણે કહ્યું હતું કે તેમણે (લોકોએ) પોતાના દેશને બીજી કોઈ પણ બાબત કરતાં સૌથી વધારે ચાહવો જોઈએ અને બધાએ ભાવાત્મક રીતે એક બનવું જોઈએ.’ (ધ કલેક્ટેડ વર્ક્સ ઑફ મહાત્મા ગાંધી, વૉ.૧૯, ૧૯૬૬, પૃ.૩૦૭-૩૦૮)

વિશ્વના સુખ્યાત સાહિત્યકાર અને નોબેલ પારિતોષિક વિજેતા રોમાં રોલાંએ શ્રીરામકૃષ્ણ, સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધીજીનાં જીવન અને સંદેશ વિશે ફ્રેંચ ભાષામાં પુસ્તકો લખ્યાં છે. આ વાતનો ઉલ્લેખ આપણે અગાઉના સંપાદકીયમાં કરી ગયા છીએ. ગાંધીજીની બેલૂર મઠની ઉપર્યુક્ત ઘટના વિશે રોમાં રોલાંએ લખેલ સ્વામીજીના જીવનચરિત્રમાં આવો ઉલ્લેખ છે:

‘(બેલૂર મઠના) સ્વામીજીના ઓરડાના વરંડામાં ઊભા રહીને ગાંધીજીએ આ મહાન હિંદુ વિશે પોતાની શ્રદ્ધાંજલિ અર્પી છે. જેમની (વિવેકાનંદની) વાણીએ એમનામાં ભારત પ્રેમની અગ્નિશિખા પ્રદીપ્ત કરી દીધી છે. સ્વામી વિવેકાનંદના ગ્રંથોના અધ્યયનથી એમના જીવનમાં ઘણા ઉપકાર થયા એમ ગાંધીજીએ સ્પષ્ટપણે સ્વીકાર કર્યો છે. એ ગ્રંથોએ એમના ભારત વિશેના જ્ઞાન અને પ્રેમમાં અનેકગણી વૃદ્ધિ કરી છે.’

અહીં ઉલ્લેખ કરવો આવશ્યક છે કે રોમાં રોલાંએ લખેલા શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદનાં જીવન ચરિત્રો ગાંધીજીએ વાંચ્યાં હતાં. એમણે એ ગ્રંથો પ્રત્યે સમાદર પણ દાખવ્યો હતો. ૩૦ મે, ૧૯૩૨ના રોજ કુસુમ દેસાઈને લખેલા પત્ર પ્રમાણે તેઓ એ વખતે પણ આ બે ગ્રંથોનું અધ્યયન કરતા હતા. ૩ જૂન, ૧૯૩૨ના રોજ કાકા સાહેબ કાલેલકરને લખ્યું હતું કે એ બંને ગ્રંથો એમણે વાંચીને પૂરા કર્યા છે. પછી ૬ જાન્યુઆરી, ૧૯૩૩ના રોજ અત્યંત લાગણીસભર વાણીમાં રોમાં રોલાંની બહેન માદલીન રોલાંને લખ્યું છે કે, ‘તમે ઋષિ (રોમાં રોલાં)ને જણાવજો કે એ બે ગ્રંથો મેં થોડા મહિના પહેલાં વાંચી લીધા છે. એ વાંચીને મેં અત્યંત આનંદ અનુભવ્યો છે.’ આ ગ્રંથોના અધ્યયન પછી નવજીવન પ્રેસના મેનેજર સ્વામી આનંદે આ બંને પુસ્તકો વિશે ગાંધીજીને કેટલાક શંકા-પ્રશ્ન પૂછ્યા. ગાંધીજીએ એ શંકાપ્રશ્નના જે ઉત્તર આપ્યા તેના પરથી ગાંધીજીની સ્વામી વિવેકાનંદ વિશેની ધારણાનો સ્પષ્ટ પરિચય આપણને સાંપડે છે :

‘રોમાં રોલાંએ લખેલા રામકૃષ્ણ-વિવેકાનંદ વિશેના ગ્રંથો વાંચી લીધા છે. શ્રીરામકૃષ્ણ પ્રત્યે હું સદૈવ ભક્તિભાવ રાખું છું. એમના વિશે મેં ઘણું ઓછું વાંચ્યું છે. પરંતુ એમના ભક્તો પાસેથી એમના વિશે મેં જે કંઈ પણ સાંભળ્યું છે મને ભક્તિભાવની અનુભૂતિ થઈ છે. રોમાં રોલાંનાં આ પુસ્તકોમાંથી કંઈ વિશેષ સાંપડ્યું નથી કારણ કે એ પુસ્તકો પશ્ચિમના વાચકો માટે રચાયાં હતાં. આથી હું એમ નથી કહેવા માગતો કે આપણા માટે એમાંથી કંઈ લેવા જેવું જ નથી. અલબત્ત, હું જે કંઈ જાણતો હતો એના પ્રમાણમાં મને એમાંથી ઘણી ઓછી નવી માહિતી મળી છે… સ્વામી વિવેકાનંદ પણ શ્રીરામકૃષ્ણ જેવા એક પરમ ભક્ત હતા. વિવેકાનંદનો પ્રેમ અતિવિરાટ! ભાવાવેગમાં તેઓ પરિપૂર્ણ હતા – એ પ્રવાહમાં તેઓ તણાતા રહેતા. (ઈશોપનિષદમાં ઉલ્લેખાયેલ) હિરણ્મય પાત્રની જેમ સ્વામીજીની ભક્તિથી જ્ઞાન ઢંકાયેલ રહેતું. પરંતુ એમણે રાજનીતિને ધર્મથી અલગ રાખી એ મારા મતે બરાબર ન હતું. અલબત્ત, આવા વિરાટ પુરુષની સમાલોચના કરવી એ અમારા જેવા માટે ઉચિત નથી. જો આપણે ઇચ્છીએ તો કોઈ પણ માણસની સમાલોચના કરી શકીએ, પરંતુ આપણું કર્તવ્ય એ છે કે આવા મહાપુરુષો પાસેથી આપણાથી ગ્રાહ્ય છે તે સ્વીકારવું. તુલસીદાસના એક દોહાએ મારા મન પર ગંભીર પ્રભાવ પાડ્યો છે. એ દોહાને અનુસરીને હું કોઈની ટીકા કરવા માગતો નથી. તે દોહાને અર્થ આવો છે: પ્રભુએ આ જગતમાં ચેતન-અચેતન બધા પદાર્થોને સારા-નરસાંના મિશ્રણથી રચ્યા છે. પરંતુ હંસ જેમ નિરને છોડીને દૂધને ગ્રહણ કરે છે તેમ સારો માણસ નરસાંમાંથી પણ સારું તારવે છે… વિવેકાનંદનું પ્રદાન મહાન છે એ વિશે મને જરાય શંકા નથી. આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે સ્વામી વિવેકાનંદે જેને સત્ય કહીને સ્વીકાર્યું છે એને માટે એમણે પોતાનું જીવન અર્પણ કરી દીધું. ૧૯૦૧માં હું જ્યારે બેલૂર મઠ ગયો ત્યારે એમને મળવાની મારી ઇચ્છા હતી. પરંતુ મઠના એક સંન્યાસી પાસેથી મને જાણવા મળ્યું કે પોતાની નાદુરસ્ત તબિયતને લીધે કોલકાતા (શહેર) ગયા છે અને આ પરિસ્થિતિમાં એમને મળવાની કોઈ શક્યતા ન જણાઈ.’ 

ગાંધીજી અને સ્વામીજીના વિચારો અને આદર્શો વચ્ચે ઘણી બાબતોમાં સમાંતરતા જોવા મળે છે. ઘણા વિચારો અને આદર્શોમાં તો ગાંધીજી પર સ્વામીજીની સ્પષ્ટ અસર આપણે જોઈ શકીએ છીએ. સુપ્રસિદ્ધ લેખક અને જાણીતા ગાંધી વિચારક પ્યારેલાલે પોતાના ‘મહાત્મા ગાંધી – ધ અર્લી ફેઈસ’ના વૉ.૧માં આ વાતને સમર્થન આપતાં કહ્યું છે: 

‘સ્વામીજીએ પોતાના ગુરુદેવ શ્રીરામકૃષ્ણના વિચારો અને આદર્શોને કાર્યાન્વિત કર્યા છે એટલું જ નહિ પરંતુ એમને પોતાની વિરાટ બુદ્ધિપ્રતિભાના જ્ઞાનપ્રકાશથી આધુનિક સમાજને માટે વધુ જ્ઞાનપ્રદ બનાવ્યા. સાથે ને સાથે તેઓ પૂર્વ અને પશ્ચિમની વચ્ચે તેમજ પ્રાચીન અને અર્વાચીન વચ્ચે એક સેતુ રૂપ બન્યા. આવા આધુનિક મનીષીનાં લખાણોએ યુરોપના ટોલ્સ્ટૉય તેમજ પૂર્વના મહાત્મા ગાંધી પર પણ પ્રભાવ પાડ્યો… પોતાના જીવનકાળના એક દસકા જેટલા અલ્પ સમયગાળામાં તેમણે સમગ્ર જીવનભરનું કાર્ય પૂર્ણ કરી નાખ્યું. દુ:ખી, ગરીબ, કચડાયેલા સામાન્યજનોને ઈશ્વર કોટિના ગણવા માટે તેમણે (સ્વામીજીએ) ‘દરિદ્રનારાયણ’ શબ્દ આપ્યો છે (અને એટલે જ ‘શિવજ્ઞાને જીવસેવા’નો આદર્શ ભારતવર્ષ સમક્ષ એમણે સર્વ પ્રથમ મૂક્યો છે.) સર્વ પ્રથમ આ ‘દરિદ્ર નારાયણ’ શબ્દને દેશબંધુ ચિત્તરંજન દાસે કોલકાતા કોર્પોરેશનમાં સ્વરાજ પક્ષના એક કાર્યક્રમ રૂપે સ્વીકાર્યો. આ જ શબ્દ ભારતના સ્વાતંત્ર્ય આંદોલનમાં એક અગ્નિમંત્ર સમો બની ગયો. એમાંય જ્યારે મહાત્મા ગાંધીજીએ ભારતના લાખો ગામડાંના પુનરુદ્ધાર માટે આ શબ્દને પોતાના આદર્શમંત્ર જેવો બનાવ્યો ત્યારથી એમના અહિંસક અસહકાર આંદોલનમાં એ સર્વગ્રાહી બની ગયો.’

ભારતના ભૂખ્યાંજનોના જઠરાગ્નિને શાંત કરવા માટે ધર્મની આવશ્યકતા વિશે સ્વામી વિવેકાનંદે ઘોષણા કરતાં કહ્યું હતું કે જેઓ બીજા બધાની સેવા કરે છે કે એમને માટે જીવે છે તેઓ જ ખરેખર પ્રભુની પૂજા કરે છે.. બીજા કોઈ પ્રભુને શોધવા જવાની જરૂર નથી. ગાંધીજીનાં વિચારો અને લખાણોમાં પણ આપણને સ્વામીજીના ઉપર્યુક્ત વિચારોનો પડઘો સંભળાય છે. તેમણે લખ્યું છે:

હજારો અબોલ ભારતવાસીઓમાં રહેલા પ્રભુ સિવાય બીજા કોઈ પ્રભુને હું ઓળખતો નથી.. અને હું સત્યરૂપી પરમેશ્વરનો ઉપાસક છું અને એ સત્યરૂપી પરમેશ્વરનાં દર્શન આવા કરોડો અબોલ લોકોની સેવામાં થાય છે. જેમને દરરોજનું બે ટાણાંનું ભોજન પણ ન મળતું હોય તેવાં કરોડો લોકો પાસે હું ઈશ્વરની વાત કેવી રીતે કરી શકું. એમને મન તો ઈશ્વરનાં દર્શન રોટલી રૂપે જ થાય છે.. ઈશ્વરનું નામ લઈને એમની ઉપેક્ષા કરવી એ નિરર્થક છે. મારી દૃષ્ટિએ આપણી આ ચોર વૃત્તિ છે કે કોઈ પણ એક શક્તિશાળી પુરુષ કે સ્ત્રીને કામ વિના કે ભોજન વિના રહેવું પડે ત્યાં સુધી આપણને આરામ અને સારું ભોજન મળે એ પણ એક શરમની વાત છે. (‘હરિજન’, ૧૧ માર્ચ, ૧૯૩૯, પૃ.૪૪; ‘યંગ ઈંડિયા’, ૬ ઓક્ટો.,૧૯૨૧, પૃ.૩૧૪; ૧૫ સપ્ટે., ૧૯૨૭, પૃ.૩૧૩; ૧૫ ઓક્ટો., ૧૯૩૧, પૃ.૩૧૦)

સ્વામીજીએ પોતાના અંતિમ દિવસોમાં ભગિની નિવેદિતાને કહ્યું હતું:

‘જેમ જેમ મારી ઉંમર વધતી જાય છે તેમ તેમ મને નાનામાં નાની વસ્તુમાં પણ મહત્તા દેખાય છે… મહાન સ્થાને રહીને કોઈ પણ વ્યક્તિ મહાન કાર્ય કરી શકે છે… નાનામાં નાના કીડામકોડામાં પણ મને સાચી મહત્તાના વધુ ને વધુ દર્શન થાય છે. કારણ કે તેઓ પોતાની ફરજ અબોલ રહીને, સ્થિરધીરતાથી અને પળે પળે સતતપણે બજાવતા રહે છે.’

ગાંધીજી પણ આવું કહેતા થાકતા નહિ કે તેમનું જીવન પણ સામાન્યમાં સામાન્ય અને નાનામાં નાની ઘટનાઓથી ઘડાયેલું છે. તેઓ માનતા કે અહિંસાને પણ દૈનંદિન જીવનની નાની નાની ઘટનાઓમાં વધુ સારી રીતે અને સફળતાપૂર્વક આચરણમાં મૂકી શકાય. એટલે જ તેઓ પોતાના અનુયાયીઓને કહેતા કે લોકોએ જીવનમાં મોટી મોટી બાબતોને ભૂલી જઈને નાની નાની બાબતો પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને અહિંસા કે સત્ય જેવા આદર્શને આચરણમાં મૂકવાનો પ્રયત્ન કરવો જોઈએ; તો જ એમને જીવનમાં મોટી મોટી બાબતોમાં પણ સફળતા સાંપડશે.

ગાંધીજી ભારતવર્ષનાં તેમજ વિદેશનાં રામકૃષ્ણ મઠ અને મિશનનાં ઘણાં શાખાકેન્દ્રોમાં ગયા હતા. મઠ-મિશનની કાર્યપ્રણાલીથી તેઓ અત્યંત પ્રભાવિત અને સંતુષ્ટ થયા હતા. એમણે જે તે સ્થળે સ્વામીજી પ્રત્યે શ્રદ્ધાભાવ વ્યક્ત કર્યો હતો. ૧૩ નવેમ્બર, ૧૯૨૭ના રોજ એમના સિંહલ દેશ (શ્રીલંકા)ના પ્રવાસ દરમિયાન કોલંબોની વિવેકાનંદ સોસાયટીમાં એમણે કહ્યું હતું : 

‘અલ્પ સમયમાં આપની પ્રવૃત્તિઓ વિશેના છાપેલા વિવરણ પર મેં એક વિહંગાવલોકન કરી લીધું. તમારા આ કાર્ય માટે હું અભિનંદન આપું છું. વિવેકાનંદનું નામ જ જાદુઈ મંત્ર જેવું છે. ભારતવર્ષ પર અકાટ્ય પ્રભાવ તેમણે પાડ્યો છે. આખા ભારતવર્ષમાં એમના નામે અનેક સંસ્થા-સમિતિઓ જોવા મળે છે. તમારી સમિતિની સફળતા માટે હું શુભકામના પાઠવું છું. જો તમે દરિદ્ર નારાયણની સેવા બંધ કરો તો તમારી કાર્યવલી અપૂર્ણ ગણાશે… જ્યારે તમારા પ્રતિષ્ઠાન સાથે સ્વામી વિવેકાનંદનું નામ જોડાયેલું છે ત્યારે તમે ભારતનાં લાખો ક્ષુધાર્તોની – સામાન્યજનોની ઉપેક્ષા કરી ન શકો…’

૧૪ માર્ચ, ૧૯૩૧ના રોજ રંગૂનના રામકૃષ્ણ મિશનમાં આયોજિત શ્રીરામકૃષ્ણ જન્મોત્સવ સભામાં ગાંધીજીએ ભાગ લીધો હતો અને પોતાનું વક્તવ્ય પણ આપ્યું હતું. એમની સાથે મૌલાના મહમ્મદ અલી પણ હતા. ગાંધીજીએ કહ્યું હતું :

‘હવે હું આપને શ્રીરામકૃષ્ણ પરમહંસ અને એમના જીવન આદર્શ વિશે કંઈક કહીશ. તેઓ આપણા માટે એક મોટું કર્તવ્ય મૂકી ગયા છે. એમનાં જીવન અને સંદેશ પર મને પૂરેપૂરી શ્રદ્ધા છે અને એ આદર્શનું અનુસરણ કરવાનું હું આપ સૌને આહ્‌વાન કરું છું. હું જ્યાં જ્યાં જઉં છું ત્યાં ત્યાં મને શ્રીરામકૃષ્ણના અનુગામીઓ નિમંત્રે છે. એમના આશીર્વાદ મારાં કાર્યો પર પણ વરસતા રહે છે. શ્રીરામકૃષ્ણના નામે સેવાશ્રમો, હોસ્પિટલો વગેરે સમગ્ર ભારતવર્ષમાં છવાયેલાં છે. એવું કોઈ સ્થળ નથી કે જ્યાં નાના કે મોટા પાયે આવાં સેવાકાર્યો ન થતાં હોય. તેઓ દવાખાનાં ખોલે છે, દરિદ્રો અને રોગીઓની ચિકિત્સા કરે છે, ઔષધ આપે છે. પરંતુ જ્યારે શ્રીરામકૃષ્ણનું નામ મારા મનમાં આવે છે ત્યારે સ્વામી વિવેકાનંદનાં કાર્યોને પણ વિસારે પાડી શકતો નથી. વિવેકાનંદે એમના ગુરુને સમગ્ર વિશ્વમાં પ્રસ્થાપિત કર્યા છે. આવા સેવાશ્રમોની સંખ્યામાં વધારો થતો રહે એવી હું ઈશ્વર પાસે પ્રાર્થના કરું છું. પવિત્ર હૃદયવાળા, ભારતવર્ષ પ્રત્યે અત્યંત પ્રેમભાવ રાખનારા માણસો જ આવા સેવાશ્રમોમાં પોતાનું મહત્ત્વનું પ્રદાન કરશે, એવી મને આશા છે. ભારતવર્ષ પ્રત્યે પ્રેમતરબોળ બનીને જે યોગદાન કરશે એ લોકો જ કામ કરતા રહેશે.’

ગાંધીજીના જીવનકવન પર રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાની કેવી પ્રબળ અસર થઈ છે એ એમનાં સાહિત્ય, આદર્શો અને ઉદ્‌ગારોમાં પ્રચૂર પ્રમાણમાં જોવા મળે છે. અહીં આપણે અત્યાર સુધીના સંપાદકીય લેખોમાં એની એક આછેરી ઝલક આપવાનો અમે વિનમ્ર પ્રયાસ કર્યો છે.

Total Views: 61

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.